Yog-Viyog - 18 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 18

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 18

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૧૮

જાનકી સામેથી આવતા અજય તરફ આગળ વધી. વૈભવી ત્યાં જ ઊભી રહી, અભયની રાહ જોઈને...

અજયે કંપાઉન્ડમાં દાખલ થતાં જ જાનકીનો ચહેરો જોયો. ખબર નહીં એને શું થઈ ગયું, પણ એણે જાનકીનો હાથ પકડી લીધો. જ શ્રાદ્ધ પૂરું કરીને આવેલા અજયને ક્યારનુંય કોઈને વળગીને રડી પડવું હતું. જાનકી જાણતી હતી આ વાત કે અજય જ્યારે પણ હરિદ્વારથી આવશે ત્યારે ઢીલો થઈ ગયો હશે. અજયની એના પિતા માટેની લાગણી જાનકી જાણતી. ઘરમાં કોઈ પણ સૂર્યકાંત મહેતા વિશે ઘસાતું બોલે એ અજયને બહુ ગમતું નહીં એની જાનકીને ખબર હતી. ચારેય ભાઈ-બહેનોમાં અજયને એના પિતા માટે થોડો વધારે જ પ્રેમ હતો. કદાચ એટલે જ આખા ઘરમાં જો કોઈને સૂર્યકાંત મહેતાના આવવાની સૌથી વધુ પ્રતીક્ષા હોય, આટલાં વરસ તો એ અજયને હતી. એણે વસુમાને સમજાવવાનો પણ પ્રયાસ કરી જોયો હતો. હરિદ્વાર જવાનો નિર્ણય જાહેર થયો એ પછી અજય વસુમાના ઓરડામાં ગયો હતો.

સામાન્ય રીતે માનો પડ્યો બોલ ઉઠાવતો અજય વસુમાના ઓરડામાં કોઈ દિવસ પૂછ્‌યા વગર દાખલ ન થતો. આજે પહેલી વાર એ વસુમાના ઓરડામાં સડસડાટ દાખલ થઈ ગયો. વસુમા કંઈક કામ કરી રહ્યાં હતાં. અજય જઈને એમની સામે ઊભો રહ્યો. આટલી ઉંમર થઈ હોવા છતાં વસુમાને ફક્ત વાંચવાના ચશ્મા પહેરવા પડતા. અડધો ઇંચના એ બેતાલાના ચશ્માની ઉપરથી વસુમાએ અજયની સામે જોયું, ‘‘બોલ દીકરા.’’

‘‘મા...’’ અજયને વાત કઈ રીતે શરૂ કરવી એ સમજાતું નહોતું.

‘‘કંઈ કહેવું છે દીકરા ?’’

‘‘મા, આ...’’ અજય શબ્દો ગોઠવી રહ્યો હતો, ‘‘શ્રાદ્ધ કરવું જરૂરી છે ? આપણે એમ જ એમના આવવાની પ્રતીક્ષા છોડીને આપણી સામાન્ય જિંદગી જીવવા માંડીએ તો ? આવી વિધિ શું કામ ? ને મા, આ જાહેરાત આપ્યા પછી કદાચ વહેલા-મોડાય આવે તો શ્રાદ્ધની વાત જાણીને એમને કેવું લાગે ?’’

‘‘બેટા, મેં પણ વિચારી જોયું હતું આ વિશે. મારી જાતને પૂછ્‌યું હતું કે આ શ્રાદ્ધ હું તારા પિતાને કોઈ પાઠ ભણાવવા કે એમના પ્રત્યે મારી કોઈ કઠોરતા કે નિષ્ઠુરતા સાબિત કરવા તો નથી કરતી ને ? આવી કોઈ વિધિ કર્યા વિના હું એમની રાહ જોવું છોડી નહીં શકું ?’’ વસુમાની આંખો એકદમ તરલ થઈ આવી હતી.

‘‘તો ? મા...’’

‘‘પણ બેટા, મને લાગે છે મારે પણ મન મનાવવા માટે કશુંક જોઈશે. આ રોગ તો પચીસ વર્ષ જૂનો છે બેટા, એને જડમૂળથી ઉખાડીને ફેંકવો પડે.’’

‘‘પણ મા, પછી કદાચ બાપુ આવે તો ? મને તો લાગે છે કે એ આવશે જ.’’

‘‘એવું તો મને પણ લાગે છે.’’ અજય આશ્ચર્યથી વસુમાની સામે જોઈ રહ્યો. આ સ્ત્રી કેટલાં પડોની બનેલી હતી. એક ખોલો તો બીજું નીકળતું હતું. જો એને ખબર જ છે કે બાપુ પાછા આવશે તો શ્રાદ્ધની વિધિ...

એનાથી બોલ્યા વિના ના રહેવાયું, ‘‘એટલે તું વેર છે એમના પર?’’

‘‘કોઈ પોતાના માણસ પર વેર લેતું હશે બેટા ? ’’

‘‘વેર નહીં તો બીજું શું મા ? આ આટલાં વર્ષોથી સંચિત તારો ક્રોધ અને નફરત છે. જો તારા મનમાં પણ એવું હોય કે આવશે તો શ્રાદ્ધ કરીને શું સાબિત કરવા માગે તું ?શું કહીશ એમને ? લો સૂર્યકાંત મહેતા, મેં તો તમારું શ્રાદ્ધ કરી નાખ્યું, હવે મારે તમારી કોઈ જરૂર નથી...’’ સામાન્ય રીતે કદીય ન ઉશ્કેરાતો અજય આજે ગુસ્સે થઈ ગયો હતો. એનું આખું શરીર ગુસ્સામાં ધ્રૂજી રહ્યું હતું. માની સામે એણે આ અવાજમાં ક્યારેય વાત નહોતી કરી. એ વાતના અપરાધભાવથી એ વસુમાની સામે જોયા વિના બોલતો હતો. એનામાં હિંમત નહોતી વસુમાની આંખમાં આંખ નાખવાની. વસુમા નજીક આવ્યાં. એમણે અજયના ખભા પર હાથ મૂક્યો અને એને એ જ્યાં ઊભો હતો એની પાછળ પડેલા એક મોટા આસન પર બેસાડી દીધો. અજયે આસનના બંને હાથા પોતાના હાથમાં જોરથી પકડી લીધા. એને ઘણું કહેવું હતું, એને ઘણી દલીલો કરવી હતી. એને લાગતું હતું કે મા ભૂલ કરી રહી છે.... સાથે જ મા પણ કોઈ દિવસ ભૂલ કરી શકે એ વિચારે જ એનું મન પાછું પડતું હતું. વસુમાની આજ સુધી અત્યંત આદરથી જોયેલી છબી એને રોકતી હતી કંઈ પણ બોલતાં, કહેતાં કે પૂછતાં.

