Yog-Viyog - 15 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 15

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

યોગ-વિયોગ - 15

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૧૫

બહાર નીકળીને પ્રિયાએ અભયનો નંબર ડાયલ કર્યો. અભયનો ફોન સ્વીચઓફ હતો ! પ્રિયા ઝનૂનથી નંબર ડાયલ કરતી જતી હતી અને દરેક વખતે સ્વીચઓફનો સંદેશો સાંભળીને એની અકળામણ એક ડિગ્રી વધતી જતી હતી...

પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયાં. એને ગઈ કાલે રાતનો અભયનો અવાજ યાદ આવી ગયો, ‘‘શેનું બાળક, કોનું બાળક ? ચૂપચાપ અબોર્શન કરાવી લે. આ ભૂલને બાળક કહીને કારણ વગરના ઇમોશન્સમાં ઘસડાઈશ નહીં અને મને પણ ઘસડવાનો પ્રયત્ન ના કરીશ...’’

પ્રિયા ક્યારેક અભયને સમજી નહોતી શકતી. ક્યારેક તો અભય એવો વહી જતો કે પ્રિયાને લાગતું કે એ પ્રિયા વિના જીવી નહી શકે. તો ક્યારેક સાવ અતડો, સાવ દૂર, સાવ અજાણ્યોે બની જતો. ક્યારેક એના મનના દરવાજા ખુલ્લા મૂકી દેતો પ્રિયા માટે. ઝીણામાં ઝીણી વાત ડિસ્કર્સ કરતો. એના નાના નાના સુખો, નાનાં નાનાં સપનાં પ્રિયા સાથે વહેંચતો ને ક્યારેક કલાકો ચૂપચાપ બેસી રહેતો પ્રિયાના ખોળામાં માથું નાખીને એક પણ શબ્દ બોલ્યા વિના...

પ્રિયા અને અભયની ઉંમર વચ્ચે ૧૪ વર્ષનો તફાવત હતો. પ્રિયાએ જિંદગીમાં અભાવો અને તકલીફ સિવાય કશું જોયું જ નહોતું. મા નાની ઉંમરે કેન્સરમાં મરી ગઈ હતી. માની સારવાર બરોબર ન કરી શક્યાના અપરાધભાવમાં દારૂ પીતાં થઈ ગયેલા પિતા ધીમે ધીમે એટલા તો દારૂડિયા થઈ ગયા હતા કે એમને રાતના બે-અઢી વાગ્યે દેશી દારૂના બારની સામેની ગટરોમાંથી શોધી લાવવા પડતા. નાનકડી પ્રિયા ચૌદ-પંદર વર્ષની ઉંમરથી પૈસા-પૈસાનો હિસાબ કરતા શીખી ગઈ હતી. બાપની સરકારી નોકરી દારૂના દાનવે છોડાવી દીધી હતી. પ્રિયા મોર્નિંગ સ્કૂલમાં જતી હતી. બપોરના સમયે પાસપડોશનાં નાનાં નાનાં કામો કરતી. ચાર જણાનાં ટિફિન બનાવતી અને બે બેબી સિટિંગ કરતી. ગમે તેમ કરીને ઘર ચલાવવાની આવડત પ્રિયામાં સાવ નાની ઉંમરથી આવી ગઈ હતી.

ગરીબી અને અભાવ એની જિંદગીનો ભાગ બની ગયા હતા. એ પહેલી વાર અભયને મળી ત્યારે માંડ વીસી પૂરી થઈ હતી એની. મહામુશ્કેલીએ ગ્રેજ્યુએટ થયેલી પ્રિયા પહેલી વાર અભની ઓફિસમાં એના ટેબલની સામે ઊભી હતી અને આશાભરી આંખે અભયની સામે જોઈ રહી હતી. એને આ નોકરી નહીં મળે તો શું થશે એવો ભય એની આંખોમાં સ્પષ્ટ ડોકાઈ રહ્યો હતો.

‘‘તમને કોઈ અનુભવ નથી. સેક્રેટરીની જોબ માટે થોડોઘણો અનુભવ તો જોઈએ મેડમ...’’ અભયે એની સામે જોઈને કહ્યું હતું.

‘‘કોઈ જોબ નહીં આપે અને બધા એક્સપિરિયન્સ જ પૂછ્‌યા કરશે સર, તો...’’ પ્રિયાને ડૂમો ભરાઈ ગયો હતો. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગચાં હતાં. ‘‘સર, આઇ એમ વેરી ગુડ એટ માય વર્ક... મને એક મોકો તો આપો !’’

કોણ જાણે કેમ અભયને પહેલી વાર નોકરી માગવા ગયેલી વસુંધરા યાદ આવી ગઈ હતી. એની આંખોમાં પણ એ જ અસહાયતા દેખાઈ હતી અભયને. અભયે ઊભા થઈને અચાનક જ કહ્યું હતું, ‘‘કાલથી આવી જાવ...’’ અને પ્રિયા રડી પડી હતી. પ્રિયાએ સૌથી પહેલો પોતાનો જ અપોઇન્ટમેન્ટ લેટર ટાઇપ કર્યો હતો !

અભય આમ તો સરકારી નોકર હતો. દિવસ દરમિયાન ખાસ ઓફિસમાં નહોતો રહેતો. એનો બધો જ ધંધો વૈભવીના નામે ચાલતો. જોકે વૈભવી ભાગ્યે જ ઓફિસે આવતી. અભય સવારે અને સાંજે ઓફિસે આવતો. એ દરમિયાન જ દિવસભરનાં કામ જોઈ લેતો. બીજા માણસને જે કામ કરતાં સાત-આઠ કલાક લાગે એ બધાં જ કામ અભય ત્રણ-ચાર કલાકમાં નીપટાવી દેતો. પ્રિયા આ માણસની યાદશક્તિ, કાબેલિયત અને બુદ્ધિપ્રતિભા ઉપર ફિદા થઈ ગઈ હતી. જાણે-અજાણે એ અભયની રાહ જોયા કરતી. દિવસ દરમિયાન એનું મન અભય ક્યારે ઓફિસમાં આવશે એ વિચારે વારંવાર ઘડિયાળ તરફ ખેંચાયા કરતું.

