Samay khub kharab chale chhe - 5 - last part in Gujarati Horror Stories by પ્રદીપકુમાર રાઓલ books and stories PDF | સમય ખુબ ખરાબ ચાલે છે. - 5 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

સમય ખુબ ખરાબ ચાલે છે. - 5 - છેલ્લો ભાગ

સમય ખુબ ખરાબ ચાલે છે.

(5)

“મારી જીપ પણ યાર સળગી ગઈ હતી!” આશુતોષે સધિયારો આપવાની કોશિશ કરી.

“અરે યાર, તારી જીપ તો કેટલીય વાર પલટી મારી ગયેલ એટલે સળગી જાય પણ મારી જીપ તો એમનેમ ઉભી હતી, કઈ સમજાતું નથી.” સહદેવે બળાપો ઠાલવ્યો.

“ચાલ દોસ્ત હવે એની રાખ સિવાય કઈ હાથ ન લાગે, વીમો બીમો હતો કે નહિ?”

“વીમો પણ નથી ઘણાં ટાઈમથી, પણ એમાં ત્રણ લાખ રૂપિયા હતાં એ બળીને ખાખ થઇ ગયા! મારી મમ્મીને હું શું જવાબ આપીશ.” લગભગ રડવા જેવા અવાજથી સહદેવ બોલ્યો.”

“ઓહ, વેરી સોરી! પણ આવું જોખમ ઘરની તિજોરીમાં રખાય.”

“પણ દોસ્ત બે દિવસથી એક પાર્ટીને આપવાના હતાં, રૂપિયા પણ મમ્મીના હતાં, એમને સોનાના દાગીના બનાવવાં છે. અને એ સોની મને મળતો જ નથી, એનો ફોન લાગતો જ નથી...”

“મળી જશે, મળી જશે ચિંતા ન કર. મમ્મીને કહે જે કે જુગારમાં હારી ગયો...”

“તું યાર પાગલ છે કે ડફોળ, સમજાતું નથી, જીપમાં સળગી ગયા મારા રૂપિયા, મગજમાં બેસે છે કે નહિ, અને તને મસ્તી સુજે છે. હવે એ સોની મળે તો હું શું જવાબ આપીશ.”

“જવાબ નહિ, પૈસા આપી દે જે. હાહાહાહાહા..”. આશુતોષ ખડખડાટ હસ્યો..

સહદેવ બિચારો રોવા જેવો થઇ ગયો હતો, એક તો પૈસા ગયા અને ઉલ્ટાનું આ મશ્કરી...તે એને મારવા દોડ્યો. પરંતુ આશુતોષની સ્પીડ સારી, હાથમાં જ ન આવ્યો. હાંફતો હાંફતો સહદેવ ઉભો રહી ગયો.

અરે હવે દોડીસ નહિ, ઉભો જ રહેજે , ગુસ્સે ન થા, તારા પૈસા મેં કાલેજ તારા ટેબલના ડ્રોઅરમા મૂકી દીધા છે.

સહદેવ સમજી ન શક્યો કે આશુતોષ શું બોલી રહ્યો છે.

“હા દોસ્ત, મેં એ પૈસા જોયા હતાં, અને મને લાગ્યું કે અહી જીપમાં પડ્યા રહે તે યોગ્ય નથી એટલે મારા ખિસ્સામાં મૂકી દીધા હતાં. વાદળી પ્લાસ્ટીકની કોથળીમાં લપેટેલા હતાં એજ ને ?”

સહદેવ નજીક આવ્યો અને આશુતોષને ભેટી પડ્યો. “દોસ્ત તે યાર મને બચાવી લીધો... “

“આ જોગાનુજોગ કહેવાય, મેં જોયા એટલે પૈસા બચી ગયા...”

