Jaane - ajaane - 35 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (35)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (35)

રેવા પર બંધાયેલો ભરપૂર વિશ્વાસ તેમનાં જીવનને શું વળાંક આપી શકે તે પોતે રેવા અને કૌશલને પણ નહતી ખબર.

બીજી તરફ રેવાને દાદીમાં તરફથી મળેલું કામ હતું. અનંતનાં ઘેરથી દવાઓ લાવવાનું. રેવા કૌશલ સાથે વાત કરી તરત પોતાનાં કામે લાગી ગઈ. અનંતનાં ઘર તરફ જતાં વિચારતી હતી કે" ખબર નહીં દાદીમાં એ મને અનંતનાં ઘેર કેમ મોકલી છે!... એ પણ દવાઓ માટે? મારી તો તબિયત સારી છે. તો શેની દવાઓ?... દાદીએ મને કહ્યું પણ નહીં કે કઈ વાતની દવાઓ માટે કહેલું છે અનંતને!... ફક્ત મોકલી દીધી કે જા મારું નામ દઈને લઈ આવ... આવું તો કંઈ હોતું હશે!...." એટલામાં અનંતનું ઘર આવ્યું એટલે રેવાએ દરવાજો ખટખટાવ્યો. કોઈ બોલ્યું નહિ તો રેવાએ અંદર ડોકિયું કર્યું. ઘર ખાલી જણાયું. ઘરમાં નજર ફેરવતાં જ પાછળથી એક અવાજ આવ્યો " ડોકિયું કરવું ખોટી આદત છે...." અચાનક આવેલાં અવાજથી રેવા ગભરાઈ ગઈ અને પગ લપસતા જમીન પર પડી ગઈ. આ જોઈ પાછળ ઉભેલો અનંત જોર જોરથી હસવા લાગ્યો. " મારાંથી આટલી બધી ડરી ગઈ કે ભોંય ભેગી થઈ ગઈ!" અનંતે કહ્યું. "ના... ના.... રેવા કોઈથી નથી ડરતી!... આ તો તારું ઘર જોઉં છું..." રેવાએ જવાબ આપ્યો. અળવીતરો જવાબ સાંભળી અનંત અને રેવા બંને હસી પડ્યા.

અનંતે રેવાને હાથ આપી ઉભી કરી અને ઘરમાં આવવા કહ્યું. "દાદામાં એ..." રેવા હજું કશું બોલે તે પહેલાં અનંતે તેને રોકી કહ્યું " હા ખબર છે તેમણે તને મોકલી છે દવાઓ લેવાં. " "અરે પણ શેની દવાઓ?.... હું તો હવે બરાબર છું. મને જરુર નથી. " રેવાએ ભારથી પુછ્યું. અનંતે જવાબ આપ્યો " દાદીમાં મળ્યાં હતાં મને કાલે. તો તેમણે કહ્યું તું હજું રાત્રે ઉંઘમાં કંઈક અજીબ વસ્તુઓ બબડ્યાં કરે છે. તેમને બરાબર સંભળાતી નથી પણ કંઈક રો...રોહ.... અને દીદી..દીદી... પપ્પા ને એવું કંઈક કહેતાં હતાં. એટલે તેમને ચિંતા હતી તારી. " રેવાને ધીમેથી વાતની સમજણ આવવાં લાગી. " જરૂર આ બધી વાતનો સંબંધ પેલી બધી વાતોથી હશે જે મને આજ સુધી દેખાતી આવી છે. એ રોહન,.. નિયતિ અને દીદી.... કંઈક ગભરામણ અને દોડધામ ભર્યું દ્રશ્યો જે મને ઘડી ઘડી દેખાય છે. મારું બાઈકને લઈને બીક અને પપ્પાને મળવાની તડપ જરૂર તેનો પણ સંબંધ આ વાતથી હશે. શું મારે અનંતને આ બધી વાત કરવી જોઈએ?... તે સમજશે?... મને બીજી કોઈ દવા કે સલાહ પણ આપી શકે છે. શું કરૂં!...." રેવાનાં મનમાં વિચારોના વાદળો છવાઈ ગયાં. વિચારોમાં ખોવાયેલી રેવાને જોઈ અનંતે પુછ્યું " શું થયું .?... કશું બીજું પણ થાય છે? " રેવાએ અનંતને બધી વાત જણાવવાનું શરૂ કર્યું. દરેક વાત ચિવટતાથી અનંતને સમજાવી. અનંતે થોડું વિચારી કહ્યું " ગભરાવાની કોઈ વાત નથી. હવે ધીમે ધીમે દવાઓનો અસર થતો જણાય છે. તારી યાદો જે ખોવાઈ ગઈ છે તે હવે કોઈપણ ક્ષણે યાદ આવી શકે છે. બસ એટલું ધ્યાન રાખજે કે હવે જ્યારે તને આવું કંઈક યાદ આવે તો ગભરાયાં વગર તેને યાદ આવવાં દેજે. તારું ધ્યાન તુટે નહીં અને તને તે દરેક દ્રશ્યો દેખાય ત્યાં સુધી જોજે. હોઈ શકે તને તારાં ઘરનું સરનામું કે ગામ-શહેરનું નામ પણ દેખાય જાય. " અનંતની વાતો રેવાની આંખોમાં ચમક લાવી રહી હતી. અનહદ ખુશીનો અનુભવ સાચવે સચવાતો નહતો. જે વાત સાંભળવાં ક્યારનાં કાન તરસી ગયાં હતાં તે આજે તેને ઉંમંગના અલગ રંગે રંગાઈ રહી હતી. પોતાની ખુશીનો પાર ના રહેતાં રેવા એકદમ ઉછળી અનંતને ભેટી પડી. અનંત રેવાની ખુશીથી ખુશ હતો પણ ત્યાં પહોંચેલું બીજી વ્યક્તિની લાગણીઓ રોળાઇ રહી હતી. બીજું કોઈ નહીં પણ બારણે ઉભેલી પ્રકૃતિ.

