Jivanshikshan vishayak kedavani - 1 in Gujarati Philosophy by Dr. Atul Unagar books and stories PDF | જીવનશિક્ષણ વિષયક કેળવણી - 1 - જે મળ્યું છે તેમાં સંતોષી બની રહેવામાં શું ગુમાવ્યું, તેની કલ્પના કરી

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 1 - જે મળ્યું છે તેમાં સંતોષી બની રહેવામાં શું ગુમાવ્યું, તેની કલ્પના કરી

જે મળ્યું છે તેમાં સંતોષી બની રહેવામાં શું ગુમાવ્યું, તેની કલ્પના કરી છે ખરી?

ડૉ. અતુલ ઉનાગર

વર્તમાન યુગમાં નાસ્તિક તે નથી જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. ખરેખર તો નાસ્તિક તે છે જેમને પોતાની જાતમાં વિશ્વાસ નથી. જેને કંઈક નવું સર્જન કરીને ઈતિહાસ રચવો છે. જેને પોતાના સામર્થ્યની અનુભૂતિ જગતને કરાવવી છે. જે લાંબા રસ્તાનો યાત્રી હોય છે. જેને ખૂબજ દૂર સુધી પહોંચવું છે. જેની નભથી પણ ઊંચી ઉડાન હોય છે. જે મહાન વિચારોની સાથે મહાન પુરુષાર્થી પણ છે. આવા મહેનતું સાધકો પોતાના લેવલ પ્રમાણેનું મહાન ઉચ્ચ ધ્યેય નક્કી કરતા હોય છે.

મહાન માનવીને ક્યારેય ઓછું ખપે જ નહીં. તે મંજિલ સુધી પહોંચવા માટે કૃત સંકલ્પિત હોય છે. તેને તે ન મળે ત્યાં સુધી તે જંપીને બેસે જ નહીં. રાત-દિવસની પરવાહ કર્યા વિના તે ધ્યેયને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ જીવે. તે ભીષ્મ-પ્રતિજ્ઞાથી પ્રતિજ્ઞિત હોય છે. તેમણે મનોમન નક્કી જ કર્યું હોય છે કે હું ક્યારેય અટકીશ નહીં અને સતત ચાલતો જ રહીશ. વિધ્નોની પરવાહ કર્યા વિના અવિરતપણે આગળ વધતો જ રહીશ. હું સફળ થઈશ જ તેવી પોતાની જાતમાં સાધકને અસીમ શ્રદ્ધા હોય જ છે.

સફળ થવાનાં સ્વપ્ન જોવાનો અધિકાર દરેક વ્યક્તિ પાસે હોય જ છે. દુનિયાનો દરેક માનવી કંઈક ખાસ અને શ્રેષ્ઠ કરવા ઈચ્છતો જ હોય છે. દરેકને પોતાના હોવાપણાનો અહેસાસ આ દુનિયાને કરાવવાની ઈચ્છા હોય જ છે. વ્યક્તિ માત્રને નરમાંથી નારાયણ બનવાની તક મળતી જ હોય છે. ઈશ્વરે દરેકને કંઈકને કંઈક તો ખાસ આપ્યું જ છે કે જેના વડે તે દુનિયાનું સૌથી મોટું કામ પૂર્ણ કરી શકે.

દુનિયાના અમુક લોકો દૂરોગામી ભયથી ગભરાઈ જઈને કામનો આરંભ જ કરતા હોતા નથી. મોટાભાગના લોકો તો પેહેલેથી જ નાના નાના ધ્યેયને પામવાના વિચારો કરીને તે પ્રકારનું માનસ તૈયાર કરીને બેસી રહે છે. અમુક લોકો તો ટૂંકામાં ટૂંકા રસ્તાઓની શોધમાં જ વ્યસ્ત રહે છે. સેંકડો લોકોએ તો જીવનની શરૂઆતમાં જ મનને ઊંચાં સ્વપ્નો જોવાની બારી કાયમ માટે બંધ કરી દીધી હોય છે.

હું અહીં એવા મહાન હ્રદયના માનવીની વાત કરવા જઈ રહ્યો છું કે જેણે ખૂબજ મહત્વપૂર્ણ સ્વપ્નોને જોયાં હોય છે. આ સાધકો નિશ્ચિત માર્ગના નકશાઓ તૈયાર કરીને સફળતાની દિશામાં આગળ વધી રહ્યા હોય છે. પરંતુ આ તમામ સાધકોને સૌથી મોટી એક અડચણ આવીને ઊભી રહે છે. મોટાભાગના લોકો આ આકર્ષણમાં ફસાઈ જાય છે. જીવન સાધકો પોતાના જીવનમાં આવનાર સૌથી મોટી આ સમસ્યાથી અપરિચિત હોય છે.