“તારો આભાર હું કઈ રીતે માનું ...” સહદેવ વાક્ય પૂરું કરે એ પહેલા એને જોરદાર ધક્કો લાગ્યો અને તે ખાડામાં પડી ગયો અને તેના ભેગો આશુતોષ પણ ખાડામાં ગબડી પડ્યો. ખાડો દશ ફીટ જેવો ઊંડો હતો, બંનેને નાની મોટી ઈજાઓ પણ થઇ હતી એટલે દર્દથી કણસવા લાગ્યા. બહાર નીકળવા જાત જાતના પ્રયત્નો કરવા લાગ્યાં પરંતુ બધું જ વ્યર્થ. એકના ખભા ઉપર ચડીને પણ ટ્રાય મારી પરંતુ નિષ્ફળતા મળી કેમેકે માટી ભીની અને ચીકણી હતી. બંનેએ ખુબ ફાંફા માર્યા, પરસેવે રેબજેબ થઇ ગયા છેવટે થાકીને માથે હાથ દઈને બેસી ગયા.

“હવે આખી રાત અહી પસાર કરવી પડશે.” સહદેવ નિરાશાથી બોલ્યો.

“ના ના તું મોબાઈલ કર.”

“ઓહ નો! મારો મોબાઈલ તો જીપમાં હતો...”

“તો પત્યું ! હવે આખી રાત અહી સબડવાનું! મચ્છરો ફોલી ખાશે!”

કલાકો વીતી ગયાં પછી તેમના માથા પર કઈક અથડાયું, તે એક દોરડું હતું. અંધારામાં સાપની માફક ડોલતું હતું. સાથે અવાજ આવ્યો, જાણીતો, ખાસ તો આશુતોષ માટે, “દીકરા, હવે બંને વારાફરતી ઉપર આવી જાવ. અમે આ દોરડું ટાઈટ પકડી રાખીએ છીએ.” તે રવજીકાકાનો અવાજ હતો.

આશુતોષના મગજમાં ખુશીની લહેર દોડી ગઈ, જો અહી પડ્યા રહેત તો જંગલી મચ્છરો અવશ્ય ફાડી ખાત. હાશ! બચી ગયાં! તેણે વિચાર્યું.

“અરે ખુબ ખુબ આભાર, કાકા પણ તમે અહી ક્યાંથી અમને ભગવાન થઈને બચાવવા આવી ચડ્યા!” આશુતોષે આભારવસ ગળગળા થઇ માંડ શબ્દો ઉચ્ચાર્યા.

“ભગવાન કોઈને નથી બચાવતો દીકરા, ફક્ત ભૂત બચાવે, હાહાહાહા... એકતો અડધી રાતે કહ્યા વિના ભાગી ગયો, તને કઈ થઇ ગયું હોત તો..! અમે તને શોધતા શોધતા આવી ગયા, માલતી, પરબત બધા જ આવ્યા છે... “ સહદેવે બહાર નીકળી આ ગામડાના ગ્રુપનું નીરીક્ષણ કર્યું. પરંતુ રાત્રીના આછા પ્રકાશમાં કઈ ઓળખ ન થઇ.

બધા વાતો કરતાં કરતાં ગામમાં પાછા આવી ગયા. એક સહદેવના ઘૂંટણમા થોડું વાગ્યું હતું એટેલે એને થોડી તકલીફ પડી હતી. અને એનું મન પણ ગોટાળે ચડ્યું હતું, એને એકેય સવાલોના જવાબ નહોતા મળતાં. સાલું દુર સુધી કોઈ હતું નહિ ને ક્યાંથી આ બચાવ ટુકડી અચાનક ફૂટી નીકળી!

ગામમાં પ્રવેશતા તેને બધેજ ચોખ્ખાઈ દેખાઈ. ચબુતરો અને કુવો, અને પેલો પત્થર બધું જ મેળ ખાતુ હતું. બધા ઓસરીમાં ખાટલા ઢાળી બેઠા, થોડીવારમાં માલતી આવી અને ગરમાગરમ દુધનો પ્યાલો આશુતોષના હાથમાં મૂક્યો અને જતી રહી, સહદેવને એમ હતું કે તેના માટે પણ દૂધ આવશે, પણ ક્યાય સુધી રાહ જોઈ ન આવ્યું. આ સાલું વિચિત્ર કહેવાય! એકને ગોળ અને બીજાને ખોળ!

