Angarpath - 50 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. - ૫૦

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

અંગારપથ. - ૫૦

અંગારપથ.

પ્રકરણ-૫૦.

પ્રવીણ પીઠડીયા.

સંજય બંડુ ભયંકર મોતે માર્યો હતો, કમિશ્નર પવાર ઘાયલ થઇને હોસ્પિટલનાં બિછાને પડયો હતો અને ડગ્લાસ ગોવા છોડીને એકાએક જ ક્યાંક ગાયબ થઇ ગયો હતો એ સમાચારે સંભાજી ગોવરીકરને હલાવી નાંખ્યો હતો. તે બુધ્ધીનો લઠ્ઠ માણસ તો હતો નહી એટલે તુરંત સમજી ગયો કે જો આ સમયે હોંશીયારી બતાવવા જશે તો પોતાના પગ ખુદનાં ગળામાં જ આવીને સલવાશે એટલે સૌથી પહેલો રસ્તો તેણે ગોવાથી પલાયન થઇ જવાનો અપનાવ્યો હતો. પરંતુ, પવારનાં ખૂરાફાતી દિમાગ સામે તેનો પનો ટૂંકો પડયો હતો. જનાર્દન શેટ્ટીએ તેને દબોચી લીધો હતો અને ગિરફતાર કરીને અત્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી રહ્યો હતો. તેનો કેસ લગભગ ખતમ થઇ જવાનો હતો કારણ કે પવારનાં સાણસામાં ફસાયા બાદ ક્યારેય કોઈ બચી શકતું નહી. તેની પાસે એવા ઘણાં રહસ્યો હતા જે આવનારા દિવસોમાં ભયાનક વિસ્ફોટો સર્જવાનાં હતા. પવાર એ રહસ્યો ઉપર છવાયેલા પરદાઓ હટાવીને ગોવાની ધરતી ઉપર પોલીસ સામ્રાજ્ય કાયમ કરવા માંગતો હતો જેનો સર્વેસર્વા તે ખુદ હોય. તેની એ ચાલ હાલનાં તબક્કે તો સફળ થઇ હોય એવું માલુમ પડતું હતું.

@@@

“યુ બાસ્ટર્ડ…” ડગ્લાસની ત્રાડથી સમગ્ર રિસોર્ટ ઘ્રુજી ઉઠયો. તે ઠંડા કલેજાનો માલિક હતો. કારણ વગર ક્યારેય પોતાના દિમાગ ઉપર કાબુ ગુમાવતો નહી પરંતુ આજે એકાએક જ તે પાગલ બની ગયો હતો. આમન્ડાને તે ચાહતો ન હતો, તેમની વચ્ચે ફક્ત જીસ્માની સંબંધો જ હતા તેમછતાં એક ઈમોશનલ બોન્ડિગ તેની સાથે બંધાયું હતુ. ખબર નહી કેટલા વર્ષોથી આમન્ડા તેની સાથે કામ કરતી હશે! એ વર્ષો દરમ્યાન તેઓએ આપસમાં પરસ્પર ઘણો સારો અને સુંવાળો સમય વિતાવ્યો હતો. એ સંબંધ હતો એકબીજાની જરૂરીયાતનો, એકબીજાનાં સંગાથનો. પરંતુ આજે એ બધું ખતમ થઈ ગયું હતું. અભિમન્યુએ એક જ ઝટકે તેને વામણો બનાવી દીધો હતો. તે બહાવરો બની ગયો, તેના જહેનમાં દાવાનળ સળગ્યો, મન કાળઝાળ ક્રોધથી ફાટફાટ થવા લાગ્યું. તેનો પિત્તો એકાએક જ છટક્યો હતો અને… તે ઉભો થયો. તેનું જીસ્મ થરથર કાંપતું હતું… આંખોમાં લાલ હિંગોળક ઉભરાયુ હતું. તેના જડબા સખત થયા અને ઝનૂનભેર તે અભિમન્યુ ઉપર ઝપટયો. પુરા છ ફૂટ ઉચું તેનું જીસ્મ કોઈ નાનકડા પહાડથી કમ નહોતું. તેની ભૂજાઓમાં અસિમ શક્તિ સમાયેલી હતી અને એ શક્તિનો ઉપયોગ કરવામાં તે સહેજે અચકાતો નહી. પહેલો વાર તેણે અભિમન્યુનાં પેટમાં કર્યો. અભિમન્યુ ઘાયલ હતો, ઉપરાંત આમન્ડા… એક સ્ત્રી તેના હાથે મરાઈ હતી એનો મલાલ તેના જીવને કોરી ખાતો હતો. અફસોસની એ ક્ષણોમાં તે થોડો અસાવધ બન્યો હતો જેનો ભરપૂર લાભ ડગ્લાસને મળ્યો હતો. “ધફ્ફ્ફ…” એક વજનદાર મુક્કો પડયો અને અભીમન્યુનાં આંતરડા સુધ્ધા ખળભળી ઉઠયા. અભિને લાગ્યું જાણે કોઈએ તેના પેટમાં હાથ નાંખીને આંતરડાઓ બહાર ખેંચી લીધા હોય. ભયંકર દર્દથી તે કરાહી ઉઠયો. આમન્ડાએ કરેલો ચાકુનો ઘા વધું પહોળો થયો અને છાતીમાંથી ઉભરાતું લોહી વધું ફોર્સથી વહેવા લાગ્યું. પેટમાં આંતરડાનો સોથ વળી ગયો હોય એમ તેનો જીવ ગળામાં આવીને અટક્યો. ભયંકર પિડાથી તેની આંખોમાં પાણી ઉભરાઇ આવ્યું હતું.

