64 Summerhill - 86 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 86

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

64 સમરહિલ - 86

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 86

ચેકપોસ્ટ પર પોતે દાખલ થાય એ પહેલાં હેંગ્સુનને મોકલવા પાછળ કેસીનો વ્યુહ સ્પષ્ટ હતો. તિબેટમાં પ્રવેશતા બહારના લોકો માટે જાતભાતના પરવાના દાખલ કરીને આડકતરી રીતે ચીને તિબેટને અભેદ્ય બનાવી દીધું હતું. હિરનના કાફલાને તિબેટમાં ઘુસાડવો હોય અને ઘુસાડયા પછી દિવસો સુધી સલામત રાખવો હોય તો અગમચેતી માટે દરેક પ્રકારની બનાવટી પરમિટ જોઈએ.

કેસીને બનાવટી પરમિટ ઊભી કરવામાં કોઈ મુશ્કેલી ન હતી. પરંતુ નિયમ મુજબ, એક પરમિટ હોલ્ડર પાસે બીજા પ્રકારની પરમિટ ન હોઈ શકે. ઠેકઠેકાણે મૂકાયેલી ચેક પોસ્ટમાં ક્યાં અંગજડતી થાય અને ક્યાં સામાનની ય તલાશી લેવાય એ નક્કી નહિ. એવે વખતે જો બીજી પરમિટ તેમના હાથમાં જઈ ચડે તો બધા એકસાથે ઝડપાઈ જાય.

અફીણના દાણચોર તરીકે હેંગ્સુન આ ચેકપોસ્ટમાં પેધો પડી ચૂક્યો હતો. તેની તલાશી લેવાય એ શક્યતા નહિવત્ત હતી. એટલે હેંગ્સુનના સામાનમાં વધારાની પરમિટ, નકલી રૃક્કાઓ, હથિયારો અને બનાવટી ચલણી નોટો વગેરે તમામ જોખમ તેણે રવાના કરી દીધું હતું.

હેંગ્સુને આખોય કાફલો સહીસલામત ચેકપોસ્ટ પાર કરે ત્યાં સુધી ત્યાં જ રહેવાનું હતું.

તિબેટના પ્રવેશદ્વારે જ મુક્તિવાહિનીના આદમી તરીકે ફરજ બજાવતો હેંગ્સુન નાની વયથી જ કાબો થઈ ચૂક્યો હતો. લઘુશંકા પતાવીને ખચ્ચરને તેણે ચારો નાંખ્યો અને ચેકપોસ્ટની બહાર નીકળતી સાંકડી આડશ પાસે ઊભેલા ફૌજીઓ તરફ હાથ ઊંચો કર્યો. પરમિટ ચેક થઈ જાય પછી જો કોઈ શંકાસ્પદ હોય તો અહીં અફસરની હાજરીમાં તેમની અંગજડતી લેવાતી હતી.

'ઉપરવાસમાં હવામાન કેવું છે?' ખચ્ચરને ત્યાં જ છોડીને તેણે સ્મિતભેર ફૌજીને પૂછી લીધું.

'વરસાદ તો અટકી ગયો છે પણ રાત્રે ઠંડોગાર પવન ઠૂંઠવી નાંખે છે...' ફૌજીએ લાલચભરી આંખે તેની સામે જોઈને ઉમેર્યું, 'અને અહીં સાલો ગરમીનો કોઈ ઈન્તેઝામ પણ નથી'

'બીજા ઈન્તેઝામ તો મારા હાથમાં નથી પણ...' તેણે ગરમ કોટના અંદરના ખિસ્સામાં હાથ નાંખીને ટીમરુના પાનમાંથી બનેલી બીડીની ઝૂડી કાઢી અને ફૌજીને ધરી એટલે પેલાની આંખમાં ચમક આવી ગઈ.

ચીનાઓને ખુશ રાખવાનો હેંગ્સુનનો આ બીજો તરીકો હતો.

અહીં તિબેટની ઠંડીગાર હવા અને પહાડી જમીનમાં ક્યાંય ટીમરુના વૃક્ષ થતા નહિ. અહીં કાળઝાળ ઠંડીમાં જીવવા ટેવાયેલા સ્થાનિક તિબેટીઓ અંગીઠી પર ગડાકુના પાન પાથરીને સીધો તેનો ધૂમાડો જ શ્વાસમાં લેવાની આદત ધરાવતા હતા. તેનાંથી ગરમાવો ય મળે અને નશો ય ચડે. પણ અહીંના હવામાનથી ન ટેવાયેલા ચીની ફૌજીઓને આ વિશિષ્ટ પ્રકારનું ધુમ્રપાન ફાવતું નહિ.

