Angarpath - 42 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. - ૪૨

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

અંગારપથ. - ૪૨

અંગારપથ.

પ્રકરણ-૪૨.

પ્રવીણ પીઠડીયા.

“યા અલ્લાહ” ઝુબેરનું હદય એક ધબકારો ચૂકી ગયું. તેની નજરો સામેની દિશાથી આવતી બોટ ઉપર સ્થિર થઇ. એ પોલીસ બોટ નહોતી પરંતુ તેના તૂતક ઉપર ઉભેલા માણસો ચોક્કસ પોલીસવાળા જ હતા એ એક નજરમાં સમજી ગયો. જો કે હવે શું રસ્તો લેવો જોઇએ એ તરત સમજાયું નહી. તેના મગજમાં વિસ્ફોટો સર્જાતા હતા. એકાએક બદલાયેલી પરિસ્થિતિએ તેને બહાવરો બનાવી દીધો હતો. આજ સુધી ક્યારેય આવી હાલતમાં તે ફસાયો નહોતો. હંમેશા પોતાની સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખીને કામ કરવામાં માનતો વ્યક્તિ અચાનક જ્યારે કોઇ અણધારી મુશ્કેલીમાં ફસાય જાય ત્યારે બીજાઓ કરતાં સૌથી પહેલો તૂટતો હોય છે. એનું કારણ… તેણે એવી કોઇ પરિસ્થિતિ સર્જાશે એનું અનુમાન કર્યું હોતું જ નથી અને તે પોતાના પરફેક્ટ આયોજન ઉપર મુસ્તાક હોય છે. અત્યારે પણ એવું જ કંઇક બની રહ્યું હતું. ઝુબેર જડબેસલાક વ્યવસ્થા ગોઠવીને ખેપ મારવા નીકળ્યો હતો પરંતુ તેનો ખેલ ઉલટો પડતો નજરે ચડતો હતો. એનાથી તેનો આત્મવિશ્વાસ એક ઝટકે તળિયે પહોંચ્યો હતો અને લગભગ હાર માનવાની કગાર ઉપર આવીને તે ઉભો રહી ગયો હતો. પાછળ દરિયા કીનારેથી થતો ગોળીબાર હજું અટકયો નહોતો ત્યાં સામેથી ત્રાટકેલી મુસીબતે તેના શરીરમાં દોડતાં લોહીને ઠંડું પાડી દીધું હતું. અને… એ અનિર્ણયાત્મક સ્થિતિમાં જ તેણે બોટનાં સૂકાનને પોતાની જમણી દિશામાં ધૂમાવ્યું. એ તેની ગંભીર અને આખરી ભૂલ હતી.

કિનારેથી ફાયરિંગ કરતાં કામરા અને તેની ટીમે જબરદસ્ત સપાટો બોલાવી દીધો હતો. તેમને અપાર સફળતા હાથ લાગી હતી. ડ્રગ્સનાં માતબાર ઝઝિરાનો તેમણે કબ્જો તો મેળવ્યો હતો, એ ઉપરાંત બધા જ માણસોને તેમણે ગિરફ્તમાં લઇ લીધા હતા. આ કોઇ નાનીસૂની બાબત નહોતી. ગોવાનાં ઈતિહાસમાં આટલાં મોટા જથ્થામાં નશિલા પદાર્થનો જથ્થો પકડાયો હોય એવા બહું ઓછા કિસ્સા હતા. તેમાં પણ આટલી આસાનીથી કોઇ ’ખેપ’ ની બાતમી મળે અને બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી પડે એવું તો ભાગ્યે જ ક્યારેક બનતું. ખુદ ડેરેન લોબોને કે આ બાતમી આપનાર અનવરને પણ ખ્યાલ નહી હોય કે આટલી જંગી માત્રામાં ડ્રગ્સ આવવાનું હશે! કુલ સાત પેટીઓ હતી અને એ તમામ પેટીઓમાં ઠાંસી ઠાંસીને માલ ભરેલો હતો. એ બધું જોવાનું હજું બાકી હતું. કામરા સાથે આવેલા જવાનોએ ડ્રગ્સ હેંડલરોને આસાનીથી જબ્બે કર્યા હતા અને તેમને કિનારાની રેતીમાં જ લાઇનસર બેસાડયાં હતા. ખુલ્લી જગ્યામાં તેમના ભાગવાની શક્યતા ઓછી હતી એટલે માત્ર બે જવાનો એમની ઉપર ગન તાકીને ઉભા રહ્યા હતા અને બાકીનાં જવાનો કામરાની મદદે દોડયા હતા. કામરાએ દૂર જતી બોટમાંથી થતાં ફાયરિંગને ખાળવા એક શિલાની આડાશ લીધી હતી અને તે એ બોટનું નીશાન લઇને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. જોત જોતામાં બોટ તેની ફાયરિંગ રેંજથી દૂર નીકળી ગઇ એટલે ભારે નિરાશાથી તેણે માથું ધૂણાવ્યું. માંડ માંડ હાથમાં આવેલો એક ગોલ્ડન ચાંન્સ તેનાથી દૂર જઇ રહ્યો હતો. પરંતુ એ અફસોસ વધું ટકવાનો નહોતો કારણ કે તેને ખ્યાલ હતો કે બોટ વધું દૂર જઇ શકશે નહી. સમુદ્રનાં રસ્તેથી આવતાં લોબો સર એ દિશામાં બોટને ઘેરવાની ચોક્કસ કોશિશ કરશે જ. પોતાની નજરોથી દૂર જતી બોટને તે જોઇ જ રહ્યો હતો કે અચાનક સમૃદ્રની ક્ષિતિજેથી અન્ય એક બોટને ભારે વેગથી આ તરફ આવતી જોઇ. તેના ચહેરા ઉપર મુસ્કાન ઉભરાઇ. હવે એ લોકોની ખેર નહોતી. અને ખરેખર એવું જ થયું…

