Jantar-Mantar - 12 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 12

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

જંતર-મંતર - 12

જંતર-મંતર

( પ્રકરણ : બાર )

રીમાની ચાલમાં થોડોક થાક વર્તાતો હતો. કોઈ બીમારની જેમ એ માંદલી ચાલે ચાલતી માંડ માંડ રસોડા તરફ પહોંચી ત્યારે એનો પીળો પડી ગયેલો ચહેરો, બુઝાયેલા કોડિયા જેવી આંખો અને માંદલું શરીર જોઈને હંસાભાભી એકદમ ગભરાઈ ગઈ અને રીમા પાસે દોડી.....દયાથી એણે રીમાને પૂછયું, ‘રીમા, હવે તબિયત કેમ છે ?’

‘ઠીક છે, ભાભી...!’ કહેતાં એની આંખો ભરાઈ આવી. હંસાની આંખોમાં પણ ત્યાં સુધી ઝળઝળિયાં આવી ગયાં હતાં. પણ પછી રીમાની હાલતનો વિચાર આવતાં એણે કાળજું કઠણ કરવું પડયું. પોતાનાં આંસુઓ પી જતી હોય એમ એણે એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો અને પછી એ બોલી, ‘રીમા, તું જલદી નાહીને તૈયાર થઈ જા. હમણાં થોડી જ વારમાં ફકીરબાબા આવી પહોંચશે. મેં તારા માટે પાણી ગરમ કરી જ રાખ્યું છે. ચાલ હું મૂકી દઉં.’

હંસાએ બાથરૂમમાં ગરમ પાણી મૂકયું અને રીમા નહાવા માટે ચાલી ગઈ.

થોડી જ વારમાં મનોરમામાસી પણ આવી ગયાં અને સમય થતાં ફકીરબાબા આવી પહોંચ્યાં. હંસાએ આજે સગડીમાં કોલસા નાખી જ રાખ્યા હતા અને રીમા પણ નાહી ધોઈને તૈયાર થઈ ગઈ હતી.

ફકીરબાબાએ ધૂપદાન કાઢીને મૂકયું એટલે હંસા એ ઉપાડીને રસોડામાં લઈ ગઈ અને થોડી જ વારમાં એમાં સળગતા લાલચોળ કોલસા ભરીને લઈ આવી.

ફકીરબાબાએ રીમાને પોતાની સામે બેસાડીને, સફેદ કપડું બિછાવી અને પઢવાનું શરૂ કરી દીધું હતું. ધૂપદાન આવતાં જ એમણે કોલસા ઉપર લોબાન ભભરાવ્યું અને પૂંઠાથી પંખો નાખવા માંડયો. ફકીરબાબાએ પોતાનો અવાજ પણ મોટો કરી નાખ્યો.

થોડી જ વારમાં આખા કમરામાં કોલસાનો ધુમાડો પથરાઈ ગયો. રીમાની આંખોનો રંગ બદલાવા લાગ્યો. એનું શરીર ધ્રૂજવા લાગ્યું. એનું માથું ધુણવા લાગ્યું. એના લાંબા રેશમ જેવા વાળ પવનમાં આમથી તેમ લહેરાવા અને પછડાવા લાગ્યા.

ફકીરબાબા થોડીકવાર સુધી સતત પઢતા રહ્યા પછી એમણે પઢતાં-પઢતાં જ પોતાની ઝોળીમાંથી પેલા અડદના દાણા બહાર કાઢયા. જમણા હાથમાં અડદના દાણા લઈને એમણે ફૂંક મારીને રીમા ઉપર ફેંકયા. દાણા પડતાં જ જાણે સળગતા લાકડાનો ડામ દેવાયો હોય એમ રીમા તરફડી ઊઠી. એ જમીન ઉપર ચત્તીપાટ લેટીને, આળોટતાં ભારે પુરુષ જેવા અવાજે બોલી, ‘જલ ગયા...જલ ગયા....મને છોડી દો...હું મરી જઈશ...’

ફકીરબાબાએ એને પૂછયું, ‘તું શા માટે આવ્યો છે ?’

‘એણે બોલાવ્યો છે એટલે હું આવ્યો છું.’

