Angarpath - 15 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૧૫

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

અંગારપથ - ૧૫

અંગારપથ.

પ્રકરણ-૧૫.

પ્રવીણ પીઠડીયા.

“ફાઇલમાં છઠ્ઠો ફોટો જો, તને બધું સમજાઇ જશે.” અભિમન્યુ બોલ્યો અને ચારુંએ ફરીથી ફાઇલનાં પાનાં ઉથલાવ્યાં.

“માય ગોડ અભિ, એ તો મેં નોટિસ જ નહોતું કર્યું. એનો મતલબ…ઓહ નો. યુ આર રાઈટ.” ચારું ભયંકર આઘાત પામી હતી. હવે તેને બધું સમજમાં આવતું હતું કે કેમ આ રેકેટ આટલા લાંબા સમયથી બેરોકટોક ચાલી રહ્યું હતું. તેના હાથમાં જીવતો બોમ્બ હતો. જ્યારે પણ આ બોમ્બ ફૂટશે ત્યારે ગોવાનાં રાજકારણમાં તબાહી મચી જવાની હતી. ચારુંનું મન તો કરતું હતું કે તે અત્યારે જ ડાયરેક્ટ દિલ્હી દોડી જાય, પરંતુ અભિમન્યુની સલાહ વગર તે આગળ વધવા માંગતી નહોતી. માત્ર એક જ મુલાકાતમાં અભિમન્યુની કાબિલિયતની તે કાયલ બની ચૂકી હતી. એ વ્યક્તિમાં તેને દમ જણાયો હતો. હોસ્પિટલમાં એકલે હાથે જે રીતે તેણે ખતરનાક ગુંડાઓને ઢેર કરી દીધા હતા અને પછી ગોલ્ડનબારમાં ઘૂસી ગયો હતો એ કંઇ ખાવાનાં ખેલ તો નહોતાં જ.

“હવે શું કરીશું?” તેણે પૂછયું.

“હમણાં કંઇ નહી. પહેલા એકદમ શાંતીથી પહેલા વિચારીએ કે આ મામલો ખરેખર છે શું? આપણે જે વિચારીએ છીએ એવું જ છે કે હજું પણ કોઈ રહસ્ય છૂપાયેલું છે? ત્યાં સુધી આ ફાઇલ આપણને મળી નથી એ રીતે જ વર્તવાનું છે.”

“પણ.. તને લાગે છે કે એ લોકો ખામોશ રહેશે? ફાઈલ આપણી પાસે છે એટલે મને નથી લાગતું કે એ લોકો આસાનીથી આપણને છોડશે.” ચારુંએ તેના મનમાં ઉઠતી આશંકા વ્યક્ત કરી. સામા છેડે અભિમન્યુંને પણ તેની વાત યોગ્ય લાગતી હતી. ગોલ્ડનબારની ઓફિસમાં ભલે સી.સી.ટી.વી. કેમેરા નહોતા લાગેલા પરંતુ એ સમગ્ર પરિસરમાં કોઇક જગ્યાએ તો કેમેરા હશે જ, જેની નજરમાં તેઓ જરૂર ઝડપાઈ ગયા હશે એમાં કોઈ શંકા નહોતી. મતલબ કે તે બન્ને ઉપર અત્યારે ભારોભાર જોખમ હતું. અભિમન્યુ ચોંકી ઉઠયો. તેનો મતલબ સાફ હતો કે જો તેમની ઉપર કોઈ ઘાત આવી તો સૌથી પહેલો શિકાર ચારું જ બનશે. તે થડકી ઉઠયો.

“તારા ઘરે કોણ છે? મતલબ કે અત્યારે તું એકલી તો નથી ને?” અભીમન્યુનાં મનમાં અમંગળ કલ્પનાઓ ઉદભવવા લાગી હતી. તેને ઉડીને ચારું પાસે પહોંચી જવાનું મન થયું.

“વોટ ડુ યું મીન કે એકલી તો નથી ને! તને એમ લાગે છે કે મારી ઉપર ખતરો છે અને હું તેનો સામનો નહીં કરી શકું? તને શું હું એટલી કમજોર લાગું છું.” ચારું બોલી. તે અભિમન્યુના કહેવાનો ભાવાર્થ બરાબર સમજી હતી.

