Once Upon a Time - 32 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 32

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 32

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 32

‘દાઉદ ઈબ્રાહીમ સામે બદલો લેવાના ઝનૂન સાથે રમા નાઈકે સોગંદ ખાધા: ‘હું રમાશંકર નાઈક, દાઉદનું અને એની ગેંગનું નામોનિશાન નહીં મિટાવી દઉં ત્યાં સુધી ચેનથી બેસીશ નહીં.’

રમા નાઈકની એ પ્રતિજ્ઞા સાથે જ અરુણ ગવળી, પાપા ગવળી અને રમાના અન્ય વફાદાર સાથીદારોએ દાઉદ સાથે છેડો ફાડી નાખ્યો. રમા નાઈક અને ગવળી બંધુઓ ઝનૂનપૂર્વક દાઉદ ઈબ્રાહીમની સામે પડ્યા. રમા નાઈકે દાઉદ શરદ શેટ્ટીને પતાવી દેવાની નિષ્ફળ કોશિશ કરી. રમા નાઈકનું ઝનૂન જોઈને શરદ શેટ્ટી મુંબઈ છોડીને દુબઈ ભેગો થઇ ગયો. એટલે દાઉદને વધુ એક ફટકો પડ્યો.

દાઉદ અને શરદ શેટ્ટી સાથે દુશ્મની વ્હોરી લેવાની સાથે રમા નાઈક અને ગવળી બંધુઓ બાબુ રેશિમની હત્યાનો બદલો લેવા માટે પણ મરણિયા બન્યા હતા. જેકબ સર્કલ લોકઅપમાં બાબુ રેશિમની હત્યા કરાવનારા મહેશ ધોળકિયાને ખતમ કરી દેવાયો હતો. પણ બાબુ રેશિમ ઉપર હેન્ડ ગ્રેનેડ ઝીંકનારા વિજય ઉત્તેકર અને કંજારી હજી જીવતા હતા અને રમા નાઈક તથા ગવળી બંધુઓ માટે એ શરમજનક વાત હતી.

વિજય ઉત્તેકર અને કંજારી બાબુ રેશિમની હત્યા પછી આઠ મહિના સુધી રમા નાઈક અને ગવળી બંધુઓથી બચી શક્યા હતા. પણ ૩૦ ડિસેમ્બર, ૧૯૮૭ના દિવસે એમના આયખાનો અકુદરતી રીતે અંત આવ્યો હતો. ગવળી અને નાઈકને જે જોઈતું હતું એ મુંબઈ પોલીસે એમને અનાયાસે આપી દીધું હતું. વિજય ઉત્તેકરે પોલીસ પોલીસ લોકઅપમાં ધસી જઈને બાબુ રેશિમની હત્યા કરી એટલે રમા નાઈક અને ગવળી બંધુઓની જેમ મુંબઈ પોલીસ માટે પણ નીચાજોણું થયું હતું. વળી વિજય ઉત્તેકરે બાબુ રેશિમની સાથે એક પોલીસ કોન્સ્ટેબલને પણ કમોતે માર્યો હતો એટલે પોલીસનું ઝનૂન બેવડાઈ ગયું હતું. ૧૯૮૭ની ૩૦ ડિસેમ્બરે વિજય ઉત્તેકર અને કંજારી મુંબઈના શિવાજી પાર્ક વિસ્તારની હોટેલ ‘પાર્ક વે’માં ગયા હોવાની માહિતી મુંબઈ પોલીસને મળી. અને ચુનંદા પોલીસ અધિકારીઓએ કંજારી અને વિજય ઉત્તેકરને ઘેરી લીધા. વિજય ઉત્તેકર અને કંજારીએ પોલીસ ટીમ તરફ ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસ ટીમે ગોળીબારનો જવાબ ગોળીની ભાષામાં આપ્યો અને શિવાજી પાર્ક વિસ્તારની હોટેલ ‘પાર્ક વે’ બહાર ઉત્તેકર અને કંજારી કમોતે માર્યા ગયા.

બાબુ રેશિમના હત્યારાઓને પોલીસે ગોળીએ દીધા હોવાના સમાચાર મળ્યા ત્યારે રમા નાઈક અને ગવળી બંધુઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. પણ એમને ત્યારે કલ્પના સુદ્ધાં નહોતી કે એમની ખુશી બહુ લાંબો સમય ટકશે નહીં...”

