64 Summerhill - 33 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 33

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

64 સમરહિલ - 33

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 33

ખુબરાના દરેક ખૂણે આતશ મચ્યો હતો. પાકિસ્તાનીઓએ ઉછાળેલા ગ્રેનેડે કોહરામ મચાવી નાંખ્યો હતો અને દરેક મિનિટે તીવ્ર ધડાકા, રેતીની ડમરી, ચારે દિશાએ ફેંકાતા મુરમના ગચ્ચા, પરિહારના કાફલાની બંદૂકોનો આંધળો ધણધણાટ અને વિલિઝના પતરાના બોડીમાં 'થડ્..થડ્' અવાજ સાથે ભોંકાઈને અગનલિસોટો પાડી જતી બુલેટ્સ…

હોશમાં આવેલા છપ્પને એક્સલરેટર પર પગ દાબીને એન્જિનને તીવ્ર અવાજે રાઉસ કર્યું અને પછી ઝાટકા સાથે ક્લચ છોડયો એટલે ખુબરાની ખરબચડી ભોંય પર વિલિઝે ટાયરની કિચુડાડી બોલાવીને ૬૦ અંશનો ટર્ન લઈ લીધો. હવે તે ધસી આવતા ઊંટસવારોની બરાબર સામે જ હતો. અસવારો એકધારી ગોળીઓ છોડી રહ્યા હતા અને ઊંટની ઊંચાઈ પર હોવાથી આસાનીથી નિશાન લઈ શકે તેમ હતા.

મરણિયા બનેલા છપ્પને એક જ નજરમાં દિશાનો ક્યાસ લઈને સ્ટિઅરિંગ વચ્ચે માથું ખોસી દીધું અને પૂરપાટ વેગે ઊંટસવારો પર જ ગાડી ભગાવી નાંખી. આ તેનો મરણિયો દાવ હતો. ડઘાયેલા ઊંટસવારોએ આદમીને જીવતો ઝડપવાના આશયથી પહેલાં ગાડીને નિશાન બનાવીને ટાયર પર ગોળીઓ છોડી. પરંતુ રેગિસ્તાની ઈલાકાના વાહન તરીકે વિલિઝના દરેક ટાયર પર મડગાર્ડની જગ્યાએ રેતી ખંખેરવાના આશયથી મેટલના પતરા મઢેલા હતા એટલે દરેક બૂલેટ મેટલ પર અથડાઈને ખડિંગ..ખડિંગ અવાજ કરતી દિશા બદલી નાંખતી હતી.

ઊંટસવારોએ ગાડીના હુડ, વિન્ડો અને બોડી પર ગોળીઓ છોડવા માંડી પણ ત્યાં સુધીમાં તીવ્ર ચિચિયારી નાંખતી વિલિઝ તેમની પાસેથી પસાર થઈ ગઈ હતી. નાયકના ઈશારાથી અસવારોએ ઊંટની રાશ મરડીને ઊંધી દિશા પકડી. ક્યાંય સુધી તેમણે વિલિઝની લગોલગ ઊંટ દોડાવ્યા અને ગોળીઓની એકધારી બૌછારથી વિલિઝનું ડાબું પડખું ચાળણી જેવું કરી દીધું. પરંતુ અંદરનો ડ્રાઈવર એક્સલરેટર પરથી પગ હટાવતો ન હતો, મતલબ કે એ હજુ સાબુત હતો.

કાફલાના નાયકે તરત વ્યુહ બદલ્યો. બે સવારોને વિલિઝની પાછળ જતા રાખીને બે ટૂકડીને ડાબે-જમણે ઢુવા પર દોડવા ઈશારો કર્યો. વિલિઝ ખુબરાની ઊબડખાબડ બંજર જમીન પર ગમે તેટલી આગળ જતી રહે તો પણ ડાબે-જમણેથી આગળ વધેલો કાફલો તેને ઘેરી લે એવો તેનો વ્યુહ હતો. લગભગ બે કિલોમીટરની આ કાળઝાળ રેસ પછી ડાબી તરફના ઢુવાઓ પરથી ઊંટસવારોએ તીરછી દોટ મૂકી એ જોઈને છપ્પન હેબતાઈ ગયો.

