Once Upon a Time - 128 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 128

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 128

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 128

આવકવેરા ખાતાએ મુંબઈમાં દાઉદની રૂપિયા 125 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. દાઉદે 1990-1991થી 1995-1996 દરમિયાન રૂપિયા 45 કરોડનો સંપત્તિવેરો ભર્યો નહોતો એટલે આવકવેરા ખાતાએ તેની 13 મિલક્ત જપ્ત કરી હતી. આવકવેરા ખાતા દ્વારા દાઉદની આ મિલકતોની લિલામીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. જો કે દાઉદ માટે આ મિલકત ચણા-મમરા બરાબર જેવી હતી. દાઉદે મુંબઈમાં રૂપિયા 1500 કરોડથી વધુ કિંમતની મિલકત ઊભી કરી દીધી હતી. એ ઉપરાંત દુબઈ અને કરાંચીમાં પણ દાઉદે મોટે પાયે રોકાણ શરૂ કર્યું હતું એટલે રૂપિયા 125 કરોડની પ્રોપર્ટી જપ્ત થઈ એથી દાઉદનું પેટનું પાણી પણ હલ્યું નહોતું.

જો કે આ દરમિયાન આવકવેરા ખાતાએ જપ્ત કરેલી દાઉદની મિલકત પર કેટલાક માણસોએ કોર્ટમાં કેસ કરી દીધો કે આ તો અમારી મિલકત છે. એટલે દાઉદની જપ્ત થયેલી પ્રોપર્ટી પૈકી મુંબઈમાં ગિરગાવ ચોપાટી સામે રૂપિયા 82 કરોડની બોમ્બે ગેરેજ, મેહર હાઉસની જગ્યા અને જાગેશ્વરીમાં દીવાન શોપિંગ સેન્ટરમાં રૂપિયા 21 કરોડની કિંમતની દુકાનોની લિલામી સામે કોર્ટનો સ્ટે આવી ગયો. આવકવેરા ખાતા દ્વારા જપ્ત થયેલી દાઉદની પ્રોપર્ટી પૈકી કેટલીક પ્રોપર્ટી પર કેટલાક હિંમતવાન મુંબઈગરાઓએ પોતાની માલિકીનો દાવો કર્યો ત્યારે અંડરવર્લ્ડને આશ્વર્ય નહોતું થયું એ જ રીતે મુંબઈ પોલીસના અધિકારીઓને પણ આશ્વર્ય નહોતું થયું, જોકે આવકવેરા ખાતાએ આવી કેટલીક પ્રોપ્રર્ટીઝ બાદ કરીને બાકીની પ્રોપર્ટીઝની લિલામીની પ્રક્રિયા હાથ ધરી. આવકવેરા ખાતાના અધિકારીઓને અંદાજ હતો કે દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટીઝનું લિલામ કરવામાં તકલીફ પડવાની હતી. પણ દાઉદની પ્રોપર્ટીઝની લિલામી વખતે કેવી સ્થિતિ સર્જાશે એનો પૂરો અંદાજ આવકવેરા ખાતાના અધિકારીઓને નહોતો.

આવકવેરા ખાતાએ દાઉદની રૂપિયા 125 કરોડની પ્રોપર્ટીઝ કબજામાં લઈ લીધી હતી પણ દાઉદ પાસે એ પ્રોપર્ટીઝથી અનેક ગણી કિંમતની બેનામી પ્રોપર્ટીઝ મુંબઈમાં હતી. દાઉદ તેના અંડરવર્લ્ડ સામ્રાજ્યની મદદથી જબરદસ્ત આર્થિક સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. તે હજારો કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક બની ગયો હતો અને મલ્ટિનેશનલ કંપનીના વડાની જેમ તેણે એક વ્યવસ્થિત તંત્ર ગોઠવી દીધું હતું. દાઉદે સિત્તેરના દાયકામાં તેના મોટા ભાઈ શબ્બીર સાથે નાના-મોટા ખેલ શરૂ કર્યા હતા. પણ 1982માં શબ્બીરનું ખૂન થઈ ગયું એ પછી દાઉદ દિનપ્રતિદિન પોતાનું નેટવર્ક મજબૂત કરતો ગયો હતો અને એંસીના દાયકાના ઉત્તરાર્ધમાં તેણે દુબઈમાં પગ મૂક્યો એ પછી તેનામાં જબરદસ્ત પરિવર્તન આવી ગયું હતું. ડોંગરીના સામાન્ય યુવાનમાંથી તે જાણે સફળ બિઝનેસમેન બની ગયો હોય એમ એની લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ હતી. દુબઈથી કરાચી ગયા પછી કરાચીમાં પણ તે બિઝનેસ ટાઈકૂનની જેમ જ રહેતો હતો.

