Angarpath - 48 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. - ૪૮

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અંગારપથ. - ૪૮

અંગારપથ.

પ્રકરણ-૪૮.

પ્રવીણ પીઠડીયા.

બે જ પ્રહારમાં અભિમન્યુને અહેસાસ થયો હતો કે તેનો સામનો કોઇ સામાન્ય વ્યક્તિ સાથે નથી પણ એક ભયાનક તાકતવર રાક્ષસ સાથે છે. તેણે જલ્દી કંઇ ન કર્યું તો જરૂર આ પહેલવાન તેને રમત રમતમાં જ મસળી નાંખશે, તે કમોતે મરશે. પહેલેથી જ તેણે સાવધ રહેવાની જરૂર હતી પરંતુ ડગ્લાસ સાથે વાતચીત કરવામાં એ સાવધાની હટી હતી જેનું પરીણામ અત્યારે તે ભોગવી રહ્યો હતો. પરંતુ એમ હાર માનવાનું તેનાં જિન્સમાં નહોતું. આનાથી પણ ઘણી ભયંકર પરિસ્થિતિઓનો સામનો તેણે કર્યો હતો. સૈન્યમાં મોત હંમેશા માથે મંડરાતું હોય, શ્વાસની છેલ્લી કડી તૂટવાની હોય, જીવતા રહેવાનો કોઈ માર્ગ સૂઝતો ન હોય… એવા સમયે ફક્ત અને ફક્ત મજબૂત મનોબળનાં આધારે ઘણી બાજીઓ તેણે જીતી હતી તો પછી આ તો એનાથી ઓછી ખતરનાક સ્થિતિ હતી. તે તરત સાવધ બન્યો અને માથું ઝટકાવ્યું. એક ઉંડો શ્વાસ લીધો અને આંખો સ્થિર કરીને પઠ્ઠાની પોઝિશનનું અનુમાન કર્યું. પઠ્ઠો ઘડીક ઉભો રહ્યો અને પછી સૂસવાટા ભેર તેની તરફ ઝપટતો આવ્યો. તેનો ચહેરો પથ્થર સમાન સખત હતો અને ચહેરા ઉપર કોઇ ભાવ નહોતાં. જાણે કોઇ રોબોટ જ જોઇ લો! આ પ્રકારનાં લોકોમાં એક અલગ જ ખાસીયત હોય છે, તેઓ હુકમનાં ગુલામ હોય એમ યંત્રવત કામ કરતા હોય છે. તેમને મન પોતાના માલિકનો હુકમ જ સર્વપરી હોય છે. અભિમન્યુ જાણતો હતો કે આવા લોકો બહું ભયંકર હોય છે. તેમને હરાવવા માટે તેમના જેવું જ સખત બનવું પડે.

પઠ્ઠો અભિમન્યુની એકદમ નજદીક આવી પહોંચ્યો હતો. એ નાજૂક ઘડી હતી. અભિમન્યુએ પોતે અસાવધ છે એવો જ ડોળ ચાલું રાખ્યો. પેલાએ નજીક આવીને બન્ને હાથોથી અભિનું માથું પકડ્યું અને પોતાનું વજનદાર માથું તેના કપાળ સાથે અથડાવવા જનૂનભેર આગળ ઝૂકયો. પણ… આ વખતે અભિમન્યુ અસાવધ નહોતો. જેવું પેલાનું માથું નજીક આવ્યું કે તેણે જમણો હાથ આડો ધરી દીધો અને તેના ચહેરાને હથેળીમાં સમાવી ત્યાં જ અટકાવી દીધો. સહેજ માટે જો એ મોડો પડયો હોત તો પઠ્ઠાનાં વજનદાર માથાની ટક્કરથી તેનું કપાળ કોઇ નાળીયેરની જેમ ફૂટી ગયું હોત. પણ હવે કોઈ ભૂલ કરવાનાં મૂડમાં તે નહોતો. પેલાનાં ચહેરાને હથેળીમાં સમાવીને તેણે બીજી પણ એક હરકત કરી નાંખી હતી. રોકેટ ગતીએ જમણો પગ ઉઠાવીને વજનદાર બૂટની ઠોકર તેનાં પગનાં નળા ઉપર ઠોકી દીધી. પહેલવાન માટે એ સાવ અણધાર્યો હુમલો હતો. તેના નળાનાં હાડકામાં ભયંકર દર્દ ઉમડયું અને આપોઆપ તેના હાથ અભિમન્યુનાં માથા ઉપરથી ઢિલા પડયાં. અભિને આ ક્ષણનો જ ઈંતજાર હોય એમ તેને હાથનાં જોરે જ પાછળ ધકેલ્યો અને સમય ગુમાવ્યાં વગર ઉછળીને એક ફેંટ તેના પેટમાં ઠોકી દીધી. ધફ્ફ્ફ… કરતો અવાજ આવ્યો અને પઠ્ઠો રીતસરનો બેવડ વળીને કરાહી ઉઠયો. કસરત કરી કરીને સખત થયેલાં તેના પેટનાં સ્નાયુંઓમાં એકાએક જાણે ભયંકર ભૂકંપ આવ્યો હોય એમ ખળભળી મચી ગઇ. અભિનું વજનદાર મિલિટ્રી બૂટ કોઈ ભારખમ હથોડાથી કમ નહોતું. બેવડા મારથી તેની આંખોમાં પાણી ઉભર્યું અને તેના સખત ચહેરા ઉપર જીવનમાં કદાચ પહેલીવાર કોઈ ભાવ ઉમડયા. દર્દ અને તકલીફથી તેનો ચહેરો બેડોળ બન્યો. પરંતુ એ સખત જીવ હતો. આટલી જલ્દી હાર માની લેવાનું તો તેના લોહીમાં પણ નહોતું. તે તરત સ્વસ્થ થયો અને મુઠ્ઠીઓ વાળી અભિનો સામનો કરવા સજ્જ થયો. તેને સમજાઈ ગયું હતું કે તેનો મુકાબલો કોઈ સામાન્ય વ્યક્તિ સાથે નથી એટલે એકાએક તે રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયો હતો.

