64 Summerhill - 85 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 85

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

64 સમરહિલ - 85

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 85

ચીનના પાટનગર બેજિંગમાં બેસતાં ફોરેન ઓફિસરે પહેલાં તો ભારતીય એલચી કચેરી દ્વારા મળેલા સત્તાવાર સંદેશા પર ધ્યાન જ ન્હોતું આપ્યું. તેણે રાબેતા મુજબ ઈન્ટર સ્ટેટ ડિપ્લોમેટિક રજિસ્ટરમાં ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા મળેલા સંદેશાની નોંધ લેવડાવીને સંતોષ માની લીધો.

જો આટલું જ થયું હોત તો કેસી, હિરનનો કાફલો પાંચમા દિવસે તો ખચ્ચર પર સવાર થઈને રંગેચંગે લ્હાસા પહોંચી ગયો હોત. પણ આ આખાય કમઠાણની શરૃઆતથી જ સૌનું તકદીર બબ્બે ડગલાં આગળ ચાલતું હતું.

ચાઈના કોઈ પ્રતિભાવ નથી આપતું એવું ઈન્ડિયન એમ્બેસીએ હોમ ડિપાર્ટમેન્ટને જણાવ્યું એટલે તાબડતોબ તેમને તિબેટનો હવાલો સંભાળતા મંત્રાલયને ડેવિલ્સ બેડ તરફથી થયેલી ગંભીર ઘુસણખોરીનો સંદેશો પહોંચાડવાની સુચના મળી.

પ્રોટોકોલ મુજબ, ઈન્ડિયન એમ્બેસી તેમની સમકક્ષના ચીની વિદેશી મંત્રાલય સાથે જ વ્યવહાર કરી શકે. પરંતુ ભારત સરકારની તાકિદ પારખીને એમ્બેસીએ આઉટ ઓફ ધ વે જઈને તિબેટ માટે જવાબદાર ઓફિસરના કાન ફૂંક્યા.

તેનું નામ મેજર ક્વાંગ યુન.

ફૌજી કારકિર્દીના અગિયાર વરસ તેણે તિબેટમાં ગાળ્યા હતા. તિબેટની ભૂગોળ ઉપરાંત માનસિકતાથી ય તે બરાબર વાકેફ હતો એટલે જ તેને લશ્કરી ફરજની નિવૃત્તિ પછી ખાસ તિબેટ માટે રચાયેલા વિભાગનો ડિપ્લોમેટિક હવાલો સોંપાયો હતો.

ભારત દ્વારા મળેલા સંદેશાથી ચબરાક ક્વાંગ યુનના કાન સરવા થયા.

લાંબા સમયથી ખામ્પા લડાકુઓને એકજૂટ કરી રહેલી તિબેટ મુક્તિવાહિની લાગ જોઈને મોટો વિદ્રોહ કરાવવાની ફિરાકમાં છે એવી ખુફિયા બાતમી તેને ક્યારની મળેલી હતી. કોઈ મોટા ઉત્સવ વખતે પરંપરાગત રીતે લ્હાસામાં એકઠા થતાં તિબેટીઓ વચ્ચે ઘુસી ગયેલા સશસ્ત્ર ખામ્પાઓ વિદ્રોહ કરશે એવી બાતમીઓમાં ભારતથી આવેલો આ સંદેશો ઉમેરાયો.

સંદેશાની વિગતો જાણીને એ ઝાટકા સાથે ઊભો થઈ ગયો.

તિબેટમાં અત્યારે શોટોન ઉત્સવનો સમય હતો. વિદ્રોહ કરાવવા મથતા મુક્તિવાહિનીના ગેરિલાઓ ભારતમાં આશરો લઈ રહ્યા હતા. તેમણે શા માટે ઈન્ડિયન પુલિસ અફસરનું અપહરણ કર્યું હોય અને શા માટે તેને મોતને ઘાટ ઉતાર્યો હોય એ તેને સમજાતું ન હતું પણ ભારતે કેમ ચાઈનાનો સંપર્ક કર્યો એ કારણ તેને બરાબર ભરોસાપાત્ર લાગ્યું હતું.

ચોંકેલા ક્વાંગ યુને પોતે તાત્કાલિક હવાઈ નીરિક્ષણ કરાવે છે તેની ખાતરી આપીને ઈન્ડિયન એમ્બેસેડરને રવાના કર્ય અને તરત સૂચનાઓ જારી કરવા માંડી.