ઝુબેરે ભયંકર ઝડપે બોટને જમણી દિશોમાં વાળી. એવું કરવામાં તેની ગણતરી હતી કે સામેથી આવતી બોટનાં રસ્તામાં સીધા જવાને બદલે જમણી તરફથી છટકી શકાય. પરંતુ એવું કરવામાં તેની બોટ આડી થઇ ગઇ હતી અને બોટ સીધી જ લોબોની ફાયરિંગ રેંજમાં આવી ગઇ હતી. લોબો માટે એ સોનેરી અવસર હતો. તેણે એક સેકન્ડ પણ ગુમાવ્યા વગર તુરંત ફાયરિંગ શરૂ કર્યું. તેની સાથે બોટમાં આવેલા ફોર્સનાં જવાનો પણ લોબોની સાથે ફાયરિંગમાં જોડાયા. વાગાતોરનાં સમુદ્રમાં મિનિટોમાં ધમાસાણ સર્જાયું. બે-હિસાબ ગોળીઓ વરસવા લાગી હતી. ઝુબેરે તેના સાથીદાર સલમાનને બોટનું સૂકાન સોંપ્યું અને કેબિનમાંથી બહાર નીકળી બાકીનાં સાથીદારો સાથે મળીને સામું ફાયરિંગ ચાલું કરી દીધું. પરંતુ સાવ દિશા વિહિન ગોળીબાર તેઓ કરતા હતા. એક રીતે તેઓ મુંઝાયેલા અને ગભરાયેલા હતા. આજ પહેલા પોલીસ સાથે ક્યારેય સીધી રીતે ફાયરિંગમાં સંકળાયા નહોતા એટલે લગભગ આંધળૂકિયા જ કરતા હોય એમ ગોળીઓ ચલાવી રહ્યા હતા. હજું હમણા જ કિનારેથી થતા ફાયરિંગથી તેઓ માંડ બચ્યા હતા ત્યાં સમુદ્ર ઉપરથી નવી મુસીબત તેમની ઉપર ત્રાટકી હતી એમાં તેઓનું માનસિક સંતુલન ખોરવાયું હતું. જબરજસ્ત ડરે તેમનાં હદય ઉપર કબ્જો જમાવ્યો હતો. એનાથી તેમની પ્રતીકારારક ક્ષમતા ઘટી હતી. એ ઉપરાંત બોટ ત્રાસી થતા તેનો એક તરફનો આખો ભાગ બરાબર લાગમાં આવ્યો હતો એટલે તેમની મુશ્કેલીઓ ઓર વધી હતી. જો બોટ સીધી ભાગતી હોત તો બોટનો ફક્ત આગળનો થોડોક ભોગ જ ગોળીઓની રેંજમાં આવ્યો હોત પરંતુ પોલીસથી બચવા ઝુબેરે બોટનું મોઢું ઘૂમાવ્યું હતુ જેનાથી ડાબી તરફનું આખું પડખું ગોળીઓનાં ધસમસતા પ્રવાહની અડફેટે ચઢી ગયું હતું અને એ પડખાનાં તેના છોતરા ઉખડી ગયા હતા. બોટનો આખો ડાબો ભાગ ગોળીઓથી વિંધાઇને છળણી બની ગયો હતો અને એ તરફનાં લાકડાનાં પરખચ્ચા ઉડી ગયા હતા. સાથોસાથ ઉપરની કેબિનનો પણ સોથ વળી ગયો હતો. કેબિનમાં બોટનું સૂકાન સંભાળતો સલમાન પણ એ ગોળીઓની અડફેટે આવી ગયો હતો. ઝુબેરે તેને સૂકાન સંભાળવા આપ્યુ હતુ અને તે ખુદ મોરચો સંભાળવા એકે-૪૭ લઇને તૂતક ઉપર આવ્યો હતો. જો અત્યારે તે સૂકાન સંભાળતો હોત તો સલમાનની જગ્યાએ તેની લાશ ઢળી હોત. ગોળી સીધી જ સલમાનની ખોપરીમાં ઘૂસી ગઇ હતી અને એ જ ક્ષણે તે સૂકાન ઉપર ઢળી પડયો હતો. તેનું શરીર હિલોળાઇને ગોળ ફરતા સૂકાન ઉપર ખાબકયું. એ સાથે જ સૂકાનની દિશા ફરી અને બોટ ચકરાઇને ભારે વેગથી જમણી બાજું ફંટાઈ. એકદમ જ સૂકાનની દિશા બદલાવાથી બોટમાં રહેલા માણસોનું સંતુલન બગડયું હતું અને તેમના શરીરો આમતેમ ફંગોળાવા લાગ્યા. ઝુબેર હાથમાં ૪૭ લઇને આડેધડ ફાયરિંગ કરતો હતો. તેને ભયાનક ધક્કો લાગ્યો અને ૪૭નું નાળચું અનાયાસે જ બોટની અંદર તરફ ફરી ગયું. તેની આંગળીઓ હજુંપણ સજ્જડ રીતે ટ્રિગર ઉપર દબાયેલી હતી અને એકે ૪૭નાં નાળચામાંથી અવિરત ગોળીઓ વરસી રહી હતી. એ ગોળીઓનાં પ્રવાહની દિશા બોટમાં હાજર હતા એ તેના જ સાથીઓ તરફ વળી અને… ક્ષણનાં ચોથા ભાગમાં એ બન્નેનાં શરીરો રીતસરનાં હવામાં ઉછળ્યાં. ધગધગતી સેંકડો ગોળીઓ એ બન્નેનાં શરીરમાં ધરબાઇ ગઇ હતી. એવું કેમ કરતા થયું એનું આશ્વર્ય તે બન્નેનાં જહેનમાં ઉભરે એ પહેલા તો તેઓ બોટની ભીની ફર્શ ઉપર ચત્તાપાટ પથરાઇ ગયા હતા. તેમના દેહમાંથી લાલચોળ લોહી ઉભરાવા લાગ્યું અને ત્યાં ભરેલા પાણીનાં ખાબોચીયામાં એ લોહીનો લાલ રંગ છવાઇ ગયો.