ડગ્લાસે એ જોયું હતું અને તેના જહેનમાં ભયંકર આશ્વર્ય ઉદભવ્યું. આ પહેલો એવો માણસ હતો જેણે તેના પઠ્ઠાને ઠપકાર્યો હતો. અરે આજ સુધી કોઇ તેને હાથ સુધ્ધા લગાવી શકયું નહોતું. તે બૌખલાઇ ઉઠયો અને આમન્ડાને ઈશારો કરીને પઠ્ઠાની મદદ માટે જવા કહ્યું. આમન્ડા ધ્રૂજી ઉઠી. તેની આંખોમાં તો ક્યારનો ખૌફ અંજાઈ ચૂકયો હતો. તેને અભિની તાકતનો અંદાજ હતો જ. શું કરવું જોઇએ એનો નિર્ણય લેતા થોડી વાર લાગી પરંતુ ડગ્લાસનો હુકમ ઉથાપવો તેની હૈસીયત બહારની વાત હતી. તે ઉભી થઇ અને મેદાનમાં ઉતરી. હવે એક સાથે બે બે ખૂંખાર વ્યક્તિઓનો સામનો અભિમન્યુને કરવાનો હતો. આગળ ભયંકર તાકતવર પહેલવાન હતો તો પાછળ અત્યંત ચપળ અને ખતરનાક ઔરત હતી. આંખનાં ખૂણેથી જ તેણે આમન્ડાને પોતાની તરફ આવતાં જોઈ લીધી હતી અને… એક ક્ષણમાં જ તેના મનમાં કશોક નિર્ણય લેવાયો. તે ઉછળ્યો. યસ… હવામાં ઉડતો હોય એમ રીતસરનો તે ઉછળ્યો અને રક્ષણાત્મક સ્થિતિમાં ઉભેલા પહેલવાન ઉપર ખાબક્યો. પેલો હજું કંઇ વિચારે, તેનો સામનો કરવા આગળ વધે એ પહેલા અભિનો પગ ભયંકર ફોર્સથી તેની છાતી સાથે અથડાયો. એ સાથે જ એક વનજદાર મુક્કો તેના ચહેરા ઉપર ઝિંકાયો. એ ગજબનાક હતું. ક્યારેય કોઈએ અજમાવ્યો ન હોય એવો પેંતરો હતો. કોઈ વ્યક્તિ હવામાં ઉડે અને એ સમયે જ તેના હાથ અને પગ એકસાથે હરકત કરતાં હોય… અને એ પણ એક જ દિશામાં… એ લગભગ અસંભવ સમાન બાબત હતી. આવો સ્ટંન્ટ તો આજ સુધી કોઈ હાર્ડકોર એકશન ફિલ્મમાં પણ ભજવાયો નહી હોય! પરંતુ આ અભિમન્યુ હતો. તેનો જવાબ જડવો મુશ્કેલ હતો. તેની સ્ફૂર્તી અને તેજી સામે તો ભલભલાએ ગોઠણ ટેકવી દીધા હતા તો પછી આ પઠ્ઠાની શું વિસાત હતી! ઉપરાંત ઓલરેડી તે હેબતાઈ ગયેલો જ હતો તેમાં એકસાથે બે પ્રહાર થવાથી તેના પગ આપોઆપ પાછળ ધકેલાયા અને આખું શરીર બળવો પોકારી ઉઠયું. તેની છાતીમાં ભયાનક પિડા ઉદભવી. એવું લાગ્યું જાણે કોઈએ તેના ફેફસા ઉપર ભારેખમ ઘણ ફટકાર્યો હોય અને એ પ્રહારથી તના ફેફસા ફાડી પડયા હોય. તેનો ચહેરો અસહ્ય પીડાથી બેડોળ બન્યો. અને એટલેથી જ વાત ખતમ નહોતી થઇ, અભિનાં જોરદાર મુક્કાએ તેનું નાક તોડી નાંખ્યું હતું અને તેમાથી લોહીની ધાર શરૂ થઇ હતી. એ પછી અભિ અટકયો નહી. પેલો સંભળે એ પહેલા ફરીથી એક મુક્કો તેની કનપટ્ટીની બરાબર નીચે ઠોકી દીધો. પઠ્ઠાનાં મોં માંથી લોહીનો ઘળકો નીકળી પડયો. તેની આંખો આગળ અંધારું છવાયું. તેના પગ ઢિંચણેથી આપોઆપ વળ્યાં. શરીરનું ચેતન એકાએક ચાલ્યું ગયું હોય એમ તે ઢિલોઢફ્ફ થઇને લોન ઉપર પથરાઇ ગયો. એ અસંભવ હતું. એ પઠ્ઠાની તાકત સામે તો અભિમન્યુ કંઈ નહોતો. પરંતુ તાકત જ દરેક વખતે જીતતી નથી હોતી. ઘણી વખત તાકત ઉપર મક્કમ મનોબળ હાવી થઇ જતું હોય છે. અત્યારે પણ એવું જ થયું હતું. શરૂઆતમાં પઠ્ઠો અભિ ઉપર ભારે પડયો હતો પરંતુ આખરમાં અભિએ તેને હરાવ્યો હતો. અભિએ બરાબર ગરદનની ધોરી નસ ઉપર જ વાર કર્યો હતો જેનાથી તેના ચેતાતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. એકાએક જ તેના મગજમાં લોહીનો ભરાવો થયો હતો અને તે ત્યાંજ પથરાઇ ગયો હતો. હવે તે ઉઠવાનો નહોતો. તેનો ખેલ ખતમ થઇ ગયો હતો અને એ ભયંકર અચરજની વાત હતી.

