Once Upon a Time - 46 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 46

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 46

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 46

ગવળી ગૅંગના શૂટર્સ શૈલેષ હલદનકર અને બિપિન શેરેનું ખૂન કરવા જતા દાઉદ ગેંગના બે શૂટર્સ ઘવાયા. એમાંથી એક શ્રીકાંત રાયને પોલીસ સબ ઈન્સપેક્ટર કે.બી. ઠાકુરની ગોળી વાગી. એને કારણે દાઉદે ધડાધડ ઓર્ડર્સ છોડવા પડ્યા. ભીવંડી મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ જયંત સૂર્યારાવ દાઉદ ગેંગના ઘવાયેલા શૂટરને અંધેરી ઉપનગરના આંબોલી વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા. મુંબઈ પોલીસે એ વખતે ઘવાયેલા શૂટર તરીકે સુનીલ સાવંત ઉર્ફે સાવત્યાની તસવીરો દૂરદર્શન પર બતાવી હતી પણ વાસ્તવમાં દાઉદ ગેંગના શૂટર શ્રીકાંત રાયને પણ ઈન્સ્પેક્ટર ઠાકુરની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી વાગી હતી.

‘ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસી પ્રેસિડેન્ટ જયંત સૂર્યારાવ દાઉદ ગેંગના શૂટર શ્રીકાંત રાયને સારવાર માટે અંધેરીની એક ખાનગી હોસ્પિટલમાં મૂકી આવ્યા. એ પછી તેઓ જુહુ વિસ્તારની ફાઈવ સ્ટાર હોટેલ ‘હોલીડે ઈન’ માં જતા રહ્યા.

જયંત સૂર્યારાવે સરકારી કાર દાઉદ ગેંગના શૂટરોની તહેનાતમાં મૂકી દીધી હતી. શૂટર શ્રીકાંત રાયને જે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો એ હોસ્પિટલમાં મુંબઈના એક કુખ્યાત ગુજરાતી બિલ્ડર ભાગીદાર હતા. એ બિલ્ડરનો દાઉદ સાથે સારો સંબંધ હતો. પણ દાઉદ ગેંગની કમબખ્તી બેઠી હોય એમ એ હોસ્પિટલમાં એ વ્ખતે જે ડૉકટર હાજર હતા એ ગાયનેકોલોજિસ્ટ હતા. એમ છતાં એ સિનિયર ગાયનેકોલોજિસ્ટે શ્રીકાંત રાયને તપાસ્યા અને કહ્યું કે શ્રીકાંત રાયને બચાવવા માટે વહેલામાં વહેલી તકે ઓપરેશન કરવું અત્યંત જરૂરી છે.

આ દરમિયાન જયંત સૂર્યારાવ ‘હોલી ડે ઇન’ હોટેલમાંથી ભિવંડી જવા રવાના થઇ ગયા હતા. બીજી બાજુ ગુજરાતી બિલ્ડરે કોઈ વિશ્વાસુ ડોક્ટરને શોધવા માટે આકાશપાતાળ એક કરી દીધાં પણ એમની પ્રાઇવેટ હોસ્પિટલમાં આવીને દાઉદ ગેંગના શૂટર પર ઓપરેશન કરી જાય એવો કોઈ વિશ્વાસુ ડોક્ટર મળ્યો નહીં.

ગુજરાતી બિલ્ડરને પોતાના સુરત કનેકશનનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો. એણે દાઉદ ઈબ્રાહિમને ફોન જોડીને કહ્યું કે આ શૂટરને સુરત સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઇ જાય તો ત્યાં બાકી હું સંભાળી લઈશ.

વળી દાઉદ ઇબ્રાહિમે જયંત સૂર્યારાવને આદેશ આપ્યો.

બીજા દિવસે જયંત સૂર્યારાવ પોતાની મારુતિ વન થાઉઝન્ડ કાર લઈને દાઉદ ગેંગની ખીદમતમાં ફરી વાર હાજર થયા. એ દિવસે મહમ્મદ અલી ખાન ભિવંડીમાં હતા એટલે એમની કારનો ઉપયોગ થઇ શકે એમ નહોતો.