એક તરફ રેવાની આંખોમાં ખુશીનાં આંસુ હતાં તો બીજી તરફ પ્રકૃતિની આંખોમાં જલન અને દુઃખનાં. રેવાને અનંત પર ઢળી પડેલી જોઈ પ્રકૃતિની પગ નીચેથી જમીન સરકી રહી હતી. હ્રદય ધબકવાનું જાણે બંધ જ થઈ જશે તેટલી ગભરાઈ થઈ રહી હતી. જે છોકરીને પોતાનાં ગામ અને દિલમાં જગ્યા આપી તે આજે મારી અને અનંત વચ્ચે જગ્યા બનાવી રહી છે. અનંતને ગુમાવવાનો ડર પ્રકૃતિ પર ભારણ વધારી રહ્યો હતો. ગુસ્સો મગજે ચડી જાણે મગજને જ બંધ કરી રહ્યું. શુ કરે, શું વિચારે તેનું ભાન પ્રકૃતિ ને નહતું.
અનંત ધ્વારા રેવાનાં લૂછાયેલા આંસુ અને અપાયેલું આશ્વાસન આજે બીજાં કોઈક માટે શૂરા ભોંકાય સમાન હતું. પ્રકૃતિ આખી વાત નહતી જાણતી. બસ અનંત અને રેવાને સાથે જોઈ પોતાનું મન બાળી રહી હતી. અધુરી બોલાયેલી વાતો અને અધુરું જોવાયેલું સત્ય વિનાશક હોય છે તેમ આજે બરણે ટકોરો વગાડતી પ્રકૃતિ રુપી આફત રેવાનાં જીવનમાં કેટલાં વમળો લાવશે તે પોતે પ્રકૃતિને જ નહતી ખબર.
અસહ્ય પીડાથી તડપી રહેલી પ્રકૃતિ ત્યાંથી ચાલી નિકળી. થોડે દૂર પહોંચી એટલાંમાં પાછળથી રેવાની બુમ સંભળાય એટલે પાછળ વળીને જોયું તો રેવા ખુશીને લીધે કૂદતી ફરતી તેની તરફ આવી રહી હતી.

