સમય ખુબ ખરાબ ચાલે છે.
(3)
આશુતોષે એક બંચ પોતાના નજીક ખેચ્યો અને ધ્યાનથી ફોટોગ્રાફ્સ જોવા લાગ્યો, બધાજ બ્લેક એન્ડ વ્હાઈટમાં હતાં. લગભગ બધાજ ઉપર સુક્ષ્મ જીવાણુઓ હુમલો કરી ચુક્યા હતાં, જોકે અમુક સારી કંડીશનમાં હતાં, તો અમુકમાં આંખ, નાક કે ચહેરો ઝાંખો પડી ગયેલ હતાં. થોડા ફોટાને એંસી ટકા જીવાત કે ઉધઈ ખાઈ ગઈ હતી.
“ઓહ, યસ યસ!” તેનાથી મોટેથી બોલાઈ ગયું, તે ચોકી ઉઠ્યો હતો, આતો રવજીકાકા લાગે છે, અને એની બાજુમાં હુશેનચાચા, ડોકટર ડેવીલ... આને આ માલતી, એવી જ રૂપાળી દેખાય છે. નાં ના માલતી તો નાની ઉમરની, મતલબ આ વ્યક્તિ, સ્ત્રીની ઉમર મોટી જણાય છે. કદાચ માલતીની મા હોય શકે, કેમકે બંનેના ચહેરાની સામ્યતા તો એજ કહે છે, પરંતુ માલતી તો દૂધ જેવી સફેદ છે અને આ સ્ત્રી શ્યામવર્ણની છે. તે મનમાં વિચારવા લાગ્યો.
સહદેવ આશુતોષની નજીક સરક્યો અને જોવા લાગ્યો,
“હું આ બંનેને ઓળખું છુ, જો સહદેવ, આ હુશેનચાચા, ઓલ્ડ ડોકટર- મારી સારવાર કરતાં, અને આ રવીજીકાકા -ચાલાક ડોસો, મને બચાવ્યો, મારી સારવાર કરાવી એ! અને આ સ્ત્રીને નથી ઓળખતો પણ પેલી માલતીની મા હોય તેમ લાગે છે.”
“હા, આ એજ સ્ત્રી છે જેની સાથે પેલા અંગ્રેજ દાદા પ્રેમમાં હતાં, આ જો બનેનો સજોડે ફોટો, હું આ બાઈના નાના ભાઈનો દીકરો બની જઈશ, માલતીનો ભત્રીજો, વાહ ! એટલે બે લાખ પાઉન્ડ મને મળી જશે. સમય ખુબ ખરાબ ચાલે છે દોસ્ત, આવું કરવું પડે.” કહી સહદેવે આશુતોષ સામે ફોટો મુક્યો, “આ મેં અલગ કાઢી રાખ્યો હતો, તેને દફનાવાવનો છે એટલે.”
“હમમ.. તો આજ માલતીની મા છે, હવે ખ્યાલ આવ્યો કે આખું ગામ ડાર્ક બ્રાઉન અને માલતી સફેદ દૂધ જેવી કેમ... અંગ્રેજ પિતાજી... હહાહાહાહા...પણ એક વાત કહું દોસ્ત, તને નહિ ગમે પરંતુ આવી બાબતોમાં ખોટું કરીશ તો ભૂત કે પલીત જે હોય એ બદલો લેશે, તને હેરાન કરશે, એટલે મારું માને તો બે લાખ પાઉન્ડ ભૂલી જા અને દાંતને પણ જમીનમાં દાટવાની કોઈ જરૂર નથી.”
“હવે તું ચુપ મર, એ કોઈ જીવતા નથી, વર્ષો પહેલા મરી ગયા છે, ડોકટર હુશેને સર આર્થરના ખોળામાં દેહ ત્યજો હતો, રવજીકાકા જે તું બતાવે છે એ બીજા ગામલોકો સાથે તણાઈ ગયેલાં, અને બીજું સમય ખરાબ ચાલે છે...ખોટું કરવું પડે, ભૂત બુતમાં હું માનતો નથી!”
“તને કઈ રીતે ખબર એ લોકોની વાતો ?”
“અરે અમુક પત્રો મેં વાંચ્યા છે અને એમાં ઉલ્લેખ છે. અને આ શ્યામવર્ણી સુંદર ઓરત આર્થરડોસાના પ્રેમમાં હતી કે એ એના પ્રેમમા હતાં, તારે પૂછવા જવું પડે... હાહાહાહા.... શરૂઆતમાં તેનો ઉપયોગ કરી ઠુકરાવી દીધેલ હશે, જેમ અમુક માલેતુજારો આજની તારીખે પણ કરી રહ્યા છે. શેરડીનો રસ કાઢી જેમ છોતરા ફેંફી દે તેમ! તેનું નામ રેવતી હતું, સર આર્થરના ગયા પછી તેણે ગામનો કુવો પુરેલ.” સહદેવે જુનો ઈતિહાસ બતાવ્યો.
