64 Summerhill - 53 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 53

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

64 સમરહિલ - 53

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 53

'એ મૂર્તિ શંકરાચાર્યના દેહત્યાગ પછી શૃંગેરી મઠના કબજામાં હતી...' તેણે હોઠ લૂછીને વાત આગળ વધારી, 'માત્ર આ જ મૂર્તિ નહિ, એવી અનેક મૂર્તિઓ બાકી હતી જે શંકરાચાર્યની હયાતિમાં ક્યાંક છૂપાવવાની બાકી હતી. શંકરાચાર્યના અવસાન પછી શૃંગેરી મઠ સંભાળતા તેમના આધ્યાત્મિક વારસદારોએ એ જવાબદારી નિભાવી..'

'પણ આ મંદિર તો ત્રણેક વખત મુસ્લિમ આક્રમણકારીઓનો ભોગ બન્યું છે...' ત્વરિતે પૂછ્યું.

'એ જ કહું છું...' તેણે ત્વરિત તરફ ધરપતભર્યો હાથ કરીને ઉમેર્યું, 'અગિયારમી સદીમાં વારંગલ કાકતિય વંશના રાજા પુષ્પદેવની રાજધાની હતું. પુષ્પદેવ શૃંગેરી મઠનો પરમ અનુયાયી હતો એટલે શંકરાચાર્યના આદેશથી તેણે અહીં મંદિર બાંધવાનો આરંભ કર્યો. ૨૪ વર્ષ સુધી મંદિર બાંધવાનું કામ ચાલ્યું અને છેવટે ઈસ. ૧૧૬૩માં પુષ્પદેવનો દીકરો રૃદ્રદેવ ગાદીઓ હતો ત્યારે તે પૂર્ણ થયું.'

'તો પછી આ મૂર્તિ?'

'એ મૂર્તિ જાણે આ મંદિરનો જ હિસ્સો હોય એ રીતે તેને હજારો થાંભલાઓની વચ્ચે જડી લેવામાં આવી..'

'પણ અલાઉદ્દિન ખિલજી અને ગ્યાસુદ્દિન તઘલકના સૈન્યે આ મંદિર તોડયું, બાળ્યું અને ખાસ્સું નુકસાન પહોંચાડયું ત્યારે આ મૂર્તિ કેવી રીતે સલામત રહી?'

'એટલે જ મેં કહ્યું...' તેણે સ્મિતભેર ત્વરિતની સામે જોયું, ફરીથી વંદનની મુદ્રામાં હાથ ઊંચા કર્યા અને આકાશ તરફ જોઈને ઉમેર્યું, 'વોટ અ વિઝન... વોટ અ વિઝનરી મેન...'

'આ મૂર્તિ તેમણે એકઠી કરેલી મૂર્તિઓની શૃંખલાની છેલ્લી કડી છે. એ તમામ મૂર્તિઓ એક સાથે ઉકેલવાથી સદીઓથી ખોવાયેલા અણનમ, ચિરંતન અને શાશ્વત સત્યની પ્રાપ્તિ થાય છે...' તે હવામાં તાકીને અવશપણે બોલી રહ્યો હતો. તેના ચહેરા પર અજબ ભાવ હતા, આંખોમાં બેખૌફ ગૌરવ છલકાતું હતું અને અવાજમાં જાણે ટંકાર કરતી પ્રત્યંચાનો રણકો... 'પછી હું દુનિયા સામે આવીશ... પછી હું દુનિયા સામે મારા જ્ઞાનને સાબિત કરીશ... પછી હું દુનિયાનો સર્વશ્રેષ્ઠ, સૌથી વધુ સામર્થ્યવાન અને સૌથી ચડિયાતો માણસ હોઈશ...'

એ બોલી રહ્યો હતો અને ત્વરિત-રાઘવ એકમેકની સામે બાઘાની જેમ જોઈ રહ્યા હતા.

* * *

બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે...

છપ્પને છેલ્લી વાર અરીસામાં નજર નાંખી લીધી.

દિવસોથી વધેલા દાઢી-મૂંછ સફાચટ કરીને તેણે ચહેરો ચકાચક કરી નાંખ્યો હતો. આજે તેણે આખી બાંયનો બ્લ્યુ રંગનો પહોળો શર્ટ અને તેની સાઈઝ કરતાં બે ઈંચ મોટું પાટલૂન પસંદ કર્યા હતા. શર્ટ-પેન્ટ બંને ઓવરસાઈઝ હોવાથી તેને ઘઘ્ઘા જેવા લાગતા હતા પણ અત્યારે એ જ કામના હતા.

