64 Summerhill - 35 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 35

Featured Books
Categories
Share

64 સમરહિલ - 35

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 35

'સ્કાલપેલ ઔર ફોર્સેપ નીકાલ...' તેમણે એઈડ કીટ ભણી આંગળી ચિંધીને જવાનને કહ્યું.

'જી સર...'

'અરે નિકાલ ના...' જવાન અવઢવમાં હતો પણ પરિહારના મગજમાં કંઈક જૂદું જ ધમસાણ મચ્યું હતું.

'માંસપેશીમાં સ્કાલપેલ ખોસીને કારતૂસને સ્હેજ ઊંચો કર અને ચિપિયાથી ખેંચી લે...'

'લેકિન સર, બહોત દર્દ હોગા...' પરિહારના આદેશ છતાં એ જવાન આ રીતે કારતૂસ ખેંચતા ખચકાતો હતો, 'ચોપર આતે હી આપ બિકાનેર...'

'મૈંને ક્યા બોલા?' ધૂંધવાતા પરિહારે ડોળા તગતગાવીને કહ્યું, 'દર્દ હોગા તો હોગા... નિકાલ...'

ધ્રૂજતા હાથે એ જવાને સ્કાલપેલની ધાર વડે માંસપેશી ભારપૂર્વક દબાવી એટલે કારતૂસનું બેરલ સ્હેજ ઊંચકાયું. જરાક દેખાતા બેરલને ફોર્સેપ (ચિપિયા) વડે પકડીને તેણે ધીમે ધીમે ખેંચવા માંડયો. લોહીના રગેડાથી પરિહારની પીઠ ભીંજાઈ રહી હતી. એક જવાન સ્પિરિટના પેલ વડે લોહી સાફ કરી રહ્યો હતો અને પરિહાર હોઠ બીડીને, દાંત કચકચાવીને, ડોળા તગતગાવીને ગળામાંથી નીકળતો ઉંહકારો રોકી રહ્યો હતો.

છેક હાડકા સુધી ખૂંપેલો કારતૂસ અઢી-ત્રણ મિનિટની જહેમત પછી નીકળ્યો હતો પણ એટલો વખત જડબા તંગ કરીને રૃંવેરૃંવેથી ફાટતી ચીસને દબાવી રહેલા પરિહારને એક આખા જન્મારા જેવો લાગ્યો હતો. ફાટેલી માંસપેશી પર બેન્ઝિનનો પેલ દબાવાયો ત્યારે તેમની આંખે અંધારા આવી ગયા હતા.
મહામહેનતે થોડાં સ્વસ્થ થઈને તેમણે એ કારતૂસ હાથમાં લઈને ચકાસ્યો. અસહ્ય દર્દને લીધે આંખમાં ભરાયેલા પાણીને લૂંછીને તેમણે કારતૂસને બરાબર નીરખ્યો. પછી કંઈક સૂઝ્યું હોય તેમ પાકિસ્તાનીઓએ વાપરેલી ગન મંગાવી અને તેના કારતૂસ ચેક કર્યા. તેમના ચહેરા પર સ્પષ્ટ અંદેશો તરી આવતો હતો. તેમનો ડાબો હાથ ઝોળીમાં નાંખી રહેલા જવાનને હડસેલીને તે ફરીથી એ જગ્યા પર ગયા, જ્યાં ફાયર કરતી વખતે તેમને ગોળી વાગી હતી.

આંખ બંધ કરીને તેમણે મનોમન એ દૃશ્ય અને પોતાની પોઝિશન રિવાઈન્ડ કરી. એ જ પોઝિશનમાં આવીને તેમણે ગન તાકતા હોય તેવી મુદ્રા કરી જોઈ…

- અને તેમના ચહેરા પર રીતસરનો ફડકો ફરી વળ્યો.