આ આવનાર સમસ્યા ટૂંકા ગાળા માટે દુઃખદાયક નહીં પણ સુખકારી બનીને ઊભરી આવે છે. આ સમસ્યા થોડોક સમય શાંતિનો અહેસાસ કરાવી દે છે. આવે એટલે તરત જ માણસને પરિશ્રમાંથી કાયમી મુક્તિ અપાવે છે. આ સમસ્યા એવાં રંગરૂપમાં આવે છે કે માણસને તત્કાલ જ એક સંતોષની અનુભૂતિ થઈજાઈ છે. આ સમસ્યાનું નામ છે 'પ્રલોભન'. આ નાનું લાગતું વિધ્ન ખરેખર મહાભયાનક સ્વરૂપ ધરાવે છે. સાંભળવામાં આમ સહજ જણાતો આ શબ્દ ખૂબજ અવરોધક કે ઘાતક સાબિત થાય તેમ છે. આ પ્રલોભન નામના વિનાશક પ્રેતથી બચવું ભલભલાને માટે મુશ્કેલ છે.

જ્યારે વ્યક્તિ સફળતાનાં એક પછી એક સોપાન સર કરવા લાગે છે ત્યારે તેને દરેક સોપાન પર આ પ્રલોભન નામનો મહાશત્રુ આવીને મળે છે. દરેક સ્થળે તે પ્રેમાળ બનીને પોતાના પ્રેમમાં ફસાવવાના તમામ પ્રયાસો કર્યા જ કરે છે. જીવનની દરેક મંજિલ પર આ પ્રલોભન પોતાનું નવું જ આકર્ષક સ્વરૂપ પ્રગટ કરે છે. પ્રલોભનની માયામાં મોટાભાગના લોકો ફસાઈ જાય છે. આ પ્રલોભનોની માયા સંતોષ નામનું શિક્ષણ સતત આપતું રહે છે. જીવનના જે મુકામે ફસાયેલા હોઈએ તે સ્થાન કે સ્થિતિ જ શ્રેષ્ઠ છે એવો આભાસ થાય છે. આગળ અનેક વિધ્નો છે આવી માયાની લીલાથી આપણે ત્યાં જ સંતોષ નામનું કવચ પહેરીને બેસી જઈએ છીએ.

મોટાભાગે થાય છે એવું કે ઘણા બધા વ્યક્તિઓ પોતાને મળેલા પ્રલોભનને જ સફળતા માનીને વિકસવાના તમામ પ્રયત્નો છોડી દે છે. વચ્ચે મળેલા પ્રલોભનને કારણે સેવેલાં સ્વપ્નોના ચૂરેચૂરા થઈ જાય છે. હવે નવાઈની વાત એ છે કે માણસ મળેલ પ્રલોભનને જ સફળતા માનવા લાગે છે. પ્રલોભનને કારણે જે શ્રેષ્ઠતમ મળવાનું હતું તેની જગ્યાએ જે પણ કંઈ મળ્યું છે તેનાથી જ સંતોષ માની લે છે. દુઃખની વાત તો એ છે કે તે મંજિલ સુધી નથી પહોંચી શક્યો તેનો તેને રતિભર પણ રંજ નથી હોતો. તે પ્રલોભન નામના શત્રુને મિત્ર સમજીને આનંદની લાગણી અનુભવે છે. પ્રલોભને જે કંઈક નાનકડું આપ્યું હોય છે તેની ખુશીથી તે ઓતપ્રોત થઈ જાય છે. તેની ક્ષમતા અને લાયકાત જે કામ માટેની હતી તે તેને નથી મળ્યું છતાં પણ તેની તેને પીડા નથી હોતી આ તો કેવું અજુગતું લાગે? પણ આ જ સત્ય છે. દુનિયામાં મહાન બનવા માટે સર્જાયેલા અનેક લોકો પ્રલોભનના શિકાર બની ચુક્યા છે. આપણામાંથી પણ ઘણા એમાંના એક હશે.

