Once Upon a Time - 77 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 77

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 77

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 77

‘બબલુ શ્રીવાસ્તવે કાનપુરની સેન્ટ્રલ જેલમાં એક પ્રતિષ્ઠિત અખબારના પત્રકારને એ બધી વાતો કહેવા માંડી જે અગાઉ એ સીબીઆઈના અધિકારીઓને કહી ચૂક્યો હતો, પણ સીબીઆઈના અધિકારીઓએ ‘ઉપર’ના દબાણને કારણે એ બધી માહિતી દબાવી રાખી હતી. બબલુ શ્રીવાસ્તવે એક ટોચના અખબારના પત્રકાર સમક્ષ ઘટસ્ફોટ કર્યો કે ચંદ્રાસ્વામીને દાઉદ ઈબ્રાહિમ સાથે ઘનિષ્ઠ સંબંધ છે અને પોતે દાઉદ સાથે સંકળાયેલો હતો ત્યારે ચંદ્રાસ્વામીના આદેશથી ઘણી હત્યાઓ અને અપહરણો કરાવી ચૂક્યો છે. બબલુ શ્રીવાસ્તવ સિંગાપોરથી પકડાઈ ગયો ત્યારે એની સામે હત્યા, અપહરણ અને ખંડણી ઉઘરાવવા સહિત ચાલીસ કેસ નોંધાયેલા હતા. બબલુ શ્રીવાસ્તવે કાનપુરની સેન્ટ્રલ જેલમાં પત્રકારને મુલાકાત આપતી વખતે એ બધી વાતો દોહરાવી જે અગાઉ એણે સીબીઆઈ અધિકારીઓને કહી હતી.

બબલુએ સીબીઆઈના અધિકારીઓને કહ્યું હતું કે મુંબઈના બે પ્રતિષ્ઠિત બિલ્ડર્સ સાથે ૧૯૮૯માં ચંદ્રાસ્વામી દુબઈ ગયા હતા અને ત્યાં એ બિલ્ડર જોડીએ ચંદ્રાસ્વામીની મુલાકાત દાઉદ ઈબ્રાહિમ સાથે કરાવી હતી. એ વખતે દાઉદ ફરી વાર ભારત આવવા માગતો હતો. એને દુબઈ છોડીને મુંબઈ આવી જવું હતું પણ એ માટે એને રાજકીય ઓથ જોઈતી હતી. જેથી એની સામેના તમામ કેસ નબળા પડી જાય અને એ મુંબઈ પોલીસના ભય વિના મુંબઈમાં રહી શકે. આ માટે દાઉદે મહારાષ્ટ્રના એક હેવીવેઈટ ગણાતા વગદાર રાજકીય નેતા સહિત ઘણાની મદદ મેળવવાની કોશિશ કરી હતી. પણ દાઉદને પાછો ભારત લાવવામાં કોઈ રાજકારણીએ રસ દાખવ્યો નહિ એ બધાને ડર હતો કે દાઉદ ભારત પાછો આવે અને કોઈ સંજોગોમાં એ પોલીસ સમક્ષ વટાણા વેરી નાખે તો એમની રાજકીય કારકિર્દીનું ધનોતપનોત નીકળી જાય. પણ ચંદ્રાસ્વામીએ દાઉદને મુંબઈ પાછા આવવા માટે મદદ કરવાની ખાતરી આપી. જોકે સામે એમણે દાઉદ સમક્ષ શરત મૂકી હતી કે દાઉદે એક ખાસ ધંધામાં ચાલીસ કરોડ ડોલર (એ સમયની ડોલર સામેની રુપિયાની કિંમત પ્રમાણે આશરે બારસો કરોડ રૂપિયા) રોકવા. દાઉદ એ માટે તૈયાર પણ થઈ ગયો હતો. ચંદ્રાસ્વામીએ એવું કહ્યું કે ભારતના વડા પ્રધાન ચંદ્રશેખર સાથે મારે અંગત સંબંધ છે. એમને કહીને હું તારી સામેના કેસ નબળા પાડી દઈશ. દુબઈમાં દાઉદ અને ચંદ્રાસ્વામીની મુલાકાત થયા પછી થોડા સમયમાં ચંદ્રાસ્વામી દાઉદને અમેરિકા લઈ ગયા. ત્યાં એમણે દાઉદની મુલાકાત આંતરરાષ્ટ્રીય શસ્ત્રસોદાગર અદનાન ખાશોગી સાથે કરાવી હતી.’

