Ran Ma khilyu Gulab - 21 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 21

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

રણમાં ખીલ્યું ગુલાબ - 21

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(21)

તૂ ખુદ કી ખોજ મેં નિકલ, તૂ કિસ લિયે હતાશ હૈ,

તૂ ચલ.... તેરે વજૂદ કી સમય કો ભી તલાશ હૈ

પ્રિયાને પહેલી નજરે જોઇને જ મંજરી મેડમનાં ભવાં ચડી ગયા. એ છોકરી પ્રત્યે તીવ્ર અણગમો પેદા થઇ ગયો. આવું બને છે. ઘણીવાર આપણી સાથે પણ. સામેની વ્યક્તિનો કશો જ વાંક ન હોય તો પણ એને જોઇને જ આપણાં મનમાં એના માટે અભાવ સર્જાતો હોય છે. દાર્શનિકો એને ઋણાનુબંધ ગણે છે. ચિંતકો એના માટે ‘પૂર્વગ્રહ’ શબ્દ વાપરે છે. પરા-વૈજ્ઞાનિકો એવું માને છે કે એ વ્યક્તિના દેહમાંથી ઉઠતા નકારાત્મક તરંગો આપણાં વિચારોમાં નફરતની લાગણી ઉત્પન્ન કરી દે છે.

હું ન તો દાર્શનિક છું, ન ચિંતક કે ન તો ગૂઢ રહસ્યોનો જ્ઞાતા છું. મારો જાત અનુભવ એવું કહે છે કે કોઇ પણ વ્યક્તિને આપણે જ્યારે જોઇએ કે મળીએ છીએ ત્યારે એના બાહ્ય દેખાવ, દેહભાષા અને વાણી-વર્તન પરથી આપણાં મનમાં તેની સારી કે નરસી છબિ ઝિલાય છે. પછી આપણે કાં તો એને ચાહવા લાગીએ છીએ અથવા નફરત કરવા માંડીએ છીએ. વાસ્તવમાં એ છબિ ગલત પણ હોઇ શકે છે. (મારી જિંદગીમાં હું બે-ચાર વાર આવી છબિ ઝીલવાની બાબતમાં ખોટો સાબિત થયો છું. જે માણસ મને તદન ખરાબ લાગ્યો હોય તે સાચો હીરો સિધ્ધ થયો છે. અને જેને મેં કોહિનૂર ધાર્યો હોય તે કાચનો ચૂકડો બનીને મને આઘાત પહોંચાડી ગયો છે. બે-ચાર અપવાદોને બાદ કરતાં હું પાક્કો માણસ-પારખુ સાબિત થયો છું.)

મારા જેવો જ આત્મવિશ્વાસ (કે ફાંકો) કદાચ મંજરી મેડમને પણ હશે. કોલેજનું પ્રથમ વર્ષ. પ્રથમ દિવસ. પ્રથમ લેક્ચર. ક્લાસ શરૂ થઇ ચૂક્યો હતો. છોકરાઓ અને છોકરીઓ ધ્યાન દઇને નોટ્સ લખી રહ્યા હતા. મંજરી મેડમ શેક્સપિયર ભણાવી રહ્યા હતાં, ત્યાં બારણા પાસેથી ટહુકો સંભાળાયો: “ મે આઇ કમ ઇન, મે’મ?”

મંજરીબહેન ડિસ્ટર્બ થઇ ગયા. વાણીનો પ્રવાહ જે જળપ્રવાહીની જેમ અસ્ખલિત ગતિમાં દોડી રહ્યો હતો તે અચાનક અવરૂધ્ધ થઇ ગયો. એમણે ધૂંધવાટના ભાવ સાથે પ્રવેશદ્વાર તરફ જોયું.

એક સુંદર છોકરી ઊભી હતી. કિંમતી, લેટેસ્ટ ફેશનના કપડાંમાં એ ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. એની ઊંચી દેહલતા, કમનીય વળાંકોવાળો દેહ, ગોરો લંબગોળ ચહેરો, હર્યો-ભર્યો ફેસ-કટ, પાણીદાર આંખો અને લોભવનારા ઊભારો.

