Once Upon a Time - 71 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 71

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 71

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 71

મુંબઈના જોગેશ્વરી ઉપનગરના દુર્ગાનગર વિસ્તારની એક ચાલીમાં સવારના પાંચ કલાકે ઘડિયાળનું એલાર્મ વાગ્યું એ સાથે ઝબકીને ઉઠી ગયેલા યુવાને એલાર્મ બંધ કરી દીધું. જોકે તો પણ ચાલીમાં એની સાથે રહેતો બીજો યુવાન જાગી ગયો હતો. એણે સહેજ અણગમાથી રૂમ પાર્ટનર સામે જોયું અને પછી પડખું ફરીને સુવાની કોશિશ કરવા માંડ્યો. એ બંને પોલીસ કોન્સ્ટેબલ હતા. ઉઠી ગયેલો યુવાન ફટાફટ તૈયાર થવા માંડ્યો. પછી ચાલીની એ રૂમના એક ખૂણે કામચલાઉ રસોડું ઊભું કર્યું હતું ત્યાં જઈને એણે રસોઈ મૂકી. બંને યુવાન જાતે જ રસોઈ બનાવી લેતા હતા. યુવાને પ્રાતઃકાર્યો પતાવીને રસોઈ કરી ત્યાં સુધીમાં સાત વાગી ગયા હતા. એણે આઠ વાગ્યે તો વાંદરા પહોંચી જવાનું હતું. વાંદરા વિસ્તારમાં માઉન્ટ મેરી રોડ પર રહેતા એક વીઆઈપીના બોડીગાર્ડ તરીકે એ યુવાન ફરજ બજાવતો હતો. મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવતા એ યુવાન ભીખુ તડવીને એક વીઆઈપીની સુરક્ષા માટે કમાન્ડો તરીકે તહેનાત કરવામાં આવ્યો હતો એટલે એણે વહેલી સવારે ઘરેથી નીકળી જવું પડતું હતું. પાંચ વર્ષ અગાઉ એને મુંબઈ પોલીસમાં નોકરી મળી ત્યારે એના ઘરના બધાના ચહેરા પર એણે જે ખુશી જોઈ હતી એ યાદ આવતા એનો થાક ઊતરી જતો હતો. મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લાના અડગાંવ ગામના ભીખુ તડવીના કુટુંબમાં અપંગ પિતા, માતા, એક બહેન અને ત્રણ નાના ભાઈ હતા અને ત્રણ મહિના આગાઉ એના કુટુંબમાં એક સભ્યનો ઉમેરો થયો હતો. માબાપે ભીખુને પરાણે લગ્ન માટે તૈયાર કરાવીને પરણાવી દીધો હતો. ભીખુને નવોઢા પત્ની યાદ આવી ગઈ. પત્ની સાથે વિતાવેલી ક્ષણો યાદ આવતા એને રોમાંચ થઈ આવ્યો, પણ બીજી ક્ષણે એ ગ્લાનિ અનુભવવા માંડ્યો. નવી નવી પત્નીને ગામમાં મુકીને એણે નોકરી માટે મુંબઈ રહેવું પડ્યું હતું. જો કે ભીખુ સારા વિસ્તારમાં સસ્તા ભાડાની રૂમ શોધતો હતો. અત્યાર સુધી તો એ બીજા એક પોલીસ કોન્સ્ટેબલ સાથે આ રૂમમાં રહેતો આવ્યો હતો પણ હવે એને મુંબઈમાં ઘર વસાવવાની ઉતાવળ હતી.

પત્ની યાદ આવી એટલે ભીખુનો હાથ અચાનક શર્ટના ખિસ્સમાં ગયો. એણે શર્ટના ખિસ્સામાંથી બેવડો વળી ગયેલો પત્ર બહાર કાઢીને ખાતરી કરી. પોતાના ગામનું સરનામું લખાયું હતું. એ જોઇને એણે પત્ર ફરી ખિસ્સામાં મૂકી દીધો. ભીખુએ પત્નીને લખ્યું હતું કે હું વહેલામાં વહેલી તકે તને મુંબઈ લઇ જઈશ. હું તને બહુ જ યાદ કરું છું. તારા વિના મને ગમતું નથી. એક નવો પરણેલો પુરુષ પત્નીને જે ઉત્કટતાથી પત્ર લખે એવું બધું પત્રમાં લખ્યું હતું. છેલ્લે એણે પત્નીને ભલામણ કરી હતી કે વડીલોનું અને ભાઈઓનું ધ્યાન રાખજે. ભીખુએ ચાલીમાંથી નીકળીને પહેલું કામ ઘરથી થોડે દૂર આવેલા પોસ્ટના ડબામાં પત્ર નાખવાનું કર્યું પછી એ વાંદરા જવા રવાના થઇ ગયો.

ભીખુ સવાઆઠ વાગે વાંદરામાં વીઆઈપીના ઘરે પહોંચી ગયો. એણે કુટુંબના અને પત્નીના વિચારો મનમાંથી ખંખેરી નાખ્યા, હવે એ કમાન્ડોના રોલમાં હતો અને એનું કામ એક માત્ર વીઆઈપીની સલામતી જાળવવાનું હતું.