આ સાંભળી આશુતોષ ગમગીન થઇ ગયો. અચાનક વાતાવરણમા ગંભીરતા છવાઈ ગઈ. આ ગંભીરતા ભયાવહ લાગતી હતી. ત્યાજ એક જોરદાર ચીસ સંભળાઈ, જાણે કોઈ સ્ત્રીની જ હોય. બંને વિન્ડો તરફ દોડ્યા અને નીચે જોયું તો એક સ્ત્રીનું શરીર ભોય પર પડેલ હતું, માથાની બાજુમાં લોહીનું ખાબોચિયું ફેલાતું જતું હતું, અને વધુને વધુ લોકો એના પર ઝૂકીને જોઈ રહયાં હતાં. વધુ એક સ્ત્રીએ આત્મહત્યા કરી હતી. ઉંચી ઈમારતની બાલ્કનીમાંથી પડતું મુક્યું હતું. ભૂતકાળ હોય કે વર્તમાન સ્ત્રીનો જ વારો આવતો હોય છે... આત્મહત્યાનો!
બંને જણાને હ્રદયમાં દર્દ ઉઠ્યું. આશુતોષ બોલી ઉઠ્યો, “ઓહ વેરી ટચિંગ, પણ સર આર્થરતો અહી આવવા તડપતા હતાં, અને ફોટાવાળી સ્ત્રી સાથે ... એ ચોક્કસ પ્રેમ કરતાં હતાં.”
“તારું અનુમાન સાચું છે, આર્થર એને પ્રેમ કરતાં હતાં, પણ આ ભાન તેમને છેલ્લે થયું, જીવનના અસ્તકાળમાં અથવા તો જ્યારે ગામ સાથે એમની પ્રેમિકા પણ ડૂબી ગઈ છે એ સમાચારથી એમના અંતરના ખૂણે ધરબાયેલ પ્રેમ જાગી ગયો હશે. પણ શરૂઆતમાં તો તેના દેહમાં ડૂબ્યા હશે..”
“દોસ્ત તું માનતો નથી પણ રેવતીની છોકરી માલતીએ અને રવજીકાકાએ મારી સારવાર કરેલ, જખ્મોના પાટા તેજ બદલી આપતી હતી”
“તારું ચસકી ગયેલ છે! આ બધા પાત્રો ઈતિહાસ બની ગયા છે, એ તો મેં તને હમણા જ કહ્યું, મેં અમુક પત્રો વાંચ્યા છે એમાં ડોકિયા કરતુ દર્દ મને બિહામણું લાગ્યું એટલે... અને બીજું કોઈની અંગત જીંદગીમાં અને તે પણ આટલા બધા દાયકાઓ પછી શું કામ પડવું જોઈએ, હે સાચું ને? મારે એ પત્રો વાંચવા નહોતા જોઈતાં“ સહદેવને હજી પેલી રસ્તા પર પડેલ સ્ત્રીની લાશ દેખાતી હતી, પેલા મનોજની વાઈફ તો નહિ હોય! ખેર! કાલે ખબર પડી જશે. તેણે વિચાર્યું.
“સહદેવ, જો દોસ્ત હું સાચું જ કહી રહ્યો છુ, હું તને પાગલ લાગુ છુ? જો આ જખ્મોના નિશાન, આ બધા એજ લોકો છે. હું ક્લાસ વનમાં એમેનેમ સિલેકટ થયો હોઈશ?”
સહદેવ હસતાં હસતાં મજાકમાં બોલ્યો, “અરે સાલા ક્લાસ થર્ડ, ગાંડા! તું જા અને બે પેગ મારી આવ, એટલે મગજની નસો બરાબર ગોઠવાઈ જશે.”
“અરે એમ મારી ખીલ્લી ન ઉડાવ, તું ન માનતો હોવ તો હું તને ત્યાં લઇ જઈશ, એ લોકોની મુલાકાત કરાવીશ, એ બધા જીવતા જાગતા માનવીઓ છે. હું એ નહિ કહી શકું કે એમના અદ્લોઅદ્લ ફોટા કેવી રીતે દાયકાઓ પૂર્વે પડ્યા હશે!”
“હાહાહાહા ! ગયા જનમમાં પડાવ્યા હશે!” સહદેવે મજાક કરી. પછી આગળ ચલાવ્યું, “હું પણ મજાકમાં માનતો નથી, મારી પાસે પુરાવામાં આ દસ્તાવેજો છે, એમની વાતો છે. જોકે તું ત્યાં ફરીથી જવા માગે છે તે જગ્યા બીજી જ હોય શકે! ઘણાં લોકો સીમીલર દેખાતા હોય છે. અથવા ત્યાં કોઈ લલનાને ભાળી નથી ગયો ને! કે એને મળવા બહાનાં શોધે છે!”
“એતો છે જ, માલતીનું દેહ લાલિત્ય અપ્રતિમ છે, પણ મારે તો પ્રોમિસ આપ્યું હતું એ કામ કરવાનું છે. મેં એ ઘડો લઇ લીધો હોત તો સારું થાત પરંતુ હું ગભરાહટમાં ભાગી આવ્યો. મને એવું લાગતું હતું કે એ લોકો મને નાહકના કાયમ માટે રોકી રાખવા માગે છે.”
“અલ્યા તું તો બોલ્યે જ રાખે છે, અમે શું સાવ ડફોળ છીએ! મને આખા ઇન્ડીયામાં ઘણાં ઓળખે છે, હું એક જાણીતો આર્કીઓલોજીસ્ટ છું, સમજ્યો? ચાલ બીજા બધા ફોટોગ્રાફ્સ પણ જોઈ લે, ગામના દ્રશ્યો જોઈ તને કઈક યાદ આવે કે એજ ગામ છે કે બીજું.” સહદેવે અધીરાઈ દર્શાવી.
*****