ફરી નવી સિગરેટ સળગાવવા માટે અને નવો પેગ બનાવવા માટે એક નાનકડો બ્રેક લઈને પપ્પુ ટકલાએ ફાઈવફાઈવફાઈવ અને બ્લેક લેબલ વ્હિસ્કીના સથવારે અંડરવર્લ્ડકથા આગળ ધપાવી, ‘બબલુ શ્રીવાસ્તવે સીબીઆઈ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે ચંદ્રાસ્વામી માટે એ ઘણા સમય સુધી કામ કરતો રહ્યો હતો. બબલુએ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે ‘ઉત્તર પ્રદેશમાં મારી (બબલુ) સામેના કેસ ઢીલા પાડી દેવા માટે ચંદ્રાસ્વામીએ ઉત્તર પ્રદેશના એ વખતના મુખ્ય પ્રધાન મુલાયમસિંહ યાદવ પર દબાણ કર્યું હતું. ચંદ્રાસ્વામીએ ભાજપનાં મહિલા નેતાઓ ઉમા ભારતી અને વિજયારાજે સિંધિયાને પણ મારા (બબલુ) માટે ઉત્તર પ્રદેશ સરકાર પર દબાણ કરવા કહ્યું હતું.’ ઉમા ભારતીએ તો પાછળથી સ્વીકાર્યું પણ હતું કે એમને બબલુ શ્રીવાસ્તવની ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે ખબર નહોતી. એટલે એમણે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન કલ્યાણસિંહને બબલુ શ્રીવાસ્તવ સામેના કેસ પાછા ખેંચી લેવા વિનંતી કરી હતી!

