Once Upon a Time - 67 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 67

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 67

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 67

‘દાઉદનો દોસ્ત ડ્રગ માફિયા ઈકબાલ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચી પોતાના જ સાથીદાર શેરુની હત્યાની યોજના અમલમાં મૂકે એ અગાઉ તો એ ઇન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો. ઇન્ટરપોલના અધિકારીઓએ મિર્ચીને લંડનથી લીડ્ઝ વચ્ચે લંડનથી ચાલીસ માઈલ દૂર બેડફર્ડમાં પોતાની ફાઈન ફિલ્ડ્સ રાઈસ મિલમાંથી પકડી પાડ્યો એ સમાચાર મુંબઈ પોલીસને મળતાં મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રાજીના રેડ થઇ ગયા હતા, પણ મુંબઈ પોલીસની ખુશી લાંબો સમય ટકી નહોતી. મુંબઈ પોલીસના એન્ટિ-નાર્કોટિક સેલના વડા હેમંત કરકરે હરખભેર પત્રકારોને કહેતા હતા કે ઈકબાલ મિર્ચીને મુંબઈ લાવવાની કાનૂની વિધિ પતાવતાં થોડો સમય લાગશે, પણ મિર્ચીને મુંબઈ લાવી શકાશે અને ૪૫ વર્ષના મિર્ચીને મુંબઈ લાવ્યા બાદ એ આખી જિંદગી જેલમાં જ વિતાવે એટલા સજ્જડ કેસીસ એની સામે છે. મુંબઈ પોલીસે બે જુદી જુદી રેડમાં ઈકબાલ મિર્ચીનો સાત ટન મેન્ડ્રેક્સનો જથ્થો પકડી પાડ્યો હતો. એ સિવાય એની સામે મર્ડર અને મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ માટે આર્થિક સહાય પૂરી પાડવા સહિત અનેક ગંભીર ગુના નોંધાયેલા હોવાથી મિર્ચી જીવનભર જેલના સળિયા પાછળ ગોંધાયેલા રહેશે તેવી મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ધારણા હતી. પણ ઈકબાલ મિર્ચીએ મુંબઈ પોલીસને બરાબર કાનૂની ટક્કર આપી અને લંડનની કોર્ટે પૂરતા પુરાવાના અભાવે ઈકબાલ મિર્ચીને ભારતને સોંપવાનો ઇનકાર કરી દીધો અને મુંબઈ પોલીસ હાથ ઘસતી રહી ગઈ.’

‘બાય ધ વે, ઈકબાલ મિર્ચીને મુંબઈ પોલીસના હાથમાં પડતાં બચાવનાર વકીલોએ જ ગુલશનકુમાર ખૂન કેસના આરોપી સંગીતકાર સૈફી નદીમ અખ્તરને કાનૂની સેવા પૂરી પાડી હતી! પણ એ વિશે આપણે આગળ વાત કરીશું.’ પપ્પુ ટકલાએ પૂરી થઇ ગયેલી ફાઈવફાઈવફાઈવનું ઠુંઠું એશ ટ્રેમાં નાખતાં કહ્યું. બ્લેક લેબલનો મોટો ઘૂંટ ભરીને એણે પેગ પૂરો કર્યો.

***

પપ્પુ ટકલાએ નવો લાર્જ પેગ બનાવીને ફાઈવફાઈવફાઈવના પેકેટમાંથી નવી સિગરેટ કાઢીને ઈમ્પોર્ટેડ લાઈટરથી એને સળગાવતાં એણે મૂળ વાતનો તંતુ પકડ્યા. ‘ઈકબાલ મિર્ચી પણ અંડરવર્લ્ડનું મહત્વનું કેરેક્ટર છે. ‘મોગલ-એ-આઝમ’ ફિલ્મના સર્જક કે.આસિફ અત્યારે હયાત હોત તો એમના જમાઈ ઈકબાલ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચીએ એમને હિન્દી ફિલ્મ બનાવવા માટે અનેક વિષય પૂરા પાડ્યા હોત. ફિલ્મસર્જક કે.આસિફ અને એક જમાનાની વિખ્યાત અભિનેત્રી નિગાર સુલતાનની પુત્રી હીના કૌસર સાથે ઈકબાલ મિર્ચીએ લગ્ન કર્યા હતા. મિર્ચીએ બે લગ્ન કર્યા છે. અને હીના કૌસર એની બીજી પત્ની છે. હિન્દી ફિલ્મોમાં હિરોઈન તરીકે કંઈ ઉકાળી ન શકનાર હીના કૌસરે ઈકબાલ મિર્ચી સાથે લગ્ન કરી લીધા હતા.