લ્હાસા, ગોઈલુંગ્દા, લામ્દો જેવા શહેરી વિસ્તારમાં ચીની સિગારેટ આસાનીથી મળતી પણ અહીં આંતરિયાળ તો તેની ય તંગી વર્તાતી. એવે વખતે ફૌજીઓ હેંગ્સુનની સવારીની કાગડોળે રાહ જોતા.

દૂર સરહદ પાર બ્રહ્મપુત્રના કાંઠે અડાબીડ જંગલોમાં ટીમરુના વૃક્ષો ઊગતા અને હેંગ્સુન ત્યાં પહાડોમાં વસતા આદિવાસીઓ પાસેથી બીડી મેળવી લેતો. સાદી બીડી ય અહીં પહેરો દેતા ફૌજીના ગુસ્તાખ ચહેરા પર દોસ્તાના સ્મિત લાવી શકતી હતી અને ઉસ્તાદ હેંગ્સુન આબાદ રીતે પોતાનું કામ કઢાવી લેતો.

'શોટોનમાં આવવાના કે નહિ?' ફૌજની હિલચાલ જાણવાના હેતુથી હેંગ્સુને સવાલો સજાવવા માંડયા.

'ના રે ભાઈ, અમારે તો અહીં ચેકપોસ્ટ ઉપર રોજ ઉત્સવ જ હોય છે ને' ફૌજીએ ઊંડો કશ લઈને જવાબ વાળ્યો. તિબેટમાં ફરજ બજાવવી એ ચીની ફૌજીઓને મન ઉજાણી જેવું હતું. અહીં તેમનો તમામ દોરોદમામ ચાલી જતો. નાગરિકો પર થઈ શકે તેટલા અત્યાચાર કરવા, દમદાટી મારવી, દેહાતી કસ્બાઓમાં જઈને ગરીબડા તિબેટીઓની સ્ત્રીઓ, દીકરીઓને ભોગવવી અને દેશદ્રોહનો ડર બતાવીને ધનિકોને ખંખેરવા.

તિબેટમાં ફરજ બજાવીને વતન પરત જતો લગભગ દરેક ફૌજી શરીરનું અને ખિસ્સાનું વજન વધારીને જતો.

તેના બેશરમ જવાબથી હેંગ્સુન સમસમી ગયો પણ ચહેરો ગલગોટા જેવો રાખીને તેણે વાતો ચાલુ રાખી. તેની નજર ચેકપોસ્ટના પહેલા પડાવ પાસે પહોંચેલા કેસીના કાફલા પર જ ચોંટેલી હતી.

એ જ વખતે એક જવાન ઓટલા જેવા પહેલાં પડાવ પરથી હાંફળોફાંફળો બહાર આવ્યો. તેના હાથમાં પરમિટના કાગળોની થોકડી હતી અને ચહેરા પર કાળઝાળ શંકા...

*** *** *** ***

જડબેસલાક અંકૂશ રાખવામાં માહેર ચીને શબ્દશઃ એક ચકલું ય પોતાની જાણ બહાર તિબેટમાં પ્રવેશી ન શકે તેવું તંત્ર ગોઠવ્યું હતું.

તિબેટમાં પ્રવેશવાના દરેક માર્ગો પર ચેકપોસ્ટ. પ્રત્યેક દસ ચેકપોસ્ટનો એક ઉપરી અધિકારી અને એ દરેક અધિકારી તિબેટ પ્રોવિન્સના ડિફેન્સ ઓફિસર શીન લાઈને રિપોર્ટ કરે.

ચેકપોસ્ટના ઉપરી અધિકારી દર પંદર દિવસે બદલાઈ જાય, એટલે સ્થાનિક પરમિટ પર થતી સહી પણ દર પંદર દિવસે બદલાઈ જાય. પ્રવાસીઓએ પહેલી ચેકપોસ્ટ પર મૂળ પરમિટ જમા કરાવી દેવાની અને બદલામાં તેમને વ્યક્તિદીઠ એક બેઈઝ આપવામાં આવે. સમગ્ર પ્રવાસ દરમિયાન સતત એ બેઈઝ છાતી પર દેખાય તેમ પહેરી રાખવાનો. બેઈઝના કલર કોડ પણ અલગ. દૂરથી બેઈઝ જોઈને જ ખબર પડી જાય કે આવનાર વ્યક્તિ ક્યાંથી આવ્યો છે, ક્યા હેતુથી આવ્યો છે અને કેટલાં દિવસ માટે તેને પરમિટ મળી છે! પ્રવાસ પૂરો થાય તેના આગલા દિવસે તિબેટ રિજન્ટની ઓફિસથી મૂળ પરમિટ પરત મેળવો પછી જ દેશ છોડી શકાય.