“તું બહાદુર છે એ મને ખબર છે પણ અહીં મામલો થોડો અલગ છે. આપણો પનારો કોઈ સામાન્ય અપરાધી સાથે નથી પડયો. આ ઈન્ટરનેશનલ અપરાધીઓ છે અને એમના તરિકાઓ અલગ હશે. સહેજ પણ ગફલતમાં રહેવાનો મતલબ આપણો સફાયો. તે રક્ષાની હાલત તો જોઈ જ હશે, એ ઉપરથી સમજી જા કે આપણે કેટલું સતર્ક રહેવું પડશે!” અભિમન્યુ એક શ્વાસે બોલી ગયો. તેને પોતાના કરતાં હવે ચારુંની વધું ફિકર થતી હતી. આજે પહેલી જ વાર તેઓ મળ્યાં હતા છતાં કોણ જાણે કેમ પણ અભિમન્યુને તે ગમી ગઇ હતી. કદાચ તે ચારુંની હિંમતથી ઈમ્પ્રેસ થયો હતો. જે અદાથી તે બેધડક ગોલ્ડનબારનાં કમરામાં દાખલ થઇ હતી એ અદાએ તેનું મન જીતી લીધું હતું.

“તું ચિંતા ન કર, હું મારું ધ્યાન રાખી શકું એટલી મજબૂત છું. અમથા જ તો મેં પોલીસ ફોર્સ જોઇન નહી કર્યું હોય ને! તું ખાલી એટલું વિચાર કે હવે આ ફાઇલનું આપણે શું કરવાનું છે? અને થોડું જલ્દી વિચારજે કારણ કે આપણી પાસે હવે ઝાઝો સમય નથી.”

“ઓ.કે. ગુડનાઇટ.” અભિમન્યુ વાત સમાપ્ત કરવાના ઇરાદાથી બોલ્યો અને ફોન કટ કર્યો. પછી ક્યાંય સુધી તેને ઉંઘ આવી નહી. આમથી તેમ ઘણાં પડખા ઘસ્યા પણ આખરે કંટાળીને તે ઉભો થઇને તૈયાર થઇને તે હોટલની બહાર નીકળી પડયો.

@@@

બંડુને લીડ મળી હતી અને તેણે હથિયાર સજાવ્યા હતા. કેમેરામાં દેખાતા રોયલ એનફિલ્ડ બુલેટના નંબર ઉપરથી જાણવા મળ્યું હતું કે બુલેટ અત્યારે કોની પાસે છે અને રાત્રે એ બુલેટ ગોવાનાં ક્યા રસ્તેથી પસાર થયું હતું. રોબર્ટ ડગ્લાસનું નામ જ એટલું શક્તિશાળી હતું કે એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ માત્ર ગણતરીની ચંદ મિનિટોમાં બંડુના હાથમાં આવી ગયા હતા. તેણે એ ફૂટેજના આધારે બુલેટ ચલાવનાર વ્યક્તિની શોધખોળ આરંભી હતી અને બહું જલ્દી તેને એ વિશે માહિતી મળી હતી. કોઇ અભિમન્યુ નામનાં વ્યક્તિ પાસે એ બુલેટ હતું અને તેની પાછળ બેઠી હતી એ ગોવા પોલીસમાં સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી ચારું દેશપાંડે નામની અફસર હતી. બંડુ હવે ખરેખર ચોંકયો હતો. ગોવા પોલીસમાં તેના બોસ રોબર્ટ ડગ્લાસની જબરી આણ વર્તાતી હતી. તેની વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરવી હોય તો પણ પહેલા તેની જ પરમીશન લેવી પડતી હોય એવી હાલતમાં જો કોઇ પોલીસવાળી તેની ઓફિસમાં ઘૂસી જાય અને તેની જ સિક્રેટ ફાઇલ ચોરી જાય એનો મતલબ ભયાનક નિકળતો હતો. બંડુ ના-સમજ નહોતો. મતલબ સાફ હતો કે એ પોલીસ અફસર બેખૌફ હતી. તેને ડગ્લાસનો કોઇ ડર નહોતો. અને એવું ત્યારે જ શક્ય બને કે જ્યારે તેને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઉપરથી ઓર્ડર મળ્યાં હોંય. તે થથરી ગયો. શું તેના બોસ વિરુધ્ધ ડિપાર્ટમેન્ટ કોઇ મોટી કાર્યવાહી કરવાનું હતું? જો એવું હોય તો એ ફાઇલ ડગ્લાસ વિરુધ્ધ ટાઇમ-બોમ્બ સાબિત થયા વગર રહે નહી. મનોમન તેણે ઘણું વિચારી નાખ્યું. મામલાની ગંભિરતા એકાએક તેની સમજમાં આવી હતી. જો પોતાના બોસ રોબર્ટ ડગ્લાસને આમાથી બચાવવો હોય તો સૌથી પહેલા તો એ ફાઇલ પાછી મેળવવી જરૂરી હતી અને એ માટે પેલી લેડી અફસરને સકંજામાં લેવી પડે એમ હતી. સંજય બંડુએ પોતાનું તમામ ફોકસ એ ફાઇલ અને ચારું દેશપાંડે ઉપર સ્થિર કર્યું.

