Yog-Viyog - 27 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 27

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 27

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૭

જાનકી અને લક્ષ્મી શાકભાજીના બે મોટા થેલા ઊંચકીને ઘરમાં દાખલ થયાં ત્યારે વૈભવી ડ્રોઇંગરૂમમાં મેગેઝિનનાં પાનાં ઉથલાવી રહી હતી.

‘‘કોઈ નથી ?’’ જાનકીએ આમતેમ જોયું.

‘‘હું આવડી મોટી બેઠી છું ને ?’’

‘‘ડેડી...’’

‘‘બહાર ગયા છે. મારાં સાસુ જોડે.’’

‘‘ખરેખર !’’ લક્ષ્મીના ચહેરા પર આનંદ છાનો ના રહ્યો, ‘‘મને ખાતરી હતી કે એક વાર અહીં રહેવા આવી જઈશું તો ડેડી અને મા વચ્ચે નાના નાના પ્રસંગોમાં સમાધાન થતું જશે...’’

‘‘એવું તો મને પણ લાગે છે કે તમે જ્યારે પાછા જશો ત્યારે બે નહીં, ત્રણ ટિકિટ લેવી પડશે. સવાલ માત્ર એટલો જ છે કે તમે પાછા જશો કે પછી...’’

‘‘લક્ષ્મી, આવે છે ને રસોડામાં ?’’ જાનકીએ વૈભવીનું નિશાન ચુકાવી લક્ષ્મી કંઈ સમજે એ પહેલાં વાત બદલી નાખી.

‘‘હા, હા... હું એક ફોન કરી લઉં.’’

‘‘નીરવ આઠ વાગ્યા પહેલાં ઓફિસમાંથી નીકળી નથી શકતો.’’ વૈભવીએ ફરી એક વાર જુદા એન્ગલથી નિશાન લીધું, ‘‘કરોડપતિનો દીકરો છે, એકનો એક... તેં બરાબર જોઈ-વિચારીને બધું ગોઠવ્યું લાગે છે, પણ તને એક વાત કહી દઉં, એનો બાપ ખડૂસ છે. બરાબર કિંમત વસૂલ કરશે નીરવની. જોકે સૂર્યકાંત મહેતાને દીકરીના સુખ માટે કોઈ પણ કિંમત પોસાય એમ છે. શું કહે છે ?’’

‘‘ભાભી, આ દુનિયામાં સંબંધો માત્ર કિંમતથી નથી બંધાતા... નીરવની કિંમત એના ડેડી શું માગશે એની નથી ખબર, પણ એક વાત કહું તમને, એક ત્રાજવામાં રૂપિયા ને એક ત્રાજવામાં નીરવ મૂકીને હું કાંઈ માપી શકું એમ નથી...’’

‘‘રૂપિયા નહીં તો ડોલર મૂકજે.’’ વૈભવી હસી અને લક્ષ્મી જવાબ આપ્યા વિના જાનકીની સાથે રસોડા તરફ આગળ વધી ગઈ.

જાનકીના મનમાં આજે મા પહેલી વાર પપ્પાજી સાથે એકલાં બહાર ગયાં એ વાતનો આનંદ ઓછો નહોતો... જિંદગીનાં કેટલાંય વર્ષો સાવ એકલતામાં ગાળ્યાં હતાં એવી સ્ત્રીના શનિવારની એક સાંજ આજે મરિન ડ્રાઈવના કોઈ દરિયા કિનારે કે કોફી શોપના ટેબલ પર સભર બની જવાની હતી. એણે મનોમન આંખ મીંચીને ઈશ્વરનો આભાર માન્યો.

લક્ષ્મી ડેડી વિશે વિચારી રહી હતી. એને અચાનક ખ્યાલ આવ્યો કે આટલાં વર્ષોમાં એણે એના ડેડીને બિઝનેસ સિવાયની કોઈ પાટર્ીમાં કે આનંદ-પ્રમોદના કોઈ પ્રસંગે જતા જોયા નહોતા. જે દેશમાં ‘વીક-એન્ડ’ માટે લોકો આખું અઠવાડિયું કાળી મજૂરી કરતા એવા દેશમાં એના ડેડી સાડા પાંચ દિવસ પુષ્કળ કામ કરતા અને બાકીનો દોઢ દિવસ જરૂર સિવાય ભાગ્યે જ ઘરની બહાર નીકળતા !

આટલાં વર્ષોમાં એણે ડેડીને ક્યારેય કોઈ સ્ત્રીની નજીક જતા કે એનામાં રસ લેતા નહોતા જોયા. લક્ષ્મી મોટી થયા પછી ઘણી વાર એના પિતા સાથે ખુલ્લા મને વાત કરતી હોય ત્યારે કહેતી, ‘‘તમે હેન્ડસમ છો, આટલા બધા પૈસા છે તમારી પાસે અને કોઈ પણ સ્ત્રીને રસ પડી શકે એવું વ્યક્તિત્વ છે... તમે ફરી લગ્ન કરવાનો કેમ વિચાર નથી કરતા ?’’

સૂર્યકાંત વાત ટાળી જતા, પરંતુ લક્ષ્મીએ જ્યારે જ્યારે આ સવાલ પૂછ્‌યો ત્યારે ત્યારે સૂર્યકાંતની નજર સામે લાલ ચાંદલાની નીચે ગોઠવાયેલી માછલી જેવી લાંબી અને ભાવવાહી આંખોની એક જોડી તરવરી ઊઠતી.

