64 Summerhill - 48 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 48

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

64 સમરહિલ - 48

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 48

આગલી રાતે પડેલા એકધારા વરસાદમાં ભીંજાઈને છોડની પીળાશ પહેરેલી સાંજ બરાબર ખીલી રહી હતી. લીંબુડી, દાડમડી વચ્ચે ઊડાઊડ કરતા બપૈયાનો કલશોર, બપૈયાના સાદથી ડોક ઊંચી કરતો ખેતરનો સન્નાટો, હુંફાળા તડકામાંથી ચળાઈને આવતી પવનની આછેરી લહેરખી ઓઢીને ખેતરની વચ્ચોવચ ઊભેલો પીળચટ્ટો હાર પહેરેલા રાજવી જેવો કૂવો…

રાઘવે એક નજરમાં આખો ય માહોલ તરાશી લીધો.

કૂવાથી લગભગ વીસેક મીટર છેટે બેઠા ઘાટનું એક મકાન હતું. આગળની તરફ લાકડાની નકશીદાર આડશ મઢેલી પરસાળ, પરસાળની સામે ખાસ્સો પહોળો ડ્રાઈવ-વે, આ તરફથી દેખાતી બે બંધ બારી અને સિમેન્ટના વજનદાર પીઢિયા પર જડેલાં ચળકતા પતરાં..

ચારે દિશાએથી ખુલ્લા એ મકાનમાંથી કોઈ નજર માંડીને બેઠું હોય તેમ કળાતું ન હતું. બારીઓ બંધ હતી. પરસાળ ખાલી હતી. પરસાળ તરફ વળાંક લેતો ડ્રાઈવ-વે તેઓ ઊભા હતા એથી વિરુદ્ધની દિશાએ લીમડાના ઝાડ પાછળ લંબાતો હતો.

ત્વરિતને લઈને નીકળેલી એમ્બ્યુલન્સ એ જ દિશાએથી આવી હોવી જોઈએ. જોકે ક્યાંય કોઈ વાહન દેખાતું ન હતું. રાઘવે ફરી એકવાર સર્વિસ પ્રોવાઈડર સાથે કન્ફર્મ કરી લીધું અને સેન્સરનું રિસિવર બ્લિન્કિંગ પણ ચેક કર્યું. ત્વરિત અને મૂર્તિ અહીં જ હતા.

ઓલિવ ગ્રીન હન્ટર ટ્રાઉઝર, લેમનયલો ફૂલસ્લિવ શર્ટ અને બ્લેક જેકેટમાં રાઘવ છેલબટાઉ કાઉબોય જેવો લાગતો હતો. જેકેટના ચેસ્ટ પોકેટમાંથી પિસ્તોલ કાઢીને તેણે ઊંડો શ્વાસ લીધો અને ઝુઝારની સામે જોયું.

માંડ એક્શનમાં આવવા મળ્યું એથી ગેલમાં આવી ગયેલો ઝુઝાર ક્યારનો ગન કાઢીને તૈનાત હતો.
નજરથી જ સંતલસ કરીને બંનેએ કમરમાંથી ઝૂકીને દોટ મૂકી.

કૂવા ફરતું ચારેક ફૂટ ઊંચું પથ્થરનું થાળુ ચણેલું હતું. થાળાની આડશમાંથી એકપણ બારી વગરની પછીત દેખાતી હતી. ખેતર ભણી ફંટાતી નાનકડી કેડી પરથી કોઈ આવે નહિ અને મકાનમાંથી કોઈ બારી ખોલે નહિ તો વીસેક મીટરનું અંતર કાપીને મકાન સુધી પહોંચવું મુશ્કેલ ન હતું.

રાઘવે ઈશારો કર્યો એટલે પહેલાં ઝુઝાર દોડયો અને મકાનની પછીતે લપાયો. ક્યાંય કોઈ હલચલ નથી તેની ખાતરી કરીને રાઘવે પણ દોટ મૂકી.

એક પણ બારી વગરની આવી કઢંગી પછીતથી રાઘવને આશ્ચર્ય થતું હતું પણ ઝુઝાર આવા દેહાતી મકાનથી ટેવાયેલો હતો. ખેતરમાં આવા મકાનની પાછળ ઢોરના છાણ-વાસીદા થતા હોય અને આગળની તરફ દરવાજો હોય, અંદર બે કે ત્રણ ઓરડા હોય જેની બારીઓ મકાનની બે દિશાએ ખૂલતી હોય.