અભય ઓફિસે આવતાની સાથે કામે વળગી જતો. પ્રિયાને કાગળો લખાવવા, ટેન્ડર ડ્રાફ્ટ કરવા અને દિવસ દરમિયાન તૈયાર કરી રખાયેલા બધા જ ફાઇલો અને પેપર્સ્ર જોઈ જવા, એની યોગ્ય વ્યવસ્થા કરવી, પ્રિયાની કેબિનમાં એક દીવાલ કાચની હતી. જેમાંથી અભયની કેબિન દેખાતી. કાચની એ દીવાલમાં એક બારણું હતું, જે પ્રિયા અને અભયની કેબિનને જોડતું. આમ જુઓ તો અભયની મોટી કેબિનમાં કાચની એક આડી દીવાલ ઊભી કરીને પ્રિયા માટે જગ્યા કરાઈ હતી. પ્રિયા અભયને જોયા કરતી. કામ માટેની એની લગન, એનું ઇન્વોલ્વમેન્ટ પ્રિયાને અભિભૂત કરી નાખતું. ત્રણ-ત્રણ વાર કોફી બને અને ઠંડી પડી જાય છતાંય અભયને એની ખબર સુધ્ધાં ના પડતી. ક્યારેક અભય પ્રિયાને કહેતો, ‘‘મને હમણાં જ યાદ આવ્યું, મેં સવારથી કંઈ ખાધું જ નથી. કંઈ મંગાવી દેશો, પ્લીઝ...’’

‘‘શું ?’’ પ્રિયા અચકાઈને પૂછતી.

‘‘કંઈ પણ, ફૂડ...’’ અભય કહેતો અને પ્રિયા એની સરળતા અને સાદગીને આશ્ચર્યયક્તિ થઈને જોઈ રહેતી.

‘‘કોને માટે કમાય છે આ માણસ... આટલું બધું ?’’ પ્રિયાને ક્યારેક વિચાર આવતો...

ક્યારેક અભય બે-ત્રણ લાખ રૂપિયા કેશ હોય એવી બેગ પ્રિયાને આપતો અને કહેતો, ‘‘તમારી પાસે રાખજો, પછી માગી લઈશ.’’

અઠવાડિયા-દસ દિવસ પછી પ્રિયા અચકાતા-અચકાતા યાદ કરાવતી એ પૈસા વિશે અને અભય કહેતો, ‘‘ઓહ યેસ, હું તો ભૂલી જ ગયેલો...’’ અને પ્રિયા ડઘાઈને જોઈ રહેતી આ માણસ સામે, ‘‘ત્રણ લાખ રૂપિયા ભૂલી ગયેલો !!!!’’

ક્યારેક ક્લાયન્ટ મિટિંગમાં કે પ્રેઝન્ટેશન માટે સાથે ગયેલાં અભય અને પ્રિયા સાથે આવતાં હોય ત્યારે પેટ્રોલ ભરાવવાના રોકડા પૈસા અભયના ખિસ્સામાં ન હોય એવું બનતું... તો ક્યારેક કોઈ રેસ્ટોરાંમાં જઈને અભય ખિસ્સા ફંફોસતો અને આખરે ક્રેડિટ કાર્ડ કાઢીને આપતા પ્રિયા સામે હસતો, ‘‘મારી પાસે પૈસા જ નથી, મને ખબર જ નહીં.’’ અને પ્રિયા એની સામે બસ, જોઈ રહેતી...

સમય વહેતો રહ્યો. પ્રિયાની નજર સામે અભયનાં એક પછી એક પડ ઉઘડતાં રહ્યાં. એને અભય રોજેરોજ જુદો લાગતો. મોડી રાત સુધી ઘરે ન જતો અભય, ફોન સ્વીચઓફ કરી દેતો અભય, ઘણી વાર અન્યમનસ્કની જેમ બેસીને વિચાર્યા કરતો અભય, ક્યારેક કારણ વગર મગજ ગુમાવી દેતો અને બૂમાબૂમ કર્યા પછી બોસ થઈને પણ માફી માગતો અભય એક કોયડો બનતો જતો હતો. પ્રિયાને નવાઈ લાગતી, આ માણસના સદવર્તન અને શિષ્ટાચાર વિશે. અભય ક્યારેય પ્રિયા સાથે કામ વગરની વાત ના કરતો. હંમેશાં તમે કહીને બોલાવતો અને લગભગ રોજ એને પૂછતો, ‘‘જમી લીધું - ડીડ યુ હેવ યોર લંચ ?’’

અભય અવારનવાર પ્રિયાને જાતજાતને ફેવર્સ કરતો. સરકારી નોકર તરીકે એને મળેલી નાની-મોટી ભેટો કે ગિફ્ટ કુપન્સ એ પ્રિયાને આપી દેતો. ક્યારેક કોઈ સ્ટોરમાં સાથે જવાનું થાય તો બહુ સ્વાભાવિકપણે પ્રિયાને કહેતો, ‘‘તમારે કંઈ લેવું છે ?’’ પગાર ઉપરાંત દર મહિને કોઈક ને કોઈક રીતે પ્રિયાને બીજી આવક થઈ રહે એવો એ પ્રયાસ કરતો.

પ્રિયા આ માણસને હંમેશાં સમજવાનો પ્રયત્ન કરતી. છેલ્લા બાર મહિનાની નોકરી દરમિયાન એ પાંચેક વાર વૈભવીને મળી હતી. બેએક વાર ઓફિસમાં અને ત્રણેક વાર ક્લાયન્ટ્‌સને ત્યાં પાટર્ીમાં. વૈભવીનું રૂપ, એનું વર્તન, એની મોહક અદાઓ અને એનું જાજરમાન વ્યક્તિત્વ પ્રિયાને ઇમ્પ્રેસ કરી ગયું હતું. એ હંમેશાં જોતી કે અભય વૈભવીની હાજરીમાં દબાયેલો, સહેજ ઝંખવાયેલો લાગતો...

