Angarpath - 35 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. - ૩૫

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અંગારપથ. - ૩૫

અંગારપથ.

પ્રકરણ-૩૫.

પ્રવીણ પીઠડીયા.

ચારુનું હદય જોર-જોરથી ધડકતું હતું. અત્યારથી જ અણસાર સારાં વર્તાતા ન હતા. આખું ગોવા જ્યારે સળગી રહ્યું હોય અને પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ ન હોય ત્યારે રંગાભાઉ જેવા એક સામાન્ય ક્રિમિનલને મળવા જવાનો શું મતલબ હતો? પેટ્રીકનું ખસી ગયું હોય એવું લાગ્યું તેને. અથવા તો એ કોઇ બીજી જ ફિરાકમાં હોવો જોઇએ. એ ઉપરી અધીકારી હતો એટલે વધું સવાલ પૂછી શકે તેમ નહોતી છતાં રંગાભાઉ પાસે જવાની વાત ખાસ પસંદ આવી નહી એટલે તે સતર્ક બની ગઇ. તેનાં જીવનમાં અત્યારે બધું જ આશ્વર્યજનક બની રહ્યું હતું અને એ પણ એટલી ઝડપે કે શું થઇ રહ્યું છે એ સમજવાનો મોકો જ મળ્યો નહોતો. તેણે એક ઉંડો શ્વાસ લીધો અને આવનારી પરિસ્થિતિઓનો સામનો કરવાની તૈયાર આરંભી.

@@@

ગોવાની સુક્કી છતાં કંઇક અંશે હળવાં ભેજ છવાયેલી હવાઓમાં છેલ્લા થોડા દિવસોમાં ગજબની અરાજકતા ફેલાઇ હતી. ઉપર ઉપરથી એકદમ શાંત અને સ્થિર દેખાતું શહેર કોઇ ધગધગતાં લાવારસ ઉપર ઉકળી રહ્યું હોય એવું પ્રતિત થતું હતું. કોઇ નહોતું જાણતું કે આવનારી ક્ષણમાં શું થશે અને પરિસ્થિતિ કઇ તરફ કરવટ બદલશે!

અને… આટલું ઓછું હોય એમ એક નવી જ ઘટના આકાર લેવા જઇ રહી હતી જેનાથી રક્ષા સૂર્યવંશીવાળા કેસમાં એક નવો અને અટપટો વળાંક સર્જાવાનો હતો. એ ઘટનાને રક્ષાનાં કેસ સાથે સીધી રીતે કોઇ જ સંબંધ નહોતો છતાં તેમાથી એક મહત્વપૂર્ણ કડી હાથ લાગવાની હતી જે આ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થવાની હતી. તેનાથી આખો કેસ જ ઉલટાઇ જવાનો હતો એ બાબતથી ઘટનામાં શામેલ લોકો પણ અત્યારે અજાણ હતા. કુદરત કંઇક અલગ જ ખેલ ખેલવા જઇ રહી હતી. આખરે શું હતો એ ઘટનાક્રમ?