ઝુઝારે ચકરાવો મારીને બીજી તરફ જોયું. તેની ધારણા સાચી હતી. એ તરફ પણ બે બંધ બારી હતી. પરસાળ પાસેથી વળાંક લેતો કાચો ડ્રાઈવ-વે એ જ દિશાએ લીમડાના ઝાડ ફરતો ચકરાવો મારીને શેઢા તરફ જતો હતો.

ઝુઝારે આંગળી ચિંધી એ દિશામાં રાઘવે જોયું. નિંદામણ વાઢીને બેય તરફ ચોખ્ખા કરેલા કાચી મુરમ પાથરેલા ડ્રાઈવ-વે પર ટાયરના નિશાન હતા. મતલબ કે, થોડી વાર પહેલાં જ એમ્બ્યુલન્સ અહીંથી ગઈ હોવી જોઈએ.

હવે ખરાખરીનો ખેલ હતો. અંદર કેટલાં આદમી છે તેનો કોઈ અંદાજ ન હતો. રાઘવે મકાનની ભૂગોળ અને ખેતરથી સડકનું અંતર એ બધાની મનોમન ગણતરી માંડીને વ્યુહ વિચારી લીધો. ઝુઝારને તેણે પરસાળની બરાબર સામે અને બારણાથી સ્હેજ ત્રાંસમાં લીમડાના થડની આડશ તરફ જવા ઈશારો કર્યો.

ઝુઝારે ત્યાં પોઝિશન લીધી એ સાથે રાઘવે ગ્લોક પિસ્તોલનું મેગેઝિન ચેક કર્યું, સેફ્ટી લોક ઓપન કર્યું અને પરસાળ તરફ લપક્યો.

કોટાસ્ટોન મઢેલી પરસાળ કાદવથી ખરડાયેલી હતી. ભીની માટીમાં રગદોળાયેલા ખુલ્લા પગે કોઈક ફર્યું હોય તેવા એ નિશાન હતા. પરસાળ ભણી મૂકાયેલી બારીઓ ય બંધ હતી. રાઘવે કાન માંડી જોયા. અંદર કોઈ બોલચાલ કે સળવળ સુધ્ધાં સંભળાતા ન હતા.

થડકતા હૈયે રાઘવે શૂઝની એડી વડે જોરથી લાત મારી. લાતના પ્રહારથી લાકડાનો ખખડધજ દરવાજો ધડ્ડામ અવાજ સાથે દિવાલ સાથે અથડાયો એ સાથે છજામાં બેસીને ઘૂઘવાટ કરી રહેલાં કબૂતર ઊડયા. ઓરડાના અંધારા વચ્ચે ચારે દિશાએ રાઘવે નજર ફંફોસી. ક્યાંય કોઈ દેખાતું ન હતું. તેણે સતર્કપણે આગળ વધવા કદમ ઊઠાવ્યા એ સાથે જ ઉપરની છતની દિશાએથી અવાજ આવ્યો, વેલકમ, રાઘવ બાદશાહ...!'

નબળી કાઠીનો, પાતળા બાંધાનો એક આદમી દિવાલમાં પથ્થર જડીને બનાવેલી છાજલી પર આડો લેટીને બેય હાથે તેની સામે ગન તાકીને મરકી રહ્યો હતો…

એ જોઈને રાઘવના હૈયામાં કિચૂડાટી બોલી ગઈ.

***

વીસ મિનિટ પછી…

અંદરના ઓરડાની બધી જ બારીઓ ખુલી ગઈ હતી. ખૂણાના એક પલંગ પર છપ્પનસિંઘ લેટયો હતો. બાજુના ખાટલા પર અર્ધબેહોશ હાલતમાં ત્વરિત હતો, બંને પલંગના એક-એક પાયા સાથે બંધાયેલા હતા રાઘવ અને ઝુઝાર, અને ટેબલ પર પડયા હતા બેયની પાસેથી મળેલી ગન અને મેગેઝિન્સ.
તે અકારણ બંનેની સામે જોઈને સ્મિત વેરી રહ્યો હતો.

'ગ્લોક ૧૬... ટૌરસ...' તેણે ટેબલ પર પડેલી ગન ઊઠાવીને પહેલી જ વાર જોતો હોય એ રીતે હાથ પસવાર્યો.

