Ran Ma khilyu Gulab - 10 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 10

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

રણમાં ખીલ્યું ગુલાબ - 10

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(10)

સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ,

દેખના હૈ ઝૌર કિતના બાજુ-એ-કાતિલ મૈં હૈ!

“ઓયે નિરમલ......! અબ તૂ જવાન હો ગયા. ક્યા કરનેકા ઇરાદા હૈ અબ?” એક વડીલે નિર્મલજીત સિંહ નામના 22-23 વર્ષના ભરજુવાનને પૂછ્યું.

નિર્મલજીત સિંઘ પંજાબના લુધિયાણા પાસેના ઇઝેવાલ દેખા નામના નાનકડા ટાઉનમાં જન્મેલો છોકરો. વીસી પૂરી કરતાંમાં તો કાઠું કાઢી ગયો હતો. છ ફીટ બે ઇંચની હાઇટ. ઉપર પગડી. જોનારાને ડારી દે તેવી આંખો. ચહેરાને શોભા આપતી દાઢી. અને વિજયની મૂદ્રા સૂચવતી મૂછો.

એના જેવા ફૌલાદી સ્નાયુઓ ધરાવતો આજનો યુવાન આવો જવાબ આપે: “ મુંબઇ જઇને બોલીવુડની ફિલ્મોમાં નસીબ અજમાવવું છે.”

પણ આ શિખ યુવાનની મહેચ્છા પોતાનું નસીબ અજમાવવા કરતા ભારતમાતાનું ભાગ્ય ઊજાળવાની વધુ હતી. એણે જવાબ આપ્યો, “મુઝે ઇન્ડિયન એરફોર્સમેં પાયલોટ બનના હૈ.”

“અરે, ભાઇ! વિમાન ઉડાનેકા ઇતના હી શૌખ હૈ તો સિવિલિયન પાઇલોટ બન જા! આર્મીકે એરફોર્સમેં જાયેગા તો ખામખાં મર જાયેગા.”

આ સંવાદ સાંભળી રહેલા નિર્મલજીતસિંહના પિતાશ્રી ઘરની અંદર હતા તે બહાર આવ્યા. સિંહનો બાપ સિંહ જ હોય ને! એમણે બહારના મિત્રને કરડી ભાષામાં કહ્યું, “ઓયે! તૂ ક્યોં બિચમેં ટાંગ અડાતા હૈ? જાનતા હૈ? જો પથારીમેં પડા પડા મરતા હૈ ઉસે મર ગયા બોલતે હૈ; જો જંગમે જાન ગંવાતા હૈ ઉસે શહીદ હુવા કહતે હૈ! જા તૂ અપના કામ કર વર્ના... ....”

ચોવટીયો ચાલ્યો ગયો. એને લાગ્યું કે આવા દેશભક્તોની સાથે જીભાજોડી કરવી સારી નથી; ક્યાંક પોતે ‘શહીદ’ થઇ જાય!

નિર્મલજીતસિંહ સેખોનના હમણાં જ લગ્ન થયા હતા. ઘરમાં પાંચ ફીટ આઠ ઇંચ ઊંચી સંઘેડા ઉતાર પંજાબી સૌંદર્ય સલવાર-કમીઝમાં શોભતું, શરમાતું, પગમાં પાઝેબ ઝણકાવતું અને પળે-પળે પતિને લલચાવતું ઘૂમી રહ્યું હતું. ક્ષિતીજ ઉપર આવનારા સંતાનનુ સપનુ ઊગી રહ્યું હતુ. અને આ ત્રેવીસ વર્ષનો રાજકુમાર દેશના લલાટ ઉપર પોતાના રક્તનુ તિલક કરવા માટે થનગની રહ્યો હતો.

નિર્મલજીતસિંહે ઇન્ડિઅન એરફોર્સમાં ભરતી થવા માટે અરજી આપી દીધી. ઇન્ટર્વ્યુનો કોલ લેટર આવી ગયો. ઇન્ટર્વ્યુ લેવા માટે બેઠેલા કરડા આર્મી ઓફિસરોની પેનલ માંથી એકે પ્રશ્ન પૂછ્યો: “તુમ એરફોર્સ ક્યોં જોઇન કરના ચાહતે હો?”

