Once Upon a Time - 82 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 82

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 82

 

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 82

‘પોલીસના ખબરીઓની દુનિયામાં તમારા વાચકોને ખાસ ડોકિયું કરાવવું જોઇએ. અનેક કેસમાં ખબરીઓએ આપેલી માહિતીને કારણે પોલીસ ઓફિસર્સ માટે બગાસું ખાતાં મોંમાં પતાસું આવી પડે એવો ઘાટ થતો હોય છે. મુંબઇમાં ઘણાં ખબરીઓ એવા છે કે પોલીસને માહિતી પૂરી પાડીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે.’ પપ્પુ ટકલાએ વર્તમાનમાં આવીને ‘હૅવર્ડ્ઝ ટુ થાઉઝન્ડ’ બિયરની બોટરમાંથી મગમાં બિયર ઠાલવતાં કહ્યુ.

પછી એણે મગમાંથી બિયરનો મોટો ઘૂંટડો ભર્યો. પપ્પુ ટકલાને બિયર પીતો જોઇને અમને ખરેખર આશ્ચર્ય થતું હતું. અમે જેટલી વાર પપ્પુ ટકલાને મળ્યા એટલી વાર અને બ્લેક લેબલ વ્હિસ્કી પીતા જ જોયો હતો. એણે પણ કદાચ અમારી નજરમાં કુતૂહલ વાંચી લીધું હોય એમ કહ્યું, ‘હું એકદમ હળવાફૂલ મૂડમાં હોઉ ત્યારે બિયર પીવાનું મને ગમે છે.’

પછી ફાઇવફાઇવફાઇવનો ઊંડો કશ ખેંચીને ધુમાડો હવામાં ઉડાવીને એણે કહ્યું, ‘ હાં, તો હું તમને ખબરીઓ વિશે કહી રહ્યો હતો. પોલીસનું કામ ખબરીઓ આસાન બનાવી દેતા હોય છે. પણ એમના વિશે જ્યારે કોઇ ગુંડાને કે ગેંગલીડરને ખ્યાલ આવી જાય ત્યારે ખબરીનું આવી બને છે. પોલીસને માહિતી પહોંચાડવાની સજારૂપે ઘણા ખબરીઓએ જીવ ગુમાવવા પડે છે. એમ છતાં બીજા નવા ખબરીઓ ઊભા થતા રહે છે. મુંબઇમાં તો છેલ્લા પાંચ વર્ષમા ડઝનબંધ ખબરીઓ ગોળીએ દેવાયા છતાં હજી સેંકડો પોલીસ ઓફિસરોને અંડરવર્લ્ડની માહિતી પૂરી પાડી રહ્યા છે.

પોલીસ ઓફિસરોની જેમ કસ્ટમ ઓફિસરો અને ઇન્કમટેક્સ ઓફિસરો પણ પોતાના ખબરી રાખતા હોય છે. પણ આપણે અહીં પોલીસ અને કસ્ટમ્સ ઓફિસરોના ખબરી વિશે જ વાત કરીએ. અંડરવર્લ્ડના ખબરીઓ સાથે કસ્ટમ્સ ઓફિસરો અને પોલીસ ઓફિસરોને ગાઢ સંબંધ હોય છે. ખબરીઓએ આપેલી માહિતીને કારણે ઘણાં પોલીસ ઓફિસરો મેડલ પણ મેળવી શકતા હોય છે. અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા કેસમાંથી 60 ટકા કેસ ખબરીઓએ આપેલી માહિતીને આધારે ઉકેલાતા હોય છે. 30 ટકા જેટલા કેસ પકડાઇ ગયેલા આરોપીઓના ઇન્ટરોગેશન દરમિયાન મળતી માહિતીમાંથી ઉકેલાય છે. અને બાકીના દસ ટકા જેટલા કેસ અકસ્માતે ઉકેલાઇ જતા હોય છે.

