Jaane-Ajaane - 36 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (36)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

જાણે-અજાણે (36)

પાણીનું વહેણ ઝડપી હતું. જાણે એક માં ને પહેલેથી જ અનહોની નો આભાસ થઈ ચુક્યો હોય અને પોતાની બધી તાકાત વાપરી પોતાનાં સંતાનની રક્ષા કરવાની કોશિશ કરતાં મદદ માટે કોઈકને બોલાવી રહી હોય. એક માં પોતાનાં સંતાનને નાની અમથી મુશ્કેલી સુધી બચાવી શકે છે પણ જ્યારે પોતાની મમતાની પરીક્ષા આપવાની હોય ત્યારે!... અને અહીં તો વાત એક નદી જે એક ભગવાન, જીવનદોરી અને એક માંની ભૂમિકા ભજવી રહેલી તેવી માં નર્મદાની છે.

રેવાએ પોતાનાં કહેવાં પ્રમાણે પોતાનાં શરીરને નદીનાં પ્રવાહમાં સોંપી દીધું. બંને હાથ ખુલ્લા કરી, સીધાં કરી કોઈપણ બચાવની કોશિશ વગર તે નદીમાં આવતાં ઝપાટાબંધ પાણી સાથે પોતાને વિલિન થતાં જોતી રહી. પાણી નાક, કાન અને આંખોમાં જવાં લાગ્યું અને ધીમે ધીમે શ્વાસ રૂંધાવાં લાગ્યો. પેટમાં ધીમે ધીમે પાણી જવાથી તેનું શરીર પહેલાં પાણીમાં ઉંડાણ તરફ જવાં લાગ્યું. છતાં રેવાએ પોતાને બચાવવાનો એક પણ પ્રયાસ કર્યો નહીં. વગર કારણનું વાતાવરણ પણ એકદમ પલટાઈ ગયું. જોતજોતામાં ભર બપોરે તડકામાંથી અંધકાર છવાઈ ગયો. જોર જોરથી પવનો ફૂંકવા લાગ્યાં. ઝડપી વહેતાં વાયરાં સાથે ઝાડ-પાન ક્યાં થી ક્યાં ફંગોળાવા લાગ્યાં. જમીનની ધૂળ પણ પોતાનો રોષ બતાવતાં જાણે વાદળો સુધી ઉંચી ઉઠવાં લાગી. નદીના પાણી ગાંડાતુર બની મોટાં મોટાં ઝાપટાંથી નદીની બહાર સુધી ફેલાવાં લાગ્યું. પ્રકૃતિનું કણેકણ આજે રોષે ભરાવાં લાગ્યું હતું. એમ લાગતું હતું જાણે કોઈ ના બનવાની ઘટનાને આજે પરિણામ મળી રહ્યું હતું.

નિયતિનો ઈતિહાસ આજે રેવા બનેલી નિયતિને વળગી રહ્યો હતો. ના જાણે રેવાની કિસ્મત શું કરાવી રહી હતી. પાણીનાં વધતાં પ્રવાહ સાથે અને ઉછળતાં મોજાં સાથે રેવાનું શરીર પણ પાણીમાં હાલકડોલક થતું હતું. અને હવે તો જાણે શરીર પાણી ઉપર તરવા લાગ્યું હતું. રેવાનાં પેટમાં એટલું પાણી ભરાઈ ગયું હતું કે તે બેહોશ થઈ પાણીની સપાટી સુધી પહોચી રહી. એક ક્ષણ માટે તો રેવાને નર્મદામાં સમાવતા જોઈ વાતાવરણનાં કણેેકણ પણ સ્તબ્ધ થઈ ગયાં. શું ખરેખર માં તેની પુત્રીને સમાવી લેશે?!..... સમય ઓછો હતો અને પાણીનો પ્રવાહ વધારે. એકસાથે મુશળધાર વરસાદ વરસી પડ્યો. દરેકને પોતાનું દુઃખ વ્યક્ત કરવાની રીત હોય અને રેવાની આવી નિયતિ જોઈ સૃષ્ટિ પણ પોતાનું દુઃખ વ્યક્ત કરવાં લાગી. નદીની મોટી મોટી લહેરો જાણે રેવાને પાણીની બહાર ફંગોળવા કોશિશ કરતી હતી. અને અચાનક એક મોટો પાણીનો ઉછાળો અને રેવા બહાર પટકાય ગઈ. પણ પાણી આખાં શરીરમાં પ્રવેશવાને કારણે રેવા બેહોશ હતી. તેની શ્વાસોચ્છવાસની ક્રિયા ધીમી પડવાં લાગી. અસામાન્ય રીતે બદલાયેલી કુદરતી ગતિવિધિથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પણ કુદરત તો જાણે રેવા પર જ ધ્યાન આપી રહી હતી. આવાં બદલાવનું કારણ સમજવું સહજ નહતું તેથી કુદરતી આફત સમજી લોકો પોતપોતાનાં ઘેર પહોંચવા લાગ્યાં. અને રેવા એકદમ સૂમસામ જગ્યા પર એકલી પડી રહી. વરસાદની ગતિ વધી રહી અને રેવાનાં ધબકારની ગતિ ઘટી રહી હતી. પણ તેને જોવાં અને બચાવવા વાળું કોઈ જણાતું નહતું.