વૈભવી પણ ઓફિસમાં આવીને માલિકની જેમ વર્તતી. ઓફિસના સ્ટાફની સામે અભયનું માન જાળવવાના બદલે ક્યારેક મશ્કરી કરતી હોય એવી રીતે બોલતી. અભય બને ત્યાં સુધી સારી રીતે વર્તતો, પરંતુ એ જ અભયને ઘણી વાર ફોન પર બૂમો પાડીને ફોન મૂકી દેતો પ્રિયાએ જોયો હતો. આવું થાય ત્યારે અભય મોડી રાત સુધી ઘેર જવાનું ટાળતો. કોઈ ને કોઈ કામનું બહાનું કરીને ઓફિસમાં જ બેસી રહેતો.

ઘણી વાર મોડી રાત સુધી કામ કરે ત્યારે અભય ઓફિસમાં જ બે ડ્રિન્ક પીતો, ડીનર મંગાવતો... પ્રિયાને પણ સાથે જ જમી લેવાનો આગ્રહ કરતો. પ્રિયા ધીમે ધીમે અભયને સમજવા લાગી હતી.

પ્રિયાને આજે પણ યાદ હતો એ દિવસ... મોડી રાત થઈ ગઈ હતી, છતાં પ્રિયા કામ કરતી હતી. અભય એની કેબિનમાં કામ કરતા ડ્રિન્ક લઈ રહ્યો હતો. અચાનક બંનેની કેબિનું ઇન્ટરકનેક્ટિંગ બારણું ધડાકા સાથે ખૂલ્યું હતું, પ્રેઝન્ટેશન ટાઇપ કરતી પ્રિયા ડઘાઈ હતી હતી. અચાનક જ અભય પ્રિયાની કેબિનમાં આવ્યો હતો. ખોલી નાખેલી ટાઇ, ટક-ઇન કરેલું શર્ટ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું... પ્રિયાની કેબિનમાં આવીને એણે અચાનક જ પ્રિયાને પૂછ્‌યું હતું, ‘‘ડ્રાઇવ પર આવે છે મારી સાથે ?’’ એણે પહેલી વાર પ્રિયાને તુકારાથી બોલાવી હતી. એના પગ ડગુમગુ થતા હતા. પ્રિયાના ટેબલનો સહારો લઈને એ માંડ ઊભો હતો. પ્રિયાએ જોયું કે એ મહામુશ્કેલીએ પોતાના પગ પર ઊભો રહી શકતો હતો. પ્રિયા એને જોઈને જ સમજી ગઈ હતી કે એણે ખાસ્સું પીધું હતું. બાળપણથી પિતાની આવી હાલત જોતી આવેલી પ્રિયા માટે આ સિચ્યુએશન નવી નહોતી. એણે ખૂબ સલુકાઈથી અભયને સહારો આપ્યો હતો. છેક ગાડી સુધી લઈ ગઈ હતી અને ગાડી ડ્રાઈવ કરીને ઘર સુધી લઈ ગઈ હતી. આખે રસ્તે લગભગ તંદ્રમાં અભય કંઈ પણ બોલી રહ્યો હતો... ‘‘માણસના સંબંધો કેમ ઠરી જતા હોય છે? હું ખરેખર ખોટો નથી પ્રિયા. તને ખબર છે મેં બધું જ કર્યું છે આ ઘર માટે... વૈભવી, વૈભવી માટે... તું ઓળખે છે વૈભવીને ? માય વાઇફ... મારી પત્ની આજે મને કહે છે કે હું બાયલો છું... માવડિયો છું... મારી માનો પાલવ છોડતો નથી... માય વાઇફ- મારી પત્ની મને કહે છે કે એના બાપે મારો હાથ ન પકડ્યો હોત તો હું ક્યાં હોત એની મને જ ખબર જ નથી...’’ પ્રિયા ચૂપચાપ ગાડી ચલાવતી હતી. અભય બોલે જતો હતો. એની આંખો બંધ હતી. પ્રિયાની બાજુની સીટમાં પગ લાંબા કરીને સીટનો બેકરેસ્ટ લંબાવીને અભય લસ્ત પડ્યો હતો...

‘‘પ્રિયા, હું સારો માણસ નથી ?’’ અભયે આંખો ખોલીને પ્રિયા સામે જોયું હતું.

‘‘તમે બહુ સારા માણસ છો સર.’’

‘‘કોણ માને છે ? મારી મા મને બેઇમાન માને છે અને પત્ની બાયલો... કોઈ નથી માનતું કે હું સારો માણસ છું.’’

‘‘હું માનું છું સર.’’ અભયે તરલ આંખે પ્રિયા સામે જોયું હતું. પ્રિયાએ ઇમોશનલ થઈને અભયના હાથ પર હાથ મૂક્યો હતો, ‘‘આઈ મીન ઇટ સર...’’

‘‘સર નહીં, અભય... તું મને અભય કહી શકે છે પ્રિયા !’’ ગાડી શ્રીજી વિલાના ગેટ પાસે પહોંચી હતી.

‘‘સર, ઘર આવી ગયું.’’

અભય ખડખડાટ હસ્યો હતો, ‘‘ઘર... ઘર તમે કોને કહો છો ? જ્યાં ટપાલી પત્ર લાવે ? એક સરનામું હોય, જે તમે પાસપોર્ટમાં, રેશનકાર્ડમાં, ડ્રાઇવિંગ લાઇસન્સમાં લખી શકો ? આ ઘર નથી પ્રિયા, આ તો શ્રીજી વિલા છે. વસુંધરા મહેતાનો કિલ્લો...’’

‘‘સર, એવું શું કામ બોલો છો ?’’

‘‘અભય... અભય કહેવાનું મને.’’