ખબરીઓ જ્યારે પોલીસ ઓફિસરને માહિતી આપે ત્યારે સ્વાભાવિક રીતે જ પોલીસ અધિકારીઓ પાસે એમની કંઇક અપેક્ષા હોય છે. કોઇ પોલીસ ઓફિસરને એનો ખબરી માહિતી આપે ત્યારે પોલીસ ઓફિસર એ ખબરીને રૂપિયા બે હજાર જેવી રકમ વળતરરૂપે આપી શકે છે. આ રકમ સત્તાવાર રીતે ડેપ્યુટી કમિશનર અથવા તો એનાથી ઉચ્ચ સ્તરના પોલીસ ઓફિસર આપી શકે છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટરે તો ગાંઠનું ગોપીચંદન કરીને ખબરીઓને વળતર આપવું પડે છે.

ખબરીઓને વળતર આપવા માટે પોલીસ અધિકારીઓને ખાસ મોટી રકમ મળતી નથી હોતી. મુંબઇની વાત કરીએ તો મુંબઇની ડેપ્યુટી પોલીસ કમિશનર લેવલના ઓફિસરોને ખબરીઓને ચૂકવવા માટે દર વર્ષે રૂપિયા બે લાખ જેટલી રકમ મળે છે. એમાંથી તેઓ દરેક કેસ દીઠ ખબરે રૂપિયા બે હજાર ચૂકવી શકે છે.

એડિશનલ પોલીસ કમિશનર ખબરીને કેસ દીઠ રૂપિયા ત્રણ હજાર અને જોઇન્ટ પોલીસ કમિશનર ખબરી પાછળ કેસદીઠ રૂપિયા પાંચ હજાર ખબરીને આપવાની સત્તા ધરાવે છે અને એનો એમણે કોઇ હિસાબ આપવો પડતો નથી.

‘હવે તમને એવો સવાલ થશે કે, ખબરીઓને પેમેન્ટ કરવા માટેની રકમનો હિસાબ આપવો ન પડતો હોય તો પોલીસ ઓફિસરો એ રકમ ખબરીને આપી છે એવું કહીને ગજવામાં મારી ન શકે?’ શરારાતભર્યુ હાસ્ય વેરતાં પપ્પુ ટકલાએ કહ્યું અને પછી એની સ્ટાઇલ પ્રમાણે અમે આગળ કંઇ બોલીએ એ પહેલાં જ એણે વાતનું અનુસંધાન પકડી લીધું. ‘મોટાભાગના પોલીસ ઓફિસરો આવુ કરતા નથી. કારણ કે ખબરીએ આપેલી માહિતીના આધારે ઘણી વાર મોટો મીર પણ મારી શકતો હોય છે. એટલે ખબરીનો વિશ્વાસ તોડવાનું એમને પરવડે નહીં. વળી ખબરીને આપવાનીમામૂલી રકમ ગજવામાં મારવા કરતાં તેઓ બીજા રીતે લાખો રૂપિયા કમાઇ શકે છે. ખબરી પાસેથી માહિતીનો ઉપયોગ કરીને જે તે ગેંગના ગુંડાઓ પર ત્રાટકવાને બદલે કે જે ગેંગના શસ્ત્રો જપ્ત કરવાને બદલે તેઓ બે રીતે પૈસા બનાવે છે. ક્યા તો તેઓ જે ગેંગના ગુંડા કે શસ્ત્રો વિશે માહિતી મળી હોય એ ગેંગ પાસેથી લાખો રૂપિયા મેળવે છે. એવું કરનારા કેટલાક પોલીસ ઓફિસર્સ વિશે આપણા પોલીસ ઓફિસરે ફ્રેન્ડ પણ તમને માહિતી આપી શકશે. પણ આવા કેટલાક ઓફિસર્સને બાદ કરતાં બીજા ઓફિસરો ખબરીઓની માહિતીનો ઉપયોગ કરીને જે તેં ગેંગ કે ગુંડા પર ત્રાટકવાનું પસંદ કરતા હોય છે.