સવાર પડવાની તૈયારીમાં હતી. બંડુ તેના વિશ્વાસપાત્ર ચાર માણસોને સાથે લઇને નિકળી પડયો. તેની મંઝિલ ચારું દેશપાંડેનું ઘર હતું. ચારુંએ ગઇકાલે જ તેને ફળવાયેલા અલાયદા પોલીસ ક્વાટરમાં શિફ્ટ કર્યું હતું. તેનો સામાન હજું પણ એમ જ ગોઠવાયા વગરનો પડયો હતો. તે એકલી હતી. કોઇ ફેમિલી મેમ્બર અત્યારે સાથે નહોતું કારણ કે હજું હમણાં જ તેની ડ્યૂટી ગોવામાં લાગી હતી એટલે જ્યાં સુધી તે પોતે સેટલ થઇ ન જાય ત્યાં સુધી કોઇ ફેમિલીને સાથે લાવવાનું તેણે મુનાસિબ માન્યું નહોતું. જો કે એ ડિસિઝન અત્યારે તેના માટે ફાયદાકારક સાબિત થવાનું હતું એ તે નહોતી જાણતી. એ તો પેલી ફાઇલ વાંચીને જ સદમામાં આવી ગઇ હતી.

સવારનો ઉજાસ ફેલાય એ પહેલા બંડુ પોતાનું કામ પાર પાડવા માંગતો હતો જેથી જાઝી હો-હા ન થાય. પોતાના તમામ સોર્સ કામે લગાવીને તેણે ચારુંનું ઠેકાણું મેળવી લીધું હતું અને એક વાનમાં બેસીને તે એ દિશામાં નિકળી પડયો હતો.

@@@

અભિમન્યુએ બુલેટ સ્ટાર્ટ કર્યું અને ચારુંના ઘર તરફ મારી મૂકયું. તેને આવનારી મુસિબતનો અંદેશો આવતો હતો કે જો હુમલો થયો તો સૌથી પહેલા ચારું ઉપર જ ઘાત આવશે. ફાઇલ તેની પાસે હતી અને તે આસાન ટાર્ગેટ હતી એની ચિંતામાં તેની ઉંઘ તો ક્યારની ઉડી ગઇ હતી. વળી અત્યારમાં તેને કોઇ કામ પણ નહોતું એટલે તે ચારુંના ઘર ઉપર નજર રાખવા નિકળી પડયો હતો. જો કે તે એવું જ વિચારતો હતો કે તેનું અનુમાન ખોટું પડે અને ચારું ઉપર કોઇ મુસીબત ન આવે, પરંતુ હાલની પરિસ્થિતિમાં સતર્ક રહેવું જરૂરી હતું.

અભિમન્યુ સંજય બંડુ કરતાં પહેલા પોલીસ ક્વાટર નજીક પહોંચ્યો હતો અને તેણે ક્વાટરનાં કમાનાકાર તોતિંગ દરવાજા બહાર ચાયની એક ટપરી પાસે બુલેટ થોભાવ્યું હતું. વહેલી સવારમાં ચાની ટપરીવાળો ખખડી ગયેલા જૂના સ્ટવ ઉપર તપેલી મૂકીને આગ પેટાવવાની તૈયારી કરતો હતો. અભિમન્યુએ પોતાના માટે એક ચાનો ઓર્ડર આપ્યો અને બુલેટની સીટને ટેકો દઇને, અદબ વાળીને ઉભો રહ્યો.

(ક્રમશઃ)