સૌથી પહેલાં તો તેણે લ્હાસા તરફ આવતા દરેક રસ્તે કાર્યરત ચેકપોસ્ટને સતર્કતાનો હુકમ આપી દીધો અને પછી તરત ડેવિલ્સ બેડ તરફ હવાઈ નીરિક્ષણ માટે હેલિકોપ્ટર રવાના કરવા અંગે મોન્યાંગ એરબેઝને ઓર્ડર કર્યો. ટેબલ પર પડેલી બેટન ઊઠાવી અને સપાટાભેર બહાર નીકળ્યો.

ડિફેન્સ સેક્રેટરીને માહિતગાર કરીને તે સત્વરે લ્હાસા પહોંચી જવાના નિર્ણય પર આવી ચૂક્યો હતો.

કમનસીબે ક્વાંગ જેટલો સતર્ક હતો એટલી સતર્કતા તિબેટમાં ફરજ બજાવતા અફસરોને ન હતી. તિબેટ પ્રોવિન્સના ઈનચાર્જ તરીકે ક્વાંગ આદેશ કરે એટલે માનવો તો પડે જ. કટાણા મોંએ મોન્યાંગ એરબેઝના સ્ક્વોડ્રન લીડરે ફ્લાઈટ ઓફિસર તૈનાત કર્યા. આવા વરસાદી હવામાનમાં ડેવિલ્સ બેડની દિશાએથી કોણ ક્વાંગનો બાપ આવવાનો હતો એવી ગાળો બબડતા તેણે ત્રણ હેલિકોપ્ટર સાબદા કર્યા.

લ્હાસાની સુરક્ષાની જવાબદારી સંભાળતો ઓફિસર શીન લાઈ પણ એવો જ દોંગો હતો. ત્રણેક વર્ષથી અહીં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવીને લાઈ મબલખ ઘી-કેળા જમ્યો હતો. અફિણ, શણ, આસામની ચાયપત્તી અને ભુતાનમાં બનતાં દેશી તમંચા લાવતાં તિબેટી દાણચોરો તેને ભરચક લાંચ ચૂકવતા અને આ દાણચોરો બીજી કોઈ રીતે હાનિકારક પણ ન હતા. એ સિવાય સમગ્ર પ્રજા ગજબની ડરપોક હતી એટલે કોઈ પડકાર વગર શીન લાઈ પણ ઉપરછલ્લો કડપ રાખીને અંદરખાને સારી પેઠે બેદરકાર રહેતો હતો.

ચેકપોસ્ટને સતર્ક કરવી એટલે દાણચોરોને સરહદ પાર રોકી રાખવા. દાણચોરી અટકે તો પોતાનો દલ્લો ય અટકે. શીન લાઈએ બોર્ડર એરિયાની જડતી લેવાનો આદેશ કરીને ક્વાંગ યુનને 'સબ સલામત'નો રિપોર્ટ ઠપકારી દીધો.

ચેકપોસ્ટ રેઢી રાખવાની શીન લાઈની એ બેદરકારી હેંગ્સુન દોરજીને બરાબર ફળી હતી.

એ મેઘલી રાતે ત્સાલિંગની તળેટીમાં કૈલુ નદીના કાંઠે તાન્શીના માદક દેહની મિજબાની માણ્યા પછી ચાઈનિઝ ફૌજી રંગતે ચડયા હતા. ભરવાડનો મુખિયો શે દોરજી ભારે ખિન્ન ચહેરે તેમને બેધ્યાન રાખવામાં વ્યસ્ત હતો. એવે વખતે તાન્શીને મૂકીને પરત આવેલા દોરજીના દીકરા હેંગ્સુનની ગતિવિધિ તેજ બની હતી.

* * *

બહુ આસાનીથી તિબેટને ગળી ગયા પછી છ દાયકામાં ચીની લશ્કર દરેક દિશાએથી ભરડો લઈ ચૂક્યું હતું. તિબેટની ઉત્તરે અને પૂર્વે ખુદ ચીનની સરહદ હતી પરંતુ દક્ષિણ-પશ્ચિમ સરહદ ભારત, નેપાળ, મ્યાનમાર સાથે જોડાયેલી હતી.

