Once Upon a Time - 47 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 47

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 47

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 47

મુંબઈમાં દાઉદનું વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. ત્યાં જ અચાનક છઠ્ઠી ડીસેમ્બર, ૧૯૯૨ના દિવસે દાઉદને અયોધ્યામાં વિવાદાસ્પદ બાબરી ઈમારત તોડી પાડવામાં આવી હોવાના સમાચાર દાઉદને મળ્યા અને તે ઉત્તેજિત થઈ ગયો. જો કે એના કરતાં પણ વધુ રસ પડે એવા સમાચાર એને એક કલાક પછી મળ્યા હતા.

***

અયોધ્યામાં વિવાદાસ્પદ બાબરી ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યો એ સમાચાર વાયુવેગે દેશભરમાં ફેલાઈ ગયા હતા. દુબઈમાં દાઉદને પણ આ સમાચાર મળી ગયા હતા. અયોધ્યામાં બાબરી માળખું તોડી પડાયું એના પગલે દેશના અનેક વિસ્તારોમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. મુંબઈ પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. બાબરી ઢાંચો તૂટવાના પગલે મુંબઈમાં કોમી રમખાણો શરૂ થયાં એમાં દાઉદ ઈબ્રાહિમને બહુ રસ પડ્યો હતો. દાઉદ ગેંગ દ્વારા મુંબઈમાં મોટા પાયે શસ્ત્રો પૂરાં પાડવામાં આવ્યાં. એમાં વળી મૌલવીઓ અને શિવસેનાના નેતાઓનાં તેજાબી નિવેદનોએ આગમાં પેટ્રોલ રેડવાનું કામ કર્યું. એક બાજુ દાઉદ ઈબ્રાહિમે મુંબઈનાં કોમી રમખાણોમાં ઊંડો રસ લીધો તો બીજી બાજુ શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેનાં ઝનૂની નિવેદનોથી ઉશ્કેરાયેલા શિવસૈનિકો પણ મુંબઈના રસ્તાઓ ઉપર ઊતરી આવ્યા. મુંબઈમાં ચોતરફ અંધાધૂંધી ફેલાઈ ગઈ.

***

મુંબઈમાં ફાટી નીકળેલી કોમી આગના તણખા દાઉદ ઈબ્રાહિમની ગેંગને પણ દઝાડી ગયા હતા. દાઉદને કલ્પના નહોતી કે મુંબઈનાં કોમી રમખાણોમાં સક્રિય બનવા જતાં પોતાની ગેંગને પણ નુકસાન થશે. દાઉદે મુંબઈમાં કોમી રમખાણો દરમિયાન શસ્ત્રો અને અન્ય સહાય પૂરી પાડવામાં રસ લીધો એથી એનો રાઈટ હેન્ડ ગણાતો છોટા રાજન રાજેન્દ્ર નિખાલજે) અકળાયો હતો. તેણે દાઉદને વાર્યો પણ દાઉદે એની વાત કાને ધરી નહીં. રાજેન્દ્ર નિખાલજે ઉર્ફે છોટા રાજનને આથી અનેક ગણો મોટો આંચકો થોડા સમયમાં લાગવાનો હતો.

મુંબઈમાં તો કોમી તોફાનો ૧૯૯૩માં જાન્યુઆરીના બીજા સપ્તાહ દરમિયાન કાબૂમાં આવી ગયાં, પણ દાઉદ ઈબ્રાહિમનું દિમાગ શાંત નહોતું. એને એક ટોચનો કસ્ટમ્સ ઓફિસર યાદ આવ્યો, જેણે દાઉદનો કરોડો રૂપિયાનો સ્મગલિંગનો સામાન પકડી પાડ્યો હતો. અને એ વખતે દાઉદે મુંબઈમાં ટાઈગર મેમણને ફોન કરીને એ કસ્ટમ્સ ઓફિસરનો હવાલો સોંપ્યો હતો. દાઉદ ઈબ્રાહિમે એ કસ્ટમ્સ ઓફિસર અને ટાઈગર મેમણ સાથે વાત કરી અને દુબઈ-કરાચી વચ્ચે દોડધામ શરૂ કરી દીધી. અને સાથે સાથે ટાઈગર મેમણ અને એના ભાઈઓને મુંબઈમાં કામે વળગાડી દીધા. દાઉદના દિમાગમાં એક ખોફનાક યોજના આકાર લઈ રહી હતી અને એમાં એને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ તરફથી પૂરી મદદનું વચન મળ્યું. આ તરફ મુંબઈમાં ટાઈગર મેમણ દાઉદના આદેશ પ્રમાણે બધો ખેલ ગોઠવવા માંડ્યો હતો...

