Once Upon a Time - 34 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 34

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 34

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 34

સતીશ રાજે દક્ષિણ મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાંથી બહાર નીકળ્યો. તે પોતાની ઈમ્પોર્ટેડ હોન્ડા એકોર્ડ કારમાં ગોઠવાયો અને એણે ડ્રાઈવરને પરેલ વિસ્તારમાં પોતાના ઘર તરફ કાર હંકારવા કહ્યું. કાર થોડી આગળ વધી એ સાથે જ એને શંકા ગઈ કે એનો પીછો થઇ રહ્યો છે. એણે ડ્રાઈવરને વધુ ઝડપથી કાર હંકારવા કહ્યું. એની પાછળ એક બ્લેક ફિયાટ કાર આવી રહી હતી, મહમ્મ્મદ અલી રોડ ઉપર સિગ્નલ પાસે સતીશ રાજેની કાર આગળ નીકળી ગઈ એ જ વખતે સિગ્નલની રેડ લાઈટ થઇ ગઈ અને બ્લેક ફિયાટ કારની આગળ એક ટેક્સી આવી જતાં બ્લેક ફિયાટ કાર સિગ્નલ પહેલાં ઉભી રહી ગઈ.

થોડી મિનિટોમાં સતીશ રાજે હેમખેમ એના ઘેર પહોંચી ગયો. પણ કોઈએ પોતાનો પીછો કર્યો હતો એવું એના મનમાં બેસી ગયું હતું. સતીશ રાજેએ એ રાતે દુબઈ ફોન કરીને દાઉદ ઈબ્રાહીમને આ વાત કહી, દાઉદે પહેલા તો એને ખખડાવ્યો હતો. સતીશ રાજેને પ્રસિદ્ધિનો મોહ હતો એથી દાઉદ આમ પણ અકળાતો હતો. એણે વધુ એકવાર સતીશ રાજેને પત્રકારોથી દૂર રહેવાની સુચના આપી એ રાત્રે સતીશ રાજેને ફોન પર સમજાવ્યા પછી દાઉદે એના ભાઈ નૂરાને ‘જરૂરી’ સૂચના આપી હતી. એ વખતે મુંબઈમાં નૂરા સતીશ રાજેની મદદથી દાઉદ ગેંગનો ‘કારોબાર’ ચલાવતો હતો.

નૂરાને ખબર પડી હતી કે અશોક જોશી અને ગવળી બંધુઓ સતીશ રાજેને અને નૂરાને ખતમ કરવા મેદાને પડ્યા છે. ગવળી બંધુઓ અને અશોક જોશી કંઈ કરે એ અગાઉ એમનો કાંટો કાઢી નાખવાનું કામ નૂરાએ દાઉદ ગેંગના સિનિયર શાર્પશૂટર સાધુ શેટ્ટીને સોંપી દીધું.

સાધુ શેટ્ટી કાંજુર માર્ગ ઉપનગરમાં જઈને અશોક જોશી પર ત્રાટક્યો, પણ સાધુ શેટ્ટીના હુમલામાંથી અશોક જોશી બાલ બાલ બચી ગયો પછી બીજે જ દિવસે નૂરાએ એક અરજન્ટ બેઠકનું આયોજન કર્યું. ૨૩ નવેમ્બર ૧૯૮૮ના દિવસે એ બેઠક યોજાય એ પહેલાં જ મુંબઈમાં દાઉદનું નેટવર્ક હચમચી જાય એવો ફટકો રમા નાઈકના ચેલાઓએ માર્યો હતો.

સાધુ શેટ્ટી અશોક જોશીને મારવામાં નિષ્ફળ રહ્યો એથી ધૂંધવાયેલો સતીશ રાજે રોષ અને ઉચાટની લાગણી સાથે નૂરાને મળવા પોતાના પરેલ સ્થિત ઘરેથી પાક્મોડિયા સ્ટ્રીટ તરફ જવા નીકળ્યો. પોતાનો પીછો થઇ રહ્યો હોવાની ખબર પડ્યા પછી અને ગવળી બંધુઓ પોતાના જાની દુશ્મન બની ગયા હોવાની ખબર પડ્યા પછી સતીશ રાજે ક્યારેય ઘરની બહાર એકલો નીકળતો નહોતો.

ડ્રાઈવર ઉપરાંત બે વિશ્વાસુ સાથીદારો સાથે એ એરકન્ડિશન્ડ હોન્ડા એકોર્ડ કારમાં ગોઠવાયો. ૨૩ નવેમ્બર, ૧૯૮૮ની બપોરે ભાયખલા વિસ્તારમાં બહુ ટ્રાફિક નહોતો પણ હ્યુમ હાઈસ્કૂલના ટ્રાફિક સિગ્નલે રેડ લાઈટ બતાવતા સતીશ રાજેના ડ્રાઈવરે હોન્ડા એકોર્ડને થોભાવવી પડી. એ જ વખતે અચાનક ત્રણ યુવાન ત્યાં આવી ચડ્યા. એક યુવાને હથોડો મારીને હોન્ડા એકોર્ડના પાછળના દરવાજાનો કાચ તોડી નાંખ્યો.

