Angarpath - 31 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૩૧

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

અંગારપથ - ૩૧

અંગારપથ.

પ્રકરણ-૩૧.

પ્રવીણ પીઠડીયા.

“જૂલી?” કમિશ્નર અર્જૂન પવારનાં શબ્દોમાં અપાર આશ્ચર્ય સમાયેલું હતું. આ નામ તેણે ક્યાંક સાંભળ્યું હતું. પણ ક્યાં, એ તાત્કાલિક યાદ આવ્યું નહી. તેણે મગજ કસ્યું અને એકદમ જ તે ચોંકી ઉઠયો હોય એમ નજર ઉંચી કરીને અભિમન્યુની દિશામાં જોયું.

“જૂલી… મિન્સ જૂલીયા. તું ક્યાંક પેલી ગોરી રશીયન યુવતી જૂલીયાનું તો નથી પૂછતો ને! જે થોડા સમય પહેલાં કલિંગૂટ બીચ ઉપર મરેલી હાલતમાં મળી આવી હતી?” કમિશ્નરનાં અવાજમાં ભારે ઉત્તેજના ભળી ચૂકી હતી. અભિમન્યુએ કંઇ અમથું જ જૂલીનું નામ લીધું હોય એ શક્યતાઓ બહુ ઓછી હતી. જરૂર કોઇ અગત્યની વાત હશે. તેનું દિમાગ બહું ઝડપથી વિચારતું હતું. “પણ તેનું શું છે? એ યુવતીનું તો ખૂન થયું હતું અને તેની તપાસ લોકલ પોલીસ કરી રહી છે.”

અભિમન્યુનાં પગ દરવાજા પાસે જ અટકી ગયા. એકાએક જ તેને ઝટકો લાગ્યો અને ઝડપથી પાછો ફર્યો. કમિશ્નરના બેડની એકદમ નજીક જઇને તે ઉભો રહ્યો. તેના ચહેરા ઉપર ઉત્તેજના છવાયેલી સાફ દેખાતી હતી. ઓફકોર્સ… જૂલીયાનું નામ તેણે પણ સાંભળ્યું હતું. પણ જૂલીયા જ જૂલી હોઇ શકે એ બાબત ક્યારેય તેના જહેનમાં ઉદભવી જ નહોતી. એ શક્યતા વિશે તેણે વિચાર્યું જ નહોતું. ગોવા આવ્યાં પછી જે ઝડપે ઘટનાઓ ઘટી હતી તેમાં જ તે ઉલઝેલો રહ્યો હતો એટલે એ વિશે વિચારવાનો મોકો જ મળ્યો નહોતો.

“એક મિનિટ… એક મિનિટ… મને વિચારવા દે. માયગોડ” કમિશ્નર એકાએક જ અધૂકડો બેઠો થઇ ગયો હતો. ડોકટરોએ તેને સહેજે હલન-ચલન કરવાની નાં કહી હતી છતાં તેના મનમાં જે ઉભર્યું હતું એ બહું ખતરનાક હતું. અભિમન્યુનાં એક સવાલે તેને ઝકઝોરી નાંખ્યો હતો. તે એકદમ જ ઉત્તેજીત થઇ ઉઠયો અને એકાએક જ તેને કાંબલે યાદ આવ્યો. ઈન્સપેકટર કાંબલે એ ગોરી યુવતી જૂલીયાનાં કેસની છાનબીન કરી રહ્યો હતો. તેના અંડરમાં જૂલીયાનો કેસ હતો અને… તે ખુદ ગાયબ હતો. પાછલાં કેટલાંય દિવસોથી કાંબલેનો કોઇ જ સુરાગ નહોતો. ઓહગોડ… કમિશ્નરની ધડકનો તેજીથી ચાલવા લાગી. અને બીજી પણ એક બાબત હતી જે હવે તેને સમજાઇ રહી હતી. જૂલીયાનું ખૂન થયું તેના થોડા દિવસો બાદ જ તો અભિમન્યુની બહેન, એટલે કે રક્ષા સૂર્યવંશી ઘાયલ અવસ્થામાં બાગા બીચ ઉપર મળી આવી હતી! એ કોઇ જાગાનુંજોગ તો કેવી રીતે હોઇ શકે! કમિશ્નર એ બન્ને ઘટનાઓને આપસમાં જોડવામાં પરોવાયો. તેનું ખુરાફાતી પોલીસિયું દિમાગ એકાએક જ હાઇ પ્રેશરમાં આવી ગયું હતું અને ભયાનક ઝડપે તે એ બન્ને ઘટનાઓનું પૃથ્થકરણ કરવામાં જોતરાયો હતો. મામલો ઘણો સિરિયસ બનતો જતો હતો. થોડા સમય પહેલાં જૂલીયાનું ખૂન થયું હતું જેની ગંભીરતાં હવે તેને ખ્યાલ આવતી હતી. ક્યાંય આ બધી વાતોનાં છેડા રોબર્ટ ડગ્લાસ સાથે તો નથી જોડાઇ રહ્યાંને? કારણ કે જૂલીયાવાળી ઘટના બની ત્યાર પછીથી જ એક સળંગ ઘટનાક્રમ ચાલું થયો હતો.

