Once Upon a Time - 126 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 126

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 126

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ – 126

‘20 નવેમ્બર, 2001ની રાતના 2 વાગે છોટા રાજન સમિતિવેજ હોસ્પિટલમાં પોતાના રૂમમાં તહેનાત બે થાઈ પોલીસ અધિકારીઓને આગ્રહ કરીને શરાબ પીવડાવી રહ્યો હતો. ખાસ્સા દિવસોથી સારવાર લઈ રહેલા છોટા રાજન સાથે તે અધિકારીઓની દોસ્તી થઈ ગઈ હતી. સમિતિવેજ હોસ્પિટલમાં રાજનના રૂમમાં બે થાઈ પોલીસ અધિકારીઓ સતત હાજર રહેતા અને રૂમની બહાર પાંચ સશસ્ત્ર થાઈ પોલીસમેન પહેરો ભરતા હતા.

હોટેલમા ‘ડુ નોટ ડિસ્ટર્બ’નું કાર્ડ દરવાજા બહાર લટકાવી દીધું હોય ત્યારે હોટલના કર્મચારીઓ ડિસ્ટર્બ ન કરે એ રીતે રાજને હોસ્પિટલના કેટલાક ડોક્ટર્સ અને અધિકારીઓના ગજવા ગરમ કરીને એવી વ્યવસ્થા કરી લીધી હતી કે તેના રૂમમાં આવી મહેફીલ જામી હોય ત્યારે તેને કોઈ ડિસ્ટર્બ ન કરે. રાજનના રૂમમાં અવારનવાર આવી મહેફીલ જામતી હતી. પણ આજની મહેફીલ જરા જુદી હતી. રાજનના પૈસા અને પોતાના જોખમે શરાબની મજા માણી રહેલા થાઈ પોલીસ અધિકારીઓને ખબર નહોતી કે આજે તેમના શરાબમાં ટ્રાન્ક્વિલાઈઝરનો ડોઝ હતો!’

વાત કરતા કરતા પપ્પુ ટકલાએ પોતે શરાબનો એક મોટો ડોઝ, સોરી ઘૂંટ લીધો અને પછી સ્ક્રિપ્ટ રાઈટરની સ્ટાઈલથી વાત આગળ ધપાવી.

***

20 નબેમ્બર, 2001ના રાતના 3.40 કલાકે બેંગકોકની સમિતિવેજ હોસ્પિટલના પાછળના ભાગમાંથી એક ઓળો દોરડાની મદદથી લટકીને બીજા માળેથી નીચે ઉતર્યો. એ દોરડું વાસ્તવમાં બેડશીટ્સ બાંધીનને બનાવવામાં આવ્યું હતુ. બેડશીટ્સની મદદથી બીજા માળેથી ઊતરી રહેલો માણસ છોટા રાજન હતો. રાજનના રૂમમાં શરાબની સાથે ટ્રાન્ક્વિલાઈઝરના હળવા ડોઝથી ઘેનમાં સરી ગયેલા થાઈ પોલીસ અધિકારીઓ સામે એક નજર નાખીને રાજન બારી વાટે પાછળથી રોડ ઉપર ઊતરી પડ્યો.

રાજન રસ્તા ઉપર આવ્યો એની પાંચમી સેકન્ડે તે એક કારમાં બેઠો હતો એ કાર અજાણ્યા લોકેશન તરફ રવાના થઈ ગઈ હતી. રાજનને લેવા આવી પહોંચેલા તેના બે સાથીદારો પૈકી એક સાથીદારે રાજનના હાથમાં મોબાઈલ ફોન આપ્યો. રાજને તેમની સાથે થોડી વાત કરી અને પછી તે મોબાઈલ ફોન પરથી આંતરરાષ્ટ્રીય નંબર્સ ડાયલ કરવા માંડ્યો. દાઉદના શૂટરોએ કરેલા હુમલામાં થયેલી ઈજામાંથી તે બહાર આવી ગયો હતો અને દાઉદ પર વળતો પ્રહાર કરવા માટે સજ્જ થઈ ગયો હતો.

***

દાઉદ ઈબ્રાહિમે છોટા રાજનની હત્યાનો વધુ એક પ્રયાસ કર્યો એની પાછળ માત્ર તેના રાજન સાથેની દુશ્મની કારણભૂત નહોતી. છોટા રાજન ભલે પોતાને હિન્દુ અને દાઉદને મુસ્લિમ ડોન ગણાવતો હોય, પણ વાસ્તવમાં રાજન અને દાઉદ વચ્ચે એક જ સ્પર્ધા હતી, અંડરવર્લ્ડમાં વર્ચસ જમાવવાની. અંડરવર્લ્ડમાં વર્ચસનો સીધો અર્થ થતો હતો, ભારતભરમાંથી થઈ અંડરવર્લ્ડની વાર્ષિક આશરે પાંચ હજાર કરોડ રૂપિયાની આવકમાંથી મોટો હિસ્સો પડાવી લેવો!