‘જૂઠું બોલે છે...મારી આગળ આવું જૂઠ...! ?’ કહેતાં ફકીરબાબાએ ફરી ફૂંકેલા અડદના દાણા પછાડયા અને એની સાથોસાથ રીમાને ભયંકર પીડા થઈ હોય એમ એ જમીન ઉપરથી ઊંચે થઈને પછડાઈ...‘મને છોડી દો...હું મરી જઈશ.’ એવી રાડ સાથે અવાજ આવ્યો, ‘હું ખોટું નથી બોલતો. એણે જ કાંટાની વાડમાંથી પીળું ફૂલ તોડયું હતું. એ પીળા ફૂલ તોડયું હતું. એ પીળા ફૂલમાં મારી જ માયા હતી.’

ફકીરબાબાએ કમરામાં નજર એક ફેરવી. રીમાની ભાભી, માસી, એનો ભાઈ, મા અને બાપ બધાના ચહેરા ઉપર ભય પથરાયેલો હતો. તેઓ પોતાની દીકરીને પીડા ભોગવતી જોઈને અરેરાટી કરતાં હતાં. ફકીરબાબાએ એમનો વિચાર કરીને અડદના બે દાણાને બદલે એક દાણો ફૂંકીને ફેંકયો, ‘તું કોણ છે અને કયાંથી આવ્યો છે ?’

જવાબમાં સામેથી કોઈ અવાજ સંભળાયો નહીં. રીમા માત્ર ધુણતી રહી, કણસતી રહી, આળોટતી રહી.

ફકીરબાબાને લાગ્યું કે આમ ઢીલ રાખવાથી કામ નહીં ચાલે એટલે એમણે ફરી અડદના બે દાણા ફૂંકીને નાખ્યા....ત્યારે સામેથી ખૂબ ઘેરો અવાજ આવ્યો....

‘હું આ છોકરીનો ધણી છું. એને મેં પત્ની બનાવીને રાખી છે. હું એને માલામાલ બનાવી દેવા માગતો હતો. દુનિયાનાં બધાં સુખ એના કદમોમાં લાવીને ખડા કરવા માંગતો હતો...પણ નીચ.... પાજી....તું વચ્ચે ટપકી પડયો....હવે હું આ છોકરીને પણ ખતમ કરતો જઈશ અને સાથોસાથ તને પણ ખતમ કરી નાખીશ.’

પણ એ શેતાન પોતાનું વાકય આગળ લંબાવે એ પહેલાં તો ફકીરબાબાએ એકીસાથે ત્રણેક અડદના દાણા ફૂંકીને નાખ્યા અને એની સાથે જ રીમાએ જબ્બર પછડાટ ખાધી. અને કમરામાં ફકીરબાબાનો ઝનૂની અવાજ ફરી વળ્યો....‘મને ખોટી અને આડીઅવળી વાતો પસંદ નથી...તું કોણ છે ? કેવી રીતે પ્રેમી બન્યો....? વાત કર...!’

કમરામાં થોડીકવાર માટે ખામોશી પથરાઈ ગઈ... ફકીરબાબાએ અડદનો એક-એક દાણો ફૂંકી-ફૂંકીને ફેંકવા માંડયો ત્યારે સામેથી જ એ શેતાનની ચીસ સંભાળઈ....‘બસ બંધ કર...હું બધી માંડીને વાત કરું છું.’

ફકીરબાબાએ અડદનો ફૂંકેલો દાણો ફેંકવા લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો અને પૂંઠાથી એમણે ધૂપદાન ઉપર પંખો નાખ્યો. કોલસા જરાક લાલ જેવા થયા કે એમણે લોબાનનો ભુક્કો નાખ્યો અને ફરી પંખો હલાવ્યો...ત્યાં જ પેલા શેતાનનો ઘેરો અવાજ સંભળાયો, ‘હું સિકંદર છું...હું નેપાળનો રહેવાસી છું....વીસ વરસની ઉંમરે હું એક રૂપાળી ઓરતના પ્રેમમાં પડયો. એ ઓરત મારા કરતાં ઉંમરમાં મોટી હતી....પણ તેમ છતાંય એ ઘણી ખૂબસૂરત હતી. એનો રંગ ગોરો હતો અને આંખો માછલી જેવા આકારની અને પાણીદાર હતી. એના દાંત ચમકદાર હતા. અને હોઠ મોસંબીની ચીરી જેવા રસભર્યા હતા. એને જોતાં જ મને એના હોઠ ચાવી ચાવીને એમાંનો બધો જ રસ નિચોવી લેવાનું મન થતું અને હું એ રસ મન ભરીને નિચોવતો પણ ખરો. મારી સાથે એણે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. છતાંય એ મને અઠવાડિયામાં ફકત એક જ વાર મંગળવારે બોલાવતી. જો કોઈ આડા દિવસે હું એને મળવા જતો ત્યારે એ ખિજવાઈ જતી. અને મને બહારથી સમજાવીને રવાના કરી દેતી.