ડ્રગ સ્મગલર ઈકબાલ મિર્ચીની જીવનકથા કહેતાં કહેતાં પપ્પુ ટકલાને અચાનક હસવું આવ્યું. હસવું ખાળતાં એણે કહ્યું, ‘તમને નવાઈ લાગશે કે મારી વાતમાં ગમે ત્યાંથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યાંથી આવી જાય છે, પણ અંડરવર્લ્ડ અને ગ્લેમર વર્લ્ડના (ફિલ્મ ઇન્ડસ્ટ્રીના) તાણાવાણા એટલા ગૂંથાયેલા છે કે અંડરવર્લ્ડની વાતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવ્યા વગર રહે જ નહીં. પછી એણે ટીખળ કરતાં કહ્યું, ‘તમને એવું નથી લાગતું કે આવી મસાલેદાર માહિતી પૂરી પાડવા બદલ તમારે મને પુરસ્કાર આપવો જોઈએ?’

પપ્પુ ટકલા એકદમ મૂડમાં આવી ગયો હતો. ‘આપણે ક્યાં પહોંચ્યા હતા ?’ એણે આદતવશ પૂછ્યું અને પછી એની તાવ પ્રમાણે અમારો જવાબ સાંભળ્યાં વિના એણે ફરી વાર વાતનો દોર સાધી લીધો, ‘ઈકબાલ મિર્ચીના પિતા મુંબઈની અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં મરચાં વેચવાનો ધંધો કરતા હતા. એમની દુકાન જ્યાં હતી એ વિસ્તાર મિર્ચી ગલી તરીકે ઓળખાતો હતો. મરચાંના વ્યવસાયમાં પડેલા હોવાથી એમના નામની પાછળ મિર્ચી અટક લાગી ગઈ. પિતાના મૃત્યુ પછી ઇકબાલ મિર્ચીએ એમનો ધંધો સંભાળવાની કોશિશ કરી હતી, પણ મરચાંની દુકાનમાં એનો ટાંટિયો ટક્યો નહોતો. ધંધો સંકેલીને એણે મુંબઈના ડોકયાર્ડ બંદરમાં પહેલાં મજૂરી અને પછી ચોરીચપાટી શરુ કરી હતી. ૧૯૮૫ પછી એ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં વળગી ગયો.

૧૯૯૨ સુધીમાં ઈકબાલ મિર્ચી માત્ર મુંબઈમાં જ ૩૦૦ કરોડથી વધુ કિંમતની અસ્કયામતો ધરાવતો થઇ ગયો હતો. મુંબઈ પોલીસના ચોપડે ઈકબાલ મિર્ચીની મિલકતોની યાદીનો આટલો લાંબો આંકડો બોલે છે. બાકી એની પોલીસની જાણ બહારની બેનંબરી મિલકતોની કિંમત તો કદાચ આથી બમણી કે ત્રણ ગણી કે પાંચ ગણી પણ હોઈ શકે છે. ઈકબાલ મિર્ચી ૧૯૯૨માં મુંબઈ છોડીને જતો રહ્યો હતો એ અગાઉ એ મુંબઈની વિખ્યાત હાજી અલી દરગાહ પાસે ‘સમુદ્ર મહલ’ બિલ્ડીંગમાં રહેતો હતો. વરલીમાં એના આ રહેણાંક ઉપરાંત ‘રૂબિયા મેન્શન’ અને ‘જુનૈદ મંઝીલ’ બિલ્ડીંગમાં કરોડો રૂપિયા રોક્યા હતા. એ સિવાય વરલીના એની બેસન્ટ રોડના કિનારે હોટેલ મરિયમ અને લલિત ગેસ્ટ હાઉસ તથા ફીશરમેનન્સ વ્હાર્ફ નામના રેસ્ટોરાં કમ ડિસ્કોથેકની માલિકી એની થઇ ગઈ હતી. ફીશરમેનસ વ્હાર્ફ અગાઉ અરવિંદ ધોળકિયાની માલિકીનું હતું એ સિવાય ઈકબાલ મિર્ચી મુંબઈમાં સાંતાક્રુઝ ઉપનગરમાં હોટલ મીનાઝ, એક્સપોર્ટ હાઉસમાં ઈમ્પીરીયલ ઇન્ડિયા લિમિટેડ નામની ઓફિસ અને પંચગીનીમાં હોટેલ ધરાવતો હતો.

આ તો મુંબઈ પોલીસને ઈકબાલ મિર્ચીની મિલકતો વિશે જેટલી ખબર હતી એનું લિસ્ટ છે. ઈકબાલ મિર્ચી દુબઈમાં એની માલિકીની ઈમ્પીરીયલ શિપિંગ કંપનીની બહુમાળી ઈમારત તથા દુબઈમાં અને લંડનમાં પોશ વિસ્તારમાં બંગલો અને લંડનમાં બે રાઈસ મિલની માલિકી સહિત વિદેશોમાં અનેક પ્રોપર્ટી ધરાવે છે. ઈકબાલ મિર્ચીએ ઇંગ્લેન્ડમાં બે રાઈસ મિલની માલિકી કેમ મેળવી એની વાત રસપ્રદ છે. ઈકબાલ મિર્ચીએ ૧૯૯૩માં ઈબ્રાહીમ પટેલ નામના અન્ય એક ડ્રગ સ્મગલરને એક ડ્રગ કન્સાઇન્મેન્ટ આપ્યું હતું. પણ એ ડ્રગનો જથ્થો મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ જતાં ઈબ્રાહીમ પટેલની હાલત કફોડી થઇ ગઈ. એ ઈકબાલ મિર્ચીને ડ્રગનું પેમેન્ટ ચૂકવી શક્યો નહીં. એટલે મિર્ચીએ ઈબ્રાહીમ પટેલની ઈંગ્લેંડમાં બ્રેડફર્ડ સ્થિત ઈડન ફાઈન રાઈસ મિલ અને ફાઈન ફિલ્ડ્સ રાઈસ મિલ પડાવી લીધી હતી.

