Karnalok - 5 in Gujarati Moral Stories by Dhruv Bhatt books and stories PDF | કર્ણલોક - 5

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કર્ણલોક - 5

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 5 ||

તે દિવસે રજા હતી. છોકરાંઓ બહાર દરવાજે પણ દેખાયાં. કેટલાંક તો હતાં તે કપડાં પહેરીને બનીઠનીને ફરતાં હતાં. એ લોકો અહીં સુધી આવી શક્યાં તે નવાઈ લાગે તેવું તો હતું જ.

એક પાંચેક વરસનો છોકરો વારે વારે ડોકું કાઢીને રસ્તા પર જોયા કરતો હતો. મેં બૂમ પાડીને તેને દુકાન પર બોલાવ્યો. આવ્યો એટલે ઊંચકીને સ્ટૂલ પર બેસાડતાં તેનું નામ પૂછ્યું.

‘રાહુલ’ તેણે કહ્યું.

‘કેમ આજે બધાં ફરવા જવાના છો કે શું?’

રાહુલે માથું ધુણાવીને ના પડતાં કહ્યું, ‘મહેમાન લોકો આવવાના.’

‘કયા મહેમાન?’

‘એ.... નેહાબેન.’

‘તે નેહાબેન તો ઘણી વાર આવે છે.’

‘આજે મહેમાન આવવાના.’ રાહુલને આનાથી વધારે કંઈ ખબર નહોતી. સ્ટૂલ ઉપરથી સરકીને તે નીચે સરી આવ્યો. થોડી વાર એક સાઇકલનું પૈડું ફેરવ્યા કર્યું પછી પાછો દરવાજામાં દોડી ગયો.

લગભગ અગિયાર વાગે બે મોટરો આવીને સીધી જ દરવાજામાં ગઈ. આંખો ફાડીફાડીને જોવાનું મન થાય તેવી મોટરો. મોટર જોવા મળે તે પણ એ જમાનામાં લહાવો લાગતો. એમાંયે આ તો મોટી અને રૂપાળી.

થોડી જ વારમાં અંદરથી કહેણ આવ્યું કે મહેમાનોની સરભરા માટે અને ચા બનાવી આપવા મારે ઑફિસમાં જવાનું છે. તરત જ ગયો.

ચારેક સ્ત્રીઓ મોંઘાં કપડાં પહેરીને બહેન સામે ખુરશીમાં બેઠી હતી. તેમાંની એકના હાથમાં આલ્બમ હતું. નેહાબહેન નલિનીબહેનની બાજુમાં ખુરશી નાખીને બેઠાં હતાં. તેમણે મને કબાટમાંથી સંસ્થાનો અહેવાલ કાઢીને મહેમાનોને આપવા કહ્યું. તે આપીને ચા-પાણીની સગવડ કરવામાં પડ્યો.

મહેમાન બોલ્યાં, ‘એમ તો બૉમ્બેમાં પણ આવી સંસ્થા છે. પણ યુ નો, ત્યાં દેશ જેવું વાતાવરણ ન હોય.’ હું ચકિત બનીને સાંભળી રહ્યો. નલિનીબહેન હસ્યાં. નેહાબહેને સાંભળ્યું ન સાંભળ્યું કર્યું.

‘તમે લોકો આટલાં મોટાં છોકરાંઓ જ બતાવવાના છો? કોઈ નાની ફીમેલ ચાઇલ્ડ હોય તો બતાવો ને!’ બીજી એક સ્ત્રીએ કહ્યું.

‘એક નાની છોકરી છે પણ સાવ નાની. હજી ચારેક દિવસ પહેલાં જ આવી છે.’ નલિનીબહેને કહ્યું અને હાક મારી, ‘લક્ષ્મી, શેફાલીને લાવ તો. જરા સરખી કરીને લેતી આવ.’

ચળકતાં નક્ષત્રલોક તળે, આ ધરતી પર માણસના જણ્યાને જોઈ તપાસીને લઈ જવાનો સિલસિલો નવો નથી. ગુલામોના ખરીદ-વેચાણની વાતો વાંચી છે. કોડભરી કન્યાઓની વાણી, દૃષ્ટિ, શ્રવણ, ત્વચા હલન-ચલન બધું ચતુરાઈપૂર્વક, અનેકોની હાજરીમાં ચકાસી લેવાનો તો રિવાજ છે. સૂર્યમંડળમાં એક માત્ર જીવંત ગણાતા આ ગ્રહ ઉપર માનવીનાં રૂપરંગ જોઈને પસંદગી કરાતી હોય તેવાં બીજાં અનેક સ્થાનો પણ હશે.

આ સત્યો પહેલી વાર જાણ્યાં ત્યારે જે વેદના નહોતી થઈ તે આજે નલિનીબહેનનું વાક્ય સાંભળીને થઈ આવી.