પણ હું એના વિના રહી શકતો નહીં. આખો દિવસ હું એને યાદ કર્યા કરતો....અને રાતના તો હું એને મેળવવા માટે ખૂબ તલપાપડ બનીને પથારીમાં આળોટયા કરતો. ઊંઘ આવતી નહીં. હું બેચેન બની જતો. મોડી રાતે માંડ-માંડ ઊંઘ આવતી.

એકવાર હું બહુ બેચેન બની ગયો હતો. એને મળવાની, એના શરીરને જકડી લેવાની અને એના હોઠના રસને નિચોવી લેવાની મારી ઈચ્છા બેકાબૂ બની ગઈ હતી. મંગળવાર હતો. રાતે એ મને મળવાની જ હતી, પણ હું ચોવીસ કલાક સુધી એના વગર રહી શકું એમ નહોતો. હું મારા મન ઉપર કાબૂ રાખી શકયો નહીં, અને તે જ સમયે એને ત્યાં જવા માટે નીકળી પડયો....

હું જ્યારે મારી પ્રેમિકાને ત્યાં પહોંચ્યો ત્યારે બારણાં બંધ હતાં. હું બારણું ખખડાવવાને ઈરાદે બારણાની નજીક પહોંચ્યો ત્યારે કોઈ પુરુષના હસવાનો અવાજ અંદરથી સંભળાયો, એની સાથે મારી પ્રેમિકા પણ હસી રહી હતી. કુતૂહલથી મેં અંદર કોણ છે એ જાણવા બારણાની તિરાડ ઉપર આંખ મૂકી.

અંદરનું દૃશ્ય જોઈને હું ચોંકી ગયો....મારી પ્રેમિકા કોઈક બીજા પુરુષ સાથે મસ્તીથી પલંગમાં પડી હતી. પેલો પુરુષ મારી પ્રેમિકાના હોઠનો રસ ચૂસી રહ્યો હતો અને એનો હાથ એના ઉઘાડા, લીસ્સા બદન ઉપર ફરી રહ્યો હતો. હું વધુ જોઈ શકયો નહીં, મારાથી આ સહન થાય એમ નહોતું. એ જ વખતે હું ચૂપચાપ પાછો ફરી ગયો. એ આખી રાત મને ઊંઘ ન આવી. પણ બીજા દિવસની સવારે હું એને મળવા ગયો. એને ગુસ્સાથી પૂછયું, ‘રાતના તારી સાથે કોણ હતું ?’

જવાબમાં મારી એ પ્રેમિકા ખિલખિલાટ કરતી હસી પડી. હું એના ચમકતા દાંતોની ચમકમાં ખોવાઈ જવા લાગ્યો. ત્યાં એણે ઝૂકીને મારા ગાલ ઉપર એક હળવું બચકું ભરી લેતાં મારા કાનમાં કહ્યું, ‘અત્યારે તું ઘેર જા, રાતે તું નિરાંતે આવજે...આપણે ઘણી વાતો કરીશું..મારા રાજ્જા.’ ત્યારબાદ એણે મને પોતાની છાતી સાથે ચાંપી લીધો. ત્યાં સુધીમાં તો મારો ગુસ્સો ઠંડો પડી ગયો હતો. હું ચૂપચાપ ચાલ્યો ગયો અને રાત પડવાની વાટ જોવા લાગ્યો.