આજે પણ મરિન ડ્રાઈવના દરિયા કિનારે બેઠેલાં સૂર્યકાંત અને વસુંધરા ખાસ્સી મિનિટોથી ચૂપચાપ હતાં. બંને જણાં થોડાક દરિયા તરફ અને થોડાક ટ્રાફિક તરફ ફરીને બેઠાં હતાં. શનિવારની સાંજનો સૂર્ય દરિયાના ખૂણે ડૂબી રહ્યો હતો. દરિયા કિનારાનો સમી સાંજનો પવન ફરફરાટ કરતો વાઈ રહ્યો હતો. રસ્તા ઉપર ટ્રાફિક સડસડાટ પસાર થઈ રહ્યો હતો. કોફીવાળા, શિંગ-ચણાવાળા અને બીજા ફેરિયાઓ આવતા, ક્ષણેક ઊભા રહેતા અને આગળ નીકળી જતા.

સૂર્યકાંત થોડી થોડી વારે વસુમા તરફ જોઈ રહ્યા હતા. વસુમા બેધ્યાનપણે જાણે ક્યાંક ખોવાયેલાં હતાં. એમની મોટી મોટી આંખો ઊંડા વિચારમાં દૂર શૂન્યમાં ક્ષિતિજ તરફ જોઈ રહી હતી. એમના ચહેરા પર એક-બે લટો છૂટી પડીને ફરફરી રહી હતી.

‘‘વસુ,’’ ખાસ્સી વાર સુધી શબ્દોને ગોઠવ્યા પછી સૂર્યકાંતે પૂછ્‌યું, ‘‘તું મને ગેસ્ટરૂમમાં કેમ રાખે છે ?તે દિવસે છોકરાંઓની હાજરીમાં મારે કોઈ ચર્ચા નહોતી કરવી, પણ મને ગમ્યું નથી.’’

‘‘જાણું છું. મેં કહ્યું ત્યારે પણ જાણતી હતી કે તમને નહીં ગમે, પણ મારે મારા એકાંતમાં હવે કોઈને પ્રવેશ આપીને પરિસ્થિતિને નવો વળાંક નહોતો આપવો.’’

‘‘એકાંત ? વસુ, તારા આટલાં વર્ષોની એકલતાને તોડવા તો આવ્યો છું હું. તું મને આમ દૂર દૂર રાખીશ તો...’’ સૂર્યકાંતે હિંમત કરીને વસુમાનો હાથ પકડ્યો.

‘‘એકલતા ? કાન્ત, એકાંત અને એકલતા વચ્ચે ફેર છે. મેં મારી એકલતાને એકાંતમાં ફેરવી નાખી છે. હું હવે મારી જ જાત સાથે જીવતા શીખી ગઈ છું. બીજા બધા જ મારી આસપાસ, મારી આગળ-પાછળ જીવે છે. મારી સાથે તો હું એકલી જ છું...’’ એમણે સૂર્યકાંતનો હાથ છોડાવ્યા વિના જ પોતાની વાત કહી.

‘‘વસુ, તું મારી સાથે બહાર આવી એ મને ગમ્યું. મને તો એમ કે તું ના પાડીશ.’’

વસુમાના ચહેરા પર આશ્ચર્યસભર સ્મિત આવ્યું, ‘‘શું કામ ના પાડું કાન્ત?’’

‘‘મને એમ કે કદાચ મારી સામે તને... આટલા વર્ષે કદાચ તું, એટલે કે... તું સમજે છે ને ?’’

ખુલ્લા મને હસી પડ્યાં વસુમા, ‘‘સમજું છું કાન્ત, પણ ધારો કે તમે મારા મિત્ર હોત અને શનિવારની કોઈ એક સાંજે તમે મને બહાર જવાનું કહ્યું હોત...’’

‘‘એવા મિત્રો છે તારે ?’’

‘‘શું લાગે છે, હશે ?’’

‘‘વસુ, એક વાત પૂછું તને? આટલાં વર્ષોમાં ક્યારેય એક પણ વાર બીજા કોઈ પુરુષ...’’

‘‘કાન્ત, મને એટલો સમય જ ના મળ્યો.’’

‘‘તું સુંદર છે, આજે પણ ! ત્યારે તો એકલી પણ હતી. સંતાનોની જવાબદારી... અને એકલી સ્ત્રીની સુંદરતા... તને ક્યારેય કોઈ કડવો અનુભવ... ’’

‘‘પૂછવા શું માગો છો ? મારા જીવનમાં કોઈ પુુરુષ હતો કે નહીં?’’

‘‘આમ તો મને એ પૂછવાનો અધિકાર જ નથી, છતાં તને ફરી લગ્ન કરવા માટે કોઈએ ક્યારેય પૂછ્‌યું જ નહીં ? એવો કોઈ માણસ, એવી કોઈ દરખાસ્ત...’’

એક ઊંડો નિઃસાસો નાખ્યો વસુમાએ. પછી સૂર્યકાંતની સામે જોઈ રહ્યાં. જાણે એમના મનનું માપ લેતાં હોય એવી ધારદાર નજર હતી વસુમાની. થોડી વાર ચૂપ રહીને એમણે બહુ જ હળવેથી, લગભગ પોતાને જ કહેતાં હોય એમ કહ્યું, ‘‘એવી પળ જ ના આવી કાન્ત ! હું એકલી છું અથવા સુંદર છું... એવો વિચાર કરવાનો મારી પાસે જ સમય નહોતો. તો બીજાને તો ક્યાંથી... ’’

‘‘વસુ, યશોધરા સાથે...’’