છત્રીના ઓટલા પાસે લપાવા મથતા બે આદમીઓને પોતે વિંધી નાંખ્યા એ જ વખતે બે આદમી ઓટલાની આડશ છોડીને એકધારા ફાયરિંગ કરતા વિલિઝ ભણી દોડવા મથતા હતા. પોતે તેમની તરફ સ્નાઈપરનું નાળચું ઘૂમાવ્યું એ જ વખતે તેમને ગોળી વાગી હતી. પોતાની પોઝિશન જોતાં એ ગોળી ડાબી તરફ મંદિરની દિશાએથી છૂટી હોવી જોઈએ અને એ દિશામાં તો પોતાનો જ કાફલો હતો. વળી, પોતાને વાગેલી ગોળી ૯ એમએમ બ્રાઉનિંગ હાઈસ્પિડ પિસ્તોલની હતી, જ્યારે કે પાકિસ્તાનીઓ પાસેથી ગ્લોક અને કોલ્ટ ગન મળી હતી.

તો શું તેમનો કોઈ આદમી મંદિરમાં ય પેઠેલો હતો?

ગુસ્સાથી, અવઢવથી, એક પછી એક ખુલતી નવી-નવી ગુત્થીઓથી પરિહારનું મગજ ચકરાવે ચડી ગયું હતું.

બ્રાઉનિંગ પિસ્તોલ સાથે મંદિરમાં કોઈ આદમી તેમના પર નજર રાખતો હોય, એ આદમી એક જ રાઉન્ડ ફાયર કરે અને એ પણ એવે વખતે જ્યારે પોતે વિલિઝ ભણી જઈ રહેલા બે આદમીને નિશાન બનાવવા જતો હોય... એ આદમી આખા ય જંગથી પોતાને અલિપ્ત રાખવા માંગતો હતો? તેનું ધ્યાન સતત જંગમાં જ હતું અને ફક્ત પેલા બે આદમીને બચાવવા પૂરતું જ તેણે ફાયર કર્યું હતું?
'અરે બિશન...' પરિહાર પોતાની ઘાયલ અવસ્થા વિસરીને ઝાટકાભેર ઊભો થયો અને હાક પાડી દીધી,
અચાનક તેમને ફરીથી મંદિરમાં થયેલો ભેદી ઘંટારવ યાદ આવ્યો હતો, 'અરે ઓ બિશન... મંદિર મેં ઘંટિયાં કૌન બજા રહા થા?'

'યે... યે...' અચાનક આકરી ત્રાડથી પૂછાયેલા સવાલથી હેબતાયેલા બિશને યાત્રાળુઓ ભણી આદમી ચિંધી દીધી. 'યે સબ હી બજા રહે થે...'

જંગ ચાલુ હતો એ વખતે મંદિરમાં ચાલુ થયેલા ઘંટારવથી ત્રાસીને પરિહારે એ અવાજ બંધ કરાવવા બિશનને ધકેલ્યો હતો. બિશને ત્યાં જઈને જોયું તો ડઘાયેલા દેહાતી યાત્રાળુઓ સમજ્યા વગર મંદિરના પીતળના ઘંટ એકધારા ઠોક્યે જતા હતા. તેણે ડારો દઈને એ બંધ કરવા ઈશારો કર્યો છતાં ઘંટારવ જારી રહ્યો. છેવટે ઓટલાના પગથિયા ચડીને એ ઉપર ગયો અને બૂમ પાડીને ઘંટારવ બંધ કરાવ્યો હતો. ડરથી કાંપતાં યાત્રાળુઓને તેણે ગર્ભગૃહની આડશમાં ધકેલ્યા હતા.

પણ અત્યારે પરિહાર કેમ એ પૂછી રહ્યો હતો એ તેને સમજાતું ન હતું.

'એક-એક કો પકડ પકડ કે પૂછો...' ગિન્નાયેલા પરિહારે ફરીથી ઓર્ડર ઝાડવા માંડયા, 'ઘંટિયા બજાને કી શુરુઆત કીસને કી થી?' કોઈને સમજાતું ન હતું પરંતુ પરિહારના મગજમાં ધુંધવાતું દૃશ્ય ધીમે-ધીમે ચોખ્ખું થવા માંડયું હતું.

