Once Upon a Time - 130 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 130

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 130

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 130

‘રિઝવીની ધરપકડ પછી પોલીસને ખબર પડી કે શકીલ અને રિઝવી હ્રતિક રોશન માટે ચિકના અને તેના પિતા રાકેશ રોશન માટે ટકલા કોડવર્ડ વાપરતા હતા! એવી જ રીતે શાહરૂખ ખાન માટે તેઓ હકલા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ ફિલ્મ 22 ડિસેમ્બર, 2000માં રિલીઝ થવાની ત્યાં સુધીમાં એ ફિલ્મમાંથી રૂપિયા 22 કરોડ જેટલી આવક થશે એવો અંદાજ રિઝવીએ શકીલને ફોન પર આપ્યો હતો. દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ બોલીવૂડ પર કેટલી હદ સુધી કબજો જમાવવા માગતા હતા એનો ખ્યાલ પોલીસને નસીમ રિઝવીની ધરપકડ પછી આવ્યો. શકીલે 15 નવેમ્બર, 2000ના દિવસે રિઝવી સાથે ફોન પર વાત કરી હતી કે ‘આપણે વિનસ મ્યુઝિક કંપનીનો કબજો લઈ લેવો છે એટલે વિનસ કંપનીના માલિક ગણેશ જૈનને મારી સાથે વાત કરાવજે.’ તો વળી 10 નવેમ્બર, 2000ના દિવસે શકીલે રિઝવીને કહ્યું હતું કે ‘ટકલાને (રાકેશ રોશનને) ટૂંક જ સમયમાં ખતમ કરાવી દેવાનો છું અને મંગળવારે કે બુધવારે હું કંઈક કરવાનો છું.’

રિઝવીએ હ્રતિક રોશનને પોતાની ફિલ્મમાં સાઈન કરવા માટે તેનો સંપર્ક કર્યો હતો, પણ હ્રતિકને તેના પિતા રાકેશ રોશને રિઝવીની ફિલ્મ સાઈન કરવાની ના પાડી દીધી હતી. એથી રિઝવી ચીડાયો હતો અને તેણે શકીલને ફરિયાદ કરી હતી. એટલે શકીલે રાકેશ રોશનને ખતમ કરી દેવાનું કાવતરું ઘડ્યું હતું પણ રિઝવીની ધરપકડને કારણે એ કાવતરાનો ભાંડો ફૂટી ગયો અને રાકેશ રોશન બચી ગયા. અગાઉ 22 જાન્યુઆરી, 2000ના દિવસે અબુ સાલેમે પણ રાકેશ રોશનની હત્યાનો પ્રયાસ કરાવ્યો હતો. રોશનને ગોળી વાગી હતી પણ એ બાલબાલ બચી ગયા હતા. એ વખતે રોશને અબુ સાલેમને ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મના ઓવરસીઝ રાઈટ્સ આપવાનો નનૈયો ભણ્યો એટલે સાલેમે રોશન પર હુમલો કરાવ્યો હતો. શાહરૂખ ખાન પોતાની ફિલ્મમાં અભિયન કરે એવી પણ શકીલની ઈચ્છા હતી. એટલે તેણે રીઝવીને કહીને શાહરૂખ ખાનને ધમકી અપાવી હતી. એવું પણ શકીલ-રિઝવીની ટેલિફોનિક વાત પરથી ફલિત થયું હતું. 14 નવેમ્બર, 2000ના દિવસે શકીલે રિઝવીને ફોન પર કહ્યું હતું કે સવારે હકલા (શાહરૂખ) શૂટિંગ પર જવા માટે આઠ વાગ્યે ઘરેથી નીકળશે ત્યારે તેને આંતરીને ધમકી આપવાનો આદેશ મેં મારા માણસોને આપ્યો છે.

શાહરૂખની જેમ રાની મુખર્જી, સલમાન ખાન અને પ્રીતિ ઝિન્ટાને ધમકાવીને પોતાની ફિલ્મ સાઈન કરાવવામાં રિઝવી સફળ થયો હતો. ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ પછી રિઝવી તરત જ બે ફિલ્મ શરૂ કરવાનો હતો અને એ બંને ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા અભિનય કરે એવી શકીલની ઈચ્છા હતી. રિઝવીની ધરપકડ પછી બોલીવૂડના આવા ઘણા ઓપન સીક્રેટ્સ બહાર આવ્યા. બીજી બાજુ રિઝવીની ફિલ્મના ફાયનાન્સર ભરત શાહ પર પણ મુંબઈ પોલીસની તવાઈ આવી.