થોડીવાર બધી વાતો ચાલી અને હુશેનચાચા પણ આવી ગયા. પછી માલતી પણ આવી અને એના માથા પર જે ઘડો હતો તે ઉતારી તેને આશુતોષને સોપ્યો. “આ મારી માં ની યાદગીરી છે. સાચવીને દફનાવજો.. તોજ તેને મુક્તિ મળશે. અને અમને પણ... તમારે જોકે અહી એકલા આવવાની જરૂર હતી” એણે સહદેવ તરફ જોયું ને બોલી, “એને નકામા અહી લાવ્યા.” તે ખીજાતા ખીજાતા કઈક બબડતી ચાલી ગઈ. ગુસ્સામાં પણ કેવી સુંદર લાગતી હતી..! આશુતોષનું મન ડોલી ઉઠ્યું.

“બિલકુલ એની મા જેવી જ છે ગરમ મિજાજી, એ એક અંગ્રેજના પ્રેમમાં હતી, તે પણ એને ચાહતો હતો. પરંતુ તેને આફ્રિકા જવાનો ઓર્ડર થયો એટલે એ જતો રહયો, રેવતી એનું નામ હતું, એને લાગ્યું કે તેને તરછોડી દેવામાં આવી હતી. અને અંતે તેણે કુવો પૂર્યો, અમે માલતીને સાચવીને મોટી કરી. રવજીકાકાએ નિસાસો નાખી ઇતિહાસ કહ્યો. ઘડીકવાર ઓસરીમાં શાંતિ ફેલાઈ ગઈ. સહદેવ મનોમન ખુબ ગભરાણો, નક્કી આ લોકો ભૂત જ હશે! રેવતી, રવજી... અને હુશેનચાચા... સેઈમ ચહેરાં, ઇતિહાસના પન્નાઓમાંથી પ્રત્યક્ષ થયાં છે, ઈમ્પોસીબલ ! પણ નજર સામે. આશુતોષ સાચું કહેતો હતો! સહદેવ વિચારોમાં ગરકાવ થઇ ગયો.

“આ ઘડામાં તેના અસ્થિ પુષ્પ છે સાથે સર આર્થર અને રેવતીની યાદ-ચીજવસ્તુઓ છે, બસ, એને જમીનમાં દફનાવી દેજો. તમારે એ કામ કરવું જ પડશે.”

“નહિતર શું થાય કાકા?” સહદેવે વેધકતાથી સવાલ કર્યો, એને એમ કે રવજીડોસો ગુસ્સે થશે. એને પરિક્ષા લેવી હતી. પરંતુ તેમણે શાંતિથી જવાબ આપ્યો, ‘શું થાય એમ ? જે થોડા સમય પહેલા બન્યું એવું થાય છે, જીપો, વાહનો, કારો સળગી જાય છે. અમે કેટલાને બચાવીએ... ગામમાં વસ્તી ઘણી છે પણ બીજાને શું રસ હોય. રેવતી તો અમારું માણહ ને ! અમે એના માટે જ કરીએ છીએ, બની શકે તો કોઈને બચાવી લઈએ છીએ... સેવા કરીએ, બધા સાજા થઇ જતા રહે છે. પરંતુ કોઈ અમારું કામ કરતુ નથી.. “ એમના અવાજમાં દર્દ હતું.

“હા દીકરા આ સિલસિલો ચાલુ જ છે, તો અમારે શું બધાની ચાકરી જ કરતાં ફરવાનું? એમ?” હુશેનચાચાએ બળાપો કાઢ્યો.

“પણ કાકા આવું બધું રેવતીનું ભૂત કરે છે એવું હું નથી માનતો, અને હું ભૂત બુતમાં નથી માનતો.. આશુતોષ બોલી ઉઠ્યો.”

અને ઓશરીમાં બધાં ખડખડાટ હસી પડ્યા, એ લોકોનું હાસ્ય પણ ખાસ્સું લંબાયું, આશુતોષ ક્ષણવાર છોભીલો પડી ગયો. સહદેવ પણ જોડે જોડે ખોટું હસવા લાગ્યો હતો પરંતુ તે મનમાં રડતો હતો, શું એ બધા ભૂતો સાથે જ બેઠો છે, વિચારથી તેને ધ્રુજારી પેદા થઇ.