જો કે દાઉદનો બિઝનેસ, જૂના જમાનાનો ‘બિઝનેસ’ નહોતો થઈ ગયો, પણ સિસ્ટેમેટિક બની ગયો હતો. દાઉદનો એક ભાઈ (શેર-શાયરીનો શોખ ધરાવતો અને એક હિન્દી ફિલ્મમાં ગીતો પણ લખી ચૂકેલો) નૂર-ઉલ-હક ઉર્ફે નૂરા દાઉદની સલામતીની જવાબદારી સંભાળવા માંડ્યો હતો. એની ફરજ દાઉદના સિક્યુરિટી ચીફ જેવી ગણાવી શકાય. દાઉદનો ત્રીજો ભાઈ હુમાયુ દુબઈમાં ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓના શો રૂમ્સ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ચલાવતો હતો. તો વળી મુસ્કીન ઈબ્રાહીમ દુબઈની બહાર હવાલા નેટવર્ક સંભાળતો હતો અને ઈકબાલ દુબઈમાં હવાલા નેટવર્કની જવાબદારી સંભાળતો હતો. દાઉદનો ભાઈ અનીસ ડ્રગ્સના અને નકલી કરન્સીના કારોબારમાં પડી ગયો હતો. દાઉદ ‘ડી’ કંપનીનો સીએમડી હતો તો અનીસ ‘ડી’ કંપનીનો સીઈઓ બની ગયો હતો.

અનીસની મહાત્વાકાંક્ષા જબરદસ્ત હતી એટલે તેણે દાઉદના નેટવર્કને દુબઈ અને ભારત બહાર અન્ય દેશોમાં ફેલાવવામાં સિંહફાળો આપ્યો હતો. તેણે દાઉદ ગેંગનું નેટવર્ક પૂર્વ એશિયાના દેશોથી દક્ષિણ આફ્રિકા સુધી વિસ્તારી દીધું હતું. બેંગકોકના છોટા રાજનની હત્યાનો પ્રયાસ થયો એના થોડા મહિનાઓ અગાઉ અનીસના સાથીદાર આફતાબ બટકીની ધકપકડ પછી નકલી અમેરિકન ડોલર છાપવાનું પ્રિન્ટીંગ યુનિટ ઝડપાયું હતું. એ ‘કારોબાર’ પાછળનું માસ્ટર માઈન્ડ પણ અનીસ જ હતો. પાકિસ્તાની ભાંગફોડિયા જાસૂસી સંસ્થા આઈએસઆઈની મદદથી તેણે ભારતમાં પણ કરોડો રૂપિયાની બનાવટી ચલણી નોટો ઘુસાડી દીધી હતી. 1997માં મુંબઈમાં ઓડિયોકિંગ અને ફિલ્મનિર્માતા ગુલશનકુમારની હત્યા પાછળ અબુ સાલેમ ઉપરાંત અનીસનું ભેજું પણ કામ કરી ગયું હતું. મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટસના મુખ્ય આરોપી પૈકી એક અનીસે ખંડણી ઉઘરાણી દ્વારા પણ તગડી કમાણી કરી હતી. આકરા દિમાગનો અનીસ વારંવાર ગુસ્સે થઈને સામાન્ય ઝઘડાથી માંડીને ગોળીબાર કરવા સુધીની આક્રમકતા બતાવતો હતો. એવા સ્વભાવને કારણે જ 8 જાન્યુઆરી, 1999ના દિવસે તે બહેરીનની ‘મૂન પ્લાઝા’ હોટેલમાંથી ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયો હતો. એવી જ રીતે ઈરફાન ગોગાની સાથે ઝઘડો થયા પછી તેણે ગોગાનું ખૂન કરી નાખ્યું હતું. એટલે 14 નવેમ્બર, 1998ના દિવસે દુબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ દરમિયાન દાઉદ ગેંગના છેડા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘અલ કાયદા’ સુધી પહોંચી ગયા હતા. એનું શ્રેય પણ અનીસને જ જતું હતું. અનીસે અમેરિકાની અને ઈંગ્લેન્ડની ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. એ કંપનીઓ મની લોન્ડરિંગનો ‘કારોબાર’ કરતી હતી અને અલ કાયદાની બિનસત્તાવાર ‘ઓફિસ’ તરીકે તેનો ઉપયોગ થયો હતો. અનીસ એક કાર્ગો કંપનીમાં પણ ભાગીદાર થઈ ગયો હતો અને એ કાર્ગો કંપની કેન્યા અને સોમાલિયા જેવા આફ્રિકન દેશોમાં આતંકવાદી જૂથોને શસ્ત્રો પણ પહોંચાડતી હતી.

