Angarpath - 33 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૩૩

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

અંગારપથ - ૩૩

અંગારપથ.

પ્રકરણ-૩૩.

પ્રવીણ પીઠડીયા.

સંભાજી ગોવરેકરે પોતાની તૈયારીઓ આરંભી દીધી. ડગ્લાસની ધમકીથી તે ફફડી ઉઠયો હતો કારણકે ડગ્લાસ કંઇપણ કરી શકવા સમર્થ હતો. જો એ કહેતો હોય કે તે ગોવાને ભડકે બાળશે તો એવું કરતાં તેને કોઇ રોકી શકવાનું નહોતું. એક વખત તે વિફરે પછી તેને સંભાળવો લગભગ મુશ્કેલ બનવાનો હતો અને એમાં તેના હાથ પણ દાઝવાનાં હતા કારણકે તે એનો ક્રાઇમ પાર્ટનર હતો. ડગ્લાસ તેની અસલી ઓકાત ઉપર ઉતરી આવે એ પહેલાં તેણે પોતાને સુરક્ષિત રાખવાનો બંદોબસ્ત ગોઠવી નાખવાનો હતો અને એ માટે તેણે ફોન ઘુમડવા શરૂ કર્યા હતા.

સૌથી પહેલો ફોન તેણે ગોવાના ડેપ્યૂટી સી.એમ. દૂર્જન રાયસંગાને લગાવ્યો.

@@@

અભિમન્યુએ રિસોર્ટનાં વિશાળ ખુલ્લા પાર્કિંગ લોટમાં તેનું બુલેટ લાવીને ખડું કર્યું અને સ્ટેન્ડ લગાવીને નીચે ઉતર્યો. કાળા ગોગલ્સ પહેરેલી તેની આંખો સામે રિસોર્ટનું ભવ્ય બિલ્ડિંગ દેખાતું હતું. એક નજરમાં જ તેણે રિસોર્ટનો પ્રવેશ એરિયા આવરી લીધો. આ રિસોર્ટ ચોરલા ઘાટનાં પહાડોની ઘુમાવદાર જમીનને સમથળ કરીને બનાવાયો હતો. આવા ઢોળાવોમાં વધું જમીન મળવી લગભગ મુશ્કેલ જ હતી છતાં અહી એવું નહોતું. પહાડનો આ તરફનો ભાગ ઘણો વિશાળ અને સપાટ હતો જેથી તેને સમથળ કરીને તેના ઉપર આ અફલાતૂન રિસોર્ટ તૈયાર કરાયો હતો. ડગ્લાસે અહી મબલખ રૂપિયા વેર્યા હતા એ પહેલી નજરે જ દેખાઇ આવતું હતું. અભિમન્યુ પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો. કાચનાં દરવાજા મઢેલું પ્રવેશદ્વાર આકર્ષક રીતે સજાવેલું હતું. ત્યાં ઉભેલો દરવાન અભિમન્યુને આવતો જોઇને સાબદો થયો અને સલામ ઠોકીને તેણે દરવાજો ખોલી આપ્યો. અભિમન્યુ અંદર લાઉન્જમાં પ્રવેશ્યો. લાઉન્જનું વાતાવરણ એકદમ હુંફાળું હતું. આ કોઇ સામાન્ય કક્ષાનો રિસોર્ટ નહોતો એટલે લાઉન્જમાં બીજા રિસોર્ટો કરતાં કંઇક અલગ જ વાતાવરણ હતું. લાઉન્જનાં એક ખૂણામાં મોટુ રિશેપ્સન કાઉન્ટર હતું જેની પાછળ અત્યારે એક નવયુવક નવા આવનારા મહેમાનોને આવકારવા ઉભો હતો. કાઉન્ટરની બરાબર સામેની દિવાલે સોફા હતા જેની સામે કાચની ભવ્ય ટિપોઈ મુકાયેલી હતી. તેની ઉપર તરેહ-તરેહનાં મેગેઝીનો અને ન્યૂઝ-પેપરો વ્યવસ્થિતપણે મુકાયેલા હતા. રિસોર્ટની પ્રવેશ ટિકિટ એટલી મોંઘી હતી કે મોટેભાગે અહી રિચ અને ક્રિમ પબ્લિક જ આવતી અને એ પણ મોટેભાગે અગાઉથી બુકિંગ કરાવીને જ આવતી.