“કમસેકમ તું તો એમ ન કહે! અને કોઈનું અપમાન પણ ન કરાય દીકરા, એ બધા આત્માઓ કહેવાય, ભૂત નહિ, અધુરી ઈચ્છા પૂરી કરવા ભટકતાં હોય.” રવજીકાકાએ આશુતોષને કહયું.

હવે સહદેવ ત્યાં વધુ રોકાઈ શકે તેમ ન હતો, કઈક ગડબડ થાય તો અહીજ પોતાનું મૃત્યુ થઇ શકે છે. એટલે એણે પછી ડરતાં ડરતાં રજા માગી, ‘આપ સૌનો આભાર, હવે અમે જઈએ, અમારું વાહન તો નાશ થઇ ગયું છે માટે જરા ઉતાવળે હાઈ-વે પર પહોચી જઈએ.”

“હા, બચ્ચાઓ તમે સાચવીને નીકળો, કદાચ અમારા વિરોધીઓ હેરાન કરશે, એ લોકો એમ ઈચ્છે છે કે આ ઘડો તમે દફનાવી ન શકો, માટે લે આ મંત્રેલું પાણી, એવું લાગે બિહામણું તો ચારેબાજુ છાટી દેજો. પરંતુ અમારું કામ ચોક્કસ કરી આપજો.”

“ચોક્કસ કાકા, હવે તો બધી હકીકત જાણ્યા પછી કરવું જ જોઈએ. કરી આપીશું”

સહદેવ અને આશુતોષ, ગામની ભાગોળ વટાવીને આગળ વધ્યાં તો એમનો ભેટો ગામલોકોના દુશ્મનો જોડે થયો. બંને દોસ્તોને જબરો માર પડવા લાગ્યો, લાતો અને મુક્કા ખાઈ ખાઈને અધમુઆ થઇ ગયાં, બંને પ્રતિકાર કરે પણ સામેવાળાં કોઈ દેખાય જ નહિ, સહદેવનો તો નીચલો હોઠ સુઝી ગયો અને લોહી નીકળવા લાગ્યું હતું. અંતે આશુતોષને મંત્રેલું પાણી યાદ આવ્યું. એણે ચારેબાજુ છટકાવ કર્યો તો સમસ્યા ભાગી ગઈ. ગભરાયેલ અવસ્થામાં બંને અમુક માર્ગ ખેતરો વચ્ચેથી કાપી હાઈ-વે પર પહોચી ગયા. જ્યાં આછો તો આછો પણ વાહનની અવરજવર હતી. તેમનો થોડો ભય દુર થયો. આવી ભેકાર રાત્રીમાં આ પણ એક સધિયારો હતો. સહદેવે વધુ આત્મવિશ્વાસ મેળવવા એક ગીત લલકારવા લાગ્યો. “ઓ મેરે દેશકી ધરતી...”

“કેમ અલ્યાં, બહુ બીક લાગે છે?“ આશુતોષે ટોણો માર્યો.

“ના રે એમાં બીક શાની હું તો આમેય રાતવરત મારું વાહન લઈને રખડતો જ હોઉં છુ. લાવ ઘડો થોડીવાર હું સંભાળું, તું થાક્યો હોઈશ.”

“હા, લે, વજન બહુ નથી પણ ઉચકીને ચાલતાં ફાવતું નથી. હવે આજે જ આનું કામ પૂર્ણ કરી લઈએ.”

“ચોક્કસ, પણ તને શું લાગે છે, અચરજ નથી થતું?” સહદેવે પૂછ્યું

“કઈ વાત નું?” આશુતોષે સામે પૂછ્યું.

“કે તારી દ્રષ્ટિએ તો આ બધા ગામડાના ભોળા માનવીઓ છે અને આજ પાત્રો વર્ષો પૂર્વે પણ હતાં એવી સાબિતી પણ મળે છે.”

“એતો દોસ્ત હવે તારે વિચારવાનું છે, તું નહોતો માનતો, પણ મેં તને રૂબરૂ મુલાકાત પણ કરાવી!” આશુતોષે ભારપૂર્વક કહ્યું

“હા યાર હવે તો જખ મારીને માનવું જ પડે ને ! તે જે જે વ્યક્તિઓની વાત કરી હતી બધાજ મોજુદ હતાં ... તેમ છતાં ...”