“યુ મીન કે જૂલીયા જ જૂલી છે?” અભિમન્યુ પણ અટવાઇ ગયો. રક્ષાને ઘાયલ હાલતમાં જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે તે ’જૂલી’ કે આવું કંઇક બોલી હતી એવું તેની સારવાર કરનાર ડોકટરનું કહેવું હતું. તેને જૂલીયાનાં કેસ વિશે ખ્યાલ હતો જ. જો રક્ષા જૂલીયાનું નામ લઇને કંઇ કહેવા માંગતી હોય તો તેના ઘણાં મતલબ નીકળતા હતા. તે અને જૂલીયા એવું કોઇ રાઝ જાણી ગઇ હશે કે તેમની ઉપર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. શું હોઇ શકે એ..?

કમરામાં એકદમ ગહેરો સન્નાટો છવાઇ ગયો. જે ધમાસાણ ચાલતું હતું એ તેમનાં મનમાં ચાલતું હતું. અને તેનો જે નિષ્કર્ષ નીકળવાનો હતો એ આ મામલાને વધું ઉલઝાવી નાંખવાનો હતો.

@@@

ઈન્સ્પેકટર કાંબલેનાં દેહને ઉંચકીને ડગ્લાસનો માણસ રિસોર્ટના પાછળનાં ભાગેથી બહાર નીકળ્યો. આ તરફનો ઇલાકો ઘેઘૂર જંગલ વિસ્તારથી ઘેરાયેલો હતો. ચોરલા ઘાટમાં આખું વર્ષ વાતાવરણ હરીયાળું રહેતું. તેનું મુખ્ય કારણ હતું અહી ચોમાસા દરમ્યાન ધોધમાર વરસતો વરસાદ. ચોરલા ઘાટમાં ચોમાસાના ચાર મહિના દરમ્યાન બે-હિસાબ વરસાદ થતો જેના લીધે સમગ્ર ઘાટ વીસ્તારમાં આવેલા ઉંચા-ઉંચા અસંખ્ય પહાડોની હારમાળા વચ્ચે ઘનઘોર જંગલ ઉગી નીકળ્યું હતું. રિસોર્ટની પાછળથી એક પગદંડી જેવો રસ્તો નીકળતો. કાંબલેનાં મૃતહેહને પોતાના ખભા ઉપર લઇને ચાલતો પહેલવાન જંગલની અંદર ધૂસ્યો. થોડેક દૂર પહાડનો અંત આવતો હતો અને ત્યાંથી સીધી જ ખીણ શરૂ થતી હતી. પહેલવાન ચાલતો ચાલતો એ ખીણનાં એક છોર ઉપર આવીને ઉભો રહ્યો. તેણે ચોપાસ નજર ઘુમાવીને દૂર સુધી દેખાતા અછૂત અને નિર્જન વિસ્તારનો તાગ મેળવ્યો. પછી ખીણની ધારેથી તેણે કાંબલેનાં ભારેખમ દેહને નીચે ફંગોળી દીધો. એવું કરતી વખતે તેના ચહેરા ઉપર કોઇ જ પ્રકારનાં ભાવ નહોતા. જાણે એ કામ તે યંત્રવત કરતો હોય એમ ઘડીક નીચે જોઇને ઉભો રહ્યો અને પછી પાછો રિસોર્ટ તરફ ચાલી નીકળ્યો. તેને ખબર હતી કે આવતીકાલ સવાર સુધીમાં કાંબલેનું નામોનીશાન મટી જશે. આ જંગલમાં હિંસક પ્રાણીઓની ભારમાર હતી. સવાર થતાં સુધીમાં તો કાંબલે એમના પેટમાં પહોંચી ચૂકયો હશે.

@@@

અભિમન્યુનાં માથામાં ઘણ પડઘાતા હતા. જો જૂલીયા જ જૂલી હોય તો રક્ષા શું કહેવા માંગતી હતી એ જાણવું લગભગ અશક્ય બની જવાનું હતું. જૂલીયાનું ખૂન તો રક્ષા ઉપર હુમલો થયો એની પહેલા જ થઇ ચૂકયું હતું તો હવે જ્યાં સુધી રક્ષા ભાનમાં ન આવે ત્યાં સુધી જૂલી નામનો કોયડો ઉકેલવો અઘરો બનવાનો હતો કારણકે રક્ષાની સારવાર કરતાં ડોકટરો તે ક્યારે ભાનમાં આવશે એ સ્પષ્ટપણે જણાવી શકવાની હાલતમાં નહોતા.

“તને ખબર છે… જૂલીયાનો ખૂન કેસ અને તારી બહેન રક્ષાનો કેસ કોણ હેન્ડલ કરતું હતું?” એકાએક કમિશ્નરે પ્રશ્ન કર્યો એટલે અભિમન્યુ સજાગ થયો.

