Angarpath - 45 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. - ૪૫

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અંગારપથ. - ૪૫

અંગારપથ.

પ્રકરણ-૪૫.

પ્રવીણપીઠડીયા.

“સર પ્લિઝ, ઓપન યોર આઈઝ..” ચારું એમ્બ્યૂલન્સમાં સ્ટ્રેચર ઉપર સૂતેલા પેટ્રિકને વારંવાર સાદ દઈને જગાડવાની કોશિશ કરતી રહી પરંતુ પેટ્રિક તો ક્યારનો બેહોશીની ગર્તામાં ધકેલાઈ ગયો હતો. વામન શેખની ઓફિસમાં મચેલી ધમાચકડીમાં તે ઘાયલ થયો હતો. એ બહું જલ્દી ખતમ થયું હતું. વામન શેખ અને તેનો પઠ્ઠો અત્યારે પોલીસ ગિરફ્તમાં લેવામાં આવ્યાં હતા અને તેમને બાગા બીચ સ્ટેશને રવાનાં કરવામાં આવ્યાં હતા.

એ દરમ્યાન ચારું પેટ્રિકને લઈને હોસ્પિટલ ભણી જઇ રહી હતી કારણ કે પેટ્રિકને સારવાર આપવી અત્યંત જરૂરી હતી. તેના ગળામાં ગોળી ઘૂસી હતી. એક રીતે કહી શકાય કે તેની હાલત અત્યંત નાજૂક હતી. તેના જીવન મરણનો પ્રશ્ન જરૂર ઉપસ્થિત થયો હતો પરંતુ એ બહાદુર હતો. કાંબલેને શોધવા તેણે પોતાના જીવની પણ પરવા નહોતી કરી. ચારું અહોભાવથી ટ્રેચર ઉપર સૂતેલા પેટ્રિકને જોઈ રહી. અચાનક તેને અભિમન્યુ યાદ આવ્યો. એ પણ આટલો જ લાગણીશીલ અને બહાદુર હતો ને! અભિ તેની બહેનનાં અપરાધીઓને શોધવાં મોત સાથે બાથ ભિડી રહ્યો હતો. શું આ ઝનૂન દરેક વ્યક્તિનાં લોહીમાં જન્મજાત આવતું હશે? કે પછી માણસનાં સ્વભાવમાં જ એ વણાયેલું હશે? પોતાની અંગત વ્યક્તિ ઉપર કોઇ આફત આવે ત્યારે પોતાનું જીવન પણ ગૌણ બની જતું હોય છે એનો અનુભવ ચારુંને થયો હતો.

મારંમાર ભાગતી એમ્બ્યૂલન્સ સાયરન વગાડતી ગોવાની સરકારી હોસ્પિટલે આવી પહોંચી. પાછલાં છેલ્લા થોડા દિવસોથી આ હોસ્પિટલ પણ ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. હોસ્પિટલમાં એકધારો અજંપો છવાયેલો હતો. જ્યારથી રક્ષા સૂર્યવંશીને અહી દાખલ કરવામાં આવી હતી ત્યારથી સૂકૂનની એક ક્ષણ હોસ્પિટલને નસીબ થઇ નહોતી. એક પછી એક ઘટનાઓનો સીલસીલો એકધારો ચાલતો રહ્યો હતો જેણે સમગ્ર હોસ્પિટલમાં ઉત્તેજનાનું વાતાવરણ ખડું કરી દીધું હતું. પહેલા રક્ષા સૂર્યવંશી, પછી હોસ્પિટલ ઉપર હુમલો અને આલમ કાદરી નામનાં શખ્સનું મોત, પછી ગોવાનાં પોલીસ કમિશ્નર પવાર, ત્યારબાદ નાર્કોટિક્સ અફસર ડેરેન લોબો અને હવે સબ ઈન્સ્પેકટર પેટ્રિક… કોઈ નહોતું જાણતું કે આ સીલસીલો ક્યાં જઇને અટકશે! અને સૌથી અચરજની વાત તો એ હતી કે તમામ ઘાયલ વ્યક્તિઓને એક જ ફ્લોર પર રખાયા હતા. હોસ્પિટલનાં આલા દરજ્જાનાં ડોકટરો તેમની સધન સારવાર કરી રહ્યાં હતા.