અનીસનું નેટવર્ક એટલું વિસ્તરી ગયું હતું કે તેને ઓળખતા કેટલાક ભારતીય પત્રકારોએ એવા અહેવાલો છાપવા માંડ્યા હતા કે ‘દાઉદ સાથે અનીસે ડી ગેંગ પર કબજો જમાવવાની સ્પર્ધા શરૂ કરી દીધી છે. અનીસે દાઉદને કોરણે મૂકી દીધો છે અને તે પોતાની રીતે જ દાઉદથી મોટું નેટવર્ક જમાવી દેવા મથી રહ્યો છે!’

પણ વાસ્તવમાં દાઉદનો તેના ભાઈઓ વચ્ચે જબરદસ્ત ‘ઈમોશનલ બોન્ડ’ હોવાને કારણે કાસકર ભાઈઓ વચ્ચે જામી પડવાની શક્યતા જ નહોતી. હા, ક્યારેક અનીસના કોઈ કામથી દાઉદ તેને ટપોરતો રહેતો હતો, પણ છોટા શકીલ અને અનીસ વચ્ચે ઝઘડો થયો અને શકીલે અનીસને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી ત્યારે દાઉદે છોટા શકીલની ધુળ કાઢી નાખી.

જોકે દાઉદ અને શકીલને પણ એકબીજા વિના ચાલે એમ નહોતું. શકીલ ખંડણી ઉઘરાણી દ્વારા અને દૂઝણી ગાય જેવી હિન્દી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાંથી ડી ગેંગ માટે તગડી કમાણી કરી રહ્યો હતો. દાઉદની એ ખૂબી હતી કે તે તેની સાથેના માણસોની ટેલન્ટ પારખીને તેની પાસેથી ચોક્કસ પ્રકારનું કામ કરાવતો હતો. અનીસ આક્રમક હતો એટલે દાઉદે એને છૂટ્ટો દોર આપી દીધો હતો. અને હુમાયુ સરળ અને વેપારી જેવા સ્વભાવનો હતો એટલે દાઉદે તેને શોરૂમ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ કરાવી દીધા હતા. કવિ મિજાજ ધરાવતા નૂરાને દાઉદે પોતાની સિક્યુરિટી માટે ગોઠવાયેલા માણસોને સાચવવાનું કામ સોંપી દીધું હતું અને એ જ રીતે અગાઉ દાઉદે છોટા રાજન પાસેથી તેની ટેલન્ટ પ્રમાણે કામ લીધું હતું.

એ બધાની જેમ દાઉદે છોટા શકીલની પ્રતિભા પારખીને તેને ગમતું કામ સોંપ્યું હતું. શકીલના ભાગમાં મુંબઈ અને બૉલીવુડ હતા. શકીલ મુંબઈના વેપારી-ઉદ્યોગપતિઓ ઉપરાંત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેરખાંઓને નિશાન બનાવીને એમની પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. ખંડણી ચૂકવવાનો નનૈયો ભણનારા બોલીવુડના માંધાતાઓને ગભરાવવા માટે શકીલ ગોળીબાર પણ કરાવતો હતો. જો કે તે તેના શૂટર્સને સૂચના આપતો હતો કે બૉલીવુડના ખેરખાં મરી ન જાય એ રીતે તમારે ગોળી ચલાવવાની છે.

બૉલીવુડના કેટલાક ફાઈનૅંસર્સ અને પ્રોડ્યુસર્સ શકીલના ખબરીઓને ‘માલદાર પાર્ટીઓ’ વિશે માહિતી આપતા. અને પછી એ માહિતી મળે એટલે શકીલ બાકીનું કામ સંભાળી લેતો હતો. આવા ખબરીઓ દ્વારા શકીલ ઘણી હિન્દી ફિલ્મોમાં પૈસા પણ રોકતો હતો, પણ 2000ના વર્ષના અંતિમ સપ્તાહમાં મુંબઈ પોલીસે છોટા શકીલને જબરો આંચકો આપવાની સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધ્રુજાવી દીધી.

(ક્રમશ:)