64 Summerhill - 5 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

64 સમરહિલ - 5

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 5

ઝરમર વરસાદની ભીનાશ ઓઢીને બારીમાંથી પ્રવેશતી પવનની શીળી લહેર છપ્પનસિંઘના છળી ઊઠેલા ચહેરા પર વાગતી હતી. આ જગ્યા કઈ હતી? આ માણસ કોણ હતો? અત્યારે ક્યો સમય થયો હતો? પોતે કેટલોક સમય બેહોશ રહ્યો? છપ્પનના દિમાગમાં અટકળોની સમાંતરે છૂટકારો મેળવવાની તરકીબો દોડી રહી હતી. તેને પકડનારો માણસ પોલિસવાળો ન હોય એથી ખુશ થવું જોઈએ કે એથી મુશ્કેલી વધતી હતી? છપ્પન નક્કી ન્હોતો કરી શકતો.

બારીની બહાર ભીંત સાથે ઘસીને સિગારેટ બૂઝાવવાના બહાને તેણે ડોકિયું કરી લીધું. નીચે એક્રેલિકના છજાં પર વરસાદના છાંટા એકધારો અવાજ કરી રહ્યા હતા. થાંભલા પર જલતા બલ્બના ઉજાસ પર કાળુડિબાંગ અંધારું વિંટળાવા મથતું હતું. કાચી સડક પર જ્યાંત્યાં ભરાયેલા પાણીના ખાબોચિયાનો ઝાંખોપાંખો અણસાર વર્તાતો હતો. દૂર ક્યાંક રેડિયો પર વાગતા ગીતો બંધ થઈ ગયાં હતાં.

આ ઓરડો બીજા માળનો હોવો જોઈએ... છપ્પને બારીની બહાર જરાક અમથી નજર દોડાવીને અનુમાન બાંધવા માંડયા. સડક કાચી છે, વાહનનો ખાસ અવાજ સંભળાતો નથી, ઓરડાની બાંધણી-માવજત-ફર્નિચર જૂનવાણી છે... મતલબ કે તેને આંતરિયાળ કોઈક લોજ કે ધર્મશાળામાં રાખવામાં આવ્યો છે. ઢળતી સાંજે મૂર્તિ ઊઠાવતી વખતે ઝપાઝપી થઈ હતી. એ પછી પોતે ચાર-છ કલાક બેહોશ રહ્યો હોય તો અત્યારે મધરાત થવા આવી હોય. ચોર તરીકેની ખાનદાની આદતને વશ થઈને બારીના સળિયા પર ભીંસાયેલા તેના આંગળાઓ ય બોલી રહ્યા હતા, સળિયા સડી ગયા છે. લાકડાની ફ્રેમના ગુ્રવ્ઝ જરાક જ ખોતરવા પડશે... દિવાલ પર સિગારેટનું ઠુંઠું ઘસતી વખતે તેણે હાથ ફંફોસીને ભીંત પણ ચકાસી લીધી.

ચૂનો ધોળેલી દિવાલોની નીચે બે ઈંટ વચ્ચે તેને જરાક પોલાણ અનુભવાયું. તેના અનુભવી ટેરવાં આસાનીથી સમજી શક્યા કે દિવાલનાં ચણતરમાં સિમેન્ટ વપરાયેલી ન હતી. ગામડાંમાં સિમેન્ટની અવેજીમાં કાળી માટીથી ય ચણતર થતાં હોય... કદાચ ભૂતડો ય...

તેની આંખોમાં ઝબકારો આવી ગયો. કદાચ ભૂતડો નહિ... ભૂતડો જ... તેણે બે ટેરવા પરસ્પર ઘસીને ખાતરી કરી લીધી. આ દિવાલોના ચણતર કે પ્લાસ્ટરમાં ભૂતડો જ વપરાયો લાગે છે અને મંદિર પરિસરની બરાબર સામે ભૂતડાની ખાણ હતી. તો શું એ મંદિરની આસપાસ જ ક્યાંક હતો?