પપ્પુ ટકલાએ નાનકડો બ્રેક લીધો. તેણે બ્લૅક લેબલનો નવો પેગ બનાવ્યો અને વધુ એક ફાઈવફાઈવ ફાઈવ સળગાવીને થોડી વાર ઊંડા કશ લેવાનો આનંદ લૂંટ્યા પછી એણે વાત આગળ ધપાવી, ‘રમા નાઈક અને ગવળી બંધુઓએ દાઉદ ઈબ્રાહીમ સામે દુશ્મની વહોરી લીધી હતી તો સામે દાઉદ પણ સખણો બેસી રહ્યો નહોતો. બંને ગેંગ એકબીજાના ગુંડાઓનો ખાતમો બોલાવવા માંડી હતી. દાઉદે પઠાણ ગેંગને ભૂ પીતી કરી દીધી હતી. પણ રમા નાઈક, અરુણ ગવળી અને કિશોર ગવળી એને ભારે પડી રહ્યા હતા. પઠાણ ગેંગની કરોડરજ્જુ તો દાઉદે એટલી હદ સુધી તોડી નાખી હતી કે પઠાણ ગેંગમાં છેલ્લે બચી ગયેલો લીડર મહમ્મદ કાલિયા પણ દાઉદને શરણે ગયો. મહમ્મદ કાલિયાને માટે દાઉદ અને દાઉદને માટે કાલિયા આંખમાં ખૂંચતા કણા જેવા હતા, પણ સમયનું ચક્ર દાઉદની ફેવરમાં ચાલ્યું હતું અને કાલિયાએ નીચી મૂંડીએ દાઉદ સાથે સમાધાન કરી લેવું પડ્યું હતું.

દાઉદે મહમ્મદ કાલિયાને સમાધાન કરવા દુબઈ બોલાવ્યો. કાલિયા દુબઈ જઈને દાઉદ ઈબ્રાહીમને મળ્યો. બંને વચ્ચે સમાધાન થઇ ગયું. મહમ્મદ કાલિયા બે દિવસ દુબઈમાં રોકાઈને પાછો મુંબઈ આવવા નીકળ્યો ત્યારે દાઉદની આંખોમાં ચમક આવી હતી. એણે એના ભાઈ અનીસની સામે જોઈને સ્મિત કર્યું હતું. એવું સ્મિત એણે એક દાયકા અગાઉ મુંબઈમાં હાજી મસ્તાનના વોર્ડન રોડ સ્થિત બંગલોમાં અમીરજાદા અને આલમઝેબ તથા સઈદ બાટલા સાથે સમાધાન કરીને બહાર નીકળતી વેળા શબ્બીર સામે કર્યું હતું....’

એકશ્વાસે અંડરવર્લ્ડ કથા કહી રહેલો પપ્પુ ટકલા વાત કરતા કરતા અચાનક અટકી ગયો. એના ચહેરા પર ક્યારેક જ દેખાતું સ્મિત ફરક્યું.

‘કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે તમને અંડરવર્લ્ડની આ સિરીઝનો ?’ એણે પૂછ્યું.

‘અત્યારે આ વળી સિરીઝના રિસ્પોન્સની લઈને ક્યાં બેઠો?’ એવો સવાલ અમારા મનમાં આવ્યો પણ ચહેરા પર અણગમાનો ભાવ દર્શાવ્યા વિના અમે એને સારું લગાડવા બે શબ્દો કહેવા જતા હતા ત્યાં એની સ્ટાઈલ પ્રમાણે એણે અમારો જવાબ સાંભળ્યા વિના જ પોતાની હાંકવા માંડી હતી: ‘અફકોર્સ, તમારા વાચકોને રસ પડ્યો જ હશે નહીં તો તમે રાતના ઉજાગરા કરીને મારા જેવા માણસ સાથે કલાકો ગાળવાનું પસંદ જ ન કરો.’ પછી તરત એણે કહ્યું કે, “હું અમસ્તા મજાક કરું છું. શું છે કે મને સિરીયસ વાત કરતા અગાઉ મજાક કરવાની આદત છે.’