ગોવા નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનો બાહોશ અફસર અને અભિમન્યુનો ખાસ મિત્ર ડેરેન લોબો અત્યારે તેની ચેમ્બરમાં ભારે બેચેનીથી ચહલ કદમી કરી રહ્યો હતો. તેનાં કપાળે વિચારોનાં સળ ઉપસેલાં હતા અને શાર્પ આંખોમાં જબરદસ્ત તોફાન ઉછળતું હતું. સમાચાર જ કંઇક એ પ્રકારનાં મળ્યાં હતા કે તેના જેવો એકદમ શાંત અને ગંભીર વ્યક્તિ પણ ઉચાટમાં આવી ગયો હતો. તેના ઉચાટનું કારણ હમણાં જ આવેલો એક ફોન કોલ હતો. એ ફોન કોલ તેના અંગત ખબરી અનવર અબ્બાસીનો હતો. જો બીજો કોઇ સમય હોત, કે બીજા કોઇ ખબરીએ આ સમાચાર આપ્યાં હોત તો તેણે એ બાબતે બહું ધ્યાન આપ્યું ન હોત કારણ કે ઘણાં ખબરીઓ ડિપાર્ટમેન્ટમાં પોતાનું મહત્વ વધારવા અધકચરી ખબરો પણ ’પાસ’ કરી દેતાં હોય છે. જેમાં છેલ્લે કંઈ ઉકળતું હોતું નથી અને નાહકની ખોટી દોડાદોડી કરવી પડતી હોય છે. ઘણી વખત ડુંગર ખોદીને ઉંદર પકડવાની નોબત આવતી હોય છે. પરંતુ… અનવર બાબતે એ ગફલતમાં રહી શકે તેમ નહોતો કારણ કે અનવર એકદમ પાક્કી ખબર હોય તો જ ફોન કરતો. અનવર સૌથી પહેલા તેને જે ખબર મળી હોય એની પોતાની રીતે ખરાઇ કરી લેતો અને પછી જ લોબોને જણાવતો. આજે તેનો ફોન આવ્યો હતો મતલબ કે કોઇ મહત્વની ઘટના બનવાની હતી. લોબો એટલે જ અધીરાઈથી આંટા મારતો હતો. તેનું દિમાગ જેટ સ્પિડે વિચારતું હતું.

અનવરે એક મહત્વની ’ટીપ’ આપી હતી. ફોનમાં તેણે કહ્યું હતું કે બાગા બીચની ઉત્તર દિશામાં આવેલા ’વાગાતોર’ બીચનાં કિનારે ડ્રગ્સનું એક કન્સાઈનમેન્ટ ઉતરવાનું છે. ક્યારે અને ક્યાં સમયે એ ’ડિલ’ થવાની છે અને ડિલનો હેન્ડલર કોણ છે એની પાક્કી માહિતી થોડા કલાકોમાં જ તે મેળવી આપશે એવું કહીને તેણે ફોન મૂક્યો હતો પરંતુ એ ખબરે ડેરેન લોબોની ધડકનો વધારી દીધી હતી. તેનું એક કારણ હતું. તે જાણતો હતો કે સમુદ્ર મારફતે ગોવામાં ઘૂસાડાતું ડ્રગ્સ મોટેભાગે બલ્ક ક્વોન્ટિટીમાં સપ્લાય થતું હોય છે. ઓછા જથ્થામાં આવતાં માલમાં ડ્રગ્સ્ ડીલરો આવું જોખમ ખેડતાં નથી કારણ કે તેમાં એક તો પકડાઇ જવાની બીક લાગતી હોય અને ઉપરથી નાના જથ્થામાં ડ્રગ્સ પકડાય તો પણ ચાર્જ તો ડ્રગ્સની દાણચોરીનો જ લાગવાનો હોય છે. એટલે બહારથી મોટી ક્વોન્ટિટી આવતી હોય ત્યારે જ સમુદ્રનો રસ્તો પસંદ કરાતો હોય છે. અને એ પણ ફૂલ પ્રૂફ બંદોબસ્ત સાથે કામ થતું હોય છે કારણ કે ડ્રગ્સની રકમનો આંકડો જ કરોડોને આંબતો હોય છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સમુદ્રી બોર્ડરેથી સપ્લાય થતું ડ્રગ્સ મોટેભાગે કોઇ બોટ દ્રારા જ ભારતીય સિમાઓમાં ઘૂસાડવામાં આવતું હોય છે. આ કામમાં ભયંકર જોખમ હોવા છતાં ડ્રગ્સ માફિયાઓ આવું જોખમ ખેડતાં કારણ કે તેમાં મબલખ કમાણી પણ થતી.