‘‘જી !’’ પ્રિયા જાણતી હતી કે આજની આ મનઃસ્થિતિ આવતી કાલે નહીં રહે. પીધેલી માણસની મનઃસ્થિતિ પ્રિયાથી વધારે કોણ જાણી શકે એમ હતું ? એણે વાંકા વળીને ગાડીનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો. પ્રિયા અભયની આગળ થઈને ગાડીના દરવાજા તરફ ઝૂકી. એની ગરદન અભયના ચહેરાની સામે હતી. ડ્રાઇવિંગ સીટમાં બેઠેલી પ્રિયા અડધી અભય પર ઝૂકેલી હતી. અભયે હાથ ઉઠાવીને એને કમરમાંથી પકડી લીધી. એના હોઠ પ્રિયાની ગરદન પર ચંપાઈ ગયા. પ્રિયા કશું સમજે એ પહેલાં અભયના હાથ એની પીઠ પર, એના ખભા પર, એના વાળમાં, એની ગરદન પર ફરી રહ્યા હતા... અભયના હોઠ પ્રિયાની ગરદન પર બે-ત્રણ ભૂરા ચાઠાં પાડી ચૂક્યા હતા. પ્રિયા કંઈ બોલે એ પહેલાં અભયે એના હોઠ પોતાના હોઠથી બાંધી લીધા હતા...

અને કોણ જાણે કેમ પણ પ્રિયાએ આ વાતનો સહેજ પણ વિરોધ ના કર્યો. એનું મન જાણે અભયના સ્પર્શથી તૃપ્ત થઈ રહ્યું હતું. એને પોતાનેય ખબર નહોતી એવી રીતે એ અભયને પ્રેમ કરવા માંડી હતી કદાચ. આ માણસની સારાઈ, એની સરળતા, એની નિખાલસતા અને એની શાલિનતા છેલ્લા ૧૩-૧૪ મહિનાથી ધીમે ધીમે એને ભીંજવી રહ્યા હતા. પોતે સરાબોર ભીંજાઈ ગઈ ત્યાં સુધી પ્રિયાને પોતાનેય ખબર નહોતી પડી કે એ અભયને મનેમન ચાહવા લાગી હતી !

અભય પાગલની જેમ પ્રિયાને ચૂમી રહ્યો હતો. એના હાથ પ્રિયાની પીઠ પર જાણે ખૂંપી જવા માગતા હોય એમ રોકાઈ રહ્યા હતા. એની શાલિનતા, એની સભ્યતા અથવા કદાચ એના સંસ્કાર એના હાથને પ્રિયાના શરીર પર આગળ વધતા રોકી રહ્યા હતા. એના મનનો સંયમ તૂટી ગયો હતો, છતાં આટલા નશામાં પણ એ પોતાની શાલિનતા અને સંયમની દીવાલ ઓળગી શકતો નહોતો. બે વખત એના હાથ પ્રિયાનાં સ્તન સુધી આવીને અટકી ગયા. જાણે કોઈ અગમ્ય બળે એના હાથ ખેંચી લીધા હોય એમ એના હાથ પાછા પીઠ પર જઈને એવાતો સખત ખૂંપ્યા કે પ્રિયાથી હળવી ચીસ પડાઈ ગઈ...

જાણે સંપૂર્ણ સમર્પણ કરવાના ઇરાદાથી પ્રિયાએ અભયની પીઠ પર મુકાયેલો પોતાનો હાથ ઊંચક્યો, પોતાની પીઠ પર ચોંટી ગયેલો અભયનો હાથ હળવેકથી હાથમાં લઈને પોતાનાં સ્તન પર મૂકી આપ્યો...

અભયના સંયમના બધા જ બંધ તૂટી ગયા

ને પ્રિયાએ પણ સંપૂર્ણ સંનિષ્ઠતાથી અને સંવેદનાથી સમર્પણ કરી દીધું. શ્રીજી વિલાની બહાર સાવ ગેટ પાસે અભય અને પ્રિયા એકબીજામાં ખોવાઈ ગયાં. અભયની મોટી પજેરોની પાછલી સીટ એમના માટે બેડરૂમની પથારી બની ગઈ. કોણે શું કર્યું અને કોણે શું કહ્યું એની બેમાંથી કોઈને ખબર જ નહોતી જાણે...

એક આત્મા ખૂબ તરસ્યો ભટકતો ભટકતો જાણે પોતાનો આધાર શોધતો હતો અને બીજું શરીર એ આત્માને પોતાનામાં સમાવી લેવા તત્પર હતું...

પ્રિયાએ ફરી એક વાર નંબર ડાયલ કર્યો.

‘‘તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં તમારો કોલ લઈ શકતા નથી...’’ પ્રિયાને ફોન ફેંકવાની ઇચ્છા થઈ ગઈ.

‘‘આ એ જ અભય હતો જેને પોતે આટલો બધો પ્રેમ કર્યો હતો ! જે કહેતો હતો કે મારું સરનામું શ્રીજી વિલા છે, પણ હું અહીં તારી સાથે રહું છું પ્રિયા...’’ પ્રિયાને વિચાર આવી ગયો. એને ફરી એક વાર અભયના ગઈ કાલ રાતના શબ્દો યાદ આવી ગયા, ‘‘શટ-અપ એન્ડ ડુ એઝ આઈ સે... મને આ પ્રોબ્લેમથી છૂટકારો જોઈએ છે. જેમ બને તેમ જલદી...તારી મેળે મેનેજ કરી લે, હું પૈસા આપી દઈશ...’’ એનું મોઢું એક કડવા સ્વાદથી ભરાઈ ગયું. છાતી જાણે ભીંસાઈ ગઈ. એક અજબ પ્રકારનો ડૂમો એના શ્વાસ રૂંધવા લાગ્યો. ગરમ ખારા પાણીથી એનું ગળું ભરાઈ આવ્યું. ઘણું રોકવા છતાં આંખમાંથી બે-ચાર આંસુ ટપકી પડ્યાં....