નિર્મલજીતસિંહે મસ્તીમાં જવાબ આપ્યો, “બસ, મુઝે દો હી શૌખ હૈ; ઉડનેકા ઔર ઉડાનેકા.”

સરદાર ખુશ હુવા! બીજો પ્રશ્ન: “ પૂરે ખાનદાનમેં કભી કિસીને.......?”

“મેરે પિતાજી ફ્લાઇટ લેફ્ટનન્ટ થે.” નિર્મલજીતનુ મસ્તક ઉન્નત થયું.

ઓફિસરે અરજીમાં નજર કરી. ઉમેદવારનુ પૂરુ નામ વાંચ્યું. આંખોમાં ચમકારો થયો. અવાજમાં આશ્ચર્ય ઉમેરાયું, “ઓ યે! તૂ તરલોક સિંહ સેખોન દા પૂતર હૈ? મેરે યાર દા?”

“હાં જી, સર!” નિર્મલજીતે વિનમ્રતાપૂર્વક હા પાડી. ઓફિસર ખૂશ થઇ ગયા. એ વર્ષો પહેલાં તરલોકસિંહજીના ઘરે આવતા-જતા હતા. ત્યારે નિર્મલ નાનો હતો. આખો દિવસ કાગળના વિમાનો બનાવીને ઉડાડ્યા કરતો હતો. મહેમાને પૂછ્યું હતુ- “તને ગુડ્ડા-ગુડ્ડી સાથે ખેલવું પસંદ નથી?”

જવાબ ત્યારે પણ પિતાએ જ આપ્યો હતો: “અરે, યે તો શેરકા બચ્ચા હૈ; વો શેર કે સંગ હી ખેલેગા.”

સવાર્નુમતે નિર્ણય લેવાયો: “ઇસે રખ લેતે હૈ. વો અપને લિયે જીયેગા નહીં; દેશકે લિયે મરેગા.”

નિર્મલજીતને ઇન્ડિઅન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે પસંદ કરવામાં આવ્યા. 1967ના જુન મહિનાની ચોથી તારીખે એ ફરજ પર હાજર થઇ ગયા. મૂછોના આંકડામાં વધુ એક વળ ચડી ગયો.

ફરજના સાડા ચાર વર્ષ માંડ પૂરા થયા હતા, ત્યાં 1971નુ ભારત-પાકિસ્તાનનુ યુધ્ધ આવી પડ્યું. નિર્મલજીતસિંહ સેખોનને શ્રીનગર ખાતે સ્ક્વોર્ડન નં. 18માં ઇન્ડિઅન એરફોર્સ ની ‘ધી ફ્લાઇંગ બુલેટ્સ’ ના નામથી ઓળખાતી ટુકડીમાં સામેલ કરવામાં આવ્યા. એમના હાથમાં ફોલેન્ડ નેટ ફાઇટર વિમાનનુ સુકાન સોંપવામાં આવ્યું.

ચૌદમી ડિસેમ્બર, 1971ની નિર્ણાયક રાત આવી ગઇ. યુધ્ધના બે અઠવાડિયા પૂરા થઇ ગયા હતા. પાકિસ્તાનની લશ્કરી તાકાત તો ક્યારનીયે ખતમ થઇ ચૂકી હતી; ભારતની યુધ્ધ લડવાની ક્ષમતા પણ કિનારે આવી ગઇ હતી. વડાપ્રધાન શ્રીમતી ગાંધીનાં નાજુક દેહમાંથી વિરાટ ગર્જના બહાર પડી હતી જેના પ્રતાપથી પ્રેરાઇને ભારતના સૈનિકો ઢાકાના સીમાડા સુધી પહોંચી ગયા હતા; ત્યારે પાકિસ્તાને છેલ્લો ઘા મારવાનું વિચારી લીધું. કાશ્મિરના શ્રીનગર એરબેઝ ઉપર આક્રમણ કરી દીધું. એનો મક્સદ મેલો હતો: “જો શ્રીનગર એરબેઝ નષ્ટ થઇ જાય તો ભારતનુ પૂરુ ધ્યાન ઢાકા તરફથી હટીને કાશ્મિરને બચાવવા તરફ કેન્દ્રિત થઇ જાય.”