જીપના ડાબી તરફના બોડીમાંથી એક ગોળી તેના બાવડામાં ખૂંપી ગઈ હતી. પાછળથી છૂટેલી ગોળી તેના સદ્નસીબે સીટના પોલાણમાં પેસી ગઈ હતી પણ એ પહેલાં તેના પડખામાં લાંબો છરકો ગઈ હતી. ગોળીઓની બૌછારને લીધે તૂટેલો વિન્ડશિલ્ડના કાચનો મોટો ટૂકડો તીરની માફક તેના પગમાં ખુંપ્યો હતો. એ પગમાં એટલી પીડા થતી હતી કે એક્સલરેટર પર દબાયેલો પગ એ બ્રેક તરફ ખસેડી સુદ્ધાં શકતો ન હતો. આ હાલતમાં એ બે બાજુથી ભીંસાય એટલે તેનો ખેલ ખતમ…

મુંઝાયેલા છપ્પને કારણ વગર સ્ટિઅરિંગ આમ-તેમ ઘૂમાવીને વિલિઝના પૂરપાટ વેગ વડે ઊંટસવારોને ગભરાવવાનો પ્રયાસ આદર્યો.

તેને કોઈ દિશાભાન રહેતું ન હતું. પગમાંથી, બાવડામાંથી, પડખામાંથી નીકળતા લોહીનો ડ્રાઈવિંગ સીટની નીચે પાટડો ભરાવા માંડયો હતો. ઝડપભેર વહેતું લોહી, એકધારી આતશબાજી, ભય, ફફડાટ અને ઉશ્કેરાટને લીધે છપ્પનનું બ્લડપ્રેશર સપાટાભેર ઘટવા માંડયું હતું. આંખે લાલપીળા દેખાવા લાગ્યા હતા. ઊંટસવારો સાવ નજીક આવી રહ્યા હતા અને તે જીવ પર આવીને જીપ ભગાવ્યે જ જતો હતો.

અચાનક અકળ કારણોસર ઊંટસવારોની ગતિ મંદ પડતી હોય તેમ તેને લાગ્યું. તેણે મહામહેનતે એક હાથે આંખો ચોળી. હા, ખરેખર ઊંટસવારો વેરવિખેર થઈ રહ્યા હતા. ડાબી તરફથી ઢાળ ઉતરીને તેને આંતરવા મથતા બેય ઊંટસવાર ઢુવા પર જ ગડથોલિયું ખાઈ ગયા હતા. અચાનક બદલાયેલા તેવરથી ડઘાયેલા છપ્પને ફરીથી આંખો મસળી ત્યારે તેને ઝાંખાપાંખા બે દૃશ્યો દેખાયા.

આથમતા સુરજની દિશાએ ઢુવાઓના ઢાળ પછવાડે ગાંગરાટા નાંખતું એક ઊંટ બેફામપણે દોડતું જતું હતું અને તેની પીઠ તરફ રાશ અને મજોઠમાં લપટાયેલો એક આદમી બહુ બૂરી રીતે લટકતો જતો હતો…

ત્વરિતના આ બદહાલ પારખીને છપ્પનની પાંસળી ભયથી ભીંસાવા લાગી હતી.

એ જ ઘડીએ સામેના ઢુવા પરથી સ્નાઈપર રાઈફલ ચલાવતો એક અસવાર ઢાળ ઉતરી રહ્યો હતો. છપ્પને તમામ કોશિષ કરીને એક્સલરેટર પર પગ દબાવવા પ્રયાસ કર્યો પણ હવે તેનું શરીર જવાબ દઈ રહ્યું હતું.

***

પોતે આ હાલતમાં કઈ રીતે મૂકાયો છે તેનું હવે તેને બરાબર ભાન થઈ રહ્યું હતું પરંતુ કોના હાથે પકડાયો છે, આ જગ્યા કઈ છે એ વિશે વિચારવા જેટલું તેનું મગજ હજુ ય સ્વસ્થ ન હતું. તેણે ઊંડો શ્વાસ ભર્યો એ છાતીના પાટિયામાં કડેડાટી બોલી ગઈ અને તેનાંથી દર્દનાક ચીસ નંખાઈ ગઈ.