એ બંને હાથા પોતાના હાથમાં મજબૂત પકડીને નીચું જોઈને બેસી રહ્યો. વસુમાએ સાવ નજીક ઊભા રહીને એના વાળમાં હાથ ફેરવવા માંડ્યો. અજય ઢીલો થઈ ગયો. એણે બેય હાથે વસુમાને પકડી લીધાં અને નાના બાળકની જેમ રડી પડ્યો, ‘‘મા, શા માટે કરે છે આવું ? બાપુના આવવાની એકમાત્ર આશા શું કામ ભૂંસી નાખે છે મા ?’’

વસુમાએ અજયને થોડી વાર રડવા દીધો અને પોતે ચૂપચાપ એના વાળમાં હાથ ફેરવતાં રહ્યાં. અજય પોતાના બંને હાથ વસુમાની કમર પર વીંટાળીને જાણે આઠ-નવ વર્ષનું બાળક હોય એમ હિબકા ભરી રહ્યો હતો. થોડી વારે વસુમાએ એની ચિબુક પકડીને ઊંચી કરી. એની આંખમાં આંખ નાખી બીજો હાથ હજીયે એના કપાળ પર, એના ગાલ પર ફરી રહ્યો હતો. એમણે સાવ હળવેથી જાણે સ્વગત બોલતાં હોય એમ કહ્યું, ‘‘બેટા, જો આ વેર હોય તો એ મારી જાત સામે છે. જો આ નફરત હોય તો એ મારા પોતાના સ્ત્રીત્વ પરત્વે છે. જો આ ક્રોધ હોય તો મારી પોતાની નિયતિ પ્રત્યે છે. તારા પિતા સામે મને કોઈ વિરોધ નથી બેટા, આ દુઃખ, આ તકલીફ, આ પીડા મારા પતિ સામે છે. એ આવશે એવી મને ખાતરી છે, કારણ કે એ તમારા પિતા છે. જે રિસાઈને ગયા છે એ પતિ છે મારા... એમને વસુંધરા નામની એમની પત્ની સામે વિરોધ હતો. જો તમારી મા સામે હોત તો એ મારા ભરોસે છોડી જાત તમને ? બેટા, એમને ખાતરી હશે કે હું પત્ની તો કદાચ એમને જેવી જોઈતી હતી એવી તો ન બની શકી, પણ મા ઉત્તમ સાબિત થઈશ... અને એટલે જ જે આવશે એ તમારા પિતા આવશે ને એમને હું આવકારીશ બેટા, પણ મારી અંદર અતૃપ્ત આત્માની જેમ તરફડતી પત્નીને પણ કોઈ જવાબ તો આપવો પડશે ને ? આ શ્રાદ્ધ એ પત્નીને આપવાનો જવાબ છે બેટા, હું આજ પછી સારા-ખરાબ પ્રસંગે એમની ગેરહાજરી બદલ બે આંસુ સારી શકું એટલી તો છૂટ આપો મને.’’ બોલતાં બોલતાં વસુમાનું ગળું ભરાઈ આવ્યું હતું, પણ આંખો કોરી હતી. જાણે નહીં રડવાનું નક્કી કર્યું હતું એમણે...

કોઈ ગજબ હિંમતથી, ગજબ આત્મવિશ્વાસથી વર્તી રહ્યાં હતાં એ.

અજય જોઈ રહ્યો એમની સામે. પછી હળવેકથી ઊભો થઈને બહાર જવા લાગ્યો. વસુમાએ ધીમા ડગલે બહાર જતાં અજયને કહ્યું, ‘‘બેટા, તું એક જ છે જેણે તારી માની આંખમાં આંસુ જોયાં છે. અંજલિ અને અલય એટલાં નાનાં હતાં કે એને મારા આખી આખી રાત જાગીને રડવાના પ્રસંગો યાદ નથી... દિવસભરનો થાકેલો અભય મારું રડવું સાંભળી શકે એટલા ભાનમાં જ નહોતો રહેતો. એક તું જ હતો જે આખી રાત મારા ગળામાં હાથ નાખીને મારી સાથે રડ્યો છે. તું પણ જો મારી મુક્તિને વેર, ક્રોધ કે નફરત માનીશ... તો હું બીજાઓને કઈ રીતે સમજાવીશ દીકરા ? તું તારી માનાં આંસુનો સાક્ષી છે. હવે મુક્તિની દિશામાં તારે મને લઈ જવાની છે હાથ પકડીને. એને બદલે...’’ વસુમાએ આંખ લૂછી નાખી હતી, ‘‘ને છતાંય જો તમને બધાયને એમ લાગતું હોય કે જરૂર નથી તો મારે કંઈ નથી કરવું. માત્ર ગંગાકિનારે જલનો અર્ધ્ય આપીને જ શ્રાદ્ધ થાય એવું નથી બેટા, એક વિધિ મનોમન પણ થતી જ હોય છે...’’

‘‘મા...’’ અજય બારણેથી પાછો ફરીને દોડતો આવીને વસુમાને વળગી પડ્યો હતો. એમના ગળામાં હાથ નાખીને ફરી એક વાર રડી પડ્યો હતો અજય અને સાથે વસુમા પણ જાતને રોકી નહોતાં શક્યાં.