જમણાં પગે તેણે બેન્ડેજના ચાર-પાંચ આંટા વિંટાળીને ક્લિપ મારી દીધી અને જમણાં પગના મોટી સાઈઝના જૂતામાં ય કોટન પાથર્યો. ડાબા પગમાં પોતાની સાઈઝનું જ જૂતું પહેર્યું. હવે વિના પ્રયત્ને જાણે પગની જન્મજાત ખોડ હોય તેમ તેની ચાલ નૈસર્ગિક રીતે જ લંગડાવાની હતી.

હુલિયો બદલાયો, ચાલ બદલાઈ અને પહનાવા ય બદલાયા... ગૂંગાસિંઘ ખુશ!

મનોમન મરકતો છપ્પન કાઉન્ટર પર ચાવી સોંપીને દાદર ઉતરી ગયો.

આગલા દિવસે સાંજે તેણે મહિલા કોલેજ સર્કલ પાસેથી મારૃતિ ઈકો ઊઠાવી લીધી હતી. લોકેશન જોયા પછી હવે તે બિલકુલ ક્લિયર હતો.

થાંભલા જરી-પૂરાણા હતા. મંદિર અપૂજ હતું અને ચાલુ દિવસે બપોરના સમયે ખાસ કોઈની આવ-જા પણ ન હોય એવો સમય તેણે પસંદ કર્યો હતો. એક ટમલરમાં બે બોટલ ડેટોલ ઠાલવીને તેણે લાકડાના પાતળા ટૂકડા આગલા દિવસથી પલાળવા મૂકી દીધા હતા અને રાત્રે પરત ફર્યા પછી છરી, ડિસમિસ વડે તેણે કૂણાં થઈ ગયેલા લાકડાને કોતરીને કામના ઓજારો બનાવી નાંખ્યા હતા.

બેકપેકમાં બાકીની સામગ્રી પણ તૈયાર હતી.

પોતાના જ ગામમાં ફરતો હોય તેવા આત્મવિશ્વાસથી તેણે મારૃતિ ઈકો મારી મૂકી. ગાડીની જરૃરિયાત આવ-જા પૂરતી જ અને મૂર્તિ સાચવવા પૂરતી જ હતી. મૂર્તિ ખાસ વજનદાર કે મોટી પણ ન હતી. જો એર ફ્રેશનર કે ક્રિમનો કિમિયો કારગત નીવડયો તો...

મૂર્તિ ઊઠાવવામાં તેને વધુ કમાણી દેખાઈ ત્યારથી તેણે એક મૂર્તિશાસ્ત્રીની ચિવટથી મટિરિયલનો અભ્યાસ કર્યો હતો. કેટલીક મૂર્તિઓ લાઈમસ્ટોન પર જડેલી હોય તો કેટલીક સેન્ડસ્ટોનની અથવા તો કેટલીક અગ્નિકૃત કહેવાતા કાળમીંઢ પથ્થરની પ્રતિમા ય હોય. દરેક વખતે એકસરખી તરકિબ કામ ન લાગે. કાળમીંઢ પથ્થરની મૂર્તિ લોખંડના ઓજાર વગર થાળામાંથી નીકળી ન શકે અને તેની ઠકઠકાટી પણ એટલી હોય કે તરત પકડાઈ જવાય. એ માટે તેણે પોતાની રીતે પ્રયોગો કરીને જલદ હાઈડ્રોક્લોરિક એસિડનો ઉકેલ શોધ્યો હતો.

એ જ રીતે, સેન્ડસ્ટોન કે લાઈમસ્ટોનની મૂર્તિ જો બહુ દેખરેખ પામતી ન હોય તો લાકડાના પેચિયાવાળો કિમિયો તેના માટે કારગત હતો. એ પહેલાં મૂર્તિને દરેક દિશાએથી પોલી કરવી પડે પછી પેચિયાથી ખોતરવી પડે અને વળી પોલાણ બનાવવું પડે. એ આખી સાઈકલ માટે હાથવગા હથિયાર તરીકે તેને બોડી સ્પ્રે અને હેર રિમૂવર ક્રિમ ધોરણસરના લાગ્યા હતા.

છપ્પનસિંઘને અચાનક એવો સવાલ કરો કે કેમિસ્ટ્રીના સ્પેલિંગમાં સી આવે કે કે? તો કદાચ તેને ફાંફા પડી જતા હતા પણ પોતાના કામ પૂરતો એ હરતી-ફરતી યુનિવર્સિટી હતો.