આ દિશાએથી જમીન માર્ગે તિબેટમાં પ્રવેશવાના જે કેટલાંક રસ્તાઓ હતા ત્યાં ચીન છ દાયકાથી પેશકદમી કરીને પોતાની સરહદ આગળ વધારી ચૂક્યું હતું. સિક્કિમને તિબેટ સાથે જોડતો પ્રદેશ દુર્ગમ પહાડો, ગાઢ જંગલોથી છવાયેલો હતો. અહીં અજગર, ઝેરી સાપ અને હિંસક પ્રાણીઓ ઉપરાંત ભયાનક રોગચાળાનો ય એટલો જ ઉપદ્રવ હતો. એટલે સદીઓથી આ રસ્તાનો ઉપયોગ થતો ન હતો.

લેહ-લદ્દાખથી અક્સાઈ ચીનના રસ્તે તિબેટમાં પ્રવેશવું આસાન હતું અને કેટલેક ઠેકાણે તો લશ્કરી વાહનો પણ આવ-જા કરી શકે તેવો ધોરી માર્ગ હતો. અહીં બંને દેશોની સેના ચુસ્ત ચોકીપહેરો ભરતી હતી.

અરુણાચલ પ્રદેશમાંથી નીકળતા ત્રણ રસ્તા એવા હતા જે તિબેટ સુધી પહોંચી શકે. સાવ છેવાડે દિબાંગ નદીની ખીણ ઓળંગીને ચીન-તિબેટ પહોંચી શકાતું હતું. ત્યાં ચીને જગતનું સૌથી વધુ ઊંચાઈએ આવેલું હવાઈમથક ખડું કરી દીધું હતું પરિણામે દિબાંગ નદીની ભીષણ ખીણ પર નજર રાખવી આસાન બની ગઈ હતી. બીજો રસ્તો મોનિગોંગથી નીકળતો હતો. ભારત અને ચીન બંને દેશોએ એ રસ્તાને સત્તાવાર માન્યતા આપી હતી. જમીન માર્ગે બંને દેશો વચ્ચે જે કંઈ વ્યવહાર હતો એ મોનિગોંગથી ચાલતો. અહીં પણ ચીને જાતભાતની પરમિટની માયાજાળ ઊભી કરીને પ્રવેશ અત્યંત મુશ્કેલ અને કડાકૂટભર્યો બનાવી દીધો હતો.

એકમાત્ર રસ્તો એવો હતો જે આસાન પણ હતો અને એટલો જ દુર્ગમ પણ..

એ જ રસ્તો કેસીએ પસંદ કર્યો હતો.

તિબેટમાં ઘુસણખોરી માટે કેસીએ છેક લદ્દાખથી દિબાંગ વેલી સુધી પોતાનું નેટવર્ક ફેલાવી રાખ્યું હતું. તેના પિતાએ ભારતમાં આશરો લીધા પછી તિબેટની એકમાત્ર લડાયક કોમ ગણાતા ખામ્પાઓને સરહદી વિસ્તારોમાં વેરવિખેર વસાવ્યા હતા. એ ખામ્પાઓની મદદથી તૈયાર થયેલો સ્લિપર સેલ એ મુક્તિવાહિનીનો સૌથી મોટો આધાર હતો.

દોરજી અને તેનો કબીલો એવો જ એક આધાર હતો. તિબેટની આઝાદી કાજે મરી ફિટનારાઓની સંખ્યા ઓછી હતી પણ સમર્પણ બેજોડ હતું. આમ છતાં, સલામતીના કારણોસર કેસી કદી પણ એક લિન્કને બીજી લિન્ક સાથે જોડવાનું ટાળતો. પોતાનું આયોજન છેલ્લી ઘડી સુધી એ કોઈને પણ ન કહેતો. એક લિન્ક પાસેથી મદદ મેળવ્યા પછી પોતે તેનો શું ઉપયોગ કર્યો એ વિશે ખબર પડવા ન દેતો.

આજે પણ તેણે એમ જ કર્યું હતું.

તાન્શીને મૂકવા આવેલા દોરજીના દીકરા હેંગ્સુનને તેણે કેટલીક યાદી સોંપીને પાછો રવાના કર્યો હતો.

