Sambandh name Ajvalu - 25 in Gujarati Moral Stories by Raam Mori books and stories PDF | સંબંધ નામે અજવાળું - 25

Featured Books
Categories
Share

સંબંધ નામે અજવાળું - 25

સંબંધ નામે અજવાળું

(25)

તુજસે હી નારાઝ હૈ જીંદગી !

રામ મોરી

‘’ તને એવું કેમ લાગે છે કે દરેક વખતે હું જ ઝઘડા કરું છું ?’’

‘’ હા, તું જ કરે છે, તું હંમેશા ઝઘડવા માટેના કારણો શોધે છે.’’

‘’ મને શોખ નથી ઝઘડવાનો પણ તું દરેક વખતે એવું કરે છે કે મારાથી સહન નથી થતું.’’

‘’ આપ મને તું એક નક્કર કારણ આપ ઝઘડા માટેનું. આ છેલ્લી એક કલાકથી આપણને લડી રહ્યા છીએ પણ શું કામ લડીએ છીએ એનું કારણ તને કે મને ખબર છે ?’’

‘’ તે સાથે આવવાની ના પાડી એટલે.’’

‘’ તારી પ્રોબ્લેમ મને સમજાતી નથી. સાથે આવું તો તું એવું કહે છે કે હું સતત ચોકી પહેરો ભરું છું અને સાથે નથી આવતો તો તને લાગે છે કે મને તારી કોઈ પડી નથી.’’

‘’ તને યાદ કરાવી દઉં કે આ મુદ્દાને લઈને આપણી લાસ્ટ વીક લડાઈ થઈ ચૂકી છે.’’

‘’ તો તું નવું કારણ શોધી લે કેમકે તારે ઝઘડવું જ છે એટલે કારણો તો તને મળી જ રહેશે.’’

ગુલઝારની એક કવિતાની પંક્તિઓ કંઈક આવી છે કે, ‘’ ભૂલને કી સારી બાતેં યાદ હૈ, ઈસીલીયે જીંદગી મે વિવાદ હૈ !’’ આપણી આસપાસ જરા નજર કરીએ તો સમજાય છે કે લોકો સતત આપસમાં લડતા રહેતા હોય છે. આપણી નજીકની ઘણી વ્યક્તિઓ પણ સતત લડતી દેખાય ત્યારે દુ:ખ વધારે થાય એ સ્વાભાવિક છે. મોટાભાગની લડાઈનું મૂળ તપાસીએ ત્યારે સમજાય છે કે એ લડાઈના મૂળમાં દટાયેલી જૂની વાતો છે. એકબીજા વિશેની ફરિયાદો અને અભાવોના સંબંધ પર જામી ગયેલા થર સંબંધની કરોડરજ્જૂને તોડી પાડે છે. આપણી નજીકની વ્યક્તિની આપણને નહીં ગમેલી વાતને આપણે મનમાં રાખીએ છીએ. આપણને ખબર નથી હોતી એ રીતે આ રીતે ટીપે ટીપે ન ગમતી વાતોનો સંગ્રહ અંદર અંદર એટલો ગંઠાઈને વજનદાર બની જાય કે સરવાળે તમારો સંબંધ ઢસડાયા કરે. તો એ જ પોઈન્ટ પર આપણે આપણી સાથેની વ્યક્તિને કેમ નથી કહી દેતા કે જો સાંભળ, મને તારી આ વાત નથી ગમી કે તે આ બરાબર નથી કર્યું ! આપણે કદાચ એટલે નથી કહેતા કે આપણો પાર્ટનર નારાજ થઈ જશે કે એને ખરાબ લાગશે કે એને એવું લાગશે કે તમે એને કંટ્રોલ કરો છો અથવા તો એને જજ કરી રહ્યા છો. મનમાં આ ડર હોય એ બહુ સ્વાભાવિક છે પણ તમને એ વાતનો અંદાજ પણ નહીં હોય કે તમારા પાર્ટનરની તમને નહીં ગમેલી આ વાત તમે ભૂલી નથી જ જવાના. આગળ જતાં જ્યારે ઝઘડો થશે કે આવી જ કોઈ બાબતને લઈને મતભેદ થશે કે તમારી અંદર ધરબાયેલી બધી ફરિયાદો ધારદાર શસ્ત્ર બનીને તમારા પાર્ટનર પર ત્રાટકશે. સરવાળે તમારો સંબંધ લોહીલૂહાણ થશે અને તમારા મતભેદ મનભેદ સુધી લંબાઈ જશે. સમજદાર વ્યક્તિ સમજી જશે કે જો આ કાયમી મનભેદ ન જોઈતા હોય તો જે ક્ષણે ફરિયાદ હોય એજ મોમેન્ટ પર મનની વાત અને ફરિયાદ કરી દેવી જોઈએ. આપણી નજીકના લોકોના મન નહીં દૂભાવવાની બીકથી જે તે સમયે નહીં કહેવાયેલી વાત પાછળથી ઝઘડાના હવનમાં ઘી તરીકે ઉમરાય છે અને નજીકના લોકોને કાયમી ધોરણે ખોઈ બેસવાનો વારો આવે છે.