‘‘આપણે એ વાત નહીં કરીએ કાન્ત.’’

‘‘યશોધરા મુંબઈમાં છે...’’

‘‘...અને એને લકવો થયો છે.’’

‘‘એટલે તું જાણે છે.’’ વસુમાએ જવાબ આપ્યા વિના દરિયા તરફ જોયા કર્યું.

બંને જણાં ખાસ્સી વાર ચૂપચાપ બેસી રહ્યાં. બંનેની વચ્ચેથી વીતેલાં વર્ષોનો થોડો અજંપ, થોડો લાગણીશીલ કાફલો ધીમે ધીમે પસાર થતો રહ્યો, પછી ઘડિયાળ જોઈને સૂર્યકાંતે કહ્યું, ‘‘ચાલ, સામે એક સરસ કોફી પીએ.’’ વસુમા ચૂપચાપ ઊભાં થયાં. સૂર્યકાંતે પોતાના હાથમાં પકડેલો એમનો હાથ હજીયે છોડ્યો નહોતો ને વસુમાએ એ છોડાવવાનો કોઈ પ્રયાસ પણ કર્યો નહોતો.

પ્રયાગરાજે હસીને અંજલિના માથા પર વહાલસોયો હાથ ફેરવ્યો અને ઇશારો કરીને શફ્ફીને મળવા અંદર ચાલી ગયા. એકલી ઊભેલી અંજલિ વધતી જતી ભીડમાં વધુ એકલી થઈ ગઈ.

એ ઓડિટોરિયમમાં દાખલ થતાં ઓડિયન્સની સાથે ભળીને પોતાની સીટમાં ગોઠવાઈ ગઈ. બાજુની ખાલી સીટમાં કોઈ આવવાનું નહોતું, કારણ કે એ સીટ રાજેશની હતી. અંજલિ ઘડીભર એ સીટ સામે જોતી રહી, ‘‘આવ્યો હોત તો ? હું અહીં આમ સાવ એકલી તો ન પડી જાત...’’ ત્યાં પ્રયાગરાજજી આવીને અંજલિની બીજી બાજુ ગોઠવાયા. શફ્ફીએ કદાચ અંગત દેખરેખ નીચે સીટના નંબર આપ્યા હતા.

કાર્યક્રમ શરૂ થયો. શફ્ફાક અખ્તરની ગઝલો જાદુ કરવા માંડી.

‘‘તુ પાસ ભી હો તો દિલ બેકરાર અપના હૈ,

કિ હમકો તેરા નહીં, ઇન્તઝાર અપના હૈ...’’

તાળીઓના ગડગડાટ વચ્ચે એક પછી એક ઉત્તમ ગઝલ જવાતી હતી. શાસ્ત્રીય રાગો, શફફીનું ગળું અને ગઝલના ઉત્તમ શબ્દોની પસંદગી માહોલ પર જાદુ કરતી જતી હતી.

‘‘કચ્ચે બખિયે કી તરહ રિશ્તે ઉધડ જાતે હૈ

લોગ મિલતે હૈ, મગર મિલ કે બિછડ જાતે હૈ...’’

અંજલિ જાણે સૂર, શબ્દ અને ભૂતકાળના એક કોકટેઇલમાં તર-બ-તર થઈ ગઈ હતી. શફ્ફાક અખ્તર પણ જાણે આખાય ઓડિયન્સમાં એકલી અંજલિ જ બેઠી હોય એમ એની જ આંખોમાં આંખો નાખીને ગાઈ રહ્યો હતો,

‘‘અબ કે બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલેં,

જિસ તરહ સૂખે હુએ ફૂલ કિતાબોં મેં મિલેં...’’

અંજલિ લગભગ તંદ્રામાં સાંભળી રહી હતી અને અચાનક જ જાણે કોઈકે કાચી ઊંઘમાંથી જગાડી હોય એમ એણે સાંભળ્યું, ‘‘આજ યહા મુજસે ભી બહેતર સૂર ઔર મુજસે ભી આલા એક આવાજ મૌજુદ હૈ... મૈં ઉનસે ગુજારિશ કરૂંગા કિ વો આયેં ઔર મેરે સૂર મેં સૂર મિલાયે... અંજલિ, આઓ, યે સાઝ ઔર મેરી આવાજ તુમ્હારા બેસબરી સે ઇન્તજાર કર રહે હૈં...’’

અંજલિએ હતપ્રભ થઈને પ્રયાગરાજજી સામે જોયું. પ્રેક્ષકગૃહમાં બેઠેલી એકેએક વ્યક્તિ પોતાની બાજુવાળાને, ઉપરવાળાને, પાછળવાળાને જોઈને, આ ‘‘ અંજલિ’’ કોણ છે એ શોધી રહ્યા હતા.

‘‘હું... હું નહીં ગાઉં...’’ અંજલિના પગ પાણી પાણી થતા હતા. એ.સી. ઓડિટોરિયમમાં એને પરસેવો વળી ગયો હતો.

‘‘બેટા, યે શફ્ફાકનો નહીં, ભગવાનનો અવાજ છે. તને બોલાવે છે. સંગીતની દુનિયામાં પાછી...જા બેટા, ઈશ્વરના ઘેરથી આવેલા આમંત્રણને કોઈ ટાળી શક્યું છે ?!’’