“શું તેમ છતાં ?”

“મને બધું વિચિત્ર લાગ્યું, આઉટ ઓફ ધ વર્લ્ડ, સમથીંગ નોટ રાઈટ ...” સહદેવે ગંભીર થઇ વાત કરી.

“અરે એમાં શું નોટ રાઈટ! એવા પ્રસંગો આપણી સાથે બન્યા એટેલે મનમાં શંકા કુશંકાઓ જાગે. આપણા મગજ અત્યારે ઠેકાણે ન હોય એ સ્વભાવિક છે. વાહનો સળગી ગયા એટલે શોક તો લાગે જ ને. અને સાવ સીધી રીતે વિચારીએ તો આ લોકો બધા ભૂત હોય એવી સંભાવના વધી જાય છે ...”

“તું યાર આવું ન બોલ, મને બીકથી તાવ આવી જશે તો શું આપણે ભૂતો સાથે બેઠા હતાં?”

“હું તો યાર મજાક કરું છુ. ચાલ હવે આ જૂની નદી હતી એ જગ્યા આવી ગઈ છે. યસ, આજ નદીનો પટ છે.” આશુતોષ ઉત્સાહથી બોલ્યો.

રાત્રિનું વાતાવરણ પણ ભયાનક હતું. વ્રુક્ષો તો જાણે જીવતાં જાગતા અને ડોલતાં ભૂત જ લાગતાં હતાં. દુરથી શિયાળવાની લારી સંભળાતી હતી. સહ્દેવના શરીરમાં ભય થકી ધ્રુજારી પ્રસરી ગઈ. “ચાલ હવે ઉતાવળ કરીએ, પણ ખોદીશું કઈ રીતે?” તે બોલ્યો.

“જા તારું બુલડોઝર લઇ આવ.” આશુતોષે મજાક કરી.

“મને ડર લાગે છે અને તને મજાક સુજે છે.”

“પણ દોસ્ત એક કામ કરીએ, ખોદવું નથી, તૈયાર ખાડો જ શોધી લઈએ.” આશુતોષે ઉપાય બતાવ્યો.

ચંદ્રની આછી રોશનીમાં તેઓએ પંદરેક મીનીટમાં ઊંડો હોય એવો ખાડો શોધી લીધો અને એમાં ઘડો પણ ગોઠવાઈ ગયો અને બાજુમાં આર્થર અને રેવતીનો મઢેલ ફોટો. ઉપર ડાળી ડાળખાં, ખરેલા પાંદડા વગેરે નાખી કવર કરી નાખ્યું. એક મોટો પત્થર પણ સાચવીને મૂકી દીધો.

“હાશ! મને હવે ખરેખર દિલમાં ટાઢક થઇ.” આશુતોષ અચાનક બોલ્યો.

“તું તો યાર પરદુઃખભંજન છે, વળતરમાં કાલે જઈ માલતીનું માગું નાખજે.” સહદેવે મજાક કરી.

“અલ્યા એ ભૂત હોય તો કેવી રીતે લગન કરું!” આશુતોષે જવાબ ચોપડાવ્યો.

બંને મિત્રો હાથ ખંખેરી બાકીનો રસ્તો કાપવા લાગ્યાં, અમુક અંતર ચાલ્યા પછી રસ્તામાં એક ઢાબો આવ્યો એટેલે ત્યાં થોડો આરામ કરવાં અને હાથ ધોવા રોકાયા.

સહદેવને પીવાની ઈચ્છા થઇ હતી, એણે ત્યાં ફરતાં છોકરાને નજીક બોલાવીને ઇશારાથી પૂછ્યું.

પેલો છોકરો હસ્યો અને બોલ્યો, “હાજી સબ મિલતા હૈ, બઢીયા માલ. દેશી ઈંગ્લીસ સબ.”