બે દાયકા પહેલાંનું એ દૃશ્ય જાણે ફરી ભજવાઈ ગયું વસુમાના ઓરડામાં... અજય એમના ગળામાં હાથ નાખીને એમને કહી રહ્યો હતો, ‘‘મા રડ નહીં, રડ નહીં મા.’’

અજયે જાનકીનો હાથ પકડી લીધો અને ક્ષણભર જાનકીની આંખોમાં જોઈ રહ્યો. આ પતિ-પત્નીની સંવાદિતા એવી હતી કે એમની વચ્ચે મોટા ભાગની વાતો કહ્યા વગર જ થઈ જતી. બંને જણાએ ભાગ્યે જ આટલા વરસમાં એકબીજાને ‘આઈ લવ યુ’ જેવા શબ્દો કહ્યા હશે અને છતાં બંને જાણતાં કે એકબીજાને કેટલો પ્રેમ કરતાં હતાં.

જાનકીની આંખમાં જોઈને અજયને સમજાઈ ગયું કે કશું અજૂગતું બન્યું છે ! આમ તો અજયને ખાસ બહારગામ જવાનું થતું જ નહીં, પણ છતાંય અજય જ્યારે બહારગામથી આવે ત્યારે જાનકી એણે અજય વગર ગાળેલા બે-ચાર-દસ દિવસની ફરિયાદ લઈને ઊભી જ હોય. એની આંખોમાં અજય વિના ગાળેલો દિવસોનો ખાલીપો અકબંધ હોય. જે અજયને જોતાં જ વાદળની જેમ વરસી પડે. અજય ક્યારેક હસતો અને જાનકીને કહેતો, ‘‘ગાંડી છે તું, એમાં રડવાનું શું ?’’

‘‘તારા વિના મને એક પળ ગમતું નથી અજય.’’

‘‘કોલેજ જાય છે ત્યારે ? રહે છે ને મારા વિના !’’

‘‘એ નોકરી છે, મજબૂરી છે. મારું ચાલે તો હું તને મૂકીને ક્યાંય ન જાઉં...’’ જાનકી અજયના ખભા પર માથું ઢાળી દેતી અથવા બંને હાથ લપેટીને છાતીમાં જાણે સમાઈ જવું હોય એવી ભીંસ આપતી.

‘‘ખરી વાત છે...’’ દરેક વખતે આવું પ્રેમાળ-મધુર સંવાદ કોણ જાણે કેમ કડવાશ તરફ વળી જતો. ‘‘હું બરાબર કમાતો નથી એટલે તારે નોકરી કરવી પડે છે...’’ જાનકીથી અડધો ઇંચ પણ દૂર ન હોય તોય અજય જાણે માઈલો દૂર ધકેલાઈ જતો.

‘‘આમાં કમાવાની ને નોકરીની વાત ક્યાં આવી ?’’ જાનકી કહેતી અને અજયને ખૂબ વહાલ કરતી, પણ એ વહાલ અજયને ભીંજવી શકતું નહીં. પોતે અભયભાઈ જેટલું કમાઈ નથી શકતો અને પોતાની પત્નીને નોકરી કરવી પડે છે એ વાત અજયને મનોમન કોરતી રહેતી અને ક્યારેક આવી રીતે બહાર આવી જતી...

આજે પણ અજય બહારગામથી પાછો ફર્યો ત્યારે એને હતું કે જાનકીની આંખો ભીની થઈ જશે. ઓટલો ઊતરીને લગભગ ગેટ સુધી આવી પહોંચેલી જાનકીની આંખો ભીની નહોતી, પણ ભારે બોલકણી હતી. એને જાણે કોઈ અગત્યની વાત કહેવી હતી અજયને. એના આખા ચહેરા પર કંઈક એવું લખાયેલું હતું જે અજય વાંચી તો શકતો હતો, પણ ઉકેલી નહોતો શકતો...

‘‘કંઈ થયું છે ?’’ અજયે પૂછ્‌યુંં.

‘‘હા, તમે અંદર ચાલો, મારે તમારી સાથે વાત કરવી છે.’’

‘‘જો, વૈભવીભાભીનો સ્વભાવ આપણે બધા જ જાણીએ છીએ. એ બોલ્યાં કંઈ ? તો મનમાં નહીં લેવાનું...’’ વૈભવીએ પોતાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવ્યો હશે એમ માનીને અજયે જાનકીને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘‘તમે ચાલો તો ખરા, હું કહું છું તમને.’’ જાનકી બોલી અને અજયના હાથમાંથી એકાદ લગેજ ઊંચકીને અજયની આગળ આગળ ઓટલો ચડવા લાગી.

અજયને માટે આગળ વધેલી જાનકી અને અભય પથ્થરની પગથિ પર ક્રોસ થયાં. અભય ઓટલા તરફ જઈ રહ્યો હતો અને જાનકી ગેટ તરફ. જાનકીએ અભયની સામે સ્મિત કર્યું અને વાત કરવા ઊભી રહેવાના બદલે સીધી અજય પાસે પહોંચી ગઈ હતી.

‘‘આજે જાનકી કંઈ બોલી નહીં ?’’ અભયે પણ મનોમન નોંધ્યું, બાકી ખુશમિજાજ જાનકી કંઈ બોલ્યા વિના, ટ્રીપ વિશે કશું પૂછ્‌યા વિના રહે જ નહીં...

અભય ઓટલા પર ઊભેલી વૈભવી તરફ આગળ વધતા મનોમન વિચારી રહ્યો હતો કે કેટલી ઝડપથી કામનું બહાનું બનાવીને ઘરમાંથી નીકળી શકાય અને પ્રિયાની પાસે પહોંચી જવાય...

એણે ઓટલો ચડતાં જ ખુશમિજાજ સ્માઇલ કર્યું, ‘‘હાય ડાર્લિંગ, બહુ મજા કરી બે દિવસ ?’’