બોડી સ્પ્રેમાં રહેલું ઈથાઈલ અને આલ્કોહોલનું સંયોજન રેતિયા પથ્થરના અતિ બારીક છીદ્રોમાં છેક અંદર સુધી ઉતરીને રાસાયણિક ક્રિયા વડે ઝડપભેર ખવાણ કરવા માંડે એથી પેચિયાના ફટકા વધુ ઊંડે સુધી જઈ શકે. જેમ જેમ મૂર્તિ ખોતરાતી જાય તેમ પોલાણમાં રાખ-ચૂનાની લૂગદીની જગ્યાએ હેર રિમૂવર ક્રિમ ઊંડે સુધી ઉતારતા જવાનું. તેમાં રહેલું સોડિયમ સિલિકેટ મૂર્તિને તરત ફસકી પડતી રોકે.

* * *

હનુમાનકોન્ડા અને વારંગલને જોડતા ત્રિભેટે પહોંચીને તેણે ગાડી ધીમી પાડી.

સ્થાનિક બોલીમાં કમ્પાતી તરીકે ઓળખાતી ચા, પાન, બીડી અને પરચૂરણ ચીજવસ્તુ વેચતી કેબિન, આસપાસ પ્લાસ્ટિકના તકલાદી સ્ટૂલ વેરવિખેર પાથરીને બેઠેલા આઠ-દસ આદમીઓ, લાંબી લાકડી પર બાંધેલા ફૂગ્ગાનું ઝુમખું લઈને આમતેમ ઘૂમતાં છોકરાંઓ, હારબંધ ખુમચાઓ પર મોટા દેગડામાં ઉકળતા રસમની તીખી, ખાટી સોડમ અને ખુમચાની હાર પૂરી થાય ત્યાં સડકના વળાંક પર ખીજડાના ઝાડ નીચે દિશા ચિંધતું પાટિયું, '૧૦૦૦ સ્તમ્બાલા ગુડી વાઈપુ...'

મારૃતિ ઈકો ઊભી રાખીને છપ્પને એક જ નજરમાં આખો માહોલ જોઈ લીધો. ડેશબોર્ડ પર મૂકેલી પોકેટસાઈઝ ડિક્શનરીના માર્કિંગ કરેલા પાના ઉથલાવીને ઘડીક જોયું. પછી ફુગ્ગા વેચતા એક છોકરાને તેણે ઈશારો કરીને બોલાવ્યો. તે નજીક આવ્યો એટલે તેણે કાચ ઉતારીને ૧૦૦ની નોટ ધરી, 'ક્લાસિક માઈલ્ડ...'

છોકરો પ્રશ્નસૂચક નજરે તેની સામે જોઈ રહ્યો એટલે તેણે કેબિનની સામે જોઈને ઊંચા અવાજે હાક મારી, 'આન્ના ઓકા પેકેટ ક્લાસિક માઈલ્ડ ઈવુ...'

દુકાનવાળો ઘડીક તેની તરફ જોઈ રહ્યો, 'ક્લાસિક માઈલ્ડ લેડુ... કેવેન્ડર ઊન્ડી આય... એવાલા?'

જવાબમાં છપ્પને મોં બગાડયું અને કંઈક બબડયો, પછી હકારમાં ડોકું ધુણાવતો નીચે ઉતર્યો અને આબાદ લંગડાતી ચાલે કેબિન સુધી જઈને કેવેન્ડર્સનું પાકિટ લીધું. એક સિગારેટ જલાવી અને ફરી ગાડીમાં બેઠો.

* * *

પોલિસ સામેની અગમચેતી એ તેનો કાયમી ઉસુલ હતો.

મંદિરમાં ખાસ ચહલપહલ ન હતી. કાલ જેવો જ સન્નાટો હતો. બે-ચાર મજૂર પેડલરિક્ષા મૂકીને મંદિરના આગળના ઓટલે આરામ કરી રહ્યા હતા. પહેલાં તેણે સૌ જુએ, તેને નોટિસ કરે એ રીતે ફોટા પાડયા. પછી બેકપેકમાંથી ઓજારો કાઢીને મંદિરના પગથિયા આસપાસની માટી ખોતરી. પ્લાસ્ટિકની નાનકડી બેગમાં તેના નમૂના મૂક્યા. એક મજૂર તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો એટલે તેને કેવેન્ડર્સ ધરીને સ્મિતભેર કહ્યું, 'એન્ડા ગવર્નમેન્ટ માલી વેના...' (સરકારી કામ છે, શું કરીએ?)

એવી રીતે પહેલાં બધાના દેખતાં થોડીક ઠકઠકાટી કરી. પછી મંદિરની પછીતે ગયો અને થોડી વાર પછી પાછો ફર્યો ત્યારે બીજા મજૂર હજુ ય ઘોરતા હતા અને પેલો દૂર જઈને આરામથી કેવેન્ડર્સના ધૂમાડા કાઢતો હતો.

તેના તરફ જોયું જ નથી એવો ડોળ કરીને એ અંદર પ્રવેશ્યો.