મંજરી મેડમ એને જોઇને જ નારાજ થઇ ગયાં. કહેવા ખાતર કહી તો દીધું-‘યુ મે કમ ઇન’; પણ પછી ટકોર કર્યા વિના રહી ન શક્યા, “કેમ મોડું થયું? કોલેજ શરૂ થવાનો સમય તો ખબર છે ને?”

“યસ મેમ! પણ હું બે જ મિનિટ મોડી પડી છું.”

“મોડાં એટલે મોડાં! બે મિનિટ્સ માટે હોય કે બાવીસ મિનિટ્સ માટે. કાલથી ટાપટીપ કરવામાં સમય ન બગાડે તો મોડું નહીં થાય. કમ ઇન એન્ડ સીટ ઓવર ધેર.” મંજરી મેડમનાં આવાજમાં કટાક્ષ હતો, તીખાશ હતી, અણગમો હતો, ઉપાલંભ હતો.

ટાપટીપવાળી કમેન્ટ સાંભળીને ક્લાસમાં હસાહસ થઇ પડી. પ્રિયા શરમાતી, ક્ષોભપામતી, સંકોચાતી, શક્ય એટલી ઝડપથી ચાલીને છેલ્લી બેન્ચ પર બેસી ગઇ.

એ દિવસ પછી પ્રિયા ક્યારેય મોડી પડી નહીં. સૌથી પહેલાં આવીને એ આગલી બેન્ચ પર બેસી જવા માંડી. મંજરી મેડમ રોજ આ બધું જોતાં હતાં, પણ એમનાં મન પર પડેલી નેગેટીવ છબિ ક્યારેય બદલાઇ નહીં. કહેવાય છે ને “ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇઝ લાસ્ટ ઇમ્ર્પેસન!”

ધીમે ધીમે એક પછી એક ઘટના આકાર લેવા લાગી. મંજરી મેડમનાં મનમાં એવું મજબૂત રીતે ઠસી ગયું હતું કે જે છોકરી ખૂબ જ રૂપાળી અને ફેશનેબલ હોય એ ભણવામાં ખાસ તેજસ્વી હોય જ નહીં.

એકાદ વાર એ ભણાવતાં ભણાવતાં બોલી પણ ગયાં હતાં- “બ્યુટી એન્ડ બ્રેઇન ડુ નોટ ગો ટુગેધર.” આવું બોલીને એમણે વક્ર નજર પ્રિયાની દિશામાં ફેંકી લીધી હતી. એ વખતે પણ બધાં વિદ્યાર્થીઓ ખખડી પડ્યા હતા. પ્રિયા ક્ષુબ્ધ બનીને નીચું જોઇ ગઇ હતી. પણ પછી જ્યારે મંજરી મેડમે વિદ્યાર્થીઓને સવાલો પૂછવાના શરૂ કર્યા ત્યારે ભારે નવાઇ જેવી વાત બની ગઇ. મેડમના મોટા ભાગના સવાલોના જવાબો બીજા કોઇ વિદ્યાર્થીઓ આપી નહોતા શકતા; પણ દરેક વખતે પ્રિયાનો જમણો હાથ ઊંચો જ રહેતો હતો.

“અચ્છા! તું એવું માને છે કે તને જવાબ આવડે છે? બટ આઇ ડોન્ટ થિંક સો. એની વે, યુ સ્પીક આઉટ!” મંજરી મેડમનું મોં કડવું ઝેર જેવું બની જતું હતું.

પ્રિયા પોતાનાં સ્થાન પર ઊભી થઇને વિનય પૂર્વક, સ્પષ્ટ ઉચ્ચારો સાથે, મેડમ જે ભણાવ્યું હોય એ જ શબ્દોમાં મુદાસર સાચો જવાબ આપી દેતી. ક્લાસરૂમ તાળીઓથી ગૂંજી ઉઠતો અને મંજરી મેડમ પ્રિયાને શાબાશી આપવાને બદલે આગળ ભણાવવાનું શરૂ કરી દેતાં હતાં. પ્રિયા લગભગ દરરોજ એ વાતની સાબિતી આપતી રહી કે ‘સૌંદર્ય અને બુદ્ધિ એક સાથે રહી શકે છે;’ પણ મેડમ માને તો ને? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેસન!