***

વચ્ચે અટકીને પપ્પુ ટકલાએ વધુ એક બ્લેક લેબલ લાર્જનો ઓર્ડર આપ્યો. આ એનો ચોથો પેગ હતો. ચેઈન સ્મોકર પપ્પુ ટકલાએ વધુ એક ફાઈવફાઈવફાઈવ સળગાવતાં કહ્યું, ‘આ ટાઈગર મેમણ વિશે થોડી વાતો તમારા વાચકોને કહેવા જેવી છે. ઈબ્રાહિમ ઉર્ફે મુસ્તાક ઉર્ફે ટાઈગર મેમણ ઊંધી ખોપડીનો જુવાનિયો હતો એટલે એને સીધા ધંધામાં ક્યારેય રસ પડ્યો નહોતો. કચ્છી સુન્ની મુસ્લિમ અબ્દુલ રઝાક મેમણના ઘરે જન્મેલો મુસ્તાક ઉર્ફે ટાઈગર બી.કોમ. થઈને મેમણ કો-ઓપરેટિવ બેંકમાં કલાર્ક તરીકે નોકરીએ વળગી ગયો હતો. પણ એ નોકરીમાં એને બહુ રસ પડ્યો નહોતો. ટાઈગર મેમણના પિતા અબ્દુલ રઝાક મેમણે અનેક ધંધા કર્યા હતા પણ તેઓ ક્યારેય બે પાંદડે થયા નહોતા. પણ મુંબઈમાં વસતા કચ્છી મેમણ વેપારી અબ્દુલ રઝાકે પોતાના છ દીકરાઓને ભણાવી-ગણાવીને મોટા માણસ બનાવવાનું સપનું જોયું હતું.

અબ્દુલ રઝાકનો સૌથી મોટો દીકરો આરિફ ભણીગણીને ઈન્કમ ટેક્સ ઓફિસર બન્યો. પણ પછી એને સાઉદી અરેબિયામાં એક આકર્ષક નોકરીની ઓફર મળી એટલે રાજીનામું આપીને એ સાઉદી અરેબિયા જતો રહ્યો હતો. અબ્દુલ રઝાકનો બીજા નંબરનો દીકરો મુસ્તાક ઉર્ફે ઈબ્રાહિમ ઉર્ફે ટાઈગર બીકોમ. થયો. ત્રીજા નંબરનો યાકુબ મેમણ ૧૯૮૭માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો એ પછી એણે એક ગુજરાતી સી.એ. સાથે ભાગીદારીમાં મહેતા એન્ડ મેમણ એસોસિયેટ્સ નામની કંપની શરૂ કરી હતી. પણ એ ભાગીદારી લાંબો સમય ટકી નહોતી. એ પછી યાકુબે મેમણ તેજરથ ઈન્ટરનેશનલ કંપની ઊભી કરીને વિદેશોમાં માંસની નિકાસનો ધંધો શરૂ કર્યો હતો. એના બીજા ત્રણ નાના ભાઈ અયુબ, અંજુમ અને યુસુફ પણ એની સાથે ધંધામાં જોડાઈ ગયા હતા.