“યુ પે ફોર ધીસ રાસ્કલ…” ડગ્લાસ એક જ વાક્ય વારેવારે દોહરાવતો હતો. તેનો ગુસ્સો સાતમાં આસમાનને આંબતો હતો. તે ફરીથી આગળ વધ્યો અને બન્ને હાથે પોતાનું પેટ પકડીને ઉભેલા અભીનાં ટુંકા વાળને ડાબા હાથની મુઠ્ઠીમાં ભરી તેનું માથું ઉંચુ કર્યું અને જમણા હાથનો એક ઘૂસો ભયંકર જનૂનથી તેના ચહેરા ઉપર રસિદ કરી દીધો. “થડાક…” કશેક હાડકું ભાંગ્યું હોય એવો અવાજ આવ્યો. અભીને લાગ્યું જાણે તેનું જડબું તૂટી ગયું છે. કોઈએ જબરદસ્ત ફોર્સથી તેનું માથું… તેનો ચહેરો કોઈ સખત મજબૂત દિવાલ સાથે અફળાવી દીધો છે. ચહેરાનો એ તરફનો હિસ્સો એકાએક ખોટો પડી ગયો હોય એમ સૂન્ન પડી ગયો. કાનમાં ઢગલાબંધ સિસોટીઓનો અવાજ ગુંજી ઉઠયો અને આંખો આગળ તારામંડળ નાચવાં લાગ્યું. તેના મોઢામાં એકાએક જ ખારાશ છવાઈ અને લોહીની ખારાશથી તેનું મોઢુ ઉભરાઈ ગયું. તેના પેઢા હલી ગયા હતા અને તેમાથી લોહી નીકળવા લાગ્યું હતું. અભી ઘણો મજબૂત માણસ હતો છતાં ડગ્લાસનાં એક જ વારે તેને પસ્ત બનાવી દીધો હતો. તેની આંખો ભયંકર પીડાથી ઉઘાડબંધ થતી હતી અને જડબું સખત દર્દથી લવકારા મારવા લાગ્યું હતું. ડગ્લાસ ફરી આગળ વધ્યો અને આ વખતે તેનો પગ ચાલ્યો. તેની લાત અભિનાં પડખામાં એટલા ફોર્સથી વાગી કે અભિ ઉછળીને પાછળ ધકેલાયો. જાણે કોઈએ ભારેખમ ઘણ ઉઠાવીને તેના પડખામાં ઠોકયો હોય એમ તે બેવડ વળી ગયો… અને પછી ડગ્લાસ રોકાયો નહી. ધડાધડી તેના હાથપગ હરકત કરતા રહ્યા અને અભિ રીતસરનો ઉછળતો રહ્યો. શરીરનાં ક્યા ક્યા ભાગ ઉપર ડગ્લાસનો કહેર ઉતર્યો હતો એ તેને પણ ખબર નહોતી. લોહીનાં લાલ રંગથી તે આખેઆખો ભિંજાઈ ઉઠયો હતો. મોઢા અને છાતીમાંથી વહેતું લોહી આખા શરીર ઉપર ફેલાઇ ચૂકયું હતું. શરીરનો એક એક પૂરજો.. એક એક ભાગ ભયંકર રીતે બળવો પોકારી ઉઠયું હતું.