રાઘવ મહાપ્રયત્ને ચહેરો સ્વસ્થ રાખવા પ્રયાસ કરતો હતો અને ઝુઝાર મનોમન બરાબર ધૂંધવાતો હતો.

રાઘવે હાક મારી ત્યારે તેને ખબર ન હતી કે આ સાલો તેના માથે ગન તાકીને બારણા પાછળ ઊભો હતો. બંદૂકના નાળચે તેણે પહેલાં રાઘવના હાથે ઝુઝારને બંધાવ્યો અને પછી પોતે રાઘવને બાંધ્યો હતો. આટલી સરળતાથી પોતે ઝડપાઈ ગયા તેનો આઘાત અને શરમ બેયના ચહેરા પર વર્તાતા હતા.
'ગન તો બહોત ખૂબ રખતે હૈ અપને રાઘવ બાદશાહ...' તેણે છપ્પનની તરફ ગન ફગાવીને કહ્યું. છપ્પનની હાલત હવે ઘણી સુધારા પર વર્તાતી હતી. તેણે ત્વરાથી ગન ઝીલી. હજુ તેને ય આ દાવ સમજાતો ન હતો. સવારે દુબળીએ તેને કહ્યું કે 'કુછ મહેમાન આને વાલે હૈ...' ત્યારે તેણે કોઈ પૂછપરછ કરવાનું જાણી જોઈને ટાળ્યું હતું. આમ પણ તેને ખાતરી થઈ ગઈ હતી કે આ આદમી તેને કહેવું હોય એટલું જ અને કહેવું હોય ત્યારે જ કહે છે.

સવારથી એ સતત વ્યસ્ત રહ્યો હતો. બહાર જઈને કોઈકની સાથે લાંબી-લાંબી વાતો કરતો હતો. લેપટોપમાં કશુંક ટાઈપ કર્યા કરતો હતો. વ્હોટ્સએપમાં કોઈકની સાથે મેસેજિંગ પણ કરતો હતો પણ એ આખો ય વખત તેનો ચહેરો ખુશનુમા હતો.

બપોર પછી તેણે છપ્પનને અંદરના રૃમમાં ખસેડયો હતો અને બહાર પડેલી બીજી ય એક ચારપાઈ અંદર પાથરી હતી. છપ્પન ચૂપચાપ તેની મૂવમેન્ટ જોઈ રહ્યો. તેણે માળિયા પરથી એક કોથળો ઉતાર્યો. અંદરથી જાડા દોરડા, એડહેસિવ ટેપના બંડલ, ધારદાર છરા અને બે પિસ્તોલ કાઢ્યા એ જોઈને છપ્પન થડકી ગયો હતો.

'જરૃરત તો નહિ પડેગી... ફિર ભી...' તેણે છપ્પનની સામે જોઈને સ્મિત વેર્યું, 'મહેમાન જ કંઈક એવા છે કે ખાતર બરદાશ્તમાં કોઈ કમી ન રહેવી જોઈએ...' પછી જોરથી ધબ્બો મારતાં ઉમેર્યું, 'સહી બોલા ના?'
પછી એ ક્યાંય સુધી બહાર પરસાળમાં જ બેઠો રહ્યો. થોડી વારે એક વાહનનો અવાજ આવ્યો. છપ્પન સરવા કાને હિલચાલ સાંભળવાનો પ્રયાસ કરતો હતો ત્યારે અચાનક અર્ધબેહોશ ત્વરિતને જેમતેમ ટેકો દઈને, લગભગ ઘસડતો તે અંદર લાવ્યો એ જોઈને છપ્પન છળી ઊઠયો.

'અરે પણ... તું...' પડછંદ શરીરના ત્વરિતને તેણે ઘઉંની ગુણનો થપ્પો કરતો હોય એ રીતે ચારપાઈ પર સૂવડાવ્યો એ જોઈને છપ્પનથી ચીસ ફાટી ગઈ…

'ચિલ્લાઓ મત...' તેણે ડારતા અવાજે કહ્યું, 'તેને ઈજામાં ઘણી રાહત છે. અહીં લાવવા પૂરતો જ બેહોશ કર્યો છે. હમણાં ભાનમાં આવી જશે'

ડઘાયેલા છપ્પનને માનવામાં આવતું ન હતું. આ આદમી... સાલો છે કોણ? એ અહીંથી ક્યાંય બહાર ગયો નથી. અહીં કોઈ આવ્યું નથી અને તોય એ ત્વરિતને આવી હાલતમાં ઊઠાવી લાવ્યો?