આ સાંભળી સહદેવ ખુશ થઇ ગયો. ચાલો થાક ઉતરી જશે. અને હોઠનો દુખાવો નહિ થાય. થોડુક ચવાણું મંગાવી તેણે પીવાનું ચાલુ કર્યું. બંને દોસ્તો વાતો કર્યે જતા હતાં. એકાદ કલાકમાં તો સહદેવની લીમીટ પૂરી થઇ ગઈ અને તે ત્યાજ નશામાં ઢળી પડ્યો. થોડીવારમાં એના નશ્કોરા બોલવા લાગ્યાં.

વહેલી સવારે ઢાબા માલિકે પેલા છોકરાને બુમ મારી, “વો સાહબ કો ઉઠા, ... વરના દુપહર તક યહી પડા રહેગા, ઔર દારુકે પૈસેભી માંગ લેના. પાગલ લગતા હૈ! ”

“સાબ્જી ઉઠો, ઉઠ જાઓ, સુબહ હો ગઈ, રાતકો ક્યા જ્યાદા ઠોક લી થી ક્યા!”

“ચુપ મર, બક બક બંધ કરો” બબડીને સહદેવ ઉભો થયો, એક છોકરડો તેને આવું બોલી જાય એ એને પસંદ ના આવ્યું. તેણે આજુબાજુ નજર કરી આશુતોષને લોકેટ કરવાની કોશીશ કરી પણ તે દેખાણો નહિ, સાલો ક્યા ગયો હશે... કદાચ ફ્રેશ થવા ગયો હોય...”

“સાબજી કિસકો ખોજ રહે હો ?”

“મેરે દોસ્ત કો, ઉસકો દેખા તુમને કહી જાતે હુએ?”

પેલો છોકરો હસતો હસતો જવાબ આપ્યા વિના દુર જતો રહ્યો, અને એક ટેબલ સાફ કરવા લાગ્યો. જ્યાદા ચડ ગઈ લગતી હૈ, અભીભી હોશ નહી આયા લગતા! એ મનમાં હસતો હતો.

સહદેવ ત્યાં બીજી અડધી કલાક બેસી રહ્યો પણ આશુતોષ આવ્યો નહિ અંતે તે ઉભો થયો. સાલા નાના છોકરા પણ કેટલાં ડોઢડાહ્યા હોય છે. એણે માલિકને પૈસા ચૂકવી ત્યાંથી ચાલતી પકડી.

તેને નાસ્તો પણ કરવો હતો પરંતુ મનમાં આશુતોષની ચિંતા પેઠી હતી એટલે ત્યાંથી નીકળી જવા ઉતાવળો થયો હતો.

ચાલતો ચાલતો તે વિચારવા લાગ્યો કે સાલો આશુતોષ કેમ જતો રહ્યો હશે, કદાચ કંટાળીને.. કે મચ્છર કરડયા હશે..મને કહીને ગયો હોત તો! એનું કામ થઈ ગયું કે ભૈશેઠ ભાગી ગયા.

તે લંગડાતો લંગડાતો ઘણું ચાલ્યો, હાઈ-વે સુમસામ હતો, વહેલી સવારમાં કોણ હોય. અંતે એનાજ ઓળખીતાં ગોરધનભાઈ સતવારા બાઈક લઈને જતા હશે તે એમની નજર સહદેવ પર પડી. એમણે બાઈક ઉભી રાખી. “ઓહો શું વાત છે! આમ સવાર સવારમા ક્યાં લટાર મારવા નીકળી પડ્યા છો?” ઉત્સાહથી તેઓ બોલ્યા. પરંતુ સહદેવનો મૂડ બરાબર નહોતો. એક તો થોડો જખમી હતો બીજું તેનો દોસ્ત ફરીવાર કહ્યા વિના ગાયબ હતો. ત્રીજી વાત એ કે તે ચાલી ચાલીને થાકી ગયેલ હતો, ચોથું, જોરદાર હેન્ગોવાર થયેલ હતું, માથું ભારે હતું. તે કઈપણ બોલ્યા વિના ફક્ત માથું હલાવી બાઈક પાછળ બેસી ગયો. ગોરધનભાઈએ લીવર દબાવ્યું. તેમને વાતો કરવાની ખુબ ટેવ હતી એટલે એ પ્રશ્નો પૂછતાં જાય, વાતો કરે પણ સહદેવ માત્ર “હા” કે “ના“ મા જવાબ આપતો. ત્યાજ ગોરધનભાઈએ ધડાકો કર્યો, “પેલા મનોજભાઈ, એલ.આઈ.સી. એજન્ટની વાઈફે સુઇસાઇડ કર્યું, ખબર છે તમને? ક્યાંથી ખબર હોય તમે તો બહાર હતાં નહિ. સહદેવ ચોકી ઉઠ્યો, ઓહ, નો! તો એનું અનુમાન સાચું નીકળ્યું! બિચારો મનોજ! કેમ શું હતું, કઈ જાણવા મળ્યું?”