એવું નહોતું કે અભિમન્યુ ડગ્લાસનો સામનો કરવા અસમર્થ હતો. તેને આથી પણ ખતરનાક સ્થિતિમાં સર્વાઈવ કરવાનું ફૌજમાં શીખવવામાં આવ્યું હતું. અરે મોત આંખ સામે નાચતું હોય… છેલ્લા શ્વાસોશ્વાસ ચાલતા હોય… યમરાજ બસ એક હાથ છેટા ઉભા હોય… એવા સમયે ઉમ્મિદની આખરી કડી પકડીને સંઘર્ષ કરવાનું અને તેમાથી હેમખેમ બહાર નીકળવાનું તે જાણતો હતો. તે સખત જીવ જરૂર હતો પરંતુ આ સમયે ડગ્લાસ તેનાથી પણ ફાસ્ટ સાબિત થઈ રહ્યો હતો. તેના માથા ઉપર આમન્ડાનાં મોતનું ભયંકર જનૂન સવાર થયેલું હતું અને જનૂની માણસને ખુદને પણ ખ્યાલ હોતો નથી કે તે શું કરી રહ્યો છે. ડગ્લાસ અભિમન્યુને બચાવનો એકપણ મોકો આપતો નહોતો. એ તાકતવર અને અત્યંત સ્ફૂર્તિલો વ્યક્તિ હતો. સખત પથ્થરની જેમ તરાશાયેલા તેના બદનમાં રાક્ષસી બળ હતું અને એ બળનાં જોરે જ તે અભિમન્યુને મસળી નાંખવા માંગતો હોય એમ તેને ઠમઠોરી રહ્યો હતો. ખબર નહી કેટલો સમય એ ચાલ્યું હશે પણ આખરે એ પણ થાકયો હતો. તે અટક્યો ત્યારે ખુદ તેનો શ્વાસ ફૂલી ગયો હતો. તેની છાતી ધમણની જેમ ઉંચકાતી હતી અને તેનું બદન પરસેવાથી ભિંજાઈ ઉઠયું હતું. તે પોતાના શ્વાસોશ્વાસ નિયંત્રિત કરવા થોડો સમય થોભ્યો હતો.