મુંબઈ પોલીસે રિઝવીની ધરપકડના થોડા સમય પછી ભરત શાહની પણ એમસીઓસીએ હેઠળ ધરપકડ કરી અને બોલીવુડમાં જાણે ધરતીકંપ થઈ ગયો. ભરત શાહે કોર્ટને ક્હ્યું કે શકીલ સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ મુંબઈ પોલીસે કહ્યું કે અમે ભરત શાહ અને શકીલ વચ્ચે ફોન પર થયેલી વાત ટેપ કરી છે. ભરત શાહે પોતાના બચાવમાં કોર્ટને કહ્યું કે શકીલનો ફોન આવે એટલે બોલીવુડમાં કોઈએ તેની સાથે વાત કરવી જ પડે અને મને શકીલ તરફથી અનેક વાર ધમકી મળી છે. પણ મેં રિઝવીની ફિલ્મમાં ફાયનાન્સ કર્યું છે એનો અર્થ એ નથી કે હું શકીલ પાસેથી પૈસા લઈને ફિલ્મોમાં ફાયનાન્સ કરું છું. જો કે મુંબઈ પોલીસે ભરત શાહને જામીન ન મળે એ માટે આકાશપાતાળ એક કરી નાખ્યા અને ભરત શાહે પોતાનો નિર્દોષ સાબિત કરવા કાનૂની લડાઈ શરૂ કરી.

***

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છોટા શકીલના ફ્રન્ટમેન સમા પ્રોડ્યુસર નસીમ હસન રિઝવીની ધરપકડ પછી અંડરવર્લ્ડની બોલીવૂડ પર કેટલી અને કઈ રીતે પકડે છે, એ વિશે ઘણી માહિતી બહાર આવી. અંડરવર્લ્ડના ખેરખાંઓ માટે બોલીવૂડ જાણે દૂઝણી ગાય સમું બની ગયું હતું. છોટા શકીલ અને અબુ સાલેમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખંડણી ઉઘરાણી ઉપરાંત અનેક રીતે પૈસા કમાઈ રહ્યા હતા. ટોચના ફિલ્મ સ્ટાર્સ પાસે સળંગ તારીખો મેળવીને, ચણા-મમરા જેવું વળતર ચૂકવીને, તેમની પાસે ‘ભાઈલોગ’ના માણસોની ફિલ્મોમાં અભિનય કરાવતો હતો. સામાન્ય પ્રોડ્યુસર્સને રાતા પાણીએ રડાવતા ફિલ્મસ્ટાર્સ ‘ભાઈલોગ’ના આશ્રિત પ્રોડ્યુસર્સની ફિલ્મમાં ઓછા પૈસા અને સળંગ તારીખો ફાળવીને અભિનય કરતા હતા. કોઈ સ્ટાર તારીખો આપવાની કે ફિલ્મ સાઈન કરવાની ના પાડે તો તેને લમણે પિસ્તોલ મૂકીને ‘ભાઈલોગ’ના આશ્રિત પ્રોડ્યુસરની ફિલ્મના સેટ પર લઈ જવાય એવી ઘટનાઓ પણ બની રહી હતી. એક વિખ્યાત હિરોઈને ‘ભાઈલોગ’ની ધમકી પછી પણ એક પ્રોડ્યુસરને તારીખો ફાળવવાનો નનૈયો ભણ્યો એ પછી તેના ઘરમાં ગુંડાઓ ઘૂસી ગયા એને તેમણે તે હિરોઈનનાં ઘરમાં ભાંગફોડ કરીને ધમકી આપી કે હવે પછી નાટક કરીશ તો તારા ઘરનાં ફર્નિચર જેવી જ હાલત તારા હાડકાંની થશે!

ફિલ્મ સાઈન કરવા ઉપરાંત ફિલ્મસ્ટાર્સને વિદેશોમાં સ્ટેજ શો માટે પણ ધમકીઓ મળતી હતી. અને સ્ટેજ શોમાં હાજરી પુરાવ્યા પછી દાઉદ ગેંગ કે અબુ સાલેમ ગેંગ તરફથી ફૂલને બદલે ફૂલની પાંખડી જેવા પુરસ્કાર ફિલ્મસ્ટાર્સે સ્વીકારી લેવો પડતો. ક્યારેક ‘ભાઈલોગ’ને મૂડ આવી જાય અને ખાનગી પાર્ટીમાં મનોરંજન માટે કોઈ હિરોઈનને વિદેશમાં બોલાવવામાં આવે તો પણ તે હિરોઈને પહોંચી જવું પડે એવો વણલખ્યો નિયમ થઈ ગયો હતો. એક હિરોઈને લંડનમાં આવી એક ખાનગી પાર્ટીમાં ડાન્સ કરવા જવાની ના પાડી દીધી ત્યારે તેને દિવસો સુધી ધમકીઓ મળી હતી. છેવટે તે હિરોઈને સમાધાન કરીને લંડન પહોંચી જવું પડ્યું હતું.

(કમશ:)