64 Summerhill - 88 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 88

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

64 સમરહિલ - 88

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 88

'મને જોવા દો...' પ્રોફેસરે મેગ્નિફાઈંગ લેન્સ આગળ ધરીને ચૂંચી આંખે અત્યંત ઝીણા અક્ષરમાં કોતરાયેલા જમાના જૂના તામ્રપત્રો પર નજર ફેરવવા માંડી.

ઝેન્પા મઠ પહોંચ્યા પછી પ્રોફેસર અને ત્વરિતે પોતાની, અલબત્ત ખોટી ઓળખ આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પૂર્વના પ્રાચીન શાસ્ત્ર તેમજ બૌધ્ધ વિદ્યાઓ પર ભારતીય દર્શનની અસર વિશે પોતે સંશોધન કરી રહ્યા છે તેવી વિગતો આપીને તેમણે રાહુલ સાંકૃત્યાયનના ચેફાલ મઠ સાથેના પ્રદાન વિશે વિગતો જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

શરૃઆતમાં તેમને મુખ્ય ખંડના ભોંયતળિયે આવેલી લાઈબ્રેરીમાં લઈ જવાયા હતા. ત્યાં એકાદ કલાક સુધી તેમણે અનેક પુસ્તકો ફેંદ્યા. એ એકેય પુસ્તક કામનું ન હતું તેની ખબર હોવા છતાં સ્કોલર તરીકેની ગંભીરતા દર્શાવવા તેમણે કંટાળા સાથે નોંધ પણ કરી.

'મને નથી લાગતું કે આ લોકો સીધો જ સવાલ કરીએ તો સાચો જવાબ આપે' અહીં જે પ્રકારે ગુપ્તતા રાખવાનો ધારો હતો, અજાણ્યા પરદેશીઓથી જે પ્રકારે અંતર રાખવામાં આવતું હતું એ જોઈને પ્રોફેસરને અવઢવ થતી હતી.

'રાહુલ સાંકૃત્યાયને ભોંયરાના પુસ્તકાલયોનું જે વર્ણન કર્યું છે તેનાં પરથી કશોક અંદાજ આવે?' ત્વરિતે ય ખોટી ખોટી નોંધ કરતા જઈને મગજ કસવાનું ચાલુ રાખ્યું.

'વરાહમિહિર રચિત બૃહદ્સંહિતાના ચાર પ્રકરણો અહીં કોઈક જૂદા જ નામે સચવાયા હોવાનો રાહુલે ઉલ્લેખ કર્યો છે...' લાઈબ્રેરીનો ચાર્જ સંભાળતા સાધુ પાસે જઈને ત્વરિતે કહેવા માંડયું, 'એ પ્રકરણો જોવા મળે?'

'એ પ્રકરણો તામ્રપત્રોમાં છે અને તેની પરવાનગી નથી..'

'આ લોકો...' દુભાષિયા તરીકે આવેલા કેસીએ છેવટે વચ્ચે ઝુકાવ્યું, 'દિવસોથી અહીં ઠેબા ખાય છે. ક્યાંય કોઈ તેમને સરખી મદદ કરતું નથી. તેમનું કામ શું છે એ તો તેઓ જાણે પણ મને લાગે છે કે તેઓ અહીંથી જશે ત્યારે આપણા તિબેટિયનો માટે સારી છાપ લઈને નહિ જાય...' કેસીએ કાકલૂદીભર્યા સ્વરે ઉમેર્યું, 'તમે થોડીક છૂટ આપી શકો તો...'

એ સાધુ ઘડીક પ્રોફેસરને તાકી રહ્યો અને પછી વચ્ચેના ઓરડામાંથી પસાર થતા સાંકડા પેસેજમાં લઈને તેણે ત્રણ મીણબત્તી પેટાવી. લેમ્પ સ્ટેન્ડમાં ત્રણેય મીણબત્તી ખોસીને પાછળ આવવા ઈશારો કરતો તે આગળ વધ્યો અને ત્રણેય તેની પાછળ દોરવાયા.

ડાબા-જમણા બે ત્રણ વળાંક પછી તેણે સાવ સાંકડો દાદરો ઉતરવા માંડયો. આગળના દસેક પગથિયા પર લાકડું જડયું હતું પણ પછીના પગથિયા પથ્થરના હતા. દિવાલ પર જેમતેમ હાથ ટેકવીને ત્રણેય મીણબત્તીના ઉજાસમાં નીચે ઉતરતા ગયા.