‘‘પણ...’’ અંજલિ કશું સમજે એ પહેલાં તો શફ્ફાક અખ્તર સ્ટેજ ઉપરથી ઊતરીને ગેન્ગવેમાં ચાલતો એના તરફ આવી ગયો. બરાબર અંજલિની સીટ સામે ઊભા રહીને એણે હાથ લંબાવ્યો. એની આંખોમાં, એના લંબાયેલા હાથમાં કોણ જાણે શું હતું કે અંજલિ વશીકરણ થયેલા વ્યક્તિની જેમ એની સાથે સાથે ચાલી નીકળી...

અને, એન.સી.પી.એ.ના એ પ્રેક્ષકગૃહમાં બેઠેલા એક હજાર વ્યક્તિની બે હજાર આંખો પલળી ગઈ.

સાઝ છેડાયા... અને ભૈરવીનો આલાપ છેડીને શફ્ફાક અખ્તરે શરૂ કર્યું...

‘‘રાતભર આપ કી યાદ આતી રહી,

રાતભર ચશ્મેનમ મુસ્કુરાતી રહી...’’

આખું પ્રેક્ષકગૃહ અને શફ્ફીની બે આંખો અંજલિ સામે જોઈ રહી હતી. અંજલિના શ્વાસ અટકી ગયા હતા. પરસેવે રેબઝેબ ધ્રૂજતી અંજલિએ હળવેકથી આલાપ લીધો અને આખું ઓડિયન્સ જાણે એ અવાજના જાદુમાં ગરકાવ થઈ ગયું...

‘‘કોઈ દિવાના ગલીયોં મેં ફિરતા રહા...

રાતભર કોઈ આવાજ આતી રહી...’’

હજી ગઝલ પૂરી થાય એ પહેલાં જ ભૈરવી સાથે ભૈરવી જોડીને શફ્ફીએ ગાવા માંડ્યું, ‘‘મિલે સૂર મેરા તુમ્હારા... તો સૂર બને હમારા...’’

અને અંજલિ જાણે સંગીતના અથાગ સાગરમાં ડૂબકા ખાતી, અથડાતી, પછડાતી... એનાં મોજાં સાથે ઊછળીને કિનારે આવતી... ફીણ ફીણ થઈ વિખરાતી, સમેટાતી... શફ્ફીના અવાજમાં પોતાનો અવાજ મેળવીને - ભેળવીને ગાતી રહી... ‘‘મિલે સૂર મેરા તુમ્હારા, તો સૂર બને હમારા...’’

કાર્યક્રમ પૂરો થયા પછી લોકોએ શફ્ફાક અખ્તરને બદલે અંજલિને ઘેલા થઈને બિરદાવી હતી. ટોળેટોળાં અંજલિની આસપાસ વીંટળાઈ વળ્યાં હતાં. કોઈ એનો ઓટોગ્રાફ માગતું હતું તો કોઈ એનું વિઝિટિંગ કાર્ડ...

પ્રેક્ષકોમાં હાજર કેટલાક પ્રેસવાળાએ અંજલિના ફોટા પાડ્યા અને એને પૂછ્‌યું, ‘‘અત્યાર સુધી તમે જાહેરમાં કેમ ગાયું નથી ?’’

‘‘કેમ કાર્યક્રમો નથી આપતા તમે ?’’

આ બધામાં ગૂંચવાયેલી... આ બધાથી વીંટળાયેલી અંજલિ જાણે ડઘાઈ ગઈ હતી. એણે તો માન્યું હતું કે એની જિંદગીમાં હવે ક્યારેય સંગીત પાછું નહીં આવે અને એમાં પણ આવી રીતે, આવા ઓડિયન્સની સામે એ ક્યારેય ગાશે, ગાઈ શકશે એ વિચાર જ એને માટે આકાશકુસુમવત હતો.

આજે જાણે સદીઓથી બંધ એક પટારો ખૂલ્યો હતો... સદીઓથી તરફડી રહેલા એક આત્માને મુક્તિ મળી હતી. સદીઓથી આંખોમાં બંધ એક સપનું સાચું પડ્યું હતું !

‘‘મેં કહ્યું હતું ને દીકરા, ઈશ્વરની મરજી તું શું કામ નક્કી કરે છે બેટા ? એની મરજી વિના કંઈ થયું નથી, અને એની મરજી હશે તો અટકાવ્યું કંઈ અટકશે નહીં. તેં જોયુંને આજે ? લોકો શફ્ફાકને ભૂલીને તારી પાછળ પાગલ થઈ ગયા...’’

‘‘પણ ગુરુજી, એનો અવાજ મારાથી સારો જ છે... સંગીતની સમજ પણ એને મારાથી વધારે જ છે. એને તો ઈશ્વરની ભેટ છે... આ સંગીત !’’ શફ્ફી અંજલિની બાજુમાં ઊભો હતો. અંજલિએ આભારવશ, શરમાળ નજરે એની સામે જોયું. અત્યારે એ પોતાના જ સૂરના પડઘાઓમાં ડૂબેલી હતી. એના શરીર પર બાઝી ગયેલાં જાળાંઓ જાણે કોઈકે સાફસૂફ કરીને એને ચમકાવી દીધી હતી... તાજો તાજો વરસાદ પડી ગયા પછી જેમ વૃક્ષો લીલાછમ થઈને મહેંકી ઊઠે એમ અંજલિની અંદર કશુંક લીલુંછમ, તાજું થઈને મહેંકી ઊઠ્યું હતું !

