Angarpath - 27 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૨૭

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અંગારપથ - ૨૭

અંગારપથ.

પ્રકરણ-૨૭.

પ્રવીણ પીઠડીયા.

સંજય બંડુ સન્નાટામાં આવી ગયો. સેલફોનમાંથી નીકળતાં આગ ઝરતાં શબ્દો જાણે તેના કાનને ભયંકર રીતે દઝાડતાં હોય એમ તેણે એક ઝટકે ફોનને કાનેથી હટાવી લીધો અને જોરથી તેનો ઘા કર્યો. દોઢ લાખ રૂપિયાની કિંમતનો સેલફોન ફર્શની લીસ્સી લાદી ઉપર અફળાઇને દૂર સરકીને ત્યાં મુકાયેલા સોફા નીચે ચાલ્યો ગયો.

એક સામાન્ય પંટર બબલુએ ગોલ્ડનબારમાં સાંભળેલી વાતચીત ઉડતી ઉડતી છેક સંજય બંડુ સુધી આવી પહોંચી હતી અને સંજય બંડુ પગથી લઇને માથા સુધી ખળભળી ઉઠયો હતો. વાત ભયાનક હતી. વર્ષોની મહેનતનાં અંતે એક જોરદાર નેટવર્ક ગોઠવાયું હતું જેમાથી તેમને અઢળક આવક થવા લાગી હતી. વળી એ નેટવર્કની કોઇને ખબર નહોતી કે નહોતો તેમાં કોઇ હરીફ. જે કામ થતું હતું એ એકદમ સફાઇબંધ અને ખાનગી રીતે ચાલતું હતું જેની કમાણી દિવસે ન વધે એટલી રાતે વધતી જતી હતી. તે અને તેનો બોસ રોબર્ટ ડગ્લાસ ખુબ તેજીથી આગળ વધી રહ્યાં હતા જેમાં કોઇ તેમને રોકવાવાળું નહોતું. પાછલાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં એ ધંધામાં તેમણે કરોડો રૂપિયા બનાવી લીધા હતા અને ધંધો હજું પણ રોકેટ ગતીએ વધ્યે જ જતો હતો. તેઓ મુસ્તાક હતા કે કોઇ તેમના આ ધંધા વીશે જાણતું નથી. પરંતુ એકાએક એ માન્યતાનો ભૂક્કો થઇ જાય એવા સમાચાર તેને સાંપડયા હતા. એ સમાચાર તેના હાથ નીચે કામ કરતાં માણસે આપ્યાં હતા અને એ અત્યંત ચિંતા ઉપજાવનાર હતા.

કોઇક હતું જે તેમના ધંધા વીશે જાણી ગયું હતું અને એ બાબતની ખણખોદ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. તે જૂલીયા નામની એક રશીયન યુવતી હતી જેણે એક એન.જી.ઓ. ચલાવતી બાઈને આ માહિતી આપી હતી. બંડુને એ રશીયન યુવતીની કોઇ વધું ફિકર નહોતી કારણ કે તે ધારે ત્યારે તેને મસળી શકે તેમ હતો પરંતુ પેલી એન.જી.ઓ.વાળી બાઈ ચોક્કસ ઉપાધી પેદા કરશે એની તેને ખાતરી હતી. સમાજસેવાનાં નામે એન.જી.ઓ ચલાવતાં લોકોની પહોંચનો બંડુને બરાબર અનુભવ હતો. એ લોકો ઉંદર જેવા હોય છે. તેઓ એક વખત કોઇ ઘટનાની પાછળ લાગી જાય પછી તેનો કેડો મુકતાં નથી. એ ઘટના અને તેની સાથે સંકળાયેલા લોકોની નાનામાં નાની વિગતો પણ તેઓ ગમે ત્યાંથી શોધી લાવીને દુનિયા સમક્ષ ઉજાગર કરી નાંખતાં હોય છે. અથવા તો ભેગી કરેલી માહિતીનો પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરતાં પણ અચકાતાં હોતાં નથી. એટલે જ બંડુ એકદમ સતર્ક બની ગયો હતો. જૂલીયાનો વહીવટ પતાવવાં પહેલાં સૌ પ્રથમ એ બાઈને રોકવાની જરૂર તેને જણાઇ. જો તેણે આ મામલામાં ખણખોદ કરી અને તેની સહેજે ભનક બજારમાં પ્રસરી ગઇ તો તેમના માટે મુશ્કેલીઓ સર્જાયા વગર રહે નહી. બંડુ એવું કંઇ થાય એની રાહ જોવા માંગતો નહોતો. એ પહેલાં જ તેણે એ બન્નેને સાણસામાં લેવાની પેરવી શરૂ કરી દીધી હતી. તેણે પોતાના માણસોને એ રશીયન યુવતી અને તેની સાથીદાર ઔરતને નશ્યત કરવાનાં હુકમ આપી દીધા હતા.

પરંતુ બંડુ તેમાં થાપ ખાઇ ગયો હતો.

