Once Upon a Time - 2 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 2

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - ૨

ઈ.સ. ૧૯૬૬.

ઈબ્રાહીમ કાસકર મુંબઈ પોલીસમાં જોડાયા પછી ઉપરીઓનો વિશ્વાસ સંપાદિત કરીને હૅડ કોન્સ્ટેબલ બની ચૂક્યો હતો. એની પહેલા મુંબઈ રહેવા આવી ગયેલા અને નાનો-મોટો ધંધો કરતા એના મોટાભાઈ અહમદ કાસકર કરતા ઈબ્રાહીમને મુંબઈ વધુ ફળ્યું હતું. જો કે ઈબ્રાહીમ કાસકર પાસે બહુ પૈસા જમા નહોતા થઇ ગયા, પણ એણે ઘણા સંબધો વિકસાવ્યા હતા. પોતાનો ભાઈ પોલીસમાં છે એવું કહીને અહમદ કાસકર પણ ગૌરવની લાગણી અનુભવતા હતા.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના હૅડ કોન્સ્ટેબલ ઈબ્રાહીમ કાસકરે એના દીકરાઓને નાગપાડાની અહમદ સેઇલર સ્કુલમાં ભણવા મૂક્યા હતા. જો કે મોટા એના દીકરાઓ શબ્બીર અને દાઉદને ભણવા કરતા ધમાલ મસ્તીમાં વધુ રસ હતો. શબ્બીરના મનમાં ભૂત ભરાઈ ગયું હતું કે ભણી-ગણીને પૈસા ભેગા ન કરી શકાય. પૈસા કમાવા માટે તો હિંમત જોઈએ. શબ્બીરના મિત્રો પણ એના જેવા તોફાની બારકસો હતા અને એમાંના કોઈ મિત્રએ જ શબ્બીરના દિમાગમાં વિચાર રોપ્યો હતો કે તારા બાપા તો પોલીસવાળા છે. એમના નામથી વેપારીઓને દબડાવીને બે પૈસા કમાઈ લે. હજી મૂછનો દોરો ફૂટી રહ્યો હતો એવા શબ્બીરના ગળે એ વાત ગરમ શીરાની જેમ ઉતરી ગઈ અને પંદર વર્ષની ઉમરે એણે ‘કમાણી’ શરુ કરવાનો પ્રયાસ આદર્યો. બેચાર વેપારીઓ પાસેથી પૈસા મળ્યા એટલે એની હિંમત ખુલી ગઈ. એણે વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનું શરુ કરી દીધું. દીકરાને આડી લાઈને ચડતો અટકાવવા માટે ઈબ્રાહીમ કાસકરે એક વચલો રસ્તો કાઢ્યો. શબ્બીર કંઈ કમાતો પણ થાય અને પોલીસની નજરમાં ગુનેગાર ઠરવાને બદલે પોલીસની સાથે કામ કરતો થાય એવી ગોઠવણ એણે કરી આપી.

***

“સા’બ, નાગપાડા મેં સ્મગલિંગ કા માલ આયેલા હૈ...”