ઈકબાલ મિર્ચી જેવા તો ડઝનબંધ ડ્રગ સ્મગલર્સ ડ્રગ સ્મગલિંગનો ગોરખધંધો કરીને અબજોપતિ બની ગયા છે. ઈકબાલ મિર્ચી તો ઇન્ટરપોલના હાથે ઝડપાઈને ભારતમાં જાણીતો બન્યો હતો, પણ બીજા અનેક એવા ડ્રગ સ્મગલર્સ છે જેમના નામ લોકો સુધી ક્યારેય પહોંચતા નથી પણ તેઓ ઈકબાલ મિર્ચીનું માથું ભાંગે એટલા પાવરફુલ ડ્રગ માફિયા ગણાય છે. અંડરવર્લ્ડની ગેંગવોર અને ડ્રગમાફિયાઓના ગોરખધંધાને સીધો સંબંધ છે. મુંબઈમાં અરુણ ગવળી ગેંગના શૂટરને કે ફાઈનાન્સરને મારી નાખે અથવા તો દાઉદ ગેંગના શૂટર છોટા રાજન કે અરુણ ગવળી ગેંગના ગુંડાને ગોળીએ દે એવા સમાચાર તો અખબારોમાં અવારનવાર વાંચવા મળે છે. પણ ડ્રગ સ્મગલર્સ વચ્ચેની આંતરિક લડાઈમાં છેલ્લા દાયકામાં સેંકડો લાશ પડી ગઈ છે. અને હજી પડતી રહે છે. એની અંદરની વાતો બહાર આવતી નથી. કેફી દ્રવ્યોની હેરાફેરી કરીને અત્યંત ઝડપથી કરોડપતિ કે અબજપતિ બની જવાની કળા ઘણા ડ્રગ સ્મગલરને ફાવી ગઈ છે. અગાઉ હાજી મસ્તાન કે યુસુફ પટેલના જમાનામાં સોનાચાંદીની દાણચોરી થતી હતી કે એ પછી વરદરાજન વિદેશી કપડાં દાણચોરીથી ભારત મગાવતો હતો પણ કરીમલાલાના સમયમાં અફઘાનિસ્તાન અને ભારતમાં ડ્રગ સ્મગલિંગની શરૂઆત થઇ હતી. દાઉદ ઈબ્રાહીમ પણ પહેલાં માત્ર સોનાની દાણચોરી કરતો હતો પણ એના મહમ્મદ ડોસા અને ખાલિદ પહેલવાન જેવા સાથીદારોએ એના ભાઈ અનીસને ડ્રગ સ્મગલિંગ તરફ વાળ્યો હતો. જોકે જાહેરમાં દાઉદ ઈબ્રાહીમ હંમેશા એમ જ કહેતો રહ્યો છે કે મેં ક્યારેય ડ્રગ સ્મગલિંગમાં હાથ નાખ્યો નથી.

દાઉદની એ વાત એક રીતે સાચી છે કે તેણે જાતે ડ્રગ સ્મગલિંગ નથી કર્યું, પણ એમ તો દાઉદના કહેવાથી મુંબઈમાં અને દેશના અન્ય શહેરોમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ લાશો પડી છે એ દરેક વ્યક્તિને ગોળી મારવા દાઉદ જાતે ત્યાં ન જ ગયો હોય! દાઉદના ભાઈઓ અને મિત્રોએ દાઉદના નેટવર્કથી મોટે પાયે ડ્રગ સ્મગલિંગ કરીને અબજો રૂપિયાની કમાણી કરી છે. ઈકબાલ મિર્ચી એવો જ એક માણસ છે. ડ્રગ સ્મગલિંગ કરીને ઇકબાલ મિર્ચી જેવા અનેક અબજોપતિ ઊભા થયા છે અને ડ્રગ સ્મગલિંગમાંથી થયેલી હરામની કમાણી બેફામ રીતે ગેંગવોરના ‘એકાઉન્ટ સેટલ’કરવામાં ખર્ચાતી રહે છે. ૧૯૯૫માં જામનગર પોલીસે મુંબઈ આવીને બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી ઉસ્માન ગનીની ધરપકડ કરી એમાં શફી તુફાની પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો. એ વખતે અંડરવર્લ્ડમાં એવી વાત વહેતી થઇ હતી કે, ઇકબાલ મિર્ચીએ શફી તુફાનીનું ખૂન કરવા માટે ૭૦ લાખ રુપિયાની સુપારી આપી હતી!

(ક્રમશ:)