Yog-Viyog - 4 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 4

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 4

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૪

ફોન કપાઈ ગયો હતો. સૂર્યકાંત ક્યાંય સુધી કપાઈ ગયેલા ફોનની ઘરઘરાટી સાંભળતો રહ્યો અને પછી એણે ફોન પછાડ્યો....

કોફી લઈને રૂમમાં આવતી લક્ષ્મીની રાખોડી આંખોમાં એક તરલ ભાવ હતો. એના સોનેરી વાળ છૂટ્ટા હતા. એણે પહેરેલી ઘુંટણથી સહેજ ઊંચી શોર્ટ્‌સમાંથી એના લાંબા પાતળા અમેરિકન લેગ્સ અને પાતળી દોરીવાળા નાઈટ શુટના ટોપમાંથી એની ગોરી અમેરિકન ચામડી દેખાતી હતી. લક્ષ્મી લગભગ સૂર્યકાન્ત જેટલી ઊંચી હતી. એણે રૂમમાં દાખલ થઈને સૂર્યકાન્તને ફોન પછાડતો જોયો. એણે સૂર્યકાન્તની સામે જોયું. “ડેડ, એની થિંગ રોંગ?”

“કમ હીયર માય ચાઈલ્ડ.” સૂર્યકાન્તે કહ્યું. લક્ષ્મીએ કોફીની ટ્રે મૂકીને સૂર્યકાન્તની નજીક આવી. સૂર્યકાન્તએ એને નજીક ખેંચી લીધી અને એનું માથું પોતાના ખભા પર મૂકીને માથા પર હાથ ફેરવવા માંડ્યો. પિતામાં અચાનક આવેલા આ વ્હાલના ઉભરાને કારણે લક્ષ્મીને જરા નવાઈ તો લાગી પણ એ કાંઈ બોલી નહીં. થોડી વાર સુધી એમ જ રહ્યા પછી એણે કહ્યું, “ડેડ કોફી ઠંડી થાય છે.”

“ઓહ યસ! યસ.” સૂર્યકાન્તે કહ્યું અને પછી બેડની નજીક આવેલી નાનકડી બેઠક તરફ આગળ વધ્યો. પ્યોર ઈટાલીયન મારબલના બે પગથિયાં ચઢીને સ્હેજ અપર લેવલ પર એ બેઠક ગોઠવવામાં આવી હતી. લાઈટ બ્રાઉન રંગના પ્યોર લેધરના બે મોટા મોટા સોફા અને બાજુમાં બે બીન બેગ. ઓફ વ્હાઈટ કલરની ગોળ ફરવાળી કાર્પેટ ઉપર વચ્ચે એક ટીનટેડ ગ્લાસનું સેન્ટર ટેબલ અને સોફાની બંને તરફ નાના નાના સ્ટેન્ડ...

સૂર્યકાન્ત સામાન્ય રીતે સોફા પર બેસતા, જમણી તરફના સોફા પર... આજે જાણે ખૂબ થાક્યા હોય એમ બીન બેગ ઉપર ઢળી પડ્યા. પગ લાંબા કરી દીધા અને લસ્ત થઈ ગયેલું શરીર લંબાવી દીધું. આંખો મીંચી દીધી. એમના ચહેરા ઉપર પીડાના ભાવ સ્પષ્ટ દેખાતા હતા.

લક્ષ્મી પહેલા સોફા પર બેસવા જતી હતી પછી પિતાની બાજુમાં જમીન ઉપર બેસી ગઈ અને હળવા હાથે સૂર્યકાન્તના માથામાં હાથ ફેરવવા લાગી.

“વ્હોટ ઈઝ ઈટ ડેડ? તમે મને કહી શકો. આઈ એમ યોર ફ્રેન્ડ...”

સૂર્યકાન્તે આંખો ખોલી. બાજુમાં બેઠેલી લક્ષ્મીને જોઈ. વીસ વરસની એ છોકરી કેટલી સમજદાર થઈ ગઈ હતી! “મા વગરનાં બાળકો જલદી જ મોટાં થઈ જતાં હોય છે...” એમણે મનમાં વિચાર્યુંર્.

“...અને બાપ વગરનાં!?”

એમણે બાજુમાં બેઠેલી લક્ષ્મીના માથા ઉપર હાથ ફેરવ્યો. “કંઈ નહીં દીકરા, રોહિતનો ફોન હતો.”

“અગેઈન?” લક્ષ્મીની ભ્રમરો સ્હેજ અણગમામાં સંકોચાઈ. “પેસા માંગવા ફોન કર્યો હશે...”

“એ સિવાય એ ક્યાં ફોન કરે છે?”

“પણ તમે એને પૈસા આપો છો શું કામ ડેડ? ના પાડી દો. જસ્ટ સે નો.”

“કેવી રીતે ના પાડું બેટા? આ એની માના પૈસા છે. એની વાત સાચી છે. ના પાડવાનો મને અધિકાર નથી.”

“ને મારી માના પૈસા નથી?” લક્ષ્મીએ પૂછ્‌યું. “એ મારી પણ મા હતી.”

“યાહ... પણ તું સાવ જુદી છે...” સૂર્યકાન્તે નિસાસો નાખ્યો. લક્ષ્મીએ પિતાના વાળમાં ફરી એક વાર હાથ ફેરવ્યો અને કપાળ ઉપર હાથ મૂકીને કહ્યું, “હું તો તમારી દીકરી છું ને?” લક્ષ્મીએ કહ્યું અને પછી લાંબા થઈ ગયેલા બાપની છાતી પર માથું મૂકી દીધું. સૂર્યકાન્તે ફરી નિઃશ્વાસ નાખીને લક્ષ્મીના સોનેરી વાળમાં હાથ ફેરવવા માંડ્યો. સૂર્યકાન્તે આંખો મીંચી લીધી...

છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા દેવશંકર મહેતા જાણે હરતું-ફરતું જાજરમાન વ્યક્તિત્વ હતું. મુંબઈ શહેરમાં પહેલા દસ-બાર કરોેેડપતિઓના નામ લઈએ તો દેવશંકર મહેતાનું નામ લેવું પડે. આજે એ દેવશંકર મહેતાની સામે એનો મોટો દીકરો સૂર્યકાન્ત મહેતા ઊભો હતો.

ચાંદીનો ઢોળ ચઢાવેલી હાથી-ઘોડાવાળી હિંચકાની સાંકળોમાં ઝીણી ઝીણી ઘુઘરીઓ લાગેલી હતી. મણિભુવનની પાછળ આવેલા ગામદેવી એ વિશાળ બંગલો એ જમાનામાં આધુનિક ગણાતા અંગ્રેજી સ્થાપત્યની અસર નીચે બંધાયેલો હતો. બંગલાનો મોટો ઝાંપો વટાવતાં જ લાલ પથ્થરનો રસ્તો હતો. રસ્તાની બંને તરફ વિશાળ બગીચો અને લેન્ડસ્કેપીંગ કરેલી લૉન હતી. બંને લૉનની બરાબર વચ્ચે આરસપહાણના એક-એક ફુવારા હતા. ફુવારાની આસપાસ નાનકડા હોજ અને હોજમાં લાલ અને સફેદ રંગના કમળ ઉગાડવામાં આવ્યા હતા. હોજનું પાણી કમળનાં મોટાં મોટાં પાંદડાંથી ઢંકાઈ જતું.

લાલ પગથીનો રસ્તો પોર્ચ સુધી લગભગ સો મીટર ચાલીને પહોંચતો. બે થાંભલા ઉપર બંધાયેલી નાનકડી છતવાળી પોર્ચ સુંદર કુંડાઓ અને લટકતી વેલોથી શોભતી હતી. ચાર પગથિયાં ચઢીને બંગલાના વેઈટીંગ લાઉન્જ જેવી ઓસરીમાં દાખલ થઈ શકાતું. ઓસરીમાં આવનારાઓને રાહ જોવા માટે વાંસના સોફા અને ખુરશીઓ હતાં. લગભગ ૪૦ ફીટ લાંબી એ ઓસરીની ફરતે કમર સુધીની દીવાલ ચણવામાં આવી હતી. ગાર-માટીના લીંપણવાળી એ દીવાલ ઉપર દર પાંચ ફૂટે એક થાંભલો હતોે. જેના પર ગાર-માટીનું લીંપણ કરીને આભલા ચોંડવામાં આવ્યા હતા. થાંભલાની બંને તરફ કુંડા મૂકવામાં આવ્યા હતા અને ઓસરીના લાલ નળિયાંવાળા છાપરામાંથી કુંડા લટકાવવામાં આવ્યા હતા.

મોટા ભાગના લોકોને ઓસરીમાં જ બેસાડીને આગતા-સ્વાગતા કરીને પાછા વાળવામાં આવતા. દાન માંગનારા, સામાજિક સંસ્થાઓવાળા, ભલામણ ચિઠ્ઠી લેવા આવનારા કેટલાય લોકોથી એ ઓસરી દિવસભર ભરાયેલી રહેતી.

ઓસરી વટાવીને અંદર આવો તો લગભગ સાઈઠ બાય સાઈઠનો એક વિશાળ દિવાનખંડ આવતો. ચાર વિભાગમાં વહેંચાયેલા એ દિવાનખંડમાં અંગ્રેજી અને દેશી બંને પ્રકારની બેઠક હતી. આવનારા મહેમાનોને એમના હોદૃા અને મોભા પ્રમાણે અહીં બેસવાની વ્યવસ્થા કરવામાં આવતી. દિવાનખંડના સાવ છેડે એક આગવા-અલાયદા ખૂણામાં ચાર પગથિયાં ચઢીને એક બેઠક બનાવવામાં આવી હતી. જ્યાં ચાંદીનો ઢોળ ચઢાવેલી સાંકળોવાળો બે જ માણસ બેસી શકે એવો ચંદનના પાટિયાનો હિંચકો લગાડાયો હતો. હિંચકાની સામે આછા કથ્થઈ કલરના સોફા અને એની વચ્ચે ઑફ વ્હાઈટ કલરની પર્શિયન કાર્પેટ પાથરવામાં આવી હતી. ખૂબ અંગત મહેમાનોને અહીં સુધી લાવવામાં આવતા હતા. આ બેઠકની ડિઝાઈન એવી હતી કે અહીંથી આખા ડ્રોઈંગ રૂમ અને છેક લાલ પગથીવાળા રસ્તા સુધી થતી તમામ હિલચાલો જોઈ શકાય. છેક ઝાંપો ખોલીને કમ્પાઉન્ડમાં દાખલ થતો માણસ હિંચકા સુધી આવે ત્યાં સુધી હિંચકા પર બેઠેલો માણસ એને જોઈ શકે એવી વ્યવસ્થા હતી.

દેવશંકર મહેતાની આ ફેવરીટ જગ્યા હતી. દિવસનો મોટા ભાગનો સમય એ ત્યાં જ ગાળતા. પેઢી પર જતા પહેલાં અને પેઢીએથી આવીને પત્ની સાથે અડધો કલાક અહીં બેસવાની જાણે પ્રથા પડી ગઈ હતી. સામાજિક પ્રશ્નો, ઘરની વાતો અને બીજી નાની-મોટી ચર્ચાઓ દેવશંકર મહેતા અને તેમના પત્ની ગોદાવરી દેવી અહીં જ બેસીને કરતા...