એ પછી ખાસ્સા ત્રણેક કલાકના એકધારા ચઢાણ પછી તેણે કેમ્પનો ઓર્ડર કર્યો ત્યારે ગ્યેમદોંગ ગામનો રસ્તો માંડ પાંચેક કિલોમીટર દૂર હતો.

* * *

'અહીંથી આપણા માટે બિગેસ્ટ ચેલેન્જનો આરંભ થાય છે'

આકાશમાં ભડભાંખળું થઈ રહ્યું હતું. નજર પડે ત્યાં સુધી પથરાયેલા ઉન્મત પહાડોની અડાબીડ હારમાળા, વચ્ચે સાંકડી થતી ટેકરીઓના હરખઘેલી છોકરીની માફક દોડી આવતાં ઢોળાવ, ક્યાંક ઊગી નીકળેલી લીલીછમ વનરાજી અને ક્યાંક ઉબડખાબડ ખડકો વચ્ચે સુસવતી વેરાન સ્તબ્ધતા...

જગતનું છાપરું ગણાતા તિબેટની એ મેઘલી સવાર બેહદ આહ્લાદક હતી પરંતુ આગલી રાતના અનુભવ પછી નિસર્ગની એ રમ્ય નજાકત માણવાના કોઈને હોશ ન હતા. થાકેલા, નિસ્તેજ ચહેરે સૌએ નજીકના ઝરણા પાસે મુકામ કર્યો હતો. પહાડીની આડશમાં ફ્રેશ થઈને સૌને ચોખાના લોટની રાબ અને સ્વાદમાં ગાજર જેવા લાગતા રૃમ્ગા નામના કંદમૂળનો નાસ્તો આપવામાં આવ્યો. એ પછી કેસીએ આગળનો પ્લાન કહેવા માંડયો,

'અહીંથી આ પહાડ ઓળંગીને આગળ વધશું એટલે સમથળ જમીન શરૃ થશે. પાંચ કિલોમીટર દૂર ગ્યેમદોંગ નામનું ગામ આવશે. આપણે ખરેખર તો ત્સાલિંગના રસ્તેથી આગળ જવાનું હતું અને ત્સાયકા ગામના રસ્તેથી પસાર થતા પિલગ્રિમ રૃટ પર પહોંચવાનું હતું પરંતુ ચાઈનિઝ બોર્ડર ફોર્સ એલર્ટ થઈ ચૂક્યા છે એટલે આપણે પ્લાન બદલી નાંખ્યો છે...'

રમ વગર રીતસર તરફડી રહેલો ઝુઝાર બેધ્યાનપણે બોઝિલ આંખે કેસીને સાંભળી રહ્યો હતો. પ્રોફેસરની બાજુમાં ઊભેલો છપ્પનસિંઘ જાણે ગાઢ ઊંઘ લઈને ઊઠયો હોય તેવો તરોતાજા લાગતો હતો. ઠંડાગાર પાણીથી ન્હાયેલી હિરનના ગુલાબી ચહેરા પર ઠંડકની રતુમડી આભા છવાઈ ગઈ હતી. ત્વરિત હજુ ય તાજુબીથી તાન્શીની કાળી, ઘેરી મોટી આંખોને તાકી રહેતો હતો.

'ત્સાયકા એ આપણાં રૃટની પહેલી મોટી ચેકપોસ્ટ છે. ત્સાલિંગથી આપણે ઘુસ્યા એવી બાતમી મળી ગઈ હોય ત્યારે ચાઈનિઝ ફોર્સ નેચરલી એ રૃટ પર ચાંપતો બંદોબસ્ત રાખે. મેં એટલે જ આખી રાત ચકરાવો મારીને અહીં ગ્યેમદોંગ આવવાનું પસંદ કર્યું છે. આ તદ્દન વિરુધ્ધ દિશાનો છેડો છે. આપણે અહીંથી ત્સાયપે ચેકપોસ્ટ પર એન્ટ્રી મારવાની છે.'

'ત્સાયપે ચેકપોસ્ટ પર બહુ જ કડકાઈથી ચેકિંગ થશે.' કેસીએ કહેતો હતો એ સાથે સૌના ચહેરા પર ચિંતાની લકિરો ખેચાતી જતી હતી. તિબેટ જવું શા માટે આસાન ન હતું તેનો અહેસાસ હવે પ્રત્યેક ક્ષણે વધુને વધુ વિકરાળ બનતો જતો હતો.