એટલામાં વરસાદનાં પ્રવાહ વચ્ચે ઝાંખી નજરે , દૂરથી કોઈક રેવા તરફ આવતાં જણાયું. જોતજોતામાં એક હાથ રેવા તરફ લંબાયો અને એકદમ રેવાનું બાવડું પકડી પોતાનાં ખોળામાં તેનું માંથુ રાખી રેવાને જગાડવાનો પ્રયત્ન થવાં લાગ્યો. અધકચરાં પગ વાળીને, ઘુંટણીયે રેવાને ટેકો આપી બેસેલો એ વ્યક્તિ કૌશલ હતો. ધોધમાર વરસાદમાં , અસ્પષ્ટ વાતાવરણમાં ચિંતા અને ગભરામણની રેખાઓ તેનાં ચહેરાં પર સાફ ઝલકી રહી હતી. જોર જોરથી રેવાનું નામ બોલી રેવાને હોંશમાં લાવવાની કોશિશ છતાં અસફળ બનેલો કૌશલ શું કરે તે સમજાતું નહતું. આસપાસનો આખો વિસ્તાર ભારે પવન અને વરસાદથી ખાલી થઈ ચુક્યો હતો. રેવાનું હ્રદય બંધ પડવાની અણીએ આવી ચુક્યું હતું. મદદ મેળવાનો કોઈ રસ્તો ખુલ્લો જણાયો નહીં. કૌશલનો જીવ અડધો થઈ રહ્યો હતો " શું કરું?.. કશું સમજાતું નથી. રેવ....રેવા પાણીમાં કેવી રીતે?.... કેમ કરીને ભાનમાં લાવું?..." કૌશલનાં આંસુઓ ધોધમાર વરસાદને પણ ભારી પડી રહ્યાં હતાં. કૌશલનું મન માત્ર એ વિચારોમાં હતું કે કેવી રીતે રેવાને બચાવી લઉં. મગજમાં કશું સમજાયું નહીં એટલે કૌશલની સૌથી પ્રાથમિક ક્રિયા રેવાને કોઈ સુરક્ષિત સ્થળ જ્યાં વરસાદથી બચી શકાય ત્યાં પહોંચાડવાનું હતું. કૌશલ કોઈપણ બીજો વિચાર કર્યા વગર રેવાને ઉઠાવી દોડ્યો જેટલી ઝડપ થઈ શકી તેટલી ઝડપે દોડ્યો. પણ બેભાન પડેલી રેવાનું શરીર વધારે ભારે થઈ ચુક્યું હતું અને વરસાદથી રસ્તાઓ પર કાદવ જમા થવા લાગ્યો હતો. કૌશલનો પગ લપસ્યો અને પડી ગયો. પણ છતાં પોતાની ચિંતા કર્યાં વગર ફરીથી ઉભો થયો અને દોડ્યો. પણ તેને કોઈ જગ્યા જડી નહીં એટલે એક મોટાં ઝાડની નીચે રેવાને ઝાડનાં થડ સાથે ટેકવી બેસાડી. હાંફતા હાંફતા ફરીથી કૌશલે રેવાને પોકારી પણ તે જાગી નહીં. રેવાની પેટમાં ભરાયેલું પાણી કાઢવાનું હતું એટલે કૌશલે બંને હાથથી સરખા અંતરે ભાર આપતાં પેટનું બધું પાણી બહાર કાઢ્યુ. કૌશલની દરેક કોશિશ સમયથી હારી રહી હતી. અને આ વખતે પણ કૌશલ નિષ્ફળ રહ્યો.