મરિન ડ્રાઈવથી ચર્ચગેટ તરફ જતા રસ્તાના કોર્નર ઉપર જાઝ બાય ધ બે... નામની રેસ્ટોરાંમાં કોફી પીતાં અંજલિ એકીટશે શફ્ફાકને જોઈ રહી હતી. બંને ખાસ્સી વારથી અહીં બેઠાં હતાં. પણ બેમાંથી કોઈ એક અક્ષર બોલ્યું નહોતું.

શફ્ફીએ અંજલિના ટેબલ પર મુકાયેલા હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો, ‘‘અંજુ, હજીયે મોડું નથી થયું. તું મારી સાથે ગા, મારા કાર્યક્રમો તને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવશે...’’

‘‘મોડું ?’’ અંજલિ અચાનક ભાનમાં આવી. એણે શફ્ફીના હાથ નીચેથી પોતાનો હાથ ખેંચીને ઘડિયાળમાં જોયું, ‘‘બાર ને ચાળીસ... ઓહ માય ગોડ... હું નીકળું છું.’’ એ ઊભી થઈ. શફ્ફીએ એનો હાથ પકડી લીધો.

‘‘બે મિનિટ.’’

‘‘એક સેકન્ડ પણ નહીં.’’

‘‘તેં મારી વાતનો જવાબ ના આપ્યો.’’

‘‘એ શક્ય નથી શફ્ફી.’’

‘‘અંજુ, વિચારીશ એટલું તો કહે. મારી તસલ્લી માટે...’’

‘‘મેં તને પહેલાં પણ કહ્યું શફ્ફી, સપનાં એટલાં જ જોવાના, જેટલાં આંખોમાં સમાય, વારે વારે આંખમાંથી આંસુ થઈને છલકાઈ જાય એવાં સપનાં નકામા...’’ અંજલિ ઝડપથી જાઝ બાય ધ બેની બહાર નીકળી અને લગભગ દોડતી ફૂટપાથ ઉપર આવી. એની ગાડી એન.સી.પી.એ.ના કંપાઉન્ડમાં હતી. એ અને શફ્ફી એન.સી.પી.એ.થી ચાલતાં આવ્યાં હતાં. શફ્ફી એની પાછળ દોડ્યો... અને ઝડપથી ચાલતી અંજલિની સાથે એ પણ ઝડપથી ચાલવા લાગ્યો.

‘‘અંજુ, હું હજી પણ...’’

‘‘એનો કોઈ અર્થ નથી શફ્ફી, મારે હવે ઘરે જવું જોઈએ. રાજેશ રાહ જોતા હશે.’’

એન.સી.પી.એ.ના કંપાઉન્ડમાં પ્રવેશીને પોતાની ગાડી ખોલવા ઉતાવળી થયેલી અંજલિને ઝટકો મારીને શફ્ફીએ રોકી. એને પોતાના તરફ ફેરવી અને એની કમરની આસપાસ હાથ લપેટી એને પોતાની નજીક ખેંચી. અંજલિ વિરોધ કરે કે કંઈ સમજે એ પહેલાં શફ્ફીએ પોતાનો બીજો હાથ એના ખભાની આસપાસ લપેટ્યો અને એના હોઠ ઉપર પોતાના હોઠ મૂક્યા... એને એની જ ગાડી ઉપર સહેજ ઢાળી દીધી... અંજલિએ વિરોધનો તરફડાટ કર્યો. શફ્ફીને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો પણ ત્રણેક સેકન્ડમાં જાણે એનો બધો જ વિરોધ જિંદગીનાં પાંચ વર્ષ પાછળ ધકેલાઈ ગયો. શફ્ફીના બે હોઠની વચ્ચે અંજલિ પાંચ વર્ષ નાની થઈ ગઈ, અને પોતાના જ અવાજના નશાની અસરમાંથી હજી બહાર નહીં આવી શકેલી અંજલિને એવો પણ ખ્યાલ ના રહ્યો કે એની ગાડીથી થોડેક જ દૂર પાર્ક કરેલી મર્સિડિસના કાળા કાચમાંથી રાજેશ ઝવેરી આ ચુંબન જોઈ રહ્યા હતા...

પોતાની ચાવીથી લેચ ખોલીને અંજલિ ઘરમાં દાખલ થઈ ત્યારે રાજેશ ટેબલ પર બેઠો હતો. કદાચ હમણાં જ બહારથી આવ્યો હતો. એણે શૂઝ પણ નહોતાં ઉતાર્યાં...

અંજલિ સીધી પોતાના બેડરૂમ તરફ જવા લાગી, ‘‘જમવું નથી?’’

‘‘અ...બ... ભૂખ નથી.’’

‘‘પણ હું નથી જમ્યો હજુ. મારી સાથે બેસીશ પણ નહીં ?’’ પતિ-પત્ની બે જ જણાં રહેતાં હોવાના કારણે એકને જમવું હોય કે નહીં, પણ બીજું જમતું હોય ત્યારે સાથે બેસવાનો આ ઘરમાં વણલખ્યો નિયમ હતો. અંજલિએ ઊંઘરેટી આંખે રાજેશ સામે જોયું, ‘‘મને ખૂબ ઊંઘ આવે છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ...’’

‘‘અરે, નો પ્રોબ્લેમ, સૂઈ જા.’’ અંજલિ બેડરૂમ તરફ આગળ વધી ગઈ અને રાજેશ શરીર લંબાવી ડોકું ડાઇનિંગ ટેબલની ખુરશીની પીઠ પર ઢાળી ઘડીભર આંખો મીંચીને એમ જ પડી રહ્યો.