'હિરન, ઝુઝાર, ઉજમ અને મારી ટીમના ચાર સાથીઓ...' તેણે નામ બોલવાના શરૃ કર્યા અને તેમને અલગ બેસવા ઈશારો કર્યો, 'પ્રોફેસર, ત્વરિત, છપ્પન, તાન્શી અને બીજા ત્રણ સાથીદારો...' નામ બોલાય એ પ્રમાણે અલગ પડીને સૌ આતુરતાથી કેસીનો પ્લાન સમજવાની કોશિષમાં લાગ્યા હતા.

'આપણે અહીંથી બે ટીમમાં વહેંચાઈ જઈએ છીએ..'

'વ્હાય?' કેસીના પ્લાનને અને ઓર્ડરને ચૂપચાપ ફોલો કરતી હિરને પહેલી વાર સવાલ કર્યો.

'કારણ કે ત્સાલિંગનો રસ્તો હવે સલામત રહ્યો નથી. આપણી બાતમી પહોંચી ચૂકી છે. એ સંજોગોમાં આટલો મોટો કાફલો શંકાપ્રેરક બનશે. તેની સામે બે ટીમથી શંકા ઘટશે અને સલામતી વધશે'

'એ કઈ રીતે?' હિરને સવાલ કર્યો એટલે ત્વરિતને ય મનમાં ઉદ્ભવતા જાતભાતના સવાલો જીભે ચડવા માંડયા.

'ચેકિંગમાં પહેલી ટીમને અડચણ ઊભી થાય તો બીજી ટીમ મદદમાં રહેશે અને પહેલી ટીમ ચેકપોસ્ટની બહાર નીકળી જાય પછી બીજી ટીમ અટવાશે તો બહાર નીકળી ગયેલી ટીમ મદદમાં આવશે.'

'ઓકે...' કેસીના ખુલાસાથી સંતોષાયો હોય તેમ ત્વરિતે ડોકું ધુણાવીને બીજો સવાલ કરી નાંખ્યો, 'બટ વોટ અબાઉટ અવર આઈડેન્ટિટી એન્ડ પરમિટ?'

'ડોન્ટ આસ્ક ક્વેશ્ચન્સ, મેન...' કેસીએ અણગમાના ભાવથી તેની સામે જોયા વગર ડારતા અવાજે કહી દીધું, 'ઈટ્સ માય અર્થ... અહીં તમારી સલામતીની જવાબદારી મારી છે...' તેના અવાજમાં સંભળાતા નક્કર રણકામાં આત્મવિશ્વાસ પણ હતો અને તકેદારી પણ...'હવે નાનકડી ઊંઘ કરી લો. એક કલાક પછી આપણે રવાના થઈશું, પછી સીધા લ્હાસા પહોંચીને ઊંઘવા મળશે...' લ્હાસાના ઉલ્લેખ માત્રથી સૌના ચહેરા પર હાશકારો પથરાયેલો જોઈને તેણે ઉમેર્યું, 'ઊંઘતા, જાગતા, ચાલતા, બેસતા સતત પ્રાર્થના કરતા રહેજો કે લ્હાસા પહોંચવા પામીએ...'

* * *

રાતભરની દડમજલ અને હવાની પારાવાર ઠંડકથી થાકેલા ત્વરિતે પગમાંથી ક્રેમ્પોન કાઢ્યા, કમર ફરતા વિંટાળેલા રોપનો ફિંડલા જેવો વિંટો વાળીને માથા નીચે મૂક્યો અને લંબાવ્યું એ ભેગો એ ગાઢ ઊંઘમાં સરી પડયો.

કેટલો સમય વિત્યો તેનો અંદાજ ન્હોતો આવતો પણ અજવાળુ વધી ચૂક્યું હતું. પહાડીના ઢોળાવ પર કશીક ચહલપહલ થતી હતી. હારબંધ ઊભેલા ત્રણ-ચાર ખચ્ચરો પરથી કશોક માલસામન ઉતરી રહ્યો હતો અને કેસીના આદમીઓ સપાટાભેર એ ખોખાઓ ઉપરની તરફ લઈ આવતા હતા.