આ આખી ય વ્યવસ્થામાં પ્રવાસી પર સતત નજર રહે, પ્રવાસી કોઈ અનિચ્છનિય જગાએ જઈ ન શકે અને પ્રવાસીના સ્વાંગમાં બીજું કોઈ તો ઘૂસી જ ન શકે એવો ચીનનો હેતુ હતો.

ચબરાક કેસીએ દરેક પ્રકારની બનાવટી પરમિટ તૈયાર રાખી હતી. પહેલી ચેકપોસ્ટ માટે તેણે બે ટીમ પાડી હતી અને એક જ ટીમ પરમિટ હેઠળ ઘૂસે એવો વ્યુહ અપનાવ્યો હતો. એ માટે તેણે એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ પરમિટનો ઉપયોગ કર્યો હતો. આ પરમિટ બેજિંગથી જ સીધી નીકળી શકતી હતી.

ક્રમ એવો હતો કે, જે તે દેશના વિદેશ વિભાગ દ્વારા અરજી કરવાની, એ અરજી ચીનનો વિદેશ વિભાગ ચકાસીને પછી અન્ય સંબંધિત વિભાગને સોંપે અને એ સંબંધિત વિભાગને યોગ્ય લાગે તો પરમિટ માટે ભલામણ કરે. એ પછી જ વિદેશ વિભાગ પરમિટ ઈસ્યુ કરે. આ બધી કાર્યવાહીમાં સ્હેજે એકાદ મહિનો નીકળી જતો હોય.

તળેટીનો ઢોળાવ આડેધડ કાપીને જેમતેમ સમથળ કરાયેલી જમીન, એક તરફ પથ્થરનું ચણતર કરીને બનાવેલો ઓટલો, ઓટલા પર હારબંધ પાથરેલા ત્રણ-ચાર ટેબલ અને ટેબલ પાસે દમામભેર બેઠેલા ફૌજીઓનો કાફલો.

ડાંગર, જવ, કેળાં, સફરજન અને ઘાસચારા જેવી ચીજ-વસ્તુઓ લઈ જતા દેહાતીઓ એક પછી એક ટેબલ તરફ ખસતા જતા હતા. સ્થાનિક નાગરિક હોવાના ઓળખપત્રો રજૂ કરીને બેઈઝ મેળવતા હતા.

કેસી સહજતાથી પણ તીવ્ર સતર્કતાથી જોઈ રહ્યો હતો.

ગમે ત્યારે વરસાદ તૂટી પડશે એવું લાગતું હતું. હવામાં તીવ્ર બફારો હતો અને માહોલમાં એકધારાપણાની સુસ્તી હતી. આઈ-કાર્ડ, પરમિટ, રૃક્કા વગેરે ચેક કરી રહેલો જવાન તદ્દન નવો ભરતી થઈને તિબેટમાં ફરજ પર મૂકાયો હોય તેમ કેસીને લાગ્યું.

તેણે સહજતાથી આસપાસ નજર ફેરવવા માંડી. ચપ્પટ વાળ ઓળીને આંખ પર ચશ્મા ચડાવેલી હિરન તેને ખુદને જ વિચિત્ર લાગતી હતી. ફેલ્ટ હેટ પહેરેલો ઝુઝાર મોંમાં સિગાર ખોસીને હિરન સાથે કશીક વાતો કરી રહ્યો હતો. બીજા આદમીઓ તેમના ખચ્ચર સાથે બેપરવાઈનો ઢોંગ કરતાં આમતેમ ટહેલી રહ્યા હતા પણ દરેકના હૈયામાં ફફડાટ હતો. કેસી એ સમજી શકતો હતો. કઠીના પરીક્ષાઓના આકરા દૌરનો આ આરંભ હતો.

દૂર પછવાડે સંભળાતા ઢોલ અને તૂરીના અવાજ ક્રમશઃ નજીક આવતા જતા હતા અને અબૂધ શ્રધ્ધાળુ દેહાતીઓને જડતીની પ્રક્રિયા જલદીથી આટોપવાની ઉતાવળ ચડતી હતી.

