64 Summerhill - 70 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 70

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

64 સમરહિલ - 70

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 70

હજુ એક અઠવાડિયા પહેલાં શોમાબજારના અફીણના પાટલા પર એ હિસાબ લઈ રહ્યો હતો. એ સાંજે તેણે કટ્ટા તરીકે ઓળખાતા દેશી તમંચાના એક ઓર્ડર માટે ડીલ કરવા જવાનું હતું. એ વખતે તેનો એક ખાંખતિયો આદમી બાતમી લઈને આવ્યો હતો.

બજારમાં એક છોકરી ફરતી હતી અને જ્યાં-ત્યાં તિબેટિયન વેપારીની પૂછપરછ કરી રહી હતી!

બદનામ શોમાબજારમાં એકલદોકલ ફરતી છોકરી પોતે જ તાજુબીનું પહેલું કારણ ગણાય. એમાં ય એ તિબેટિયનની જ પૂછપરછ કરે એ તો...

ચોંકેલા કેસીએ તરત આદમીઓ દોડાવ્યા હતા અને એક કલાક પછી એ છોકરી તેની સામે હાજર હતી. ગરદન સુધી ઝૂલતા રેશમી વાળ, ભર્યા ભર્યા ગાલ પરથી રેલાતું સિંદુરિયા રંગનું માદક રૃપ, મોટી ઘેરી સ્હેજ કથ્થાઈ આંખોમાંથી નીતરતું કામણ, લાંબી ચંચળ ગરદન, માંસલ બાંધો અને અવાજમાં છલકાતો ગજબ આત્મવિશ્વાસ...

'માયસેલ્ફ હિરન...' તેણે બેખૌફપણે શરૃઆત કરી દીધી હતી, 'હિરન રાય... મેં સાંભળ્યું છે કે તું લોકોને સરહદ પાર કરાવીને તિબેટ સુધી લઈ જાય છે...'

બીજો કોઈ સમો હોત તો એ જ ઘડીએ ભડાકો થઈ ગયો હોત. હિરન તેના વિશે પાક્કું હોમવર્ક કરીને આવી હતી પણ એ એટલી બેપરવાઈથી બોલી રહી હતી કે ઘડીક કેસી ય ભડકી ગયો હતો.

'હુ ટોલ્ડ યુ?' કેસીએ મનોભાવને ચહેરા પર આવતા રોકીને પૂછ્યું હતું.

'કેપ્ટન અભિનવ બોહરા... એક્સ એમઆઈ ઓફિસર... નાવાડેઝ એટ કુમાઉ રેજિમેન્ટ' હિરને એવી જ સલુકાઈથી જવાબ વાળ્યો હતો, 'હી વોઝ માય બેચમેટ એટ એનડીએ.'

કેસી થીજી ગયો હતો. કોલેજિયન જેવી દેખાતી આ માદક છોકરી નેશનલ ડિફેન્સ એકેડેમીની કેડેટ હતી. અભિનવ બોહરા મિલિટરી ઈન્ટેલિજન્સમાં હતો ત્યારે કેસી તેના સંપર્કમાં આવ્યો હતો. તેણે અભિનવ સાથે વાત પણ કરાવી દીધી હતી એટલે હવે કેસીને શંકા કરવાનું કોઈ કારણ ન હતું.

એ છોકરીને તિબેટ જવું હતું. ના, એકલી એ છોકરી જ નહિ... તેને કુલ સાત આદમીઓના કાફલા સાથે તિબેટ જવું હતું. ના, કૈલાસ-માનસરોવરની યાત્રાએ નીકળેલી એ શ્રદ્ધાળુ પણ ન હતી. તેને તિબેટમાં છેક લ્હાસા સુધી, મહત્વના બૌધ્ધ મઠ સુધી જવું હતું.

કેસીએ તેની ગરજ પારખીને બરાબર ટિંચરિયો ભાવ પાડયો. એક આદમી દીઠ પાંચ લાખ રૃપિયા.