@@@

સૌથી પહેલા રક્ષા ચેતી હતી અને તેને ખ્યાલ આવ્યો હતો કે તે કેવા દલદલમાં પડી છે. જે રાત્રે તેની અને જૂલીયા વચ્ચે દૂર્જન રાયસંગા વીશે ચર્ચા થઇ હતી તેના બીજા જ દિવસે સવારે તેણે એક અજનબી વ્યક્તિને પોતાના ઘરની બહાર ઉભેલો જોયો હતો. એ વ્યક્તિ સતત તેના ઘર ઉપર જ નજર રાખી રહ્યો હતો. તેને સમજતાં વાર ન લાગી કે જરૂર એ તેના માટે જ આવ્યો છે. દૂર્જન રાયસંગાને આટલી જલ્દી ખબર પહોંચી ગઇ એ વાતનું તેને આશ્વર્ય જરૂર ઉદભવ્યું પરંતુ તે જાણતી હતી કે બે-નંબરી ધંધામાં પડેલો વ્યક્તિ ચોવીસ કલાક સતત જાગતો જ રહેતો હોય છે. તે સતર્ક બની ગઇ હતી અને ઘરનાં પાછલા દરવાજેથી બહાર નીકળીને તેણે જૂલીયાને પણ સચેત રહેવાનું જણાવી દીધું હતું.

જૂલીયા નાજૂક યુવતી હતી. તે ગભરાઇ ગઇ. થોડા દિવસો તે પોતાના ઘરમાં જ પૂરાઇ રહી પરંતુ રક્ષા જેટલી તે ભાગ્યશાળી નીવડી નહી. એક દિવસ બપોરનાં સમયે જ્યારે કોઇ કામ અર્થે તે ઘરની બહાર નીકળી ત્યારે તેનું અપહરણ થઇ ગયું. તેના નજીકનાં મિત્રો પણ જાણતાં નહોતા કે અચાનક તે ક્યાં ગાયબ થઇ ગઇ! એ દિવસ પછી બીજા દિવસની સવારે તેનું મૃત શરીર કલંગૂટ બીચ ઉપર મળી આવ્યું હતું અને ગોવામાં ક્રાઇમનો એક નવો જ અધ્યાય શરૂ થયો હતો.

@@@

રક્ષાની રુહ સુધ્ધા કાંપી ઉઠી હતી. જૂલીયાનાં મોતનાં સમાચાર તેણે ટીવી ઉપર જોયા અને તે થથરી ઉઠી. તેને લાગ્યું કે નજીકનાં ભવિષ્યમાં તેના પણ જૂલીયા જેવા જ હાલ થશે એટલે જૂલીયાની જેમ તે પણ થોડા સમય માટે સાવ અંતર્ધાન થઇ ગઇ હતી. પરંતુ એમ છૂપાઇને જીવવું તેના જીન્સમાં નહોતું. તે બહાદુર અને નીડર ઔરત હતી. માત્ર બે દિવસ પછી જ તેણે પોતાની રીતે તપાસ આદરી હતી અને ધીરે ધીરે કરતાં તે એક ભયાનક ષડયંત્રની નજીક જઇ પહોંચી હતી. જેમ જેમ તે એ ષડયંત્ર વીશે જાણતી ગઇ તેમ તેમ તેની ભયાનકતાનો ખ્યાલ રક્ષાને આવતો ગયો હતો. તેણે જે જાણ્યું હતું તેની સામે જૂલીયાએ કહેલી વાતો તો સાવ નગણ્ય જણાતી હતી. તે ખળભળી ઉઠી અને એ અસમંજસમાં જ તેણે એક ન ભરવાનું પગલું ભર્યું.

બસ… એ પછી તેનો ક્ષપ્ત-વિક્ષિપ્ત દેહ બાગા બીચ ઉપર પથરાયેલા અણીયાળા પથ્થરોની આગોશમાં આલમ કાદરી નામના એક યુવકને મળી આવ્યો હતો. એ સમયે રક્ષાનાં શ્વાસોશ્વાસ અત્યંત મંદ ગતીએ ચાલતાં હતા અને તે લગભગ મરવાની અણી ઉપર હતી.