ખડકની ત્રાંસમાંથી ત્વરિત તાજુબીથી જોઈ રહ્યો. કેસી ઉંમરમાં તેના જેટલો જ, કદાચ તેનાંથી ય નાનો હતો પણ ગજબનાક ખેપાની હતો. આટલી નાની વયે ચાઈના જેવી મહાસત્તા સામે પડકાર ઊભો કરનારા કેસીની વિચક્ષણતા, આત્મવિશ્વાસ અને ખાસ તો તેણે પાથરેલા નેટવર્કથી એ ભારે અભિભૂત થઈ રહ્યો હતો.

ખચ્ચર પરથી કેટલાંક કોથળા ઉતરતા હતા અને કેટલાંક ચડાવાતા હતા. આ શું થઈ રહ્યું છે એ ત્વરિતને સમજાતું ન હતું.

જેવી ચૂપકીદીથી ખચ્ચર લઈને એ આદમી આવ્યો હતો એવી જ ચૂપકીદીથી એ ચાલતો થયો. પહાડની સાંકડી કેડી પર ખચ્ચરને તગેડતો તેણે લાંબો ચકરાવો માર્યો અને પછી દેખાતો બંધ થઈ ગયો.

'ઈટ્સ ટાઈમ ટૂ મૂવ ઓન...' પંદર-વીશ મિનિટ પછી સૌને ઊઠાડવાનો આદેશ થયો એટલે કેસીએ પ્રસ્થાન પહેલાં અલગ પડેલી બંને ટીમને બ્રિફિંગ કરવા માંડયું, 'હિરન, ઝુઝાર અને ઉજમને તિબેટનો એન્થ્રોપોલોજિકલ સ્ટડી કરવા આવેલા એક્સપર્ટ્સ તરીકેની આઈડેન્ટિટી આપું છું. એ ટીમને હું લીડ કરીશ...'

ગભરાયેલા ઝુઝારે કશુંક કહેવા માટે હાથ ઊંચો કર્યો પણ તેને અધવચ્ચે જ અટકાવીને કેસીએ કહેવા માંડયં, 'તમારે ક્યાંય એકેય શબ્દબોલવાનો નથી. તમે ચાઈનિઝ ભાષાથી અજાણ છો. કદાચ ચેકપોસ્ટ પર કોઈ ભાંગ્યું-તૂટયું અંગ્રેજી જાણનારો અફસર હોય તો તમારે ફક્ત તમારા બનાવટી નામ, ઠામ યાદ રાખવાના છે. એન્થ્રોપોલોજીના નામે તને આવડે એવું કંઈપણ તું ભરડી જઈશ તોય વાંધો નથી...'

'ત્વરિત, છપ્પન અને પ્રોફેસર...' તેણે એ ત્રણેયની સામે જોઈને વચ્ચે પડેલા કોથળાઓ તરફ આંગળી ચિંધી, 'આમાં તમારો તૈયાર થવાનો સામાન છે.'

'તૈયાર થવાનું છે? હજુ શું તૈયારી બાકી છે?' ત્વરિતે મુંઝવણમાં બોલી નાંખ્યું.

'તમે સૌ શોટોન ઉત્સવમાં ભાગ લેવા માટે તિબેટ જઈ રહેલા કલાકારો છો' કેસીએ સ્મિતભેર જવાબ વાળ્યો.

'હેં??' ત્વરિતના ગળામાંથી ડચકારો નીકળી ગયો. છપ્પને ય તાજુબીથી જોઈ રહ્યો અને એ બેયની અકળામણ પારખીને પ્રોફેસર મરકી પડયા.

'યસ, તમે દેહાતી કસ્બામાંના કલાકારો છે અને શોટોન ઉત્સવમાં તમારી કળા પ્રદર્શિત કરવા જઈ રહ્યા છો...'

'અરે પણ..' ત્વરિતની મુંઝવણ વધતી હતી. હજુ ય તેને કેસીનું આયોજન ગળે ન્હોતું ઉતરતું, 'તો અમારે તિબેટી ભાષા બોલવી પડે..'

'શોટોન ઉત્સવમાં ભાગ લેવા માટે કલાકારો પોતાના ગામથી પૂજા કરીને નીકળે ત્યારે તેમના હાથમાં મણિપદ્મ સ્તંભમાળ હોય છે. આખા ય રસ્તે તેઓ મંત્રજાપ કરતા જાય છે. આખા રસ્તે તેઓ મૌન જાળવે છે. રસ્તામાં આવતાં દરેક કસ્બામાં, ગામમાં ઢોલ અને તૂરી વગાડીને તેમનું સ્વાગત થાય છે.'