એ છોકરી ઘડીક ખચકાઈ. ઘડીક એ નીચું જોઈને મનોમન કશીક ગણતરીઓ માંડવા લાગી. ગળા નીચે થૂંક ઉતારતી હોય તેમ તેની સુરાહીદાર ગરદનનો હડિયો જરાક ઊંચકાયો. એ કોઈકની સાથે જાણે વાત કરતી હોય, કોઈકનું કહ્યું ધ્યાનથી સાંભળવા મથતી હોય તેમ તેની આંખો હવામાં ચકળ-વકળ ઘૂમતી રહી. તે ડોકું ધૂણાવતી રહી અને પછી અચાનક જ કેસીની સામે આંખ માંડીને બોલી,

'ઓકે ડન. સાત આદમીના પાંત્રીશ લાખ...' કેસી તાજુબીભેર આ અજાયબ છોકરીને જોઈ રહ્યો હતો, 'જો તું તિબેટમાં અમારા માટે છુપાવાની, અમારી કહેલી જગ્યા સુધી લઈ જવાની અને કેટલાંક માલસામાન સાથે પાછા ફરવા સહિતની જવાબદારી ય સ્વીકારતો હોય તો...' કેસીની વિસ્ફારિત થતી જતી આંખોમાં તાકીને તેણે ઉમેર્યું, 'આઈ વિલ ક્લોઝ ધ ડીલ એટ ૫૦ લાખ!!'

એ પછી આખો દિવસ કેસી એ છોકરી સાથે વાતો કરતો રહ્યો. હિરનને ય તેની ગરજ હતી એટલે તેણે ય માપસર તેમજ અનિવાર્ય હોય તેવી વિગતો આપવા માંડી. કેપ્ટન અભિનવ બોહરાની મધ્યસ્થી બંને વચ્ચે વિશ્વાસ ઊભો કરવામાં ઉપયોગી નીવડતી હતી.

આ લોકોને તિબેટમાંથી કશાક પુસ્તકો, હસ્તપ્રતોનો ખપ છે એવું જાણ્યા પછી કેસીનું આશ્ચર્ય બેવડાયું હતું. પચાસ લાખ રૃપિયા ખર્ચીને, જાનનું આટલું વિકરાળ જોખમ ખેડીને તિબેટ પુસ્તક લેવા જતાં લોકો તેણે કદી જોયા ન હતા.

એ જ ઘડીએ કેસીએ પોતે પણ આ કાફલા સાથે જોડાવાનો નિર્ણય લઈ લીધો.

તિબેટ જવું તેના માટે અતિશય ભયાનક જોખમભર્યું હતું તો પણ...

*** ***

આટલા દિવસમાં આજે પહેલી વાર તેને હિરન પર શક ગયો હતો. મિલિટરી આ રીતે તેના છુપા રહેઠાણ પર આવી ચડે એવું આજ સુધી કદી બન્યું ન હતું. બોર્ડર પોલિસ આમ ઢળતી રાતે બ્રહ્મપુત્રમાં હોડકાં લઈને ફરે એ ય શક્ય ન હતું. આ વિસ્તારમાં બીજા ય અલગતાવાદી જૂથો અસ્તિત્વમાં હતા પણ એ લોકોની તમામ પ્રવૃત્તિ ભારતવિરોધી હતી એટલે આ રીતે સીધો જ હુમલો લઈ આવે એ શક્ય ન હતું. વળી, મુક્તિવાહિની સાથે એમને કોઈ દુશ્મની ન હતી.

હિરનની કોઈ ચાલ હશે? પહેલી વાર કેસી મનોમન પોતાની જાતને કોસી રહ્યો હતો. તેણે આ છોકરીને, તેના પ્રોફેસર બાપને બરાબર નાણ્યા હતા. બહુ જ મિત્રદાવે, સહૃદયથી તેણે તેમની વાતો સાંભળી હતી. તેના કાફલાના એકેએક આદમી વિશે એ બાપ-દીકરી ખાતરી આપતા હતા. છેવટે કેસીને ગળા સુધી ખાતરી થઈ હતી કે આ લોકોનો આશય સાચો જ છે.

તો પછી......

તેણે ભારે અકળામણથી ડોકું ધૂણાવી નાંખ્યું એટલે રાઘવ પણ ચોંકી ઊઠયો.

એ જ ઘડીએ ઓવારા પર હોડી લાંગરવાનો અવાજ સંભળાયો. કાંઠા પર ખણકારા સાથે કશુંક વજનદાર ફેંકાયું અને પછી પાણીમાં આછા છપાકા જેવા અવાજો ઊઠયા. કેસીએ ચટ્ટાનના પોલાણમાં જાતને વધુ સંકોરી. સ્હેજ બહાર આવી ગયેલા રાઘવને ય ઠોંસો મારીને અંદર ધકેલ્યો. એ જ ઘડીએ હોડીમાંથી ઉતરેલા આદમીઓએ કશીક ભેદી હિલચાલ આદરી.