તેણે ઊંડા શ્વાસ લઈને ખુલ્લી હવાની ભીનાશ ફેફસાંમાં ભરી. મનોમન કશોક નિર્ણય બાંધ્યો હોય તેમ તેના જડબાં ભીંસાયા. લમણાંમાં, જડબામાં, પીઠ પર હજુ દર્દ હતું પણ ભાગી શકાશે એવી કલ્પનાથી તે હવે રાહત અને આત્મવિશ્વાસ અનુભવતો હતો.

'આપણે ક્યાં છીએ?' તેણે પીઠ ફેરવીને તરત ચહેરા પર ભોળપણ ઓઢીને જાણે સહજ સવાલ કરતો હોય તેમ પૂછી લીધું.

- પણ પેલો આદમી સ્હેજપણ બેધ્યાન ન હતો.

'બહારનો નજારો જોઈને તને શું લાગે છે?'

ખુરસી પર રાંટો થઈને મેગ્નિફાઈંગ લેન્સ વડે એ મૂર્તિઓના ફોટા નિરખી રહ્યો હતો પણ સાલાની ચબરાક નજરથી કશું ય છાનું ન હતું. છપ્પન મનોમન ગાળ બોલી ગયો... જબરા ખડ્ડુસ સાથે પનારો પડયો છે...

'મૈંને ક્યા કહા તુજે...' હીરો પારખતો હોય તેમ એ મેગ્નિફાઈંગ લેન્સને ઘડીક ફોટાની નજીક લઈ જતો હતો, ઘડીક દૂર લઈ જઈને ત્રાંસી આંખે નિરખતો હતો... 'મૈંને ક્યા કહા તુજે? તું બેવકૂફ છે... સાલા, મામૂલી ચોરી કરી ખાતો તદ્દન બેવકૂફ *** જ છે તું...'

'મૈં કુછ ભી હું...' જો આ પોલીસવાળો નથી તો હવે છપ્પન પણ લડી લેવાના મૂડમાં આવી ચૂક્યો હતો, 'તારે એની સાથે શું લાગે-વળગે? જો તું પોલીસવાળો નથી તો...' છપ્પને ફરીથી ઊંડો શ્વાસ લીધો અને કહી નાંખ્યું, '... કમ ટૂ ધ પોઈન્ટ... તેં મને કેમ પકડયો છે? તારે શું જોઈએ છે?'

'હાહાહાહા....' એ ખડખડાટ ઠહાકો મારતો ત્વરાભેર ખુરસીમાંથી ઊભો થયો. તેનો મજબૂત બાંધો અને ઊંચાઈ ઓરડામાં છવાઈ જતા હતા, 'સાલા, તેં મને પકડયો છે કે મેં તને? ઉલટતપાસ તો તું એવી રીતે મારી કરે છે જાણે હું ચોરી કરતા ઝડપાયો હોઉં...' તેના ચહેરા પર હજુ ય બેફિકરાઈ હતી પણ ગમે ત્યારે હાથ ઊઠાવી દેવાની તેની ઝડપ પારખીને છપ્પન હવે સાવધ હતો.

'હજુ તેં મને મૂર્તિ ચોરાવનારા માણસ વિશે એક અક્ષર પણ કહ્યો નથી... એન્ડ યુ એક્સ્પેક્ટ કે તેરે સવાલોં કા મૈં જવાબ દું?'

'મારે જે કહેવાનું હતું એ મેં કહી જ દીધું છે...' છપ્પન તેની સામે જોઈને મનોમન તો પોઝિશન શોધી રહ્યો હતો. ગન અથવા છરો તેના હાથમાં આવી જાય તો... આમલેટની ખાલી થયેલી પ્લેટની ધાર પાસે એ સાલાએ તદ્દન બેપરવાઈથી ગન ટેકવી હતી અને છરો ક્યાંય દેખાતો ન હતો.