દેવશંકર મહેતા હિંચકા પર બેઠા હતા. ધીમે-ધીમે હાલતા હિંચકા અને પવનને કારણે હિંચકા પર લાગેલી ઝીણી-ઝીણી ઘુઘરીઓ રણઝણતી હતી. સામે એમનો મોટો દીકરોેેેેેે સૂર્યકાન્ત ઊભો હતો. પિતાનો લગભગ તમામ ભાર સૂર્યકાન્તે ઉપાડી લીધો હતો. દેવશંકર મહેતાની પેઢીનું તમામ કામ સૂર્યકાન્ત જોતો હતો. શહેરમાં સૂર્યકાન્તની શાખ ધીમે-ધીમે બંધાવા લાગી હતી. હમણા જ પરણેલા સૂર્યકાન્તની પત્ની પણ સાક્ષાત્‌ સરસ્વતી હતી. ગોદાવરી દેવીએ એ પરણીને આવી એ ક્ષણથી એને ઘરનો તમામ ભાર સોંપી દીધો હતો અને મોટા ઘરના વ્યવહારો સમજતાં આ છોકરીને પખવાડિયું ય નહોતું થયું! એણે ઘરનો જ નહીં, સમાજનો અને વ્યવહારનો ભાર પણ ઉપાડી લીધો હતો. દેવશંકર અને ગોદાવરી દેવીને લગભગ વાનપ્રસ્થ જીવનનું સુખ અને સંતોષ મળવા માંડ્યા હતા. પણ આજે સૂર્યકાન્ત મહેતા, દેવશંકર મહેતાના મોટા દીકરાને પિતાની સામે ઊભા રહેવાના ફાંફા પડી ગયા હતા.

“આ... આ... આ શું છે?” દેવશંકર મહેતાનો અવાજ જાણે ધ્રુજતો હતો.

“મારી ભૂલ થઈ ગઈ.” સૂર્યકાન્ત મહેતાએ નીચી નજરે કહ્યું.

“બેટા, મુંબઈ શહેરનાં ગણ્યાં-ગાંઠ્યાં ખાનદાન કુટુંબોમાં આપણું નામ લેવાય છે. આ શું કર્યું તેં?”

“મને કલ્પના નહીં કે આવડું મોટું નુકસાન થશે.” સૂર્યકાન્તની નજર હજી નીચી હતી. દેવશંકરે હિંચકાને હળવી ઠેસ મારી. “નુકસાન? નુકસાનનો ભો નથી મને બેટા. મને તો, મારી પ્રતિષ્ઠાને આંચ આવે એની સામે વાંધો છે. આનાથી કેટલાય મોટા નુકસાન વેપારમાં સામી છાતીએ ઝિલ્યા છે દેવશંકર મહેતાએે. આજે નુકસાનની વાત કરવા નથી બોલાવ્યો તને.” સૂર્યકાન્તે હળવેથી ઊંચું જોયું.

“નુકસાનની નહીં તો પછી શેની? પિતાને શું વાત કરવી હશે?” સૂર્યકાન્તના મનમાં અવઢવ હતો.

“બેટા, લાભશંકર મહેતાની સાત પેઢીમાં ક્યારેય કોઈએ સટ્ટો નથી કર્યો. સાચા અને સારા વેપારથી કમાયા છીએ આપણે. આપણી શાખ છે બજારમાં અને સમાજમાં. હરામનો પૈસો લાભશંકર મહેતાના કુટુંબમાં કોઈએ લીધો નથી. બેટા, એ પૈસો આપણને પચેય નહીં. આપણે બ્રાહ્મણ છીએ, વાણીયા નહીં. તારા પરદાદાને એમની નાની સાત વરસે વિધવા થયેલી બહેનના ફરી વિવાહ કરવા માટે જ્યારે ન્યાત બહાર મુકાયા ત્યારે એમણે ગોરપદું છોડીને વેપાર કરવાનો નિશ્ચય કર્યો. આપણે શૈવ ધર્મ છોડીને શ્રીકૃષ્ણનું શરણ લીધું. સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાંથી ઘર-બહાર વેચીને મુંબઈ આવીને અંગ્રેજોની નોકરી લીધી...”

સૂર્યકાન્ત મહેતાના ચહેરા પર કંટાળાના ભાવ આવવા લાગ્યા. એણે આ વાત પાંચસોથી વધારે વખત આ જ રીતે ઊભા રહીને સાંભળી હતી. જ્યારે કોઈ પણ વાત કહેવાની હોય ત્યારે દેવશંકર મહેતા ચાર પેઢી પહેલાના લાભશંકર મહેતાથી જ શરૂ કરતા...

“એનું શું છે?” સૂર્યકાન્તે સ્હેજ અકળામણભર્યા અવાજે પૂછ્‌યું.

“મને ખબર છે, તને આ વાત સાંભળવી નથી ગમતી.” દેવશંકર મહેતાએ કહ્યું અને હિંચકાને ઠેસ મારી. “...પરંતુ આપણા ખાનદાનમાં જન્મેલા આવા પુણ્યાત્માઓને લીધે આપણે ઉજળા છીએ. બેટા, લાભશંકર મહેતાએ મુંબઈ આવવાનો નિર્ણય ન કર્યો હોત તો જામનગર પાસેના એ નાનકડા ગામમાં હું હજીય ગોરપદું કરતો હોત. તું ઈંગ્લેન્ડ જઈને ભણી ન શક્યો હોત... આ વૈભવ, આ હવેલી, આ વેપાર, આ વ્યવહાર - બધુંય એમને આભારી છે.”

“સમજું છું.” સૂર્યકાન્તે કહ્યું. “મારી ભૂલ થઈ ગઈ. મેં કહ્યું તો ખરું. ફરી નુકસાન...” દેવશંકરે એની વાત વચ્ચે જ કાપી નાખી. “નુકસાનની ચર્ચા કરવા બોલાવ્યો જ નથી તને. બલકે, હું તો મુરલીધરનો હાથ જોડીને આભાર માનું છું કે એણે તને પહેલા જ સોદામાં નુકસાન કરાવીને સમજાવી દીધું કે આ ધંધો આપણે માટે બરાબર નથી.”