સતીશ રાજે કે એના સાથીદારો કંઈ સમજે શકે કે શસ્ત્રો હાથમાં લે એ પહેલાં તો સતીશ રાજેના ચહેરા અને માથામાં ગોળીઓ ધરબાવા માંડી હતી. પોઈન્ટ બ્લેન્ક રેન્જથી સાત ગોળી સતીશ રાજેની ખોપડીમાં ધરબી દીધા પછી પણ સંતોષ ન થયો હોય એમ પેલા યુવાનોએ લોખંડનો હથોડો ઝીંકીને સતીશ રાજેનું માથું છુંદી નાખ્યું.

સતીશ રાજે મરી ગયો હોવાની ખાતરી થયા પછી એ ત્રણેય યુવાનો એક ટેક્સીમાં બેસીને નાસી છૂટ્યા. એ ત્રણે ગવળી ગેંગના ગુંડા દિલીપ લાંડગે, સતીશ સાવંત અને કરુણાકરણ હેગડે હતા.

સતીશ રાજેના મોતના સમાચાર નૂરા સુધી પહોંચ્યા ત્યારે નૂરાના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું. એણે તાત્કાલિક દાઉદને ફોન કર્યો. દાઉદે એને મુંબઈ છોડી દુબઈ દોડી આવવા તાકીદ કરી, એ સાથે જ સતીશ રાજેના કમોતનો વળતો જવાબ આપવા માટે દાઉદે તૈયારીઓ આદરી દીધી.

સતીશ રાજેની હત્યાનો બદલો ન લેવાય તો મુંબઈના અંડરવર્લ્ડમાં પોતાનું વર્ચસ્વ ઘટી જાય એ શક્યતાથી દાઉદ ઓર ઉશ્કેરાયો. વળી બમ્બૈયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાઉદની ધાક જમાવવામાં સતીશ રાજેનો સિંહફાળો હતો. બમ્બૈયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાઉદના પૈસાનું રોકાણ સતીશ રાજે કરતો હતો. સતીશ રાજેને જે રીતે મારવામાં આવ્યો હતો એ જોઇને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સાથે ‘પ્રતિષ્ઠા’ પણ ગુમાવી પડે એ વિચારે દાઉદ ઈબ્રાહીમ રઘવાયો બન્યો.

સતીશ રાજે માર્યો ગયો હતો. નૂરા દુબઈ આવી ગયો હતો. અને સાધુ શેટ્ટીનો પનો એ વખતે ટૂંકો પડતો હતો. પણ સતીશ રાજેની હત્યાનો જવાબ ન અપાય તો બહુ મોટું નુકસાન થાય, જે ભોગવવાની દાઉદની તૈયારી નહોતી. એણે પોતાના બીજા એક શાર્પશૂટર માયા ડોળસને આદેશ આપ્યો કે તારે અને સાધુ શેટ્ટીએ પંદર દિવસમાં જેની મદદ લેવી હોય એની મદદ લઈને અને જેટલા પણ પૈસા ખર્ચવા પડે એટલા પૈસા ખર્ચીને વળતો ઘા મારવાનો છે.

દાઉદનો આદેશ મળ્યા પછી માયા ડોળસ અને સાધુ શેટ્ટીએ ગવળીબંધુઓ અને અશોક જોશી પાછળ માણસો લગાવી દીધા. ગવળીબંધુઓ તો ચાલાક નીકળ્યા પણ અશોક જોશી વધુ પડતા આત્મવિશ્વાસને કારણે માયા ડોળસ અને સાધુ શેટ્ટીની ઝપટમાં આવી ગયો. અશોક જોશી મુંબઈથી ૬૦ કિલોમીટર દૂર પનવેલ વિસ્તારમાં હાઇવે પર પોતાના સાથીદારો સાથે જઈ રહ્યો હતો ત્યારે માયા ડોળસ અને સાધુ શેટ્ટી એક ડઝન શાર્પ શૂટર્સ સાથે એના પર ત્રાટક્યા.