ખુદનો હાથ પણ ન દેખાય એવા કાળાડિબાંગ અંધારા વચ્ચે કેસી અને તેના આદમીઓ ડોળા તગતગાવીને આવેતુઓની હિલચાલ જોવા મથતા હતા. એ લોકોએ હોડકાંમાંથી કશોક સામાન કાઢ્યો. એ શું હશે તેનું અનુમાન થઈ શકતું ન હતું. કશુંક તૂટવાનો અવાજ આવ્યો. એ પછી કશુંક જોશભેર દૂર છેક શાંગરાના અંદરના નૈસર્ગિક વળાંક સુધી ફેંકાયું.

કેસીના ગળામાં દબાયેલી ચીસ થીજી ગઈ. એ લોકોએ ડિઝલના કેરબા ફેંક્યા હતા. ડિઝલની વાસ નાકમાં ઘૂસે અને મગજને એલાર્મ જાય એ પહેલાં તો સદીઓથી બંધ, અવાવરૃં બખોલમાં આતશ ભભૂકી ઊઠયો અને એ આતશના લવકારા મારતા ઉજાસમાં એકેય ચહેરો છૂપાવી શકાય તેમ ન હતો.

શાંગરાનો અટપટો આકારઃ

મઝધારમાં નિરવ, શાંત અને ધ્યાનસ્થ યોગીની જેમ વહેતી બ્રહ્મપુત્રનો અસલી મિજાજ કાંઠા પર જોવા મળતો. તિબેટના ઉત્તુંગ પહાડોમાંથી નેપાળ, ભુતાન અને ભારતની સમક્ષિતિજે વહેતી બ્રહ્મપુત્ર અરુણાચલમાં પ્રવેશતી વખતે, પિયુનો સાદ સાંભળીને ઘેલી બનેલી નવોઢાની માફક સીધો ભુસ્કો જ મારતી હતી.

ત્યાંગ નામના જંગલોમાં ઘેઘૂર કલશોર મચાવીને બંગાળના અખાત તરફ સડસડાટ ઢાળ ઉતરતી બ્રહ્મપુત્રનો બેબાકળો ઉત્સાહ અરુણાચલ પ્રદેશને આડો ચીરી નાંખતો હતો. લાઈમસ્ટોન, કેલ્સાઈટથી છલોછલ પહાડોનો રંગ સ્હેજ પીળાશ પડતો કાળો લાગતો. પીળા રંગ માટે સ્થાનિક શબ્દ બોમ એટલે એ ઘાટી બોમ્ડિ-લા તરીકે ઓળખાતી.

બોમ્ડિ-લાના છેવાડે અને તવાંગથી ઉપર મજાની ભૂશિર સર્જાતી હતી.

જંગલની લીલાશ ઓઢીને દોડંદોડ ભાગ્યે જતી બ્રહ્મપુત્રના રૃપથી મોહીને ધસી આવ્યા હોય તેમ પહાડો નદીના વિશાળ પટની વચ્ચોવચ થંભી ગયા હતા. અહીં પહાડ અને નદી વચ્ચે સદીઓથી અનંગરાગ છેડાતો હતો. નદીનો જોશીલો પ્રવાહ જાણે આતુરતાથી ભેટવા મથતો હોય તેમ ચટ્ટાનની ધાર વચ્ચે વળ ખાઈ જતો હતો. પહાડની કામાતૂર આગોશમાં જાણે અહીં નદી ચૂર-ચૂર થઈ જતી હતી અને પછી પહાડના સ્પર્શથી ઉન્માદ ભભૂક્યો હોય તેમ કામણગારો વળાંક લેતી હતી. અનંગની ચરમસીમાએ પહોંચેલી સ્ત્રીની માફક ફીણ-ફીણ થઈને માદક, બેચેન કિલકારીઓ નાંખતી આગળ ધપતી હતી.

નદી અને પહાડના અનંતકાળથી ચાલતા એ નૈસર્ગિક સંવનનનું સ્થળ એટલે શાંગરા.