જાન્યુઆરીમાં કોલેજની સ્પોર્ટસ ઇવેન્ટ્સ યોજવામાં આવી. મંજરી મેડમે જાહેર કર્યું, “ગર્લ્સ એન્ડ બોયઝ, યું શુડ પાર્ટીસિપેટ ઇન ગેમ્સ. ભણવું એ જેમ દિમાગની કસરત છે, એમ રમવું તે દેહની કસરત છે. હેલ્ધી બોડી હેઝ એ હેલ્ધી માઇન્ડ. છોકરાઓ તો આ ઇવેન્ટમાં ભાગ લેશે જ, પણ હું ગર્લ્સને ય અનુરોધ કરું છું કે તમે લોકો પણ હરિફાઇમાં ભાગ લેશો.”

આટલું કહી લીધા પછી એમને યાદ આવ્યું કે હજું પણ કંઇક કહેવાનું રહી જાય છે. એટલે એમણે ઉમેર્યું, “જો કે બધી છોકરીઓ માટે આ કામ શક્ય નથી; જે છોકરી લાલી-લિપસ્ટીક કરવામાં અને ટાપટીપ કરીને ફરવામાં જ જિંદગી બરબાદ કરી નાંખે છે તે ક્યારેય સ્પોર્ટ્સમાં ભાગ લઇ શકતી નથી. એવી કાચની પૂતળીઓ બહુ બહુ તો કેરમ રમી શકે!”

બધાં સમજી ગયા કે મંજરી મેડમ કોને અનુલક્ષીને આવું કટાક્ષ-તીર ચલાવી રહ્યા છે!

પછી સમજવાનો વારો મંજરી મેડમનો આવ્યો. ત્રણ દિવસની ઉજવણી પૂરી થયા બાદ જ્યારે ઇનામ વિતરણનો સમય આવ્યો ત્યારે મેડમની આંખો પહોળી થઇ ગઇ. મુખ્ય મહેમાન દરેક રમતના વિજેતાને ઇનામ, રોકડ કે ટ્રોફી અર્પણ કર્યે જતા હતા; એનાઉન્સમેન્ટની જવાબદારી મંજરી મેડમનાં ખભે મૂકવામાં આવતી હતી.

મંજરી મેડમ કાગળમાં લખેલી યાદી વાંચીને બોલી રહ્યા હતા: “ ટેબલ ટેનિસ. ફર્સ્ટ પ્રાઇઝ ગોઝ ટુ મિસ પ્રિયા રઘુવંશી......! બેડમિંગ્ટન: સિંગલ્સ: ફર્સ્ટ પ્રાઇઝ ગોઝ ટુ મિસ પ્રિયા.....!” તાળીઓના નાદથી આસમાન ભેદાતું રહ્યું. સ્વિમીંગ, લોં જમ્પ, હાઇ જમ્પ, શોટપુટ, જ્વેલીન થ્રો, ટ્રેક એન્ડ ફિલ્ડની તમામ ગેમ્સમાં પ્રથમ વિજેતા તરીકે પ્રિયાનું જ નામ આવતું હતું.

બીજા દિવસે પ્રિયાનાં માનમાં કોલેજમાં રજા જાહેર કરવામાં આવી. એ પછીના દિવસે જ્યારે ક્લાસ શરૂ થયો ત્યારે પ્રિયાને શાબાશી આપવા માટે વિદ્યાર્થીઓએ બેન્ચ થપથપાવીને દિવાલો ધ્રૂજાવી દીધી.

પણ મંજરી મેડમથી બોલ્યા વિના રહેવાયું નહીં, “એમાં પ્રિયાએ શું મોટી ધાડ મારી?! પૈસાદાર પિતાની છોકરી હોય એને રમતો માટેની સવલતો મળી રહે. ઘરમાં બીજું કંઇ કામ તો એણે કરવાનું જ ન હોય. આખું વરસ જિમખાનામાં પડી રહે અને ટેબલ ટેનિસ રમ્યા કરે. પછી જીતે જ ને! આવી છોકરીઓની ખરી કસોટી તો ત્યારે થાય જ્યારે.....”