“હાં, ઈન્સ્પેકટર કાંબલે.”

“ અને ઈન્સ્પેકટર કાંબલે અત્યારે ક્યાં છે?”

“આઇ ડોન્ટ નો. મને ક્યાંથી ખબર હોય! એ તેના પોલીસ સ્ટેશને હશે.” અચાનક કમિશ્નર આવા માથા-ધડ વગરનાં પ્રશ્નો કેમ પુંછે છે એ અભિમન્યુને સમજાયું નહી.

“કાંબલે ગાયબ છે. તેના જ પોલીસ મથકમાં તેના ગુમ થવાની ફરીયાદ લખાઇ છે.” એટલું બોલીને કમિશ્નર ખામોશ થઇ ગયો. અભિમન્યુએ કમિશ્નરે શું કહ્યું એ સાંભળ્યું. તેના કપાળે ભયંકર આશ્વર્યના ચિન્હો ઉભર્યા. કમિશ્નરની વાતનો મતલબ તે બરાબર સમજતો હતો. કોઇ મોટું ભયાનક ષડયંત્ર રચાવામાં આવ્યું હશે જે જાહેર ન થઇ જાય એ માટે એક પછી એક વ્યક્તિઓને રસ્તામાંથી હટાવાઇ રહ્યા હતા. આખરે કોણ લોકો હતા આ ષડયંત્ર પાછળ? અત્યારે તો એક જ વ્યક્તિનું નામ ઉભરીને સામે આવી રહ્યું હતું જે કમિશ્નર અને અભિમન્યુ… બન્નેનાં હદયમાં જોર-જોરથી પડઘાતું હતું. અને એ વ્યક્તિ હતો રોબર્ટ ડગ્લાસ.

બધા જ સવાલોનાં જવાબ ડગ્લાસ સુધી આવીને સમાપ્ત થઇ જતા હતા. પણ શું ખરેખર આવું હતું...?

@@@

અભિમન્યુ બુલેટ ઉપર સવાર થયો. તેનો ઉંચો પડછંદ મજબૂત દેહ બુલેટ ઉપર કોઇ ફિલ્મી હિરો જેવો લાગતો હતો. તેણે આંખો ઉપર બ્લેક ગોગલ્સ ચડાવ્યાં હતા. ચૂસ્ત જીન્સ ઉપર ગ્રે કલરનું હાફ સ્લિવ ટી-શર્ટ પહેર્યું હતું. સ્લિવની કિનારી હેઠળ દેખાતી તેની મજબૂત ભૂજાઓ તેની અંદર સમાયેલી અસિમ તાકતની ચાડી ખાતી હતી. સેલ્ફ સ્ટાર્ટનું બટન દબાવી તેણે બુલેટ શરૂ કર્યું. બુલેટનાં એકઝોસ્ટ પાઇપમાંથી સફેદ આછો ધૂમાડો નીકળ્યો અને એન્જીનનો દિલ ધડકાવનાર અવાજ હવામાં ગુંજયો. ભારેખમ બૂટનાં હલ્કા-સા એક ઈશારે તેણે બુલેટને ગિયરમાં નાંખ્યું અને ક્લચ છોડી લિવર દીધું. બુલેટે અલ્સ્ફાટનાં કાળા રસ્તા ઉપર ગતી પકડી ત્યારે તે કોઇ અન્ય વિચારોમાં ખોવાયેલો હતો.

લગભગ અડધા કલાક પહેલાં તે ગોવાનાં પોલીસ કમિશ્નરને મળીને હોસ્પિટલથી બહાર નીકળ્યો હતો. તેમની વચ્ચે જે વાતો થઇ હતી એ દિલ ધડકાવનારી હતી. તેમની વાતોનો અંત રોબર્ટ ડગ્લાસ ઉપર જ આવતો હતો. આ કેસમાં આગળ વધવા માટે હવે રોબર્ટ ડગ્લાસ જ આખરી કડી બની રહ્યો હતો અને કમિશ્નર પવારે ઓલરેડી તેનું સરનામું અભિમન્યુને જણાવ્યું જ હતું એટલે અભિમન્યુ સમય ગુમાવ્યા વગર સીધો જ હોટલે પાછો ફર્યો. તેણે કપડા બદલાવ્યાં અને જરૂરી સામાન સાથે લઇને તે બેલગાંવ તરફ નીકળી પડયો હતો. તેની મંઝિલ બેલગાંવ નજીક આવેલી ચોરલા ઘાટની ઉંચી-નીચી પહાડીઓ હતી. એ પહાડીઓમાં જ ક્યાંક ડગ્લાસ છૂપાયો હતો એ રિસોર્ટ હતો.

ગોવાનાં ડબલ પટ્ટીનાં સુંદરતમ રસ્તાઓ વટાવતો અભિમન્યુ પણજી હાઇવે ઉપર ચડયો ત્યારે ખરેખર નહોતો જાણતો કે તે એક ભિષણ જંગ ખેલવા જઇ રહ્યો છે.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.