“બાપુજી, આ જ પછી આવી ભૂલ નહીં થાય.” સૂર્યકાન્તે કહ્યું. એ હવે અહીંથી જવા માંગતો હતો, જેમ બને એમ જલદી.

“બેટા, પિતા થશો ત્યારે સમજાશે કે સંતાનની ભૂલ માવતરને કેટલું દુઃખ આપતી હોય છે! મને તો મારા ઉછેરમાં જ ખોટ લાગે, જો મારું સંતાન સટ્ટાખોર કે જુગારી નીકળે તો.”

“બાપુજી, હું હાથ જોડીને તમારી માફી માંગું છું. આજ પછી હું ક્યારેય મહેનત વગરના રૂપિયા કમાવાનો પ્રયત્ન નહીં કરું. આ વખતે માફ કરી દો.” સૂર્યકાન્તે ત્રીજીવાર માફી માંગી. એ વાત ટૂંકાવવા માગતો હતો. નહીં તો, લાભશંકર મહેતા અહીં આવ્યા એ પછી એમણે ચાર રૂપિયા અને સાત આનાના પગારે શરૂ કરેલી નોકરી કઈ રીતે આજે ચાલીસ કરોેડની પેઢી બની એની આખી કથા એણે અહીં ઊભા-ઊભા જ સાંભળવી પડશે, એની એને ખબર હતી.

“હું જાઉં બાપુજી? પેઢીએ જવાનું મોડું થાય છે.” સૂર્યકાન્તે કહ્યું.

પોતાના અંગરખાના આડા ગજવામાંથી સોનાની ઘડિયાળ કાઢીને એને ખોલીને દેવશંકરે સમય જોયો. “ભલે. સિધાવો.” દેવશંકર મહેતાના અવાજમાં હજીય અણગમો હતો. “જમ્યા?” એમણે સૂર્યકાન્તને પૂછ્‌યું.

“જી, બાપુજી.” સૂર્યકાન્તે કહ્યું અને વાંકા વળીને પિતાનો ચરણસ્પર્શ કર્યો. રજ માથે ચઢાવીને એણે દિવાનખંડના મુખ્ય દ્વાર તરફ ચાલવા માંડ્યું. દિવાનખંડની જમણી તરફની દિવાલ ઉપર લાગેલી શ્રીનાથજીની સાચા સોનાના પતરામાંથી બનાવેલી છ ફૂટ મોટી તસવીર પાસે ઊભા રહી સૂર્યકાન્તે ઘડીભર હાથ જોડી આંખો મીંચી. નોકર એની મોજડી લઈ આવ્યો. એમાં પગ નાખી સૂર્યકાન્ત પોર્ચમાં ઊભેલી ગાડીમાં બેસીને પેઢી તરફ રવાના થયો.

બીન બેગ પર સૂતેલા સૂર્યકાન્ત મહેતા બંધ આંખે જાણે હિંચકાની ઘુઘરીઓનો રણકાર સાંભળી રહ્યા હતા. એમને સામે હિંચકા પર બેઠેલા દેવશંકર મહેતા જાણે કહી રહ્યા હતા, “બેટા, પિતા થશો ત્યારે સમજાશે કે સંતાનની ભૂલ માવતરને કેટલું દુઃખ આપતી હોય છે! મને તો મારા ઉછેરમાં જ ખોટ લાગે, જો મારું સંતાન સટ્ટાખોર કે જુગારી નીકળે તો.”

“રોહિતને પૈસા આપી-આપીને મેં જ બગાડ્યો છે? લક્ષ્મી સાચું કહે છે? આમ તો વાત સાચી છે. આ પૈસા લક્ષ્મીના પણ છે. હું રોહિતને પૈસા આપીને લક્ષ્મીનું નુકસાન કરું છું?” સૂર્યકાન્ત મહેતા પોતાની જાત સાથે દલીલો કરી રહ્યા હતા. “સ્મિતા આજે હોત તો શું કરત? એ જે પ્રકારની સ્ત્રી હતી, એ જોતાં એ રોહિતને ક્યારેય માફ ન કરત...”

સૂર્યકાન્ત મહેતાને આ ઘરમાં પોતે આવ્યા એ બરફ વરસતી સાંજ યાદ આવી ગઈ. સ્મિતા એક તદૃન સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી, અમેરિકામાં ઉછરેલી અમેરિકન વિચારસરણી ધરાવતી સ્ત્રી હતી. એના એક છૂટાછેડા થઈ ચૂક્યા હતા. સ્મિતાના પિતા કૃષ્ણપ્રસાદ માધવલાલ છેલ્લા વીસ વરસથી પરદેશ હતા. એમનાં પત્ની સ્મિતાને એમના હાથમાં છોડીને મૃત્યુ પામ્યા પછી કૃષ્ણપ્રસાદ વેપાર કરવા દોઢ વરસની સ્મિતાને લઈને આફ્રિકા ગયા. આફ્રિકાથી ઈંગ્લેન્ડ અને ઈંગ્લેન્ડથી અમેરિકાનો એમનો પ્રવાસ સરળ નહોતો જ. એમણે ખૂબ મહેનત કરી હતી. જ્યાં હતા ત્યાં સુધી પહોંચવા માટે. આજે અમેરિકામાં નાનકડો ધંધો જમાવીને એકની એક દીકરી સ્મિતા સાથે સમૃદ્ધિમાં આળોટતા હતા. પણ મા વગરની દીકરીના ઉછેરમાં કૃષ્ણપ્રસાદ પાછા પડ્યા હતા. એમના પૈસા કમાવાનાં વરસો દરમિયાન સ્મિતા તરફ ધ્યાન ન આપી શકાયાનો વસવસો એમને આજેય હતો. સ્મિતા તદૃન અમેરિકન વિચારસરણી ધરાવતી હતી. હિપ્પી જેવા ટૂંકા કપડાં પહેરતી. સાવ નઠારા લોકોે સાથે ફર્યા કરતી. કૃષ્ણપ્રસાદ એને કંઈ પણ કહેવાનો પ્રયાસ કરે કે ધમકાવે તો દિવસો સુધી ઘર છોડીને ગૂમ થઈ જતી. કોકેઈન અને હેરોઈનના નશામાં ચૂર રહેતી સ્મિતા કૃષ્ણપ્રસાદના હાથમાંથી નીકળી ચૂકી હતી.