મુમ્બૈયા ટપોરી ભાષામાં શબ્બીર એક પોલીસ ઑફિસરને માહિતી આપી રહ્યો હતો. પોલીસ ઑફિસરે એને ધ્યાનથી સાંભળ્યો અને પછી પચાસ રૂપિયાની નોટ પકડાવીને રવાના કર્યો. શબ્બીર કાસકર હવે પોલીસનો ખબરી બની ગયો હતો. કોસ્ટેબલ પિતાએ એને ખબરી તરીકે ‘ધંધે’ વળગાડી દીધો હતો. શબ્બીરને પણ કામ ફાવી ગયું અને દાઉદ થોડો મોટો થયો એટલે તે પણ પોલીસનો ખબરી બની ગયો. દાઉદ પણ પંદરમા વર્ષે ‘કમાતો’ થઇ ગયો હતો. દાઉદ મોટો થયો એટલે શબ્બીરે દાઉદ સાથે મળીને પાર્ટ ટાઈમ હપ્તાવસૂલીનો ધંધો ફરી વાર શરુ કરી દીધો. દાઉદ અને શબ્બીર ભાઈ કરતા ભાઈબંધ વધુ લાગતા હતા. એ બંને મોટે ભાગે સાથે જ જોવા મળતા હતા. વાતવાતમાં મારામારી કરવી, વેપારીઓને ધમકાવીને પૈસા પડાવવા અને કોઈના બાકી પૈસા વસૂલ કરી દેવા જેવી’પ્રવ્રુત્તિ’ કાસકર ભાઈઓને ફાવી ગઈ હતી. પોલીસના ખબરી તરીકે પોલીસ અધિકારીઓ સાથે એમની ઉઠબેસ હોવાથી વેપારીઓ પણ એમનાથી ગભરાતા હતા. બીજી બાજુ હૅડ કોન્સ્ટેબલ ઈબ્રાહીમ કાસકરને પણ એના બંને દીકરાઓમાં સુધારાનો બહુ અવકાશ ન જણાતા તેણે ‘પ્રેક્ટીકલ’ બનીને આંખ આડા કાન કરવા માંડ્યા હતા.

‘પ્રેક્ટીકલ’ બનેલા ઈબ્રાહીમ કાસકરે એ સમયના ટોચના સ્મગલર હાજી મસ્તાનની મદદથી દીકરાઓને ‘સેટ’ કરવાનો પ્રયાસ હાથ ધર્યો. એણે ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં શબ્બીર અને દાઉદને વિદેશી ચીજવસ્તુઓની નાનકડી દુકાન શરુ કરાવી આપી. પણ એ દુકાનમાંય એ બંનેનો ટાંટિયા લાંબો સમય ટક્યા નહીં. ઊલટું, એ દુકાનને કારણે દાઉદ અને શબ્બીરને એક નવી દિશા મળી ગઈ. હજી મસ્તાનના માણસો પાસેથી વિદેશી ચીજ વસ્તુઓ ખરીદીને વેચવાને બદલે વધુ સહેલાઈથી પૈસા કમાવાનો રસ્તો એમને મળી ગયો અને શબ્બીર-દાઉદે મુંબઈની ગોદીમાંથી સામાન ચોરીને વેચી મારવાનો ‘બિઝનેસ’ શરુ કરી દીધો.

હજી મસ્તાનના માણસ તરીકે કામ શરુ કરનારા શબ્બીર કાસકરે સિત્તેરના દાયકાની શરૂઆતથી દાઉદને પોતાની સાથે પલોટવાનું શરુ કર્યું. દાઉદની મહત્વકાંક્ષા શબ્બીરથી પણ વધુ હતી. એણે દાણચોરીની દુનિયાના બાદશાહ ગણાતા હાજી મસ્તાન સાથે કામ આદર્યું. હાજી મસ્તાનનો માલ સહીસલામત લાવવા-પહોંચાડવાનું કામ એને ફાવી ગયું. દાઉદ અને શબ્બીર બંને હાજી મસ્તાન માટે કામ કરવા માંડ્યા. એ વખતે હાજી મસ્તાનના બીજા કેરિયર અમીરજાદા અને આલમઝેબ સાથે એ બંનેની દોસ્તી થઈ. અમીરજાદાએ દાઉદ અને શબ્બીરની સૈયદ લતીફ કાઝી નામના બીજા એક કબાડી યુવાન સાથે દોસ્તી કરાવી. સૈયદ લતીફ કાઝી ‘સૈયદ બાટલા’ તરીકે જાણીતો થઇ રહ્યો હતો. આ બધાને ચિક્કાર પૈસા કમાવા હતા. અને રોફ પણ જમાવવો હતો. આ બધામાં દાઉદ અને સૈયદ બાટલા વચ્ચે એક વાત કોમન હતી. બંનેને હિન્દી ફિલ્મો જોવાનો ગાંડો શોખ હતો...’