“એમ કહે છે કે એને કઈ ભૂત વળગ્યું હતું, સાળંગપુર પણ લઇ ગયેલાં, બીજા અસંખ્ય તાંત્રિકોને બતાવેલ, બધાએ મનોજને ખંખેરી લીધો પણ ભૂત નીકળ્યો નહિ, ખરેખર તે ખવીસ, જંડ હતો.”

“એ વળી શું હોય ?”

“નથી ખબર, હાહાહાહાહા ! આમાં પણ કેટેગરી હોય છે સાહેબ, સૌથી ભારે, અને ખરાબ ખવીસ હોય. જીવ લઈને છોડે!”

સહદેવનો પસીનો છુટી ગયો..બિચારી તારામતી, તારા...ખુબ સાલસ સ્વભાવની!

અંતે સહદેવનું રહેઠાણ આવી ગયું અને ગોરધનભાઈ બાઈકને બ્રેક મારી...અને જતાં જતાં સલાહ આપતાં ગયા, કે જ્યારે જ્યારે અહીંથી નીકળો ત્યારે મનમાં હનુમાનજી કે ગાયત્રીમંત્ર બોલજો નહીતર એની ઝપટમાં આવી જસો. તેમણે મનોજની સાતમે માળે આવેલ બાલ્કની તરફ ઉંચે નજર કરી. આ તેની ભૂલ હતી. તારામતી તેની તરફ જોઈ રહી હતી, અને સ્મિત પણ આપ્યું. તેનું હૃદય ધબકારાં ચુકી ગયું. હે! માં ગાયત્રી, હે હનુમાન દાદા... બબડતો તે પોતાનાં ફ્લેટ પર જેમતેમ આવી ગયો. બે ગ્લાસ વ્હીસ્કી પીને તેણે બેડ પર લંબાવી દીધી. અતિશય થાક અને ખોટા વિચારો ઉપરાંત હેડએક ભલભલા યુવાનને પણ નિસહાય કરી નાખે. ત્રણ ચાર કલાક થયા હશે અને લેન્ડલાઈનની રીંગ વાગી. તે સહસા ઉઠ્યો, નક્કી અલ્પેશ પટેલ હશે, ખોદકામનો ઠેકેદાર... કેમ ન આવ્યા એવું પૂછશે,,

“હા અલ્પેશ બોલ,” તેણે ફોન ઉપાડી વાત કરી, ...

“હલ્લો, આપ કોણ? સહદેવ, આર્કીઓલોજીસ્ટ ?”

“હા હા હું એજ બોલું છુ”

“અચ્છા અચ્છા! હું પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ ચાવડા બોલું છુ, તમે તાત્કાલિક મડદાગૃહે આવી જાવ, એક લાશની ઓળખ કરવાની છે..”

“પણ સાહેબ, કોણ.. કોની..”

“કીધુને જલ્દી આવી જાવ, એક તો પંદર દિવસથી શોધીએ છીએને ..!” ફોન કટ થઇ ગયો. આવી રીતે તે કઈ વાત થતી હશે! સાવ તોછડો માણસ લાગે છે.