અને અભિમન્યું…!! એ અધમૂઓ થઇ ગયો હતો. શરીરનો કોઈ ભાગ એવો નહોતો જ્યાં ડગ્લાસનો પ્રહાર થયો ન હોય. તેનું એક-એક અંગ… એક-એક હાડકું ભાંગ્યું હોય એમ આખા શરીરે સોજાઓ ઉપસી આવ્યા હતા અને લાલ લીલા ચકામાઓ સ્પષ્ટ દેખાતા હતા. તે પણ બેતહાશા હાંફી રહ્યો હતો અને ત્યાં મૂકાયેલા એક ફાઉન્ટનનાં સહારે ઉભો રહી ગયો હતો. જીંદગીમા આજે પહેલો એવો મોકો આવ્યો હતો જ્યારે કોઈએ તેને આટલો બધો માર્યો હોય. છતાં… ખબર નહી કેમ પણ તેના જીગરમાં અજીબ સંવેદનો ઉઠતાં હતા… જાણે તેને મજા આવતી હોય એમ તેના ભાંગેલા ચહેરા ઉપર હળવી મુસ્કાન ઉભરતી હતી. તેના હોઠ પહોળા થયા હતા અને લોહી છવાયેલા દાંત દેખાયા હતા. તે પ્રસંશાભરી નજરે ડગ્લાસને જોઇ રહ્યો. ગજબનાક દ્રશ્ય હતુ એ… તે પોતાના જ દુશ્મનને બિરદાવી રહ્યો હતો. એક તરફ ઉઘાડા ડિલે પરસેવે રેબઝેબ ડગ્લાસ પોતાના શ્વાસોશ્વાસને નિયંત્રિત કરતો ઉભો હતો જ્યારે તેની બીલકુલ વિરુધ્ધ દિશામાં અભિમન્યુ ભાંગેલા ખભા અને ભાંગેલા જડબા સાથે હાસ્ય વેરી રહ્યો હતો. અભિને કદાચ આજે પહેલો એવો બંદો મળ્યો હતો જે તેની ઉપર હાવી થયો હતો અને એટલે જ અનાયાસે તેનાથી ડગ્લાસની પ્રસંશા થઇ ગઇ હતી. તે જાણતો હતો કે ડગ્લાસ તેની બહેન રક્ષાની ગંભીર હાલત માટે જવાબદાર હતો. તેણે જ રક્ષાને ત્રણ ત્રણ વખત મારવાની કોશીશો કરી હતી. પણ શું કામ..? એ સવાલનો જવાબ મેળવવો અત્યંત જરૂરી હતો અને એટલે જ તે અહી આવ્યો હતો. તેણે દાંત ભિંસ્યા અને માથું ઝટકાવ્યું. કોઈપણ ભોગે ડગ્લાસને હરાવવો જરૂરી હતો. એ સભાનતાએ તેનું હાસ્ય એકાએક વિલાયું હતું અને તે સજ્જ થયો. એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને મોઢામાં આવેલું લોહી ગાર્ડનની સૂંવાળી લોન ઉપર થૂંકયો. હવે તે તૈયાર હતો. તેના જહેનમાં ઘાયલ અવસ્થામાં હોસ્પિટલનાં બિછાને પડેલી રક્ષા દેખાતી હતી. તેના ચહેરા ઉપર થયેલા અસંખ્ય ઘાવનાં નિશાનો દેખાતા હતા. તેના ઊખડતા શ્વાસોની ધીમી ગતીનો શોર સંભળાતો હતો. ડગ્લાસને કોઇકાળે તે બક્ષી શકે તેમ નહોતો. તેનું તૂટેલું જડબું સખત બન્યું અને મુઠ્ઠીઓ આપસમાં ભિડાઈ. ડગ્લાસે અભિનાં બદલાયેલા તેવર જોયા અને એ પણ સજ્જ થયો. થોડી જ વારમાં બે અત્યંત તાકતવર વ્યક્તિઓ ફરીથી એકબીજાની સામે ઉભા હતા.