જયંત સૂર્યારાવની કારમાં એક ડોક્ટર દાઉદ ગેંગનો રીઢો શૂટર સુભાષસિંહ ઠાકુર અને દાઉદ ગેંગનો બીજો એક મહત્વનો ગુંડો કિશોર ગીરિકાપટ્ટી ઘવાયેલા શૂટર શ્રીકાંત રાયને લઈને મુંબઈના અંધેરી ઉપનગરથી ગુજરાત તરફ જતાં નેશનલ હાઈવે ઉપર રવાના થયા. એમની પાછળ કિશોર ગીરીકાપટ્ટીની કાર પણ દોડાવવામાં આવી. મુંબઈમાં તમામ ચેકનાકા પર પોલીસ વાહનો તપાસી રહી હતી. પણ જયંત સૂર્યારાવની કાર પર ભીવંડી–નિઝામપુર મ્યુનિસિપલ પ્રેડેન્ટનું બોર્ડ જોઇને પોલીસે કાર ચકાસવાની તકલીફ લીધી નહી.

અંધેરીથી ૭૦ કિલોમીટર દૂર મુંબઈ-અમદાવાદ હાઇવે પર મનોર પાસે જયંત સૂર્યારાવની કાર ઉભી રહી. ત્યાં બીજી એક કાર તૈયાર રાખવામાં આવી હતી. એમાં બેસીને જયંત સૂર્યારાવ ભિવંડી પાછા ફર્યા.

જયંત સૂર્યારાવની કારમાં દાઉદ ગેંગના ઘવાયેલા શૂટરને સુરત પહોંચાડવામાં આવ્યો. એ વખતે મુંબઈના કુખ્યાત ગુજરાતી બિલ્ડર પણ સુરત પહોંચી ગયા હતા. એમણે તાબડતોબ ઘવાયેલા શૂટર શ્રીકાંત રાયને એક હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો. એ હોસ્પિટલમાં એક ભ્રષ્ટાચારી ડોકટરે બીજા ડોક્ટર પાસે શ્રીકાંત રાય પર ઓપરેશન કરાવીને એના શરીરમાંથી ગોળી કઢાવી શ્રીકાંત રાયના પેટમાંથી ગોળી કાઢી લેવાઈ. હોસ્પિટલમાં બીજા કોઈને શંકા ન જાય એ માટે ગુજરાતી બિલ્ડર અને પેલા ડોકટરે એવું તૂત ચલાવ્યું કે શ્રીકાંત રાય પેલા ગુજરાતી બિલ્ડરના ખેતરમાં મજૂરી કરે છે.અને અનાયાસે એને ગોળી વાગી છે!

વળી એક વાર પપ્પુ ટકલાએ પૂરક માહિતી આપવા મૂળ વાત કોરાણે મુકતાં કહ્યું, ‘સુરતના જે ડોક્ટર દાઉદ ગેંગના શૂટરને બચાવી લીધો હતો એ ડોક્ટર તમારા ગુજરાતના એક ખ્યાતનામ કવિનો જમાઈ હતો. એ ડોક્ટર બીજા પણ અનેક વિવાદમાં સપડાયો હતો. એ શેતાનનું નામ નહીં છાપવાની તમને ભલામણ કરું છુ. આ ભલામણ પાછળ બે કારણ છે. એક તો આ કેસમાં એને કોર્ટે છોડી મુક્યો હતો અને બીજું એ ડોક્ટર થોડા સમય અગાઉ મરી ગયો છે. સુરતમાં એ ડોક્ટર પ્રખ્યાત હતો. જોકે એના કરતાં વધુ યોગ્ય રીતે કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે સુરતનો એ ડોક્ટર કુખ્યાત હતો!’

પપ્પુ ટકલાએ સુરતના કુખ્યાત ડોક્ટર વિશે માહિતી આપ્યા પછી ઊમેર્યું, ‘જે.જે. માર્ગ હોસ્પિટલમાં ઘવાયેલા શૂટરના ઓપરેશન માટે હડિયાપટી કરનાર ગુજરાતી બિલ્ડર અને એનો ખેપાની ભાઈ  પણ પછી કમોતે માર્યા ગયા હતા. મુંબઈના સાંતાકુઝ વિસ્તારમાં એ ગુજરાતી બિલ્ડર બંધુઓને એમની ઓફિસમાં જ ગોળીએ દેવાયા હતા.’