રાતના પોતાના રૂમમાં પલંગ પર સૂતેલાં વસુમા વિચારે ચડી ગયાં હતાં, ‘‘આ શું થઈ રહ્યું છે ? કઈ દિશા છે આ, જે તરફ હું ચાલી નીકળી છું. સૂર્યકાંતને સામેથી શોધીને બોલાવ્યા છે મેં અને છતાં મન નાની નાની વાતમાં કેમ પાછું પડે છે ? શું જોઈએ છે મને ? શું સાબિત કરવું છે મારે ?’’

બીજી તરફ પોતાના રૂમમાં લક્ષ્મીની બાજુમાં સૂતેલા સૂર્યકાંત મહેતા પડખા ઘસી રહ્યા હતા. બંનેના પલંગની વચ્ચે એક જૂનું સિસમનું ટેબલ હતું. છતાંય લક્ષ્મીને પિતાની બેચેની અનુભવાતી હતી. આખરે એનાથી ના રહેવાયું એટલે એ ઊઠી, સૂર્યકાંત મહેતાના પલંગની ધાર પર બેઠી અને એમના માથે હાથ ફેરવ્યો... ‘‘ડેડ, શું થયું છે ? કેમ આટલા બેચેન છો ? માએ કંઈ કહ્યું તમને ?’’

ઝટકાથી બેઠા થઈ ગયા સૂર્યકાંત, ‘‘કંઈ કહેતી નથી એ જ પ્રોબ્લેમ છે. માન આપે છે, સારી રીતે વર્તે છે, સંભાળ પણ રાખે છે, પણ...’’

‘‘પણ શું ડેડી ?’’

‘‘પણ...’’ દીકરીને કેવી રીતે સમજાવે સૂર્યકાંત કે માન રાખવું, સારી રીતે વર્તવું, સંભાળ રાખવી એ તો કોઈ પારકા માટે પણ કરે, પણ આ કોઈ પારકા સાથેનો સંબંધ નહોતો અને આ સંબંધમાં એમને જે ખૂટતું હતું એના ઉપર આંગળી મૂકી શકાય એવું નહોતું. એ ખૂટતા રંગનું કોઈ ખાસ નામ પણ નહોતું, એ ખૂટતી લાગણીનો કોઈ આકાર નહોતો, પણ ‘કશુંક’ હતું, જે આ સંબંધને અધૂરો રાખતું હતું.

અલયના રૂમની લાઇટ ચાલુ હતી. એ પોતાના પલંગમાં ચત્તોપાટ પડીને વિચારી રહ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં બનેલી ઘટનાઓ વિશે... સૂર્યકાંતનું આવવું, અભયનું અચાનક બદલાઈ જવું, પોતાની જિંદગીમાં આવો જબરદસ્ત વળાંક આવવો અને શ્રીજી વિલાની કેટલીય જિંદગીઓનું તદ્દન ફંટાઇ જવું... ‘‘શું થશે ?!’’

અલયના હાથમાં એની સ્ક્રિપ્ટ હતી, પણ એનું ધ્યાન એનાં પાનાંઓમાં નહોતું. અચાનક એ ચોંક્યો. એનો મોબાઇલ ક્યારનો વાગી રહ્યો હતો.

‘‘હાય જાન !’’

‘‘શું કરે છે ?’’

‘‘મારી સ્ક્રિપ્ટ જોઉં છું. સોમવારથી શૂટિંગ છે.’’

‘‘હું નીચે ઊભી છું. મારે દસ મિનિટ મળવું છે.’’

‘‘અત્યારે ?’’ અલયે ઘડિયાળ જોઈ. એક ને દસ.

‘‘હા, અત્યારે જ.’’

‘‘ઓ.કે.’’ એક ક્ષણ વિચારીને અલયે સ્લિપરમાં પગ નાખ્યા. અરીસામાં પોતાનો ચહેરો જોયો. વાળમાં હાથ ફેરવી વાળ ઠીક કર્યા અને નીચે ઊતર્યો. આખું ઘર શાંત હતું. નાનકડો નાઇટલેમ્પ બળતો હતો. અલય નીચે ઊતર્યો. મુખ્ય દરવાજો ખોલી બહાર નીકળ્યો. પછી કોઈને ખોલવું પડશે એમ વિચારીને મુખ્ય દરવાજાનું લેચ ઊંચું કરી અમસ્થો આગળ્યો બંધ કર્યો.

શ્રેયા બહાર ઊભી હતી. અલય ગેટ ખોલીને બહાર નીકળ્યો કે શ્રેયાએ ગાડીને ઇગ્નિશિયન આપ્યું. અલય દરવાજો ખોલીને એની બાજુમાં બેઠો. શ્રેયાએ ટર્ન મારીને ગાડી એસ.વી. રોડ પર લીધી. ગાડી ચલાવતાં થોડી થોડી વારે શ્રેયા અલયની સામે જોતી હતી. રસ્તા ઉપર બહુ જ આછો પણ ટ્રાફિક હતો... શ્રેયાએ ગાડી અંધેરીની પુલ પરથી લઈને હાઈવે પર કાઢી... ખાસ્સી વારથી બેમાંથી કોઈ કશું બોલતું નહોતું. આખરે અલયે પૂછ્‌યું, ‘‘બોલ, શું છે ?’’

‘‘અલય, હું... આઈ મીન, તારા વિના નહીં જીવી શકું.’’