પોતાનો વારો આવ્યો એટલે કેસીએ સ્મિતભેર ટેબલ પર કાર્ડ મૂક્યું. લ્હાસામાં ઓફિસ ધરાવતી ટ્રેવેલ એજન્સી અને સિગ્મુડ ત્સેમ્પા લખેલું નામ વાંચીને એ જવાને ઊંચે જોયું. ધોળી પૂણી જેવો તેનો ચહેરો તદ્દન સપાટ અને ભાવશૂન્ય હતો અને પીંગળી આંખોમાં ય કોઈ ભાવ ન હતા.

કેસીએ ધરેલી પરમિટના કાગળો બાજુ પર હડસેલીને તેણે દરેક ટુરિસ્ટને એક પછી એક પોતાની સામે લાવવાની સૂચના આપી.

સૌથી પહેલાં ઝુઝાર આગળ વધ્યો. તેણે મોંમાંથી ધૂમાડો કાઢીને સિગાર આંગળીઓ વચ્ચે લઈ લીધી અને શાલીનતાથી હળવું સ્મિત કર્યું.

'તેને કહે હેટ ઉતારે...' તોછડી, અધકચરી તિબેટી ભાષામાં એ જવાને કેસીને કહ્યું. કેસીએ ઈશારો કર્યો એટલે ઝુઝારે માથા પરથી હેટ ઉતારી.

હડપચી નીચે વાગ્યાનું નિશાન, જમણી આંખના નેણ નીચે ઈજાનું નિશાન, ગરદન પર એક છરકો...

'વાગ્યાના આટલા બધા નિશાન?' તસવીર, વર્ણન અને સામે દેખાતા આદમીનો ચહેરો એ ત્રણેયને સરખાવી રહેલો એ જવાન બોલી ઊઠયો, 'આ માણસ રિસર્ચર છે કે વોરિયર?'

તેણે તો સહજતાથી જ પૂછ્યું હતું પણ કેસીને ઘડીક ધુ્રજારી છૂટી ગઈ. ચંબલના પાણીથી ઘડાયેલો ઝુઝારનો અલમસ્ત બાંધો અને ચહેરાના નિશાનનું આ વર્ણન... પહેલે જ પગથિયે ચઢાણ આવ્યું કે શું?

તેણે ઝંખવાણું સ્મિત કરીને તરત બીજું ફોર્મ હાથમાં પકડાવી દીધું. દરેકના હુલિયાનું વર્ણન અને તસવીર સરખાવીને પછી તેણે પરમિટ જોવા માંડી.

શોટોન કલાકારોનું આગમન સૂચવતા વાદ્યોના અવાજથી કતારબંધ ઊભેલા દેહાતીઓનો શોરબકોર વધી રહ્યો હતો.

'ક્યા રસ્તે આવ્યા?' આ સવાલનો જવાબ આમ તો સ્પષ્ટ જ હતો. અહીં એક જ દિશાએ રસ્તો ખૂલતો હતો. છતાં આ સવાલ આવશે જ એવું ધારીને કેસી પણ તૈયાર જ હતો.

'જી, ગ્યાંગદોંગથી...'

'એ તો મને ય સમજાય છે, ગ્યાંગદોંગ કેવી રીતે પહોંચ્યા?'

'કોલકાતાથી મ્યાંમાર પહેલો કેમ્પ કર્યો...' આ જવાન જેટલો વખત વાતોમાં લપેટાયેલો રહીને પરમિટ ચેક કરે એટલું કામ આસાન થાય તેમ ધારીને કેસીએ લાંબો રૃટ બનાવવા માંડયો, 'મ્યાંમાર વીસ દિવસની ટૂર હતી. બેજિંગથી પરમિટ મળી પછી થિમ્પુથી લોરાંગ બાય એર પહોંચ્યા. લોરાંગથી વેલી રેલ-વે દ્વારા ઈસ્ટર્ન પ્રોવિન્સમાં એન્ટર થયા અને ઝોંગાગ પછી અહીં સુધીની મુસાફરી ખચ્ચર પર કરી'

કેસી બોલતો હતો એ વખતે એ જવાન કેબિનના લાકડા પર ખીલી જડીને ટિંગાડેલા મોટા કદના નકશા તરફ જોઈ રહ્યો હતો.

'જલ્દી કરો ને...' એક દેહાતી ઔરતે દૂરથી જ ઓળખપત્ર બતાવીને બૂમ પાડી, 'શોટોન સાંગ્વે કેવાસી..' પાછળ ધક્કામુક્કી વધી હતી. કસ્બાના લોકોને જેમ બને તેમ જલ્દી શોટોન કલાકારોનું અભિવાદન કરવા દોડવું હતું. દેવના ઘરે જઈ રહેલા શોટોન કલાકારોના પડછાયાને સ્પર્શ કરવાનો પરંપરાગત રીતે અનેરો મહિમા હતો.