'તારા બધા જ સવાલોના જવાબ મળશે... પણ સાંજ સુધી ચૂપચાપ પડયો રહેજે' સવાલ મનમાં ઊગે એ સાથે જ જવાબ વાળીને વધુ એક વાર તેણે છપ્પનને સ્તબ્ધ કરી દીધો હતો.

- અને છપ્પનના અપાર આશ્ચર્ય વચ્ચે સાંજે આ ખરાં મહેમાનની પધરામણી થઈ હતી.

'ગન તો બહોત ખૂબ રખતે હો, રાઘવ બાદશાહ...' તેણે રાઘવની સામે નજર માંડીને ફરીથી એ વાક્ય દોહરાવ્યું, 'પણ મોબાઈલ હજુ ચાલુ કિસમના જ વાપરો છો?' તેણે રાઘવની સામે મોબાઈલ ધર્યો એ સાથે રાઘવને જાણે કંપવા ઉપડયો. આ એ જ મોબાઈલ હતો જે તેણે ત્વરિતના પ્લાસ્ટરમાં ખોસ્યો હતો.
પછી તે છપ્પન તરફ ફર્યો, 'આ છે રાઘવ માહિયા સાહેબ, એસીપી ઓફ મધ્યપ્રદેશ પોલિસ, રાઈટ?'
મધ્યપ્રદેશના ઉલ્લેખથી છપ્પનની આંખો ચમકી.

'ડિંડોરીથી તારો અને ત્વરિતનો પીછો કરતા કરતા અહીં આવી ચડયા છે...' રાઘવ ચૂપચાપ આ ભેદી આદમીની બોડી લેંગ્વેજ, તેના હાવભાવ અને અવાજના ટોનને પરખવાની કોશિષ કરી રહ્યો હતો. તેના મનમાં સતત એ ગડમથલ જારી હતી કે તેણે આટલો ચુસ્ત પ્લાન બનાવ્યો હતો તો ય ક્યાં થાપ ખાધી?
'વહીં પર...' તેણે રાઘવની સામે આંગળી ચિંધીને ભારપૂર્વક કહ્યું એટલે રાઘવથી અનાયાસે જ બોલાઈ ગયું, 'હેં??'

'અહીંયા જ થાપ ખાધી તેં.' રાઘવની મનોસ્થિતિ કલ્પીને હવે છપ્પન મનમાં મલકી રહ્યો હતો. દુબળીએ ત્રાટક કરીને તેની સામે જોયું, 'તું એમ માને છે કે તું પીછો કરીને અહીં પહોંચ્યો છે, રાઈટ?'

પોતે કશું જ પૂછ્યું ન હતું અને ફક્ત મનમાં વીજળીના ઝબકારા જેવો એક સવાલ ઊગ્યો ત્યાં તો આ આદમી જવાબ પણ આપવા માંડયો? રાઘવથી પ્રચંડ આઘાત અને કૌતુકથી અનાયાસે જ હકારમાં ડોકું ધુણાવાઈ ગયું.

'તું અહીંયા આવ્યો નથી દોસ્ત, તને હું અહીંયા લાવ્યો છું...' તે ઊભો થઈને રાઘવની સાવ નજીક સર્યો. ઘડીક ઝુઝારની સામે ત્રાટક કરીને જોયા કર્યું અને પછી આંખો ફાડીને ડરામણા અવાજે તાકિદ કરતો હોય તેમ આંગળી ચિંધી, 'સ્હેજ પણ હોંશિયા...'

તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ ઝુઝારે અજબ સ્ફૂર્તિ દર્શાવી નાંખી હતી. કાચી સેકન્ડમાં તેણે ચારપાઈની ઈસ નીચે ખભા ભેરવીને ત્વરિત સહિતનો આખો ખાટલો ખભા પર એક ફૂટ અધ્ધર કર્યો હતો. એ જ ક્રિયાની સમાંતરે બેય પગ દુબળીના પગમાં નાગચૂડની માફક ભેરવીને તેને પટક્યો હતો અને પછી તરત ઊંચકાયેલા ખાટલાના પાયામાંથી ગાળિયો સેરવી નાંખ્યો હતો.