એક સત્ય તો સમજી લેવા જેવું છે કે આ દુનિયામાં કશું જ સંપૂર્ણ નથી. અધૂરપ એ સૌથી મોટું વાસ્તવ છે. બે લોકોની પોતપોતાની અઘૂરપ જ એકબીજા સાથે મળીને એકબીજાને પૂર્ણ બનાવે છે. પોતાના સાથીદારમાં વ્યક્તિ સતત એ જ બધી બાબતો શોધતી રહે છે જે એનામાં નથી હોતી. સંબંધમાં ઝઘડા થાય એ એક રીતે તો સારી નીશાની છે કે સંબંધ સ્વસ્થ છે એની એ નિશાની છે. જો વ્યક્તિને પોતાની નજીકની વ્યક્તિ માટે ફરિયાદ ન થાય, ગુસ્સો ન આવે, પ્રશ્ન ન થાય તો પછી એ સંબંધનું મૂળ તપાસવું જોઈએ. પણ આ પ્રશ્નો, ફરિયાદ અને ગુસ્સો પોતાની મર્યાદા નક્કી કરી લે તો સંબંધમાં આ બાબતો પણ મોસ્ટ વેલકમ છે. આપણે આપણી આસપાસમાં એવા કેટલાય ઝઘડા જોયા જ છે કે જ્યાં બે લોકો એકીબીજા સાથે વર્ષોથી બોલ્યા નથી કે બંને લોકોને એકબીજા સાથે બનતું નથી. આપણે જ્યારે એ કંકાસનું કારણ બીલોરી કાચ લઈને ફંફોસવા બેસીએ ત્યારે એ વાત સમજાય છે કે બંનેમાંથી એકપણ વ્યક્તિને ખબર જ નથી કે આંગળીને મૂકીને કહી શકાય એવું કોઈ ચોક્કસ નક્કર કારણ શું છે ? બે લોકોના મનનું સમાધાન કરાવવાનો બેસ્ટ ઉપાય એ જ છે કે એ બંને વ્યક્તિને સામસામા બેસાડો અને એને કહો કે જરા પણ ઉશ્કેરાટ વગર વાત કરે અને ઝઘડાના કારણો તપાસે. બે લોકોને જ્યારે એકબીજા સાથે વાંકુ પડે છે ત્યારે જો એ ખરેખર સંબંધને બચાવવા માંગતા હોય તો મોબાઈલ મેસેજીસ અને કોલને ટાળીને ફેસ ટુ ફેસ જ મળવું જોઈએ. કેમકે મેસેજીસ અને કોલ ક્યારેય એ વાતો ક્લીઅર નથી કરાવી શકતા જે કામ આંખની સામે આંખની એકીટશ નજર કરાવી શકે. ઘણીવાર એકબીજાના હાથનો હૂંફાળો સ્પર્શ અને એક ટાઈટ હગ ઘણી બધી ફરિયાદોને ઉગતાની સાથે ડામી દે છે. માણસ માત્રને પોતાની ગમતી વ્યક્તિનું અટેન્શન જોઈએ છે. જો સંબંધમાં ઝઘડાઓથી બચવું હોય અને પોતાના સાથીને કાયમ માટે ગુમાવવો ન હોય ત્યારે વચેટિયાઓની વાતોથી બચવું જોઈએ. મને ફલાણાએ તારા વિશે આ વાત કરી. મને પેલો અને પેલીએ આવું કહ્યું કે તું મારા વિશે આવું વિચારે છે. જ્યારે તમને તમારા કોમન મિત્રો તરફથી પણ એકબીજા વિશે એકબીજાના સિક્રેટ જાણવા મળે ત્યારે તો જાણે કે ધરતીકંપ આવ્યો હોય એવી સ્થિતિ આવીને ઉભી રહે છે. મોટાભાગના ઝઘડાનું કારણ ‘તેં મને આ ન કહ્યું કે મને તારા વિશે આ ખબર નહોતી’ હોય છે. એક વાત સ્વીકારી લો કે તમે જેના જીવનમાં આવ્યા છો એના જીવનની રજેરજની માહિતી તમને ખબર હોય જ અને હોવી જ જોઈએ એવી અપેક્ષા વધારે પડતી છે. બે વ્યક્તિ એકબીજાની નજીક આવે છે પછી એકબીજા સાથે જોડાયેલા જગતને ધીમે ધીમે સમજવાની શરૂઆત કરે છે. સમય લાગે છે સાથીદારને સારી રીતે સમજવામાં અને એની સાથે જોડાયેલી બધી વાતોને જાણવામાં. જ્યારે તમને તમારા પાર્ટનરની કોઈ એવી વાત જાણવા મળે કે જે તમને આજ સુધી જાણ નહોતી તો સાથીદાર પર તૂટી પડતા પહેલા થોડો સમય એ જાણવા સમજવાનો પ્રયત્ન કરી શકો કે એણે મને કેમ કીધું નથી કે કેમ નહીં શક્યો હોય તો પણ તમારા ઘણા ઝઘડાઓ ઉભા થતા પહેલા અટકી જશે.

સંબંધમાં જો ખુલ્લા દિલે જીવી જતા આવડી જાય તો આસપાસનું આખું જગત ફૂલગુલાબી છે. ખુલ્લા દિલે જીવાતા જીવનમાં ગમાઅણગમાને બહુ સરળતાથી રજૂ કરી શકાય છે એટલે બેંકબેલેન્સની જેમ ઝઘડવાના કારણોને સાચવવાની જરૂર પડતી નથી. સરવાળે બે લોકો એકબીજા સાથે હૂંફાળું તંદુરસ્ત જીવી શકે છે. ઝઘડવાના કારણો ઓછા હશે તો સરવાળે ખુશ રહેવાના કારણો તમને તમારી આસપાસ વધારે દેખાશે. ગુલઝાર કહે છે એમ કે, ‘’ નારાજગીયો કો કુછ દેર ચૂપ રહ કર મીટા લીયા કરો, ગલતીયો પર જ્યાદા બાત કરને સે રિશ્તે ઉલઝ જાતે હૈ !’’

***