‘‘હાસ્તો, તમે મજા કરવા જાવ તો અમે શું કામ ના કરીએ ?’’

‘‘હું શ્રાદ્ધ કરવા ગયો હતો, મજા કરવા નહીં.’’ અભયના અવાજમાં અજાણે કડવાશ આવી અને તરત જ એને સમજાયું કે એણે ખોટા સૂર પર વાત શરૂ કરી હતી.

‘‘શ્રાદ્ધ તો અડધો કલાક હોય, બાકીનો સમય તો ત્રણ દીકરાઓ અને માએ મજા જ કરી હશે ને ! એ વગર બધાના ફોન બંધ હતા ?’’

‘‘અમારાં બધાનાં મન બહુ ઉદાસ હતાં ડાર્લિંગ, કોઈ વાત કરવાના મૂડમાં જ નહોતું.’’

‘‘એ ખરું... તમારા પિતાશ્રી ગુજરી ગયા, એટલે મન તો ઉદાસ જ હોય ને !’’

‘‘વૈભવી !!’’ અભયનો અવાજ ઊંચો થઈ ગયો અને આગળ ચર્ચા થાય એ પહેલાં જ એ સડસડાટ ઘરમાં દાખલ થઈ ગયો. જતા અભયને રોકવા વૈભવીએ એનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો પણ અભયે એટલા જોરથી હાથ ઝટકાવ્યો કે વૈભવીને એ ઝાટકો ખભા સુધી લાગ્યો. ડાબા હાથે જમણા હાથનો ખભો દબાવતી વૈભવી પણ એક ક્ષણ માટે અજય અને જાનકીને એકબીજાનો હાથ પકડીને ઊભેલાં જોઈ રહી, પછી મનોેમન બબડતી એ પણ ઘરમાં દાખલ થઈ.

‘‘એક બાજુ રોમિયો-જુલિયેટની જોડી જોઈ લો અને બીજી બાજુ બે વાક્ય પણ સરખી રીતે બોલી નથી શકાતા મારા ધણીથી... ને તોય જેવા બેડરૂમમાં જશે કે તરત મિજાજ બદલાઈ જશે એમનો... બધા પુરુષો સરખા !’’

વસુમા ઘરમાં દાખલ થયાં અને સીધાં સૂર્યકાંતના ફોટા પાસે ગયાં. એમના હાથમાં પકડેલી એમની પર્સમાંથી એમણે સુખડનો હાર કાઢ્યો અને પંજા પર ઊંચાં થઈને ફોટાને પહેરાવી દીધો...

વૈભવીનો હાથ ઝટકાવીને ગુસ્સામાં ડ્રોઇંગરૂમમાં દાખલ થયેલા અભયે વસુમાને હાર ચડાવતાં જોયા. એ ત્યાં જ ડઘાયેલો ઊભો રહી ગયો. એના મોઢામાંથી એક શબ્દ નીકળી શક્યો નહીં. એની આંખો ભરાઈ આવી. એણે પહેલી આંગળી અને અંગૂઠાથી આંખ લૂછી નાખી અને બંને હાથના પંજા ભેગા કરી માથું નમાવી દીધું.

અભય તો કશું ના બોલ્યો, પણ અભયની પાછળ ગુસ્સામાં તમતમતી ડ્રોઇંગરૂમમાં દાખલ થયેલી વૈભવીએ કસર પૂરી કરી નાખી, ‘‘હાર પહેરાવવાથી જીવતા માણસ મરેલા સાબિત નથી થતાં.’’

‘‘વૈભવી...’’ અભય હજુ ગુસ્સામાં હતો.

‘‘મારા પર શું કરવા બૂમો પાડો છો ? મેં તો સાચું કહ્યું છે.’’ પછી વસુમાની સામે જોઈ, આંખો નચાવીને ઉમેર્યું, ‘‘આ ઘરમાં તો હંમેશાં સત્યનો આદર થતો આવ્યો છે, ખરુને મા ?’’

‘‘હા બેટા.’’ વસુમાએ આ બધાથી પર તદ્દન સંયત અવાજે કહ્યું અને પોતાના ઓરડા તરફ જવા લાગ્યાં. વૈભવીને લાગ્યું કે એના હાથમાં આવેલી બાજી સરી રહી છે... મા-દીકરાની સામે પોતાના હાથમાં આવેલું જબરદસ્ત રહસ્ય ઉઘાડું પાડવાનો આનંદ જો વસુમા એમના ઓરડામાં જતાં રહેશે તો પૂરો થઈ જશે. એટલે એણે એકીશ્વાસે ઊંચા અવાજે એટલા જોરથી કહ્યું કે બહાર ઊભેલાં અજય-જાનકી અને ગેટ ખોલીને અંદર આવી રહેલા અલયને સુધ્ધાં સંભળાયું... ‘‘જેમના ફોટા પર તમે હાર ચડાવી દીધોને એ સૂર્યકાંત મહેતા જીવે છે ! એટલું જ નહીં, એ મુંબઈમાં આવી પહોંચ્યા છે અને તાજમાં ઊતર્યા છે...’’ પછી જાણે પોતાનો હાથ ઝટકાવ્યાના બદલામાં એક તમાચો મારતી હોય એમ પહેલાં અભય સામે ને પછી વસુમા સામે જોઈને ઉમેર્યું, ‘‘એમની સાથે એમની બીજા ઘરની દીકરી પણ છે. એકદમ પરદેશી દેખાય છે... એમની બીજી વારની પત્ની પાસે સારો એવો પૈસો હશે એમ લાગે છે. બાકી દેવાથી ડરીને ઘર છોડીને ભાગી ગયેલા માણસને તાજમાં રહેવાનું ક્યાંથી પોસાય ?’’