ફરીથી યાત્રાળુઓની પૂછપરછનો આકરો દૌર ચાલ્યો. અબૂધ દેહાતીઓ માટે તો આ ધૂમધડાકા જ બેશુધ કરી દેવા માટે પૂરતા હતા તેમાં હવે બીએસએફની અસલ ખાખી પૂછપરછ શરૃ થઈ. અકળાયેલા જવાનોએ એકાદને ધોલધપાટ પણ કરી લીધી એથી ડઘાયેલા અભણ યાત્રાળુઓમાં ભયપ્રેરિત રડારોળ પણ ચાલુ થઈ ગઈ.

છેવટે એક ઓરત જરાક ખસીને તેના શૌહર ભણી ગઈ અને તેના કાનમાં કંઈક કહ્યું. તેનો શૌહર ઘડીક ખચકાયો પછી દબાતા પગલે જવાન તરફ આગળ વધ્યો અને ધ્રૂજતા અવાજે કહ્યું, 'સા'બ, મેરી ઓરત કહ રહી હૈ કિ...'

- અને તેણે કહ્યું તેનાંથી પરિહારના પેટમાં અચંબાના આંટા ભીડાવા લાગ્યા.

***

પોતે ઊંટની રાશ અને મજોઠ વચ્ચે બહુ ખરાબ રીતે ફસાઈ ચૂક્યો છે અને દર્દનાક ચીસો નાંખતું ઊંટ ઊંધી જ દિશામાં રેગિસ્તાન તરફ આંધળી દોટ મૂકી રહ્યું છે તેનો ત્વરિતને બહુ મોડો ખ્યાલ આવ્યો.
ઊંટ ઊભું થયું અને ભાગવા માંડયું ત્યારે ઘડીભર તેને એમ લાગ્યું કે પોતાના વજનને લીધે જ હમણાં તે રાશની ગાંઠમાંથી સરકીને નીચે પટકાશે. ઓચિંતી પછડાટથી બચવા તે હવાતિયા મારી રહ્યો હતો પણ જેમજેમ તે ઝાટકા મારતો જતો હતો તેમ તેમ વજનદાર મજોઠ સરકીને તેના પગ ફરતો મજબૂત ગાળિયો વિંટતી જતી હતી. એકધારા હડદોલા અને ઢુવાઓ પરની ચડ-ઉતરને લીધે સતત બદલાતા લેન્ડસ્કેપ જોઈને ત્વરિતને ખ્યાલ આવ્યો કે ઊંટ દેમાર ઝડપે ભાગી રહ્યું છે.

શરૃઆતમાં તો તેને ફાળ પડી. આ લાચાર સ્થિતિમાં પહેલો વિચાર તેને ગન ફાયર કરીને રાશ તોડવાનો અથવા તો બેકાબુ બનેલા ઊંટને જ ગોળી પરોવી દેવાનો આવ્યો. તેના ખભા પરની રાઈફલ તો ક્યારની ય સરકી ગઈ હતી અને નેફામાં ડાબા પડખે ખોસેલી ગન કાઢવાનું તેને અઘરું પડતું હતું. ડાબો હાથ રાશમાં લપેટાયેલો હતો અને છાતી પર બાંધેલી મૂર્તિની જાડાઈને લીધે જમણો હાથ ત્યાં સુધી પહોંચતો ન હતો.

ઊંટથી છૂટવા મથતો ત્વરિત અને ત્વરિતને પટકવા મથતું ઊંટ... એ કશ્મકશ ક્યાંય સુધી ચાલ્યા કરી. બેકાબુ ઊંટ કારમી ચીસો પાડતું રેગિસ્તાનના ઢુવાઓ એક પછી એક ઓળંગતું ભાગ્યા જ કર્યું. એક-એક હડદોલા સાથે ખેંચાતી રાશનો ગાળિયો ભીંસાતો જતો હતો. ઊંટના બહુ જ ખરાબ રીતે છુંદાયેલા મોં પરથી ફેંકાતા લોહીના રગેડાની ધાર અને માંસના લોચા ત્વરિતના ચહેરા પર, છાતી પર ફંગોળાતા હતા.

