Jantar-Mantar - 13 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 13

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

જંતર-મંતર - 13

જંતર-મંતર

( પ્રકરણ : તેર )

‘તું મને ધમકી આપે છે...?’ સિકંદરની વાત સાંભળીને ફકીરબાબા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ધ્રૂજતા અવાજે બોલ્યા, ‘હું તને જોઈ લઈશ.’

અને પછી એમણે ધૂપદાનીમાં લોબાન નાખીને કોલસા ઉપર પૂંઠું હલાવતાં મનોજ તરફ નજર નાખી, ‘ભાઈ, જરા મારી ઝોળી આપો ને...!’

મનોજે ઝોળી આપી એટલે ફકીરબાબાએ એમાંથી એક કાગળનો ટુકડો કાઢયો. એક નાનકડી ડબ્બીમાંથી કેસર કાઢયું અને પછી એક રકાબીમાં કેસર પલાળીને એમણે લાકડાની સળીથી પેલા સફેદ ચોરસ કાગળમાં અરબી કે ઉર્દૂ જેવી ભાષામાં કંઈક લખ્યું અને પછી એ કાગળની ગડી વાળીને એને લોબાનના ધુમાડામાં ફેરવીને એક માદળિયામાં મૂકીને, માદળિયું બંધ કરી દીધું. ઝોળીમાંથી એક કાળો દોરો કાઢીને એમાં માદળિયું પરોવીને એમણે મનોજને ઈશારાથી નજીક બોલાવતાં કહ્યું, ‘તમે આને પકડી રાખો. હું આ તાવીજ એના બાવડા ઉપર બાંધી દઉં.’

મનોજ અને હંસાએ રીમાને પકડી રાખી. પણ ફકીરબાબા તાવીજ લઈને આવ્યા કે તરત રીમાએ હાથ-પગ પછાડવાનું અને તોફાન કરવાનું શરૂ કરી દીધું. ફકીરબાબાએ મનોજને બરાબર પકડી રાખવા માટેનો ઈશારો કરી દીધો હતો એટલે રીમા છટકી શકી નહીં. એ વધારે હાથ-પગ ઉછાળે કે પછાડે એ પહેલાં તો ફકીરબાબાએ એના બાવડા ઉપર તાવીજ બાંધી દીધું.

તાવીજ રીમાના શરીર ઉપર અડતાં જ જાણે ચમત્કાર થયો હોય એમ રીમા શાંત થઈ ગઈ. એક ડાહીડમરી છોકરીની જેમ ચૂપચાપ બેસી ગઈ.

ફકીરબાબાનું કામ પૂરું થયું હોય એમ એમણે એમની ઝોળી ઉઠાવી, ને ઊભા થઈને તેમણે રીમા પાસે આવીને કહ્યું, ‘ગભરાઈશ નહીં બેટી, બધું જ સારું થઈ જશે.’ અને પછી તેઓ ચૂપચાપ બહાર નીકળ્યા. મનોજ અને હંસા પણ એમની પાછળ-પાછળ બહાર આવ્યાં.

ફકીરબાબાએ રીમાના બાપુજી પાસે આવીને ઊભા રહેતાં કહ્યું, ‘જુઓ, મેં એના બાવડા ઉપર તાવીજ બાંધી દીધું છે એટલે બહુ ફિકર કરવા જેવું નથી. હવે એ પોતે જાતે તો તાવીજ ખોલશે નહીં પણ એ તાવીજ કોઈ ખોલે નહીં એનું પણ ધ્યાન રાખશો.’ અને પછી હંસા તરફ જોઈને એમણે કહ્યું, ‘બેટી, એક ગ્લાસમાં પાણી તો ભરી આવ.’

હંસા દોડીને પાણી લઈ આવી. પાણીનો ગ્લાસ હાથમાં પકડીને ફકીરબાબાએ થોડીકવાર માટે આંખો મીંચી લીધી, પછી કંઈક પઢતા હોય એમ હોઠ ફફડાવીને તેમણે એ ગ્લાસમાં ફૂંક મારીને એ ગ્લાસ હંસાને આપતાં કહ્યું, ‘લે બેટી, આ પાણી એને પાઈ દેજે.’ ત્યારપછી ફકીરબાબા ચાલ્યા ગયા.

હંસાએ પેલા ગ્લાસનું પાણી અંદરના કમરામાં જઈને રીમાને પીવડાવ્યું.