પણ ટાઈગર અને યાકુબ મેમણને નાનામોટા ધંધામાં રસ પડતો નહોતો. ૧૯૮૮માં ટાઈગર મેમણ મેમણ કો-ઓપરેટિવ બેંકની નોકરી છોડીને મુંબઈમાં નાગપાડા, પાયધૂની અને ડોંગરી જેવા મુસ્લિમ વિસ્તારોમાં વેપારીઓ પાસેથી હપ્તાવસૂલીથી માંડીને દાણચોરીનાં નાનાંમોટાં ક્નસાઈન્મેન્ટ્સ પાર પાડવા લાગ્યો હતો. એ દરમિયાન મહમ્મદ ડોસા અને ઈકબાલ મિરચી જેવા ડ્રગ માફિયાઓ સાથે એની ઓળખાણ થઈ અને ટાઈગર મેમણ એમની સાથે જોડાઈ ગયો. ટૂંક સમયમાં એ દાઉદ ગેંગ માટે પણ લેન્ડિંગ એજન્ટ તરીકે કામ કરવા માંડ્યો. થોડા સમય પછી એણે જાતે જ દાણચોરીનો ખેલ શરૂ કરી દીધો હતો. એ અરસામાં મેમણ કુટુંબ માહિમની ફિશરમેન કોલોનીમાંથી માહિમના પ્રતિષ્ઠિત અલ હુસેન બિલ્ડિંગમાં પહોંચી ગયું. મેમણ કુટુંબે અલ હુસેન એપાર્ટમેન્ટમાં ર૩૦૦ સ્ક્વેર ફૂટનો ફ્લેટ લીધો. ૧૯૮૯માં ટાઈગર મેમણની પહેલી વાર ધરપકડ થઈ ત્યારે એનો ગુનો મામૂલી ગણાય એવો હતો. એની પાસેથી લાઈસન્સ વિનાની રિવોલ્વર મળી આવી હતી. વળી ૧૯૯૦માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ વખતે તોફાન મચાવવા માટે એની ધરપકડ થઈ હતી. એ સિવાય એણે કસ્ટમ્સ ઓફિસર રાજેશ નિયોગીનું નાક તોડી નાખ્યું હતું. એ કેસમાં એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ટાઈગર મેમણ દાણચોરીના ધંધામાં પડ્યો પછી એના બીજા ભાઈઓ પણ એની સાથે આવી ગયા હતા. સામાન્ય વેપારી અબ્દુલ રઝાકના દીકરાઓ મોંઘીદાટ કારમાં ફરતા થઈ ગયા હતા. પૈસા માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હતા. અને એવામાં એમને દાઉદ ઈબ્રાહિમ તરફથી ઓફર મળી હતી. મુંબઈમાં એક ખેલ ગોઠવી આપવા માટે તમામ ખર્ચ ઉપરાંત ર૦ કરોડ રોકડા આપવાની ઓફર દાઉદ તરફથી આવી અને મેમણબંધુઓ પૂરા જોમથી કામે લાગી ગયા. ટાઈગર મેમણ મુંબઈ અને દુબઈ વચ્ચે અપડાઉન કરતો થઈ ગયો હતો. તો બીજી બાજુ દાઉદનું કરાચી-મુંબઈ વચ્ચે અપડાઉન ચાલુ હતું. ટાઈગર મેમણે એના કસ્ટમ્સ ઓફિસર ફ્રેન્ડની મદદ પણ લીધી હતી. ૧૨ માર્ચ, ૧૯૯૩ના પરોઢિયે બધું ગોઠવીને ટાઈગર મેમણ પોતાના કુટુંબ સાથે એમિરેટ્સ એરલાઈન્સની ૪.૩૧ કલાકે ઊપડેલી ઈકે-૫૦૧ ફ્લાઈટમાં દુબઈ પ્રયાણ કર્યું. મુંબઈમાં એણે દાઉદની સૂચના પ્રમાણે આખો ખેલ ગોઠવી દીધો હતો. આ ખેલનો અંતિમ ભાગ ટાઈગર અને યાકુબ મેમણના વિશ્ર્વાસુ સાગરીત જાવેદ ચીકના, શફી અને અનવર તૈબા પાર પાડવાના હતા. દાઉદની મદદથી મુંબઈમાં આ ખોફનાક કાવતરું ઘડાયું હતું અને દાઉદના રાઈટ હેન્ડ છોટા રાજનને એની ગંધ સુદ્ધાં આવી નહોતી. ૧૯૯૩ની ૧૨ માર્ચની સવારે ટાઈગર અને યાકુબ મેમણે દુબઈ પહોંચીને દાઉદને રિપોર્ટ આપ્યો. ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મમાં ‘મોગેમ્બો ખુશ હુઆ’ બોલીને અમરિશ પુરી જે સ્ટાઈલથી હસતો હતો એ સ્ટાઈલથી દાઉદ હસ્યો હતો ત્યારે એને વિચાર નહોતો આવ્યો કે એણે મુંબઈમાં મૂકેલી ચિંગારી એની ગેંગમાં પણ ભડકો કરશે.