આવી કુટીલ વ્યુહરચનાના ભાગ રૂપે પાકિસ્તાન એરફોર્સના પેશાવર એરબેઝ પરથી સ્ક્વોર્ડન નં.26ના છ જેટલા એફ-86 સેબર જેટ વિમાનોએ શ્રીનગરની દિશામાં ઉડાન ભરી દીધી. પણ દુશ્મનો એ વાત જાણતા ન હતા કે તેઓ સાવઝની બોડમાં બકરીઓનું ઝૂંડ મોકલી રહ્યા હતા. આ લડાઇ હવે સેબર જેટ અને ફોલેન્ડ નેટ ફાઇટર વચ્ચેની લડાઇ ન હતી; પણ આ જંગ હવે ભારતના સપૂત નિર્મલજીતસિંહ સેખોન અને છ પાકિસ્તાનીઓ વચ્ચેની અસમાન ટગ-ઓફ-વોર હતી.

શત્રુઓ એરબેઝનો નાશ કરવા માટે લડવાના હતા. એમનો ઇરાદો ભાગીને જીવતા રહેવાનો હતો. સેખોનની તમન્ના જાતે મરીને દેશને જીતાડવાની અને જીવાડવાની હતી. કોઇ પણ યુધ્ધ શસ્ત્રોથી નહીં પણ ઇરાદાઓથી જીતાતું હોય છે.

એરબેઝ પર પ્રથમ બોમ્બ ઝીંકાયો એ સાથે જ ફ્લાઇટ લેફ્ટનન્ટ ઘુમ્મનની ત્રાડ સંભળાઇ: “નિર્મલ, મૈં અપના એરક્રાફ્ટ લેકર મોર્ચા સંભાલતા હૂં; તૂ મેરે પીછે આ નિકલ.”

બંને વચ્ચે થયેલો આ અંતિમ સંવાદ હતો. નિર્મલજીતે પોતાનુ ફાઇટર નેટ સંભાળ્યું પણ બોમ્બ પડવાના કારણે ઊડેલી ધૂળના વાદળમાં કશું જોઇ ન શકાયું. ફ્લાઇટ લેફ્ટનન્ટ ઘુમ્મનના વિમાન સાથેનો દૃષ્ટિ અને અવાજથી સંપર્ક છૂટી ગયો.

પણ નિર્મલસિંહની નજર તેજ હતી. ધૂળના ગોટાઓ વચ્ચેથી પણ એમણે સેબર જેટને જોઇ લીધું. કુલ છમાંથી બે સેબર જેટ સૌથી આગળ હતા. એમાંથી પહેલું શત્રુ વિમાન બોમ્બ વરસાવીને પછી બીજા રાઉન્ડના આક્રમણ માટે ચકરાવો લઇ રહ્યું હતું.

નિર્મલજીતે એને નિશાન બનાવ્યું. એમણે પહેલા વિમાનને તો તોડી જ પાડ્યું, પણ બીજા વિમાનનેય ઝપટમાં લઇ લીધું. એ બચવા માટે રાજૌરીની દિશામાં ઊડી ગયું. જો કે સેખોને એમાંથી ઊઠતી આગની લપેટોને જોઇ લીધી હતી. એને સંતોષ હતો કે બે વિમાનો તો ગયા; હવે કેટલા બાકી રહ્યા એ જાણવા માટે એણે પ્રયત્નો કર્યા.

ત્યાં જ એના વિમાન પર બોમ્બ ઝાંકાયો. વિમાન ડોલી ઉઠ્યું. બેઝ પરથી આદેશ સંભળાયો, “નિર્મલ સમ્હાલો! એરક્રાફ્ટ હિટ હો ચૂકા હૈ. ફૌરન નીચે આ જાઓ!”