ત્યારબાદ લગભગ અડધા કલાક પછી તો રીમા જાણે કંઈ જ ન બન્યું હોય એમ હરતી-ફરતી થઈ ગઈ. બધાની સાથે હસવા-બોલવા અને વાતો કરવા લાગી.

એ જ સાંજે અમર આવ્યો. અમરને આવેલો જોઈને, ઘરનાં બધાંને લાગ્યું કે, આવી વાત હવે અમરથી છુપાવવા જેવી નથી. એને અંધારામાં રાખવા કરતાં એને બધી જ વાત વિગતથી કહી દેવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ મનદુઃખ ન થાય.

રંજનાબહેને હંસાને નજીક બોલાવીને કાનમાં ફૂંક મારતાં કહ્યું, ‘વહુ, તું જ બધી વાત અમરને કાને નાખી દે તો સારું. મને બધી ચોખવટ કરતાં નહીં ફાવે.’

હંસાએ હકારમાં ડોકી હલાવીને પછી રીમાના કમરા પાસે પહોંચીને એણે બૂમ મારી, ‘અમરભાઈ, જરા બહાર આવો તો...!’

અમર હજુ રીમા પાસે ઊભો-ઊભો એની તબિયત વિશે જ પૂછી રહ્યો હતો. ત્યાં હંસાભાભીને આ રીતે બોલાવતાં જોઈને, એને સહેજ નવાઈ લાગી, ‘શું કંઈ અગત્યનું કામ છે, ભાભી ?’ એવું પૂછતો અમર દરવાજા તરફ આવ્યો.

પણ દરવાજા પાસે કોઈ વાત કહેવાને બદલે હંસા આગળ વધી ગઈ. નવાઈ પામતો અમર પણ હંસાની પાછળ-પાછળ આગળ વધ્યો.

હંસા પોતાના નણદોઈ અમરને લઈને પોતાના કમરામાં આવી. હસમુખી અને બોલકણી હંસાને અત્યારે બિલકુલ ખામોશ જોઈને જ અમરને ગંભીરતાનો ખ્યાલ આવી ગયો. એ ચૂપચાપ હંસાના ચહેરાને તાકી રહ્યો.

હંસા થોડીકવાર સુધી ચુપ રહી. પછી એણે ખૂબ ધીમા અવાજે કહ્યું, ‘અમરભાઈ, રીમા ઉપર કોઈ ભૂત-પ્રેતનો પડછાયો છે.’

હંસાની વાત સાંભળીને અમરને એક આંચકો લાગ્યો. એ તરત જ ઊંચા અવાજે બોલ્યો, ‘ભાભી, તમેય શું જુનવાણી અને અંધશ્રદ્ધા ભરેલી વાતો લઈને બેઠાં છો...આ દુનિયામાં ભૂત-પ્રેત જેવું કંઈ જ ન....’

‘તમે માનો કે ન માનો...’ હંસાએ અમરને અધવચ્ચે જ બોલતો અટકાવી દીધો. એના અવાજમાં કડકાઈ હતી. એ આગળ ખુલાસો કરતાં બોલી, ‘હું તમને એ વાત માનવા માટે મજબૂર નથી કરતી. મારે એ વિશે કોઈ ચર્ચામાં પણ ઊતરવું નથી. પણ મારી એક વિનંતી ખાસ ધ્યાનથી સાંભળો....’

‘શું છે...?’ અમરે અવાજ ઢીલો કરીને, પૂછવા ખાતર પૂછી નાખ્યું.

‘ફકીરબાબાએ એક તાવીજ રીમાને બાવડે બાંધ્યું છે. એ તમે કોઈપણ સંજોગોમાં છોડશો નહીં.’

‘એ સિવાય બીજું કંઈ છે ?’ અમર બેપરવાઈથી પૂછીને ઊભો થઈ ગયો, ત્યારે હંસાભાભીને એક પળ માટે તો એની ઉપર ખીજ ચઢી ગઈ, પણ આમ જમાઈ ઉપર ગુસ્સો કરવો એને શોભે એમ નહોતું. એટલે ગુસ્સો ગળી જતાં તે બોલી, ‘અમરભાઈ, આ મશ્કરીમાં ઉડાવવા જેવી વાત નથી. હું તમને ખૂબ ગંભીરતાથી આ વાત કહું છું. રીમાને ખાતર પણ તમે સાવચેતી રાખજો. તમે એ વાતને માનતા હોય કે ન માનતા હોય પણ એ તાવીજ ખોલવાનો કદી પ્રયત્ન કરશો નહીં.’