દુબળી જ્યારે રાઘવને બીજા પાયા સાથે બાંધી રહ્યો હતો ત્યારે જ ઝુઝારે પાછળ ભેરવાયેલા બેય હાથના અંગુઠા વડે ગાંઠ ઢીલી કરવા માંડી હતી. હાથ ફંફોસીને તેણે પાયા અને દોરડા વચ્ચેનો ઝોલ ઢીલો પાડી દીધો હતો. હવે જો તેને પાયો ઊંચકવાની તક મળે તો એ બંધાયેલી સ્થિતિમાં જ હાથ છૂટા કરી શકે તેમ હતો.

- અને એ તક તેણે ઝડપી પણ લીધી. તેના બેય પગની આકરી ભીંસમાં પટકાયેલો દુબળી કોઈ છટપટાહટ કે છૂટવાના કોઈ પ્રયાસ કે બૂમરાણ વગર જાણે સરન્ડર થઈ ગયો હોય તેમ પડયો હતો. છપ્પન દિગ્મૂઢપણે ડોળા ફાડીને જોઈ રહ્યો હતો.

ઝુઝારે બળપૂર્વક દુબળીના પેટમાં લાત મારી. મજબૂત બાંધાના ખડતલ પઠ્ઠાની લાતના બળુકા પ્રહારથી પાતળા કદ-કાઠીનો દુબળી દિવાલ સાથે અથડાયો.

એ જ ઘડીએ ખાટલો ઊંચકાવાથી અને પછડાવાથી ત્વરિત પણ પથારીમાં સળવળ્યો. હળવા ઉંહકારા સાથે તેણે આંખો ખોલી ત્યારે તેની આંખો સામે એવો તાયફો ખડકાયો હતો કે એ જોઈને ફરીથી બેહોશ થઈ જવાય…

એક આદમી (દુબળી) દિવાલ પાસે ઊંધો લેટીને કણસી રહ્યો હતો.

બીજો હટ્ટોકટ્ટો આદમી કાળઝાળ નજરે હાથમાં બાંધેલી રસ્સી ફગાવીને હવે ઢીંચણભેર ભોંય પર બેઠેલા રાઘવના હાથ છોડી રહ્યો હતો અને છપ્પનસિંઘ ફાટી આંખે ઘડીકમાં દુબળીને, ઘડીક ઝુઝારને તો ઘડીક હોશમાં આવી રહેલા ત્વરિતને જોઈ રહ્યો હતો.

રાઘવના હાથ છૂટયા એ સાથે ઝુઝાર કમરાના દરેક દરવાજા બંધ કરવા દોડયો અને રાઘવે દુબળીને ઊંચકીને ખુરસીમાં પટક્યો. રાઘવ તીવ્ર પ્રયત્ન કરીને ચહેરો સ્વસ્થ રાખવા મથતો હતો પણ તેના મનમાં પારાવાર ઉશ્કેરાટ ઉભરાતો હતો. ત્વરિતની કેફિયત સાંભળ્યા પછી તેણે જેવા આદમીની કલ્પના કરી હતી, આ સાલો તેનાંથી અનેકગણો તિલસ્મી લાગતો હતો…

કંઈક ભય, થોડાક ઉશ્કેરાટ અને થોડાક ગુસ્સાથી તેણે દુબળીની આંખમાં આંખ પરોવી, 'યોર ગેમ ઈઝ ઓવર...'

દુબળી તેને તાકી રહ્યો. તેની ભુખરી આંખોમાંથી જાણે આગ વરસતી હતી અને સપાટ, ફિક્કા, પાતળા ચહેરાના એક-એક સ્નાયુ તંગ થઈ ગયા હતા. આખી દુનિયા જાણે હલાવી નાંખવાનો હોય તેમ ભભૂકતી આંખે તેણે રાઘવની સામે જોયું અને પછી એવાં જ સ્થિર, આરોહ-અવરોહ વગરના અવાજે જવાબ વાળ્યો, 'ધ ગેઈમ ઈઝ જસ્ટ સ્ટાર્ટેડ, રાઘવ બાદશાહ...'

છપ્પને જોયું કે તેનો અવાજ સાંભળીને ત્વરિતના ચહેરા પર અજબ વિસ્ફાર તરી આવ્યો હતો. એ મહામુસીબતે પથારીમાંથી બેઠો થયો હતો અને જાણે મેઘલી રાતે અગોચર જગ્યાએ જીનાત જોયું હોય તેમ તેનું ડાચું ફાટી ગયું, આંખો પહોળી થઈ ગઈ અને ચહેરા પર આઘાતનું લખલખું પથરાઈ ગયું...

(ક્રમશઃ)