Once Upon a Time - 56 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 56

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 56

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 56

“ઉત્તર પ્રદેશ પોલીસથી બચવા માટે બબલુ શ્રીવાસ્તવ દિલ્હી ભાગી ગયો ત્યારે પહેલા એણે રોમેશ શર્માના બંગલામાં અને પછી કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીના બંગલામાં આશ્રય લીધો હતો. બબલુ શ્રીવાસ્તવે દિલ્હીમાં બેઠાં બેઠાં દેશના ટોચના શહેરોના શ્રીમંતો પાસેથી પૈસા પડાવવાનો ‘ધંધો’ ચાલુ રાખ્યો. આ ગોરખધંધા માટે એણે એક આગવી ટીમ તૈયાર કરી હતી. જે ભવિષ્યના શિકાર વિશે રજેરજ માહિતી મેળવી લાવતી હતી. જે વેપારી કે ઉદ્યોગપતિનું અપહરણ કરીને પૈસા પડાવવાના હોય એ વેપારી કે ઉદ્યોગપતિના ધંધા કે ઉદ્યોગના મૂડીરોકાણ વિશે, ટર્નઓવર વિશે, પ્રોફિટ વિશે અને એની બે નંબરી આવક તથા કુટુંબ અને ફ્રેન્ડસર્કલ વિશે રજેરજ માહિતી બબલુ શ્રીવાસ્તવની ખાસ ટીમ એકઠી કરી આપતી. દાઉદ સાથે સમાધાન કર્યા પછી બબલુ શ્રીવાસ્તવ વધુ ઝનૂનપૂર્વક દેશના શ્રીમંતો પાછળ પડી ગયો હતો. કેટલાક કિસ્સાઓમાં તો એને વેપારી કે ઉદ્યોગપતિ અથવા અન્ય કોઈ ક્ષેત્રના માંધાતાનું અપહરણ કર્યા પછી એને છોડવા માટે પૈસા ન મળ્યા હોવાથી એણે એવા શિકારને ઠંડે કલેજે મોતની ઘાટ ઉતારી દીધા હતા. બબલુ શ્રીવાસ્તવની સામે દેશભરમાં કુલ ૨૩ હત્યા તથા ગેરકાનૂની શસ્ત્રો રાખવાના, પૈસા પડાવવાના અને હુલ્લડ મચાવવાના ડઝનબંધ કેસ નોંધાયેલા હતા.’

બબલુ શ્રીવાસ્તવની કરમ કુંડળી કહેતા-કહેતા પપ્પુ ટકલાએ વચ્ચે બ્લેક લેબલનો વધુ એક પેગ બનાવ્યો. નવા પેગમાંથી ઊંડો ઘૂંટ ભરીને એણે વાત આગળ ચલાવી: “બબલુ શ્રીવાસ્તવનું મૂળ નામ ઓમપ્રકાશ શ્રીવાસ્તવ હતું. એના પિતા લખનૌની એક ટેકનિકલ સ્કૂલના પ્રિન્સીપાલ હતા. એમની આવક બબલુને ચણા-મમરા જેવી લાગતી હતી. એને તો ચિક્કાર પૈસા બનાવવા હતા. એ કોલેજમાં હતો ત્યારથી જ અવળા ધંધે ચડી ગયો હતો. એમાંય કોંગ્રસી વિધાનસભ્ય રામગોપાલ મિશ્રાએ એની આંગળી પકડી એ પછી બબલુ પાકો કોંગેસી ગુંડો બની ગયો, પણ ઉત્તર પ્રદેશમાં એના કારનામા વધી ગયા ત્યારે કોંગેસમાં એનાં વળતા પાણી થયા હતાં. જોકે, કોંગેસ સાથે લેણાદેણી હોય એમ રોમેશ શર્મા અને કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીને કારણે એ વળી કોંગ્રસના સંપર્કમાં આવ્યો હતો. ૧૯૯૧માં એ ઉત્તર પ્રદેશથી દિલ્હી જતો રહ્યો ત્યારે કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીને કારણે એના રાજકીય સંપર્કો વધવા માંડ્યા. એ વખતે તત્કાલીન વડાપ્રધાન પી.વી.નરસિંહરાવને કુખ્યાત દાઢીધારી તાંત્રિક સ્વામીમાં ભારે આસ્થા હતી એટલે કુખ્યાત સ્વામીની મદદથી બબલુ શ્રીવાસ્તવ નરસિંહરાવ સુધી પણ પહોંચી શક્યો હતો! જોકે એ વખતે કુખ્યાત સ્વામીએ બબલુના કબાડા વિશે નરસિંહરાવને કંઈ જ કહ્યું નહીં હોય, પણ એ હકીકત છે કે બબલુને કુખ્યાત સ્વામીએ એક બાજુ નરસિંહરાવ સુધી પહોચાડ્યો તો બીજી બાજુ એમણે અને રોમેશ શર્માએ બબલુને દાઉદ ઇબ્રાહિમનો પરિચય પણ કરાવ્યો હતો. ૧૯૯૩ સુધીમાં તો બબલુ અને દાઉદ વચ્ચે સંબંધ ખાસ્સો ગાઢ બની ચૂક્યો હતો. દાઉદના નેટવર્ક માટે તકલીફરૂપ બની રહેલા કસ્ટમ્સ ઓફિસર એલ.ટી. અરોરાની અલાહાબાદમાં હત્યા કરાવવાનું કામ દાઉદના કહેવાથી બબલુએ જ કર્યું હતું.