આટલું કહીને એ ઉપર પોતાના રૂમ તરફ આગળ વધી ગઈ. ડાઇનિંગ ટેબલ પાસે થઈને ઉપર જવાની સીડી તરફ જતી વૈભવીને અભયે જે અવાજે બૂમ પાડી એ ડેસિબલનો, આટલો ઊંચો અવાજ શ્રીજી વિલાની દીવાલોએ ભૂતકાળમાં ક્યારેય નહોતો સાંભળ્યો... એ અવાજે બહાર ગાડીમાં બેસીને અલયની રાહ જોઈ રહેલી અભિસારિકા શ્રેયાને પણ ડરાવી દીધી.

અજય અને જાનકી દોડતાં ઘરમાં આવ્યાં.

અલય પણ એકીશ્વાસે સડસડાટ ઓટલો ચડીને ડ્રોઇંગરૂમમાં દાખલ થયો. પાછળ ગાડી લોક કરીને શ્રેયા પણ દોડી...

‘‘વૈભવી...ઈઈઈ...’’ ડ્રોઇંગરૂમની મધ્યમાં ઊભેલો અભય બે જ ડગલામાં ડાઇનિંગ ટેબલ સુધી પહોંચી ગયો. એણે હાથ ઉઠાવ્યો અને વૈભવીના ગાલ પર તમાચો પડે એ પહેલાં જ વૈભવીએ અભયનો હાથ કાંડામાંથી પકડીને વચ્ચે જ રોકી લીધો.

બારણામાંથી દાખલ થયેલાં અજય, જાનકી, અલય અને શ્રેયા આ દૃશ્ય જોઈને દરવાજામાં જ સ્થિર થઈ ગયાં. પોતાના ઓરડા તરફ જવા માટે નીકળેલાં વસુમા આ બધાં રમખાણને કારણે બેએક ક્ષણ અટક્યાં હતાં. પરંતુ એમણે ફરી પોતાના ઓરડા તરફ જવા પગ ઉપાડતાં કહ્યું, ‘‘અભય... આટલો બધો ક્રોધ શાના માટે ? એણે ખોટું શું કહ્યું છે ? જો સૂર્યકાંત મહેતા મુંબઈમાં હોય અને તાજમાં ઊતર્યા હોય અને એમાં વૈભવીને નવાઈ લાગે તો એ કહે પણ નહીં ?’’

‘‘ભાભી, આ વાતને આવી રીતે ના કહી હોત ના ચાલત ?’’ જાનકી બોલી અને પછી વસુમા તરફ જોઈ ઉમેર્યું, ‘‘મા, પપ્પાજી મુંબઈમાં છે. તમારી જાહેરખબર વાંચીને આવ્યા છે- ન્યૂયોર્કથી...’’

‘‘અચ્છા.’’ વસુમાએ કહ્યું અને પોતાના ઓરડાના દરવાજે પહોંચી ગયાં. એક ક્ષણ ત્યાં અટક્યાં પછી ફરીને ત્રણ દીકરાઓ અને ત્રણ વહુઓ તરફ વારાફરતી જોયું. સહેજ ઊંડો શ્વાસ લીધો અને પછી વૈભવીની આંખમાં આંખ નાખીને કહ્યું, ‘‘વૈભવી, તમે આ ઘરનાં મોટાં વહુ છો. તમારા સસરા તાજમાં ઊતર્યા છે એની ખબર છે એટલે રૂમ નંબર પણ ખબર હશે જ. એમને ફોન કરીને કાલે જમવા બોલાવી લો. એમની સાથે જે કોઈ પણ આવ્યું હોય એ બધાને પણ આગ્રહપૂર્વક નિમંત્રણ આપજો, અને હા, અંજલિ અને રાજેશ પણ કહી જ દેજો.’’ પછી ફરી એક ઊંડો શ્વાસ લઈ ધીમેથી કહ્યું, ‘‘ઘણા વખતે આખું મહેતા કુટુંબ જોડે જમશે.’’

અને, ફરીને પોતાના ઓરડામાં જઈ બારણું બંધ કરી દીધું.

વસુમાના પોતાના ઓરડામાં ગયા પછી ડ્રોઇંગરૂમમાં બાકી રહેલાં છએ જણા જાણે થીજી ગયા હોય એમ ઊભા હતા. એમની વચ્ચેથી પસાર થઈ રહેલી ક્ષણો એટલી તો વજનદાર અને તીણી હતી કે સૌને વારાફરતી એ ક્ષણો ઉઝરડા પાડતી રહી...

પળેપળ લોહી ઝમતા એ ઉઝરડાઓને રોકી શકવાની પણ ત્યાં ઊભેલા છ જણમાંથી એકેયમાં હિંમત નહોતી. અભયને પ્રિયાને ત્યાં નહીં જઈ શકાયાનો અફસોસ તો થયો જ, એની સાથે સાથે વૈભવીએ જે રીતે આ સમાચાર આપ્યા અને વાતાવરણ ડહોળી નાખ્યું એને માટે વૈભવીની જીભ કાપી લેવાની ઇચ્છા થઈ ગઈ. આટલાં વર્ષો સુધી એને અને એની ભાષાને ચૂપચાપ સહી રહેલા અભયનો પિત્તો વૈભવીના આજના વર્તનથી સાચા અર્થમાં ગયો હતો.

થોડીક ક્ષણોના સન્નાટા પછી જાણે ઊંઘમાંથી જાગ્યો હોય એમ અભય વૈભવી તરફ ફર્યો અને એ કંઈ સમજે એ પહેલાં એના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી.

વૈભવીએ એક ક્ષણ અભયની આંખમાં જોયું અને પછી પોતાનો હાથ ઉઠાવી અને અભયના ગાલ પર એટલા જ જોરથી થપ્પડ ઝીંકી... અભયમાં રહેલો પુરુષ ફૂત્કારીને જાગી ઊઠ્યો. એણે વૈભવીનો હાથ પકડ્યો અને મરડીને એની પીઠ પાછળ દબાવ્યો. વૈભવીએ દાંત વચ્ચે હોઠ દબાવી દીધા, પણ ચીસ ના પાડી. પીડાથી એની આંખ ભીની થઈ ગઈ હતી.