'અહીં બે-અઢી હજાર વર્ષ પૂરાણા ગ્રંથો, ભોજપત્રો, તામ્રપત્રો સાચવવામાં આવતા હતા...' તેણે લેમ્પ સ્ટેન્ડ ઊંચું કરીને દિવાલમાં જડેલા દેવદાર અને ચિનારના પાટીયા વચ્ચે ઉજાસ ફેરવવા માંડયો. દરેક જગ્યાએ મીણ પાયેલી દોરીમાં મજબૂત રીતે બાંધેલા અત્યંત જર્જરિત હસ્તપ્રતો, ધાતુના વાળા વડે બાંધેલી તામ્રપત્રોની ગડી, લીમડાના થડના લાકડા સાથે જડેલા ભોજ વૃક્ષની છાલના થપ્પાઓ અને એ દરેક હસ્તપ્રતો, તામ્રપત્રો, ભોજપત્રો પર હજારો વર્ષ પહેલાં દિવ્ય હાથ વડે લખાયેલી જ્ઞાનસંપદા...

મીણબત્તીના આછેરા ઉજાસમાં પ્રોફેસર નીલાંબર રાયનો ચહેરો ઝળાહળા થઈ રહ્યો હતો...

***

'રોજ કેટલાં લોકો અહીંથી પ્રવેશે છે?' ચેકપોસ્ટ ઓફિસરને તેણે રૃઆબભેર પૂછ્યું અને રજીસ્ટર ચેક કરવા માંડયું.

'આમ તો વીસ-ત્રીસ પણ આમ...' સમગ્ર તિબેટ પ્રાંતનો રિજન્ટ, સર્વ સત્તાધીશ પોતે ચેકપોસ્ટની વિઝિટ પર નીકળે એવો આ પહેલો બનાવ હતો. રિજન્ટથી આઠમી-દસમી પાયરીએ આવતો ચેકપોસ્ટ ઓફિસર મેજર ક્વાંગના કડપથી સરખા જવાબે ય દઈ શકતો ન હતો, 'અત્યારે સિઝન છે એટલે રોજના સો પણ હોય છે..'

'કઈ રીતે તમે ચેક કરો છો એ મારે જોવું છે' રજીસ્ટર લઈને તે ઊભો થયો, 'બહાર કોઈને મારા વિશે કહેવાની જરૃર નથી. જેમ ચાલે છે તેમ જ ચાલવા દે..' બહાર આવીને એક જ નજરમાં માહોલ નીરખવા માંડયો.

ઓટલા પર બે ફૌજી લાઈનબંધ ઊભેલા દેહાતીઓના ઓળખપત્રો ચેક કરી રહ્યા હતા. બેરિકેડ પાસે ઊભેલો એક ફૌજી સામાનની તલાશી લેતો હતો. શાકભાજી, ઘાસચારો લઈને જતા લોકોની પૂછપરછ કરી રહ્યો હતો. બેરીકેડની પાછળ બહાર નીકળવાના રસ્તે એક ફૌજી પરમિટના બદલામાં અપાતા બિલ્લાઓ ગણી રહ્યો હતો અને તેનો બીજો સાથીદાર બીડી પીતો પરમિટના કાગળો ફાઈલ કરી રહ્યો હતો.

'કેટલો સ્ટાફ છે અહીં?' તેણે ચેકપોસ્ટ ઓફિસરને પૂછ્યું.

'અત્યારે અઢાર જવાન છે. રાત્રે ૮ હોય તો ય ચાલી જાય...'

'ક્યા પ્રકારની પરમિટનું પ્રમાણ અહીં વધારે હોય છે?' તેમને જોઈને બેય જવાન સતર્ક બન્યા. ચેકપોસ્ટ ઓફિસર પોતે અદબભેર વાત કરતો હોય તો આ જરૃર મોટા સાહેબ હોવા જોઈએ એમ માનીને ધુમ્રપાન કરી રહેલા જવાને બીડી નીચે નાંખી દીધી.

'મોટા ભાગે તો પિલગ્રિમ પરમિટ વધારે હોય છે'

'હમ્મ્મ્...' પરમિટની ફાઈલ જોતાં જોતાં તેણે આસપાસ નજર દોડાવી. ક્યાંકથી ગંધ આવતી હતી. તેણે નાક સંકોર્યું અને અચાનક તેની નજર ઓટલા પાસે પડેલી અડધી બુઝાયેલી બીડીના આછકલા ધુમાડા પર પડી.