રાતના હું એની પાસે ગયો ત્યારે એ બનીઠનીને મારી જ વાટ જોતી હોય એમ બેઠી હતી. મને જોતાં જ એ મને વળગી પડી. અને મને પલંગ ઉપર લઈ જઈને બેસાડયો. હું એની સાથે અડીઅવળી કોઈ વાત કરું એ પહેલાં જ અચાનક કોઈકે પાછળથી મારી ઉપર હુમલો કર્યો. એ તરફ જ્યારે મારી નજર પડી ત્યારે ખ્યાલ આવ્યો કે, આ ગઈ કાલેવાળો જ પુરુષ છે. હું બૂમો પાડું, ચીસો પાડું કે મારો બચાવ કરું એ પહેલાં તો પેલાએ પાછળથી મારા ગળામાં મફલર નાખીને ખેંચવા માંડયું હતું. પેલી મારી પ્રેમિકાએ મારા બન્ને પગ પકડી લીધા....એના પ્રેમીએ મફલરની ભીંસ વધારવા માંડી. મારી આંખો હમણાં ફાટીને બહાર આવશે એવી પીડા હું અનુભવી રહ્યો હતો. મારો શ્વાસ રુંધાઈ રહ્યો હતો. મેં એ બન્નેના પંજામાંથી છટકવા મરણિયો પ્રયાસ કર્યો. પણ હું ઉછળીને છટકી શકયો નહીં. બલકે એમ કરવા જતાં તો મારા ગળા પરની ભીંસ ખૂબ વધી ગઈ...હું તરફડવા લાગ્યો...તરફડી-તરફડીને થોડી જ વારમાં ખતમ થઈ ગયો. હું ખતમ થઈ ગયો છતાંય એ બે જાલિમોએ કયાંય સુધી મને એમ જ પકડી રાખ્યો. મારી એ બેવફા પ્રેમિકાએ મને આમ ખતમ કરી નાખ્યો.....

દૃ દૃ દૃ

ફકીરબાબાએ સળગતા કોલસા ઉપર લોબાનનો ભૂકો ભભરાવ્યો અને પછી જોશથી પૂંઠું હલાવતાં-હલાવતાં કંઈક પઢવાનું ચાલુ કર્યું....સતત થોડીકવાર સુધી પઢતાં રહ્યા અને રીમાના શરીર ઉપર લોબાનનો ધુમાડો નાખતા રહ્યા. રીમા સતત ધુણતી રહી, પછડાતી રહી, પટકાતી રહી, થોડી થોડી વારે ‘છોડી દો...મને છોડી દો...હું મરી જઈશ...હું બળી જઈશ...!’ એવું બબડતી રહી.

આખાય કમરામાં લોબાનનો ધુમાડો ભરાઈ ગયો હતો. હંસા અને મનોજ છેક બારણા પાસે ઊભાં હતાં. બારણાંમાંથી હવા આવતી હતી. છતાંય ધુમાડાથી એમનો શ્વાસ જાણે ઘૂંટાતો હતો, જીવ મૂંઝાતો હતો. રીમાનું દુઃખ જોઈ, રીમાને પીડાતી જોઈને બન્નેની આંખો ભરાઈ આવી હતી. ચૂપચાપ બન્ને ઘડીકમાં ફકીરબાબાને તો ઘડીકમાં રીમાને જોતાં લાચાર બનીને ઊભાં હતાં.

ફકીરબાબા કયાંય સુધી હોઠ ફફડાવતા રહ્યા. એમની આંખો અત્યારે રીમાના ચહેરા ઉપર સ્થિર હતી. કોઈક ઉપર બિલાડી શિકાર પર તરાપ મારવાની તૈયારી કરતી હોય ત્યારે જે ચમક આંખોમાં દેખાય એવી જ અત્યારે ફકીરબાબાની આંખોમાં દેખાતી હતી.

અચાનક શાંત વાતાવરણમાં એમણે ત્રાડ નાખી, ‘અહીં કેવી રીતે આવ્યો....?’

ફકીરબાબાની વાતનો સામેથી કોઈ જવાબ મળ્યો નહીં. ફકીરબાબાએ અડદનો એક દાણો ડાબા હાથમા લઈ, ફૂંક મારીને જમીન ઉપર પછાડયો...‘બોલ પછી શું થયું ?’

અડદનો દાણો જમીન ઉપર પડતાં જ રીમા કમ્મરમાંથી ઊંચી થઈ. એના મોઢેથી એક પીડાભરી ચીસ નીકળી ગઈ.

અદ્ધર ઊંચકાઈને જોશથી જમીન ઉપર પટકાયા પછી એ પુરુષ જેવા ભારે અને ઘોઘરા અવાજે જવાબ આપ્યો, ‘પછી હું ખતમ થઈ ગયો. મરી ગયો...જોકે, એ લોકોને મન હું મરી ગયો હતો. મારો શ્વાસ બંધ થઈ ગયો હતો. મારી આંખો બંધ થઈ ગઈ હતી. છતાંય હું જાણે બધું જોઈ શકતો હતો. મને લાગતું હતું કે હું મરી ગયો નથી, પણ જીવતો છું.