પપ્પુ ટકલાને વાત કરતા કરતા કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે એવું અમે આટલી મુલાકાતો પરથી સમજી શક્યા હતા એટલે એ કંઇક ડાયલોગબાજીની વાત કરશે કે સ્ક્રિપ્ટની જેમ કોઈ ઘટના કહેશે, એવું અનુમાન અમે કર્યું, પણ અમારા આશ્ચર્ય વચ્ચે એણે બીજી જ વાત માંડી. એણે ગંભીર મુખમુદ્રા ધારણ કરીને કહ્યું, ‘અત્યાર સુધી આપણે અંડરવર્લ્ડના જે ભાઈલોગની વાતો કરી એમાં દાઉદ ઈબ્રાહીમ સિવાય મોટા ભાગના ગુંડા સરદાર માર્યા ગયા છે. અત્યાર સુધી આપણે અંડરવર્લ્ડના પુર્વાર્ધની વાત કરી રહ્યા હતા, પણ હવે અંડરવર્લ્ડના ઉતરાર્ધની શરૂઆત કરી રહ્યા છીએ એટલે તમને ચેતવવા જરૂરી છે. હવે પછી તમારે બહુ સાચવી-સાચવીને લખવું પડશે. અંડરવર્લ્ડની ત્રણ દાયકાની ગેંગવોરમાં આપણે ૧૯૮૭ સુધીના પૂર્વાર્ધ વિશે વાત કરી એમાં મોટા ભાગે ગુંડાઓની જ વાતો હતી. પણ ૧૯૮૭ પછીના ઉત્તરાર્ધમાં અંડરવર્લ્ડની ગેંગવોરમાં અને અંડરવર્લ્ડની બીજી ઉથલપાથલમાં કેટલાય રાજકારણીઓ આવશે, કેટલાય ઉદ્યોગપતિઓ વિષે પણ વાતો આવશે અને સમાજમાં મોટાભા થઈને ફરતા ડોકટરો અને વેપારીઓ અને બિલ્ડરોની કરમકુંડળી પણ આવશે. હું તમને બધા નામો સહિત વાત કરીશ. પણ એમાંથી કેટલાના નામ છાપવા અને કેટલાના નામ પડતાં મૂકવા એ નિર્ણય ઠંડે કલેજે કરીને અંડરવર્લ્ડનો ઉતરાર્ધ લખજો. વળી અંડરવર્લ્ડના ઉતરાર્ધમાં એવા ઘણા મોટા માણસોના નામ પણ આવશે કે જે હજી જીવતા હોય એટલે એમના વિશે સાચવીને લખવું સારું.’

કોઈ પીઢ પત્રકારની અદાથી પપ્પુ ટકલાએ અમને સલાહ આપી. જો કે એની સલાહ ચેતવણીના સૂરમાં હતી. હવે અમને સમજાયું કે પપ્પુ ટકલાએ પોતાનું ઓરિજનલ નામ ક્યાંય નહીં છાપવાની શરત અગાઉથી કેમ મૂકી હતી. અમને સલાહ આપીને એ પાછો અંડરવર્લ્ડની કથા કહેવા લાગ્યો.

***

‘મહમ્મદ કાલિયા દાઉદ ઈબ્રાહીમ સાથે સમાધાન કરીને દુબઈથી મુંબઈ પાછો આવ્યો. સહાર ઈન્ટરનૅશનલ એરપોર્ટની બહાર નીકળીને એણે ઊંડો શ્વાસ લીધો. હવે આ શહેરમાં ફરી એક વાર શાંતિથી કોઈ ડર વિના જીવી શકાશે, એવા વિચારથી એના શરીરમાં નવા ઉત્સાહનો સંચાર થયો. એના ઘરના બધા સભ્યો તો અંડરવર્લ્ડ સાથે બિલકુલ છેડો ફાડી નાખવા એને સમજાવતા હતા, પણ એ કહેતો કે એમ કંઈ અંડરવર્લ્ડથી એક ઝાટકે નાતો તોડી ન દેવાય! તો તો બધા એવું કહે કે મહમ્મદ કાલિયા કાયરની જેમ બાપનો ધંધો સંભાળીને બેસી ગયો. એના પિતા તારદેવ એરકંડિશન્ડ માર્કેટમાં દુકાન ધરાવતા હતા એ સંભાળી લીધી હોત તો આરામની જિંદગી મળી હોત. પણ એમ ઘેટાં-બકરાની જેમ જિંદગી જીવી નાખવામાં કંઈ મઝા નહીં. હવે દાઉદ સાથે સમાધાન થઈ ગયું હતું. અને બીજા કોઈથી ડરવાની જરૂર નહોતી.

અંડરવર્લ્ડમાં હજીય પોતાની ઈજ્જત છે એટલે ખંડણી ઊઘરાણી અને સુપારી જેવા થોડા-ઘણા કામ ચાલુ રાખવામાં કોઈ વાંધો નહીં, કાલિયાએ વિચાર્યું. અચાનક એના વિચારોને બ્રેક લાગી ગઈ. તેણે એરપોર્ટ બહાર એક દ્રશ્ય જોયું અને તેને લાગ્યું કે તેના પગ તળેથી ધરતી સરકી રહી છે!

(ક્રમશ:)