64 Summerhill - 26 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 26

Featured Books
Categories
Share

64 સમરહિલ - 26

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 26

* ત્વરિત ભોંયરામાં પ્રવેશ્યો ત્યારે શું બન્યું?

વિલિઝ જીપની પાછળ બાઈક લઈને આવેલો આદમી સ્થાનિક નથી અને તો એ બીએસએફનો જ માણસ હોવો જોઈએ એવું પારખ્યા પછી અલાદાદ બરાબર ગૂંચવાયો હતો. દૂર ઢૂવાઓ પરથી માણસો ઉતરવા લાગ્યા હતા. હવે તેમને ઈશારો કરીને રોકવાનું શક્ય ન હતું.

તેણે ગણતરીની સેકન્ડમાં વિચાર કરી લીધો અને વિલિઝ જીપ લઈને આવેલો આદમી (ત્વરિત) પુરાણા મંદિરના ભોંયરા તરફ ગયો હતો એ દિશાએ દોટ મૂકી. મંદિરની પછીત ભણી ગયેલો બીએસએફનો આદમી વિશ્વનાથ પરિહારના આદેશની રાહ જોઈને ઊભો હતો. હવે તેણે દૂર ટીંબા પરથી ઝડપભેર નીચે ઉતરી રહેલા અલાદાદને જોઈ લીધો હતો.

બાઈકસવાર મંદિરની પછીતે ઊભેલા પોતાના સાથીદારને પારખીને વિલિઝ જીપથી સ્હેજ આગળ મંદિર અને છત્રી વચ્ચેની ખુલ્લી જગ્યામાં ઊભો રહી ગયો હતો. છત્રી પાસે ઉભડક બેસીને હાથ લાંબા-ટૂંકા કરી રહેલો છપ્પન હવે નીચે ભોંયરામાં ગયેલો ત્વરિત બહાર આવીને મૂર્તિની ઓળખનો સંકેત આપે તેની રાહ જોઈ રહ્યો હતો. તેની પોઝિશન એવી હતી કે ત્રણેય દિશાએ મૂવમેન્ટ થાય ત્યારે તેનું ધ્યાન સહજ રીતે ખેંચાય તેમ હતું.

* મૂર્તિ શોધવા ત્વરિતે ટોર્ચ સળગાવી ત્યારે શું બન્યું?

મંદિરની પાછળની તરફ લગભગ એક કિલોમીટર દૂર ઊંચા ઢૂવા પર કેમ્પ નાંખીને બેઠેલા પરિહારની નજર બાયનોક્યુલરમાં બરાબર ચોંટેલી હતી.

'ચેક ધ ડિસ્ટન્સ...' નજર હટાવ્યા વગર તેમણે સબ ઈન્સ્પેક્ટરને તાકિદ કરી.

સબ ઈન્સ્પેક્ટરે જીપીએસ ડિવાઈસમાં ડેટા ચેક કર્યો. મંદિરથી તેઓ ૪૫ ડિગ્રી સાઉથમાં ૯૮૦ મીટર દૂર અને ૬૫ મીટરની ઊંચાઈ પર હતા. મંદિરથી ૪૦ ડિગ્રી નોર્થ-વેસ્ટમાં ૧૨૦૦ મીટર દૂર ઢૂવાઓ તરફથી ચાર આદમી પેટી કે કોથળા જેવું કશુંક લઈને નીચે ઉતરી રહ્યા હતા.
પરિહારે મંદિરની દિશામાં બાયનોક્યુલર ફોકસ કર્યું અને એ જ વખતે અલાદાદને તેમણે ટીંબા તરફથી સપાટાભેર નીચે ઉતરતો જોયો. અનુભવી પરિહારે કાચી સેકન્ડમાં ટેબ્લો પારખી લીધો.

વિલિઝ જીપ લઈને આવેલા લોકો આતંકવાદીઓના કુરિયર છે. ટીંબા પરથી ઉતરી રહેલો આદમી તેમનો લોકલ મળતિયો છે. તેણે ઈશારો કર્યો એટલે કન્સાઈન્મેન્ટ નીચે ઉતરી રહ્યા છે.
પણ એ દોડી કેમ રહ્યો છે?

પરિહારના ચહેરા પર હવે તંગદીલી હતી. તેમણે રણમાં પોતાના આદમીઓને વેરવિખેર પાથરી રાખ્યા હતા. અવરજવરના આ એકમાત્ર ઠેકાણા આસપાસ જ કંઈક થશે એવી તેમની ધારણા સાચી જ હતી. કન્સાઈન્મેન્ટ લઈને આવનારા લોકો અને તેમની છૂપાવાની જગ્યા લોકેટ થઈ ગઈ હતી.