‘કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ અને પોલીસના ખબરીઓ વિશે તમે એક અલગ સીરીઝ તૈયાર કરી શકો એટલો મસાલો હુ તમને આપી શકું એમ છું. પણ અત્યારે તો આપણે માત્ર અંડરવર્લ્ડનો ઇતિહાસ લઇને બેઠા છીએ એટલે ટૂંકંમાં પતાવી રહ્યો છું.’ અમારા પર ઉપકાર કરતો હોય એ રીતે પપ્પુ ટકલા બોલ્યો. એણે નવી ફાઇવફાઇવફાઇવ સળગાવી અને હૅવર્ડ્ઝ ટુ થાઇઝન્ડ બિયરનો વધુ એક ધૂંટડો ભર્યો. ખબરીઓ વિશે વાત કરતાં કરતાં પપ્પુ ટકલાએ બિયરની એક બોટલ ખાલી કરી નાખી હતી. ખબરીઓ વિશે વાત પૂરી કર્યા પછી ફરીવાર મેઇન ટ્રેક પર આવતા એણે કહ્યું, ‘1996ની શરૂઆતમાં દાઉદ ઇબ્રાહિમની માઠી દશા ચાલી રહી હતી એનો પૂરો ફાયદો અરુણ ગળવી અને છોટા રાજન ઉઠાવી રહ્યા હતા. પણ આ દરમ્યાન મુંબઇ પોલીસ વધુ આક્રમક બની હતી એટલે અરુણ ગળવી અને છોટા રાજન ગેંગ માટે પણ એકદમ અનુકૂળ સ્થિતિ તો નહોતી જ! મુંબઇ પોલીસ દાઉદ, ગવળી ને રાજન ગેંગના ગુંડાઓનો એન્કાઉન્ટરમાં ખાતમાં બોલાવી રહી હતી. મુંબઇ પોલીસે 1991થી 1996 સુધીના પાંચ વર્ષમાં 124 ગુંડાઓની લાશ પાડી દીધી હતી. મુંબઇ પોલીસે 1991માં 20 ગુંડાઓને ગોળીએ દીધા હતા. 1992માં 30 ગુંડા પોલીસની ગોળીઓથી માર્યા ગયા હતા. એ પછી 1994 અને 1995 માં 38ગુંડા મુંબઇ પોલીસના ઓફિસરોના હાથે કમોતે મર્યા હતા. એમ છતાં દરેક ગેંગમાં નવા નવા શૂટર ભરતી થઇ રહ્યા હતા અને મુંબઇ પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યા હતા. પણ 1996ની શરૂઆતમાં બનેલી એક ઘટનાથી મુંબઇ પોલીસ ઉપર જબરદસ્ત દબાણ આવ્યું અને મુંબઇ પોલીસ ઝનૂનપૂર્વક તમામ ગેંગના શૂટરો ઉપર તૂટી પડી જાન્યુઆરી 1996માં એક એવા માણસનું મર્ડર થયું કે જેનાથી મુંબઇ પોલીસના કમિશનરથી માંડીને શિવસેના પ્રમુખ બાળ ઠાકરે સુધી બધાને આંચકો લાગ્યો અને એ આંચકાનો પ્રત્યાઘાત વધુમાં વધુ ગવળી ગેંગને અનુભવવો પડ્યો.’

પપ્પુ ટકલા વળી એકવાર એની આગવી સ્ટાઇલથી ફલેશબેકમાં સરકી ગયો. જાણે એની નજર સામે જ આખું ર્દશ્ય ભજવાતું હોય એ રીતે એણે વાત માંડી.

***

‘યે સાલા ગવલી બહુત પરેશાન કર રહા હૈ...’

કુખ્યાત ગુંડા સરદાર અને અરુણ ગવળીના દોસ્તમાંથી દુશ્મન બનેલો અમર નાઇક એક અંગત મિત્ર પાસે હૈયાવરાળ ઠાલવી રહ્યો હતો, ‘સાલા હમારે એરિયામેં હપ્તા વસૂલી કર રહા હૈ ઔર હમારે શૂટર્સ કા જીના ભી હરામ કર દિયા હૈ. સાલા ખુદ તો જેલ મેં બૈઠે બૈઠે સેફ હો ગયા હૈ. બાહર હોતા તો મૈં ઉસકો મૈ જિંદા નહી છોડતા...’

‘ઉસકો મારને કે લિયે બાહર લાને કી ક્યા જરૂરત હૈ, જેલ મે ભી તો ઉન કો માર સકતે હૈ!’ અમર નાઈકના મિત્રએ નાઈકને અધવચ્ચે જ અટકાવતાં કહ્યુ.

એ સાથે અમર નાઈકની આંખોમાં ચમક આવી ગઈ!

(ક્રમશ:)