મને ખતમ કર્યા પછી બન્ને જણાંએ જાણે નિરાંતનો દમ લીધો. મારી પ્રેમિકાના ચહેરા ઉપર થોડો ગભરાટ હતો. મને મારી નાખ્યાનું દુઃખ પણ એના ચહેરા ઉપર દેખાતું હતું. મારી પ્રેમિકાના મનમાં મારા તરફ થોડી ઘણી કૂણી લાગણી હોય એવું મને લાગ્યું. ગમે તેમ તો પણ એને હું પ્રેમ કરતો હતો. હું એનો આશિક હતો. પણ એના ઉપર દુઃખ જોઈને હવે મને એના તરફ લાગણી જાગે એમ નહોતો. મને એના તરફ સખત નફરત હતી. એ કુલ્ટાએ જ એના પ્રેમી સાથે મળીને ખતમ કર્યો હતો. એના પ્રેમીએ મારા ઉપર હુમલો કર્યો ત્યારે એ કમજાતે મારા પગ પકડી રાખ્યા હતા. જો એણે મારા પગ પકડી ન રાખ્યા હોત તો હું એનો સામનો કરી શકયો હતો. પણ એણે પોતે જ મને ખતમ કરાવી નાખ્યો.

હું ખતમ થઈ ગયો એટલે એના પ્રેમીએ મારા પગ ખેંચીને મારી લાશને પલંગ ઉપરથી નીચે ફેંકી દીધી. લાશનું માથું ફૂટી ગયું. મારું મન દુઃખી દુઃખી થઈ ગયું...!’

અહીં અવાજ બંધ થઈ ગયો. પણ ફકીરબાબા સિકંદરની આખી દાસ્તાન સાંભળ્યા વિના જંપવાના નહોતા. એમણે ફરી અડદનો એક દાણો પોતાના ડાબા હાથમાં લીધો અને એની ઉપર ફૂંક મારી ત્યાં જ એકાએક સામેથી રીમા બોલવા લાગી....‘મારી લાશ જમીન ઉપર જ પડી રહી અને એ બન્ને જણાં પલંગ ઉપર મસ્તીએ ચઢી ગયાં. મારી બેવફા પ્રેમિકાને હું બીજા કોઈના પડખામાં જોઈ શકું એમ નહોતો. મારી આંખોમાં ખુન્નસ ભરાઈ આવ્યું. એ બન્ને જણાંને ખતમ કરી નાખવાનું મને મન થઈ આવ્યું. પણ હું તેમ કરી શકયો નહિ. હું ચૂપચાપ ત્યાંથી સરકી ગયો...! એ પ્રેમિકાને એણે મારી નહીં.’ થોડીકવાર માટે અવાજ અટકી ગયો, જરાક આરામ લઈને એણે આગળ ચલાવ્યું, ‘આ પ્રસંગથી મને દુનિયાભરની સ્ત્રીઓ તરફ નફરત થઈ ગઈ અને હું એક પછી એક સ્ત્રીઓને ખતમ કરતો અહીં સુધી આવી ગયો.’

ફકીરબાબાએ એની વાત પૂરી થઈ કે તરત જ એકીસાથે બે અડદના દાણા ફૂંકીને જમીન ઉપર પછાડતાં ત્રાડ નાખી, ‘હવે તું અહીંથી કયારે જઈશ ?’

‘હવે તો હું આનો જીવ લઈને જ જઈશ.’

‘તું સીધી રીતે ચાલ્યો જા....નહીંતર તારે પસ્તાવું પડશે.’ ફકીરબાબાએ ધમકી આપી. પણ એ ધમકીની જાણે કોઈ અસર ન થઈ હોય એમ એ જોશથી ખડખડાટ હસી પડયો, ‘તું મને નહીં કાઢી શકે...મેં તારા જેવા કેટલાય જોઈ નાખ્યા છે...તું જો તારું ભલું ઈચ્છતું હોય તો મારા રસ્તામાંથી ખસી જા...મારી સાથે ટકરાવવાનું પરિણામ સારું નહીં આવે...!’

‘તું મને ધમકી આપે છે...?’ ફકીરબાબા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ધ્રૂજતા અવાજે બોલ્યા, ‘હું તને જોઈ લઈશ.’

પછી..? પછી શું થયું..? અમરે શું કર્યું...? રીમાનું શું થયું....? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***