આલ્બર્ટ નામના એક અમેરિકામાં રહેતા જર્મન છોકરા સાથે લગ્ન કરીને સ્મિતાએ ઘર માંડ્યું ત્યારે કૃષ્ણપ્રસાદને લાગ્યું કે ખ્રિસ્તી તો ખ્રિસ્તી, હવે સ્મિતા ગોઠવાઈ જશે...

પરંતુ સવા વરસના રોહિતને લઈને સ્મિતા રડતી-કકળતી કૃષ્ણપ્રસાદના ઘરે પાછી ફરી હતી. આલ્બર્ટ કોઈના ખૂનના આરોપમાં પકડાઈ ગયો હતો. એને એકવીસ વરસની સજા થઈ હતી. સ્મિતા ફરી કૃષ્ણપ્રસાદ સાથે રહેવા લાગી હતી. હવે મા બનેલી સ્મિતામાં થોડુંક ઠરેલપણું આવ્યું હતું પરંતુ એની પ્રેમની, પુરુષની શોધ પૂરી નહોતી થઈ. વાર-તહેવારે નવા સંબંધોમાંથી ઊભા થતા મનદુઃખ અને એને કારણે સ્મિતાની જિંદગીમાં વધુ ને વધુ ખાલીપો ઉમેરાતો જતો હતો. સ્મિતા નશાની એવી તો બંધાણી થઈ ગઈ હતી કે લગભગ દિવસભર પોતાના ઓરડામાં પડી રહેતી. આંખ નીચે કાળા-કાળા કુંડાળા થઈ ગયા હતા. વજન ઉતરી ગયું હતું. રોહિતને ઉછેરવાની ય એનામાં હામ નહોતી રહી...

કૃષ્ણપ્રસાદે રોહિતને ઉછેરવા માંડ્યો હતો. સ્મિતા પર ધ્યાન ન અપાયાના વસવસામાં એમણે રોહિતની બધી માંગણીઓ પૂરી કરવા માંડી હતી. રોહિત દિવસે દિવસે વધુ ને વધુ બગડતો જતો હતો. પરંતુ કૃષ્ણપ્રસાદને પોતાના વ્હાલ અને લાડની આડે રોહિતનું ભવિષ્ય નહોતું દેખાતું!

સાવ ખરાબે ચડી ચૂકેલા એક કુટુંબમાં બરફ વરસતી એ સાંજે સૂર્યકાન્તને સ્મિતા હાથ પકડીને લઈ આવી હતી. નશામાં ધૂત સ્મિતાએ પિતાને સૂર્યકાન્તનો હાથ હાથમાં આપીને હેન્ડ-શેક કરાવ્યા હતા અને પછી શેમ્પેઈનની બૉટલ ખોલીને જોરથી અનાઉન્સમેન્ટ કર્યું હતું, “ડેડ, વી આર મેરીડ.”

બીજા અનેક સંબંધોની જેમ આ પણ વહેલો-મોડો તૂટી જશે એમ માનનારા કૃષ્ણપ્રસાદે સૂર્યકાન્તમાં એક સાવ જુદો માણસ જોયો હતો. સૂર્યકાન્તના આવ્યાના દસમા દિવસે સ્મિતા ફરી મા બનવાની છે એ સમાચાર કૃષ્ણપ્રસાદને હાર્ટ અટેક લાવવા માટે પૂરતા નીવડ્યા હતા.

હૉસ્પિટલમાં પડેલા કૃષ્ણપ્રસાદ અને નશાખોર ગર્ભવતી સ્મિતાને સૂર્યકાન્તે અદ્‌ભુત રીતે સંભાળ્યા હતા. ત્રણ મહિનાની એ સારવાર દરમિયાન કૃષ્ણપ્રસાદને સ્મિતામાં સુંદર બદલાવ દેખાયો હતો. જિંદગીને ધિક્કારતી, જિંદગીથી ભાગતી સ્મિતા જાણે જીવવાનું શીખી ગઈ હતી...

શરૂઆતમાં સૂર્યકાન્તને ઘરના નોકરોથી સ્હેજ પણ સારી ટ્રીટમેન્ટ ન આપતા કૃષ્ણપ્રસાદ ધીરે-ધીરે સૂર્યકાન્ત પર આધારિત થવા લાગ્યા હતા. છ મહિનાના ગર્ભ સાથે સ્મિતા સોનોગ્રાફી કરાવવા ગઈ ત્યારે માંડ-માંડ જીવવાનું શીખેલી સ્મિતાના મોતનો પરવાનો એના રિપોર્ટમાં આવ્યો હતો...

સ્મિતાને કેન્સર હતું. ગર્ભાશયનું કેન્સર! બાળક ઉપર પણ ખતરો હતો. કારણ કે ગર્ભમાં ઉછરતા બાળકને અસર થાય એટલે સ્મિતાની ટ્રીટમેન્ટ એની ડિલીવરી પહેલા શક્ય નહોતી. કેન્સર ફેલાતું જતું હતું. સૌએ ફફડતા જીવે ત્રણ મહિના કાઢ્યા હતા. દીકરીને જન્મ આપીને માંડ એક મહિનો જીવેલી સ્મિતાએ સૂર્યકાન્તના હાથમાં શ્વાસ છોડ્યો હતો. ત્યારે કૃષ્ણપ્રસાદને એટલું જ આશ્વાસન હતું કે, દીકરીનું મોત બગડ્યું નહોતું.