રેવાને જોતાં જ પ્રકૃતિને માત્ર અનંતને વળગેલી રેવા જ યાદ આવતી હતી. છતાં કશું બોલવાની તાકાત હતી નહીં એટલે ચુપચાપ રેવાની વાત સાંભળવાં ઉભી રહી. રેવાએ ફટાફટ પ્રકૃતિ સમીપે આવી કહ્યું " પ્રકૃતિ.... તું અહીંયા?... તને ખબર છે આજે હું અનંતને મળીને આવી રહી છું અને અનંતે મને જે કહ્યું તે સાંભળી મારું તો મસ્તીથી ઝૂમવાનું મન થાય છે. તું સાંભળીશ તો તને પણ આશ્ચર્ય થશે...." પ્રકૃતિ દ્વારા જોવાયેલ દ્રશ્યો પછી રેવાની આટલી વાત પુરતી હતી કશું પણ અલગ વિચારવા. તેની સહનશક્તિની હદ આવી ગઈ હતી અને તે રેવાની વાત કાપતાં બોલી ઉઠી " મારે નથી જાણવું શું કહ્યું અનંતે!.... અને તારું પણ ખરું છે હોં પોતાની જાતનાં કોઈ ઠેકાણાં નથી, પરિવાર અને ઘરનાં કોઈ ઠેકાણાં નથી છતાં જરાં પણ ચિંતા કર્યા વગર બસ ખુશીથી ઝૂમતી કૂદતી ફરે છે. આખો દિવસ ના જાણે કોની સાથે ફર્યા કરે છે. ગામનાં લોકોએ તને બિચારી સમજી તારી મદદ કરી તો તેં તો અહીં પગ જ જમાવી લીધો. મફતનું ખાવાનું ને લેરથી જીવવાનું. તને બીજાં કોઈની ચિંતા જ નથી. અરે જે પોતાનાં માં-બાપને શોધવા પેટનું પાણી ના હલાવે તેને શું કોઈની ચિંતા હોય...." પ્રકૃતિનો ગુસ્સો તેનાં ઝેર સમાન વાણીથી ટપકી રહ્યો હતો. ના કહેવાની વાતો આજે બેફામ રીતે બોલાય રહી હતી. રેવા માત્ર આશ્ચર્યથી પ્રકૃતિ સામે તાકી રહી. " અરે પણ મારી વાત તો સાંભળ... આવું બધું કેમ...." હજુ રેવા કશું બોલે તે પહેલાં પ્રકૃતિ ફરી બોલી " તારી પાસે કોઈ કામ નહીં હોય પણ અમારે ઘર- પરિવાર છે અને તેમનાં ઘણાં કામ પણ છે. તારી વાતો સાંભળવાનો સમય નથી. અને બીજી વાત આ ગામના લોકો તારી પર દયા કરી તારી મદદ કરી શકે, સારી સારી વાત કરી શકે પણ તેનો મતલબ એ નથી કે કોઈને તારાં માટે ભાવનાઓ જાગી ગઈ. તારાં માટે દરેકનાં મનમાં એક જ ભાવના હોય શકે અને એ છે દયા. " પ્રકૃતિ ત્યાંથી ચાલી ગઈ. પણ રેવા ત્યાં ઉભી માત્ર સ્તબ્ધ જ બની રહી.

