Once Upon a Time - 151 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 151

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 151

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 151

‘રાજને કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એ પછી પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગૃહપ્રધાન આફતાબ શેખે પત્રકારો સમક્ષ જીભ કચરી દીધી કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને કરાચીમાં તેની ઢગલાબંધ મિલકતો છે અને એ પ્રોપર્ટીઝ પૈકી એક ‘કવિશ ક્રાઉન પ્લાઝા’ કોમર્શિયલ સેન્ટર છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ દરમિયાન અમેરિકા દાઉદ વિશે તલસ્પર્શી માહિતી એકઠી કરી રહ્યું હતું. દાઉદ વિશે પૂરતી માહિતી એકઠી કર્યા પછી 16 ઓકટોબર, 2003ના દિવસે અમેરિકાએ દાઉદ ઈબ્રાહિમને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કર્યો. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાસપોર્ટ નંબર 0869537 (વ્યક્તિગત કેટેગરી) ધરાવતો અને કરાચીમાં રહેતો દાઉદ ઈબ્રાહિમ ઉર્ફે હસન શેખ દાઉદ વૈશ્વિક ત્રાસવાદી છે અને અમેરિકામાં તેની તમામ સંપત્તિ જપ્ત કરી લેવાઈ છે અને અમેરિકી નાગરિકો સાથે તેના કોઈ પણ પ્રકારના વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દાઉદને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કરવાની સાથે અમેરિકાએ કહ્યું કે દાઉદ ઓસામા બિન લાદેનના આંતકવાદી સંગઠન અલ કાયદા તથા ભારતને અસ્થિર કરવા માટે સક્રિય એવા આંતકવાદી સંગઠન લશ્કર-એ-તૈય્યબા સાથે સાંઠગાંઠ ધરાવે છે. અને આ સિવાય પણ અન્ય અનેક કટ્ટરવાદી ઈસ્લામી સંગઠનોને તે આર્થિક સહાય પૂરી પાડી રહ્યો છે. આ સાથે વોશિંગ્ટને એવો ઈશારો પણ આપ્યો કે દાઉદ ઈબ્રાહિમને યુનોની (સંયુક્ત રાષ્ટ્ર સંઘની) વૈશ્વિક ત્રાસવાદીઓની યાદીમાં સામેલ કરવા માટે યુનોને પણ અનુરોધ કરાશે જેથી યુનોના સભ્ય એવા પાકિસ્તાન સહિત યુનોના તમામ સભ્યો દેશોને દાઉદ વિરુદ્ઘ અમેરિકા પ્રકારની કાર્યવાહી કરવાની ફરજ પડશે.

જો કે ‘સો તારી રામદુહાઈ અને એક મારું ઉહું’ની જેમ પાકિસ્તાને એવું જ ગાણું ચાલુ રાખ્યું કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં નથી. અમેરિકાએ દાઉદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કર્યો એ પછી તરત જ પાકિસ્તાન સરકારે ખુલાસો કર્યો કે ‘દાઉદ પાકિસ્તાની નાગરિક નથી અને તે કરાચીમાં રહેતો પણ નથી અને અંડરવર્લ્ડ ડોન તરીકે આંતકવાદી તરીકે જાહેર કરવામાં આવે એની સામે અમને કોઈ વાંધો નથી. જો કે દાઉદ કરાચીમાં હોય અને કોઈ તેના વિશે માહિતી હોય અને અમને એ વિશે માહિતી આપે તો અમે ચોક્કસ એ પ્રમાણે પગલાં લઈશું!’

અમેરિકાએ દાઉદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કર્યો એ પછી ભારત સરકારે દાઉદને ભારતના હવાલે કરી દેવાની માગણી પાકિસ્તાન સમક્ષ કરી, પણ વધુ એક વાર પાકિસ્તાને નફ્ફટાઈપૂર્વક દાઉદની પાકિસ્તાનમાં હાજરી વિશે જૂઠાણું ચલાવ્યું એટલે ભારત સરકાર સમસમીને રહી ગઈ. અમેરિકાએ પણ ખાતરી કરી લીધી કે દાઉદ પાકિસ્તાનમાં જ છે. દાઉદ પર સીઆઈએની નજર પણ હતી એમ છતાં તે તબક્કે દાઉદને પકડી પાડવાની ઉતાવળ કરવાને બદલે કોઈ અકળ કારણથી અમેરિકા ધીરજ રાખી રહ્યું હતું.