ડેરેન લોબો આ મામલામાં બહું સખ્ત જીવ હતો. તેને ડ્રગ્સ્ માફિયાઓથી એટલી બધી નફરત હતી કે તેનું ચાલે તો તેમને ગિરફતાર કરવાને બદલે સીધા જ ઠોકી દે. પણ જે કાનુનની રખેવાળી તે કરતો હતો એ જ કાનુન તેને એવું કરવાની પરમીશન આપતો નહોતો. છતાં… તે પોતાની રીતે આવાં ગુનેહગારો સાથે જબરી સખ્તાઇથી વર્તતો હતો.

અત્યારે પણ બેસબ્રીથી તે અનવરનાં ફોનની જ રાહ જોઇ રહ્યો હતો. સાથોસાથ તેણે ’વાગાતોર’ બીચે જવાની તૈયારીઓ પણ આરંભી દીધી હતી. ડ્રગ્સનાં કંન્સાઈમેન્ટ ઉપર પાડવાની ’રેડ’ માટે તેણે પોતોના ભરોસામંદ માણસોને એકઠા કરવા માંડયા હતા. તે પોતાના બોસ સુશીલ દેસાઈને આ બાબતની જાણ કરવાં માંગતો હતો કારણ કે કોઇપણ ઓપરેશન પર જવાની પરમીશન લેવી અત્યંત જરૂરી હતી. સુશીલ દેસાઈને તેણે ઘણાં ફોન કર્યા. ઘણાં પ્રયત્નો કરવા છતાં તેમનો ફોન લાગ્યો નહી ત્યારે એ કસરત તેણે માંડી વાળી હતી અને પોતાની રીતે જ આગળ વધવાં તૈયાર થયો હતો. તેને ખ્યાલ હતો કે આવાં ઈમર્જન્સી મામલામાં દેસાઈ સાહેબનો સંપૂર્ણ સાથ સહકાર હંમેશા તેની પડખે જ રહેતો હતો એટલે એ દિશાએથી તે આશ્વત હતો.

@@@

લગભગ કલાક પછી તેનો ફોન રણક્યો. સામાં છેડે અનવર જ હતો.

“સાહેબ, ખબર એકદમ પાક્કી છે. એક બોટ, ચાર માણસો, વાગાતોર બીચથી ચપોરા ફોર્ટની બરાબર વચ્ચેની એક નિર્જન જગ્યા. માલવણનો ભીખુ માછી હેન્ડલર છે. બોટ ક્યાથી આવે છે અને તેમાં કેટલો માલ છે એ તમે જાતે જાણી લેજો. સમય સાંજનાં છ વાગ્યાનો.” અનવરનો સીધો સપાટ અવાજ ફોનમાં ઘુમરાઇ ઉઠયો.

“શાબ્બાશ દિકરા, તને તારું ઈનામ મળી જશે.” લોબો એકદમ જ ઉત્તેજીત થઇ ઉઠયો. અનવર છવ્વીસેક વર્ષનો ફૂટડો યુવાન હતો. તેની ઉંમ્મર કરતાં તેનો અનુભવ વધારે હતો. લોબોને તે પસંદ હતો એટલે હંમેશા તેને દિકરા તરીકે જ સંબોધતો.

“ખુદા હાફીઝ.” અનવરનો ફોન કટ થયો.

“ખુદા હાફીઝ.” લોબો સ્વગત જ બબડયો અને ફોન સામું જોતાં તે વિચારમાં ખોવાયો. અનવરની એક વાતથી તેને ભારે તાજ્જૂબી ઉદભવી હતી…અને એ વાત હતી સમયની! સાંજનાં છ વાગ્યે વળી કોણ કંન્સાઈનમેન્ટ લાવતું હશે! ડ્રગ્સનાં કંન્સાઈનમેન્ટ મોટેભાગે અડધી રાતનાં અંધકારમાં જ આવતાં હોય છે. આ એક સામાન્ય બાબત હતી કારણ કે એવા સમયે જે વિસ્તારમાં ડ્રગ્સ ઉતરવાનું હોય એ વિસ્તારની આસપાસનો તમામ માહોલ જંપી ગયો હોય છે. ત્યારે ફક્ત પોલીસવાળા સીવાય બીજા કોઇની બીક હોતી નથી. જ્યારે આ કંન્સાઈનમેન્ટ તો દિવસનાં અજવાળામાં આવી રહ્યું હતું. આ વાત તેને ઠનકી હતી. કોઈ આટલું મોટું જોખમ શું કામ ખેડે? તેના દિમાગનાં એક ખૂણે ખતરાની ઘંટડીઓ વાગવી શરૂ થઇ ગઇ હતી. તેનું શરીર આપોઆપ તંગ થયું હતું. કંઇક મોટી ગરબડનાં એંધાણ અત્યારથી જ તેને વર્તાવા લાગ્યાં હતા.