નદીના અત્યંત તોફાની પ્રવાહે કોરેલી ચટ્ટાનમાં ઊંડે સુધી બખોલ પડી ગઈ હતી. નદીકાંઠાથી શરૃ થઈને પહાડની ટોચ સુધી પ્રસરેલી બખોલ કાંઠાથી લગભગ સો મીટરના સીધા ચઢાણ પછી ત્રાંસો વળાંક લઈને જમણી તરફ ફંટાતી હતી અને લગભગ બસ્સો મીટર સુધી વાંકોચૂંકો વળાંક લેતી ટોચ તરફ પહોંચતી હતી. પહાડની બેય તરફની દિવાલ વચ્ચે ક્યાંક વીસ ફૂટનું તો ક્યાંક બે આદમી માંડ એકબીજાને ઘસાયા વગર પસાર થઈ શકે એટલું સાંકડું અંતર રહેતું.

પહાડની ટોચ પરથી સરુનું અડાબીડ જંગલ શરૃ થઈ જતું. અણિયાળા ભાલા જેવી સરુના વન વિંધીને બહાર નીકળવાનું બે જ પ્રકારના લોકો માટે સંભવિત હતું. એક તો એવા લોકો જેણે અહીંની ભૂમિમાં જન્મ લીધો હોય અથવા બીજા એવા લોકો જેમણે નિસર્ગ સાથેનો નાતો ગર્ભનાળ જેવો સાબૂત રાખી જાણ્યો હોય. એ સિવાયના આદમી માટે અહીં પગ મૂકવો એ જાતે જ પોતાની કબરમાં પ્રવેશવા બરાબર હતું.

કેસીનો વ્યુહ

મુક્તિવાહિનીના લડાકુઓ આવા ક્વિક કોમ્બેટથી બરાબર ટેવાયેલા હતા. પહાડોની આવ-જા કરીને તિબેટ પહોંચતી વખતે મોટાભાગે તેઓ એવા છીંડા જ પસંદ કરતાં, જ્યાં ચીની સૈનિકો સાથે મુઠભેડ ન થાય. મુક્તિવાહિની એ ટાંચા સાધનો અને ઓછી સંખ્યાથી લડતું દળ હતું એટલે સૈનિકોની માફક સામસામેની લડાઈ તેમનો વિષય ન હતો. ગેરિલા વોરફેર એ તેમની મુખ્ય અને એકમાત્ર ટેક્ટિક હતી.

લપાતા-છૂપાતા ચીની છાવણીઓ પર હલ્લો બોલાવવો, ઓછામાં ઓછા સમયમાં થઈ શકે તેટલું નુકસાન કરવું અને પછી સલામત નાસી છૂટવું એ તેમનો કાયમી વ્યુહ રહેતો. ક્યારેક સામસામેની લડાઈમાં ઉતરવાનું થાય તો પણ વેગીલો, એકધારો અને મરણિયો હલ્લો કરીને પલાયન થઈ જવું એ તેમની પધ્ધતિ હતી. કારણ કે, અકારણ શસ્ત્રો કે માણસોની મોટી ખુવારી વેઠવા જેટલો વૈભવ તેમની પાસે ન હતો.

પહેરો ભરતા આદમીઓએ ભયનો સંકેત આપ્યો કે તરત કેસીના આદમીઓ હંમેશની સતર્કતા મુજબ બ્રહ્મપુત્રના કાંઠાથી આખી બખોલને આવરી લઈને છેક જંગલ તરફ ખુલતાં છેડા સુધી નિયત અંતરે ઝિગઝેગ પોઝિશનમાં ગોઠવાઈ ગયા હતા.

ટીમ ૧: શાંગરાના કાંઠા સુધી કુલ ચાર આદમી સામસામે એકમેકથી થોડું અંતર રાખીને લપાયા હતા.

ટીમ ૨: કેસી પોતે રાઘવને સાથે રાખીને ઓવારા તરફ ખૂલતા શાંગરાના વળાંક પર ગોઠવાયો હતો.

ટીમ 3: શાંગરાની ત્રાંસ વટયા પછી તાન્શી અને હિરન ડાબી તરફ તૈનાત હતા. ઝુઝાર એ બંનેથી સ્હેજ દૂર જમણી તરફ એક ભેખડની આડશમાં લપાયો હતો.