આલમ કાદરી રક્ષાને ઓળખતો હતો. તે તેને હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. ડોકટરોએ રક્ષાની સારવાર શરૂ કરી ત્યારે થોડા સમય માટે તે ભાનમાં આવી હતી અને કંઇક ’જૂલી’ એવું અષ્ટમ-પષ્ટમ બબડી હતી. એ શબ્દો તેની સારવાર કરનારાં ડોકટરને બરાબર યાદ રહી ગયા હતા. રક્ષા હોસ્પિટલમાં દાખલ છે એની ખબર ડેરેન લોબોને પડી હતી અને તે ચોંકી ઉઠયો હતો કારણ કે રક્ષા તેનાં ખાસ જીગરી મિત્ર અભિમન્યુ સૂર્યવંશીની સગ્ગી બહેન છે એ તે જાણતો હતો. ઇનફેક્ટ તેઓ ઘણી વખત આપસમાં મળ્યાં પણ હતા. ડેરેન લોબોએ તાત્કાલીક અભિમન્યુને ફોન લગાવ્યો હતો અને તેને ગોવા આવી જવા કહ્યું હતું. જો કે એ સમયે ડેરેન લોબો જાણતો નહોતો કે તે એક ભયંકર તોફાનને સામે ચાલીને આમંત્રણ આપી રહ્યો છે. અભિમન્યુ ઉચાટ જીવે ગોવાનાં દાબોલીમ એરપોર્ટ ઉપર ઉતર્યો હતો અને તેને રિસિવ કરવા ખુદ લોબો ગયો હતો.

@@@

એ પછીનો સમય અત્યંત ઝડપે પસાર થયો હતો અને સમસ્ત ગોવામાં જાણે ભયાનક યુધ્ધ ફાટી નીકળ્યું હોય એવો માહોલ સર્જાયો હતો. એ પરિસ્થિતિ માટે ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિ જવાબદાર હતો…’અભિમન્યુ સૂર્યવંશી.’ તેણે ગોવાની શાંત અને સૂકૂન ભરી હવાઓમાં તબાહી મચાવી દીધી હતી. એકાએક અભિમન્યુ નામનું વાવાઝોડુ ગોવાનાં આકાશમાં કોઇ કોહરામની જેમ મંડરાવા લાગ્યું હતું અને અત્યાર સુધી ગોવામાં જેમના નામની આણ પ્રવર્તતી હતી એવા ધૂરંધર, ખતરનાક માણસોએ પણ અંડર ગ્રાઉન્ડ થઇ જવું પડયું હતું. અભિમન્યુએ તેની બહેનનાં બદલામાં સમગ્ર ગોવામાં ઉથલ પાથલ સર્જી દીધી હતી. ગોવાનું પોલીસ ખાતું તો ઠીક, અંધારી આલમમાં પણ જબરજસ્ત સન્નાટો આ સમયે પ્રસરી ગયો હતો. કોઇ નહોતું જાણતું કે આવનારી ક્ષણ… આવનારો સમય હવે પછી કેવી તબાહી લઇને આવશે!

@@@

કમિશનર પવારને મળવું જોઇએ કે નહી એ દુવિધામાં કેટલોય સમય તેણે વિચારવામાં વિતાવ્યો. રક્ષા અને કમિશનર પવાર બન્ને હોસ્પિટલના એક જ ફ્લોર ઉપર છે એ જાણ્યું ત્યારે અભિમન્યુ ચોંકયો હતો. હજું હમણાં થોડા સમય પહેલા જ ચારૂએ તેને કમિશનરને મળવાની અને તેમને પેલી ફાઇલ વીશે અવગત કરવાની વાત કહી હતી અને તે ક-મને રાઝી પણ થયો હતો. ચારું તો પોલીસ સ્ટેશને જવા નીકળી ગઇ હતી તો શું તેણે કમિશનરને મળી લેવું જોઇએ, કે પછી ચારુંને સાથે રાખવી જોઇએ? એ સમજાતું નહોતું. ઘડીભર તેણે રક્ષાનાં કમરામાં આંટા માર્યા અને પછી મન મક્કમ કરીને તે કમિશનરનાં કમરા તફર ચાલી નીકળ્યો.

@@@

“એ હરામખોરને અહી લઇ આવ.” ડગ્લાસે હુકમ છોડયો એટલે એક પઠ્ઠા જેવો પહેલવાન વ્યક્તિ તેની જગ્યાએથી હલ્યો અને ગ્રીનરી મઢેલી સુંદર લોન માંથી બહાર નીકળીને ક્યાંક અંતર્ધાન થઇ ગયો.

ડગ્લાસ અત્યારે તેના રિસોર્ટમાં બેઠો હતો. ’ચોરલા’નાં સુંદરતમ્ છતાં ખતરનાક ગણાતા ’ઘાટ’ ઉપર આ રિસોર્ટ આવેલો હતો. રિસોર્ટનાં પાછળના ભાગે દુનિયાથી છૂપાવીને જે અલગ અને અલાયદો વિસ્તાર ડેવલપ કરવામાં આવ્યો હતો એ વિસ્તારનો તે એકલો માલિક હતો. અહી તેણે પોતાનું કંઇક અલગ જ પ્રકારનું સામ્રાજ્ય બનાવ્યું હતું જેની બહું ઓછા લોકોને ખબર હતી.

પેલો આખલાં જેવો પહેલવાન થોડી જ વારમાં ફરી પાછો દેખાયો. અને આ વખતે તેની સાથે અધમૂઇ હાલતમાં દેખાતો એક વ્યક્તિ હતો. એ વ્યક્તિ બીજુ કોઇ નહી પરંતુ ઈન્સ્પેક્ટર કાંબલે હતો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.