શેફાલીને મેં પણ જોઈ. તે લક્ષ્મીના હાથમાં રડતી હતી. અહીંના કોઈ સાથે કશો જ સંબંધ ન રાખવાની પ્રતિજ્ઞા મેં મનમાં દોહરાવી ન હોત તો મને પણ રડવું આવી જાત.

આ બધાને અંતે પણ અહીંના બધાંય તો શેફાલીને જન્મીને અહીં આવવા બદલ નસીબદાર ગણતાં હતાં. જે બહેને તેને પસંદ કરી તે મુંબઈના મોટા લાખોપતિ ગણાતા કુટુંબનાં કર્તા-હર્તા છે. વળી એમણે જોઈને તરત જ તેને દત્તક લીધી. આવું તો શેફાલીના ભાગ્યથી જ બને!

ડ્રાઇવરને કહેવાયું કે મિટિંગમાંથી શેઠને બોલાવી લાવે. એ અડધા કલાકમાં તે સ્ત્રીઓ નલિનીબહેનના ઘરની મુલાકાત લઈ આવી. નેહાબહેન જાળી પાછળના ચોકમાં જઈ બાળકો સાથે ગપ્પાં મારતાં બેઠાં.

શેઠ આવ્યા પછી કાગળો થયા. સહીઓ થઈ અને પાછા જવા માટે નેહાબહેનને કહેવરાવ્યું.

નેહાબહેને આવતાંવેંત પૂછ્યું, ‘શેફાલીનું મેડિકલ થઈ ગયું છે?’

‘બાકી છે. પણ કંઈ બહુ જરૂરી નથી. ચાલશે.’ નલિનીબહેને કહ્યું.

‘કેમ જરૂરી નથી? આપણે કરાવવું તો પડે જ છે.’ નેહાબહેન બોલ્યાં.

હવે પેલા શેઠને પણ વાતમાં રસ પડ્યો, તેમણે કહ્યું, ‘કાયદાનું કોઈ કામ બાકી ન રહે તે જોજો. કૉર્ટના ધક્કા ખાવાનો સમય મને નથી હોતો. એવું હોય તો હજીએ દાક્તરને બોલાવી લઈએ.’

‘ખાનગી ડૉક્ટર નહીં ચાલે. સિવિલમાં જવું પડશે.’ નેહાબહેને કહ્યું અને નલિનીબહેન તરફ ફરીને પૂછ્યું, ‘દુર્ગા ક્યાં છે? એને સાથે મોકલો તો સારું. કંઈક કામ આવે.’

‘એ તો ગઈ છે બહાર. ગઈ કાલે એક ઘરેથી રિક્વેસ્ટ આવેલી કે લગ્નપ્રસંગે પીરસવા માટે બાળકોને મોકલો. પાંચ જણને મોકલ્યાં.’

‘સારું.’ નેહાબહેને કહ્યું. પછી મારા તરફ ફરીને બોલ્યાં, ‘બહુ કામમાં ન હો તો તું ચાલને ભાઈ. કાગળોમાં સિક્કા મરાવવાની લાઈન હોય છે.’

સિવિલ હૉસ્પિટલના બાળરોગ નિષ્ણાતે શેફાલીને તપાસી અને સ્વસ્થ છે તેવું પણ કહ્યું. છેક છેલ્લે છેલ્લે રિપોર્ટ બનાવતી વખતે શેઠાણીને વહેમ ગયો કે છોકરી બરાબર આંખ માંડતી નથી. એણે દાક્તરને પૂછ્યું. દાકતરે આંખ તપાસી અને કહ્યું કે કદાચ તે દેખતી ન પણ હોય.

‘ઓહ!’

નેહાબહેન હાજર હતાં. તેમણે દલીલ કરી, ‘આંખ વિશે પીડિયાટ્રીક અભિપ્રાય આપી ન શકે, આપણે આંખના નિષ્ણાતને બતાવવું જોઈએ.’

શેઠાણીએ ઘસીને કહી દીધું. ‘વહેમવાળી છોકરી હું ન લઈ જાઉં.’

વહેમવાળી છોકરી! હજી ચારપાંચ દિવસ પહેલાં જન્મી છે એટલે આંખો ચકળ-વકળ કર્યા કરે છે!

અમે શેઠને આંખના ડૉક્ટર પાસે લઈ ગયાં. શેફાલીને તપાસીને ડૉક્ટરે કહ્યું, આટલું નાનું બાળક આંખ તરત માંડે નહીં એવું બને. વધુ તપાસ માટે તો આંખમાં જોવું પડે. આવડા બાળકની કીકી પર સીધો પ્રકાશ નખાય નહીં. થોડા દિવસો પછી જો આંખ ન માંડે તો ફરી તપાસી શકાય.