એ કાફલો ખુબરામાં પ્રવેશે પછી મંદિરમાં રહેલા તેમના બે આદમીઓ તેમને પડકારે એ જ ઘડીએ પોતે અહીંથી નીચે ધસી જાય, રણમાં પથરાયેલા આદમીઓ આતંકીઓ છૂપાયા છે એ લોકેશનને કવર કરી લે, રેગિસ્તાનની બહાર નીકળતા દરેક રસ્તા પર કડક ચોકીપહેરો અને ચેકપોસ્ટ પર નાકાબંધીનો આદેશ પણ થઈ જાય અને લોહીનું એક ટીપુંય વહાવ્યા વગર તેઓ રંગેહાથ સૌને ઝબ્બે કરી શકે.

પરિહારનો એ વ્યુહ આબાદ હતો પરંતુ દોડી રહેલા અલાદાદને જોઈને તેઓ વહેમાયા. આમ પાગલની માફક દોડવાથી તો તેની હાજરી છતી થઈ જાય. તોય એ કેમ દોડી રહ્યો છે? પોતાના માણસોને તે ઓળખી ગયો હશે?

પરિહારના મગજમાં ધણધણાટી થવા લાગી હતી. ટીંબા પરથી નીચે ઉતરી રહેલો અલાદાદ હવે છત્રી ભણી ધસમસતો ભાગી રહ્યો હતો.

'સ્ટોપ હીમ...' પરિહારે વોકીટોકીના માઉથ પીસ પર ચીસ પાડી, 'એનીહાઉ સ્ટોપ હીમ...'

* શ્લોક વાંચીને ત્વરિત અભિભૂત થતો હતો ત્યારે શું બન્યું?

પરિહારના આદેશથી મંદિરની પછીતે અને બાઈક પાસે ઊભેલા એ બંને આદમીઓ ગૂંચવાયા. કોમન ફ્રિક્વન્સી પર પરિહારે ઓર્ડર કર્યો હતો પણ એ આદમીને રોકવાનું તેમણે કોને કહ્યું હોય તેની ખાતરી કરવા જેટલો સમય ન હતો. અલાદાદ હવે સાવ સામે આવી રહ્યો હતો.
એટલે એ બંને આદમી પોતાની પોઝિશન છોડીને બહાર આવ્યા.

દેહાતી આદમીની જેમ ઉભડક બેઠેલો છપ્પન ત્વરિતના બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો એ જ ઘડીએ અલાદાદના ગળા ફરતા વીંટળાયેલા ભૂરા-લીલા રંગના ગમછાથી તેનું ધ્યાન ખેંચાયું. મરુભૂમિમાં વસતાં લોકો લાલ, લીલા, ભૂરા એવા ભડકામણા રંગના ગમછા, ફેંટા પહેરે તેનું કારણ એ કે સિલેટિયા રંગમાં અડાબીડ પથરાયેલા રેગિસ્તાનના એકધારા લેન્ડસ્કેપમાં આવો ભડકામણો રંગ તરત ધ્યાન ખેંચે. રેગિસ્તાનમાં ભટકી ગયેલા કાફલાનો જીવ બચાવતી એ કાયમની તરકીબ આજે અલાદાદને મોંઘી પડતી હતી.

તેને દોડતો જોઈને છપ્પન ચોંક્યો.

એ જ ઘડીએ મંદિરની પછીતેથી એક આદમીને (બીએસએફના જવાનને) તેણે ખુલ્લા ચોગાન તરફ ધસી આવતો જોયો અને તેની હિલચાલ છપ્પન બરાબર નિરખે એ પહેલાં તો બાઈક પાસે ઊભેલો આદમી (બીએસએફનો બીજો જવાન) ય ટીંબા તરફથી ધસમસતા માણસ (અલાદાદ) તરફ લપક્યો.

'ઓહ માય ગોડ... કંઈક લોચો છે...' ફડકી ગયેલો છપ્પન સટાક કરતો ઊભો થઈ ગયો.
છપ્પન જે રીતે ઊભો થયો અને અલાદાદ પણ એ દિશામાં જ દોડતો હતો એ જોઈને બીએસએફના બંને જવાનોને લાગ્યું કે છપ્પન અલાદાદનો જ સાથી હોવો જોઈએ.