@@@@

આમંડાએ તેની કાર રિસોર્ટનાં કાર પાર્કિંગ લોટમાં લાવીને ખડી કરી અને નીચે ઉતરી. તેની નજરો સામે ઢળતી બપોરનાં સૂર્ય પ્રકાશમાં નહાયેલું રિસોર્ટનું અનુપમ પ્રવેશદ્વાર દેખાતું હતું. આ જગ્યાએ તે ઘણી વખત આવી ચૂકી હતી છતાં આજે તેનું દિલ ધડકતું હતું. ડગ્લાસની આજ્ઞા વગર તેની જગ્યામાં પ્રવેશવાનો મતલબ તે સારી રીતે સમજતી હતી. ડગ્લાસ ખૂંખાર માણસ હતો. તેને હુકમનો અનાદર સહેજે પસંદ ન હતો પછી ભલેને એ કોઇ સાવ અંગત વ્યક્તિ જ કેમ ન હોય! આમન્ડાનાં બેહદ ખુબસુરત ચહેરા ઉપર આવનારી ક્ષણોનો ભાર પથરાયો અને ધીમા પગલે તે રીસોર્ટ તરફ ચાલી.

બરાબર એ ક્ષણે જ અભિમન્યુએ રિશેપ્સનીસ્ટે તેની તરફ લંબાયેલું ફોનનું રિસિવર હાથમાં લીધું હતું. તે ભયાનક દુવિધામાં અટવાયો હતો કે ફોનમાં શું કહેવું? ઉપરાંત તેને ખ્યાલ આવી જ ગયો હતો કે અત્યારે સામેનાં છેડે જે કોઇપણ વ્યક્તિ હશે એ તેને સીસીટીવીમાં જોઇ રહ્યો હશે. તે સાવધ થયો. સહેજ ગફલત અને બાઝી બગડી જવાની હતી. ક્ષણનાં ચોથા ભાગમાં તેણે પોતાનો આત્મવિશ્વાસ એકઠો કર્યો અને રિસિવર કાને મૂકયું.

“ તારાં બોસને કહે કે અભિમન્યુ આવ્યો છે.” તેના અવાજમાં હુકમનો રણકો હતો.

સામેવાળો વ્યક્તિ બે-ઘડી ટીવીનાં મોનીટર ઉપર આંખો ખેંચીને તેને જોઇ રહ્યો. અભિમન્યુને આ પહેલાં ક્યારેય જોયો નહોતો એટલે ચંદ મિનિટો સુધી નક્કી ન કરી શકયો કે તેણે શું કરવું જોઈએ. તેણે બાજુમાં બેઠેલા પોતાના સાથીદાર તરફ નજર કરી. સાથીદાર વ્યક્તિએ અસમંજસમાં તેના ખભા ઉછાળ્યાં. મતલબ કે એ પણ અભિમન્યુને જાણતો નહોતો. જે અદાથી, રૂઆબથી, રણકાથી અભિમન્યુ બોલ્યો હતો એ ઉપરથી તેણે અંદાજ બાંધ્યો કે રિસેપ્શન ઉપર ઉભેલો વ્યક્તિ કોઇ સામાન્ય માણસ નહી જ હોય. અને… તેણે એક ભૂલ કરી નાંખી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