ઢોલના અવાજ અને તિબેટીઓના દેકારાથી ખલેલ અનુભવતા જવાને અણગમાના ભાવ સાથે અવાજની દિશામાં જોયું અને પછી ટેબલના ખાનામાંથી મેગ્નિફાઈંગ લેન્સ કાઢીને ધ્યાનપૂર્વક લાખનું સીલ, રબ્બર સ્ટેમ્પ અને સહી જોવા માંડી અને પૂછતાછ પણ જારી રાખી,

'યાક ક્યાં બદલ્યા?'

'હેં?' આ સવાલ અણધાર્યો હતો એટલે કેસી ઘડીક ખચકાયો.

આટલા લાંબા રૃટ પર ખચ્ચર બદલવા પડે. યાક અને ખચ્ચર અહીં દુર્ગમ પહાડી વિસ્તારની જીવાદોરી હતા. વાહનોની માફક તેનાં ય રજીસ્ટ્રેશન થાય. લાંબી મુસાફરી દરમિયાન ખચ્ચર બદલવાના ય પડાવ આવે. સરકાર માન્ય પડાવ પર જ ખચ્ચર બદલી શકાય અને એ બદલીની રસીદ પણ લેવાની થાય.

કેસી તેમાં થાપ ખાઈ ગયો હતો. ખચ્ચર બદલીની અસલી તો શું, નકલી રસીદ પણ તેની પાસે ન હતી.

'ઝીદોઈ...' તેણે ચહેરો એવો જ સ્વસ્થ રાખીને સંદિગ્ધ જવાબ વાળી દીધો.

'મતલબ?' કેસીએ જાણી જોઈને આપેલા અસ્પષ્ટ જવાબથી જવાન ગૂંચવાયો. એ નવોસવો હતો. રોજ નજર સામે ટાંગેલો નકશો ગોખીને સ્થાનિક ભૂગોળ સમજવાનો એ પ્રયાસ કરતો હતો. આ નવું નામ આવ્યું એટલે તે અવઢવમાં પડયો.

ફરીથે તેણે પરમિટ જોવા માંડી. કાગળ પ્રમાણમાં ચોખ્ખો અને કડક હતો. ગડ પણ તાજી વાળી હોય એવી લાગતી હતી. સ્ટેમ્પની શાહી પણ હજુ ચમકતી હતી. બેજિંગથી ઈસ્યુ થયેલી પરમિટ તો કમ સે કમ એક મહિના જૂની હોવી જોઈએ.

'શું કહ્યું તે?' પરમિટ જોઈને મનમાં જાગેલી શંકા અને નકશા પર સ્થળ શોધવાની મથામણમાં તેની એકાગ્રતા જળવાતી ન હતી.

'જી...' તેને અવઢવમાં મૂકાયેલો પારખીને કેસીએ કંઈ સ્પષ્ટ જવાબ આપવાને બદલે તેને વધુ ગૂંચવવાનું ચાલુ રાખ્યું. તેનું મગજ પૂરપાટ વેગે દોડવા લાગ્યું હતું.

દૂર ગોઠવેલી આડશો પાસે હેંગ્સુનનું ખચ્ચર ચરી રહેલું દેખાતું હતું. હેંગ્સુન નજીકમાં ચેકપોસ્ટ ઓફિસરની કેબિનમાં જ હોવો જોઈએ. તેણે ત્રાંસી આંખે હિરન તરફ જોઈ લીધું. દેહાતીઓને પોતાની પાસેના ફોટોગ્રાફ બતાવતી હિરને પણ કેસીની નજરમાં રહેલી સતર્કતા પારખી લીધી હતી. એ બંનેની નજર સમજીને ઝુઝારે ય રેલિંગના લાકડા પર ઘસીને સિગાર બુઝાવી નાંખી.

'એક મિનિટ...' એ જવાન ઝાટકા સાથે ઊભો થયો. પાછળ કલબલાટ કરીને ઉતાવળ વ્યક્ત કરી રહેલા દેહાતીઓને તેણે દમામભેર હાંકોટો નાંખીને ડારી દીધા અને પરમિટના કાગળિયા ઊઠાવતો કેબિન તરફ દોડયો.