'દેખ, તું જાડી બુદ્ધિનો સાધારણ ઘરફોડિયો નથી એ હું સમજી શકું છું. મને એ ય ખ્યાલ આવે છે કે તું ભણેલો, પોલિશ્ડ એન્ડ સમહાઉ સોફિસ્ટિકેટેડ ખેલાડી છે. પણ મને એ ય સમજાય છે કે પર્ટિક્યુલર આ મૂર્તિઓની પસંદગી કરવા પાછળ તારું દિમાગ નથી... હોઈ જ ન શકે...'

છપ્પન હજુ સાશંક નજરે તેની સામે જોઈ રહ્યો હતો. તેણે ફરીથી છપ્પનની સામે ફોટોગ્રાફ ધર્યા, 'આવા માર્કિંગ કરવા અને સમજવા એ તારું કામ નથી એ મને બરાબર ખબર પડે છે એટલે પહેલાં મને તારામાં રસ પડયો હતો પણ હવે મને એ માણસમાં રસ છે જે તારી પાસે આ બધી ચોરી કરાવે છે. કોણ છે એ?'

'મને નથી ખબર... આઈ મીન ઈટ.. સાચે જ મને નથી ખબર...' મિજાજપલટો કરવામાં છપ્પન માહેર હતો.

'એમ?' એ આદમીએ હોઠ વંકાવીને ટોળમાં તેની સામે જોયું, 'મૈં ક્યા અભી ચ પૈદા હુએલા લગતા હૈ તેરે કો?'

'ભરોસો કરવો કે ન કરવો એ તારી મરજી પણ હું સાચું જ કહું છું...' છપ્પન તેને પલાળવા માટે કાકલૂદીભર્યા સ્વરે બે ડગલાં આગળ વધ્યો. એ આદમીને બેધ્યાન કરવા માટે તેણે આંગિક (બોડી લેંગ્વેજ) અચાનક બોલકાં કરી દીધા. બેય હાથ ડાબે-જમણે પ્રસારીને વધુ નજીક સરકતા તેણે કહ્યું, 'બસ્તર ખાતે એક દોસ્તના રેફરન્સથી એ મને મળવા આવ્યો... એ તો મેં તને કહ્યું, રાઈટ? તેણે મૂર્તિઓ ચોરવાની પ્રપોઝલ મને આપી. મને તેની પ્રપોઝલ ઈન્ટરેસ્ટિંગ લાગી. મેં એ સ્વીકારી લીધી... બસ, એ પછી...'

વાક્ય પૂરું કર્યા વિના જ, એ આદમી સામે તાકી રાખેલી યાચનાભરી નજરનો એક દોરોય પલટાવ્યા વગર અચાનક જ છપ્પને જંગલી બિલાડાની ત્વરાથી ટેબલની દિશામાં પડતું મૂક્યું અને પેલો માણસ નજર પણ હટાવે એ પહેલાં ડાબા હાથથી ટેબલ ગબડાવી દીધું અને જમણા હાથનો ધક્કો મારીને એ બેઠો હતો એ ખુરસી ઉથલાવી નાંખી. છપ્પનના પ્રહારનું ટાઈમિંગ અને અણધાર્યાપણું એટલાં પરફેક્ટ હતા કે મધરાતે ઓરડામાં અચાનક જાણે ધરતીકંપ થયો હોય તેવો માહોલ સર્જાઈ ગયો. ટેબલ અને ખુરશી પછડાવાથી ઓરડાના સન્નાટામાં ધબાકો ગાજી ઊઠયો. આમલેટની સ્ટિલની પ્લેટ ફંગોળાઈને એ ધબાકામાં કાન ચોંકાવી દેતો ખણકારો ઉમેરવા લાગી.