શેઠાણીએ શેઠને ન જાણે શું કહ્યું કે બેઉ કશું કહ્યા કર્યા વગર સીધા જ રવાના થઈ ગયાં. જતાં રહ્યાં. કોઈને કશું કહ્યા વગર. શેફાલીને દવાખાને પડતી મૂકીને જતાં રહ્યાં. શેફાલી તેમને સોંપાઈ ગઈ હતી, તેમની થઈ ગઈ હતી, તેમણે સહીઓ કરી હતી તે બધું જ ભૂલીને જતાં રહ્યાં. ખેર! કદાચ બગડેલું પણ નીકળે તેવા વહેમવાળું શાક કોઈ શા કાજે ખરીદે?

નેહાબહેને ત્યાંથી રોઝમ્મા નામના નર્સબહેનને સાથે આવવા વિનંતી કરી અને અમે શેફાલીને લઈને પાછાં ફર્યાં. અહીં નલિનીબહેને તેને ફરી આશ્રમમાં લેવાની ચોખ્ખી ના પાડી. ‘રજિસ્ટરમાં એન્ટ્રી પણ થઈ ગઈ. હવે તો વાત ટ્રસ્ટીઓ સુધી જાય.’

નંદુ ત્યાં હાજર હતો તેણે કહ્યું, ‘નેહાબેન, તમે પેલાં મદુરાઈવાળા દાક્તરને પુછાવી જુઓ. ત્યાં સુધી હું આને લઈ જઈશ.’

‘તે, તું ક્યાં લઈ જવાનો?’ નલિનીબહેને પૂછ્યું.

‘બીજે તો ક્યાં લઈ જઉં? પરમદિ તો પૂનમ છે. મઢીએ દર્શને જઈશ. દર્શન કરાવીને છોકરી નિમ્બેનને સોંપીશ. એ કોઈ આશરો ગોતી કાઢશે. અમારા ગામડાંમાં દશ બાર દહાડા માટે કોઈ મા ના નહીં પાડે.’

નંદુ રોઝમ્માના હાથમાંથી શેફાલીને લઈને પોતાના કમરા તરફ ચાલવા માંડ્યો અને શેફાલીને જાણે એનો બબડાટ સમજી શકવાની હોય તેમ કહ્યું, ‘કોઈ દુ:ખ ન માનીશ મા. તું પણ એક દિવસ કોઈને ગમવાની. શેઠ લોકોને ના ગમી તો કંઈ નહીં. રસોયો છું ને! એટલે જાણું છું મા, કે બધાયને ભાવે તેવી રસોઈ કદીયે બનાવી શકાતી નથી.’

‘નંદુ, ઊભો રહે. એમ ગાંડા ન કાઢ.’ નેહાબહેને તેને પાછો બોલાવ્યો અને નલિનીબહેનને કહ્યું, ‘આપણે અંદર બેસીએ.’

ઑફિસ તરફ જતાં મને ઉદ્દેશીને બોલ્યાં, ‘તું થાક્યો ન હો તો બધાં માટે ચા મૂક.’

ચા બની ત્યાં સુધી હવે શું કરવું તેની વાત ચાલ્યા કરી. છેવટે નેહાબહેને રોઝમ્માને પૂછ્યું, ‘સિવિલમાં ન રખાય?’

‘ઐસા તો નહીં કે હમ લોગ ના બોલેગા. લેકીન ઐસા હી એક બેબી અભી વહાં પર હૈં. ફીર ભી આપ બડે સા’બસે બાત કર લો.’

‘બેબી હૈ?’ નેહાબહેને પૂછ્યું, ‘મેલ કે ફીમેલ?’

‘લડકી હૈ. મધર છોડકે ચલા ગયા. પતા નહીં કહાં ગયા.’

‘કેટલા દિવસ થયા? પોલીસ પેપર્સ થઈ ગયા છે?’ નેહાબહેન પૂછ્યું.

‘આઠ દિન હુઆ. પોલીસ કા પેપર્સ તો કબ કા હો ગયા. પોલીસને તપાસ ભી કીયા. પેપરમેં ભી આયા. મધર મીસ્સીંગ.’ રોઝમ્મા બોલી.

‘તો અબ આપ લોગ વો નયા બેબીકા ક્યા નામ રખા હૈ?...’

‘સૌમિયા. સોમવાર કે દિન આયા.’

‘આપ સૌમ્યા કો યહાં દે દો. મેં સિવિલમેં બાત કરતી હું કી શેફાલી કો વહાં રખો. બસ આઠ-દસ દિન. તબ તક હમ કુછ કરતે હૈં.’ નેહાબહેને ઉકેલ બતાવ્યો.

‘ઠીક હૈ. આપ બાત કર લો.’ રોઝમ્માએ જવાબ આપ્યો.

જિંદગીની એક ખૂબી છે. આખા જીવન દરમિયાન જે જોવા સમજવાનું હોય તેને એ ક્યારેક પળભરમાં બતાવી દે છે. આજે શેફાલીની વાત પીળા મકાનનું દરેક બાળક કોઈ ને કોઈ રીતે જાણશે. એકબીજાને કહેશે અને સાંભળશે. પેલો પાંચ વરસનો રાહુલ કાલે દશ વરસનો લાગવા માંડે તો મને નવાઈ નહીં લાગે.

***