તેને ઉતાવળા કદમે આ તરફ આવતો જોઈને હેંગ્સુન પણ ચમક્યો. બીડી પી રહેલા ફૌજીઓ સાથે વાતો જારી રાખીને તેણે ખચ્ચર તરફ ગરદન ફેરવી અને ચારો ચરી રહેલા ખચ્ચરને ખરેરો નાંખતો હોય એવો અવાજ ગળામાંથી કાઢ્યો.

કેસી સહિત મુક્તિવાહિનીના આદમીઓ માટે એ અવાજ એલર્ટ થવાની નિશાની સમો હતો. ટેબલ પાસે કેસી, તેની ડાબી તરફ હિરન, કેસીની બરાબર સામે ઝુઝાર અને એ દરેકથી સ્હેજ જમણે ચેકપોસ્ટ કેબિનની દિશામાં ખચ્ચર પર બેઠેલા મુક્તિવાહિનીના આદમીઓ...

ફટાફટ પોઝિશન રચાઈ ગઈ. હવે કંઈપણ થઈ શકે તેમ હતું પણ અહીં કોઈપણ સંજોગોમાં સામનો ન થવો જોઈએ. કોઈપણ રીતે અહીંની અડચણ હટવી જ રહી.

કેસીએ ઈશારો કર્યો એ પારખીને હિરન આગળ વધી, 'વ્હોટ હેપન્ડ, મેન? મોડું કેમ થઈ રહ્યું છે?'

તદ્દન બરછટ ઈલાકો, એકસરખી લાગતી તિબેટી ઔરતો, ચીની ફૌજીઓની નજરથી બચવા ભાગ્યે જ સામે આવતી યુવતીઓ અને તેમાં આ છરહરી, ભરીભરી, માખણના પીંડા જેવી ગોરી સ્ટાયલિશ છોકરી...

સતત બેશરમપણે તેના ચુસ્ત ઉભારોને તાકી રહેલા ફૌજીઓને હિરનની હાજરીથી જાણે ગરમાવો થતો હતો.

'ખબર નહિ, કેમ... એ સાહેબ...' કેસીએ અસ્પષ્ટ ઉદ્ગારો કરીને કેબિન તરફ ગયેલા જવાન ભણી હાથ લંબાવ્યો એટલે હિરન પણ જાણે મોડું થવાથી અકળાઈ હોય તેમ એ દિશામાં ઉપડી. કેસી ય તેની પાછળ દોરાયો.

હિરન અને કેસી કેબિન તરફ જઈ રહ્યા હતા.

અંદર પહોંચી ચૂકેલા જવાને ઓફિસર સમક્ષ પોતાની શંકા વ્યક્ત કરવા માંડી હતી.

હેંગ્સુન એ જ વખતે તેના બીડી સાથીદાર ફૌજીઓ જોડે વાતો કરતો ખચ્ચર પર બાંધેલા પોટલા પર હાથ ટેકવી રહ્યો હતો.

'મે આઈ કમ ઈન સર?' કેબિનના દરવાજા પાસે અટકીને હિરને મધઝરતા અવાજે આંખો નચાવીને માદક સ્મિત વેરતા પૂછી લીધું.

ઉતાવળા કદમે ચાલવાથી જાંબલી રંગના ટોપમાં તેના ઉભાર ઊંચકાઈ રહ્યા હતા. ઉપર પહેરેલા કોટના બટન તેણે ખોલી નાંખ્યા હતા. તેની પાછળ ઊભેલો કેસી તિબેટીમાં અનુવાદ કરે એ પહેલાં જ હિરનને એકીટશે તાકી રહેલા અફસરે હકારમાં ગરદન ધૂણાવી દીધી.

'શું થયું સર?' તેણે એવા જ મારકણા સ્મિતથી પેલા જવાનને ય કામણનો લાભ આપ્યો, 'યસ ઓફિસર, ઈઝ એનિથિંગ રોંગ?'

'ક્યાંથી આવો છો?' અફસરે એકધારા હિરન પર જ નજર ચીપકાવેલી રાખીને અવાજને ધરાર કડકાઈ પહેરાવવા માંડી. પણ તેની આંખોમાં ઘૂમરાતા સાપોલિયા અછતા રહેતા ન હતા.

'જી સર, આ લોકો કોલકાતાથી આવે છે. તિબેટની પરંપરા, સ્થાનિક લોકોના રીતિ-રિવાજ અને ખાસ તો આનુવંશિક ગુણોના અભ્યાસ માટે આવ્યા છે. યુનાઈટેડ નેશન્સનો ગ્રાન્ટ ઈન એઈડ પ્રોગ્રામ છે' કેસીએ ફટાફટ બોલતા જઈને એક કાગળ પણ ધર્યો, 'અને સર, બેજિંગ ગર્વન્મેન્ટે પોતે જ ઈન્વિટેશન મોકલ્યું છે...'