આ પ્રલોભનની માયામાં મક્ક્મ મનના માનવીઓ ફસાતા નથી. આ સાધકોને પણ પ્રલોભન નામનો દુશ્મન યાત્રાના દરેક મુકામ પર પૂર્ણ શક્તિથી પ્રગટ થાય છે. સાધકોના મજબૂત મનોબળની આગળ પ્રલોભનની માયાનો જાદું ચાલતો નથી. કૃતસંકલ્પિત સાધકોની દ્રષ્ટિ સમક્ષ એક અને માત્ર એક જ મંઝીલ હોય છે.

આજે ઇતિહાસ સાક્ષી છે કે એવા અનેક મહાપુરુષો થયા છે કે જેને ડગલે ને પગલે પ્રલોભનોની શૃંખલા મળી હોય. અને તેણે તે પ્રલોભનોને માટીના ઢેફાં સમાન ગણીને આસક્તિ દાખવી હતી. આપણું પ્રાચીન સાહિત્ય જેનું સાક્ષી બને છે તેવાં અનેક પ્રલોભનો જગ-વિખ્યાત છે. જેમ કે રાજ્ય-વૈભવ, ગુરુગાદી, પદ/હોદ્દો, પટરાણી-પદ, રાજકુમારીઓ, અપ્સરાઓ, સુંદરીઓ, નોકર-ચાકરો, મહેલો, ભેટ સોગાદો અને અનેક ભોગ વિલાસની વસ્તુઓને ન્યોછાવર કરનારા મહાત્માઓની આજે ઇતિહાસ નોંધ લઈ રહ્યું છે.

આપણી આજુ-બાજુમાં અનેક લોકોને પ્રલોભનોથી ફસાઈ ગયેલા જોઈ શકાય છે. આપણે પણ ક્યારેક પ્રલોભનના ભોગ બનેલા હોઈશું. આપણી આસપાસ નજર કરીશું તો ધ્યાનમાં આવશે કે લોકો કેવાં કેવાં પ્રલોભનોના શિકાર થઈ ગયા છે. 'નાની ઉંમરે નાની નોકરી મળી જવી', 'ભણતાં ભણતાં પરણી જવું', 'જ્ઞાનાર્જન કાળ દરમિયાન આવકનાં સાધનો મળી જવા', 'પરદેશ જતા રહેવું', 'મોજશોખના નામે વ્યસની બની જવું', 'પ્રેમમાં ફસાઈ જવું', 'કોઈ ગુંડાગીરી ટોળીના સભ્ય બની જવું', 'લાંચ રૂશ્વતમાં ફસાઈ જવું', વગેરે...

અર્જુનને શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે. આપણી ઇન્દ્રિયો એટલી પ્રબળ અને ગતિશીલ હોય છે કે તેના પ્રલોભનથી વિવેકી પુરુષોનાં મન પણ વિચલિત થઈ જાય છે.

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्र्चितः |
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः || 2 .60

"પ્રલોભનોથી બચવું એ સંયમની પરાકાષ્ઠા છે". આપણી મંજિલ સુધી પહોંચવાની તીવ્ર ઉત્કંઠતા એ પ્રલોભન સામે લડવાનું સૌથી મોટું શસ્ત્ર છે. જો ચોક્કસ મંજિલ સુધી પહોંચવાની આપણા હ્રદયમાં ભડભડતી આગ નથી તો આપણે ડગલે ને પગલે પ્રલોભનમાં ફસાઈ જવાના એ નક્કી જ છે. આજકાલ ટેક્નોલોજીના યુગમાં પ્રલોભનોનો પ્રભાવ ખૂબ જ વધી ગયો છે. આથી મારા વ્હાલા સાધકમિત્રો આપ એ ક્યારેય ના ભૂલશો કે આપની મંજિલ ઘણી દૂર છે. આપ આપની યાત્રા દરમિયાન હંમેશા સાવધાન અને જાગૃત રહેજો. સંતોષી નર સદા સુખી એ વિધાન આપના માટે બન્યું જ નથી એતો કાયરોની છટક બારી છે. આપનું લક્ષ્ય આપની પ્રતીક્ષા કરી રહ્યું છે. અટકશો નહીં, ફસાશો નહીં આગળને આગળ વધતા રહો. આપે નક્કી કરેલા મુકામ પર પહોંચીને જ જંપો કેમ કે આપ શ્રેષ્ઠતમ માટે જ અવતર્યા છો.


-- ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.