આપણા દેશમાં ઘણી વાર પાવરવૉર (સત્તાની લડાઈ) અને અંડરવર્લ્ડની ગેંગવોર મિક્સ થઈ જાય છે, પપ્પુ ટકલાએ પોતાની કમેન્ટ કરી અને પછી વાત આગળ ચલાવી, ‘બબલુએ આવી તો અનેક ચોંકાવનારી માહિતી સીબીઆઈ અધિકારીઓને આપી હતી પણ સીબીઆઈ અધિકારીઓ એ માહિતી દબાવીને બેસી ગયા હતા, પરંતુ બબલુ શ્રીવાસ્તવે ઉસ્તાદી કરીને આ માહિતી છાપાના પાને ચમકાવી દીધી ત્યારે આંતરિક સલામતી ખાતાના પ્રધાન રાજેશ પાઈલોટને મજા પડી ગઈ. એ વખતે નરસિંહરાવના પ્રધાનમંડળમાં સ્થાન ભોગવતા રાજેશ પાઈલોટને નરસિંહરાવ સામે વાર-તહેવારે વાંકું પડતું રહેતું હતું અને અચાનક આ ધડાકો કરીને બબલુ શ્રીવાસ્તવે રાજેશ પાઈલોટને સોનેરી મોકો આપ્યો હતો. રાજેશ પાઈલોટે આ મોકો ઝડપીને ચંદ્રાસ્વામીની ધરપકડનો ઓર્ડર આપી દીધો. પાઈલોટ જાણતા હતા કે ચંદ્રાસ્વામી નરસિંહરાવ સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ છે અને ચંદ્રાસ્વામીની ધરપકડથી નરસિંહરાવ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે. રાજેશ પાઈલોટે ચંદ્રાસ્વામીની ધરપકડનો આદેશ આપ્યો એ સાથે એમણે નરસિંહરાવને એક પત્ર પણ લખ્યો કે ચંદ્રાસ્વામીની ધરપકડ કરવામાં વિલંબ થશે તો મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસના અનેક મહત્ત્વના પુરાવાઓનો નાશ થઈ જશે. રાજેશ પાઈલોટે ચંદ્રાસ્વામીની ધરપકડનો આદેશ આપ્યો એ સાથે દિલ્હીની પાવર લોબીમાં ખળભળાટ મચી ગયો. ચંદ્રાસ્વામીની વગ જોતાં એમની ધરપકડની કોઈ કલ્પના કરી શકે એમ નહોતું. પણ રાજેશ પાઈલોટે એ ‘હિંમત’ કરી હતી. જે દિવસે રાજેશ પાઈલોટે ચંદ્રાસ્વામીની ધરપકડ કરવાનો ઓર્ડર છોડ્યો એના આગળના દિવસે જ નરસિંહરાવે કેન્દ્રીય પ્રધાનમંડળમાં મોટા પાયે ફેરફાર કર્યા હતા. પણ એમાં રાજેશ પાઈલોટની અપેક્ષા પ્રમાણે એમને પ્રમોશન મળ્યું નહોતું. ચંદ્રાસ્વામીની ધરપકડનો આદેશ અને કેબિનેટમાં ફેરફાર વખતે રાજેશ પાઈલોટની અપેક્ષા પૂરી ન થઈ એ બંને ઘટના જોગાનુજોગ બની હોય એવું પાવર લોબીમાં કોઈ માની શક્યું નહોતું.

રાજેશ પાઈલોટે ચંદ્રાસ્વામીની ધરપકડનો આદેશ આપ્યો એ પછી ચંદ્રાસ્વામીએ જાહેર કર્યું કે આ આદેશની પાછળ રાજેશ પાઈલોટનો મારા પ્રત્યેનો વ્યક્તિગત દ્વેષ કારણભૂત છે. રાજેશ પાઈલોટને મૂરખ માણસ ગણાવતા ચંદ્રાસ્વામીએ કહ્યું કે નૈનિતાલના એક ટ્રસ્ટની અબજો રૂપિયાની સંપત્તિને મુદ્દે એક સાધુનું અપહરણ થયેલું ત્યારે મેં દશનામી અખાડા પરિષદના સાધુઓને મદદ કરવા વચન આપ્યું હતું એટલે પાઈલોટ મારા પર રોષે ભરાયા હતા. બીજી બાજુ બબલુ શ્રીવાસ્તવના ચોંકાવનારા ઘટસ્ફોટને વાહિયાત ગણાવતા આખો ઓળિયોઘોળિયો એમણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરીફ મોહમ્મદ ખાન પર નાખી દીધો. ૧૯૯૫માં એક હવાલા કૌભાંડ કેસમાં સીબીઆઈએ આરીફ મોહમ્મદ ખાનના ઘરમાં દરોડો પાડ્યો ત્યારે ખાને એવો આક્ષેપ કર્યો હતો કે ચંદ્રાસ્વામીના કહેવાથી સીબીઆઈએ એ દરોડો પાડ્યો હતો. એ પછી બબલુ શ્રીવાસ્તવે ચંદ્રાસ્વામીની દાઉદ ઈબ્રાહિમ સાથે દોસ્તી હોવાની વાત જાહેર કરી એટલે ચંદ્રાસ્વામીએ કહ્યું કે, બબલુ આરીફ મોહમ્મદ ખાનના ઈશારા પર નાચી રહ્યો છે. ખાનના કહેવાથી જ બબલુ મારા ચારિત્ર પર કાદવ ઉછાળી રહ્યો છે. ચંદ્રાસ્વામીએ સ્વીકાર્યું કે ‘બબલુ શ્રીવાસ્તવને હું ઓળખતો હતો એ વાત સાચી છે, પણ એના ક્રિમિનલ રેકર્ડની ખબર પડી એટલે મેં એની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. વાસ્તવમાં આરીફ મોહમ્મદ ખાને જ બબલુ શ્રીવાસ્તવ સાથે મારી ઓળખાણ કરાવી હતી. તેઓ બબલુને મારી પાસે લઈ આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે, બબલુ વિદ્યાર્થી નેતા છે. એ પછી મેં બબલુ સાથે સંબંધ તોડી નાખ્યો એટલે બબલુએ ૧૯૯૦-૯૧માં મારી હત્યા કરાવવા માટે એના બે શૂટરને રોક્યા હતા અને ત્યારે મેં બબલુના શૂટર્સથી બચવા માટે પોલીસ રક્ષણ લીધું હતું.