ભીખુએ પોણો કલાક ખડે પગે વીઆઈપીના દરવાજા બહાર ઊભા રહેવું પડ્યું. નવ વાગે વીઆઈપી ઘર બહાર નીકળ્યા. તેઓ કારમાં બેઠા એટલે કમાન્ડો તડવી કારની આગલી સીટમાં ડ્રાઈવરની બાજુમાં બેસી ગયો. ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરી પણ એ કારને ગિયરમાં નાખીને ગતિમાં લાવે એ આગાઉ જ બે યુવાન સ્ટેનગન સાથે ધસી આવ્યા. એમણે કારની પાછલી સીટમાં બેઠેલા વીઆઈપી પર ગોળીબાર શરૂ કર્યો. કમાન્ડો તડવી વીજળીવેગે કારની બહાર નીકળ્યો અને એણે હુમલાખોર યુવાનો સામે સ્ટેનગન ઘુમાવી. એની સ્ટેનગનમાંથી નીકળેલી ગોળી એ હુમલાખોર યુવાનના ખભામાં ઘૂસી ગઈ, પણ બીજી પળે બીજા યુવાને ભીખુ તડવી તરફ સ્ટેનગનનું નાળચું ફેરવ્યું હતું. એણે ખુન્નસપૂર્વક ભીખુ તડવીના શરીરમાં ગોળીઓ ધરબવા માંડી. એ દરમિયાન વીઆઈપી તરફડિયાં મારી રહ્યા હતા. હુમલાખોર યુવાને ભીખુ તડવીના શરીરમાં પૂરી ૧૫ ગોળી ઉતારી દીધી. અને પછી બન્ને હુમલાખોર યુવાન નાસી છૂટ્યા.

***

‘એ વીઆઈપી ભારતીય જનતા પક્ષના મુંબઈ એકમના અધ્યક્ષ રામદાસ નાઈક હતા. એમને ગોળીએ દેનારા યુવાનો દાઉદ ગેંગના શૂટર્સ હતા. એમનો એક શૂટર ફિરોઝ કોંકણી દાઉદ ગેંગનો અત્યંત મહત્વનો શૂટર હતો. ટીનેજર ફિરોઝ કોંકણીએ દાઉદના ઓર્ડરથી ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ રામદાસ નાઈકને એમના ઘરની બહાર હ ખતમ કરી દીધા એના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા અને દાઉદ ગેંગ પર મુંબઈ પોલીસની તવાઈ આવી હતી. રામદાસ નાઈકની હત્યાના ધાર્યા કરતા વધુ આકરા પ્રત્યાઘાત આવતાં દાઉદના શુટર્સે મુંબઈ છોડીને ભાગી જવું પડ્યું.’

પપ્પુ ટકલા ફરી વાર ધડાધડ માહિતી ઠાલવવા માંડ્યો હતો. ત્યાં જ અચાનક એના મોબાઈલ ફોનની રિંગ રણકી ઊઠી. પપ્પુ ટકલાએ મોબાઈલ ફોનના સ્ક્રીન પર નંબર જોયો અને અમારાથી થોડે દુર જઈને એ મોબાઈલ પર વાત કરવા માંડ્યો. વાત પૂરી કરીને એ પાછો આવ્યો ત્યારે એનો ચહેરો રૂની પૂણી જેવો થઇ ગયો હતો. ‘સોરી આપણે છૂટા થવું પડશે. મારે કામ આવી પડ્યું છે.’ એણે કહ્યું. એ સાથે પોલીસ ઓફિસર મિત્રએ સૂચક રીતે અમારી સામે જોયું.

***

પપ્પુ ટકલાએ ફોન પર વાત થયા પછી તરત જ અમને રવાના કરી દીધા. એને તરત જ ક્યાંક પહોંચવાનું હતું. પપ્પુ ટક્લાને મોડી રાતે અચાનક કામ આવી પડવાનો આ બીજો કિસ્સો હતો.

અમારા પોલીસ ઓફિસર મિત્રએ અમને કહ્યું હતું કે, ‘પપ્પુ ટકલા ફરી વાર અવળી લઈને ચડી ગયો છે.’ પણ એ વિષે ચર્ચા કરવાનું તેઓ ટાળી રહ્યા હતા. પપ્પુ ટકલાની પ્રવૃત્તિની આસપાસ રહસ્યનું જાળું ગૂંથાઈ રહ્યું હતું.

આ વખતે પંદર દિવસ સુધી પપ્પુ ટકલાનો ફોન આવ્યો નહીં એટલે અમને જાતભાતની શંકાઓ થવા લાગી પણ સોળમાં દિવસે અમારા સેલ્યુલર ફોનના સ્ક્રીન પર પપ્પુ ટકલાનો મોબાઈલ નંબર ફ્લેશ થયો. ‘આજે મળવું હોય તો મને ફાવશે,’ પપ્પુ ટકલાએ અમને કહ્યું. એણે રાત્રે સાડા નવ વાગ્યે એના ઘરે મળવાનો સમય આપ્યો.

પોલીસ ઓફિસર મિત્ર સાથે અમે પપ્પુ ટકલાને ઘરે પહોંચ્યા ત્યારે પપ્પુ ટકલાએ ડ્રિંક લેવાનું શરુ કરી દીધું હતું. ટીપોઈ ઉપર પડેલી એશટ્રેમાં ‘ફાઈવફાઈવફાઈવ’ના ત્રણ ઠૂંઠા પડ્યા હતા અને ચોથી સિગરેટ પૂરી થવામાં આવી હતી. આ માણસની અડધી જિંદગી સિગરેટ પીવામાં ગઈ હશે, એમ વિચાર્યું. પપ્પુ ટકલાએ અમને બેસવાનો ઈશારો કરીને અમારા માટે કોલ્ડ ડ્રિંક મંગાવ્યું. થોડી ઔપચારિક વાતો પછી પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડ કથાનો દોર સાધ્યો, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા ?’ એણે આદતવશ પૂછી લીધું અને પછી એની ટેવ પ્રમાણે અમારો જવાબ સાંભળ્યા પહેલાં જ એણે અંડરવર્લ્ડ કથા આગળ ધપાવી દીધી.

(ક્રમશ:)