જોકે અમેરિકાએ દાઉદને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કર્યો એથી ભારત સરકારે સાનંદાશ્વર્યની લાગણી અનુભવી હતી. ભારતમાં આઈએસઆઈ અને દાઉદના કારનામાને કારણે ભારતીય પ્રજામાં અમેરિકા વિરુદ્ધ આક્રોશ વધી રહ્યો હતો. ભારતીય કોમન મેનથી માંડીને ભારતના ટોચના સત્તાધીશો દાઉદને મુદ્દે તથા પાકિસ્તાન પ્રેરિત આંતકવાદને મુદ્દે અમેરિકાના બેવડાં ધોરણથી અકળાઈ રહ્યા હતાં. 9/11 પછી તાલીબાન સરકારને પાડી દેવા માટે તથા અલ કાયદાના નેટવર્કને ફટકો મારવા માટે અને પાકિસ્તાનપ્રેરિત આંતકવાદને ખાળવા માટે જનરલ પરવેઝ મુશર્રફ પ્રત્યે અમેરિકા કડક વલણ દાખવતું નહોતું. જો કે અમેરિકાએ પાકિસ્તાનનું સમર્થન ધરાવતા ત્રાસવાદી જૂથો જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-અંસાર અને હરકત-ઉલ-મુજાહિદ્દીન તથા લશ્કર-એ-તોયબાને ત્રાસવાદી સંગઠનો જાહેર કરીને એવાં સંગઠનોની મિલકતો જપ્ત કરવાનો આદેશ જારી કર્યો હતો, પણ ભારત જાણતું હતું કે એ ત્રાસવાદી સંગઠનોએ એમના નામ બદલીને ભાંગફોડિયા પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી અને અમેરિકા પણ એ વાત જાણતું હતું, પરંતુ દાઉદને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કરીને અમેરિકાએ ભારત સરકાર અને ભારતીયોના દિલ જીતવાની દિશામાં પહેલ કરી હતી. આવું કરીને અમેરિકાએ આડકતરો ઈશારો આપ્યો હતો કે પાકિસ્તાનની અવળચંડાઈ સામે અમુક કારણથી અમારે આંખ આડા કાન કરવા પડે છે પણ ત્રાસવાદને નાથવા માટે અમે તમારી સાથે છીએ. બીજી એક વાત એવી પણ બહાર આવી હતી કે જનરલ પરવેઝ મુશર્રફે અમેરિકા સાથે એવી સમજૂતી કરી હતી કે અલ કાયદા સામે મેદાને પડવા માટે અમે તમને મદદ કરીએ પણ બદલામાં તમે અમને કશ્મીરમાં આંતકવાદ ફેલાવતા જૂથો પર તૂટી પાડવાની ફરજ ન પાડો એવી અમારી શરત છે.

આ દરમિયાન અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલીબાન સરકારનો ઘડો લાડવો કરી નાખ્યો હતો અને એની જગ્યાએ હમીદ કરઝાઈ સરકાર અસ્તિત્વમાં આવી ગઈ હતી. હમીદ કરઝાઈ સરકાર સ્થિતતા પ્રાપ્ત કરે એ માટે તથા અલકાયદા અને તાલીબાન તરફથી કરઝાઈ સરકાર સામે ખતરો હતો એને ખાળવા માટે પાકિસ્તાનનો સહકાર જરૂરી છે, એવું અમેરિકા માનતું હતું. એટલે અમેરિકાએ પાકિસ્તાનની અમુક પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરીને ભારતને નાખુશ કર્યું, પણ બીજી બાજુ દાઉદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરીને ભારતમાં અમેરિકા તરફી વાતાવરણ ઊભું થાય એવી કોશિશ પણ કરી. એ જ દરમિયાન અમેરિકાએ પાકિસ્તાની લશ્કર સક્ષમ બને એ માટે પાંચ વર્ષ દરમિયાન 1.5 બિલિયન ડોલરનાં શસ્ત્રો અને અન્ય મિલિટરી સાધનો પૂરા પાડવાનો કરાર પાકિસ્તાન સાથે કર્યો. આમ અમેરિકા ભારત-પાકિસ્તાન વચ્ચે અજબ રીતે સમતુલા જાળવવાની કોશિશ કરી રહ્યું હતું. એના એક ભાગરૂપે પણ દાઉદને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કરવામાં આવ્યો છે એવું ભારતીય નિષ્ણાતોને લાગી રહ્યું હતું.

***

9/11ના હુમલાથી દાઝેલું અમેરિકા આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકળાયેલા બદમાશોને ભીંસમાં લેવાની દિશામાં આગળ વધી રહ્યું હતું ત્યારે ભારતની નજર દાઉદ ઉપરાંત તેની ગેંગમાંથી છૂટી પડીને નવી ગેંગ બનાવનારા અને ભારત માટે માથાના દુખાવા સમા બનેલા કેટલાક ગૅંગલીડર્સ પર પણ હતી. વિદેશમાં ધામા નાખીને બેઠેલા અને આવા જ એક પાવરફુલ ગૅન્ગલીડરને એક મોટો આંચકો લાગ્યો!’

(ક્રમશ:)