લાઉન્જમાંથી સીધા આગળ જતાં સામે કાચનો બીજો એક દરવાજો આવતો હતો જેની આરપાર… પેલી તરફ એક મોટો સ્વિમિંગ પૂલ દ્રશ્યમાન થતો હતો. એ સ્વિમિંગ પૂલનું લહેરાતું બ્યૂઈશ પાણી અહીથી જ આકર્ષક જણાતું હતું. પૂલની ફરતે આરામ ખુરશીઓ ગોઠવેલી હતી જેમાં અત્યારે થોડા સહેલાણીઓ લાંબા થઇને પડયા હતા. આરામ ખુરશીઓની પછિતે, મતલબ કે પૂલની બન્ને તરફ, પૂલનું દ્રશ્ય દેખાઇ શકે એવી રીતે જ વ્યવસ્થિત ગોળાકારમાં આધૂનિક ઢબથી બનેલી ત્રણ મજલા બિલ્ડિંગ હતી. એ બિલ્ડિંગના કમરાઓની બાલ્કનીમાંથી અદભૂત સુંદર નજારો દ્રશ્યમાન થતો. એ ઉપરાંત સ્વિમિંગ પૂલ વટાવતાં તેની પાછળ એક સુંદર બગિચો પણ બનાવાયો હતો જેમા એક રિસોર્ટમાં હોય એવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. અભિમન્યુએ એક નજરમાં જ જેટલું આવરી શકાય એટલું મનોમન નોંધી લીધું હતું. જો કે એ તેની ફિતરતમાં જ વણાયેલું હતું. તેની સૈનિક ટ્રેઇનિંગ દરમ્યાન જ આ બધું શિખવાડવામાં આવતું કે હંમેશા ચોક્કસ અને સતર્ક રહીને આસપાસનું અવલોકન કરતાં રહેવું. લાઉન્જમાં લાગેલા સીસીટીવી કેમેરાની નોંધ પણ મનોમન લેવાઇ ચૂકી હતી. તે રિશેપ્સન કાઉન્ટર તરફ ચાલ્યો. કાઉન્ટર પાછળ ઉભેલો યુવાન ક્યારનો તેની સામું જ જોઇ રહ્યો હતો. તેને આ નવા આગંતૂક વિશે કુતુહલ જાગ્યું હતું. અભિમન્યુની પર્સનાલિટી જોઇને પહેલી નજરમાં જ તે અંજાઇ ચૂકયો હતો. વળી તે કોઇ સામાન વગર એકલો જ આવ્યો હતો અને ચારેકોર જોઇ રહ્યો હતો એટલે થોડો સતર્ક પણ બન્યો હતો. આ રિસોર્ટમાં મોટેભાગે તો ગોવા અને તેની આસપાસનાં વિસ્તારમાં ફરવા આવતાં સહેલાણીઓ જ વધું રોકાતા હતા એટલે એક રીતે તો રિસોર્ટનું વાતાવરણ શાંત જ રહેતું પરંતુ ક્યારેક ક્યારેક કોઇક એવા ગેસ્ટ આવી ચડતાં જેના કારણે અહીનાં સ્ટાફમાં ભાગદોડ વધી જતી. હજું હમણાં જ… બે દિવસ પહેલાં જ એવું થયું હતું. રાતનાં સમયે અચાનક કોઇ અગત્યનાં ગેસ્ટ આવ્યાં હતા(એ ડગ્લાસ હતો). જેની વ્યવસ્થામાં રિસોર્ટનો અમુક સ્ટાફ આખી રાત જાગ્યો હતો. કોણ આવ્યું હતું એ તો તે નહોતો જાણતો પરંતુ અત્યારે સામે ઉભેલા વ્યક્તિને જોઇને લાગ્યું કે આ માણસ કદાચ એમાનો જ કોઇક હોવો જોઇએ. તેની કદ-કાઠી અને હાવભાવ એ લોકોને મળતાં આવતા હતા.