ઝુબેર ફાટી આંખોએ એ દ્રશ્ય જોઇ રહ્યો. પોતાના હાથે જ પોતાના સાથીદારોનું મોત નિપજ્યું હતું એનો આઘાત તેની આંખોમાં ડોકાઇ રહ્યો. અહી ભજવાઇ રહેલી સચ્ચાઈ પચાવતા તેને સમય લાગ્યો. હજું હમણાં જ તો તેના સાથીદારો જીવિત હતા. તેઓએ પ્લાન બનાવ્યો હતો કે આ ’ડીલ’ પતે એટલે તરત તેઓ દુબઈ જઈને જલસા કરશે અને એશો આરામથી રહેશે. એ સ્વપ્ન એકાએક જ ધૂળધાણી થઇ ચૂકયું હતું. તેના ત્રણેય સાથીદારો મરાયા હતા અને હવે તે એકલો જ બાકી બચ્યો હતો. એ હકીકત તે પચાવે એ પહેલા પોલીસવાળાઓ ઉપર તેને કાળઝાળ ક્રોધ ઉમટયો. એકાએક તેની આંખોમાં લોહી ધસી આવ્યું. ભયંકર દ્રઢતાથી તેના દાંત ભિંસાયા અને ફરીથી એકે ૪૭ ને તેણે ઉંચકી. ગોળીઓનું નવું મેગેજીન ભર્યું. બોટ હજુંપણ ભયાનક ઝડપે કિનારા તરફ ભાગી રહી હતી. તે ઉભો થયો અને પાછળ આવતી બોટનું નિશાન સાધ્યું. પોતાનામાં હતી એટલી બધી તાકાત એકઠી કરીને તેણે ગગનભેદી અવાજમાં અલ્લાહનું નામ પોકાર્યું. યા અલ્લાહ મદદ… અને… દાંત કચકચાવીને એકે ૪૭નું ટ્રિગર દબાવી દીધું.