દીકરી ખોઈને દીકરો મેળવ્યો હોય એમ સૂર્યકાન્તે કૃષ્ણપ્રસાદ રોહિત અને લક્ષ્મીની સંભાળ લેવા માંડી હતી...

પરંતુ રોહિત ક્યારેય સૂર્યકાન્તનો થઈ શક્યો નહીં. નાનાના હઠાગ્રહ-દૂરાગ્રહને કારણે એ સૂર્યકાન્તને ડેડ તો કહેતો પણ ક્યારેય એને પિતાની જગ્યાએ મૂકી શક્યો નહીં. એનું બાળપણ વિદ્રોહથી ભરેલું હતું. સૂર્યકાન્ત જેમ જેમ એને પોતાની નિકટ લાવવાના પ્રયાસ કરતા, એમ રોહિત વધુ ને વધુ દૂર થતો ગયો.

સોળ વરસનો રોહિત પહેલી વાર કાર એક્સિડન્ટના ગુનામાં પોલીસ લોક-અપમાં બેઠો હતો ત્યારે સૂર્યકાન્તને પિતાના શબ્દો યાદ આવ્યા હતા. તે દિવસથી શરૂ કરીને આજ સુધી, રોહિત છવ્વીસ-સત્તાવીસ વરસનો થયો ત્યાં સુધી રોેજે રોજ સૂર્યકાન્તને જાણે પિતા દિવસમાં એક વાર કહેતા, “બેટા, પિતા થશો ત્યારે સમજાશે કે સંતાનની ભૂલ માવતરને કેટલું દુઃખ આપતી હોય છે! મને તો મારા ઉછેરમાં જ ખોટ લાગે, જો મારું સંતાન સટ્ટાખોર કે જુગારી નીકળે તો.”

લક્ષ્મી સૂર્યકાન્તની છાતી પર જ માથું મૂકીને ક્યારે ઊંઘી થઈ એની બાપ-દીકરી બેમાંથી કોઈનેય ખબર ના પડી. સૂર્યકાન્તની તંદ્રા અચાનક તૂટી ત્યારે એને ખ્યાલ આવ્યો કે લક્ષ્મી જમીન પર બેઠી-બેઠી જ ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. સૂર્યકાન્તે એને ખૂબ માર્દવથી અને વ્હાલથી જગાડી, “બેટા લક્ષ્મી.. લક્ષ્મી દીકરા...”

“હા ડેડી.” લક્ષ્મી ચોંકીને જાગી.

“ગો ટુ યોર રૂમ એન્ડ સ્લીપ બેટા.” સૂર્યકાન્તે કહ્યું અને લક્ષ્મી ઊભી થઈ પોતાના કમરા તરફ ઉંઘરેટા ડગલાં ભરતી ચાલી ગઈ. સૂર્યકાન્તે બીન બેગ પર શરીરને વધુ લસ્ત કરીને સ્હેજ વધુ લંબાવ્યું. એમણે આંખો મીંચી દીધી. “આજે અહીં પડ્યા પડ્યા જ ઊંઘ આવી જાય તો સારું.” સૂર્યકાન્તે વિચાર્યું. પલંગની બરાબર સામે મૂકેલો સ્મિતાનો હસતો ચહેરો જોયા પછી કદાચ માંડ-માંડ આવેલી આછી-પાતળી ઊંઘ પણ ઉડી જાય એના કરતાં એમણે પહેલી ઊંઘ અહીં જ પૂરી કરી લેવાનું નક્કી કર્યું.

‘શ્રીજી વિલા’માં એક ગાડી આવીને ગેટની પાસે જોર-જોરથી હૉર્ન વગાડતી હતી. સ્કાય બ્લ્યુ કલરની સ્કોડાનો હૉર્ન ‘શ્રીજી વિલા’ના દરેક ઓરડામાં સંભળાયો. આદિત દોડતો બહાર આવ્યો. એણે અંજલિફોઈની સ્કોડા ગાડી જોઈ. દોડીને ગેટ ખોલ્યો. ગાડી અંદર આવીને ઊભી રહી. અંજલિ ગાડીમાંથી ઉતરીને આદિત સાથે કોઈ વાત કર્યા વિના સીધી બંગલાના દરવાજામાં થઈને અંદર દાખલ થઈ. એણે જુતાં ઉતારવાની પણ તસ્દી ન લીધી. એ સીધી ડ્રોઈંગરૂમમાં દાખલ થઈ ગઈ.

જાનકી ડ્રોઈંગરૂમમાં બેસીને ટી.વી. જોઈ રહી હતી. વસુમા એમના ઓરડામાં હતા, કદાચ.

અંજલિને જોઈને જાનકી ઊભી થઈ, “અરે અંજલિબહેન તમે?” જાનકીએ નવાઈ લાગી છે એવું દેખાડવાનો પ્રયાસ તો કર્યો પણ ખરેખર એને નવાઈ નહોતી જ લાગી. ગઈ કાલે સવારના અખબારમાં જે જાહેરાત છપાઈ હતી. એ પછી અંજલિ તો ગઈ કાલે સાંજે આવવી જોઈતી હતી. જાનકીના હિસાબે એ ચોવીસ કલાક મોડી હતી.

જાનકી અંજલિ તરફ આગળ વધી. એણે અંજલિનો હાથ પકડ્યો. અંજલિના હાથમાં હીરાની ચાર બંગડીઓ હતી. એણે રીતુ બેરીનું લેટેસ્ટ ડિઝાઈન કરેલું શિફોનનું સલવાર-કમીઝ પહેર્યું હતું. પરફ્‌યુમની મહેક એની સાથે દાખલ થઈને હવે ઓરડાના ખૂણે-ખૂણામાં ફેલાઈ ગઈ હતી. અંજલિએ જાનકીની ઉષ્મા તરફ ધ્યાન આપ્યા વિના પોતાનો હાથ છોડાવ્યો અને પૂછ્‌યું, “મા... મા ક્યાં છે?”