અશોક જોશીને ખતમ કરવા માટે દાઉદ ઈબ્રાહીમે દોઢ કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચી નાંખી હતી. અને માયા ડોળસના કહેવાથી ડઝનબંધ એકે ફોર્ટીસેવન ગન અને કારતૂસનો મોટો જથ્થો અને અડધો ડઝન કાર માયાને પહોંચાડ્યા હતા. સમદને મારવા માટે દાઉદે જે આયોજન કર્યું હતું એ પછી આ બીજું સૌથી મોટું આયોજન હતું. માયા ડોળસ અને એના સાથીદારો ચાર કારમાં અશોક જોશીની કારમાં પીછો કરીને એને આંતર્યો હતો.

અશોક જોશી અને એના સાથીદારો એકે ફોર્ટીસેવનમાંથી ગોળીઓ છૂટી અને અશોક જોશી એના ચાર સાથીદારો સાથે ત્યાં માર્યો ગયો. માયા ડોળસ અને બીજા શાર્પ શૂટરોએ દોઢસોથી વધુ ગોળીઓ છોડીને દોઢ કરોડ રૂપિયાને ખર્ચે અશોક જોશી અને એના ચાર સાથીદારોના ઢીમ ઢાળી દીધા.

અશોક જોશીની હત્યાથી ગવળીબંધુઓ સતર્ક બની ગયા. એમણે તાબડતોબ દાઉદના મુંબઈ સ્થિત માણસોનું હિટ લિસ્ટ તૈયાર કર્યું. દાઉદ ગેંગને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપનારની એ યાદીમાં હવાલા કિંગ ગણાતા મહેન્દ્ર ચોરડિયા, મટકા કિંગ જયંતા શેટ્ટી, દાઉદ ગેંગ અને પોલીસ વચ્ચે સંબંધો વિકસાવવાનું કામ સંભાળતા સૈયદ ટોપી ઉર્ફે સૈયદ લિયાકત શેખ અને છોટા શકીલ, વસઈ વિસ્તારમાં દાણચોરીના સામાનની હેરાફેરી માટે દાઉદના ભાઈ ઠાકુર, શાર્પશૂટર ગોપાલ શેટ્ટી ઉર્ફે ગોપાલ અન્ના ઉર્ફે યેડા ગોપાલ અને હવાલાનો ધંધો કરતા હોવાનો જેમના પર આરોપ હતો એ દયાનંદ સુવર્ણા અને અનિલ બાંબુલકર, ખેરખાં ગુજરાતી હોટેલિયર જયંત છેડા અને દાઉદ ઈબ્રાહીમના બનેવી ઈબ્રાહીમ પારકરનો સમાવેશ થતો હતો.

આ દરમિયાન મધ્ય મુંબઈમાં અમર નાઈક અને દશરથ રહાણે માથું કાઢી રહ્યા હતા. કિશોર અને અરુણ ગવળીએ દશરથ રહાણે અને અમર નાઈક સાથે હાથ મિલાવ્યા અને પોતાનું નેટવર્ક મજબૂત કર્યું.

એ અગાઉ અમર નાઈક અને દશરથ રહાણે પણ ગવળીબંધુઓ અને રમા નાઈક તથા બાબુ રેશિમની જેમ દાઉદ ઈબ્રાહીમની ગેંગ સાથે સંકળાયેલા હતા. પણ અરુણ ગવળીનો સાથીદાર કિરણ વાલવલકર અમર નાઈક અને દશરથ રહાણેનો વિશ્વાસ જીતીને એમને ગવળીબંધુઓની નજીક લાવ્યો. અમર નાઈક અને દશરથ રહાણે પણ સુપારી લેવામાં અને ખંડણી ઉઘરાવામાં માહેર બની રહ્યા હતા.

અમર નાઈકે પણ ટપોરી તરીકે ‘કરિયર’ શરુ કરી હતી, પણ બહુ ઝડપથી એ ‘ભાઈ’ બની ગયો હતો. એની મહત્વાકાંક્ષાની કોઈ સીમા નહોતી, એ સાથે જ એ એટલો ચાલાક હતો કે પોલીસથી એ બચતો રહેતો હતો. અમર નાઈક પોતાના નામ અને ચહેરામાં ફેરફાર કરીને પોલીસની નજરથી બચવામાં પાવરધો હતો. અરુણ ગવળી એ રીતે પોતાનો ચહેરો કે નામ બદલતો નહોતો. પણ એમ છતાં એય પોલીસથી છેટો રહી શકતો હતો. પણ ૧૯૮૯ની શરૂઆતમાં ગવળીના ગ્રહો બદલાયા હતા.

મુંબઈના નવા એડીશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) તરીકે આફતાબ અહમદ ખાનની નિમણુંક થઇ હતી. એ વખતે ગવળીએ એમને બહુ ગંભીરતાથી લીધા નહોતા. આફતાબ અહમદ ખાન પોતાના માટે અફતરૂપ સાબિત થશે એવી કલ્પના પણ ગવળીને આવી નહોતી.

(ક્રમશ:)