બાવડું, છાતી, પડખું, પગ, માથું... ક્યાં-ક્યાં તેને ઈજા ન્હોતી થઈ..

પણ તોય પોતે બચી ગયો હતો. આટલા કારમા, આંધળા અને બેફામ જંગમાં પોતે બચી ગયો હતો. અને ત્વરિત બિચારો…

ત્વરિતના વિચારથી એ થીજી ગયો.

ત્વરિતના જડબામાં કશીક ગંભીર ઈજા થઈ હતી એવું તેણે પારખ્યું હતું. તેણે ગંજી ફાડીને મૂર્તિને છાતીસરસી બાંધી દીધી હતી એ ય તેને યાદ આવતું હતું. પોતે ગાડી ચાલુ કરીને તેને હાક મારે એ જ ઘડીએ એ કશીક ભેદી રીતે ઊંટના કાઠડાની રાશ અને મજેઠ વચ્ચે ફસાયો હતો. છેલ્લે તેણે એ ઘાયલ ઊંટને રેગિસ્તાનની આથમણી દિશાએ આંધળી દોટ મૂકતાં જોયું હતું અને તેના પર લટકતો ત્વરિત...
ફરીથી તેના મોંમાથી દબાયેલો સીસકારો નીકળી ગયો અને તેણે ડોકું ધૂણાવી નાંખ્યું.

આટલી ઈજાગ્રસ્ત હાલતમાં ત્વરિતનું શું થયું હશે? ઘાયલ ઊંટ તેને ક્યાં સુધી ઘસડી ગયું હશે? રેગિસ્તાનમાં પોતાનો પ્રવાસમાર્ગ યાદ રાખી જાણતાં ઊંટ વગર અસવારે મંઝિલ સુધી પહોંચી જાય તેવું તેણે સાંભળ્યું હતું. તો શું ત્વરિતને લટકાવીને ઊંટ છેક પાકિસ્તાન સુધી ખદેડી ગયું હશે? રાશ અને મજેઠની ચૂંગાલમાં ફસાયેલો ત્વરિત કોઈક રીતે બંધન કાપી શક્યો હોય તો પણ એ રેગિસ્તાન પાર કરીને એ પાછો કેવી રીતે આવશે? તેની પાસે ન તો ખાવાની કોઈ ચીજ છે કે ન તો પાણી. તેણે બાપ-જન્મારે કદી રણ જોયું ય નથી. તો એ ભાગીને આવશે ય કઈ રીતે?

ત્વરિતની બેબસી અને પોતાની લાચારીના અહેસાસથી તેની આંખમાં આંસુ ધસી આવ્યા. ગરદન સ્હેજ ઝુકાવીને ઓશિકાના ગલેફ સાથે તેણે આંખ ઘસી એ જ ઘડીએ બહાર કોરિડોરમાં કોઈના પગલાંનો અવાજ સંભળાયો. દરવાજાના લેચમાં ચાવી ફરવાનો હળવો કટાકો ય તેના સરવા કાને પારખી લીધો. સતર્કપણે તેણે દરવાજા ભણી નજર માંડી. દરવાજો ખૂલ્યો એ સાથે તેના હૈયું બમણાં વેગે ધડકીને જાણે છાતીની પાંસળીઓ સાથે અથડાવા લાગ્યું અને લોહીનું દબાણ નસો ફાડીને બહાર ધસી જવા મથ્યું. ફાટી આંખે, ડોળા તગતગાવીને એ જોઈ રહ્યો.

એ આદમી સ્ટાઈલભેર પગ પર પગ ચડાવીને સોફા પર બેઠો અને છપ્પન સામે તોફાની સ્મિત વેરીને કહ્યું, 'કઈસન હો છપ્પન બાદશાહ?'

(ક્રમશઃ)