“એમના ઓરડામાં હશે.” જાનકીએ કહ્યું.

બીજી કોઈ વાતચીત કર્યા વિના અંજલિ સીધી વસુમાના ઓરડા તરફ આગળ વધી. વચ્ચે ડાઈનિંગ ટેબલની ખુરશી હડફેટે ચડી. એને લાત મારીને સરખી મૂકવાની પરવા કર્યા વિના અંજલિ ટકટક કરતી વસુમાના ઓરડા તરફ આગળ વધી.

“અંજલિબહેન, સેન્ડલ.” જાનકીએ બૂમ પાડી. વસુમાના ઓરડાની પહેલા પૂજાઘર હતું. પૂજાઘર સુધી આ ઘરમાં કોઈ જુતાં પહેરીને જતું નહીં. મા-દીકરી વચ્ચે વાત શરૂ થતાં પહેલાં જ મુદૃો બદલાઈ જશે એવી બીકે જાનકીએ પાછળથી બૂમ પાડી.

ડાઈનિંગ ટેબલ પાસે જ બંને સેન્ડલ અત્યંત અવ્યવસ્થિત રીતે લાત મારીને ઉતારતા અંજલિએ ખૂણામાં હડસેલવાનો પ્રયત્ન કર્યો. પછી અટક્યા વિના વસુમાના ઓરડા તરફ આગળ વધી.

“મા... મા...” અંજલિના અવાજમાં રોષ અને અધીરાઈ પ્રગટ થતા હતા. એ વસુમાના ઓરડાના દરવાજા પાસે આવીને ઊભી રહી. “આવ બેટા.” વસુમાના અવાજમાં માર્દવ અને મમતાની સાથે સાથે એક સમતુલા હતી. એમની આંખોમાં અંજલિ શું કહેશે અથવા શું બોલશે એવો કોઈ સવાલ નહોતો. જાણે અંજલિની રાહ જ જોતા હોય એવા સંયત અને સ્થિર અવાજે એમણે અંજલિને આવકારી અને હાથમાંનું પુસ્તક બાજુમાં મૂકી એમની આરામ ખુરશીમાંથી ઊભા થયા. “આવ બેટા.”

“આ શું માંડ્યું છે?” અંજલિએ છાપું ફેંક્યું.

“બેસ બેટા.” વસુમાએ શાંતિથી આગળ વધીને છાપું ઉપાડી લીધું.

“બેસવા નથી આવી હું. વાત કરવા આવી છું.”

“બેસ્યા વિના વાત કેમ થશે?” વસુમાએ કહ્યું અને પછી એની પાછળ-પાછળ દરવાજે આવી લાગેલી જાનકીને કહ્યું, “પાણી લઈ આવશે જાનકી?” જાનકી ત્યાં જ ઊભી રહી. લગભગ બે સેકન્ડ. પછી ઊંધી ફરીને રસોડા તરફ ગઈે.

“મા, શું કરો છો તમે? આ ઉંમરે આ બધું શોભે છે?”

“આ જ ઉંમર છે, આ કરવાની.” વસુમાનો અવાજ હજી ય એટલો જ સંયત હતો.

“આજથી વીસ વરસ પહેલાં એમને શોધ્યા હોત તો લેખેય લાગત.” અંજલિએ કહ્યું. “હવે શું કામ છે એમનું?” અંજલિનો અવાજ જાણે-અજાણે ખૂબ ઊંચો થઈ ગયો હતો. પોતાના રૂમમાં નેઈલ-પોલિશ કરી રહેલી વૈભવીએ અંજલિનો અવાજ સાંભળ્યો.

“અંજલિ આવી લાગે છે. હવે જામશે મા-દીકરીની...” વૈભવીના ચહેરા પર સ્મિત આવી ગયું. ગેટ ખોલીને ફરી પોતાનું હોમવર્ક કરવા બેઠેલો આદિત માના ચહેરા પર સ્મિત જોઈને સ્હેજ અકળાયો. “મોમ... એમાં સ્માઈલ કરવા જેવું કાંઈ નથી.”

“મને તો ખડખડાટ હસવાનું મન થાય છે.” વૈભવીએ કહ્યું અને ઊંધો હાથ ઊંચો કરી નેઈલ-પોલિશનો બીજો કોટ બરાબર લાગ્યો છે કે નહીં એ જોયું. પછી આંગળીઓ વાળીને નખ ઉપર ફુંક મારતા આદિત સામે જોયું, “તારી ફોઈ ભરેલી બંદૂકે આવી છે. વસુમાને માથે ઍપલ મૂકીને બંદૂક ફોડશે. હું જાઉં છું નીચે, શૉ જોવા.”

“મોમ... તમને આખો વખત દાદીની સામે શું પ્રોબ્લેમ છે?”

“દાદી જ મારો પ્રોબ્લેમ છે.” વૈભવીએ કહ્યું અને ઊભી થઈ. ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ. ટી-શર્ટ ખેંચીને સરખું કર્યું. વાળમાં બ્રશ ફેરવ્યું, લિપસ્ટીક લઈને હોઠ ઉપર સરખી રીતે લગાડી અને પોતાની જાતને અરીસામાં એક વાર જોઈ લીધી પછી એ નીચે જવા રૂમમાંથી બહાર નીકળી એવો જ એનો અંજલિનો ભીનો ડૂમો ભરાયેલો અવાજ સંભળાયો.

“શું કામ બોલાવે છે એ માણસને? શું કરશે આવીને? હવે તો ફિઝીકલી પણ તને એની જરૂર નહીં રહી હોય... શું જોઈએ છે તારે એની પાસેથી?”