‘‘બોલ, હવે બોલ...’’ અભયે કહ્યું અને હાથ સહેજ વધુ મરડ્યો. ત્યાં ઊભેલા બધા જ આ જોઈ રહ્યા હતા, પણ અભયનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને કોઈની હિંમત નહોતી કે આમાં વચ્ચે પડે.

સૌથી પહેલાં હિંમત કરી શ્રેયા આગળ વધી. એણે અભયનો હાથ કાંડામાંથી પકડી લીધોે અને કહ્યું, ‘‘છોડો અભયભાઈ.’’

અભયે હાથ થોડો વધુ મરડ્યો.

‘‘છોડો કહ્યુંને અભયભાઈ, સારું નથી લાગતું.’’ શ્રેયા બોલી અને માંડ વૈભવીનો હાથ અભયના હાથમાંથી છોડાવ્યો. હાથ પંપાળતી વૈભવી ઉપર પોતાના ઓરડા તરફ જવા લાગી. અભય એક ક્ષણ ત્યાં ઊભો રહ્યો અને પછી બહાર જવા માટે મુખ્ય દરવાજા તરફ આગળ વધી ગયો.

‘‘જેનું બીજે ક્યાંય ના ચાલેને એ બૈરી ઉપર હાથ ઉપાડે... અને એને બાયલા કહેવાય...’’ વૈભવી હજીયે અભયને ડંખ મારવા ફેણ ઊંચકીને ઊભી હતી. મુખ્ય દરવાજેથી અભયે એક વાર વૈભવી સામે જોયું, આરપાર ઊતરી જાય એવી નજરે અને પછી સડસડાટ ઓટલો ઊતરીને મોટાં મોટાં ડગલાં ભરતો ગેટ ખોલીને બહારના અંધારામાં ગરકાવ થઈ ગયો.

વૈભવી ઝડપથી પગથિયા ચડીને પોતાના ઓરડામાં જતી રહી.

જાનકીએ ધીમેથી અજયને કહ્યું, ‘‘તમે નાહી લો, હું જમવાનું કાઢું.’’

‘‘મારે નથી ખાવું, મેં પ્લેનમાં ખાધું છે.’’ અજય સડસડાટ એના રૂમ તરફ ચાલી ગયો. જાનકી અલય અને શ્રેયા સામે અસહાય નજરે જોઈ રહી અને પછી એ પણ પોતાના રૂમ તરફ જતી રહી.

શ્રેયાએ હળવેકથી અલયના ખભે હાથ મૂક્યો. અલયે શ્રેયા સામે જોયું અને જાણે ગુનો કબૂલતો હોય એમ લગભગ હોઠમાં જ રહી જતા શબ્દો સાથે કહ્યું, ‘‘મને ખબર હતી, નીરવનો ગઈ કાલે રાત્રે જ ફોન આવ્યો હતો.’’

‘‘શું ?’’ શ્રેયા અવિશ્વાસથી અલય સામે જોઈ રહી.

‘‘સૂર્યકાંત મહેતા સૌથી પહેલાં નીરવને મળ્યા હતા અને નીરવે મને ગઈ કાલે રાત્રે હરિદ્વાર ફોન કર્યો હતો. આ કહેવા...’’

‘‘એટલે તેં... વસુમાને...’’ શ્રેયાએ અલયને કોલરમાંથી પકડી લીધો અને હચમચાવી નાખ્યો, ‘‘એટલે આ શ્રાદ્ધ...’’

‘‘બધુ જાણીને- મેં કરાવ્યું.’’ અલયના અવાજમાં વસુમાના જેટલી જ સ્વસ્થતા કોણ જાણે ક્યાંથી આવી ગઈ. એણે કોલર પકડેલા શ્રેયાના હાથ પોતાના હાથમાં પકડ્યા, ‘‘જાન, એક તું જ છે જે મારી વાત સમજી શકીશ. આ સંબંધ કોઈ એક દિશામાં લઈ જવો અનિવાર્ય હતો. પ્રતીક્ષાના પિંજરામાંથી નીકળીને મારી મા હવે ખુલ્લા આકાશમાં આવી ગઈ છે. તેં જોયું નહીં- કેટલી સ્વસ્થ, કેટલી શાંત થઈ ગઈ છે એ. હું આ જ ઇચ્છતો હતો. ભાંગેલી-તૂટેલી અને સમયના હથોડાથી પડેલી તિરાડોવાળો ચહેરો લઈને મારી મા એ માણસને મળે એ મને મંજૂર નહોતું...’’

‘‘પણ એમને ખબર પડશે તો ?’’

‘‘ખબર પડશે.... હું જ કહીશ એને. મને વિશ્વાસ છે મારી મા મારી વાત સમજશે. શ્રેયા, જાન,’’ અલયે એક એક શબ્દ ગોઠવીને કહેવા માંડ્યું, ‘‘મારી મા પચીસ વર્ષથી એક તાંતણે બાંધેલી તલવાર નીચે બેસીને એક એક શ્વાસ ગણી ગણીને લેતી હતી. એ માણસ આવશે એની શ્રદ્ધાના બળે એણે આટલાં વર્ષો ખેંચી નાખ્યાં. અમને મોટા કર્યા, ભણાવ્યા... એ પછી હજીયે જો એ માણસના આવવા પર આધારિત રહીને મારી મા એના શ્વાસ ગણ્યા કરે તો અમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ... થોડી સૂર્યકાંત મહેતાની, થોડી અભયની, થોડી અજયની, થોડી અંજલિની ને થોડી અલયની જિંદગી જીવી ગયેલી મારી મા હવે પોતાના ભાગની જિંદગી જીવે એટલો પ્રયત્ન તો એક દીકરા તરીકે કરવાનો મને અધિકાર છે કે નહીં ?’’

‘‘પણ શ્રાદ્ધ થયા પછી... એટલે આવતી કાલે સવારે...’’