ડેરેન લોબોની બોટ ઘણી નજીક આવી પહોંચી હતી. તેમને અંદાજો નહોતો કે સામેની બોટમાંથી આટલી ઝડપે અને આટલી જલદ રીતે પ્રતીકાર થશે. તેઓ સંભળવાની કોશીશ કરે, સામો પ્રહાર કરવા નિશાન સાધે… એ પહેલા તો અંધાધૂંધ વરસતી ગોળીઓનો સૈલાબ તેમની તરફ આવ્યો. “ગેટ ડાઉન… ગેટ ડાઉન…” લોબો ચિખ્યો અને સાથાસાથ તે પણ બોટની ફર્શ ઉપર લાંબો થઇને પથરાયો. પરંતુ એવું કરવામાં તેઓ માત્ર થોડી સેકન્ડો પૂરતા મોડા પડયા હતા. તેનાં બે સાથીદારોનાં પેટમાં ગોળીઓ ઘૂસી ગઇ હતી અને તેઓ ઉછળ્યાં હતા. ખુદ લોબોનાં સોલ્ડરમાં એક ગોળી વાગી હતી. તેને લાગ્યું જાણે કોઈએ ધગધગતો અંગારો ચાંપી દીધો હોય. સોલ્ડરમાંથી લોહી ઉભરાણું. પરંતુ તેની પાસે એ બધું જોવાનો અને તેના ઉપર વિચાર કરવાનો સમય નહોતો. નીચે પડયા રહીને જ તેણે સહેજ માથું ઉંચું કર્યું. ઝુબેરનાં માથાનું નિશાન તાકયું અને ટ્રિગર દબાવી દીધું. ઝુબેરનાં શરીરમાં જાણે હિસ્ટિરિયા ઉપડયો હોય એમ ઝનૂનભેર તે ગોળીઓ વરસાવી રહ્યો હતો. તેના હદયમાં દાવાનળ સળગતો હતો. સાથીઓનાં મોતનો માતમ તેના મગજમાં ઘૂમરાતો હતો. તે અત્યારે શું કરી રહ્યો છે એ તે ખુદ પણ વિસરી ચૂકયો હતો. અને… બસ એ જ હાલતમાં મોત તેને આંબી ગયું. લોબોએ ચલાવેલી ગોળી સીધી જ તેના કપાળમાં બરાબર વચ્ચે ખૂંપી ગઇ. કપાળમાં નાનકડું એક કાણું પડયું. તેમાથી લોહીનો રગેડો નીકળ્યો અને સાથોસાથ આછા પાતળા ધૂમાડાની સેર વહીને હવામાં ભળી. ઝુબેરની સૂરમા આંજેલી આંખોમાં દુનિયાભરનું આશ્વર્ય આવીને બેઠું. અને ધડામ કરતો બોટમાં પડયો. બોટ ભયંકર વેગથી આમ-તેમ ઝૂલતી કિનારા તરફ ભાગી. બોટની ગતી એટલી ભયાનક હતી કે કિનારાની રેતીમાં ચડયા પછી પણ બોટ ક્યાંય સુઘી ભાગતી રહી અને બીચની અધવચ્ચે પહોંચીને રોકાઈ હતી.

કામરાએ દૂરથી જ એ જોયું હતું. તે શિલાની આડાશેથી બહાર નિકળ્યો અને એ તરફ દોડયો હતો. લોબોની બોટ પણ થોડીવારમાં કિનારે આવીને અટકી. લોબોએ કામરા સાથે દોડતા આવતાં જવાનોને બોટમાં ઘાયલ થઇને પડેલા સૈનિકો પાસે મોકલ્યાં. તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવા પડે એમ હતા એટલે તાબડતોબ એ વ્યવસ્થા કરવામાં આવી.

લોબો ખુદ બહુ ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેના સોલ્ડરમાંથી લોહી ઉભરાતું હતું. જો આમ જ લોહી વહેતું રહ્યું તો તેની હાલત વધું બગડવાની હતી. તેને પણ હોસ્પિટલની જરૂર હતી પરંતુ એ પહેલા અહીનો વહીવટ કરવો પણ જરૂરી હતો. અત્યારે લગભગ બધું જ તેના કંન્ટોલમાં હતું. ડ્રગ્સનો વિશાળ જથ્થો તેમના કબ્જામાં સપડાયો હતો અને તેની સાથે સંકળાયેલા માણસો પણ. લોબોએ ફટાફટ સૂચનાઓ આપવા માંડી હતી અને એટલી જ ભયાનક ઝડપે બધી વ્યવસ્થા ગોઠવાતી જતી હતી. એક લોહીયાળ જંગ તેઓ જીત્યા હતા એનો ઉત્સાહ અને આનંદ લોબોનાં ચહેરા ઉપર સ્પષ્ટ નજરે ચડતો હતો.

પરંતુ ઘણે આઘે… બીજી એક ગમખ્વાર જંગનાં મંડાણ મંડાયા હતા.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.