“જવાબ.” વસુમાએ કહ્યું અને પછી છાતી સુધી ખૂંપી જાય એવી નજરે અંજલિ સામે જોયું. અંજલિ માની એ આંખો સહી ના શકી. એણે નીચું જોયું. એની આંખો છલછલાઈ આવી. આંસુનાં બે-ચાર ટીપાં ફર્શ પર પડી ગયાં. પછી એણે ફરી ઊંચું જોયું અને વસુમાને કહ્યું, “શા માટે માંડ-માંડ ગોઠવાયેલી જિંદગીમાં પથરા ફેંકે છે? એ માણસ અહીં આવશે તો પણ એને કોણ સ્વીકારશે?”

ધીમે-ધીમે પગથિયાં ઉતરીને વસુમાના ઓરડાના દરવાજા સુધી આવી પહોંચેલી વૈભવી અને રસોડામાંથી પાણી લઈને આવતી જાનકી સામસામે થઈ ગયા. વૈભવીએ જાનકી સામે સ્મિત કર્યું. જાનકી નીચું જોઈ ગઈ. એ જાણતી હતી કે અંદર જે બળી રહ્યું છે એમાં ઘી હોમવા જ વૈભવી નીચે ઉતરી છે. પણ જાનકી ન વૈભવીને રોકી શકે એમ હતી, ન અંજલિને કંઈ કહેવાની એની હિંમત હતી.

વૈભવીએ જાનકીના બે હાથમાં પકડેલી ટ્રેમાંથી પાણીનો ગ્લાસ ઊંચકીને પી લીધો અને ફરી સ્મિત કર્યું. જાણે કહેતી હોય કે, “તારે ફરી પાણી લેવા જવું પડશે અને એ મિનિટ-દોઢ મિનિટ મારે માટે પૂરતી છે.” જાનકીને ગુસ્સો તો બહુ જ આવ્યો પણ એક પણ અક્ષર બોલ્યા વિના પાછી વળી ગઈ. જાનકી રસોડા તરફ ગઈ અને વૈભવી વસુમાના ઓરડાના દરવાજા પાસે જઈને ઊભી રહી.

“કુલ ડાઉન અંજલિબહેન.” વૈભવીએ કહ્યું.

વસુમાએ ઊંચું જોયું, “બોલી લેવા દે એને. હક છે એનો.”

“ખરી વાત છે. બિચારા અંજલિબહેન, કેટલું સહન કર્યું છે એમણે. હવે જે માણસે એમને અને ઘરના સૌને આટલી તકલીફ આપી એને તમે પાછો બોલાવો... એમને તો પડી જ નથી હોં... આ તો તમે જાહેરાત આપી છે.” વૈભવીએ કહીને અંજલિના ખભે હાથ ફેરવવા માંડ્યો. અંજલિ ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી.

“મા, શું મળે છે બધાને આટલા દુઃખી કરીને?” વૈભવીએ અંજલિનું માથું જબરદસ્તી ખેંચીને પોતાના ખભા પર મૂકી દીધું.

“હું કોઈને ય દુઃખી કરવા નથી માંગતી. આ સમજી-વિચારીને કરાયેલો યોગ્ય નિર્ણય છે.” વસુમાએ કહ્યું પછી અંજલિ સામે સ્થિર નજરે જોયું. “કોઈ એમને સ્વીકારે કે ન સ્વીકારે, એ પ્રશ્ન તો ત્યારે ઊભો થાય જ્યારે એ આ ઘરના દરવાજા સામે આવીને ઊભા રહે.”

“રાઈટ.” વૈભવીએ કહ્યું અને પછી વસુમા સામે જોઈને એક ક્રુર સ્મિત કર્યું. “એ આવે, ઘરના દરવાજે ઊભા રહે ત્યારે... ત્યારે અમારે શું કરવાનું? એમની આરતી ઉતારવાની? મા એ જીવતા હોત તો ક્યારના પાછા આવ્યા હોત. એ નહીં આવે. શા માટે ઘરના બધાની સાથે દુશ્મની કરો છો?”

“દુશ્મની?” હસ્યા વસુમા, “કોણ કોનું દુશ્મન થાય છે બેટા? આ પરિવાર છે. એક અખંડ અવિભાજ્ય કુટુંબ. સૌને પોતપોતાના મત હોઈ શકે અને બે મત વચ્ચે ભેદ પણ હોઈ શકે. એથી મનભેદ નથી થતો. અહીં આવ અંજલિ.” એમણે કહ્યું અને વૈભવીના આશ્ચર્ય વચ્ચે અંજલિ એની પકડમાંથી છટકીને માને ભેટી પડી. એ વસુમાની છાતી પર માથું મૂકીને નાના બાળકની જેમ ડૂસકે ડૂસકે રડી રહી હતી. વસુમા એના વાળ પર, પીઠ પર હળવે હાથે પંપાળી રહ્યા હતા.

જાનકી પાણીનો ગ્લાસ લઈને દાખલ થઈ.

“લો. પાણી પી લો.” જાનકીએ પાણીનો પ્યાલો ઊંચકીને અંજલિ તરફ ધર્યો.

“એ આવશે કે નહીં? આવશે તો એમને કોણ સ્વીકારશે? અને કોણ નહીં? એ કોને સ્વીકારશે? આ બધા પ્રશ્નોના જવાબ મળવામાં હવે ફક્ત બાર જ કલાક બાકી છે. આવતી કાલે સવારે મારી અડતાલીસ કલાકની મુદત પૂરી થાય છે. બેટા, જો આવતી કાલ સવાર સુધી તારા પિતા નહીં આવે તો હું મંગળસૂત્ર ઉતારીને મૂકી દઈશ. આપણે કાશી જઈને એમના શ્રાદ્ધની વિધિ કરી દઈશું. એ પછી એ આવે તો પણ...” જાનકીએ ચોંકીને ઊંચું જોયું. વસુમાની આંખો સાવ કોરી હતી. તો પછી એને વસુમાના અવાજમાં ડૂસકું કેમ સંભળાયું?

ક્રમશ..