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, બર્મા, થાઈલેન્ડ, મલેશિયા અને નેપાળ જેવા દેશોમાં નેટવર્ક જમાવીને બેઠેલા અંડરવર્લ્ડનો ખેરખાંઓ વચ્ચે વાર્ષિક રૂપિયા પાંચ હજાર કરોડની આવકમાંથી મહત્તમ હિસ્સો ખેંચી જવા માટે ગળાકાપ સ્પર્ધા ચાલતી હતી. દાઉદ, રાજન અને બબલુ શ્રીવાસ્તવ તથા અશ્વિન નાઈક જેવા ખેપાનીઓ આ સ્પર્ધાના મુખ્ય ખેલાડીઓ હતા. પણ બબલુ શ્રીવાસ્તવ અને અશ્વિન નાઈક જેલ ભેગા થઈ ગયા હતા. અરુણ ગવળી પણ અંડરવર્લ્ડનો મોટો ખેલાડી હતો પણ તેનો વ્યાપ મુંબઈ અને મહારાષ્ટ્ર પૂરતો મર્યાદિત હતો. વળી, ગવળીના મનમાં રાજકીય વગ જમાવવાની આકાંક્ષા જાગી હતી. આ સ્થિતિમાં દાઉદનો કટ્ટર હરીફ એક જ હતો, છોટા રાજન. રાજને અનેક ડ્રગ્સ સ્મગલર્સને દાઉદ છાવણીમાંથી પોતાની છાવણીમાં ખેંચી લીધા હતા. 2000ના વર્ષ સુધીમાં માત્ર ડ્રગ્સના (કેફી દ્રવ્યોના) ટર્નઓવરનો આંકડો રૂપિયા 3 હજાર કરોડ સુધી પહોંચી ગયો હતો અને રાજન એમાંથી ઘણો હિસ્સો પડાવી જતો હતો.

આ ઉપરાંત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી પણ તગડી રકમ અંડરવર્લ્ડના ખેપાનીઓ પડાવી જતા હતા એમાં છોટા શકીલ અને અબુ સાલેમ પછી રાજનના જમણા હાથ સમા રોહિત વર્માનું નામ પણ ઉમેરાયું હતું. સફળ ફિલ્મ અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકો પાસેથી ખંડણી ઊઘરાણી તથા હિન્દી ફિલ્મ્સ અને એના સંગીતની પાયરસી દ્વારા પણ મુમ્બૈયા અંડરવર્લ્ડ તગડી કમાણી કરતું હતું. એ સિવાય વાર્ષિક હજારો કરોડ રૂપિયાની ઊથલપાથલ કરતા મુમ્બૈયા હીરાબજારમાંથી પણ દાઉદ-રાજન કમાણી કરી રહ્યા હતા. તો મુંબઈ સહિત દેશના ટોચના શહેરોમાંથી હોટેલિયર્સ અને બિલ્ડર્સ પાસેથી ખંડણીની ઊઘરાણી, સોપારી કિલિંગ અને પ્રોપર્ટી પચાવી પાડવા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા અંડરવર્લ્ડને વધારાની આવક થતી હતી.

1992 સુધી દાઉદ ઈબ્રાહિમ આવી તમામ પ્રકારની કમાણીનો મહત્તમ હિસ્સો પડાવી જતો હતો, પણ રાજને તેનાથી છુટા થઈને પોતાની આગવી ગેંગ બનાવી ત્યારથી તે દાઉદના મજબૂત હરીફ તરીકે ઊભરી આવ્યો હતો અને કાળી કમાણીનો ખાસ્સો હિસ્સો તે પડાવવા માંડ્યો એટલે દાઉદને તો આંખના કણાની જેમ ખૂંચી રહ્યો હતો. રાજન પર હુમલા પાછળ આ આર્થિક કારણ ઉપરાંત બીજા કેટલાક નાના મોટા ‘હિસાબ’ પણ જવાબદાર હતા. રાજને કાઠમંડુના નેપાળી સંસદસભ્ય અને દાઉદના મિત્ર તથા આરએસએસના એજન્ટ મિરઝા દિલશાદ બેગની હત્યા કરાવી હતી અને એને કારણે આઈએસઆઈએ પણ રાજનની હત્યા કરવા માટે દાઉદને મદદ પૂરી પાડી હતી.

ટૂંકમાં, રાજનની હત્યાના પ્રયાસ પાછળ માત્ર દાઉદ-રાજનની અંગત દુશ્માનવટ જવાબદાર નહોતી. અગાઉ રાજને પણ દાઉદની હત્યા માટે પ્રયાસ કર્યો એની પાછળ પણ અંડરવર્લ્ડ પર વર્ચસ જમાવવાની રાજનની મહેચ્છા કારણભૂત હતી.

છોટા રાજન બેંગકોકની હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો એટલે છોટા રાજનને બેંગકોકની હોસ્પિટલમાં પતાવી દેવા ઈચ્છતી દાઉદની મનની મનમાં રહી ગઈ. એ દરમિયાન મુમ્બૈયા અંડરવર્લ્ડ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓનું ધ્યાન ખેંચાય એવી બીજી એક ઘટના દુબઈમાં બની ગઈ!’

(ક્રમશ:)