‘‘આખીયે વાત ખૂબ સંવેદનશીલતાથી પણ કરી જ શકાઈ હોત ! એ એવું પણ કહી શક્યો હોત કે કંઈ વાંધો નહીં. હું પાછો આવું એટલે તરત અબોર્શન કરાવી લઈશું, િંચંતા નહીં કરતી, હું તારી સાથે જ છું....’’ પ્રિયાનું મન એટલું તો દુભાયું હતું કે એને અભયનો વિચાર પણ મનમાંથી કાઢી નાખવો હતો અત્યારે ને છતાં એનો એ જ વિચાર વારે વારે એના હૃદય ઉપર આડા-ઊભા ઘાની ચોકડીઓ પાડતો જતો હતો.

પ્રિયા ક્ષણભર એમ જ ઊભી રહી. બ્લેન્ક- શૂન્યમાં તાકતી. પછી આંસુ લૂછીને પ્રિયા પાછી ફરી અને ક્લિનિકના વેઇટિંગ રૂમમાં જઈને ગોઠવાઈ ગઈ.

ડોક્ટરની આસિસ્ટન્ટ જે ઓરડામાં ગઈ હતી ત્યાંથી પાછી ફરી. એણે પ્રિયાને બેઠેલી જોઈ. અને ફરી પૂછ્‌યું, ‘‘તેં રિપોટર્ કલેક્ટ કર્યો?’’

‘‘ના.’’ પ્રિયાએ કહ્યું. એ જ વખતે ડોકટર પારેખની ચેમ્બરમાંથી રાજેશ અને અંજલિ બહાર નીકળ્યાં. પ્રિયાનો અવાજ અજાણતા જ સહેજ ઊંચો થઈ ગયો, ‘‘રિપોર્ટને શું કરવો છે ? મને આ બાળક નથી જોઈતું.’’

‘‘યુ મીન...’’ ડો. પારેખની આસિસ્ટન્ટના ચહેરા પર આશ્ચર્ય હતું.

‘‘યેસ, મારે અબોર્શન કરાવવું છે.’’ ડો. પારેખની ચેમ્બરમાંથી નીકળેલી અંજલિ ત્યાં જ થીજી ગઈ હતી. રાજેશ પણ અંજલિને ઊભેલી જોઈને ત્યાં જ ઊભો હતો. એની સરળતામાં આ સમીકરણ નહોતું ઊતરતું.

‘‘મારે અબોર્શન કરાવવું છે. આઇ વોન્ટ ટુ ટર્મિનેટ ધ પ્રેગનન્સી.’’ પ્રિયાએ જાણે ઘૂંટતી હોય એમ ભારપૂર્વક કહ્યું.

‘‘પણ કેમ ?’’ પેલી છોકરીએ પૂછ્‌યું.

‘‘કારણ કે હું કુંવારી છું અને મારોે બોયફ્રેન્ડ આ બાળકની જવાબદારી લેવા તૈયાર નથી...’’ પ્રિયાએ કહ્યું અને ક્યારનો રોકી રાખેલો ડૂમો વેરાઈ ગયો. પ્રિયા રડી પડી. ડોક્ટર પારેખના ચેમ્બરની બહાર થીજી ગયેલી અંજલિ આગળ વધી અને એક પણ શબ્દ બોલ્યા વિના એણે પ્રિયાના ખભે હાથ મૂક્યો. પ્રિયા પાછળ ફરી અને અંજલિને વળગી પડી. પ્રિયા ડૂસકે ડૂસકે રડી રહી હતી અને અંજલિ એક અક્ષર બોલ્યા વિના એની પીઠ પર હાથ ફેરવી રહી હતી. રાજેશ કશું સમજ્યા વિના અથવા બધું જ સમજીને ચૂપચાપ ત્યાં ઊભો હતો. વેઇિંટંગ રૂમમાં બેઠેલી સ્ત્રીઓ આ દૃશ્યને જોઈ રહી હતી. એમાંથી કેટલીક સંવેદનશીલ સ્ત્રીઓની આંખોમાં પાણી આવી ગયાં હતાં.

થોડી વાર રડી લીધા પછી પ્રિયા અંજલિથી છૂટી પડી અને ફરી કાઉન્ટર તરફ ફરી. ‘‘મારે અબોર્શન કરાવવું છે હમણાં જ...’’

‘‘ડોક્ટર સાહેબને મળીલો.’’ કાઉન્ટર પર બેઠેલી રિસેપ્શનિસ્ટની આંખો પણ પલળી ગઈ હતી. પ્રિયા આઉટ ઓફ ટર્ન ચેમ્બરનો દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ ગઈ અને બહાર બેઠેલી સ્ત્રીઓમાંથી કોઈ કશું બોલ્યું નહીં....

‘‘અંજુ, આપણે...’’ રાજેશ જવું કે ઊભા રહેવું એની અસમંજસમાં હતો. બીજા કોઈ પણ પ્રસંગે એ પ્રિયાની સાથે જ રહ્યો હોત, એટલું સ્ત્રી દાક્ષણ્ય અને સારાઈ હતી એનામાં, પણ માંડ માંડ મા બનવા જઈ રહેલી પત્નીની સામે આવી સંવેદનશીલ ક્ષણો ઊભી ન થાય તો સારું એવું એની અંદરનો પતિ અને પિતા કહી રહ્યો હતો...

‘‘આપણે રોકાઈએ, પ્રિયા બહાર નીકળે પછી જઈએ.’’ અંજલિએ નિર્ણય કર્યો, જે એક રીતે રાજેશને ગમ્યું. એનો ઉછેર અને એનો સ્વભાવ પ્રિયાને આ હાલતમાં છોડીને એને ત્યાંથી જવા તો ન જ દેત... અંજલિએ કહ્યું એટલે એને એક જાતની નિરાંત થઈ ગઈ. માંડ પાંચેક મિનિટ થઈ હશે અને પ્રિયા રૂમાલથી આંખો લૂછતી, નાક લૂછતી ચેમ્બરની બહાર નીકળી.

‘‘શું કહ્યું ?’’ અંજલિએ પૂછ્‌યું.