પેટ્રિકને તાત્કાલિક અસરથી ઓપરેશન થિએટરમાં લેવામાં આવ્યો અને તેની સારવાર શરૂ થઇ હતી. ચારુંએ મનોમન તેના સાજા થવાની પ્રાથના શરૂ કરી હતી અને એકધારું ઓપરેશન થિએટરનાં દરવાજા ઉપર સળગતા બલ્બને જોઈ રહી હતી. તેનું હદય અત્યારે અભિમન્યુને યાદ કરીને સતત ફફડતું હતું. “અભિ, ક્યાં છો તું?” તે બબડી, તેની આંખોમાં એકાએક ઝાકળ છવાયું હતું. ન ચાહવા છતાં આખરે તે રડી પડી હતી. થોડા સમયની અંદર સર્જાયેલી ભયાવહ પરિસ્થિતિનાં કારણે અંદરથી તે તૂટી ચૂકી હતી.

@ @ @

શું છે દિવાલની પાછળ? અભિમન્યુનાં દિમાગમાં ખતરાની ઘંટડીઓ વાગતી હતી. તે સત્યંત સાવધાનીથી ગાર્ડન એરિયામાં પ્રવેશ્યો. ગોવાનાં પોલીસ કમિશ્નરે તેને આ રિસોર્ટ વિશે માહિતી એમ જ નહી આપી હોય ને! રોબર્ટ ડગ્લાસ જેવા ખતરનાક માણસની માલિકીની આ જગ્યા હતી એટલે તેનણે પોતાની સુરક્ષાની પણ એટલી જ જબરજસ્ત ગોઠવણ કરી હશે એમાં કોઇ બેમત નહોતો! એનો એક અનુભવ તો હમણાં જ તેને થઈ ચૂકયો હતો. તે સતર્ક હતો છતાં વધું સાવધ બનીને આગળ વધ્યો.

રિસોર્ટમાં બીછાવેલી લીલીછમ લોનનો વિસ્તાર જ્યાં સમાપ્ત થતો હતો ત્યાંથી એ દિવાલ શરૂ થતી હતી. એ દિવાલને સમાંતર ઉંચા અને સુંદર વૃક્ષોની હારમાળા હતી જે એ દિવાલને કવર કરતી હતી. વૃક્ષો સાથે બીજા પણ નાના-નાના સુંદરતમ પ્લાન્ટો ઉગાડેલા હતા જેનાથી અહીનો નજારો આંખોને ઠંડક બક્ષે એવો બન્યો હતો. એ દિવાલ સળંગ હતી. તેની પાછળ જવાનો કોઇ રસ્તો અભિને દેખાયો નહી. મતલબ કે બીજે ક્યાંકથી તેની પાછળ જઈ શકાતું હશે. પણ ક્યાંથી? રસ્તો શોધવા તે આગળ વધ્યો. એ સમયે….