‘‘શું ?’’ અલયને શ્રેયાનો સવાલ સમજાતો નહોતો.

‘‘તારા ડેડી અહીંયા આવશે અને આ હાર... શ્રાદ્ધ વિશે જાણશે તો ?’’

‘‘તો શું ?’’ અલયે ખૂબ વહાલથી શ્રેયાનો ચહેરો પોતાના બે હાથની વચ્ચે લીધો. નજીક લઈ આવ્યો. એના કપાળ પર એક ચુંબન કર્યું અને હળવેકથી કહ્યું, ‘‘એ ગયા ત્યારે વસુંધરાના પતિ તરીકે, ચાર સંતાનોના પિતા તરીકે ગયા હતા. આવતી કાલે સવારે અમારા કુટુંબના એક પરદેશથી આવેલા સભ્ય અમારી સાથે જમવા આવવાના છે. એમનું નામ સૂર્યકાંત મહેતા છે અને આ ઘરના દરેક માણસ સાથે સદભાગ્યે કે દુર્ભાગ્યે એમનો કોઈ ને કોઈ સંબંધ છે...’’

શ્રેયા અલયની આંખોમાં જોઈ રહી. એની આંખો સામે એક એવો માણસ હતો જેને એ છેલ્લાં સાત વર્ષથી ગળાડૂબ - સરાબોર પ્રેમ કરતી હતી અને જાણે જરાય ઓળખતી નહોતી !

વૈભવીએ પોતાના રૂમમાં જઈને નંબર જોડ્યો.

‘‘૧૦૧૧ પ્લીઝ...’’ એણે ડૂસકાં ભરતાં કહ્યું.

તાજના ઓરડામાં ફોનની િંરંગ વાગી.

‘‘યેસ !?’’ સૂર્યકાંત મહેતાએ ફોન ઉપાડ્યો.

‘‘પપ્પાજી, હું વૈભવી બોલુંં છું.’’ વૈભવીનો અવાજ થોડો રડું રડું હતો અને થોડો વધારે રડું રડું કરીને એણે સૂર્યકાંતને કહ્યું.

‘‘બોલ બેટા, તારો અવાજ આવો કેમ છે ?’’

‘‘મા હરિદ્વારથી આવી ગયાં છે.’’

‘‘ઓહ !’’ સૂર્યકાંતને આગળ શું બોલવું તે સમજાયું નહીં. એ થોડી વાર ફોન પકડીને એમ જ ઊભા રહ્યા. વૈભવીને થયું કે ચાલ તો એણે જ ચાલવી પડશે. એટલે સાવ રડમસ અવાજે, સાવ નબળા થઈને એણે સૂર્યકાંત મહેતાને કહ્યું, ‘‘મા જેવા હરિદ્વારથી આવ્યાં કે મેં તરત જ તમારા આવ્યાની વાત કરી... અમારા ઘરમાં મસમોટો ઝઘડો થયો અને અભયે...’’ વૈભવીએ ડૂસકું છોડી દેતાં કહ્યું, ‘‘અભયે મને મારી પપ્પાજી...’’

‘‘વ્હોટ ?’’ સૂર્યકાંત મહેતાનો અવાજ ઊંચો થઈ ગયો.

‘‘હા પપ્પાજી... માએ તમને કાલે જમવાનું કહ્યું છે.’’

‘‘આટલું થયા પછી ?’’

‘‘લક્ષ્મીબહેનને પણ લઈ આવવાનું કહ્યું છે.’’

‘‘જો વૈભવી, વસુને કહી દેજે...’’ લક્ષ્મીએ પિતાનો ઊંચો અવાજ સાંભળીને બેડરૂમના એક્સટેન્શનનો ફોન ઉપાડ્યો હતો. સ્વીટના આગળના સિટિંગ અરેજમેન્ટના ભાગમાંથી વાત કરી રહેલા પિતાની વાત એ ચૂપચાપ સાંભળતી રહી. પછી ‘વસુને કહી દેજે...’ સાંભળીને લક્ષ્મીએ વાતમાં ઊતરવાનું નક્કી કર્યું.

‘‘હલ્લો...’’

‘‘હલ્લો... હલ્લો...’’ વૈભવીને લક્ષ્મીનો અવાજ સાંભળીને નવાઈ લાગી.

‘‘લક્ષ્મી ફોન મૂકી દે.’’ સૂર્યકાંત મહેતાએ બહારથી કહ્યું.

‘‘અમે કાલે જમવા આવીશું ભાભી.’’

‘‘લક્ષ્મી...’’ સૂર્યકાંત મહેતાના અવાજમાં લક્ષ્મીની નાફરમાની પ્રત્યે ગુસ્સો હતો.

‘‘ડેડી, આપણે વાત કરીએ છીએને ?!’’ પછી ફોનમાં વૈભવીને કહ્યું, ‘‘કાલે મળીએ ભાભી, કેટલા વાગ્યે ?’’

‘‘અ...બ... સાડા અગિયારે.’’ બઘવાયેલી વૈભવી પાસે હવે કોઈ રસ્તો ન હતો.

‘‘ઓ.કે. ભાભી.’’ લક્ષ્મીએ ફોન મૂક્યો અને સૂર્યકાંત પાસે આવીને એમને ભેટી પડી, ‘‘ડેડી, તમે પચીસ વર્ષે વસુ આન્ટીને મળશો...’’

‘‘એણે મારા આવવાની ખબર સાંભળીને ઝઘડો કર્યો.’’

‘‘એવું તમને કોણે કહ્યું ? વૈભવી ભાભીએ ? ડેડી, એટલો તો વિચાર કરો કે જો વસુ આન્ટીને ઝઘડો કર્યો હોય તો એ તમને જમવા શું કામ બોલાવે ?’’