'હમ્મ્મ્મ...' ઓફિસરે પરાણે કડક ચહેરો રાખીને ફરી હિરનની સામે જોયું, 'બેસો ને...'

'આપ શું કરો છો?' તેની આંખો જાણે શારડીની જેમ ફરી રહી હોય તેમ હિરનને લાગ્યું.

'જી, એ મિસ કોમોલિકા સાવંત છે. બોમ્બે યુનિવર્સિટીના રિસર્ચ ફેલો છે...' કેસીએ જવાબ વાળ્યો એટલી વારમાં હિરને ખભા પરથી કોટ ઉતાર્યો, ખુરસી પર ટેકવ્યો અને બેય હાથ પાછળ લઈને અજબ અદાથી વાળ સંકોર્યા.

તેની એક-એક હિલચાલથી પેલા અફસરની આંખોમાં ઉભરતા હિલોળા કેસી બરાબર પારખી રહ્યો હતો.

'હમ્મ્મ્...' તેણે ઉપરછલ્લી નજરે કાગળો જોઈને બાજુમાં અદબભેર ઊભેલા જવાનને ચાઈનિઝ ભાષામાં કશુંક કહ્યું. પેલા જવાને જવાબમાં ફૌજી શિસ્તથી એડી અથડાવી અને બહાર ચાલ્યો ગયો.

'મેડમ અહીં તો આપની શું મહેમાનનવાઝી કરી શકું?' તેણે ખુરશી પર સ્હેજ આગળ આવીને કહેવા માંડયું, 'આવતાં અઠવાડિયે મારી ડયુટી પૂરી થશે. પછી લ્હાસામાં મને આપને સત્કારવાની તક આપશો તો મને ગમશે...'

કેસીએ અંગ્રેજી તરજૂમો કર્યો એટલે તરત હિરને ખિલખિલાટ હસીને અફસરના બેય હાથ પકડી લીધા, 'ઓહ સ્યોર... વ્હાય નોટ?'

ખચ્ચર કેમ ક્યાંય બદલ્યા નથી, પરમિટનો કાગળ કેમ તાજો લાગે છે એવા પેલા જવાનના દરેક સવાલો ત્યાં જ ઊભા રહી ગયા અને અફસર હિરનના માસુમ ભોળપણ અને માદક ઊભારો વચ્ચે ગડથોલા ખાતો રહ્યો.

પંદર મિનિટ પછી હિરન અને કેસી બહાર નીકળ્યા ત્યારે અફસર કેબિનની બહાર તેમને વળાવવા ય આવ્યો અને ઝૂકી ઝૂકીને અભિવાદન કરતો રહ્યો.

પરમિટના બદલે અપાયેલો બેઝ તેણે જાતે હિરનના હાથમાં દીધો. તેનું ચાલ્યુ હોત તો પોતાના જ હાથે હિરનના ટોપ પર ચીપકાવ્યો હોત. પણ ઉસ્તાદ હિરને ફરીથી તેના હાથ દબાવીને તેને એટલામાં જ રોકી લીધો.

સાંકડી બેરિકેડમાંથી આખોય કાફલો બહાર નીકળ્યો ત્યારે ચેકપોસ્ટના ઓટલા પાસે જબરો તાયફો જામ્યો હતો.

ઢોલ અને તૂરીના અવાજ બંધ થઈ ગયા હતા. શોટોનના મહાપવિત્ર ઉત્સવમાં દેવના ઘરે જઈ રહેલા કલાકારોને નિહાળીને શ્રધ્ધાળુઓ ભાવવિભોર થઈ ગયા હતા. કસ્બામાંથી આવી ચડેલા ટાબરિયાઓને ખંધોલે ચડાવીને મોટેરાંઓ ય રંગબેરંગી વેશભૂષામાં સોહતા કલાકારોને મંત્રમુગ્ધ આંખે જોઈ રહ્યા હતા.

મોખરે ચાલતા ત્વરિતને પેટમાં રીતસર ફાળ પડતી હતી. તેના પડછાયાને સ્પર્શ કરી રહેલા લોકો સામે સ્મિત વેરવાનું તેને તાન્શીએ કહ્યું હતું પણ સ્મિત કરવા જતાં તેને નાક સુધી બાંધેલું મ્હોરું સરકી જવાનો ડર લાગતો હતો.