@ @ @

આમન્ડાએ રિશેપ્સન ઉપરથી જ ફોન લગાવ્યો. તેનું હદય ધડકતું હતું. તે જેટલી રૂપાળી હતી એટલી જ ભયાનક ઓરત હતી. કેટલાય અસંભવ લાગતાં કારનામાં તેના નામે બોલતાં હતા. ગોવામાં તેનું નામ પડતાં જ ભલભલાનાં હાજા ગગડી જતા. અરે… ડગ્લાસનાં ઈશારે તેણે ગોવાની હોસ્પિટલમાં સરેઆમ ગોળીબાર કરીને સનસનાટી મચાવી દીધી હતી. જો એ સમયે અભિમન્યુ ત્યાં હાજર ન હોત અને તેણે બહાદૂરીથી આમન્ડાનો સામનો કર્યો ન હોત તો ચોક્કસ તેણે ભયંકર કત્લેઆમ મચાવ્યો હોત. એ બનાવની નિષ્ફળતા પછી ડગ્લાસ તેનાથી ભારે ગુસ્સે ભરાયો હતો અને તેને થોડા સમય માટે ગોવામાંથી ગાયબ થઈ જવાનો આદેશ ફરમાવ્યો હતો કારણ કે તે ખુદ પણ હલી ગયો હતો. તેને એ બનાવની ગંભીરતા સમજાતી હતી. તે જાણતો હતો કે તેની પહોંચ ગમે તેટલી ઉપર સુધી ભલે હોય પરંતુ આ વખતે પોલીસ ચૂપ નહી બેસે. આમન્ડાએ સીધો જ ગોવા પોલીસની પ્રતિષ્ઠા ઉપર પ્રહાર ક્યો હતો એવા સમયે પોલીસ ખાતું અત્યંત જલદ રિએકશન આપે એ સ્વાભાવિક હતું. અને એટલે જ આમન્ડા ગાયબ થઇ ગઇ હતી.

પરંતુ જ્યારે આમન્ડાને ખબર પડી કે ડગ્લાસ ખુદ મુસીબતમાં ફસાયો છે ત્યારે તે પોતાની જાતને રોકી ન શકી. મુશ્કેલીનાં સમયે ડગ્લાસનાં પડખે ન હોવાનો રંજ તેને સતાવવા લાગ્યો ત્યારે તે બહાર નીકળી હતી અને અત્યારે રિસોર્ટનાં લાઉન્જમાંથી ડગ્લાસને ફોન લગાવી રહી હતી. તેને ખબર નહોતી કે ડગ્લાસ આ સમયે ક્યાં હશે! મતલબ કે રિસોર્ટનાં ક્યા હિસ્સામાં તે હશે. તે બસ એમ જ આવી પહોંચી હતી. તેનો ફોન લાગ્યો. સામા છેડે રિંગ વાગી રહી હતી અને થોડી વાર પછી ફોન ઉઠાવાયો હતો.

“હલ્લો..” એ ડગ્લાસનો અવાજ નહોતો. લાગતું હતું કે બીજા કોઈએ ફોન ઉઠાવ્યો છે.

“પૂટ મી ટૂ ડગ્લાસ.”

“હુ આર યું મેમ.” બહું સલુકાઇથી પૂછાયું. એ પેલો પઠ્ઠો હતો જેણે કાંબલેની બોડીને ઠેકાણે લગાવી હતી. આટલી સલૂકાઇ તેના વ્યક્તિત્વ સાથે મેળ નહોતી ખાતી. ડગ્લાસ આરામ ખુરશીમાં લાંબો થઇને પથરાયેલો હતો અને તેનો ફોન અત્યારે તેણે ઉઠાવ્યો હતો.

“એ બધું છોડ, તું ડગ્લાસને ફોન આપ.” આમન્ડાને આવી બાબતો સહેજે પસંદ નહોતી. તે રુક્ષ ઓરત હતી. તેની અને ડગ્લાસની વચ્ચે કોઈ આવે એવી ગુસ્તાખી કરવાની હિંમત કરનાર ઉપર તેને કાળઝાળ ગુસ્સો ઉદભવ્યો હતો પણ તે ગમ ખાઈ ગઈ. સામા પક્ષે પેલો આદમી પણ સમજી ગયો કે ફોન કરનાર જરૂર કોઇ પહોંચેલી માયા હશે એટલે જ તો તેણે ડગ્લાસને ડાયરેક્ટ ફોન કરવાની જૂર્રત કરી હોય. તે ધીમા પગલે આગળ વધ્યો અને ડગ્લાસની ચેર પાસે જઈને ફોન તેની તરફ લંબાવ્યો. ડગ્લાસે પ્રશ્ન સૂચક નજરે તેની તરફ જોયું અને પછી ફોન લીધો.