***

‘નમસ્કાર, મેઈન પોલીસ કંટ્રોલ રૂમ, સબ ઈન્સ્પેક્ટર સાવંત બોલતોય...’ મુંબઈ પોલીસના હેડક્વોર્ટરમાં મેઈન કંટ્રોલરૂમમાં ડ્યુટી બજાવી રહેલા સબ ઈન્સ્પેક્ટર આદત પ્રમાણે ફોન રિસીવ કરતાં બોલ્યા. પણ એમનું વાક્ય પૂરું થાય એ અગાઉ જ સામેથી ફાટી ગયેલા અવાજે કોઈએ માહિતી આપી કે અહીં બોમ્બ બ્લાસ્ટ થયો છે. ૧૨ માર્ચ, ૧૯૯૩ની બપોરે ૧.૨૦ વાગ્યે મુંબઈ પોલીસના મેઈન કંટ્રોલરૂમમાં આવો ફોન આવ્યો એ સાથે શહેરના ટોચના પોલીસ અધિકારીઓએ સ્ટોક એક્ચેન્જ ભણી દોટ મૂકી. હજુ તો પોલીસ અધિકારીઓ સ્ટોક એક્સચેન્જ સુધી પહોચ્યાં નહોતા ત્યાં ૧.૩૫ કલાકે નરસી નાથા સ્ટ્રીટમાં બોમ્બધડાકો થયો. હેબતાઈ ગયેલી મુંબઈ પોલીસ કંઈ સમજે એ પહેલાં ૨.૩૧ કલાકે દાદરના એક પેટ્રોલ પંપમાં બોમ્બ વિસ્ફોટના સમાચાર આવ્યા. ત્યાં વળી ર.૪૭ કલાકે નરીમાન પોઈન્ટ વિસ્તારમાં એર ઈન્ડિયા બિલ્ડિંગમાં બોમ્બ વિસ્ફોટ થયો તો ઝવેરી બજારમાં ૩.૫૧ કલાકે એક ટેક્સીમાં બોમ્બ બ્લાસ્ટ થયો. એ બોમ્બ બ્લાસ્ટની બરાબર એક મિનિટ પછી દાદરના ‘પ્લાઝા’ થિયેટરમાં ‘તિરંગા’ ફિલ્મમાં બોમ્બધડાકો સ્ક્રીન પર દર્શાવાઈ રહ્યો હતો એ વખતે જ ‘પ્લાઝા’ થિયેટરમાં રિયલ બોમ્બ બ્લાસ્ટ થયો. એ પછી ૩.૫૦ કલાકે બાંદરાના દરિયાકિનારે આવેલી ફાઈવસ્ટાર હોટેલ ‘સી રોક’માં ૩.૫૫ કલાકે એરપોર્ટ પાસે ‘સેન્ટોર’ હોટેલમાં અને ૩.૫૬ કલાકે જુહુ ‘સેન્ટુર’ હોટલમાં બોમ્બ વિસ્ફોટ થયા.

ઉપરાછાપરી બોમ્બ બ્લાસ્ટથી મુંબઈમાં ખોફ છવાઈ ગયો હતો. મુંબઈગરાઓ ધ્રૂજી ઊઠ્યા હતા અને મુંબઈ પોલીસના અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. ઠેર ઠેર લાશો પડી ગઈ હતી. સેંકડો મુંબઈગરાઓ ઓન ધ સ્પોટ માર્યા ગયા હતા. અનેક મુંબઈગરાઓના હાથ કે પગ શરીરથી છૂટા પડી ગયા હતા. કોસ્મોપોલિટન મુંબઈમાં આતંક સિવાય બીજું કંઈ જોવા મળતું નહોતું.’

દાઉદ ઉન્માદમાં હતો પણ એ વખતે એને અંદાજ સુદ્ધાં નહોતો કે મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ્સને કારણે એને મોટો ફટકો પડવાનો નહોતો!

(ક્રમશ:)