‘‘કાલે સવારે નવ વાગ્યે...’’ પ્રિયાએ કહ્યું. પછી અંજલિનો હાથ પકડ્યો. સહેજ દબાવ્યો અને કહ્યું, ‘‘થેન્કસ !’’ એની આંખો ફરી ઊભરાઈ આવી હતી.

‘‘હું આવું સવારે તારી સાથે ?’’ અંજલિએ પૂછ્‌યું.

‘‘તું ?’’ પ્રિયાની આંખોમાં આશ્ચર્ય હતું. રાજેશને બોલવું હતું પણ એ ચૂપ રહ્યો.

‘‘કેમ ? તું એકલી તો નહીં જ આવે ને ?’’

‘‘આઈ વિલ મેનેજ.’’

‘‘ના, હું આવીશ તારી સાથે. હું અને રાજેશ આવીશું તારા ઘરે સવારે સાડા આઠે. રાજેશ અહીંયા આપણને ઉતારી જશે અને પછી ડોક્ટર કહેશે ત્યારે લઈ જશે.’’

‘‘શ્યોર...’’ રાજેશને કહેવું નહોતું, પણ કહેવાઈ ગયું.

‘‘તમે ? તું ?’’ પ્રિયાની આંખોમાં આંસુની સાથે આશ્ચર્ય પણ હતું.

‘‘કાલે સવારે સાડા આઠે...’’ અંજલિએ કહ્યું અને પોતાનો હાથ પ્રિયાના ખભાની આજુબાજુ લપેટીને એને લઈને બહારની તરફ ચાલવા માંડી. પ્રિયા લગભગ ઘસડાઈ...

અને રાજેશ પાછળ પાછળ ચાલવા લાગ્યો.

લિફ્ટ આવતાં લાગેલી થોડીક ક્ષણો જાનકીનું હૃદય ધબકતું અટકી ગયું હતું. એણે ઘડિયાળમાં જોયું, ‘‘શ્રાદ્ધ...’’ હરિદ્વાર ફોન કરવો કે આ સાચા સૂર્યકાંત મહેતા છે એ ચેક કરવું... બેની વચ્ચે ઝોલા ખાતી જાનકી હજુ પહેલાં આઘાતમાંથી બહાર આવે એ પહેલાં લિફ્ટનો દરવાજો ખૂલ્યો !

લિફ્ટની અંદરની તરફ નીરવ અને એક અમેરિકન છોકરી ઊભાં હતાં... જાનકી એકીટશે નીરવ સામે જોતી રહી. નીરવના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. બંને એકબીજા સામે જોતાં રહ્યાં અને જાનકી લિફ્ટમાં દાખલ થાય એ પહેલાં ઓટોમેટિક ડોરક્લોઝરે પોતાનું કામ કરી લીધું...

જાનકી ડઘાઈ ગઈ.

‘‘નીરવભાઈ ! અહીં ?... અહીં શું કરે છે નીરવભાઈ, આ પરદેશી છોકરી સાથે ?’’ જાનકીને એના મનમાં ઊઠેલા સવાલોના જવાબ મળે એ પહેલાં લિફ્ટની અંદરનું બટન દબાયુંં અને બંધ થઈ ગયેલું ડોરક્લોઝર ફરી ખૂલ્યું.

નીરવ અને પેલી પરદેશી છોકરી બહાર નીકળ્યાં.

લક્ષ્મી આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. થોડી વાર પહેલાં લિફ્ટમાં તોફાન કરતો, હસતો આ માણસ અચાનક આ સ્ત્રીને જોઈને પથ્થરના પૂતળા જેવો કેમ થઈ ગયો હતો?

બુદ્ધિશાળી લક્ષ્મીને એટલું જોડતા વાર ના લાગી કે આ સ્ત્રી સૂર્યકાંત મહેતાના પરિવારમાંથી છે. ઉંમર જોતાં એ દીકરી કે પુત્રવધૂ હશે એવું એ ધારી જ શકી, પરંતુ નીરવ એને જોઈને આટલો ફિક્કો કેમ પડી ગયો એ વાત એને નહોતી સમજાઈ. એણે પેલી સ્ત્રીની આંખોમાં જોયું.

જાનકીની આંખોમાં છેતરાયાના લાગણી હતી. નીરવે જાણે વિશ્વાસઘાત કર્યો હોય એવા ભાવ હતા જાનકીની આંખોમાં અને નીરવની આંખોમાં ચોરી કરતા પકડાયો હોય એવો ગુનેગારનો ભાવ હતો. જાનકી અને નીરવ એકબીજાની સામે જોઈને એક પણ અક્ષર બોલ્યાં વિના થોડી ક્ષણો ઊભા રહ્યા.

આખરે નીરવે ચૂપકિદી તોડી, ‘‘ભાભી...’’

‘‘નીરવભાઈ, તમને બધી ખબર હતી ?’’

‘‘ના ભાભી, હું પણ આમને ગઈ કાલે જ મળ્યો છું.’’

‘‘આ....’’

‘‘આ લક્ષ્મી છે ભાભી, પપ્પાજીની દીકરી...’’ પછી થૂંક ગળે ઉતારીને સુધાર્યું, ‘‘સૂર્યકાંત મહેતાની દીકરી.’’

લક્ષ્મીએ નમસ્તે કર્યા. જાનકી જોઈ રહી એની સામે. નમસ્તેનો જવાબ પણ ના આપી શકી. એના મગજમાં એકસામટા સેંકડો વિચારો ઊમટી પડ્યા હતા.

‘‘તો એ માણસ ફરી પરણી ગયો ? પચીસ પચીસ વરસ સુધી રાહ જોતાં વસુમાને જ્યારે આ ખબર પડશે ત્યારે શું થશે ? કેવો માણસ હશે જેને પોતાની પત્નીની આવી સંનિષ્ઠ પ્રતીક્ષા પણ પાછો ન લાવી શકી... છોકરીને જોઈને તો પરદેશી સ્ત્રી સાથે લગ્ન કર્યાં હશે એવું લાગે છે. એની પત્ની જીવતી હશે? સાથે આવી હશે...’’

