Once Upon a Time - 70 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 70

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 70

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 70

છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવને દાઉદ ઈબ્રાહીમ ઉપરાઉપરી ફટકા મારી રહ્યો હતો એનો જવાબ વાળવા માટે છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવ વિચારી રહ્યા હતા ત્યાં જ બબલુ અને રાજનને વધુ એક ફટકો પડ્યો. ઈન્ટરપોલના અધિકારીઓએ બબલુ શ્રીવાસ્તવને સિંગાપોર એરપોર્ટમાં પકડી પાડ્યો, બબલુ શ્રીવાસ્તવની ધરપકડ બાદ કાનૂની કાર્યવાહી પૂરી કરીને ભારત લાવવામાં આવ્યો. ભારતમાં એને પહેલાં દિલ્હીની તિહાર જેલમાં અને પછી નૈની જેલમાં ધકેલી દેવાયો.

બબલુની ધરપકડ પછી થોડો સમય એની ગેંગની પ્રવૃત્તિઓને બ્રેક લાગી ગઈ, પણ પછી તેણે થોડા સમયમાં જ પોતાની પ્રવૃત્તિઓ જેલમાંથી શરુ કરી. અલાહાબાદની નૈની જેલમાં બેઠા બેઠા બબલુએ દેશનાં મહાનગરોના શ્રીમંતોના અપહરણના કારસ્તાન ઘડીને પૈસા પડાવવાનો ધંધો ફરી વાર શરુ કરી દીધો. એમાં એને એની પ્રેમિકા અર્ચના શર્માની પણ મદદ મળતી હતી. અર્ચના શર્મા બબલુના આદેશથી કલકત્તામાં ફ્લેટ ભાડે રાખીને રહેવા માંડી હતી. બબલુએ જેલમાં બેઠા બેઠા મુંબઈ, અમદાવાદ, કલકત્તા, લખનૌ અને ચંડીગઢ તથા દિલ્હીની શ્રીમંતોના અપહરણ કરીને એમને છોડાવવા માટે કરોડો રૂપિયાની રકમ પડાવવા માંડી. જેલમાં એ વધુ સલામતી અનુભવવા માંડ્યો હતો. બહાર દાઉદ ગેંગથી એને ખતરો હતો. એની સામે જેલમાં એને બધી સવલતો અને સલામતી સાથે પોતાનો ‘કારોબાર’ ચલાવવાનું ફાવી ગયું.’

‘અંડરવર્લ્ડની કથા લખો ત્યારે અંડરવર્લ્ડના સરદારોને જેલમાં બેઠા બેઠા મળતી સુવિધાઓની વાતનો તમારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ,’ પપ્પુ ટકલાએ વળી એક વાર પૂરક માહિતી આપવા માંડી, ‘બબલુ શ્રીવાસ્તવથી માંડીને અરુણ ગવળી સુધીના ગુંડા સરદારોને આપણા દેશની જેલોના ભ્રષ્ટ અધિકારીઓએ મોજશોખથી માંડીને ખૂનખરાબા કે અપહરણ કરાવવામાં મદદ પૂરી પાડી છે. કોઈ મોટો ગુંડો પકડાઈ જાય અને જેલભેગો થાય ત્યારે અખબારોમાં એ સમાચાર વાંચીને સામાન્ય લોકો ભલે બે ઘડી ખુશ થતા હોય પણ વાસ્તવમાં ગુંડા સરદારોને પોતાના ઘર જેટલી જ સુવિધા જેલમાં મળતી હોય છે. નેવુંના દાયકાના અંત ભાગમાં અગાઉ ઉલ્લાસનગરના વિધાનસભ્ય અને ટાડા આરોપી પપ્પુ કાલાણી પાસે જેલમાંથી મોબાઈલ ફોન અને બીજા અનેક સાધનો તથા રોકડ રકમ મળી આવ્યા હતા એની તો તમને ખબર હશે જ! અરુણ ગવળી તો પુનાની યરવડા જેલમાં રીતસર પોતાનો દરબાર ભરતો હતો. કેટલાક પત્રકારોએ આ વાત ચગાવ્યા પછી ગવળીને પૂનાની યરવડા જેલમાંથી ઔરંગાબાદની હરસુલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અરુણ ગવળી તો હરસુલ જેલમાં પણ ખંડણીની રકમ મંગાવતો હતો અને ત્યાં જ એ રકમનો વહીવટ કરતો હતો. એવું બહાર આવ્યું હતું. જેલમાં ઘણા ગુંડાઓ પાસેથી મોબાઈલ પકડાયા હતા. બબલુ શ્રીવાસ્તવ તો નૈની જેલમાં એક ડઝન જેટલા સીમકાર્ડ રાખીને પોતાનો ‘કારોબાર’ ચલાવતો હતો. ગુંડા સરદારો પૈસા વેરે એટલે મોટાભાગની જેલના મોટા ભાગના અધિકારીઓ એમને માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપે છે. મુંબઈની આર્થર રોડ જેલમાં એક રીઢો ગુંડો દોઢ વર્ષથી કેદ હતો. પણ એમ છતાં જયારે એની પત્ની ગર્ભવતી બની ત્યારે પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. પાછળથી ખબર પડી હતી કે ગુંડો દરરોજ પોતાની ઘેર જતો રહેતો હતો અને સવાર પડે એટલે પાછો જેલમાં આવી જતો હતો!’