‘ઠીક છે...!’ કહીને અમર બહાર નીકળ્યો. હંસા પણ બહાર આવી. અમર રીમાના કમરામાં ચાલ્યો ગયો અને હંસા ચૂપચાપ પોતાનાં સાસુ પાસે રસોડામાં ચાલી ગઈ.

રીમા પાસે આવતાં જ અમરની પહેલી નજર પેલા રીમાના બાવડા ઉપર બાંધેલા તાવીજ તરફ ગઈ. પણ એણે રીમાને એ વિશે કોઈ પૂછપરછ કરી નહીં. થોડીકવાર રીમા પાસે બેસીને એ ચાલ્યો ગયો.

બીજે દિવસે બજારમાં અમરનો ભેટો મનોજ સાથે થઈ ગયો. ત્યારે અમરે મનોજને ઠપકાભર્યા અવાજે કહ્યું, ‘મનોજ, તું ભણેલો-ગણેલો થઈને આ રીતે અંધશ્રદ્ધામાં માને છે ? તું સમજદાર અને નવી પેઢીનો છે છતાંય તું ભૂત-પ્રેતમાં માને છે !’

મનોજ થોડીકવાર ચૂપ રહ્યો. એની આંખોમાં દુઃખના ભાવ ડોકાયા. એ ખૂબ ધીમેથી બોલ્યો, ‘અમરભાઈ, હું પણ તમારી જેમ ભૂત-પ્રેતમાં માનતો નથી, પરંતુ રીમાનું દુઃખ અને રીમાની પીડા જોયા પછી હું મજબૂર બની ગયો છું. નછૂટકે મારે એ બધું માનવું પડે છે.’

મનોજની વાત સાંભળીને અમર વધુ છંછેડાઈ ગયો, એ કડવા અવાજે બોલ્યો, ‘મનોજ, તું તારા મનમાંથી એવો વહેમ કાઢી નાખ અને ઘરનાંઓને પણ સમજાવ કે, ભૂત-પ્રેત જેવું આ દુનિયામાં કંઈ છે નહિ. એ બધું જ ખોટું ધતીંગ છે.’

મનોજને અત્યારે કોઈ દલીલ કરવાનું ઠીક લાગ્યું નહિ. એ ચૂપચાપ અમરની વાતો સાંભળતો રહ્યો.

અમર કયાંય સુધી ભૂત-પ્રેતના ધતિંગની વાતો કરતો રહ્યો અને એ વિશે દલીલ કરતો રહ્યો. પણ મનોજ વચમાં કયાંય બોલ્યો નહીં એટલે ધીમે-ધીમે એ ઠંડો પડી ગયો.

અમરનો ઠપકો સાંભળીને મનોજને ખોટું તો લાગ્યું, પણ એ કંઈ કરી શકે એમ નહોતો. ગમે એમ તોય અમર એનો બનેવી હતો. વળી એ અમર સામે દલીલો કરીને એને વધારે ઉશ્કેરવા માંગતો નહોતો.

એ રાતે અચાનક રીમાની આંખ ઊઘડી ગઈ. બહારથી કોઈ એને બૂમો મારીને બોલાવતું હોય એવો અવાજ આવી રહ્યો હતો. આંખ ઉઘાડયા પછી રીમાએ તરત જ એ અવાજ ઓળખી કાઢયો. એ અવાજ પેલા સિકંદરનો હતો.

રીમાને યાદ આવ્યું કે, દરરોજ રાતના પોતાની પાસે આવતો સિકંદર ગઈકાલે આવ્યો નહોતો. આજે પણ એ અહીં આવવાને બદલે બહારથી બૂમો મારીને જ પોતાને બોલાવી રહ્યો હતો. એ હળવેકથી પથારીમાં બેઠી થઈ. રીમા હવે સિકંદરને સખત નફરત કરતી હતી. પેલા પીળા ફૂલની અત્યાર સુધી સુધી માદક અને મસ્ત લાગતી મોગરા અને ચંપા જેવી સુગંધ પણ એને ત્રાસ આપતી હતી. એ સુગંધનો અનુભવ થતાં જ-નાકને એનો સ્પર્શ થતાં જ એનું મન ઘૃણાથી ભરાઈ જતું. તેમ છતાંય એ સિકંદરનો સામનો કે વિરોધ કરી શકવાની શક્તિ તો રીમા પાસે હતી જ નહીં. અત્યારે પણ સિકંદરનો અવાજ સાંભળીને એનું મન એક જાતની ઘૃણાથી ભરાઈ આવ્યું. તેમ છતાંય એ અવાજ લોહચુંબકની જેમ એને ખેંચી રહ્યો હોય એમ એ ખેંચાઈને બારણા સુધી પહોંચી...