જોતજોતામાં રેવાનું હ્રદય બંધ પડી ગયું. કૌશલનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. કૌશલનાં શ્વાસ પણ રોકાવાં લાગ્યાં. આંખો સામે થોડાં સમય પહેલાં એક અજાણી બચાવેલી છોકરી રેવા સામે આવી. અને કૌશલે જોરથી બરાડ્યો " રેવા......." તેની ગર્જનાથી એક ક્ષણ માટે આસપાસના ઝાડ-પાન સાથે પવન પણ થંભી ગયો. રેવાને જોર જોરથી હલાવવા લાગ્યો અને રડવાં લાગ્યો. રેવાને પોતાની છાતી સરસી ચાંપી તેને બોલાવતાં જાતજાતની વાતો કરવાં લાગ્યો " ર..રેવા... ઉઠને.... આમ કશું કહ્યાં પૂછ્યા વગર તું નથી જઈ શકતી. આ તો કાંઈ મજાક છે!... જ્યારે મરજી અમારી જીંદગી મા આવે અને જ્યારે મરજી ચાલી જાય!..... તને.... તને યાદ છે ને તે દિવસે... જ્યારે આવી જ પરિસ્થિતિ સર્જાય હતી ત્યારે તું મને મળી હતી. નર્મદાના નીરમાં, બેભાન હાલતમાં અને ગંભીર સ્થિતિમાં. ત્યારે તો હું તને જાણતો પણ નહતો કે ના તારાં બચવાનાં કોઈ એંધાણ હતાં. છતાં તું બચી ગઈ અને જાણ્યાં વગર, સમજ્યાં વગર, કહ્યાં વગર બસ એકદમ અમાંરાં જીવનમાં આવી ગઈ. અરે આપણાં તો ક્યારેય વિચારો પણ નહતાં મળતાં. કેટલું ઝઘડતાં, બોલાબોલ થતી પણ છતાં તું તારી વાત મારી જોડે મનાવી લેતી. દર વખતે - દર વખતે મારે તારી વાત માનવી પડતી. પણ છતાં મને ખોટું ના લાગતું. મને એક સંતોષ હોતો 'તો. પણ આજે તારે મારી વાત માનવી પડશે. ઉભી થા રેવા....હજું મારે ઝઘડવાનું બાકી છે. મારે તારી જોડે કેટલો હિસાબ ચૂકતે કરવાનો બાકી છે.... ત..તને યાદ છે રચનાદીદીનું લગ્ન. કેટલી મહેનતે કામ કર્યાં હતાં. અને જોતજોતામાં ખબર નહીં કેવી રીતે તારી દરેક વાતો સારી લાગવાં લાગી . તારી વાતો, કામો અને નિર્ણયોમાં મારી સહમતી કેવી રીતે જોડાઈ ગઈ?.... મારાં માટે તું મહત્વ ધરાવવા લાગી એ મને પણ ખબર રહી નહીં. મારી દરેક વાતને સમજવા, મને સમજાવવાં તેં જે પણ કર્યું તેનાં પછી મને તારાં પ્રત્યે માન વધવા લાગ્યું હતું. અને અચાનક તું આમ છોડીને જતી રહે તે સહન ના થાય....
અને... અને હજું તારાં પપ્પાને શોધવાનાં છે ને.... તું કેટલી ચિવટતાથી તેમની વાતો કરતી હતી. તને યાદ છે એક વખત તું કહેતી હતી કે હું મારાં પપ્પાને મળીશ તો આમ કરીશ, આવી વાતો કરીશ, આ વાત પુછીશ... વગેરે વગેરે... અરે એ દિવસે તો મારું મગજ ખાય ગઈ હતી તું. છતાં મોં બંધ નહતું રાખ્યું. તો હવે શું થયું?... જાગને આપણે સાથે મળીને તેમને શોધીશું..... તું નહતી કહેતી કે તને એવું લાગ્યાં કરે છે કે તારે હજુ કોઈકનો જીવ બચાવવાનો છે... કોઈકની મદદ કરવાની છે!... તો ઉઠ.... હજું તારું કામ પુરું નથી થયું..... રેવ...રેવા...... ઉઠને.... તારી જોડે મારું જીવન પણ જોડાય ગયું છે તું નહીં જાગે તો હું નહીં જાગી શકું. તને ભાન પણ છે તું કેટલું મહત્વ ધરાવે છે મારી જિંદગીમાં!.... " કૌશલનું મન ગદગદ થઈ ગયું છતાં રેવાનું હ્રદય ધબક્યું નહીં. પણ કૌશલની દરેક વાતનો મનનાં કોઈ નાના ખૂણે રેવા પર અસર તો થયો હતો.