ટીમ ૪: તેમની પાછળ ખાસ્સો ઊંચો ઢાળ ચડીને ત્વરિત અને બીજા આદમીઓ છેક જંગલ તરફ ખૂલતા છેડા સુધી લપાયેલા હતા. અહીં એવું અંધારું હતું કે પોતાનો હાથ સુધ્ધાં જોઈ શકાતો ન હતો.

ઓવારા પર ઉતરેલા લોકો પહેલાં તો અજવાળું કરશે એવી તેમની ધારણા હતી. એ લોકો મશાલો પ્રગટાવે એ પછી જ એ કોણ છે, દોસ્ત છે, દુશ્મન છે કે શાંગરાની જાણકારી ધરાવતા કોઈ સ્થાનિકો છે અને કોઈક કારણથી આશરો લેવા અહીં આવ્યા છે તેની ખબર પડવાની હતી.

જોકે પહાડની ટોચે પહેરો દેતા લોકોએ બે સંકેત આપ્યા હતા. મતબલ કે આવનારા લોકો હુમલો લઈને જ આવતા હોવાની તેમને પાક્કી શંકા હતી.

કેસીએ મુક્તિવાહિનીના કાયમી વ્યુહને જ અનુસરવાનો સંકેત આપી દીધો હતો.

શું હતો એ વ્યુહ?

આવા નિર્જન, ભેંકાર અને ખાસ તો અતિશય દુર્ગમ સ્થળે હુમલો લઈને આવનારા લોકો સૌથી પહેલાં તો અહીંથી બહાર નીકળવાના રસ્તા પર પોતાનો કબજો જમાવી રાખે. મતલબ કે આવનારા લોકોનો એક કાફલો હોડીની સલામતી માટે ઓવારા પર જ રહેવો જોઈએ.

બીજા લોકો મશાલો પ્રગટાવીને આગળ વધશે. કદાચ બ્લાઈન્ડ ફાયર પણ કરતા જાય. એ લોકો શાંગરાના વળાંક સુધી પહોંચે ત્યાં સુધી કોઈએ પોતાની હાજરી છતી કરવાની ન હતી. વળાંક પર પહોંચે એટલે તરત છેક ઓવારા પાસે લપાયેલા ટીમ-૧ના બે જણાએ હોડી સાચવતા આદમીઓને નિશાન બનાવવાના હતા અને બીજા બે જણાએ આગળ વધતા આદમીઓ પર ફાયર કરવાનું હતું.

પીઠ પાછળથી થતા ફાયરથી એ લોકો ચોંકે અને લપાવા માટે આડશ શોધે એ જ વખતે ટીમ-૨ તરફથી રાઘવે અને કેસીએ તેમના પર ફાયર કરીને તેમને દબોચી લેવાના હતા.

જો અહીંથી ય તેઓ સફળતાપૂર્વક આગળ વધી જાય તો પીઠ પાછળથી ટીમ-૨ અને આગળથી તાન્શી-હિરન-ઝુઝારની ટીમ-૩એ તેમને ભીંસમાં લેવાના હતા.

ટીમ-૨ ફાયર ધણધણાવતી હોય ત્યારે ટીમ-૧ તેમને વટીને ટીમ-૩ તરફ જતી રહે.

ટીમ-૩ ફાયર ઓપન કરે કે તરત ટીમ-૨ આગળ લપકીને ટીમ-૪ની સાથે થઈ જાય.

ટીમ-૪ કવર ફાયર આપે ત્યારે ટીમ-૩ ઉપરની દિશાએ ચઢાણ ઉપર જતી રહે અને જંગલ તરફ ખૂલતો છેડો પકડી રાખે.

હવે તેઓ ઊંચાઈ પર હોય અને બધા જ એકસાથે હોય એટલે એકસામટી તાકાતથી ફાયર કરતાં રહીને જરૃર પડયે ગ્રેનેડ પણ ફેંકી દેવાના અને પછી જંગલમાં સરકી જવાનું.

મારીને ભાગી જવું એવો મુક્તિવાહિનીનો આ કાયમી વ્યુહ જ તેમને ઓછા હથિયારો અને પાંખા આદમીઓ છતાં જોરાવર ચીનાઓ સામે સખ્તાઈથી બાથ ભીડવામાં સફળતા અપાવતો હતો.

- પણ આજે પહેલા જ કદમે એ વ્યુહના ધજિયા ઊડી ગયા.

(ક્રમશઃ)