૧૯૯૩માં કસ્ટમ્સ ઓફિસર એલ.ટી.અરોરાની હત્યા પછી બબલુ શ્રીવાસ્તવ થોડા સમય માટે દુબઈ જતો રહ્યો હતો. ત્યાં એણે દાઉદનો ઠાઠમાઠ જોયો અને એની મહત્વકાંક્ષા બેવડાઈ ગઈ હતી. બબલુ દુબઈમાં હતો ત્યારે ત્યાં દાઉદને મળવા માટે અનિલ કપૂર, ગોવિંદા, શાહરુખ ખાન, સૈફ અલી ખાન અને મમતા કુલકર્ણી જેવા ફિલ્મ સ્ટાર્સ આવતા. એમની સાથે ડીનર લેવાનો ‘લહાવો’ બબલુને મળ્યો હતો. ૧૯૯૬માં એની ધરપકડ થઇ એ પછી એણે પોલીસને આ બધું કહ્યું હતું. એમાં એણે એમ ઉમેર્યું હતું કે “વિવાદસ્પદ ક્રિકેટર મોહમ્મદ અઝ્હરુદીન સાથે હું રખડ્યો છું!” બબલુને પોલીસે પકડી પાડ્યો એ પછી અલાહાબાદની જેલમાં બેઠા બેઠા એણે શ્રીમંતોના અપહરણ કરીને પૈસા પડાવવાનો ગોરખધંધો ચાલુ જ રાખ્યો હતો. પોલીસે બે દાયકા અગાઉ રોમેશ શર્માની ધરપકડ કરી એ વખતે શર્માના ફાર્મ હાઉસમાંથી ૫૦ લાખ રૂપિયા મળી આવ્યા હતા. ગુજરાતના એક બિઝનેસ ટાયકૂનને કિડનેપ કરીને તેણે કરોડો રૂપિયા પડાવ્યા હતા.

આવો કબાડી બબલુ દાઉદ ગેંગથી છૂટો પડે એ માટે છોટા રાજને કોશિશ કરી હતી. બબલુ શ્રીવાસ્તવ દુઝણી ગાય જેવો હતો. શ્રીમંતોના અપહરણ કરીને એમની પાસેથી પૈસા પડાવવાના ખેલમાં એ પાવરધો થઇ ગયો હતો કે નેવુંના દાયકામાં વર્ષે રૂપિયા ૧૦૦ કરોડ તો એ ચપટી વગાડતા ‘કમાઈ’ લેતો હતો. ૧૯૯૪માં અબુ સાલેમ અને બબલુ શ્રીવાસ્તવના ગુંડાઓ લોહિયાળ જંગ પર ઊતરી આવ્યા હતા એટલે છોટા રાજને બબલુ શ્રીવાસ્તવને પોતાની સાથે લેવા માટે કોશિશ કરી, પણ એ સફળ થાય એ પહેલા તો કુખ્યાત સ્વામી અને રોમેશ શર્માએ બબલુ શ્રીવાસ્તવ અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે સમાધાન કરાવી દીધું હતું.’

આ સમય દરમિયાન જ છોટા રાજન અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચેની દુશ્મની બરાબર જામી હતી. છોટા રાજને દાઉદ ઇબ્રાહિમથી છૂટા પાડીને દાઉદના સ્મગલિંગના નેટવર્ક પર પહેલો ઘા કર્યો હતો. એણે બીજો ફટકો દાઉદની મુંબઈની આવક પર માર્યો હતો. મુંબઈના ચેમ્બુર વિસ્તારને પોતાના ગઢ સમો બનાવીને છોટા રાજને મલેશિયાના કુઆલાલમ્પુર શહેરમાં બેઠા બેઠા આદેશ છોડવા માંડ્યા હતા અને એના એક એક આદેશ સાથે દાઉદને કરોડો રૂપિયાનું નુકસાન થવા માંડ્યું હતું. દાઉદના શૂટર્સને મળતા કોન્ટ્રેક્ટમાં, ખંડણીમાં અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ઉદ્યોગમાં છોટા રાજન મોટો ભાગ પડાવવા માંડ્યો હતો. એની હિંમત ખુલતી ગઈ હતી અને એક દિવસ એણે દાઉદ ઇબ્રાહિમને જ પતાવી દેવા માટે યોજના ઘડી કાઢી.

(ક્રમશ:)