ચંદ્રાસ્વામીએ આગળ ઉમેર્યું હતું કે ‘બબલુ શ્રીવાસ્તવ અને આરીફ મોહમ્મદ ખાન દેશદ્રોહી છે અને તેઓ ઘણી વાર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના નેપાળ સ્થિત એજન્ટ મિરઝા દિલશાદ બેગને મળતા હતા અને આ આખી સિન્ડીકેટ મને ખતમ કરવા મથી રહી છે, પણ વડા પ્રધાન નરસિંહરાવ આ કેસમાં ન્યાય અને સત્યનો સાથ આપશે એની મને ખાતરી છે!

ચંદ્રાસ્વામી પોતાની સફાઈ પેશ કરી રહ્યા હતા ત્યારે એમને ખબર નહોતી કે મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટસ કેસના આરોપી ઉસ્માન ગનીએ ગુજરાત પોલીસને એન્ટીટેરરિસ્ટ સ્કવૉડના હાથમાં ઝડપાયા પછી બબલુ શ્રીવાસ્તવ જેવું જ નિવેદન આપ્યું હતું. પપ્પુ ટકલાએ પૂરક માહિતી આપતાં કહ્યું, ‘દાઉદ ગેંગના ઉસ્માન ગની નૂર મોહમ્મદ મર્ચન્ટે ગુજરાતની એન્ટી-ટેરરિઝમ સ્કવોડના અધિકારીઓ સમક્ષ કબૂલ્યું હતું કે, ‘ચંદ્રાસ્વામી સામે ચાલીને દાઉદને મળવા દુબઈ ગયા હતા. ચંદ્રાસ્વામીના પાર્ટનર અદનાન ખાશોગી ભારતમાં એક મોટો પ્રોજેક્ટ ઊભો કરવા માગતા હતા અને એ માટે ચંદ્રાસ્વામીને દાઉદ પાસેથી આર્થિક સહાય જોઈતી હતી. દુબઈમાં ચંદ્રાસ્વામીની દાઉદ સાથે મુલાકાત થયા પછી ચંદ્રાસ્વામી દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન તથા મુંબઈના બે ટોચના બિલ્ડર્સને લઈને અમેરિકા ગયા હતા. બબલુ શ્રીવાસ્તવે મુંબઈના જે બિલ્ડર્સનું નામ સીબીઆઈને આપ્યું હતું એ જ નામ ઉસ્માન ગનીએ એન્ટીટેરરિસ્ટ સ્કવૉડના અધિકારીઓને આપ્યું હતું.

બબલુના ધડાકાને પગલે ચંદ્રાસ્વામી વિવાદમાં ઘેરાયા એટલે દાઉદ ઈબ્રાહિમ અને રોમેશ શર્મા થોડો સમય ટાઢા પડી ગયા. એ દરમિયાન જ દાઉદને એક મોટો ફટકો પડ્યો હતો!’

(ક્રમશ:)