‘‘ભાભી...’’ જાનકીના કાને નીરવનો અવાજ પડ્યો જ નહીં જાણે... ‘‘ભાભી...’’ નીરવે ફરી કહ્યું.

‘‘હં... હં... ’’ જાનકી ચોંકી, ‘‘તમે વસુમાને ફોન કર્યો?’’

નીરવ આ જ સવાલની રાહ જોતો હતો. આ જ સવાલનો ભય હતો એને. ને જાનકીએ એ સવાલ પૂછી નાખ્યો હતો.

‘‘કર્યો હતો, ગઈ કાલે રાતે જ અલયને ફોન કર્યો હતો મેં.’’

‘‘થેન્ક ગોડ...’’ જાનકીએ કહ્યું.

‘‘ભાભી, આપણે બેસીને વાત કરીએ ? કોફીશોપમાં...’’ નીરવને કંઈ જ સમજાતું નહોતું. આખીયે વાત એણે નહોતી ધારી એવી રીતે ગૂંચવાઈ હતી.

‘‘માને ખબર છે ને ? એ લોકો પાછા આવે છે ને કાલે સવારે ?’’

‘‘પાછા તો આવે જ ને, ટિકિટ તો કન્ફર્મ છે ને ભાભી...’’

‘‘એટલે શ્રાદ્ધ...’’

‘‘આપણે બેસીને વાત કરીએ ને ?’’ નીરવ અકળાઈ ગયો હતો. લક્ષ્મી સમજી નહોતી શકતી કે આખી પરિસ્થિતિમાં ગૂંચવાડો ક્યાં હતો?

નીરવ લક્ષ્મીને લેવા આવ્યો ત્યારે મૂળ કાર્યક્રમ એલિફન્ટા જવાનો હતો. નીરવ ઘેરથી વિષ્ણુપ્રસાદને બપોર સુધી ક્લાયન્ટ મિિંટગમાં વ્યસ્ત છે એવું કહીને નીકળ્યો હતો. પરોઢિયે ઘરે આવેલો અને સવારે આઠ વાગ્યામાં નાહીધોઈને તૈયાર થઈ ગયેલા નીરવને બ્રેકફાસ્ટ ટેબલ પર જોઈને વિષ્ણુપ્રસાદનું આશ્ચર્ય હદ ઓળંગી ગયું હતું. દસ વાગ્યા સુધી ઘોરતા આ છોકરાને આજે સાડા આઠ વાગ્યામાં તૈયાર જોઈને એમને મનોમન આનંદ થયો હતો.

અને એમાંય જ્યારે નીરવે ક્લાયન્ટ મિટિંગનું કહ્યું ત્યારે વિષ્ણુપ્રસાદને જીવન સફળ થઈ ગયેલું લાગ્યું હતું. એમણે ક્લાયન્ટના નામ પૂછવાની પણ તસદી ના લીધી. નીરવ સવારના પહોરમાં તાજ પહોંચ્યો હતો...

લક્ષ્મીને લઈને એલિફન્ટા જવા નીકળતો જ હતો કે લિફ્ટની સામે જાનકી ભટકાઈ હતી.

‘‘આપણે ક્યાંક બેસીને વાત કરીએ ને ?’’ નીરવે ફરીને કહ્યું અને પછી જાનકીનો હાથ પકડીને એને લગભગ કોફી શોપની દિશામાં ઘસડી... લક્ષ્મી પણ પાછળ પાછળ ચાલી નીકળી.

કોફી શોપની દિશામાં વળી ગયેલાં નીરવ, જાનકી અને લક્ષ્મીનું ધ્યાન પોતપોતાના વિચારોમાં હતું, નહીં તો એમણે લોબીમાં દાખલ થતી વૈભવીને જોઈ હોત.

લોબીમાં દાખલ થઈને સડસડાટ લિફ્ટ તરફ આગળ વધતી વૈભવી પણ પોતાની ગણતરીઓમાં ખોવાયેલી હતી. એટલે એણે પણ એનાથી સો ફૂટના અંતરે જઈ રહેલાં નીરવ અને જાનકીને ના જોયાં.

એ લિફ્ટ પાસે જઈને ઊભી રહી, ‘‘૧૦૧૧...’’ એણે મનમાં કહ્યું અને લિફ્ટનું બટન દબાવ્યું.

સવારના પહોરમાં નીરવ જ્યારે લક્ષ્મીને લેવા આવ્યો ત્યારે સૂર્યકાંતને નવાઈ તો લાગી હતી. રાત્રે પણ બે-ત્રણ વાર તંદ્રામાં એમણે લક્ષ્મીને કોઈ સાથે ફોન પર વાત કરતી સાંભળી હતી. અમેરિકા વાત કરતી હશે એમ માનીને બહુ ધ્યાન નહોતું આપ્યું, પણ આખી રાત જાગેલી લક્ષ્મી સવારે વહેલી ઊઠીને તૈયાર થઈ ગઈ અને નીરવ આવી પહોંચ્યો ત્યારે એમની અનુભવી આંખોથી લક્ષ્મીના ચહેરા પર ઊભરાતો આનંદ અછતો નહોતો રહ્યો. અમેરિકામાં જન્મેલી અને મોટી થયેલી લક્ષ્મીએ જ્યારે સૂર્યકાંતની સામે જોઈને સહેજ શરમાતા નીરવ સાથે બહાર જવાની પરમિશન માગી ત્યારે સૂર્યકાંતના મનમાં ઈર્ષ્યા અને આનંદનો એક ભળતો જ મિશ્ર ભાવ જાગી ઊઠ્યો હતો.