“હમમમ્…” માત્ર એટલું જ બોલ્યો તે.

“હું છું. અહી આવી છું. તું ક્યાં છે?” આમન્ડાએ હકથી પૂછયું. તે વધુ સમય ડગ્લાસથી દૂર રહી શકતી નહી. તેનો અને ડગ્લાસનો સંબંધ કંઈક અલગ જ પ્રકારનો હતો.

ડગ્લાસ કંઈ બોલ્યો નહી. તે વિચારમાં પડયો. આમન્ડાને નાં કહી હતી છતાં તે આવી એ બિલકુલ ગમ્યું નહી પરંતુ હવે આવી ચૂકી હતી એટલે તેને બોલાવ્યાં સિવાય છૂટકો નહોતો. તેણે પેલા પઠ્ઠા સામું જોઈને ઈશારો કર્યો એટલે તે ચાલતો થયો.

“આવી જા, તારી જરૂર છે.” ડગ્લાસ બોલ્યો અને ફોન કાપ્યો. એક રીતે તો બહું સારું લાગ્યું તેને. મુશ્કેલીનાં સમયે જ પોતાના અંગત માણસોની પરખ થતી હોય છે. સંજય બંડું તેનો જમણો હાથ હતો તો આમન્ડા ડાબો હાથ હતી. બંડું તો મરી પરીવાર્યો હતો. હવે જો કોઈ ઉપર તે આંખો મિંચીને ભરોસો મૂકી શકે તેમ હોય તો એ આમન્ડા હતી. આમન્ડા તેની બહું નજદીક હતી. ઘણી વખત આમન્ડાએ પોતાની જાતને પૂરવાર કરી હતી અને એટલે જ તે ખાસ હતી. તે ઊભો થયો અને આમન્ડાની રાહ જોવા લાગ્યો. ત્યાં ઉભેલી સુંદરીઓને તેણે બહાર ચાલ્યાં જવાનો ઈશારો કર્યો. એ યુવતીઓ ઘડીભરમાં અદ્રશ્ય થઇ ગઇ. જો બંડું અત્યારે જીવિત હોત તો આ પરિસ્થિતિ ક્યારેય ન સર્જાઈ હોત. બંડુંનાં મોતે તેને ખળભળાવી મૂકયો હતો. તેના મોત પછી ગોવા પોલીસ તેનું એન્કાઉન્ટર કરી નાખશે એ ડરે તે અહી આવીને સંતાયો હતો અને આમન્ડાને પણ પોતાનાથી દૂર કરી દીધી હતી. તે વિચારમાં પડયો. આમન્ડાને નાં કહી હતી છતાં અહી શું કામ આવી હશે?

એ દરમ્યાન પેલો પઠ્ઠો ક્યાંકથી બહાર નીકળ્યો હતો અને થોડીવારમાં રિશેપ્સન એરિયામાં પ્રગટ થયો. રિશેપ્સન લાઉન્જમાં કાઉન્ટર પાસે આમન્ડા ઉભી હતી. એ તેની પાસે પહોંચ્યો.

“મેમ, પ્લિઝ કમ..” તે બોલ્યો. તે એટલો કદાવર અને બેડોળ દેખાતો હતો કે ન ચાહવા છતાં આમન્ડાને હસવું આવી ગયું. તેનો ગુસ્સો પળભરમાં ગાયબ થઈ ગયો અને તે એની પાછળ ચાલી નીકળી.

એ સમયે અભિમન્યુ ગાર્ડન એરિયામાં ચક્કર લગાવી રહ્યો હતો. થોડીવારમાં જે ડાબી તરફ કમરાઓની હારમાળા હતી એના ગલીયારામાં તે આવ્યો અને અચાનક ઠઠકીને ઉભો રહી ગયો. તેની જનરોએ કશુંક ભાળ્યું હતું.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.