આમન્ડા ફાટી આંખે એ દ્રશ્ય જોઇ રહી. તેનો જીવ તેના જ ગળામાં આવીને અટવાયો હતો. અભિએ જેને પછાડયો હતો એ કોઇ સામાન્ય આદમી નહોતો. ડગ્લાસનો સૌથી ભરોસાપાત્ર અને સૌથી ખતરનાક આદમી હતો. તે સહમી ગઇ. શું કરવું જોઈએ એ સમજાતું નહોતું. જો પાછી ફરે તો ડગ્લાસની ખૌફગી વહોરવી પડે અને અભિનો સામનો કરે તો મોત મળે. બેમાંથી એક વિકલ્પ તેણે પસંદ કરવાનો હતો અને તેણે બીજો વિકલ્પ પસંદ કર્યો. તેનો ચહેરા ઉપર એકાએક મક્કમતા ઉભરી. છાતીમાં એક ઉંડો શ્વાસ ભર્યો અને કમરપટ્ટે ખોસેલું તેનું બેહદ મનપસંદ ચાકું બહાર ખેંચી કાઢયું. એ આઠ ઈંચ લાંબું તિક્ષ્ણ ફણાંવાળુ ચાકું હતું. સાવધ મુદ્રામાં હથેળીમાં ચાકું દબાવીને ખતરનાક ઈરાદા સાથે તે અભિ તરફ આગળ વધી. એકાએક તેના તેવર બદલાઈ ગયા હતા. હાથમાં હથીયાર હોવાનાં અહેસાસે તેના જીગરમાં ગજબની હિંમ્મત ભરી દીધી હતી અને કોઈ ખૂંખાર બિલાડીની જેમ અભિમન્યુ ઉપર ઝપટવા તે તૈયાર બની હતી. અભિએ એ જોયું. તેનો ખભો ભયાનક પીડાથી લવકારા નાંખતો હતો. પઠ્ઠાએ મારેલા મુક્કાથી તેનો ચહેરો સખત રીતે દુખતો હતો પણ અત્યારે એવી તકલીફોને ગણકારવાનો સમય નહોતો. તેણે મુઠ્ઠીઓ વાળી અને ચહેરા આગળ ગોઠવી. આમન્ડાનાં હાથમાં ચળકતું ચાકું તેની કીકીઓમાં વિસ્ફાર પેદા કરતું હતું. આમન્ડા કેટલી ખતરનાક ઓરત હતી એનો અંદાજ હતો તેને. તે સાવધાનીથી આગળ વધ્યો.

બપોરનો તીખો તડકો માથા ઉપર ધીખતો હતો. સૂર્યની તપિશથી ગરમ થયેલો પવન એક અજીબ બેચેની વાતાવરણમાં ઘોળી રહ્યો હતો. સ્વિમિંગ પૂલમાં હિલોળાતા પાણી ઉપરથી પરાવર્તિત થતાં સૂરજનાં કિરણોનો ઓછોયો સમગ્ર રિસોર્ટનાં પરીસરમાં પ્રસર્યો હતો. ત્યાં છવાયેલી સૂંવાળી લીલીછમ લોન ઉપર પથરાયેલી પાણીની બૂંદો કોઇ તારલીયાની માફક ઝબકતી હતી. એવા સમયે બે ખૂંખાર પ્રાણીઓ આપસમાં એકબીજા ઉપર ઝપટવા તૈયાર હતા અને પરિસ્થિતિએ એકદમ જ ખતરનાક વળાંક ધારણ કર્યો હતો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.