બરાબર એ સમયે જ અભિમન્યુ તેની નજીક આવી પહોંચ્યો. તે કાઉન્ટરની એકદમ પાસે જઇને ઉભો રહ્યો અને તેણે યુવકની આંખોમાં ઝાંકયું. ડગ્લાસ વિશે સીધી રીતે તો પૂછી શકાય એમ ન હતું એટલે ઘડીક તે શાંતીથી યુવકનું અવલોકન કરતો ઉભો રહ્યો. તેણે પૂછયું હોત તો પણ કદાચ આ યુવકને તેની કોઇ જાણકારી હશે નહી એની ખાતરી હતી એટલે કંઇક અલગ રીતે કોશિશ કરવી જરૂરી જણાઇ.

“વી.આઈ.પી. ગેસ્ટ એરિયા કઇ તરફ છે?” ડગ્લાસની અંગત માલિકીનો આ રિસોર્ટ હતો એટલે ચોક્કસ પોતાના માટે તેણે અલાયદી વ્યવસ્થા ગોઠવી હશે એવો એક સામાન્ય ખ્યાલ એકાએક તેના મનમાં ઉદભવ્યો હતો અને તેણે એક ચાન્સ લીધો હતો. અને… તેનું તીર બરાબર નીશાને લાગ્યું. પેલો યુવક તો તૈયાર જ હતો. અભિમન્યુનો દેખાવ અને તેની પર્સનાલીટીથી તે પહેલી નજરે જ અંજાય ગયો હતો. તેને એમ જ લાગ્યું કે આ કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિ છે.

“સર, આપ અહીથી સીધા જશો એટલે… અરે, ઉભા રહો. હું જ કંઇક વ્યવસ્થા કરું છું.” તે યુવક પહેલા તો અભિમન્યુને રસ્તો બતાવવા તૈયાર થયો હતો પરંતુ પછી કદાચ તેને લાગ્યું હશે કે એ બરાબર નહી રહે એટલે તેણે પોતાનો વિચાર બદલ્યો અને ડેસ્ક ઉપર પડેલો ફોન ઉઠાવી એક નંબર ડાયલ કર્યો. એ નંબર રિસોર્ટની પાછળ બનેલા અલાયદા કોટેજોમાં લાગ્યો.

બે દિવસ પહેલાં રાત્રે આવેલા મહેમાનો એ કોટેજોમાં જ ઉતર્યા હતા. એ આખો વિસ્તાર આ રિસોર્ટની પાછળ થોડો અલાયદો પડે એમ ડેવલપ કરવામાં આવ્યો હતો. રિસોર્ટનાં કોઇપણ કર્મચારીને કે ઈવન અહી આવતાં સહેલાણીઓને પણ એ તરફ જવાની સખ્ત મનાઇ હતી. એક રીતે સમજોને કે એ ’રિસ્ટ્રેકટેડ’ એરિયા હતો. ત્યાં કોણ આવતું અને શું પ્રવૃત્તિઓ થતી એ ક્યારેય કોઇ જાણી શકયું નહોતું એટલી તકેદારી સખ્તાઇથી રાખવામાં આવતી હતી. એ તરફ જવાની કોઇને અનુમતી નહોતી. અને જો કોઇ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પહેલા ફોન દ્વારા ત્યાં જાણ કરીને પરમીશન લેવી પડતી. જો આ યુવક અભિમન્યુથી અંજોયો ન હોત તો ચોક્કસ તેણે અભિમન્યુને એ તરફનો રસ્તો બતાવવાની હિમાકત કરી ન હોત પરંતુ તેણે એ રાત્રે આવા જ હટ્ટાકટ્ટા માણસોને પાછળ કોટેજો તરફ જતાં જોયા હતા એટલે યુવક ગફલત ખાઇ ગયો હતો. છતાં સાવચેતી રૂપે તેણે ફોન લગાવ્યો હતો. સામા છેડે ઈન્ટરકોમમાં રિંગ ગઇ અને થોડીવાર પછી ફોન ઉપાડાયો હતો.