'ઓહ્હ્...' કેસીનો ખુલાસો સાંભળીને ત્વરિતના ચહેરા પર તાજુબી ઘટવાને બદલે વધતી જતી હતી, 'પણ અમારા ચહેરા? અમે તો ચહેરે-મહોરેથી ય તરત ઓળખાઈ જઈએ તેમ છીએ કે અમે તિબેટી નથી...'

'તમારા ચહેરાનો તો કોઈ ઈલાજ નથી..' કેસીએ સ્મિતભેર કોથળા અને ખોખાં તરફ આંગળી ચિંધતા ઉમેર્યું, 'પણ મ્હોરાંનો બંદોબસ્ત મેં કરાવી લીધો છે. શોટોન શું છે એ વિશે રસ્તામાં તાન્શી તમને માહિતી આપતી જશે. તિબેટિયન લોકકલાના એ ઉત્સવમાં પરંપરાગત તિબેટી લોકકથાઓની ભજવણી થાય છે. કલાકારો જે વેશ ભજવવાના હોય એ જ શણગાર સજીને પોતાના ગામથી નીકળતા હોય છે. ચહેરા પર રંગબેરંગી ચિતરામણ કરીને આખું કપાળ ઢંકાય તેવા પૂંઠાના માસ્ક પહેરેલા હોય.'

પછી તેણે ગભરાઈ રહેલા ત્વરિત, છપ્પનની નજીક સરકીને ખભે હાથ મૂક્યો, 'સ્હેજ પણ ઘાંઘા બનશો નહિ. અત્યંત ગંભીર શંકા ન જાય ત્યાં સુધી કોઈ તમારી જાંચ નહિ લે અને તમારા વતી તમામ વાતચીત કરવા માટે તાન્શી હશે જ...'

અડધી કલાક પછી કેસીના વડપણ હેઠળ પહેલો કાફલો રવાના થયો ત્યારે અહીં પહાડોની ધાર પર પ્રોફેસર, ત્વરિત અને છપ્પન શણગાર સજી રહ્યા હતા. તેમને તૈયાર કરી રહેલાં મુક્તિવાહિનીના આદમીઓ અને તૈયાર થઈ રહેલા આ ત્રણેયના ચહેરા પર લિંપાયેલી અપાર મુંઝવણ પારખીને તાન્શીના ચહેરા પર પણ તોફાની સ્મિત તરી આવતું હતું.

* * *

ઢોળાવ ચડીને હેંગ્સુને પોતે બેઠો હતો એ ખચ્ચરને આગળ તગેડયું અને બીજા ત્રણેય ખચ્ચરને નેતરની સોટી ફટકારીને હારબંધ ખડા કરી દીધા. ખચ્ચરની પીઠ પર બાંધેલો ઘાસિયો ખેંચીને એ નીચે ઉતર્યો અને બિલકુલ એવી સહજતાથી આગળ વધ્યો, જાણે ખુદના ઘરમાં ફળિયામાં જઈ રહ્યો હોય.

લગભગ મહિનામાં બે વાર એ આવી રીતે ખચ્ચર પર સામાન લાદીને અહીંથી નીકળતો હતો. સામાન ન હોય ત્યારે પણ ચેકપોસ્ટ પર તે વારંવાર આવતો. ક્યારેક તેની સાથે ચોખાનો દારુ હોય તો ક્યારેક ખચ્ચરના મટનની લિજ્જતદાર વાનગી હોય.

ખચ્ચર એ તિબેટની જીવાદોરી હતી. પરંપરાગત રીતે જ અહીં ખચ્ચરને મારવા પર ધાર્મિક પ્રતિબંધ હતો. ચીનાઓને ખચ્ચરનું માંસ બહુ સ્વાદિષ્ટ લાગતું પણ એ મળવું આસાન ન હતું. એટલે હેંગ્સુન આવે ત્યારે તેને જોઈને જ ચેકપોસ્ટના ફૌજીઓના ચહેરા હસું-હસું થઈ જતા.