બ્લૅક લેબલના ત્રણ પેગ પેટમાં પડ્યા પછી પપ્પુ ટકલા રનિંગ કોમેન્ટ્રી આપતો હોય એ રીતે ચાલુ થઈ ગયો, એવો વિચાર મારા મનમાં ઝબકી ગયો, પણ પપ્પુ ટકલાને પગથી માથા સુધી ઓળખતા હાઈ પ્રોફાઈલ પોલીસ ઑફિસર મિત્રએ મારો પગ દબાવીને ધીરજ ધરવા ઈશારો કર્યો. પપ્પુ ટકલાએ ચોથો પેગ બનાવીને આઠમી ફાઈવફાઈવફાઈવ સિગારેટ સળગાવી.

“જાનતે હો ગેંગવોર કા લફડા કહાં સે સ્ટાર્ટ હુઆ?” પપ્પુ ટકલાએ પૂછ્યું.

“દાઉદ ઈબ્રાહીમના મોટાભાઈ શબ્બીરના ખૂનથી.” એવું અમે કહીએ એ અગાઉ એણે જ વાતનો દોર હાથમાં લઇ લીધો: “૧૯૭૬ની વાત છે...”

***

“ક્યા માલ હૈ યાર !’”

સૈયદ લતીફ કાઝી ઉર્ફે સૈયદ બાટલા હોટેલના દરવાજા તરફ પીઠ રાખીને બેઠેલા અમીરજાદા અને આલમઝેબને કહી રહ્યો હતો.

મુંબઈના જે.જે. માર્ગ જંકશન પાસેની ‘અલ હરમ’ હોટેલમાં ત્રણેય બેઠા હતાં. હોટેલના દરવાજામાંથી એક રૂપાળી યુવતી એક યુવાન સાથે અંદર પ્રવેશી એ વખતે સૈયદ બાટલાનું ધ્યાન એના પર પડ્યું એટલે એણે કોમેન્ટ કરી. એની કમેન્ટને કારણે અમીરજાદા અને આલમઝેબે પાછળ વળીને જોયું. તે બંનેની આંખમાં પણ ચમક આવી ગઈ. અમીરજાદાએ સૈયદ બાટલા સામે આંખ મિચકારી, “ક્યા ખ્યાલ હૈ, કબૂતર કો ઉઠા લે?”

હોટેલનાં કાઉન્ટર પાસે ઉભેલા હોટેલમાલિકે આ સંવાદ સાંભળ્યા એટલે તેણે આ ત્રિપુટી પાસે જઈને વિનંતી કરી કે એ યુવતી મારા દોસ્તની પ્રેમિકા છે. એના માબાપ એને બીજે પરણાવી દેવા માગતા હતા એટલે પ્રેમી સાથે ભાગીને એણે હોટેલમાં આશરો લીધો છે. પણ આ ત્રિપુટી પર તેની વિનંતીની કોઈ અસર ન થઈ. હોટેલમાલિક તેમને વિનવતો રહ્યો, પણ બાટલાએ પેલી યુવતીના પ્રેમીને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો. અને હોટેલમાલિકને પણ ધમકાવીને ચૂપ કરી દીધો. પછી તેઓ એ યુવતીને હોટલના એક રૂમમાં ઘસડી ગયા. યુવતી પોતાને છોડી દેવા આજીજી કરતી રહી, ચીસો પાડતી રહી, પણ સૈયદ બાટલા, અમીરજાદા અને આલમઝેબે એને પીંખી નાખી. એ પછી તેઓ ત્યાંથી જતા રહ્યા.

એ વખતે તેમને કલ્પના પણ નહોતી કે તેમણે એક યુવતી પર કરેલા રેપને કારણે મુંબઈમાં થોડા સમય પછી ભયંકર ગૅન્ગવોર ફાટી નીકળશે અને એ ગૅન્ગવોર ભારતના અન્ય વિસ્તારોમાં પણ ખેલાશે અને એમાં સેંકડો માણસો કમોતે માર્યા જશે!

(ક્રમશ:)