બારણાની બહાર એણે ગરદન લંબાવીને ધ્યાનથી જોયું. બહાર બિલકુલ અંધકાર હતો. દૂર રસોડા પાસે બે ચમકદાર આંખો તગતગતી હતી. કોઈક બિલાડી ત્યાં બેઠી હશે એવું અનુમાન રીમાએ લગાવ્યું.

રીમા કમરામાં પાછી વળવા જતી હતી. ત્યાં જ અચાનક બિલાડીનો મિયાઉં....મિયાઉં....!’ અવાજ એને સંભળાયો....પણ બિલાડી ‘મિયાઉં... મિયાઉં...’ને બદલે ‘રીમા...રીમા...!’ બોલતી હોય એવો આભાસ રીમાને થયો....તે બારણામાં જ થોભીને બિલાડી તરફ તાકી રહી. બિલાડીનો અવાજ ધીમે-ધીમે ઘેરો બનવા લાગ્યો અને વધુ ને વધુ ઘેરો બનતો ગયો....છેવટે એ અવાજ સિકંદરના અવાજમાં ફેરવાઈ ગયો.

સિકંદરનો અવાજ બિલાડીના મોઢામાંથી નીકળતો જોઈને રીમાની કમ્મરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું.

રીમાની નજર હજુ એ બિલાડીની આંખો ઉપર જ મંડાયેલી હતી ત્યાં જ ‘મ્યાંઉઉઉ...!’ એવી ત્રાડ નાખતી એ બિલાડી કૂદી અને રસોડાની બાજુની બારીમાંથી છલાંગ મારીને બહાર કૂદી ગઈ. રીમા થરથરીને કંપી ગઈ. એના ચહેરા અને આખા શરીર ઉપર પરસેવો ફરી વળ્યો.

બિલાડી બારીના સળિયામાં હતી ત્યારે બહારથી આવતા અજવાશમાં એણે જોયુ કે એ કોઈ સાધારણ બિલાડી નહીં પણ ખાસ્સો એવો મોટો બિલાડો હતો.

ભયથી ધ્રુજી ઊઠેલી અને પરસેવે રેબઝેબ થયેલી રીમા તરત જ પાછી વળી ગઈ. પલંગ પાસે આવતાં જ એ પથારી પર ફસડાઈ પડી. એનું હૃદય જોશ જોશથી ધબકારા કરવા લાગ્યું.

છત ઉપર ફરતાં પંખાની હવા એના શરીર ઉપરના પરસેવાને કારણે વધુ પડતી ઠંડી લાગતી હતી. એ ઠંડી હવાને કારણે જ કદાચ એને થોડી જ વારમાં ઊંઘ આવી.

રીમા સવારે જાગી ત્યારે એના આખા શરીરમાં કારમી કળતર થતી હતી. એના હાડકાંઓમાં જબરો દુઃખાવો થતો હતો. એના શરીરમાં માંસ ઉપર ખૂબ લાકડીઓ ફટકારાઈ હોય એવી વેદના થતી હતી. આંખ ખુલ્યા પછી પથારીમાં બેઠાં થવાનું એનું મન થતું નહોતું.

ચા-પાણી પીવા માટે પણ એ રસોડામાં ન ગઈ. હંસાભાભી એની ખબર કાઢવા આવી ત્યારે ચા-પાણી એણે પોતાના જ કમરામાં મંગાવી લીધાં.

રીમાનો થાક જોઈને હંસાભાભીને ખ્યાલ આવી ગયો કે, ગઈકાલે રીમા ખૂબ ધૂણી હતી. જમીન ઉપર પોતાનું શરીર પછાડતી હતી. એથી જ એનું શરીર દુઃખી રહ્યું છે. થોડીક આડીઅવળી વાતો કરી હંસાભાભીએ રાતની વિગતો પણ પૂછી લીધી.

જ્યારે એમણે રીમાને મોઢે સાંભળ્યું કે, દરરોજ રાતે રીમા પાસે આવનાર સિકંદર છેલ્લી બે રાતોથી નથી આવ્યો ત્યારે ફકીરબાબા તરફનો એનો વિશ્વાસ બેવડાઈ ગયો. એને હવે મનમાં પાક્કી ખાતરી થઈ ગઈ કે એ ફકીરબાબાના જ પોતાના ઈલમથી રીમાને એ શયતાનના પંજામાંથી છોડાવશે.