આંખ બંધ કરીને અનુભવી આંગળીના ટેરવા વડે તલ્લિનતાથી તેણે મૂર્તિની દરેક ધારને ચકાસી, પછી સાથે લાવેલ એર ફ્રેશનરના પારાવાર ફૂવારા છોડીને મૂર્તિનો તમામ વર્તુળાકાર લથબથ કરી દીધો. કોઈ દેખભાળ વગરના મંદિરમાં અચાનક સુગંધની લ્હાણી થઈ ગઈ. સુગંધથી દોરવાયો કોઈ મજૂર અંદર જુએ તો કંઈક જવાબ વાળવો પડે પણ એ વગર છૂટકો ય ન હતો.

તેણે ફટાફટ લાકડાના પેચિયા વડે ખોતરકામ કરવા માંડયું. વળી થોડું બોડી સ્પ્રે છાંટયું અને ખોતરણીમાં હેર રિમૂવર ક્રિમ ભરવા માંડયું. પોલાણ થાય તેની રાહ જોઈને તે ઘડીક બહાર આંટો પણ મારી આવ્યો. બહાર વાતાવરણ યથાવત જ હતું.

પાક્કી સવા કલાકની જહેમત પછી એ બહાર નીકળ્યો ત્યારે તેના ચહેરા પર હાશકારો હતો.

જેને સિગારેટ ધરી હતી એ મજૂર ફરી ઊંઘી ગયો હતો. તેને ઊઠાડીને તેણે સ્મિત વેર્યું, 'કેવેન્ડર એવાલા?'

બચેલી તમામ સિગારેટ તેને થમાવીને તેણે ગાડી સ્ટાર્ટ કરી ત્યારે સદીઓથી સચવાઈ રહેલી ભારતીય જ્ઞાનની ચરમસીમા સમી સંકેત પ્રતિમા તેના બેકપેકમાંથી ડોકિયું કરતી હતી...

- અને સાથેસાથે છપ્પનની નિયતિ પણ...

*** ***

મૂર્તિ જોયા પછી દુબળીમાં જાણે પરકાયાપ્રવેશ થયો હોય તેમ એ અચાનક જ ભાવાવેશમાં આવી ગયો હતો.

છપ્પનને એ ભેટી પડયો હતો. રાઘવના ખભે માથું ઢાળીને એ ચોધાર આંસુએ રડયો હતો. કશું ન સમજાવાથી અતડા રહેતાં ઝુઝારને ય તેણે બાથમાં લીધો હતો, બાળકની જેમ ત્વરિતના ગાલ થપથપાવીને તેણે વ્હાલ કર્યું હતું અને પછી ઓરડામાં પૂરાઈ ગયો હતો.

ત્રણેય એ સાંજે છપ્પનની સફળતા અને દુબળીની લમણાંફાડનો ભેદ ખૂલવાની રાહમાં એડવાન્સમાં જ વ્હિસ્કીની બોટલ ખોલી નાંખી હતી. ત્વરિત કાકતિય સ્થાપત્યો વિશે કહી રહ્યો હતો, છપ્પન પોતે જોયેલા મંદિરની ભવ્યતા વિશે બોલી રહ્યો હતો, રાઘવ સતત સવાલો કરી રહ્યો હતો, ઝુઝાર બાઘાની જેમ દરેકના ચહેરા જોતો રમના ઘૂંટડા ગળચતો હતો...

- અને અચાનક કારમી ચીસ જેવો અવાજ સંભળાયો.

ચોંકી ઊઠેલો રાઘવ પહેલાં ઊભો થયો. અવાજની દિશા પારખીને ઝુઝાર સૌથી પહેલાં દોડયો. છપ્પન અને ત્વરિત પણ તેમની પાછળ દોરાયા.

ફરીથી એવો જ ભીષણ, કારમો ચિત્કાર... કોઈક ચીસ પાડી-પાડીને માથા પટકતું હોય, મોટા અવાજે રડતું હોય એવા બિહામણા અવાજ વચ્ચે ઝુઝારે ત્રણ-ચાર લાત ઠોકીને દરવાજો ખાંગો કરી દીધો એ સાથે ચારેયના ચહેરા પર વીજળી બનીને પ્રચંડ અચરજ, આઘાત અને આશ્ચર્ય ત્રાટક્યા હતા.

ઓરડામાં પથરાયેલી જાતભાતની મૂર્તિઓ વચ્ચે ઊભી હતી એક છોકરી અને તેને વળગીને નાના બાળકની જેમ મોંફાટ રડી રહ્યો હતો દુબળી યાને પ્રોફેસર નીલાંબર રાય...

(ક્રમશઃ)