ક્યારે થાય? એનો જવાબ પણ બહુ જલદી જડી આવ્યો. ફેબ્રુઆરીમાં આખી કોલેજની તમામ છોકરીઓ માટે ‘વાનગી સ્પર્ધા’ યોજવામાં આવી. મેડમ ખૂશ થઇ ગયાં. વર્ગખંડમાં કહી દીધું, “પ્રિયા કુંવરી! આમાં તું ભાગ લે તો હું માનું કે તું આવડતવાળી છે. હું માનું છું કે તેં જિંદગીમાં એકાદ વાર ચા તો બનાવી જ હશે. જો કે આ કૂંકીગ કમ્પિટીશનમાં તારે કોઇ વિશિષ્ઠ વાનગી જ બનાવવી પડશે.”

પ્રિયા શાંતિથી સાંભળી કહી. વર્ગખંડ હસતો રહ્યો. વાનગી સ્પર્ધાનો દિવસ આવી ગયો. સાંજે પરિણામ જાહેર થયું. સારુ હતું કે ત્રણેય નિષ્ણાતો બહારના હતા અને તટસ્થ હતા. બધાંએ સર્વાનુમતે પ્રિયાની વાનગીને જ પ્રથમ ક્રમાંક આપ્યો.

એ દિવસે મંજરી મેડમ એમની ઓફિસમાં એકલાં બેસીને વિચારવા લાગ્યા: “આવું કેમ થયું? કોઇ ધનવાન પિતાની દીકરી આવી સર્વગુણસંપન્ન હોઇ શકે ખરી? આટલી ફેશનેબલ છોકરીને રાંધતા પણ આવડતું હોય એવું બને? આવી નાજુક, નમણી અને રૂપાળી છોકરી બધી રમતોમાં માહેર હોઇ શકે ખરી?”

મંજરી મેડમના બધા સવાલોનો જવાબ બીજા દિવસે એમને મળી ગયો. પ્રિયાની બેસ્ટ ફ્રેન્ડ મોહિનીએ જ માહિતી આપી, “ મેડમ, તમારા મનમાં પ્રિયા વિષે પૂર્વગ્રહ બંધાઇ ગયો છે. વાસ્તવમાં પ્રિયા એક ગરીબ પરિવારની દીકરી છે. એનાં પપ્પા સાતેક વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. એની મમ્મી એક મોટા ઉદ્યોગપતિના બંગલામાં ફુલટાઇમ હાઉસહોલ્ડનું કામ કરે છે. પ્રિયા આટલી સુંદર અને મીઠડી છે એટલે એ શેઠની દીકરી મોનાને એ ખૂબ જ પ્રિય થઇ પડી છે. મોના પોતાના માટે જે કપડાં, શૂઝ, પર્સ, ઇઅરીંગ્ઝ, માળા વગેરે ખરીદે એ બધું પ્રિયા માટે પણ લઇ આપે છે. આ બધી બહારની સજાવટને બાદ કરતાં પ્રિયા એક મહેનતુ માની ગરીબ દીકરી છે જે પોતાનું ઘર સંભાળે છે, કચરાં-પોતા-વાસણ જેવા કાર્યો પણ કરે છે અને બે ટંકની રસોઇ પણ બનાવે છે. ક્યારેક મમ્મીની સાથે બંગલામાં જઇને મોના માટે જાત-જાતની રેસિપી પ્રમાણે આધુનિક વાનગીઓ પણ બનાવી આપે છે. આ બધું કરી લીધા પછી એ પરીક્ષામાં પહેલો નંબર પણ લઇ આવે છે.”

મંજરી મેડમને આટલું જાણ્યા પછી અફસોસ કે પસ્તાવો થયો કે નહીં એની જાણ મોહિનીને થઇ નહીં, કારણ કે મેડમ કશું જ બોલ્યા વગર શાંત બેસી રહ્યાં. પણ બીજા દિવસે મેડમ પોતાની કારમાં બેસીને પ્રિયાની મમ્મીને મળવા પહોંચી ગયા, “બહેન, હું તમારી પાસે કંઇક યાચવા માટે આવી છું; આપશો?”

“શું! મારા જેવી ગરીબ સ્ત્રી પાસે તમને આપવા જેવું......?”

“તમારી પાસે કોહીનૂર જેવી કન્યા છે. મારે એને પુત્રવધૂ બનાવવી છે; આપશો?” બંને સ્ત્રીઓ ભેટી પડી.

(શીર્ષક પંક્તિ: તન્વીર ગાઝી)

--------