એકધારી દિશાહિન દડમજલ પછી ઊંટ ઘડીક થંભ્યું. તેના પેટ સાથે ચીપકેલા ત્વરિતને ઊંટના ફેફસાની હાંફ સ્પષ્ટ વર્તાતી હતી. પોતાના હલનચલનથી ઊંટથી વધારે ભડકે છે એવું પારખી ગયેલા ત્વરિતે આટલી ખરાબ હાલતમાં ય શરીરને સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો.

તેની આંખો સામેના આકાશનો રંગ ધીમે ધીમે બદલાવા લાગ્યો હતો. ચળકતા, રૃપેરી ફુગ્ગાઓના ઝુમખા જેવા વાદળો પર કેસરવરણી ઝાંય પથરાવા લાગી હતી. બંદૂકની ધણધણાટી, હેન્ડ ગ્રેનેડના ધડાકા એ બધું શમી ગયું હતું કે પોતે ખાસ્સો દૂર ધકેલાઈ આવ્યો હતો? ઊંટ ખુબરાથી રેગિસ્તાનની બહાર નીકળવાના રસ્તે ભાગ્યે હતું કે પોતે રેગિસ્તાનમાં વધુ ઊંડે સુધી આગળ હડસેલાયો હતો? છપ્પને વિલિઝ સ્ટાર્ટ કરી એ તો તેણે જોયું હતું પણ છપ્પન ભાગી શક્યો હતો?

ડાબો હાથ રાશમાં અને જમણો પગ મજોઠમાં એવી તંગ હાલતમાં લટકતો ત્વરિત મનોમન છૂટવાની નવી વેતરણ આદરે એ પહેલાં તેને ઊંટના પગમાં અજબ સંચલન અનુભવાયું. તેના ચારે ય પગ ધ્રૂજવા લાગ્યા હતા. પેટમાં જાણે ધમણ ફૂંકાતી હોય તેમ બેકાબુ થડકારા ત્વરિતના શરીરને અથડાતા હતા.

અચાનક ઊંટે કારમો ગાંગરોટો નાંખ્યો. લથડીયા ખાતું તે વધુ થોડોક સમય દોડવા લાગ્યું અને અચાનક તેના પાછળના પગ ફસકાયા અને ઢુવાઓના ઢાળ તરફ તેણે ગડથોલિયું ખાધું. પટકાયેલા ઊંટ સાથે ત્વરિત પણ ઢુવાની નર્મ બિછાત પર પછડાયો. ઊંટે ઊભા થવા માટે મરણિયો ગાંગરોટો નાંખીને આગળના પગ રેતીમાં ખુંપાવ્યા પણ હવે તેની તમામ તાકાત અને શરીરની તમામ ચેતના જવાબ દઈ રહી હતી.

ઊંટે આકાશ તરફ જોયું. છુંદાયેલા મોંમાંથી છેલ્લો અવાજ કાઢ્યો. આગળના પગનો લથડાટ વધ્યો. ઊંટ છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે તે પારખીને ત્વરિત તમામ તાકાત એકઠી કરીને સ્થિર રહેવા મથતો રહ્યો. તેણે ધીમે ધીમે જમણો હાથ ઊંચકીને ઊંટના શરીરને વ્હાલપભેર પસવાર્યું. ક્યાંય સુધી તેણે હાથ પસવાર્યા કર્યો. છેવટે રેગિસ્તાનના એ છોરુંએ કારમી પીડાને શાતા આપવા માટે રેતીના ઢેર વચ્ચે છુંદાયેલું મોં ખોસ્યું.. અને પછી ત્યાં જ ફસકાઈ પડયું.

ઊંટના મજોઠમાં ફસાયેલો પગ ત્વરિતે બહાર ખેંચવાની મથામણ આદરી ત્યારે છાતી માથેનું આખું આકાશ હિંગળોક રંગે રંગાઈ ચૂક્યું હતું અને રેતીના ઢુવાઓ પછવાડે દિવસભર લપાઈને બેઠેલો કાન ફાડી નાંખતો સન્નાટો અંધારું ઓઢીને દબાયેલા કદમે બહાર નીકળી રહ્યો હતો.

(ક્રમશઃ)