સેખોને પોતાનું વિમાન શત્રુ વિમાનોની દિશામાં સીધું ઝોકારી દીધું. આગના ગોળાને આવતો જોઇને ચારેય સેબર જેટ્સ પીછેહઠ કરી ગયા. થોડી જ વારમાં સેખોનના વિમાનની પાંખો તૂટી પડી. વિમાનનુ સંતુલન હવે અશક્ય થઇ ગયું. સેખોને કૂદવા માટે પેરાશૂટ લઇને આખરી પ્રયાસ કર્યો, પણ એ જ વખતે ફાઇટર નેટમાં પ્રચંડ ધમાકો થયો અને એ જ્યાં બેઠા હતા એ હિસ્સાના ફૂર્ચે ફાર્ચા થઇ ગયા.

શોધ ટુકડીને સેખોનના વિમાનનો ભંગાર શ્રીનગર શહેર થી એરબેઝ તરફ આવવાના માર્ગ પર વિખેરાયેલો મળી આવ્યો. પણ પાયલોટ ઓફિસર નિર્મલજીતનો મૃતદેહ ન મળ્યો તે ન જ મળ્યો. કદાચ એમના દેહના નાનાં નાનાં ટુકડાઓ કાશ્મિરની પહાડીઓમાં વિખેરાઇ ગયા, ભળી ગયા હતા. એ આજ સુધી હાથ લાગ્યા નથી.

યુધ્ધ બે દિવસ પછી પૂરુ થયું. ઢાકા પડ્યું. પાકિસ્તાનના જનરલ નિયાઝીના દસ્તખત સાથે ત્રાંણુ હજાર શત્રુઓએ ભારતની શરણાગતી સ્વીકારી લીધી. દુનિયાના નકશામાં બંગલાદેશ નામના નવા દેશનો ઉમેરો થયો.

વૃધ્ધ તરલોકસિંહને શું મળ્યું? પુત્રનો મૃતદેહ ન મળ્યાનો અફસોસ. યુવાન પુત્રવધૂને મળ્યું જીવનભરનુ વૈધવ્ય. પણ આ બધાંને ભૂલાવી દે તેવું ગૌરવ એમને હવે મળવાનું હતું.

છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના હસ્તે ફ્લાઇટ પાઇલોટ નિર્મલજીતસિંહ સેખોનને મરણોતર પરમવીર ચક્ર જાહેર કરવામાં આવ્યો. ભારતની આઝાદીના ઇતિહાસમાં આજ સુધીમાં એરફોર્સના જવાનને પરમવીર ચક્ર એનાયત થયો હોય તેવી આ એક માત્ર ઘટના છે.

આપણે ભારતવાસીઓ તો આપણા હીરોના વખાણ કરીએ જ! એમાં શી નવાઇ!ખરી પ્રશંસા તો શત્રુ કરે એ કહેવાય.

પાકિસ્તાનના જે પાયલોટના પ્રહારથી સેખોનનુ વિમાન નાશ પામ્યું એ સલીમ બેગ મિર્ઝાએ એક લેખ લખીને વિગતે આપણા સાવઝની અઢળક પ્રશંસા કરી હતી. અંતમાં એણે લખ્યું હતું. “એ યુધ્ધ એકની સામે છતું યુધ્ધ હતું. હું સેખોનની બહાદૂરી, વિમાન ઉડાવવાની એની કુશળતા અને ઝઝૂમતા રહેવાના એમના ઝનૂનને પૂરા દિલથી બિરદાવું છું.”

(મિત્રો, 26મી જાન્યુઆરી નજીકમાં છે ત્યારે આ ભારતીય પરમવીરને યાદ કરીને આપણે આંખોને ભીની કરી લઇએ.)

(શીર્ષક પંક્તિ: ક્રાંતિકારી કવિ રામપ્રસાદ બિસ્મિલ.)

---------