એ સમયે એક અજીબ ટેબ્લો એ સમયે રચાયો હતો. કોઇ નહોતું જાણતું કે એ કેવી રીતે થયું પરંતુ કુદરત કંઇક ખતરનાક બાજી ખેલવાનાં મૂડમાં હતી.

ખરેખર તો રિસોર્ટની પાછળનો કોટેજોનો વિસ્તાર ડગ્લાસે પોતાના મોજશોખ માટે અલાયદો વિકસાવ્યો હતો. ગોવામાં સર્જાયેલી અંધાધૂંધ પરિસ્થિતિને કારણે બે દિવસ પહેલા તે ગોવાથી ભાગીને અહીં જ સંતાયો હતો. કોટેજોની એક અલાયદી ઓફિસ હતી અને તેનું સંચાલન ડગ્લાસનાં ચૂનિંદા માણસો કરતા હતા. અત્યારે બપોરનો સમય હતો એટલે ઓફિસમાં કામ કરતાં માણસો જમીને હજું સૂસ્તાઇ જ રહ્યાં હતા કે અચાનક ઈન્ટરકોમની ઘંટડી વાગી હતી. ઓફિસમાં બે માણસો બેઠા હતા તેમાથી એકે ઉભા થઇને ફોન ઉઠાવ્યો. ફોન ઉઠાવીને તેણે સામેની દિવાલે લટકતી અઢળક ટિવી સ્ક્રિન ઉપર નજર નાંખી. એ ટિવીસ્ક્રિનોમાં સમગ્ર રિસોર્ટના ખૂણે-ખૂણે લગાડેલા સીસીટીવી કેમેરાની એકેએક હરકત દેખાતી હતી.

“હલ્લો?” તેનો ભારેખમ અવાજ ફોનમાં ગુંજયો. તેણે સામે દેખાતા સીસીટીવી કેમેરામાં રિશેપ્સન એરિયાનો નજારો ધ્યાનથી જોયો. રિશેપ્સન લાઉન્જમાં ઉભેલા અભિમન્યુને પણ ધ્યાનથી નીરખ્યો. તે અભિમન્યુને ઓળખતો નહોતો. ઉપરાંત તે સમજી શકયો નહી કે પેલા રિશેપ્સનીસ્ટ યુવકે અહી શું કામ ફોન કર્યો હશે કારણકે કોઇ ઈમર્જન્સી સિવાય ફોન કરવાની સખ્ત મનાઇ ફરમાવામાં આવી હતી.

“હલ્લો સર, આપને મળવા કોઇ આવ્યું છે. આપ તેમની સાથે વાત કરી લો.” યુવકે કાન પરથી ફોન હટાવીને અભિમન્યુ તરફ લંબાવ્યો. ખરેખર તે ભયંકર લોચા મારતો હતો. તે અભિમન્યુને કે સામેનાં છેડે ફોન ઉંચકનાર વ્યક્તિને.. બે-માંથી કોઇને જાણતો નહોતો એટલે તેના મનમાં જેમ આવે તેમ વર્તતો હતો.

અભિમન્યુ સડક થઇ ગયો. ઘડીક તે યુવકે લંબાવેલા ફોનનાં રિસિવર તરફ જોઇ રહ્યો. તેના જેવા કઠણ હદયનાં ઈન્સાનની છાતીમાં પણ ઘડીક પૂરતી ધડબડાટી બોલી ગઇ. ફોનમાં શું કહેવું એ વિચારવાનો પણ તેને સમય મળ્યો નહોતો અને… રિસિવર લેવા માટે તેણે હાથ લંબાવ્યો. આવનારી ક્ષણો ભયાનક કટોકટી ભરી સાબિત થવાની હતી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.