હેંગ્સુનનું આગમન જ્યારે પેટને ન ફળ્યું હોય ત્યારે ફૌજીઓના ગજવાને તો અચૂક ફળતું. ફૌજીઓ તેને અફીણના દાણચોર તરીકે ઓળખતા. અફઘાનિસ્તાનથી આવતું અફીણ સરહદની સમાંતરે હાથબદલો કરતું હેંગ્સુન દ્વારા તિબેટમાં પ્રવેશ કરે ત્યારે તગડી લાંચ આ ચેકપોસ્ટ પર ચૂકવાતી. કેટલાંક શોખીન ફૌજીઓને આઠ-દસ દિવસ તગડો કેફ માણવા પૂરતો જથ્થોય મફતમાં મળી જતો.

કુમળી વયથી જ કેસીના કારોબારમાં પલોટાયેલો હેંગ્સુન માંડ બાવીસનો હતો પણ પહાડોની આકરી જિંદગીથી તવાયેલા તેના કદકાઠી તેને સ્હેજે ત્રીશનો બતાવતા હતા. મજબૂત ખભા, પાવડાના ફણા જેવા પહોળા હાથ અને ઢાલ જેવી છાતી કાઢીને 'ધબ્ ધબ્ ધબ્' પગ પછાડતો ગુમાનભેર એ ચેકપોસ્ટમાં પ્રવેશ્યો. અડધી કલાક પછી તેની સાથે બે-ત્રણ ફૌજી બહાર આવ્યા. જાણે હેંગ્સુન અહીંનો હાકેમ હોય અને ફૌજીએ અહીંથી પસાર થવાનો પરવાનો લેવાનો હોય તેમ ફૌજી તેની ખુશામત કરતા હતા.

હેંગ્સુનને ખચ્ચરને ચોકીના મકાન પાછળ દોર્યું અને તેની પીઠ પર બાંધેલા વજનદાર ખોખામાંથી આઠ-દસ પડીકી બાંધેલું બાચકું કાઢીને ફૌજીઓને પકડાવી દીધું. ફૌજીના ખિસ્સા તરબતર થઈ ગયા પછી હવે દિમાગને ય ટાઢક આપવાનો બંદોબસ્ત થઈ ચૂક્યો હતો.

ચેકપોસ્ટ પર રૃક્કા, પરમિટ, માલસામાન ચકાસતા અધિકારીઓ સામે સ્મિત વેરતો, જડતી લેવડાવતા દેહાતીઓ સામે ઓળખાણ સુચક હાથ ઊંચા કરતો હેંગ્સુન દમામભેર ચારેય ખચ્ચર હાંકીને ચેકપોસ્ટના બીજા મકાન પાસે લઘુશંકા કરવા ઊભો રહ્યો.

* * *

હેંગ્સુન લઘુશંકા કરવા ઊભો હતો એ વખતે કેસીની ટીમ ચેકપોસ્ટના મકાન પાસે પહોંચી હતી. ખભે બાંધેલા થેલાં ઉતારીને કેસી તેમાંથી રૃક્કા, પરવાનાના કાગળિયા તેમજ ફાઈલો કાઢી રહ્યો હતો. તેની સાથેની એક ચશ્મીશ છોકરી ટૂરિસ્ટની તાજુબીથી ચેકપોસ્ટના મકાનને, ફૌજીઓને, દેહાતીઓને નિરખી રહી હતી.

- અને ફૌજીઓ એ છોકરીના ચુસ્ત બદનમાંથી ફાટાફાટ થતા ઉભારોને લોલુપ આંખે જોઈ રહ્યા હતા.

એ જ ઘડીએ દૂર ક્યાંક સડક પર ઢોલ અને તૂરીનો અવાજ સંભળાવા લાગ્યો હતો. અચાનક શરૃ થયેલા અવાજથી ચોંકેલા ફૌજીએ બીજા આદમી સામે જોયું. બીજો ફૌજી ખુરસીમાંથી ઊભો થયો. એ જ ઘડીએ જડતી લેવડાવેલી રહેલો એક દેહાતી હરખભેર બોલી ગયો...

'સાંગ્વે કેવાસી શોટોન... સાંગ્વે શોટોન...' ઉત્તર દિશામાં બે હાથ જોડીને, બંધ આંખે નમન કરીને તેણે ફરીથી હોંશીલા અવાજે કહી દીધું, 'જલદી જડતી પતાવો... શોટોનના કલાકારો આવી રહ્યા છે...'

(ક્રમશઃ)