‘‘પણ વહુ પાસે ફોન કરાવ્યો, પોતે તો ન જ કર્યો ને ? મારી રાહ જોયા વિના હરિદ્વાર જઈને શ્રાદ્ધ કરી આવી... તો જાહેરાત શું કામ આપી હતી ? આ વસુ છે બેટા... એના અભિમાનની તને હજી ખબર નથી.’’

‘‘ડેડી, તમે પણ જાહેરાત વાંચીને ફોન કરી જ શક્યા હોત... પચીસ વર્ષ દરમિયાન તમે ક્યારેય ફોન નથી કર્યો ડેડી... હવે પચીસ-પચીસ વર્ષ રાહ જોઈને, ચાર ચાર સંતાનોને એકલે હાથે ઉછેર્યા પછી એક પત્ની એટલી તો આશા રાખેને કે પહેલો ફોન તમે કરો.’’

‘‘પણ...’’ સૂર્યકાંત મહેતા પાસે જવાબ નહોતો. લક્ષ્મી હજીયે એમને ભેટીને ઊભી હતી અને એમની પીઠ પર હાથ ફેરવી રહી હતી.

‘‘હમણાં ના કરવો હોય તો નહીં કરતા, આપણે કાલે જવાના જ છીએ.’’

‘‘જો... હું...’’ સૂર્યકાંત કંઈ કહેવા માગતા હતા, પણ શું એની એમને ખબર નહોતી.

‘‘ચાલો, સૂઈ જઈએ ?’’ લક્ષ્મીએ કહ્યું, ‘‘સવારે વહેલા જવું છે.’’ અને પછી હાથ પકડીને સૂર્યકાંતને દોરીને બેડરૂમ તરફ લઈ ગઈ. સૂર્યકાંત જાણે ચાવી આપેલું રમકડું હોય એમ લક્ષ્મીની પાછળ પાછળ દોરાયા.

વસુમાએ પલંગના સાઇડ ટેબલ પર મૂકેલી ઘડિયાળ જોઈ. રાતના પોણા બે....

એમને કોઈ રીતે ઊંઘ નહોતી આવતી.

એ ઊભાં થયાં અને ઠાકોરજીના મંદિર પાસે ગયાં. રાતના સૂતા પહેલાં વાસી દીધેલું મંદિર ખોલ્યું અને સામે બેઠા.

‘‘જો,’’ એમણે સીધી કાના સાથે જ વાત કરવા માંડી, ‘‘કાલે એ આવશે. આટલાં વર્ષો તેં ખૂબ હિંમત અને બળ આપ્યું છે. હવે કાલના દિવસે મારો હાથ છોડી નહીં દેતો હોં. મને ખબર નથી હું શું કરીશ, પણ તને ખબર છે કે તું મારી પાસે શું કરાવવાનો છે. હું તને પૂછીશ નહીં, કોઈ સલાહેય નથી આપતી કે નથી કોઈ વિનંતી કરતી કે નથી તારી પાસે કંઈ માગતી... બસ, એક જ વાત કહેવા માગું છું તને કે આજ સુધી જેમ સુખમાં અને દુઃખમાં મારી લગોલગ ઊભો રહ્યો છે એમ આવીને ઊભો રહેજે... મારા સન્માનની, મારા સ્વત્વની, મારા સ્ત્રીત્વની અને મારા પત્નીત્વની બધી જવાબદારી હું તને સોંપું છું. સમજે છે ને તું મારી વાત?’’

ઓઢવાનું ફગાવીને સૂર્યકાંત મહેતા ઊભા થયા.

પડખાં બદલી બદલીને એ થાક્યા હતા. લક્ષ્મીએ એમને અગિયાર વાગ્યે પથારીમાં નાના બાળકની જેમ સૂવડાવ્યા હતા અને ઓઢવાનું સરખું ઓઢાડ્યું ત્યારથી શરૂ કરીને અત્યારે બે વાગવા આવ્યા હતા. એમને કોઈ રીતે ઊંઘ નહોતી આવતી. એમનું મન રહી રહીને ભૂતકાળમાં સરી જતું હતું. વસુએ ફોન ન કર્યો એ બાબતો ખોટું લગાડીને ન જવું કે લક્ષ્મીના કહેવા પ્રમાણે ઘરે જઈને વીતેલી વાત ભૂલી જવી એ દ્વંદ્વ વચ્ચે એક પતિ અને એક પિતા આમથી તેમ ઝૂલી રહ્યા હતા. એમને ફરી એક વાર લક્ષ્મીના શબ્દો યાદ આવી ગયાઃ ‘‘પચીસ વર્ષ દરમિયાન તમે ક્યારેય ફોન નથી કર્યો ડેડી... હવે પચીસ-પચીસ વર્ષ રાહ જોઈને, ચાર ચાર સંતાનોને એકલે હાથે ઉછેર્યા પછી એક પત્ની એટલી તો આશા રાખેને કે પહેલો ફોન તમે કરો...’’

સૂર્યકાંત મહેતા ઘડીભર ઘસઘસાટ ઊંઘતી લક્ષ્મી સામે જોઈ રહ્યા. પછી જરાય અવાજ ન થાય એમ સિટિંગ અરેન્જમેન્ટ તરફ આગળ વધ્યા.

સોફામાં બેસીને રિસિવર ઉપાડ્યું.

ઘડીભર હાથમાં એમ જ પકડી રાખ્યું.

પછી પાછું મૂકી દીધું.

આખરે જાણે નિર્ણય કરતા હોય એમ રિસિવર ઉપાડ્યું, ઝીરો ડાયલ કરી નંબર જોડ્યો...

‘‘ટ્રીન... ટ્રીન....’’

બેમાં પાંચ.

શ્રીજી વિલાના ફોનની ઘંટડી રણકી રહી હતી.

વસુમાને ખબર નહીં, ખાતરી હતી કે આ ફોન કોનો હોઈ શકે. એમણે એમના કાના સામે જોયું. એક સ્મિત કર્યું અને ઓરડાના દરવાજા ઉઘાડી ફોન ઉપાડવા આગળ વધ્યાં.

(ક્રમશઃ)