સહદેવ તો એકદમ નર્વસ થઇ ગયો, સાલુ કોણ હશે, આશુતોષ એકલો નીકળી ગયો હશે અને એને કોઈએ ઠોકર મારી દીધી હોય, ના ના એ ના હોય, તો ઇન્સ્પેક્ટર પંદર દિવસથી... એમ ના બોલે.. કોણ હશે.. મારા સ્ટાફમાંથી કોઈ ગાયબ હશે.. બની શકે. વિચારોથી એનું મગજ ફાટી જશે એમ તેને લાગવા માંડ્યું. તે મહામુશ્કેલીએ મડદાઘરે આવી પહોચ્યો. હે! ભગવાન કઈ અજુગતું ન બન્યું હોય તો સારું.

ખાખી કપડામાં ઇન્સ્પેક્ટર ચાવડા તેની રાહ જ જોઈ રહ્યા. ‘ક્યા રખડે રાખો છો સાહેબ? અમે પંદર દિવસથી લાશના કોઈ ઓળખીતાં મળી જાય એ માટે ચારેબાજુ તપાસ કરીએ છીએ..કોઈ સારા વ્યક્તિની લાગે છે એટલે મહેનત લીધી નહીતર બીનવારસુના કાગળીયા કરી મોક્ષ ફાઉન્ડેસનને સોપી દીધી હોત, એ લોકો અંતિમ સંસ્કાર કરી નાખત. આતો એના પેન્ટના ખિસ્સામાંથી એક કાગળ મળ્યો અને એમાં તમારો મોબાઈલ નબર મળ્યો. પરંતુ તમારો નબર લાગે જ નહીને !”

સહદેવને શું ઉત્તર આપવો સુજતો નહોતો. ઇન્સ્પેક્ટર તેને બિલ્ડીંગની અંદર લઇ ગયા. લાશ કોલ્ડરૂમમાં એક ટેબલ પર હતી... નજીક આવીને ઈન્સ્પેક્ટરે મો પરથી કપડું હટાવ્યું. લાશ આશુતોષની હતી. તેને ચક્કર આવવા લાગ્યા અને ધડામ દઈને તે જમીન પર ગબડી પડ્યો.

એક સાંજે તે ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો અને સર આર્થરના ફોટા જોતો હતો.. એ ગામના રહેવાસીઓના ફોટા પણ ધારી ધારીને જોઈ રહેતો હતો. બસ, એનો આ નિત્યક્રમ હતો, કલાકો સુધી આખો દિવસ એ વર્ષો જુના ફોટા જોયે રાખવા... નોકરી તેણે મૂકી દીધી હતી, અથવા તો કહી શકાય કે એની આવી માનસિક હાલત જોઈ તેને કાઢી મુકવામાં આવ્યો હતો.

ત્યાજ પવનની જોરદાર લહેરખીઓ આવી, ખુલ્લી બારીઓ આમતેમ અથડાવા લાગી, પંખા અને લાઈટો એકદમ ચાલુ થઇ ગયા.. આશુતોષ.. સહદેવે જોરથી રાડ પાડી... આવ આવ દોસ્ત, કેમ આજે મોડો આવ્યો.... બંને દોસ્ત કલાકો સુધી વાતો કરવા લાગ્યા. થોડીવારમાં તો એમની કંપનીમાં માલતી, રેવતી, હુશેનચાચા, રવજીકાકા અને તારા પણ સામેલ થઇ ગઈ. બધા ખડખડાટ હશે, ઠેકડા મારે, તાળીઓ પાડે અને વાતો કરે, એમને જોઇને સહદેવ પણ ખીલી ઉઠતો. તેનું હાસ્ય પણ આખી બિલ્ડીંગમાં ધ્રુજી ઉઠતું. તો કોઈવાર એ ભયાનક ચીસો પાડી રડી પડતો અને બોલી ઉઠતો સમય ખુબ ખરાબ ચાલે છે દોસ્ત...

સામે સોફા પર બેસેલ સહદેવના મધરની આંખોના ખૂણા ભીના થઇ ગયા.... હા રોજ થતાં.. છેલ્લા ચાર વર્ષથી. એક સુમસામ ડ્રોઈંગરૂમમાં બેઠેલ એક માનું દર્દ ભલા દુનિયા કઈ રીતે જાણી શકે.

------- સમાપ્ત -----

લેખક : પ્રદીપકુમાર આર. રાઓલ

મો. ૭૬૦૦૯૫૦૨૫૫

email id: praol1810@gmail.com