એ દિવસે મોડી બપોર સુધી રીમા પથારીમાં પડી રહી છતાંય ઊઠવાનું મન તો થતું જ નહોતું. પણ અમરની યાદ આવતાં જ એ પથારીમાં બેઠી થઈ ગઈ.

સામાન્ય રીતે અમર લગભગ ચારેક વાગ્યાના સુમારે રીમાને મળવા આવતો હતો. અમર પોતાને મળવા આવે ત્યારે પોતે આમ સાવ બીમારની જેમ પથારીમાં પડી રહે એ સારું ન દેખાય, એમ વિચારીને એ ઊભી થઈને બાથરૂમમાં ગઈ.

રીમા હજુ તો નાહી-ધોઈ, જમી, પરવારીને, તૈયાર થઈને માંડ બેઠી હતી ત્યાં અમર આવી પહોંચ્યો.

અમરે આવતાં જ ધડાકો કર્યો, ‘રીમા તૈયાર થઈ જા....આપણે ચિલકા સરોવર ફરવા જવાનું છે...!’

અમરની વાતથી રીમાને નવાઈ લાગી. પોતાના ભાવિ પતિ સાથે એકાંતમાં ફરવા જવાની કલ્પનાએ એના શરીરમાં રોમાંચ જગાવ્યો હોય એમ એનો ચહેરો લાલ થઈ ગયો. એણે શરમથી આંખો ઝૂકાવીને પૂછયું, ‘કેમ એકાએક...?’

‘એકાએક નથી, હું તો ઘણા દિવસથી જવાનું વિચારતો હતો, પણ તારા ભાઈ મનોજ પાસેથી જાણવા મળ્યું કે તારી તબિયત સારી નથી એટલે તને પણ સાથે હવા ખાવા માટે લઈ જવાનો વિચાર છે...!’

‘પણ મારા બાપુ મને તમારી સાથે મોકલશે...?’

‘એ તો હું દુકાનેથી નક્કી કરીને જ આવ્યો છું....!’

ત્યારબાદ રીમાએ કોઈ દલીલ ન કરી, એ મનોમન ખુશ થઈ ઊઠી.

રીમા ઊભી થતાં બોલી, ‘તમે બેસો, હું હંસાભાભીને ચા મૂકવાનું કહીને આવું છું.’

‘ના, રીમા મારે ચા પીવી નથી. આપણે આજે રાતે જ નીકળવાનું છે એટલું કહેવા માટે જ આવ્યો છું. હજી મારે ઘણી તૈયારી કરવાની છે...તું પણ તૈયારી શરૂ કરી...!’ કહેતો અમર ઊભો થયો અને રીમાના ખભાને હળવેકથી થપથપાવીને બહાર નીકળી ગયો.

રીમા ઉત્સાહથી તૈયારી કરવા લાગી ગઈ....

એ જ રાતે લગભગ સાડા દસ વાગ્યાની બસ પકડીને રીમા અને અમર સવારના સાત વાગે ચિલકા સરોવર પહોંચી ગયાં.

અમરે અગાઉથી ફોન કરીને જ એક હોટલમાં રૂમ બુક કરાવી રાખી હતી. રૂમમાં સામાન મૂકયા પછી રૂમનું બારણું બંધ કરીને, અમર રીમાની નજીક સરકી ગયો.

બારી પાસે ઊભી રહીને, બહાર છૂટે હાથે વેરાયેલા કુદરતી સૌન્દર્યને માણવામાં રીમા તલ્લીન હતી ત્યાં જ અમરે એને પોતાના બન્ને હાથોમાં સમાવી લીધી.

રીમાએ હળવેકથી પોતાનું માથું અમરની છાતી ઉપર ઢાળી દીધું. અને આંખો મીંચી લીધી.

રીમાના જુવાન, રૂપાળા શરીરને છાતી સાથે જકડી લીધા પછી એ એકાંત અને મસ્ત વાતાવરણમાં અમર શાંત રહી શકયો નહીં, એના હાથ રીમાના સુંવાળા શરીર ઉપર સરકવા લાગ્યા.

અચાનક અમરની હથેળીમાં ડંખ વાગ્યો હોય એમ અમર ભડકી ગયો. એના હાથ ખભા ઉપરથી સરકતો-સરકતો રીમાના બાવડા ઉપર પહોંચી ગયો હતો. અને બાવડા ઉપરનું તાવીજ એની હથેળી સાથે દબાતાં જ એ ચોંકયો.

પછી..? પછી શું થયું..? અમરે શું કર્યું...? રીમાનું શું થયું....? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***