Karnalok - 24 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 24

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કર્ણલોક - 24

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 24 ||

ફરીથી આવવાના વિચારે અને વચને બંધાઈને કરમી અને મોહિન્દર વિદાય થયાં. તેની ગાડીએ ઉડાડેલી ધૂળ હજી શમી નથી. હું ફરીને નિમુબહેનની જમીન તરફ જઉં છું. ગઈ કાલે મળેલો તે વકીલ સામેથી આવતો હતો. મને જોઈને તે ઊભો રહ્યો. જમીન મળ્યા બદલ મને અભિનંદન આપ્યાં અને પૂછ્યું, સર, ‘આ ખરેખર ઝીરો વેલ્યુ ડીલ છે? રીઅલી નો પેમેન્ટ, ટોટલ ગિફ્ટ?’

‘હા. કંઈ જ નહીં.’

‘પેલા મોહિન્દર સાહેબ તમારે શું થાય?’ વકીલે પૂછ્યું.

હું તેની સામે જોઈ રહ્યો અને કહ્યું, ‘હી ઈઝ માય સન ઇન લૉ, સાવ સગો જમાઈ.’

વકીલ કંઈક બાઘો બન્યો હોય તેમ ફરી ફરીને મારા સામે જોતો ચાલી ગયો. હું નિમુબહેનની જમીન પર આવી ઊભો રહું છું. દુર્ગાની ઇચ્છા હતી કે હું કરમી પાસે અહીં રહું. નિમુબહેન કરતાં તેવી પ્રવૃત્તિઓ અહીં થાય. નિમુબહેન તો અહીં જીવતાં. હું તે રીતે જીવી શકું કે કેમ તે મને ખબર નથી. હવે નવું કંઈ કરી શકાય એટલા આયુષ્યના દિવસો પણ મારા પાસે નથી રહ્યા.

આ બધી વાત દુર્ગા જાણતી જ હતી. તોપણ ખબર નહીં કદાચ મારા આખરી દિવસોમાં મને કરમી પાસે અહીં રોકી રાખવા જ આ યોજના તેણે કરી હશે! પોતે જ્યાં રમી, ખેલી, જ્યાં પોતાનું ગણાય એવું કંઈક હતું ત્યાં દુર્ગા રહી ન શકી એટલે હું ત્યાં રહું એવું ઇચ્છ્યું. હવે હું રહીશ. ભલે કંઈ કરી નહીં શકું તોપણ રહીશ.

નંદુએ તે દિવસે કહેલું કે દુર્ગાએ સર્જનકાળની વાત કરી હતી. હું તો કદી એટલું વિચારી કે સમજી પણ નથી શક્યો. આજે થોડું સમજાય છે. આ ઊતરી આવતી રાતના પડછાયે, ગામ તરફ જતાં સુમસામ રસ્તા પર ચાલતો થાઉં તે પહેલાં હું હાથમાં માટી લઈને કબૂલું છું કે મારા વંશમાં ઉત્પન્ન થયેલાંને જ જો હું સગાં ગણું તોપણ કરમી, પુટુ, સૌમ્યા, રેખા, મુન્નો કે જગતની ઊંચી દીવાલો પાછળ વસતું બધું જ લોક મારી આગળની કોઈ ને કોઈ પેઢીના સંબંધે, જગત જેને સગપણનું નામ આપે છે તે સંબંધે જોડાયેલું જ છે. હું માનું કે ન માનું. કોઈ ફરક પડતો નથી.

આદિબ્રહ્મમાંથી પ્રગટેલા મનાતા વિશ્વે આજ સુધી સમજણનો કેટલો પંથ કાપ્યો છે તે મને ખબર નથી; પરંતુ એટલી ખબર છે કે એક દિવસ એવું સમજાવાનું જ છે કે જો બધું એ પ્રાગટ્યમાંથી જ નીપજ્યું છે તો તે તમામ એક-મેક સાથે જન્મગત સંબંધે જોડાયેલું છે. એ વખતે એ સગાઈ-શૃંખલામાં માત્ર અને માત્ર માનવજાતનો જ સમાવેશ કરવો એવું શક્ય નહીં બને.

નિમુબહેનની જમીન પર શરૂઆત કેવી અને કયા કામથી કરવી તે વિચાર કરતો હું પાછો વળું છું. આગળ રસ્તા પર ખભે દફતર ભેરવેલાં એક છોકરો અને એક છોકરી કશીક વાતો કરતાં ચાલ્યાં જાય છે. એક ખેતરમાંથી કોઈ કંઈક બોલે છે અને વાડ પાસે કામ કરતો એક છોકરો જવાબ આપે છે, ‘સવલીની બાને કહ્યું છે.’

પેલાં નિશાળિયાંમાંથી છોકરીને હસવું આવી જતું હોય તેમ તે પોતાનું મોં હાથ વડે ઢાંકીને પેલાના ચાળા પાડતી બોલે છે, ‘સવલીની બા.’

સાથેનો છોકરો પણ હસી પડે છે અને કહે છે, ‘એની બા.’

છોકરીને ચાનક ચડી હોય તેમ તે આગળ કહે છે, ‘એનીયે બા.’

કોયલના ટહુકાને જવાબ મળે અને તે વધતો જ રહે તેમ બેઉ બાળકો ચડસાચડસી પર આવીને એકબીજાંને કહેતાં રહે છે, ‘એની બા,

એનીય,

એનીય,

એનીય...’

શાળાનો મારગ ફંટાતાં બેઉ બાળકો આમ બોલતાં બોલતાં જ તે તરફ વળી જાય છે અને હું તેમને જતાં જોઈ રહું છું. તે બેઉ તો નિશાળે પહોંચી જશે. નિશાળે પહોંચતાં સુધીમાં તેમની ચડસાચડસીમાં તેઓ કેટલી પેઢીઓ સુધી પહોંચશે તે તો ખબર નથી. હા, મને એક વાતની ખાતરી છે કે કોઈ એક ક્ષણે, ‘એનીયે બા’ બોલતાં જ તેમના મનમાં ઝબકારો થશે. પછી તેઓ જે શીખવાના છે તે આ પૃથ્વી પરની કોઈ શાળા શીખવી શકે તેવું નહીં હોય. આદિકાળથી આજ સુધીમાં માનવસમાજમાં જે સમજણ વિકસતી આવી છે તેની પાછળ આવી ક્ષુલ્લક લાગતી રમતો જ રહેલી છે તેની ખબર મને પડી ગઈ છે. – મારે ક્યાંથી શરૂ કરવું તેનો જવાબ મને મળી ગયો છે.

મારા કહેવાનો અર્થ આ નથી.

– મિખાઈલ નેઈમી