અલય ખડખડાટ હસી પડ્યો, ‘‘આજ પહેલાં વીસ લાખ, ઓગણીસ હજાર, સાતસો ને પંચોતેર વાર કહેલી વાત કહેવા માટે તેં મને એક વાગ્યે ઘરની બહાર બોલાવ્યો ?’’ આટલું કહેતાં એણે શ્રેયા સામે જોયું, તો શ્રેયાની આંખોમાં પાણી ધસી આવ્યાં હતાં. અલયને કદાચ વાતની ગંભીરતા સમજાઈ. એણે શ્રેયાને ગાડી સાઇડમાં પાર્ક કરવાનું કહ્યું. પછી હળવેકથી એને બાહુપાશમાં લીધી. શ્રેયા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. અલયે એને રડવા દીધી. એના ખભે, એની પીઠ પર, એના વાળમાં હાથ ફેરવતો રહ્યો. થોડી વારે શ્રેયા જાતે જ સ્વસ્થ થઈ...

‘‘આઇ એમ સોરી...’’

‘‘તું મૂરખ છે એવી તને ખબર છે ?’’

‘‘ખબર છે. બધી ખબર છે અલય, પણ અનુપમા પાસે એવું હથિયાર છે જે મારી પાસે નથી.’’

‘‘તને શું લાગે છે કે તારો અલય એવા બેકાર-ફાલતું હથિયારો સામે નબળો થઈને ઘૂંટણ ટેકવી દેશે ?’’

‘‘અલય, એ સુંદર છે, સેક્સી છે, સફળ છે... તારું સપનું પૂરું કરી રહી છે...’’

‘‘તો ?’’

‘‘તો...મને ડર લાગે છે. અલય, મેં આટલાં વર્ષ તારી સફળતાની પ્રતીક્ષા કરી. તારી ફિલ્મ પૂરી થાય એ એકમાત્ર ઝંખના સાથે જીવતી રહી હું.’’ એણે અલયના ખભે માથું મૂકીને એના બાવડાની આસપાસ હાથ વીંટાળ્યો. બીજા હાથની આંગળીઓ અલયના હાથમાં ભીડી દીધી, ‘‘ અને આજે જ્યારે તારી ફિલ્મ શરૂ થવાની છે ત્યારે મારા પગ પાણી પાણી થાય છે. મને લાગે છે કે જાણે હું... હું... હારી જઈશ. તને ખોઈ બેસીશ આ હરીફાઈમાં.’’

‘‘કઈ હરીફાઈ ? હું કોઈ વસ્તુ છું ? જે કોઈ વધારે ભાવ આપે તે લઈ જાય... કોઈ ઓકશન ચાલે છે અહીંયા ?’’

‘‘પણ અલય, અનુપમા જે રીતે ધોધમાર વરસી રહી છે એ જોતાં મને પ્રલયની બીક લાગે છે.’’

‘‘જે થવાનું નથી એની કલ્પના છોડી દે. સાત વર્ષનો સંબંધ છે આપણો. તેં મને આટલો જ ઓળખ્યો ?’’

‘‘અલય... આપણે પરણી જઈએ ?’’

‘‘સામાન્ય સંજોગોમાં મેં હા જ પાડી હોત, પણ હવે, જ્યારે આપણી શર્ત સાવ પૂરી થવામાં છે ત્યારે અજાણ્યા ભયથી ડરીને હું હારી જવા નથી માગતો. શ્રેયા, મારામાં નહીં તો તારા પોતાનામાં શ્રદ્ધા રાખ.’’ શ્રેયાની આંખો ફરી ભરાઈ આવી હતી.

‘‘આજે તો મળી શક્યો તને, આમ તરત જ... ફરી કદાચ આવું પણ નહીં થાય. આવનારા દિવસો વધુ અઘરા અને વધુ અસલામત આવવાના છે. હું રાત-દિવસ કામ કરીશ અનુપમા સાથે... અને તને ન પણ મળી શકું. જ્યારે મને તારા સાથની સૌથી વધારે જરૂર છે ત્યારે પ્રશ્નો શું કામ ઊભા કરે છે મારા માટે ?’’

‘‘મારી લાગણી સમજવાનો પ્રયત્ન કર. મારી જગ્યાએ મૂક તારી જાતને અને વિચાર...’’

‘‘અત્યારે મારી પાસે મારી ફિલ્મ સિવાય બીજું કશું જ વિચારવાનો સમય નથી અને મારી ફિલ્મ સિવાયનું કાંઈ મને સમજાય એમ નથી. પ્લીઝ શ્રેયા, કાં તો મને સહકાર આપ અને કાં તો તારી અસલામતીઓ તારા સુધી રાખ... મને ખરેખર સમય નથી આ બધી માથાકૂટ કરવાનો. પ્લીઝ...’’ અલયે સીટ થોડી પાછળ કરી અને માથું સીટની પીઠ પર ઢાળી દીધું.

ખાસ્સી વાર સુધી શ્રેયા ચૂપચાપ બેસીને અલય સામે જોતી રહી. વચ્ચે વચ્ચે થોડું રડતી પણ રહી... પણ અલય જાણે આ બધાથી અલિપ્ત, બધાથી દૂર, કંઈ સ્પર્શતું જ ન હોય એમ ચૂપચાપ બેઠો રહ્યો.

આખરે શ્રેયાએ અલયને હચમચાવી નાખ્યો, ‘‘તને કંઈ નથી થતું?’’

‘‘શ્રેયા, પરમ દિવસે સવારે મારી ફિલ્મ શરૂ થવાની છે. મારી જિંદગી આખીનો જુગાર રમવાનો છું હું અને એવા સમયે તું આ અંગત પ્રશ્નો લઈને મને બોધર કરે છે એવું સમજાય છે તને ?’’