પપ્પુ ટકલા જેલપુરાણ ચલાવવાના મૂડમાં આવી ગયો હતો પણ પોલીસ ઓફિસર મિત્રએ એને ટપારીને અટકાવ્યો હતો. પપ્પુ ટકલાએ હળવો બ્રેક લઈને રાબેતા મુજબ ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લીધો અને પછી ફરી એક વાર અંડરવર્લ્ડ કથા આગળ ધપાવી, ‘૧૯૯૫માં થોડા સમય દાઉદ ઈબ્રાહીમે છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવ તથ અરુણ ગવળી ગેંગને પછડાટ આપી હતી. એ દરમ્યાન એલટીટીઈની મદદથી દાઉદે પોતાનું નેટવર્ક મજબૂત બનાવ્યું. એ દરમ્યાન અરુણ ગવળી અને છોટા રાજનના દુશ્મન અમર નાઈકે પણ એલટીટીઈ સાથે સંબંધ વિકસાવ્યો. શ્રીલંકાની સરકારને વર્ષોથી હંફાવી રહેલા એલટીટીઈના નેતાઓની મદદથી દાઉદે ડ્રગ્સની હેરાફેરીનું જડબેસલાક નેટવર્ક વિકસાવ્યું. ૧૯૯૪ના અંત ભાગથી દાઉદે એલટીટીઈ સાથે ગોઠવણ કરીને એલટીટીઈના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઉપયોગ કરવા માંડ્યો. આ દરમિયાન દાઉદ દુબઈથી કરાચી આવી ગયો હતો. એલટીટીઈ પાસેથી દાઉદ ઈબ્રાહીમ અને અમર નાઈક ગેંગને અત્યાધુનિક શસ્ત્રો પણ મળવા માંડ્યા. અલબત્ત દાઉદ અને નાઈક ગેંગ એના બદલામાં એલટીટીઈને તગડું વળતર ચુકવતા હતા. દાઉદ ઈબ્રાહીમેં તામિલ ઉગ્રવાદી સંસ્થા એલટીટીઈના ઘણા સભ્યોને મુંબઈમાં રહેવાની વ્યવસ્થા પણ પૂરી પાડી હતી.’

‘એલટીટીઈ સાથે ગોઠવણ કરવાની સાથે દાઉદે પાકિસ્તાની જાસૂસી અને ભાંગફોડિયા સંસ્થા આઈએસઆઈની મદદથી એક નવો ‘કારોબાર’ શરુ કર્યો, ભારતમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનો. આઈએસઆઈએ પાકિસ્તાનમાં નકલી ભારતીય ચલણી નોટો છાપીને દાઉદ ગેંગને આપવા માંડી અને દાઉદે એ ચલણી નોટો ભારતમાં ઘુસાડવા માંડી. વળી એક વાર દાઉદ ઈબ્રાહીમનું આર્થિક સામ્રાજ્ય મજબૂત બનવા માંડ્યું હતું પણ એ દરમિયાન દાઉદને મુંબઈમાં એક કારસ્તાન ભારે પડી ગયું અને મુંબઈ પોલીસ ફરી એક વાર પૂરી તાકાતથી દાઉદ ગેંગની પાછળ પડી ગઈ.’

પપ્પુ ટકલાએ બ્લેક લેબલનો ઘૂંટ ભર્યો અને ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ ખેંચીને એણે વાતનો દોર સાધ્યો. ફરી એક વાર કોઈ અભાગિયા સ્ક્રિપ્ટ રાઈટરનું ભૂત એના દિમાગમાં આવી ભરાયું હતું!

(ક્રમશ:)