અચાનક રેવાનાં મગજનાં કોઈક તંતુએ હલચલ થઈ. અને રેવાની બંધ મગજ છતાં તેને એક દ્રશ્ય દેખાયું. ના ચહેરાં સ્પષ્ટ હતાં કે ના અવાજ. ના જગ્યાનું ભાન હતું કે ના સંવાદ. છતાં એક અસ્પષ્ટ દ્રશ્યો રેવાનાં મનને હચમચાવી રહ્યાં હતાં. રેવાએ એક પડછાયો જોયો અને એક અવાજ સંભળાયો " નિયતિ..... હા.હા..હા..હા... તું જીવે છે હજું?... શું લાગ્યું તારી કિસ્મત મને હરાવી શકશે?... એક વાર બચી ગઈ હતી તો શું થયું આજે મારું અધુરું કામ જાતે જ પુરૂં થઈ જશે... ઓહ.. હું તો પોતાને યાદ કરાવાનું જ ભૂલી ગયો .... હું યાદ છું ને તને... તારો રો..રોહન!... યાદ છે ને આપણો સંબંધ? કેટલો સુંદર હતો ને!.... સામેથી આવતાં અવાજ પર ધ્યાન આપે તે પહેલાં પાછળથી બીજો અવાજ આવ્યો. " નિયું.... મારી નિયતિ .... બચાવ મને.... તું મને મુશ્કેલીમાં છોડી નથી જઈ શકતી!..". ત્યાં તો જોડેથી બીજો અવાજ આવ્યો " બેટાં..... મારી દિકરી.. " ધીમો સાદ રેવાનાં મનને શાંત કરી રહ્યો હતો. "પપ્પા " કહીને તે પડછાયાની નજીક દોડી!... " પપ્પા તમેં ક્યાં હતા? મેં તમને કેટલાં યાદ કર્યાં. હું કેટલું તડપી છું તમાંરાં વ્હાલ માટે. " " હું પણ તારાં વગર કેટલો તડપ્યો છું બેટાં. . પણ હું મજબુર છું. તારી મદદની જરૂર છે દિકરી.... હું તારી પાસે નથી આવી શકતો!...." પડછાયામાંથી અવાજ આવ્યો. સમજણની દિવાલ કૂદે તે પહેલાં બે અવાજો સાથે મદદ માટે પોકારવાં લાગ્યાં. ત્યાં ત્રીજો અવાજ જોરજોરથી હસવા લાગ્યો. હસવાનો અવાજ એટલી હદ સુધી ડરામણો હતો કે રેવા એકદમ ઝબકી ઉઠી અને મોંથી એક ઊંડો શ્વાસ ભરતાં કૌશલનાં જકડાયેલા હાથો વચ્ચે એક હલચલ થઈ. કૌશલનું ધ્યાન તે તરફ દોરાયું અને આંખોમાં ભરેલાં આંસુ સાથે તેણે રેવા તરફ જોયું.

રેવાને હાંફતા જોઈ કૌશલનાં જીવમાં જીવ આવ્યો. " રેવા... રેવા તું ઠીક છે?.... ઉઠ...ઉઠ...." કૌશલની કોશિશો ફરી શરૂ થઇ ગઈ અને આખરે કૌશલનો અવાજ રેવા સુધી પહોચી ગયો. " કૌશલ...." રેવાનાં મુખમાંથી બોલાયેલો એક શબ્દ કૌશલને દૂનિયાભરની ખુશીઓથી વધાવી રહ્યો હતો. ખુશ બનેલો કૌશલ રેવાને વળગી પડ્યો. રેવાને પોતાનામાં સમાવી લેતાં જાણે આજે કૌશલ કહી રહ્યો હતો કે તે છે રેવા સાથે. બધી મુસીબતોથી બચાવવા. તેને દૂનિયાથી છુપાવવાં. અત્યંત થાકી ચુકેલી રેવામાં હાથ પગ ઉઠાવવાની પણ તાકાત બચી નહતી. બોલવાની કોશિશ કરતાં " કૌશલ...કૌશલ... હું ઠ..