'અત્યારે ભારતીય યાત્રાળુઓની સિઝન છે પણ ક્યારેક રિસર્ચ કે એવી પરમિટવાળા ય રડયાખડયા હોય ખરા' ઓફિસર બોલી રહ્યો હતો પણ મેજરની નજર સતત બીડી પર જ હતી. તેણે નીચે ઝૂકીને બીડીનું ઠુંઠું ઊઠાવ્યું અને ધ્યાનથી જોયા કર્યું અને કોઈ કશું સમજે એ પહેલાં બીડી ફેંકનારા ફૌજીને તેણે સટાસટ બે અડબોથ લગાવી દીધી.

અહીં આખાય ઈલાકામાં ક્યાંય ટીમરુના પાન થતા નથી તો ટીમરુની બીડી અહીં કેવી રીતે આવી?

અડધી જ કલાકમાં...

એ જવાન પોપટની જેમ બધું પઢી ગયો હતો. હેંગ્સુનનું સાચું નામ તો કોઈને ખબર ન હતી પણ અહીં દાણચોરીનું કામ રંગેચંગે ચાલતું રહે છે. બધો સામાન સહી સલામત પસાર થઈ જાય એ માટે રોકડ લાંચ ઉપરાંત ટીમરુની બીડી અને અફીણ પણ ક્યારેક ભેટમાં મળે છે વગેરે તમામ વિગતો જાણીને મેજરનું મગજ ફાટફાટ થઈ રહ્યું હતું.

તેણે તાત્કાલિક અસરથી ઓફિસરની ધરપકડ કરવા શીન લાઈને ઓર્ડર કરી દીધો હતો. મેજર આવ્યો કે તરત જ એક પછી એક છીંડા પકડવા માંડયો હતો એથી શીન લાઈને ય પેટમાં ફાળ પડતી હતી.

ઓફિસરની ધરપકડ પછી મેજરે બધા જવાનને એકઠા કર્યા અને નવો ચાર્જ સોંપ્યો ત્યારે એક લબરમૂછિયા, તાજા જ ભરતી થયેલા લાગતા જવાને હાથ ઊંચો કર્યો, 'મારે ય કંઈક કહેવું છે સાહેબ...'

મેજરે તેને અંદર કેબિનમાં આવવા ઈશારો કર્યો.

અહીં દાણચોરી ઉપરાંત પણ જાતભાતના કબાડા ચાલે છે. ચેકપોસ્ટ ઓફિસર પોતે જ બધા ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે. સ્થાનિક દેહાતીઓની કશાય વાંક વગર કનડગત થાય છે. ક્યારેક તિબેટી સ્ત્રીઓનું ય શોષણ થાય છે વગેરે વિગતો નવોસવો ભરતી થયેલો એ જવાન અકળામણથી કહેતો ગયો. મેજર માટે આ કશું નવું ન હતું પણ તે ધીરજપૂર્વક સાંભળતો ગયો.

'... અને સર, થોડા સમય પહેલાં કેટલાંક શંકાસ્પદ લોકો ય અહીંથી પસાર થયા હતા...' પોતે જોયેલી પરમિટ તેને શંકાસ્પદ લાગી. પોતે ઓફિસરનું ધ્યાન દોર્યું પણ રૃપાળી છોકરીથી અંજાયેલા ઓફિસરે આંખ આડા કાન કરી દીધા એ આખી વિગત તે જવાન પૂરી કરે એ પહેલાં તો મેજરની આંખો ફાટી ગઈ... ચહેરા પર પારાવાર સખ્તાઈ તરી આવી અને તરત તેણે શીન લાઈને હાક મારી દીધી...

'લ્હાસા કોન્ટેક્ટ કર... તાત્કાલિક...' તેની ત્રાડથી ચેકપોસ્ટનો તમામ માહોલ ધબકી ગયો હતો. પેલો જવાન પણ અચાનક શું થઈ ગયું તેની તાજુબીમાં કાંપવા લાગ્યો હતો અને મેજર મોટા અવાજે ફોનમાં ઓર્ડર છોડી રહ્યો હતો.

'લ્હાસામાં દેખાતા તમામ ભારતીયો પર નજર રાખો અને જે ટીમમાં રૃપાળી છોકરી હોય એ આખી ય ટીમની તાત્કાલિક ધરપકડ કરો... એક આદમી ય ધ્યાન બહાર ગયો તો તારા રૃંવાડે રૃંવાડે મરચા ભરીશ યાદ રાખજે... હું આવી જ રહ્યો છું'

(ક્રમશઃ)