* ગંજી-પાયજામાભેર ત્વરિત બહાર આવી રહ્યો હતો ત્યારે શું બન્યું?

છત્રી તરફ દોડી રહેલા અલાદાદને બાઈકસવાર જવાને આંતર્યો હતો. એકબીજાથી આશરે બસો ફૂટના અંતરે સામસામે આવીને બેય રાની પશુની માફક એકમેકને ઘૂરકી રહ્યા હતા. ઘાંઘા થયેલા અલાદાદે એ જ ઘડીએ મંદિરની પછીતેથી અડધે સુધી ધસી આવીને ત્યાં જ ખોડાઈ ગયેલા બીજા આદમીને ય જોઈ લીધો. પોતે બરાબર ઘેરાઈ રહ્યો છે તેના અંદેશાથી એ ભોંયરાના પગથિયા તરફ ધસ્યો અને છપ્પનની સાવ લગોલગ આવી ગયો.

અચાનક શરૃ થયેલી આ દોડધામથી ચોંકેલા બીજા યાત્રાળુઓ ય છત્રી આસપાસ અને મંદિરના પગથિયા પાસે સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. છત્રીની પાછળ શરૃ થતા ઢૂવા પર અલાદાદ સરકી જાય એ પહેલાં ત્યાં જ તેને દબોચી લેવા બાઈકસવાર જવાને હડી કાઢી એ જોઈને અલાદાદ વધુ રઘવાયો થયો. ખમીસની નીચે હાથ નાંખી નેફામાંથી તેણે ગન કાઢી. તેના તરફ ધસી આવતા જવાનને ગન બતાડીને ડારતા જવાનો અને એ રીતે ઢૂવાઓ ભણી સરકી જવાનો તેનો ઈરાદો હતો.
પણ એજ ઘડીએ અલાદાદને ગન કાઢતો જોઈને વચ્ચે ઊભેલા જવાને ય ગન તાકી એટલે રઘવાયેલા અલાદાદે ધડાકો કરી દીધો.

માંડ દોઢસો ફૂટના અંતરેથી અલાદાદે ફાયર કર્યું એ સાથે બાઈકસવાર જવાન કારમી ચીસ નાંખીને પટકાયો હતો.

છત્રી અને પરસાળ પાસે ઊભેલા યાત્રાળુઓના ચહેરા પર ડઘાઈ ગયેલી કંપારી, સનનન્.. સનનન્ અવાજ સાથે ઢુવાઓ પરથી ખુબરામાં ઉતરીને ઘૂમરાઈ રહેલો વંટોળિયો, માથા પર આવીને કાળઝાળ ગરમી વરસાવતો રેગિસ્તાનનો કાળમુખો સુરજ, અનિચ્છા છતાં ય ગોળી ચલાવીને આદમીને પાડી દીધા પછી ભાગવાનો રસ્તો શોધતા અલાદાદના કરડા ચહેરા પરનો રઘવાટ અને અચાનક પલટાયેલા પાસાંઓથી હબકી ગયેલા છપ્પનની આંખોમાં વિંઝાતો અજંપો...
સદીઓની લોહીઝાણ ઉથલપાથલ સહ્યા પછી માંડ કેટલાંક દાયકાથી ઠરીઠામ થયેલી કેશાવલી માતાના મંદિરની હવા વધુ એકવાર હિબકે ચડી હતી.

* ત્વરિત ભોંયરામાંથી બહાર નીકળી ચૂક્યો ત્યારે શું બન્યું?

છેવટના પગથિયે પહોંચવા આવેલો ત્વરિત મેલો ઝભ્ભો પહેરવા બાંયમાં હાથ નાંખી રહ્યો હતો એ જ વખતે ધડાકો થયો. બ્હાવરો ત્વરિત બાંયમાં હાથ નાંખેલી હાલતમાં એમ જ ગંજી-પાયજામાભેર ઉતાવળા પગલે બહાર આવ્યો ત્યારે ચોગાનમાં ધમાલ મચી ગઈ હતી.
સપાટાભેર ઊભો થઈને છપ્પન ત્વરિતને ચેતવવા માટે ભોંયરા તરફ લપક્યો.

એ તેની બીજી મોટી ભૂલ હતી.

ચોગાનમાં ગન તાકીને ઊભેલા બીએસએફના જવાનને ખાતરી થઈ ગઈ કે એ આતંકવાદીઓનો મળતિયો જ હોવો જોઈએ. જો એ કોઈ યાત્રાળુ હોય તો પિસ્તોલના ધડાકા કરી રહેલા આદમીની જ દિશામાં ન જાય ને?