“કમ ઓન બોય…” ડગ્લાસે ઉપહાસ ભર્યા અવાજે અભિને લલકાર્યો. અભિમન્યુને એટલું જ જોઈતું હતું. ડગ્લાસનો ગુરૂર હવે તેને જ ભારે પડવાનો હતો. તે દોડયો અને ડગ્લાસની એકદમ નજીક પહોંચી તેનું મોઢું તોડી નાંખવા હાથ હવામાં લહેરાવ્યો. ડગ્લાસે એ જોયું અને પોતાનો હાથ આડો ધર્યો… પરંતુ અભિએ એકદમ જ પેંતરો બદલ્યો હતો કારણકે એ વાર ફક્ત તેને છકાવવા માટે જ હતો. જેવો ડગ્લાસે તેનો હાથ પકડયો કે વિજળીની ઝડપે અભિએ તેનું માથું ભયાનક જનૂનથી ડગ્લાસનાં નાક ઉપર દઈ માર્યું હતું. “આહ… “ ડગ્લાસનાં ગળામાંથી ચીખ નીકળી પડી. તેની નાખોરી ફૂટી અને નાકમાંથી લોહીની ધાર થઈ. પણ એ ડગ્લાસ હતો. તેણે અભીનો હાથ છોડયો નહી. શરીરની સમગ્ર તાકત એકઠી કરીને તેણે અભિમન્યુને પોતાની તરફ ખેંચ્યો અને બીજા હાથે તેની છાતીમાં ખૂલ્લી હથેળીનો ફટકો માર્યો. એ ફટકામાં એટલી તાકત હતી કે અભિ આપોઆપ પાછળ ધકેલાયો. એવું લાગ્યું જાણે તેની પાંસળી તૂટી ગઈ હોય. પણ હવે તે અટકવા માંગતો નહોતો. આજે તો આ પાર યા પેલે પારની જંગનાં મંડાણ થયા હતા. તે તરત સંભળ્યો અને ડગ્લાસનાં ભાંગેલા નાક ઉપર જ બીજો મુક્કો ઠોકી દીધો. એક જ જગ્યાએ બેવડો પ્રહાર થયો અને ડગ્લાસનું નાક તૂટયું… તેનો ચહેરો લોહીથી લથબથ બન્યો અને આંખોમાં પાણી ઉભરાયું. તેના નાકની અંદરનું પાતળું હાડકું તૂટી ગયું હોય એવું લાગ્યું. એ દ્રશ્ય ખરેખર ભયાનક હતું. ડગ્લાસને પોતાનો આખો ચહેરો સૂન્ન પડી ગયો હોય એવુ લાગતું હતું. ભયંકર દર્દથી તેના મો-માંથી ચિત્ર-વિચિત્ર ઘરઘરાહટનો અવાજ નીકળતો હતો. અભિમન્યુએ એ જોયું… હવે તે ડગ્લાસને કોઇ મોકો આપવા માંગતો નહોતો. તે ઝપટયો અને ડગ્લાસ ઉપર રીતસરનો તૂટી પડયો. તેના હાથ ભયાનક તેજીથી ચાલવા લાગ્યાં અને હાથ ન ચાલે ત્યારે પગની લાતો ઉછળતી રહી. તેના શરીરમાં ભયાનક જનૂન છવાયું હતું અને ખબર નહી કેટલો સમય તેણે તેને ઠમઠોર્યો હશે. તે તો બસ… પોતાનામાં હતી એટલી તાકત એકઠી કરીને ડગ્લાસનો ખૂરદો બોલાવતો રહ્યો હતો.

તે અટક્યો ત્યારે ડગ્લાસ રીતસરનો જમીન ઉપર આળોટી રહ્યો હતો. તેના શરીરનો એકપણ ભાગ એવો નહોતો જ્યાં અભિમન્યુનો માર પડયો ન હોય. એ ખરેખર આશ્વર્યજનક હતું કે અભિમન્યુથી ક્યાંય વધારે તાકતવર ડગ્લાસ આજે હાર્યો હતો. તે બેવડ વળીને સૂંવાળી લીલી લોન ઉપર પડયો હતો. નમતી બપોરનો તીખો તડકો તેના જખ્મી શરીર ઉપર પથરાઈ રહ્યો હતો અને તેની નજદિક… પોતાની નજીક કમર ઉપર હાથ ટેકવીને અભિમન્યુ ઉભો હતો. તેના શ્વાસોશ્વાસ કોઈ ધમણની જેમ ચાલતા હતા. તેના શરીરમાંથી ઉભરાતો પરસેવો ઘાવમાંથી નીકળેલા લોહી સાથે ભળીને નીચે ટપકી રહ્યો હતો. તે નીચો નમ્યો અને ગોઠણ વાળીને ડગ્લાસની સામે બેઠો. તેણે લોહીથી ખરડાયેલી ડગ્લાસની હડચપી હેઠળ આંગળી મૂકીને તેનો ચહેરો ઉંચો કર્યો.

“રક્ષા… મારી બહેનની આ હાલત શું કામ કરી?” ડગ્લાસની આંખોમાં ઝાંકતા તેણે પૂછયું.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.