ઠીક છું..." કૌશલથી થોડી અડગી થઈ બોલી. કૌશલે રેવાને છોડી તેને બેસાડી. કૌશલનાં ગુસ્સો વધી રહ્યો હતો. " શું કરવાં ગઈ હતી ત્યાં નદીની નજીક?... બેભાન કેવી રીતે પડી હતી?.... અક્કલ નથી તારાંમાં?... વાતાવરણ બગડે તો ઘેર બેસીએ તેવું ભાન છે કે નહિં?.... તને ખબર પણ છે કેટલો ગભરાઈ ગયો હતો હું?... જીવ નીકળી જાત જો તું ભાનમાં ના આવી હોત તો!.... પણ મને સમજાતું નથી તું ત્યાં શું કરતી હતી?...." કૌશલનાં દરેક પ્રશ્નો રેવાને પ્રકૃતિની વાતો યાદ અપાવી રહ્યાં હતાં. પ્રકૃતિનાં દરેક શબ્દો રેવાને અસર કરી રહ્યાં હતાં. તેની વાત યાદ આવી " તારાં માટે બધાનાં મનમાં દયા છે બીજું કાંઈ નહીં. " રેવાનાં મનમાં ગૂંજી રહેલાં આ શબ્દો રેવાને કૌશલથી દૂર કરી રહ્યાં હતાં. " કૌશલ પણ મારી પર દયા જતાવે છે એટલે મને બચાવવા આવ્યો છે. " અને રેવા કશું બોલ્યાં વગર કૌશલથી દૂર ખસવા લાગી. કૌશલ માટે આ આશ્ચર્યની વાત હતી. પણ તેને થયું કદાચ આઘાતને કારણે આવો વ્યવહાર કરતી હશે. અને કૌશલ તેનાથી થોડો દૂર ખસી ગયો. આ જોઈ રેવાને ભરોસો થઈ ગયો કે કૌશલને તેનાં પાસે આવવાથી કે ના આવવાથી કોઈ ફર્ક નથી પડતો. તે માત્ર તેની પર ઉપકાર કરે છે. રેવાનાં આત્મસન્માનને જાણે - અજાણે કૌશલથી ઠેસ વાગી રહી હતી. રેવાના જીવમાં જીવ આવવાથી હવે કુદરત પણ શાંત થવાં લાગી હતી. વરસાદ અને પવન બંને હલકાં પડી રહ્યાં એટલે રેવાએ ઘેર જવાં ઉભી થવાની કોશિશ કરી. સાંજ થઈ ચુકી હતી અને અંધકાર છવાતાં કશું સ્પષ્ટ નહતું તેથી કૌશલે તેને હાથ આપી સહારો આપવાનો પ્રયત્ન કર્યો. પણ મનમાં આવેલો ગુસ્સો રેવાને કૌશલનો હાથ પકડવાથી રોકી રહ્યો અને તેનો હાથ ફંગોળી તે પોતે ઉભી થઈ ચાલવા લાગી. ધીમે ધીમે લથડતા ગબડતાં પણ પોતાની જાતે તે ઘર તરફ વધવા લાગી. અને કૌશલ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. રેવાનાં ના કહેવાં છતાં કૌશલ તેની પાછળ તેનાં ઘર સુધી મુકી ગયો. ઘેર પહોચતાં જ રેવાએ એકપણ વાર કૌશલ તરફ આંખ ઉઠાવીને જોયું નહીં અને સીધી ઘરમાં ચાલી ગઈ. આટલો વિચિત્ર વ્યવહાર યોગ્ય ના લાગ્યો છતાં કૌશલ કશું બોલ્યો નહીં અને પોતાનાં ઘેર નિકળી ગયો. થોડીવારમાં રેવાનાં ઘરનું બારણું ખખડ્યું અને દાદીમાંના દરવાજો ખોલવાં પર બહાર અનંત ઉભો જણાયો . " હું રેવાની તબિયત તપાસવા આવ્યો છું. મને કૌશલે મોકલ્યો. તેણે કહ્યું રેવાની તબિયત સારી નથી?.... " પણ દાદીમાં એ અનંતને ઘરમાં પેસવા ના દીધો. અને કહ્યું " અનંત બેટાં... હમણાં રેવાને કોઈ સારવારની જરૂર નથી. જરૂર પડશે તો બોલાવી લઈશ. " પણ અનંત માન્યો નહીં અને બોલ્યો " વાંધો નહીં દાદીમાં, હવે હું આવ્યો છું તો મળી લઉં ને રેવાને..." અનંતનાં ઘરમાં પ્રવેશવા જતાં દાદીમાં એ તેને રોક્યો અને કહ્યુ " ના..... ઘેર જા... જરૂર પડશે તો બોલાવીશ ." આ વખતે અવાજમાં ભાર અને ગુસ્સો સંભળાતો હતો.
પણ કેમ?... રેવાની એવી કઈ વાતથી દાદીમાં અનંતને દુર કરી રહી હતી?... શું રેવાએ દાદીમાં ને બધી વાત જણાવી હશે?.. જો હા, તો પ્રકૃતિ પર શું અસર પડશે? અને જો ના, તો દાદીમાંનો વિચિત્ર વ્યવહાર કેમ?..


ક્રમશઃ