ન્યૂયોર્કમાં લક્ષ્મી ડેટ પર નહોતી જતી કે એના પુરુષમિત્રો નહોતા એવું નહોતું, પણ આજે લક્ષ્મીના ચહેરા પર જે ભાવ એ સૂર્યકાંતે પહેલાં ક્યારેય નહોતો જોયો. વીસીમાં પ્રવેશી રહેલી યુવાન છોકરી આમ શરમાઈને કોઈકની સાથે બહાર જવાની રજા માગે ત્યારે એનો અર્થ શું થાય એ સૂર્યકાંતને સમજાવવું પડે એમ નહોતું. લક્ષ્મીની આંખોમાં એ શરમ અને એ ભાવ જોઈને સૂર્યકાંતને દીકરી કોઈકની થઈ ગઈ એની નાનકડી ઈર્ષ્યા અને દીકરીના જીવનમાં કોઈ પ્રવેશ્યાનો આનંદ ભેગા થઈ ગયા...

‘‘અફકોર્સ !’’ એમણે કહ્યું, ‘‘જાવ જાવ, મજા કરો. બસ, ગમે ત્યાં ખાતી નહીં. હજી ચોવીસ કલાક થયા છે તને આવ્યે... કદાચ અહીંનું પાણી કે ખાવાનું સૂટ ન થાય...’’

‘‘આઈ વીલ ટેક કેર સર...’’ નીરવની આંખોમાં એવો ભાવ હતો કે હવે તમે િંચંતા છોડી દો. મૈં હૂં ના !!!

‘‘ઓ.કે.’’ સૂર્યકાંતને કંઈ ખાસ કહેવાનું નહોતું, ‘‘પાછા ક્યારે આવશો ?’’

‘‘લંચ પછી તરત મૂકી જઈશ.’’ નીરવે કહ્યું, ‘‘મારે પણ ઓફિસે જવાનું છે.’’

‘‘બ્રેકફાસ્ટ ?’’ સૂર્યકાંતે વિવેક કર્યો.

‘‘ના ડેડી, મોડું થાય છે.’’ લક્ષ્મીએ નીરવને બદલે જવાબ આપી દીધો. સ્વાભાવિક હતું, લંચ પછી ઓફિસ જવા માગતા નીરવ સાથે ગાળવાના સમયમાં એ અહીં બેસીને બ્રેકફાસ્ટ કરવાનો સમય ગુમાવવા નહોતી માગતી. સૂર્યકાંત હસી પડ્યા. એમણે નીરવનો ખભો થાબડ્યો, ‘‘ઓ.કે. યંગમેન, મારી એકની એક દીકરી છે એટલું યાદ રાખજે.’’

‘‘જી સર...’’ નીરવે કહ્યું અને બંને જણા બહાર નીકળી ગયા.

એમના ગયા પછી સૂર્યકાંતને વિચાર આવ્યો, ‘‘ફોનનું તો પૂછ્‌યું જ નહીં... એણે વસુને ફોન કર્યો હશે ?’’

‘‘હાશ ! એમણે ફોનનું પૂછ્‌યું નહીં.’’ નીરવને બહાર નીકળીને પહેલો વિચાર આવ્યો અને લિફ્ટમાં પોતાની બાજુમાં ઊભેલી લક્ષ્મી તરફ એની નજર ગઈ. લક્ષ્મી એકીટશે નીરવ સામે જોઈ રહી હતી. કોણ જાણે શું હતું એ છોકરીનીનજરમાં. નીરવને એવું લાગ્યું કે એ નજરના તાપમાં પોતે ઓગળી જશે. એ નજર જાણે નીરવને આખેઆખો પીગળાવી રહી હતી... ને નીરવ ટીપેટીપે, બૂંદ બૂંદ પીગળી રહ્યો હતો.

વૈભવી લિફ્ટ પાસે જઈને ઊભી રહી, ‘‘૧૦૧૧...’’ એણે મનમાં કહ્યું અને લિફ્ટનું બટન દબાવ્યું.

લિફ્ટ ઝટવા વગર દસમા માળે ઊભી રહી. વૈભવી લિફ્ટમાંથી બહાર નીકળી. લિફ્ટની સામે જ ૧૦૦૧થી ૧૦૧૦ અને ૧૦૧૧ ટુ ૧૦૨૦નું પિત્તળનું બોર્ડ ચમકી રહ્યું હતું. વૈભવી ૧૦૧૧ની સામે જઈને ઊભી રહી.

પોતાની સિલ્કની સાડી સરખી કરી, પાલવ ખેંચ્યો, કમરનો કટ સ્પષ્ટ દેખાય એવી રીતે ગોઠવ્યો, જમણી બાજુનો પાલવ બ્લાઉસ પર સહેજ નીચે ઉતાર્યો અને સ્તનનો કટ સ્પષ્ટ કર્યો... પર્સમાંથી અરીસો કાઢીને એક વાર ચહેરો જોયો. બે હોઠ ભેગા કરીને લિપસ્ટિક સરખી કરી...

પછી હાથ લંબાવીને જમણી બાજુ રહેલી ડોરબેલ વગાડી... ‘‘િંટંગટોંગ...’’

‘‘આ છોકરી કંઈ ને કંઈ ભૂલી જ જાય...’’ સૂર્યકાંત સોફમાંથી છાપું મૂકીને ઊભા થયા. એમણે દરવાજો ખોલ્યો.

લક્ષ્મીને બદલે વૈભવી ઊભી હતી.

સૂર્યકાંત એક ક્ષણ એની સામે જોઈ રહ્યા. આ ચહેરો એમણે ક્યાંક જોયો હતો, ક્યાં...? ક્યાં...?

સૂર્યકાંત હજી કશું સમજે એ પહેલાં વૈભવીએ એમની સામે ૪૪૦ વોલ્ટનું સ્માઇલ કર્યું, ‘‘મને ઓળખી ?’’

‘‘જી...’’

‘‘પપ્પાજી, હું વૈભવી... તમારી મોટી વહુ...’’ વૈભવી નીચી નમીને પગે લાગી. સૂર્યકાંતને સમજ ન પડી કે એમણે શું કરવું જોઈએ. એમણે હાથ લંબાવીને એની પીઠ પર આશિષ માટે હાથ મૂક્યો...

(ક્રમશઃ)