‘‘એટલે ? મારી તકલીફ, મારી પીડા, મારા પ્રશ્નો જરાય અગત્યના નથી ?’’ એણે અલયને કોલરમાંથી પકડી લીધો. એ પકડમાં એટલો બધો આવેગ હતો કે અલયના શર્ટનાં બે બટન તૂટી ગયાં. અલય ચૂપચાપ, નિર્વિકાર શ્રેયા તરફ જોઈ રહ્યો. શ્રેયાએ એને ફરી હચમચાવ્યો અને બારી તરફ પીઠ કરીને અલય તરફ ફરી ગઈ, ‘‘તારી ફિલ્મ, તારી જિંદગી, તારો જુગાર, તારું સપનું... એમાં હું ક્યાં અલય ?’’

‘‘જો આમ જ કરીશ તો ક્યાંય નહીં.’’ અલયના અવાજમાં જાણે બરફ જેવી ઠંડક હતી. શ્રેયાએ અલયની છાતીમાં નખોરિયાં ભરી લીધાં, ‘‘હું તો મરી જઈશ, પણ તનેય સુખેથી જીવવા નહીં દઉં.’’

‘‘એમ કરીને જો તને સારું લાગતું હોય તો જરૂર કર.’’ અલયે હળવેકથી શ્રેયાના બે હાથ કાંડામાંથી પકડી લીધા અને એની આંખોમાં આંખો નાખીને જાણે પથ્થર પર કોતરતો હોય એમ કહ્યું, ‘‘શ્રેયા, તું મારી જાન છે... જિંદગી છે મારી એની ના નહીં, પણ મારી ફિલ્મ એ મારું અસ્તિત્વ છે, મારો શ્વાસ, મારો પ્રાણ છે. મારી ફિલ્મ મારા હોવાનો પર્યાય છે અને જો તું એની સાથે હરીફાઇ કરીશ તો હારીશ. મને અફસોસ થશે, તારા હારવાનો, પણ હું તારી મદદ નહીં કરી શકું શ્રેયા!’’

શ્રેયાની આંખો પહોળી થઈ ગઈ. એના શ્વાસ તેજ થઈ ગયા. એણે અલયના હાથમાં પકડેલા પોતાના હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. અલયે પકડ થોડી વધુ મજબૂત કરી. શ્રેયાના હોઠ પર એક ચુંબન કયુર્ં, એ પ્રગાઢ ચુંબન દરમિયાન શ્રેયા તરફડી, એણે છટપટવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ ધીમે ધીમે શાંત થઈને જાણે અલયના બે હોઠની વચ્ચે હળવે હળવે પીગળી રહી...

અલયનો મોબાઇલ રણક્યો. અલયે ઝટકાથી શ્રેયાને છોડીને ફોન લીધો, ‘‘બોલો...’’

‘‘આઈ થિન્ક આઇ એમ સોરી, હું જરા વધારે પડતી ઇન્વોલ્વ થઈ ગઈ હતી.’’ રાતની નીરવ શાંતિમાં અલયના ફોનના સામે છેડે થતી વાત પણ શ્રેયા સાંભળી શકતી હતી.

‘‘કંઈ વાંધો નહીં.’’

‘‘આપણે ફિલ્મ કરીએ છીએ ને ?’’

‘‘અફકોર્સ !’’

‘‘તમે કહેશો એમ કરીશ. હવે હું મારું ડહાપણ નહીં કરું. આઈ વીલ ફોલો યુ એન્ડ યોર ઇન્સ્ટ્રકશન્સ... અલય...’’ એ કોણ જાણે શું કહેતા કહેતા અટકી ગઈ.

‘‘આપણે કાલે વાત કરીએ ?’’

‘‘હા, હા... શ્યોર... ગુડ નાઇટ...’’ અને ફોન કપાઈ ગયો.

‘‘રાત્રે બે વાગ્યે...’’ શ્રેયાએ અલયની છાતી પર માથું મૂક્યું, પણ અલયે એને વચ્ચે જ અટકાવી અને એની વાત વચ્ચેથી જ કાપી નાખી.

‘‘શ્રેયા, હું અને ફિલ્મ એક છીએ... ફિલ્મ અને અનુપમા એકબીજા સાથે જોડાયેલાં... હવે આ પરિસ્થિતિને જેટલી ઝડપથી સ્વીકારી શકીશ એટલી ઝડપથી તારી અંદર ઉચાટ ઘટતો જશે. મારી ફિલ્મ અને મારી વચ્ચે કોઈ પણ આવીને ઊભું રહે તેમ છતાં મારી ગતિ નહીં અટકે... હવે, કોઈ જાણીજોઈને વચ્ચે આવીને હડફેટે ચડે તો એને માટે હું ગિલ્ટ નહીં લઉં !’’

શ્રેયાને ઘડીભર પહેલાં લાગ્યું હતું કે બધું બરાબર થઈ ગયું. અલય એની વાત સમજી ગયો છે, પરંતુ એ ચુંબન ફક્ત એનો આવેશ ઓગાળવા માટે કરવામાં આવ્યું હતું! અને, એ વાત સમજાતા જ શ્રેયાના મોઢામાં ચુંબન પછીનો જે અદભુત સ્વાદ હતો એ અચાનક જ કડવા વખ જેવા સ્વાદમાં પલટાઈ ગયો હતો.

આ એ જ અલય હતો, જેને એ છેલ્લાં સાત વર્ષથી ચાહતી હતી ?

(ક્રમશઃ)