પ્રોફેસરને લાલ રંગનો લાંબો ડગલો પહેરાવ્યો હતો. એ સૂત્રધારની નિશાની હતી. ખુલતો, પહોળો લાલભડક ડગલો અને નીચે કસોકસ બાંધેલી એવા જ ભડક રંગની લૂંગી. ચારેક કિલોમીટર પછી હજુ પણ પ્રોફેસરને આવા વેશમાં સહજ રીતે ચાલવામાં ફાવટ આવતી ન હતી.

છપ્પનને સમજાતું ન હતું કે તેની આસપાસ વધુ સંખ્યામાં ટોળુ કેમ ઘૂમરાતું હતું અને એ લોકો સતત આનંદ, ઉલ્લાસની કિલકારી કેમ નાંખતા હતા.

નાક, હોઠ અને આંખ કોતરીને તેના આખા ય ચહેરા પર પીળા રંગનું મ્હોરું બાંધ્યું હતું. જાંબલી, કિરમજી, પીળા અને કેસરી રંગના અતલસી પટ્ટા સિવેલો લાંબો, ઘેરદાર પાયજામો અને એવા જ કઢંગા રંગનું તેનું ખમીસ. શોટોન ઉત્સવમાં ભજવાતા પરંપરાગત નાટકોના વિદુષકનો એ અસબાબ હતો.

દરેક કલાકારોએ જાણે તસ્બી ફેરવતા હોય એ રીતે હાથમાંનો મણિસ્તંભ ફેરવતા જઈને 'ઓમ મણિપદ્મેહુમ્' મંત્રના અખંડ જાપ કરતા જવાના હતા. એક હાથે એકસરખા લયમાં વજનદાર મણિસ્તંભ ફેરવતા જવું અને કઢંગા કપડામાં ચહેરો કળાવા દીધા વગર શાંત, સ્વસ્થ સ્મિત વેરતા પસાર થઈ જવું...

તાન્શીએ કહ્યું ત્યારે એમને આ બધું આસાન લાગ્યું હતું પણ ખરાખરીની ઘડીએ એ દરેકના પેટમાં જાણે દેડકાં ફરતાં હોય તેવા થડકારા અથડાતા હતા.

આકાશમાં મેઘ ઘેરાઈ રહ્યો હતો. વરસાદનો એક તગડો ફોરો તાન્શીના ચહેરા પર ટપક્યો અને એ ચોંકી. આ હાલતમાં જો વરસાદ તૂટી પડે તો આ સૌના ચહેરા પર કરેલું ચિતરામણ ધોવાઈ જાય અને તો...

'નિગ્વે ત્સાન...' તેણે બેય બાજુ હારબંધ ઊભેલા, પડછાયાને સ્પર્શ કરી રહેલાં દેહાતીઓને હડેસેલવા માંડયા, 'દૂર રહો... વરસાદ તૂટી પડે એ પહેલાં અમારે સામેના કસ્બામાં પહોંચવાનું છે.. દૂર હટો...'

મુક્તિવાહિનીના બીજા આદમીને ઈશારો કરીને તેણે 'કલાકારો'ને આગળ લઈ જવા કહ્યું અને પોતે ઓટલા પર ચડીને પેલા જવાનની સામે ઓળખપત્રો ધર્યા.

ઓફિસરે પોતાની વાત સાંભળી ય નહિ અને પેલા લોકોને જવા દીધા, પેલી છોકરીને જોઈને તો સાલો લટ્ટુ જ થઈ ગયો... મનોમન ધૂંધવાતા એ જવાને કશી લાંબી પડપૂછ કર્યા વગર ઓળખપત્રો ઉપરછલ્લા જોઈને પરત કરી દીધા.

ફરીથી 'રિડિબાંબ...રિડિબાંબ' અવાજે ઢોલ ઢબુકવા લાગ્યો હતો. ફરીથી તીણા સૂર રેલાવતી તૂરી વાગવા લાગી હતી. શોટોન કલાકારોને જોવા ઘડીક અફસર પણ ઓટલા પર ઊભો રહ્યો. છપ્પને, ત્વરિતે, પ્રોફેસરે અંદરઅંદર ચૂંથાતા જીવે મનોમન ઈષ્ટદેવનું નામ લઈને તેમની સામે ય સ્મિત વેરી દીધું.

- અને એમ એ આખો ય વરઘોડો ચેકપોસ્ટની બહાર નીકળ્યો.

(ક્રમશઃ)