પ્રકૃતિનાં એક એક શબ્દો રેવાનાં મનમાં ઘાવ આપી ગયાં. તેની આંખોમાંથી આંસુ નિકળવા જેટલી પણ તાકાત બચી નહતી. તેનાં શ્વાસ રોકાઇ રહ્યાં હતાં. પોતાનાં દરેક કામની પાછળનું કારણ આવું વિચારવા માટે તે કોને દોષ આપે તેનું પણ ભાન હતું નહીં . રેવા રડવા માંગતી હતી. છુપાવાં માંગતી હતી. જ્યાં તેને કોઈ ના જોવે. આ દુનિયા અને તેનાં વિચારો અને વાતોથી દૂર કોઈ એવી જગ્યા જવું હતું જ્યાં તેની નિયત પર પ્રશ્ન ના ઉઠે. રેવા દોડી... પોતાની બધી તાકાત ભેગી કરી દોડી. ક્યાં જવું શું કરવું તેનું ભાન નહતું છતાં બસ દોડતી રહી. નદી કિનારે એક જૂની પડેલી નાવડી જ્યાં કોઈ આવતું જતું નહતું તેની પાછળ જઈ રેવા સંતાઈ ગઈ. પોતાનાં પગને સંકોચી પોતાના હાથથી જોરથી પકડી અને માથું નીચું કરી બસ રડવાં લાગી. પોતાની જાતને કહેવાં લાગી " શું ભૂલ છે મારી! .... બધી વસ્તુ મારી જોડે જ કેમ?... આખરે શું ખોટું કર્યું છે મેં કોઈનું તે મને આવી સજા મળે છે!... કયાં ગામથી, કયાં પરિવારથી છું તે મને ખબર નથી. મારાં માં-બાપ કોણ છે તે ખબર નથી. હું નદીમાં કેમની તણાઈ ગઈ એ પણ ખબર નથી. અને જ્યારે મારી જાતને સાચવવાનો, સંભાળવાનો પ્રયત્ન કર્યો, થોડું ખુશ થવાનો પ્રયત્ન કર્યો તો મારી નિયત પર જ શક થઈ આવ્યો. કોઈને મારાં હોવાં કે ના હોવાથી કોઈ ફર્ક નથી પડતો. આ જગતમાં મારું પોતાનું કહેવાં વાળું કોણ એ પણ ખબર નથી. મને મારાં પપ્પા જોઈએ છે.... પપ્પા ક્યાં છો તમેં!.... તમને મારી યાદ નથી આવતી! અરે બાપ તો પોતાનાં સંતાનને પાતાળમાંથી પણ શોધી લાવે તમેં મને કેમ નથી શોધી શક્યાં.... મને લઈ જાઓ અહિંયાથી. જીવનથી લડતાં ઝઘડતાં થાકી ગઈ છું.... મારાંથી નથી સહન થતું હવે કોઈ વાત.... કાશ મારાં પણ માં- બાપ મારી સાથે હોત... મને પણ બધી મુશ્કેલીઓથી બચાવી લે'ત. " રેવા ચોધાર આંસુઓએ રડી પડી. થોડીવાર હદ વગરનું રડવાં પછી એકદમ તેની નજર પાસેથી વહેતી નદી પર પડી. નર્મદા નદી. રેવા ફટાફટ ત્યાંથી ઉભી થઈ નદી પાસે લગોલગ જઈને ઉભી રહી.

તેનાં પગ પાણી સરસા હતાં. " માં નર્મદા... માતા કહે છે ને અહીં ના લોકો તને!... હું તારી જ પુત્રી છું અને મને તેં જ એક નવો જનમ આપ્યો છે તેમ કહે છે ને આ લોકો તને!.... તારાં નામથી મારું નામકરણ થયું હું રેવાનાં નામે ઓળખાઈ ને!.... તારાં વહેણ સમાણી હું તણાઈ આવી હતી ને .... તો તને તો બધું ખબર છે.. તને તો ખબર છે કે મારું ઘર- પરિવાર કોણ છે!... તો કેમ નથી મેળવી રહી મનેં તેમની સાથે?.... માં નો અધિકાર આપ્યો છે તો ફરજ કેમ નથી બજાવી રહી તું?.... તું મારી માં છે તારાંમાંથી મારો ઉદ્ભવ થયો છે તો તારી દિકરી આજે તારી સાથે એક માં-દિકરીનો સંબંધ બજાવવા આવી છું હું. પોકારું છું તને હું , આવ અને મને માંરાં માં-બાપ સાથે મિલન કરાવ. બે હાથ જોડી , વંદન કરી કહું છું માં..... મ...મારું દુઃખ દુર કર ને માં... " રેવા ગુસ્સામાં ખળખળ વહેતી નર્મદા સાથે જ વાત કરવાં લાગી. પોતાનાં માં-બાપને મળવાની તડપ એટલી હતી કે રેવા છેલ્લે બોલી " જો તારાંમાંથી મારો જન્મ થઈ શકે તો તું મને સાચી રાહ પણ બતાવી શકે. આજે કાં તો તું મને મારી મંજિલ સુધી પહોંચાડી દે અથવા મને તારાંમાં સમાવી લે...... ( મોટાં નાદ સાથે) હર હર નર્મદે.... નમામિ દેવી નર્મદા...." અને રેવા પાણીમાં કૂદી પડી. પોતાની જાતને, પોતાનાં શરીરને મુક્ત કરી પાણીનાં વહેણમાં પોતાને મુક્ત કરી દીધી.

શું થશે રેવાનું તે માત્ર નર્મદાના હાથમાં હતું. એક માં હોવાનો ફરજ અને અધિકાર બંને એક સાથે નિભાવવાનો હતો. શું થશે રેવાનું!... તેની ઈચ્છા પૂર્તિ કે તેનો અંત....!...


ક્રમશઃ