અલાદાદે આંખના પલકારે ગોળી ચલાવીને પોતાના સાથીદારને ઢાળી દીધો એ જોઈને બીજો જવાન ઘડીક હતપ્રભ બની ગયો પણ બીજી જ સેકન્ડે તેણે નિશાનની ચોક્સાઈ કર્યા વગર બે રાઉન્ડ ફાયર કરી દીધા. એક ભોંયરા તરફ ભાગી રહેલા છપ્પન ઉપર અને બીજું છત્રી ભણી દોડી રહેલા અલાદાદ ઉપર.

અલાદાદે ય છપ્પનને જોયો હતો અને તેને તો ખબર જ હતી કે એ પોતાનો માણસ નથી. તેમ છતાં એ પોતાની તરફ આવ્યો એટલે તેણે છપ્પનને બીએસએફનો જવાન ગણી લીધો. મંદિરના ચોગાનમાંથી ફાયર કરી રહેલો આદમી તો નિશાન પર આવે તેમ ન હતો અને ઢૂવા ભણી ભાગવા માટે તેણે છત્રી ઓળંગવી જરૃરી હતી. આડશના અભાવમાં ઘડીક એ ખચકાયો. છપ્પન તેની બરાબર સીધમાં હતો અને જો એ ગન કાઢે તો...

ડઘાયેલા અલાદાદે છપ્પન પર નિશાન તાક્યું એ જ ઘડીએ ખુબરાની વિંઝોળાતી હવામાં સ્ટેનગનની ધણધણાટી ફરી વળી.

જે દિશાએથી ફાયરિંગ થતું હતું એ જોઈને તંગદીલીથી ફાટાફાટ થતા અલાદાદના ચહેરા પર નૂર આવ્યું. ઢૂવાનો ઢાળ ઉતરી રહેલા તેના સાથીદારો અલાદાદના બચાવમાં આવી રહ્યા હતા.

બીજા કોઈ સંજોગ હોત તો આતંકવાદીઓ એક સ્થાનિક મળતિયાને બચાવવા માટે આટલું મોટું જોખમ કદી ન ખેડે. પરંતુ પહેલો ફાયર થયો એ સાથે મંદિરથી એકાદ કિલોમીટર દૂર તેમણે મૂવમેન્ટ જોઈ લીધી હતી. દોડી રહેલા આદમીને ઝબ્બે કરવાનો આદેશ આપ્યા પછી ફક્ત કમ્યુનિકેશન ટીમને જ કેમ્પમાં રાખીને પરિહારનો આખો કાફલો મંદિર તરફ ધસી રહ્યો હતો.

સ્ટ્રેટેજીનો આદેશ કેમ્પમાંથી આવવાનો હતો અને રેગિસ્તાનમાં ઠેરઠેર દેહાલના સ્વાંગમાં ઊંટ મરડી રહેલા બીએસએફના ચૂનંદા જવાનો મંદિરના ખુબરા તરફ ધસી રહ્યા હતા.
ખંધા પાકિસ્તાનીઓએ સ્થિતિ પારખી લીધી. પોતે ચારે દિશાએથી ઘેરાઈ રહ્યા છે એ સમજાઈ ગયા પછી હવે છટકવાની શક્યતા ઊભી ન થાય ત્યાં સુધી સામનો કરવો એ એક માત્ર વિકલ્પ હતો એટલે તેમણે અલાદાદ માટે કવર ફાયર ઓપન કરીને સ્ટેનગન ધણધણાવી દીધી.

સ્ટેનગનનો બ્લાઈન્ડ શાવર ફાયર ચાલુ થયો એ વખતે ત્વરિત અને છપ્પન બંને સામસામે આવી ચૂક્યા હતા પણ કોણ ફાયરિંગ કરી રહ્યું છે, શા માટે ફાયરિંગ થઈ રહ્યું છે એ વિશે બંને અજાણ હતા.

સરવાળે, ગેરસમજ અને ગફલતના કારણે અહીં એક એવું કમઠાણ સર્જાવા જઈ રહ્યું હતું જે અલાદાદે અગાઉ કદી જોયું ન હતું, છપ્પને કદી કલ્પ્યું ન હતું અને ત્વરિત જે કદી ભૂલવાનો ન હતો.

(ક્રમશઃ)