આમ કરવામાં છપ્પન પણ ટેબલની ધાર પર દાઢીભેર પછડાયો. તેણે પૂરી કાળજી રાખી હતી તોય તેના નીચેના દાંત ઉપરના હોઠમાં ઘૂસ ગયા પણ આ ખરાખરીની ઘડી હતી. બેય હાથ જૂદી જૂદી ક્રિયા કરે, નજર ક્યાંક ત્રીજે જ ઠેકાણે તકાયેલી હોય અને પગ વળી પોતાનું કામ કરી જાણે એવા કેળવાયેલા મલ્ટિ ટાસ્કિંગ રિફ્લેક્સિસનો છપ્પને અજબ પરચો બતાવ્યો હતો. જેટલી ત્વરાથી એ પછડાયો હતો એટલી જ સ્ફૂર્તિથી એ ખડો થયો અને ઉથલી પડેલા ટેબલ પરથી બાથરૃમના દરવાજા તરફ ફંગોળાયેલી ગન ભણી લપક્યો. પેલો આદમી ભીંત સાથે અથડાઈને હજુ ખુરસીમાં જ ગોટવાયેલો પડયો હતો એટલી વારમાં તો છપ્પને ગન ઊઠાવી લીધી હતી.

ચંદ સેકન્ડમાં શરીરને અપાર શ્રમ આપીને હવે તેની છાતીમાં હાંફ ભરાયો હતો. ચિરાયેલા હોઠમાંથી લોહી વહેવા લાગ્યું હતું અને અગાઉ જડબા પર, લમણાંમાં, પીઠ પર થયેલી ઈજાના સણકારા મગજને ધમરોળી રહ્યા હતા. તોય તેણે હાંફતા શ્વાસ પર કાબૂ મેળવ્યો. ખુરસીમાંથી ઊભા થવા મથતા આદમીને ડાબા હાથે ઠોંસો મારીને પલંગ પર હડસેલ્યો અને તેનાંથી સલામત અંતરે ઊભા રહીને ગન તાકી દીધી, 'હવે બોલ... તું કોણ છે?'

'કમ ઓન યાર... શું મસ્તીએ ચડયો છે ગધેડા?' એ આદમીએ તેની સામે તકાયેલી ગનની પરવા કર્યા વગર લમણાં પર હાથ દબાવી રાખ્યો હતો. ખુરસીમાંથી અચાનક પછડાયા પછી ભીંત સાથે તેનું માથું અથડાવાથી તેને તમ્મર આવી ગયા હતા. છપ્પનને તેના અવાજની સ્વસ્થતા અકળાવનારી લાગતી હતી.

'હવે મેં તને ઝબ્બે કર્યો છે... ચાલ, બોલવા માંડ ફટાફટ...' છપ્પને ઉગ્રતાભેર કહ્યું પણ એ સાલો લમણે હાથ દીધા પછી ય સ્મિત વેરી રહ્યો હતો...

'ઝબ્બે કરવા માટે ગન લોડેડ હોવી જોઈએ મિ. છપ્પનસિંઘ...' હળવો ઠહાકો મારીને તે ઊભો થયો અને જીન્સના હિપ પોકેટમાંથી ગન કાઢી છપ્પનની સામે ધરી દીધી, 'તારી ગનના કાર્ટ્રિજ તારા હોલ્ડોલના ઝીપ પોકેટમાં પડયા છે પણ આ ગન ફૂલ્લી લોડેડ છે અને સાયલેન્સર પણ ચડાવેલું છે... બોલ, અબ ક્યા કરું મૈં તેરા?'

છળી ઊઠેલા છપ્પને પહેલાં ગનનો બેરલ ઠપકાર્યો. ટ્રીગરનું પ્રેશર ચેક કર્યું. 'ઠિચ્ચ્ચ..' અવાજ સાથે અંદરનું રોટર ખાલી ડ્રમ જોડે અથડાયું અને છપ્પન ઢિંચણભેર જમીન પર ફસકાઈ પડયો.

તેનો મરણિયો દાવ પણ નિષ્ફળ ગયો હતો... સરિયામ નિષ્ફળ...

(ક્રમશઃ)