પૂરક માહિતી આપીને પપ્પુ ટકલાએ નવી ફાઈવફાઈવ ફાઈવ સળગાવતા અંડરવર્લ્ડકથાનો દોર સાધ્યો, ‘સુરતમાં દાઉદ ગેંગના શૂટર પર ઓપરેશન કરીને એને બચાવી લેવાયો એ પછી ત્રણ દિવસમાં દાઉદ ગેંગનો એ શૂટર બીજા ગુંડાઓ સાથે સુરતથી રવાના થઇ ગયો હતો. બીજી બાજુ મુંબઈમાં ધમાલ ચાલુ હતી. જે.જે. હોસ્પિટલમાં ત્રાટકીને દાઉદ ઇબ્રાહિમે મુંબઈ પોલીસને દોડતી કરી મૂકી હતી. જે.જે. માર્ગ હોસ્પિટલમાં ગેંગવોરનો રેલો પહોંચ્યો પછી અકળાઈ ઉઠેલા પોલીસ કમિશનર શ્રીકાંત બાપટે ટોચના પોલીસ અધિકારીઓની બેઠક બોલાવીને દાઉદ ગેંગને ભિડાવવાની યોજના બનાવી. મુંબઈ પોલીસ પૂરા ઝનૂનથી દાઉદ ગેંગ પર તૂટી પડી. અને દાઉદ ગેંગના કેટલાક મહત્વના પ્યાદાં પોલીસના હાથમાં આવી ગયાં હતાં. દાઉદના બનેવી ઈબ્રાહિમ પારકરનો ભાઈ ઈસ્માઈલ પારકર અને એના મામા પોલીસના હાથમાં ઝડપાઈ ગયા. એમણે જીભ કચરી નાખી કે દાઉદ ગેંગના ઘવાયેલા શૂટરને સારવાર માટે સુરત લઇ જવાયો છે અને એ માટે ભીવંડી–નિઝામપુર મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ જયંત સૂર્યારાવની મદદ લેવાઈ હતી.

મુંબઈ પોલીસના અધિકારીઓ પહેલાં સહેજ ખચકાયા પણ પછી એમણે પોલીસ કમિશનર શ્રીકાંત બાપટની પરવાનગીરી લઈને જયંત સૂર્યારાવ અને ભીવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કાઉન્સીલના પ્રમુખ મહમ્મદ અલી ખાન સામે કાર્યવાહી હાથ ધરી. એ બંનેની સત્તાવાર કાર મુંબઈ પોલીસે જપ્ત કરી ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો.

મહારાષ્ટ્રના ઘણા કોંગ્રસી નેતાઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં. દાઉદ સાથે સબંધ ધરાવતા અનેક કોંગ્રેસી નેતાઓ શિયાવિયા થઈ ગયા.

મુંબઈ પોલીસે જે.જે. શૂટઆઉટ પછી બોલાવેલો સપાટો જોતાં દાઉદ ગેંગની પડતીની શરૂઆત થઇ ગઈ હોવાનું અંડરવર્લ્ડમાં ઘણા માનવા માંડ્યા હતા. એ દરમિયાન દાઉદને વધુ એક ફટકો પડ્યો. દાઉદના ઓર્ડરથી દાઉદ ગેંગના શાર્પ શૂટર અવધૂત બોડેએ ભાંડુપ ઉપનગરમાં શિવસેનાના કુખ્યાત નગરસેવક ખીમ બહાદુર થાપાને ઢાળી દીધો હતો.

થાપાના ખૂન પછી એના હત્યારાને પકડવા માટે મુંબઈ પોલીસ મથામણ કરી રહી હતી. પણ અવધૂત બોડે ભાગતો ફરતો હતો, પરંતુ જે.જે. માર્ગ હોસ્પિટલમાં શૂટ-આઉટ પછી મુંબઈ પોલીસે દાઉદ ગેંગના અડ્ડાઓ ધમરોળી નાખ્યા. અને દાઉદના શૂટરોને વીણી વીણીને જેલ ભેગા કરવા માંડ્યાં એમાં અવધૂત બોડે પોલીસની ઝપટમાં આવી ગયો હતો.

મુંબઈ પોલીસ ખરેખર કામ કરવા માંડી હતી અને દાઉદનો મુંબઈનો ‘કારોબાર’ ઠપ્પ થઈ જાય એવી સ્થિતિ મુંબઈ પોલીસે ઊભી કરી દીધી હતી. અને એનો અરુણ ગવળી અને અમર નાઈક ગેંગ દ્વારા પૂરો ફાયદો ઉઠવવામાં આવી રહ્યો હતો. અરુણ ગવળી અને અમર નાઈક ગેંગના ગુંડાઓ દાઉદના વિસ્તારમાંથી પણ ખંડણી ઉઘરાવવા લાગ્યા હતા. મુંબઈમાં દાઉદનું વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. ત્યાં જ અચાનક એક ઘટના બની જેના પ્રત્યાઘાત આખા દેશમાં પડ્યા અને એ ઘટનાને કારણે જે સ્થ્તિ સર્જાઈ એથી દાઉદ ઈબ્રાહિમ ઉત્તેજિત થઈ ગયો! એ પછી દાઉદે જે કર્યું એને કારણે આખો દેશ ખળભળી ઊઠ્યો!

(ક્રમશ:)